- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

અજય-દેવનો ગણ – ડૉ. કમલેશ આવસત્થી

[જૂના ફિલ્મી ગીતોનાં – ખાસ કરીને મૂકેશનાં ગીતોનાં રસિયાંઓ માટે કમલેશ આવસત્થીનું નામ અજાણ્યું નથી. દેશ-પરદેશમાં એમના કાર્યક્રમો યોજાતા રહે છે. ‘મેરા જીવન સંગીત’ નામના આત્મકથાના પુસ્તકથી તેમણે ગુજરાતી લેખનક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમનું આ પુસ્તક ‘વન્સ-મૉર’ જીવનમાં મળેલાં પાત્રોની વાતો છે. આ કથાઓ સત્ય ઘટના પર આધારિત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘ઝીલ, શું કરે છે ?’ મેં અમારા ડ્રમ-પ્લેયર બિપિન સોલંકીને પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાંભળતાં જ બિપિનનું મોં પડી ગયું.
‘કમલેશભાઈ, તેની તબિયત સારી નથી.’
અમેરિકા સફળ ટૂર પતાવી અમદાવાદ પરત થયા બાદ ઘણા સમય પછી બિપિનને મળવાનું થયું. થોડા સમયથી તે અમારા વાદ્યવૃંદમાં દેખાતો નહોતો. હું તેને આગળ કંઈ પૂછું તે પહેલાં જ અમારા સંગીત-સંચાલક સંદીપ ક્રિશ્ચિયન બોલી ઊઠ્યા :
‘કમલેશભાઈ, તમને ખબર નથી ? ઝીલ તો થૅલેસીમિયા જેવી ગંભીર બીમારીનો ભોગ બની છે અને તેની સારવારનો ખર્ચ પણ આશરે પંદર લાખ જેટલો છે.’ તેની વાત પરથી જાણવા મળ્યું કે સંદીપ ક્રિશ્ચિયને તો કલાકારોને એકઠા કરી મદદરૂપ થવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા.

મારા મગજમાં આશરે બે વર્ષની ઝીલની છબી ઊપસી આવી. ઍરપૉર્ટ પર પપ્પાને જોતાં જ મમ્મીનો હાથ છોડાવીને તે તેમને વળગી પડી હતી.
‘પપ્પા ! પપ્પા ! તમે અમેરિકાથી મારા માટે શું લાવ્યા ?’ પૂછતાં પૂછતાં તે પપ્પાના ગાલોને ભીંજવતી રહી હતી. પહેલી નજરે જ વહાલી લાગે તેવી આ પરી જેવી પુત્રીને જોઈને પિતાનો બધો જ થાક પળવારમાં ઊતરી ગયો. આ દશ્ય મારા મનમાં કોતરાઈ ગયું અને હૃદયમાં વસી ગઈ આ નાનકડી ઝીલ. મંગળદાસ ટાઉનહૉલમાં રજૂ થયેલ તે દિવસના કાર્યક્રમમાં મારું ચિત્ત સતત ઝીલના વિચારોમાં જ પરોવાયેલું રહ્યું હતું. પ્રેક્ષાગારમાં મને ફક્ત ઝીલનો ચહેરો જ દેખાતો હતો. મારાથી અચાનક ગવાઈ ગયું :

‘દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મનમેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ તુને, કાહે કો દુનિયા બનાઈ ?’

બિપિનના જીવનમાં તકદીરે ક્રૂર મજાક કરી હતી. તેની અને વહાલસોયી પુત્રીને બચાવવા પિતાએ જે સંઘર્ષ કર્યો હતો તેની કથની આંસુભીના શબ્દો સિવાય લખી શકાય તેમ નથી. ઝીલ આશરે બે માસની થઈ હશે ત્યારે ન્યુમોનિયાનો તે ભોગ બની. નિદાન થયું કે તેના શરીરમાં લોહીની ઊણપ છે. આથી તેને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી થયું. હૉસ્પિટલમાં દાખલ થતાંવેંત જ તેની તબિયત થોડા કલાકમાં વધારે બગડી. અચાનક ઝાડા વાટે રક્તસ્ત્રાવ શરૂ થયો. આ ભયાનક દશ્ય જોતા પિતા બિપિન ગભરાઈ ગયો અને હૉસ્પિટલના ડૉક્ટરો અને લૅબોરેટરી વચ્ચે દોડાદોડી કરવા લાગ્યો. પૈસા પાણીની માફક વહેવા લાગ્યા. આર્થિક મુશ્કેલીને કારણે અન્ય કુટુંબીઓ પણ મુંઝાયાં. આમ ને આમ બે માસની હૉસ્પિટલની સારવાર બાદ ડૉક્ટરોએ પણ પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં. સૌએ આશા મૂકી દીધી. પરંતુ ઝીલનાં માબાપ જ માત્ર હતાં જેમણે છેક સુધી નિયતિ સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો. અંતે મુંબઈના જાણીતા ડૉક્ટર અગ્રવાલે ચોક્કસ નિદાન કર્યું કે ઝીલને થૅલૅસીમિયા છે અને ફક્ત સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન જ અંતિમ ઉપાય છે. સારવારના પંદર લાખ જેવા ખર્ચને પહોંચી વળવા સતત કાર્યક્રમો કરવા પડે. દર પચીસ દિવસે નવું લોહી ચડાવવું પડે અને માનસિક તાણ વચ્ચે દોડાદોડી તો ખરી જ. બિપિનની ગેરહાજરીમાં મિત્રો સતત ખડે પગે રહ્યા અને ઝીલને સંભાળતા રહ્યા.

