પંચામૃત – ભૂપત વડોદરિયા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

[1] નાપાસ થવું પણ નાસીપાસ તો ન જ થવું….

ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા કંઈક આવી છે : લંડનમાં એક બેંકના વડા આતુરતાથી એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિની રાહ જોઈ રહ્યાં છે. બેંકના બધા કર્મચારીઓએ ઉદ્યોગપતિનાં ‘દર્શન’ કરવા તત્પર છે. ઉદ્યોગપતિ આવી પહોંચ્યાં. બેંકના સર્વોચ્ચ અધિકારીએ એમની આગતા-સ્વાગતા કરી. તેમણે કહ્યું : ‘સાહેબ, મને માફ કરજો ! આ એક વિધિ જ છે ! આપની સહી અહીં બેંકની કચેરીમાં મારી હાજરીમાં જ થયેલી હોવી જોઈએ એટલા ખાતર આપને તસ્દી આપવી પડી છે ! આ તો ખાલી વિધિ છે ! બસ, આપે અહીં સહી કરવાની છે ! હું આપનો કિંમતી સમય બગાડવા નથી માગતો ! આપ અહીં સહી કરો એટલે પત્યું !’

આમ કહી બેંકના અધિકારીએ ઉદ્યોગપતિને ફાઉન્ટન પેન આપી. ઉદ્યોગપતિએ કહ્યું : ‘તમારે મને ઈન્ડિપેન નહીં, સ્ટેમ્પિંગ પેડ આપવું પડશે ! મને સહી કરતાં નથી આવડતી ! હું તો મારા અંગૂઠાનું નિશાન આપી શકીશ….’ બેંકના અધિકારીએ માન્યું કે, શેઠ માત્ર મજાક કરી રહ્યાં છે ! આટલો મોટો માણસ-આટલો સફળ માણસ-એને શું સહી કરતાં ન આવડે એવું બને ખરું ? એટલે અધિકારીએ કહ્યું : ‘અરે સાહેબ, ઈટ ઈઝ એ ગુડ જોક ! પણ હું ન માનું કે આપને સહી કરતાં નથી આવડતી ! પ્લીઝ ! આપ જેવી ટૂંકી સહી કરતાં હો એવી સહી અહીં કરી આપો….!’

ત્યારે ઉદ્યોગપતિએ કહ્યું કે : ‘હું ખરેખર મજાક નથી કરતો, સાચું જ કહું છું કે, મને સહી કરતાં નથી આવડતી. પણ સાચી વાત એ છે કે, મને જો સહી કરતાં આવડતી હોત તો હું ઉદ્યોગપતિ બન્યો જ ન હોત ! હું તો પાદરી હતો. એક સામાન્ય પાદરી ! અને સુખી હતો ! પણ દેવળના વડાએ હુકમ બહાર પાડ્યો કે છ સપ્તાહમાં તમામ અભણ પાદરીઓએ લખતાં-વાંચતાં કે છેવટે પોતાની સહી કરતાં શીખી લેવું ! નહીંતર તમને છૂટા કરવામાં આવશે ! મારા હોશકોશ ઊડી ગયા. દિલ જ ભાંગી ગયું હતું. હું સહી કરતાં શીખી ન શક્યો. મને છૂટો કરવામાં આવ્યો. મારા માટે કોઈ રસ્તો જ રહ્યો નહીં. મેં પરચૂરણ ધંધો શરૂ કર્યો અને એમ કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગયો ! કોઈ કોઈ વાર તાજુબી થાય છે કે, હું આટલાં બધાં પગથિયાં કેઈ રીતે ચઢી ગયો….!’

