બે બાળવાર્તાઓ – રમણલાલ સોની
[ શ્રી મધુસૂદન પારેખ દ્વારા સંપાદિત ‘રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] શોભા અને સંતોષ
રાજકુંવરી શોભા જેવી રૂપાળી તેવી જ ચતુર હતી. કહે કે મારી પરીક્ષામાં પાસ થાય તેને હું પરણું. કેટલાયે રાજકુંવરો એની પાસે આવી ગયા, પણ કોઈ એની પરીક્ષામાં પાસ થયો નહિ. ત્યારે રાજાએ જાહેર કર્યું કે રાજકુંવરીની પરીક્ષામાં પાસ થવા માટે રાજકુંવર હોવાની જરૂર નથી, કોઈ પણ માણસ આમાં ભાગ લઈ શકશે. મોટી સભા ભરાઈ. રાજકુંવરીએ સભામાં જાહેર કર્યું કે ‘જે ધનવાન હોય અને સાથે ગરીબ હોય, જે બળવાન હોય અને સાથે નિર્બળ હોય એવા વરને મારે વરવું છે. એવો વર નહિ મળે તો હું અહીંથી જ સંસારનો ત્યાગ કરી ચાલી જઈશ !’
સભામાં કેટલાયે રાજકુંવરો, શ્રીમંતો ને શાહસોદાગરો હાજર હતા. બીજા માણસો પણ ઘણા હતા. પહેલો ઊભો થયો મગધનો રાજકુમાર. તેના શરીર પર હીરામોતીનાં ઢગલો આભૂષણો હતાં. તેણે કહ્યું : ‘હું ધનવાન છું તેની સાબિતી આ હીરામોતી; હું બળવાન છું તેની સાબિતી એ કે મારી પાસે એક લાખ માણસનું લશ્કર છે.’ પછી થોડીવાર અટકીને કહે : ‘હું આવો ધનવાન અને બળવાન છું છતાં ગરીબ છું ને નિર્બળ છું. કારણ કે જગતનું સૌથી મોટું ધન અને સૌથી મોટું બળ જે આ રાજકુંવરી તે મારી પાસે નથી !’
આ સાંભળી સભાજનોએ ખુશ થઈ તાળીઓ પાડી. પણ રાજકુંવરી બોલી : ‘આ તો મારી ખુશામત થઈ, મારા પ્રશ્નનો જવાબ ન થયો !’
રાજકુમાર શરમાઈને બેસી ગયો.
પછી ઊભો થયો લાટ દેશનો રાજકુમાર. કહે : ‘મારી પાસે એટલું ધન છે કે મારા એકસો હાથીને મણ મણ સોનાના શણગારે સજાવવામાં આવે છે. હું એવો બળવાન છું કે મેં એકલે હાથે લડીને યવનોની ફોજને હરાવી કાઢી છે. સાથે સાથે હું નિર્ધન છું ને નિર્બળ પણ છું, કારણ કે મારી પાસે ગમે એટલું ધન હોય અને બળ હોય, પણ એ ધનનો કે બળનો કોઈ ભરોસો નહિ !’ ફરી સભાજનોએ તાળીઓ પાડી. પણ રાજકુંવરીએ કહ્યું : ‘આ તો તમે તમારી ભવિષ્યની કલ્પિત નિર્ધનતાની ને નિર્બળતાની વાત કરી ! જે ઈમારત હજી ચણાઈ નથી તેમાં રહેવા કેમ કરી જવાય ?’
લાટનો કુંવર શરમાઈને બેસી ગયો.
પછી ઊભો થયો એક પંડિત. માથા પરની ચોટલીની ગાંઠ રમાડતાં એ બોલ્યો : ‘હું ધનવાન છું, કારણ કે હું બધાં શાસ્ત્રોમાં પારંગત છું; હું બળવાન છું, કારણ કે હું ગુસ્સે થઈ શાપ દઈ શકું છું. સાથે સાથે હું ગરીબ છું ને નિર્બળ પણ છું. કારણ મારું ખિસ્સું ખાલી છે ને પેટ પણ ખાલી છે !’ વળી સભાએ તાળીઓ પાડી. પણ રાજકુંવરીએ કહ્યું : ‘તમારું ધન બેકાર છે અને તમારું બળ કોઈ તમને ગુસ્સે કરે તો જ તમે દેખાડી શકો છો. ટૂંકમાં તમે નથી ધનવાન કે નથી બળવાન !’