ભલાનો ભગવાન હોય છે. આજના ગુજરાતી ચલચિત્રના નામાંકિત અભિનેતા ‘વિક્રમ ઠાકોર’ બિપિનની વહારે આવ્યા. ભૂતકાળમાં તે કી-બૉર્ડ પ્લેયર હતા અને ત્યાર બાદ ગાયક પણ બન્યા હતા. હવે તો વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મોમાં કાઠું કાઢ્યું છે. પોતાના મિત્રની પુત્રીની આવી હાલત જોઈ તેમણે ચૂપચાપ બે લાખ રૂપિયા જેવી રકમ બિપિનના હાથમાં સરકાવી દીધી. આ વાતને યાદ કરતાં બિપિનની આંખો આંસુથી છલકાઈ ગઈ. પ્રયત્નો કરવા છતાં પણ ઝીલની તબિયત દિવસે-દિવસે વધારે બગડતી ચાલી. અંતે એક દિવસ ડૉક્ટરોએ બિપિનને કહી દીધું :
‘હવે તમારી બેબીના આયુષ્યના થોડા જ દિવસો બાકી રહ્યા છે. તેને જે કોઈ ઈચ્છા થાય તે પૂરી કરવા પ્રયાસ કરવો.’ ડૉક્ટરોનું આ નિદાન બિપિન માટે વજ્રઘાત સમું નીવડ્યું. તે આસમાન તરફ જોઈ શૂન્યમનસ્ક બની ઊભો રહ્યો. ભગ્ન હૃદયે તેણે ઝીલને પૂછ્યું :
‘બેટા, તને શું ગમે ?’
કોણ જાણે કેમ, કાલીઘેલી ભાષામાં એ વહાલસોયી દીકરી બોલી ઊઠી : ‘પપ્પા, મને હાથી પર બેસારો ને !’ તે સમયે ઝીલ ટીવી પર ‘એનિમલ પ્લેનેટ’ જોઈ રહી હતી. જરા પણ વિલંબ વિના તેની ઈચ્છા પૂરી કરવા બિપિને તે માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા. અંતે અમદાવાદના રસ્તાઓ પર પોતાની બીમારીથી સાવ અજાણ ઝીલબહેન કોઈ રાજકુમારીની અદાથી હાથીની સવારીની મોજ માણી રહ્યાં હતાં.

થોડા દિવસો બાદ….
‘પપ્પા ! પપ્પા ! મારે અમિતાભ બચ્ચનને મળવું છે !’
‘બેટા, એ તો મુંબઈમાં રહે છે. અમદાવાદમાં એ ન મળે !’ ઝીલની જીદ સામે પિતા ફરી ઝૂકી ગયા અને અંતે મુંબઈની વાટ પકડી અને કેટલાય દિવસો સુધી આ બંને પિતા-પુત્રી અમિતાભના બંગલા સામે તેમને મળવાની આશાએ વરસતા વરસાદમાં પણ ઊભાં રહ્યાં, પરંતુ કમનસીબે ઝીલની અમિતાભને મળવાની ઈચ્છા પૂરી ન થઈ. નિરાશાનાં વાદળો વચ્ચે અચાનક એક આશાનું કિરણ ઊગી નીકળ્યું. બિપિનને કોઈ મિત્રની મારફત મુંબઈની ઑબેરૉય ચેમ્બરમાં ‘પૂજાજી મૅડમ’ નામની એક સન્નારીનો મેળાપ થયો, જેમણે અભિનેતા અજય દેવગનના સેક્રેટરી સાથે તેમની મુલાકાત કરાવી આપી. અજય દેવગન તે દિવસે ગોવામાં ‘ઑલ ધ બેસ્ટ’ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમને સેક્રેટરી-મહાશયે આ આખી વાત વિગતવાર કરી. ઘડીનોય વિલંબ કર્યા વગર અજય દેવગને બીજા જ દિવસે પોતાના બંગલે બંનેને બોલાવ્યાં.