ખુદ મોમની પોતાની જિંદગીમાં જ કંઈક જૂદું છતાં કંઈક આવું જ બન્યું હતું. સમરસેટ મોમ દાક્તર થયા, પણ દાકતરીમાં કાંઈ ઉદ્ધાર થાય એવું લાગ્યું નહીં. દાક્તર તરીકે એક ઈસ્પિતાલમાં જે એપ્રેન્ટિસશિપ કરી તેમાં તે અત્યંત ગરીબ દર્દીઓના પરિચયમાં આવ્યાં. પછી તેમણે ઝૂંપડપટ્ટીની એક છોકરીની જિંદગી પર એક વાર્તા લખી – લઘુનવલ ‘લીઝા ઓફ લેમ્બેથ.’ વાર્તા વિવેચકોએ વખાણી, પણ સમરસેટ મોમને ખાસ પૈસા મળ્યા નહીં. પછી નાટકો લખ્યાં. દસ વર્ષની મહેનત પછી તેમાં પાંચ પૈસા મળ્યા. પછી તો નવલકથાઓમાંથી પણ ખૂબ કમાયા. એવા ઘણાં દિવસો એમણે જોયા હતા કે જ્યારે થેમ્સ નદીની રેતીમાં બેસીને સાંજના ભોજન માટેનાં નાણાં ક્યાંથી ઊભાં કરવા તેનો વિચાર તેમને કરવો પડતો. વર્ષો પછી ખૂબ ધન કમાયા પછી એ પેરિસમાં ફ્રેન્ચ રિવિયેરાના પોતાના નિવાસસ્થાનમાં પત્રકારોને મળી રહ્યા હતા. એક પત્રકારે પૂછ્યું :
‘મિ. મોમ, તમારું આ ફર્નિચર, આ કિંમતી ચિત્રો, તેમાં આ પાણીના કૂંજા પાસે આવો કાચનો પ્યાલો ક્યાંથી ? પ્યાલામાં તો તિરાડ છે ! આ પ્યાલો અહીં શોભતો નથી !’
મોમે હસીને કહ્યું : ‘ખૂબ કમાઉં છું, વખણાઉ છું. મગજમાં નશા જેવું લાગે છે ત્યારે બહુ અભિમાન ચઢી જાય છે ત્યારે આ તિરાડવાળા ગ્લાસમાં કુંજામાંથી પાણી લઈને ધીમે ધીમે ઘૂંટડા ભરું છું અને વર્ષો પહેલાંના ગરીબીના એ દિવસો યાદ કરું છું કે, જ્યારે એક ટંક ભોજનના સાંસા હતાં !’

પણ સૌથી જે મહત્વની વાત સમરસેટ મોમે કહી હતી તે તો એ છે કે, દિલ રેડીને કોઈ પણ કામમાં લાગી જવું એ જ જિંદગીની ઉત્તમ દવા છે ! આપણે ‘લક્ષ્મી’ને, ‘સુખ-સાહ્યબી’ને માણસનું ‘સદભાગ્ય’ સમજીએ છીએ, પણ આ સંસારમાં પૈસાથી દૂર થઈ ન શકે એવાં દુઃખોની યાદી અનંત છે ! પણ ગમે તેવા સુખ દુઃખની વચ્ચે પણ જે માણસ કોઈક મનપસંદ કામ શોધીને આત્મવિશ્વાસનું છત્ર ઓઢી લે છે તેને સમજાઈ જાય છે કે, જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, નાસીપાસ તો ન જ થવું……!
.

[2] તમારી કિંમત સુધારવા-વધારવાનું તમારા હાથમાં છે….

માણસ ગમે તેટલો સામાન્ય હોય, તે પોતાની જાત માટે અસામાન્ય જ છે અને જે સામાન્ય માણસ પોતાની અસામાન્યતાની પૂરી કદર કરીને તેને સિદ્ધ કરવા મથે છે, તે માણસ પોતાનું જીવન એક સફળ યાત્રામાં પલટાવી શકે છે. તેને કોઈ કીર્તિ, નામના કે માનચાંદ મળે કે ન મળે, તેની કોટિ બદલાઈ જાય છે. તે એક ખાસ કક્ષામાં દાખલ થઈ જાય છે. એક સામાન્ય માણસ ગમે તેવા બંધનો વચ્ચે પણ પોતાની અંગત જીવનની આરઝી હકૂમત સ્થાપી શકે છે. આ આઝાદ હકૂમતના કર્તાહર્તા તરીકે તે જે કંઈ કરે, જે કંઈ વિચારે, જે કંઈ અનુભવે તેમાં તે પોતાનો ઊંચો નાદ પ્રગટ કરી શકે છે. આવી રીતે માત્ર પોતાના ‘ઘેરા રંગને’ કારણે કેટલા બધા સામાન્ય માણસોનાં નામ લોકવાયકામાં, સાહિત્યમાં કે ઈતિહાસમાં ગૂંથાઈ ગયા છે !