પંડિતજી ચોટલી પંપાળતા બેસી ગયા.
સભામાં સોપો પડી ગયો. હવે કોઈ ઊભું થવાની હિંમત કરતું નથી. બહુ વાર પછી દૂરના એક ખૂણામાંથી એક છોકરો ઊભો થયો. એના શરીર પર પૂરાં કપડાં પણ નહિ. સભાની વચ્ચે આવી એ ઊભો ને બોલ્યો : ‘હું ધનવાન છું, બળવાન છું, ગરીબ છું અને નિર્બળ પણ છું !’
રાજાએ કહ્યું : ‘એમ બોલવાથી કંઈ ન વળે, સાબિત કરી દેખાડવું પડે !’
જવાબમાં છોકરાએ ગજવામાંથી હથોડો ને સાણસી કાઢી કહ્યું : ‘આ રહ્યું મારું ધન ! આ ધનથી હું ધનવાન છું, એવો ધનવાન છું કે મારા ધનની સહાયથી હું બીજા અનેકને ધનવાન કરી શકું છું. હું ખેડૂતને હળ બનાવી આપું છું જેનાથી એ ખેતી કરી ધાન પકવે છે અને ધન પેદા કરે છે. હું રથના પૈડાના પાટા અને ઘોડાના પગની નાળ બનાવું છું. એનાથી યુદ્ધો જીતાય છે. આ મારું બળ છે. સાથે સાથે હું ગરીબ છું. મારો રોજનો રોટલો હું રોજ જાતે શ્રમ કરીને કમાઉં છું. હું નિર્બળ પણ છું કારણ કે હું વિનય વિવેક અને નમ્રતાને છોડી શકતો નથી અને ગુસ્સો કરી શકતો નથી.’ ચારે બાજુ તાળીઓ જ તાળીઓ થઈ રહી. ખુદ રાજાએ પણ તાળીઓ પાડી. પેલા રાજકુંવરોએ અને પંડિતજીએ પણ તાળીઓ પાડી. રાજકુંવરીના મોં પર પ્રસન્નતા હતી. હવે રાજાએ યુવાનને પૂછ્યું : ‘યુવાન, તારું નામ શું ?’
યુવાને કહ્યું : ‘મારું નામ સંતોષ.’
શોભાએ સંતોષની ડોકમાં વરમાળા પહેરાવી.
શોભા સંતોષને વરી.
[2] સાધુ વાણિયો
એક હતો વાણિયો. એ શ્રીમંત હતો, પણ કંજૂસ હતો. બીજાને ઘેર સત્યનારાયણની કથા વંચાય ત્યારે એ ત્યાં હાજર થાય, પણ ક્યારે ? પ્રસાદ વહેંચવાનો હોય ત્યારે ! આરતીમાં એ પૈસો મૂકે નહિ, પણ પ્રસાદ લેવાનું ચૂકે નહિ. કહે કે આરતીમાં પૈસો નહિ મૂકવાથી હું ગુનેગાર થતો નથી, પણ જો પ્રસાદ ન લઉં તો ભગવાનનો ગુનેગાર થાઉં છું. કથામાં મહત્વની ચીજ કથા નથી, પણ પ્રસાદ છે.’ કોઈકે પૂછ્યું કે તમને કથા પર આટલો ભાવ છે તો તમે તમારે ઘેર કદી કથા કેમ વંચાવતા નથી ? ત્યારે એ કહે કે, ‘ભાઈ, એવાં મારાં ભાયગ ક્યાંથી ? પેલા સાધુ વાણિયાનાં સાતે વહાણ મધદરિયે હતાં, તેમ મારાંયે સાતે વહાણ હજી ભરદરિયે છે.’
આમ જ્યારે ત્યારે એ સાધુ વાણિયાનું દષ્ટાંત આપતો, એટલે લોકો એને જ સાધુ વાણિયો કહેતા. આ સાધુ વાણિયાના ઘરની બરાબર સામે એક પાનનો ગલ્લો હતો. એકવાર કેટલાક માણસો એ ગલ્લા આગળ ઊભા ઊભા વાતો કરતા હતા. અચાનક સાધુ વાણિયાની વાત નીકળી. એક જણ કહે : ‘જો કોઈ આ સાધુ વાણિયાને ઘેર જઈ ચા પી આવે તો હું એને દસ રૂપિયા આપું !’ બાજુમાં એક ગામડિયો ઊભો હતો, તેણે આ સાંભળીને કહ્યું : ‘અને કોઈ રીતસર એનો મહેમાન બની એને ઘેર જમી આવે તો ?’