વરસતા વરસાદ અને રસ્તા પરનાં કેડ સમાણાં પાણી વચ્ચે બીજા દિવસે તેઓ જૂહુ-સ્થિત અજય દેવગનના બંગલે પહોંચ્યાં. પુત્રીના મનમાં અજય દેવગન અને કાજોલને મળવાનો ઉત્સાહ હતો. જ્યારે પિતાના મનમાં વિષાદ હતો. બંને સ્ટાર દંપતીએ સરભરા કર્યા બાદ ઝીલની માંદગી વિશે વિગતવાર માહિતી માગી. હકીકત જાણતાં જ અજય દેવગને પોતાના ફૅમિલી ડૉક્ટર અવસ્થીને તરત જ ફોન જોડ્યો અને કેસ વિશેની ખરાઈ પણ કરી જ લીધી. અંતે તેમણે બિપિનને, જો મુંબઈમાં ઝીલનું ઑપરેશન કરાવે તો સારવારનો સંપૂર્ણ ખર્ચ આપવાનું વચન આપ્યું. આ બધી વાતોથી અજાણ આપણી વહાલી ઝીલ અજય દેવગનની દીકરી સાથે મસ્તી કરતી હતી તથા કાજોલ આન્ટી તેને લાડ લડાવતાં હતાં. મુલાકાત પૂરી થઈ. છૂટાં પડતી વેળા આ કલાકાર-બેલડી અનુકંપાભરી નજરે પિતાપુત્રીને જતાં જોઈ રહી. અંતે બે માસ બાદ 24 નવેમ્બર 2009ના દિવસે અમદાવાદમાં જ ઑપરેશન કરાવવાનો નિર્ણય લેવાયો. અજય દેવગન અને વિક્રમ ઠાકોરના સૂરમાં સૂર પુરાવતા હોય તેમ અમદાવાદના કલાકાર-મિત્રોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં તમામ કલાકારોએ નિઃશુલ્ક સેવા આપીને બે લાખ રૂપિયા જેવી મોટી રકમ એકત્ર કરી. આમાં બિપિનના હિંમતનગરના મિત્રોનો પણ સહયોગ સાંપડ્યો.

આખરે ઑપરેશનનો દિવસ આવી પહોંચ્યો. અતિવ્યસ્ત હોવા છતાં પણ અજય દેવગનને આ દિવસ બરાબર યાદ હતો, કારણ કે સૌના આશ્ચર્ય વચ્ચે આગલા દિવસે જ તેમણે મોકલેલ રૂપિયા દસ લાખનો ચેક બિપિનના હાથમાં હતો. ચેક મળતાં જ બિપિન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. કદાચ તેના આ રડવાનું કારણ ઝીલની બીમારી કરતાં પણ વિશેષ આ મતલબી દુનિયાના મહાસાગરમાં મળી આવેલ મોતી સમાન માનવોની લાગણી હશે, જેણે તેને ભીંજવી દીધો. અને આ સમગ્ર કિસ્સાનું પૃથક્કરણ કરતાં લાગે છે કે બિપિને તો પોતાના ગજા ઉપરવટ જઈને પિતા તરીકેનું કર્તવ્ય બજાવ્યું, સાથોસાથ વિક્રમ ઠાકોર અને કલાકાર મિત્રો જે બિપિન સાથે દોસ્તીના દોરથી બંધાયેલાં હતાં તેમણે પણ ફરજ બજાવેલી, પરંતુ એક ત્રાહિત વ્યક્તિ જે ફિલ્મ-ક્ષેત્રની છે, જ્યાં બધું જ આભાસી અને અવાસ્તવિક છે, લાગણી શબ્દ કદાચ જવલ્લે જ જોવા મળે તેવા વાતાવરણમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા કે બદલાની ભાવના સિવાય ફક્ત અને ફક્ત મદદ કરવાની જ ખેવના રાખનાર વ્યક્તિ મળી આવે તેનું મૂલ્યાંકન નતમસ્તકે વંદન કરીને જ કરી શકાય.

ચાર માસના લાંબા ગાળા બાદ ઝીલ હવે ઘરે પરત ફરી છે. તેનું હૃદય નિયમિત ધબકે છે, સતત ધબકતું જ રહેશે. કદાચ હવે બિપિન પણ જીવનભર ડ્રમ વગાડતો રહેશે, પણ પોતાની વહાલસોયી દીકરી ઝીલના હૃદયના ધબકાર સાથે તાલ મેળવવા.

‘જો આંસુ સારવાં છે તો કોઈના જખ્મ પર સારો,
છે શોભા એ જ ઝાકળની કે એ ફૂલો ઉપર વરસે.’
– ઓજસ પાલનપુરી.

[કુલ પાન : 120. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]