કોઈક સામાન્ય માણસે એવો પ્રેમ કર્યો કે તે પ્રેમની એક અમરકથાનો નાયક બની ગયો ! કોઈક માણસે એવી દોસ્તી બાંધી કે દોસ્તી એક દષ્ટાંત બની ગઈ. કોઈક માણસે પોતાના સાથીદાર પ્રત્યે એવી વફાદારી બતાવી કે એ અસામાન્ય વફાદારીને કારણે જ એ માણસનો એક સિક્કો પડી ગયો. કોઈકે અસામાન્ય માતૃભક્તિ દ્વારા, કોઈકે અસાધારણ ભ્રાતૃપ્રેમ દ્વારા, કોઈકે અનન્ય બલિદાનવૃત્તિ દ્વારા, કરૂણા કે દાનવૃત્તિ દ્વારા આવું ચરિત્ર નિપજાવ્યું છે. કોઈકે પોતાના હૈયાની ખુશી માટે ગમે તે ભોગ આપવાનું કે ગમે તેવું કાઠિન સાહસ ખેડવાનું પસંદ કર્યું અને તેની જિંદગીમાં હૃદયની શોભા ફેલાઈ ગઈ. માણસની જિંદગી એટલે ખરેખર શું ? બહુ જ લાંબો પટ એટલે ખરી જિંદગી ? બહુ જ પહોળો પટ એટલે શું સાચી જિંદગી ? માણસની જિંદગીમાં બેસુમાર બનાવો, તરેહ-તરેહના પ્રસંગો, એકદમ ચીલઝડપ એટલે શું ‘સમૃદ્ધ’ જિંદગી ? મોટો કારોબાર અને મોટી મિલકત એટલે શું દળદાર જિંદગી ? આવું તો કોઈ કહી જ નહીં શકે, કેમ કે ઘણાં માણસો નેવું કે એકસો વર્ષ જીવે છે અને આટલો લાંબો પટ પણ ખાલીખમ નદી જેવો જ નીવડે તેવું બને છે. કેટલાક માણસોએ પાંચ-દસ શહેરોમાં પોતાની જિંદગીનો પથારો કર્યો હોય તેવું બન્યું છે અને છતાં તેમાં તેમના વ્યક્તિત્વની કોઈ મોટી છત્રી ખૂલી નથી.

એટલે જેવું કિતાબના કદ અને વજનનું છે તેવું જ માણસની જિંદગીનું છે. કોઈક ચોપડી અસાધારણ કદની અને ભારે વજનદાર હોય અને તેની બાંધણી-પૂઠું મજબૂત હોય પણ અંદર કંઈ જ કસ ન હોય, એક ચોપડી નાનકડી હોય અને તેની અંદર ત્રણે કાળનું જ્ઞાન હોય ! દુનિયામાં આવી દૂબળી અને છતાં પાણીદાર કિતાબ પણ છે અને માત્ર પસ્તીવાલાનું જ માન પામે તેવા તગડાં ટીપણાં પણ છે. ચોપડી કેવડી મોટી કે કેવા કાગળમાં છપાઈ છે તેની કિંમત નથી, તેની અંદર શું છે તેનું મૂલ્ય છે. માણસની જિંદગીનું પણ એવું જ છે. માણસ પોતાની જિંદગીની કિતાબ જાતે લખે છે. તેની કહાણીનું એક કિસ્મત હોઈ શકે છે. આ કિસ્મત તેના હાથની બાબત નથી હોતી તેવી દલીલ મંજૂર છે, પણ આ કહાણી તો તેણે જ લખવાની છે. આપણે બધા આપણી પોતપોતાની જિંદગીની કિતાબ લખવા બેઠાં છીએ. કેટલાક પાત્રો અને કેટલાક પ્રસંગો આપણને બધાને સરખાં મળ્યાં છે. આ પ્રસંગને દરેક પોતપોતાની રીતે આલેખી શકે છે. દરેક માવજત જુદી-જુદી હોઈ શકે છે. કેટલાકે ઝેર પણ હસીને પીધું છે અને તેનું બયાન પણ એટલું જ હૃદયસ્પર્શી રીતે આલેખ્યું છે. બીજા કેટલાક સાધારણ દવાને પણ ઝેરની જેમ ધરે છે. એટલે માણસની જિંદગીનો પ્લોટ વિધાતાએ ઘડ્યો હોય તો પણ તેની કથા તો તમારે જ લખવાની છે.