આ સાંભળી પાનવાળો બોલી ઊઠ્યો : ‘તો હું એને રોકડા સો રૂપિયા આપું ! છે તારામાં હિંમત ? હોય તો બોલ ! પણ સાથે એટલી શરત કે જો તું હારે તો તારે મને સો રૂપિયા આપવાના !’
ગામડિયાએ કહ્યું : ‘વાત ન્યાયની છે, મને એ કબૂલ છે.’ પાનવાળો અને બે સાક્ષીઓ ગલ્લા પર બેઠા ને પેલો ગામડિયો સાધુ વાણિયાના ઘર ભણી ચાલ્યો.
સાધુ વાણિયો ઘરની પડસાળમાં હીંચકા પર બેઠેલો હતો. ગામડિયાએ કહ્યું : ‘શેઠ, આપ તો બાર બંદરના વેપારી; હીરાની આપને જેવી પરખ તેવી બીજા કોઈને નહિ, એટલે હું આપની સલાહ લેવા આવ્યો છું કે મરઘીના ઈંડા જેવડા હીરાના કેટલા રૂપિયા ઊપજે ? તમે વેચી આપશો ?’
‘મરઘીના ઈંડાં જેવડો હીરો !’ સાંભળી સાધુ વાણિયો ચમક્યો. કહે : ‘અહોહો ! ઝવેરભાઈ કે ! ઘણે દિવસે પધાર્યા ! આપણો તો ત્રણ પેઢીનો ઘરોબો !’ આમ કહી વાણિયાએ ગામડિયાનો હાથ પકડી એને પોતાની જોડે હીંચકા પર બેસાડ્યો ને પત્નીને હુકમ કર્યો : ‘મહેમાન માટે ઝટઝટ ચા લાવો !’
ચા પીતાં પીતાં ગામડિયાએ પાનના ગલ્લા સામે જોઈ મૂછમાં હસી લીધું. તેણે વાણિયાને કહ્યું : ‘હેં શેઠ, મરઘીના ઈંડાં જેવડા હીરાના કેટલા પૈસા આવે ? હજાર ? બે હજાર ?’
વાણિયાને થયું કે સાવ ગમાર માણસ છે, એની પાસેથી હીરો મફતના ભાવે પડાવી લઈ લાખો કમાઈ લઉં ! આ હોંશમાં ને હોંશમાં એણે શેઠાણીને હુકમ કર્યો : ‘શેઠાણી, ઝવેરભાઈને લાપશી જમાડો આજે ! ઘણે દહાડે આવ્યા છે.’
ગામડિયાએ કહ્યું : ‘સીધો જ તમારે ઘેર આવ્યો છું, શેઠ ! આપણો ત્રણ પેઢીનો સંબંધ – તે એમ કરો ને ! કોળા બટાકાનાં ભજિયાં થાય તો થવા દેજો !’
વાણિયાએ કહ્યું : ‘થાય તો – શા માટે ? થશે જ ! લાપશી સાથે ભજિયાં ઠીક રહેશે.’
સમયસર રસોઈ થઈ ગઈ. સાધુ વાણિયો કહે : ‘ઝવેરભાઈ, જમવા પધારો !’ સાધુ વાણિયાએ ખૂબ તાણ કરીને મહેમાનને જમાડ્યા. જમ્યા બાદ મુખવાસ મોં માં નાખી મહેમાન કહે :
‘શેઠ, હવે હું જાઉં ! પેલા પાનના ગલ્લા પર જરી પાન ખાતો જઈશ.’
વાણિયાએ કહ્યું : ‘ઉતાવળ શી છે ? સોદો પતાવીને જજોને !’
ગામડિયાએ કહ્યું : ‘શાનો સોદો ?’
વાણિયાએ કહ્યું : ‘પેલા હીરાનો – મરઘીના ઈંડાં જેવડા હીરાનો !’
એકદમ જોરથી હસીને મહેમાને કહ્યું : ‘ઓહ, એની વાત કરો છો ! તે શેઠ, વાત એમ છે કે મારી ઘરવાળી સાથે મારે શરત થઈ છે કે મરઘીના ઈંડા જેવડો હીરો મને જડે તો મારે એનાં પિયરિયાંને જમાડવાં અને જો એને જડે તો એણે મારાં સગાંને જમાડવાં ! એટલે હું તમને પૂછવા આવ્યો હતો કે એક હીરામાંથી આટલાં બધાં માણસો જમી રહે ખરાં ?’