તમારી જિંદગીનું બહારનું ખોળિયું એક ઝૂંપડી જેવું કે એક મહેલ જેવું હોઈ શકે છે. આ ખોળિયામાં વસનારો તમારો રામ ‘મોટો જીવ’ હોઈ શકે અગર ‘નાનું જતું’ હોઈ શકે. ઝૂંપડીમાં રહ્યા છતાં તમને સાચા માણસ અને મોટા માણસ ગણવામાં કોઈ વાંધો ન લે અને લાખો રૂપિયાના મહેલમાં રહેનારો એક કોડીની કિંમતનો ઠરે એવું બની શકે છે. તમારી કિંમત સુધારવા-વધારવાનું તમારા હાથમાં છે. તમારા સાચા મૂલ્યની આ વાત છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાકાસાહેબ : જીવનદર્શન – કિશોરલાલ મશરૂવાળા
મણિપુષ્પક – પ્રવીણ દરજી Next »   

10 પ્રતિભાવો : પંચામૃત – ભૂપત વડોદરિયા

 1. Kinjal Thakkar says:

  both are nice and inspiring.thanks….

 2. જગત દવે says:

  “નાપાસ થવું પણ નાસીપાસ તો ન જ થવું…. ” અભ્યાસમાં સામાન્ય હોય તેવા વિદ્યાર્થીઓ એ ખાસ યાદ રાખવા જેવું આ સોનેરી સુત્ર છે. આ પ્રકારનાં અભિગમને અપનાવવાથી તમારી નિષ્ફળતાઓ જ તમને સાચા દરવાજા સુધી લઈ જશે.

  “મારો હાથ ઝાલી ને લઈ જશે…મુજ શત્રુઓ જ સ્વજન સુધી”

 3. પહેલિ વાર્ત્ત સારિ ચે જીવન મા નાપાસ ભલે થાવ પણ નાસીપાસ ના થાતા
  ઘણા માણસો નિસફર્તા મેરવ્યા પચી મહેનત કરવાનુ મુકી દે ચે તેવા મણસો આગર નથી આવિ સક્તા જયારે કેટલાક સતત મહેનત કરતા રહે ચે અને ફર ની આસા નથી રાખ્તા તેવા લોકો જ આગર વધી સકે ચે

 4. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 5. sunil U S A says:

  અતિ સુન્દેર. આભાર

 6. MANISHA says:

  GAMYU………

 7. naresh says:

  it’s simply awesome………ખુબ સરસ્

 8. nayan panchal says:

  જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, નાસીપાસ તો ન જ થવું……!

  ચોપડી કેવડી મોટી કે કેવા કાગળમાં છપાઈ છે તેની કિંમત નથી, તેની અંદર શું છે તેનું મૂલ્ય છે.

  વધુ તો શું લખું ? આભાર મૃગેશભાઈ.

  નયન

 9. Bhalchandra says:

  This reminded me the Gandhiji’s statement. Once asked about the reason of British rule in India and inability of Indians to get rid of them, Gandhij replied, “We, Indians, apply half-heart efforts and relax. This delays our success. When the time comes for the results, we are afraid and become superstitious.” PLEASE NOTE: This does not apply to all of us now, but it was so true in 1915, when he made the statement. I use this as my MANTRA, as if he said of me!!

 10. mayur mehta says:

  heart touched
  inspiring

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.