વાણિયાએ ચિડાઈને કહ્યું : ‘પણ હીરો ક્યાં છે ?’
મહેમાને કહ્યું : ‘કમબખ્ત હીરો હજી મને કે મારી ઘરવાળીને જડ્યો નથી !’
હવે વાણિયો સમજ્યો કે આ ગામડિયો મને બનાવી ગયો ને મફતમાં મારે ઘેર મિષ્ટાન્ન જમી ગયો. તે ગુસ્સે થઈ બોલ્યો : ‘બદમાશ ! તું આવી રીતે લોકોને ઠગે છે ! ચાલ કચેરીમાં !’ વાણિયો મહેમાનને રાજાની કચેરીમાં ખેંચી ગયો. કચેરીમાં ગામડિયાએ બનેલી હકીકત વર્ણવી કહ્યું : ‘હીરાના લોભે સાધુ વાણિયાએ મારું નામ ઝવેરભાઈ પાડ્યું, ને ત્રણ પેઢીનો અમારો સંબંધ બતાવ્યો. બાકી મારી સાત પેઢીમાં કોઈનું નામ ઝવેરભાઈ નથી અને સાધુ વાણિયાને મેં આજે પહેલી જ વાર જોયો ! મારી પાસે હીરો છે એવું મેં એને કહ્યું જ નથી. મેં તો માત્ર એટલું જ પૂછેલું કે મરઘીના ઈંડાં જેવડા હીરાનું શું ઊપજે ? આવું પૂછવું એ ગુનો ગણાતો હોય તો એની સજા ભોગવવા હું તૈયાર છું.’ આ સાંભળી આખી સભા હસી પડી. રાજાએ કહ્યું : ‘આમાં તો ખોટી ફરિયાદ કરવા માટે સાધુ વાણિયો ગુનેગાર ઠરે છે.’
સાધુ વાણિયો કરગરી પડ્યો. રાજાએ એને દયા કરી જતો કર્યો. સાધુ વાણિયો ગામમાં ફજેત ફજેત થઈ ગયો. શરત પ્રમાણે પાનના ગલ્લાવાળા પાસેથી સો રૂપિયા લઈ ગામડિયો મોંએ સીટી વગાડતો પોતાને ગામ જવા ચાલી નીકળ્યો.
Print This Article
·
Save this article As PDF
સુંદર બોધપાઠ આપતી વાર્તા.
ઉપરોક્ત કહેવાતી બાળવાર્તાઓ ખરેખર તો મોટા વાંચકો માટે પણ એટલી જ રોચક અને બોધદાયક લાગી.
આવા સુંદર વાંચનની રજુઆત બદલ આભાર અને અભિનંદન.
very beautiful short story. these stories gives some message to our society.
GOOD STORY.
JAY HO.
લોભિ માણસોને ધુતારા જ ઠગિ સકે
સરસ બાળવાર્તાઓ છે. મજા આવી.
ખુબ સુદર હતી એમાં વાણિયા વાળી ખુબ જ ગમી સુદર અતિ સુદર
છે બાળવાર્તા પણ મોટાઓને પણ વાંચવાની ગમે એવી છે.
બન્ને વાર્તાઓ ખુબ સરસ
બોધ મળે તેવી બંને વાર્તા.
સરળ ભાષામાં સુન્દર આલેખન
રમણલાલા સોની ની વાત જ ન્યારી.
આભાર મૃગેશભાઈ .
કીર્તિદા
સરસ વાર્તા.બંને વાર્તા વાંચવાની મજા આવી.
ખુબજ સરસ વાર્તા !!
ખુબજ સરસ……
બન્ને વર્તઓ બહુજ સરસ ચ્હે.
આભર્ પ્રનવ કરિઅ. ૨૧-૧-૨૦૧૧.
શેર ની મા
શેર ની માથે સવા શેર તે આનુ નામ્
બને વારતા ખુબજ સુન્દર્..
aa story ghani j sari chhe..
aa story pathi bodh mle 6e..
je hoy aema khush revu,vdhu lalach na karvu.
બ હુજ સ્ ર સ વાર્તા હ્તી …….
બહુ જ સારિ વાર્તા !!!!