ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય

[જે પુસ્તકની પ્રસ્તાવના મહાત્મા ગાંધીજી અને કાકાકાલેલકર સાહેબે લખી હોય, જેનું સંપાદન સાહિત્યના આજીવન ભેખધારી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હોય અને લોકમિલાપ જેવા ટ્રસ્ટે જેનું પ્રકાશન કર્યું હોય તે પુસ્તકનો વળી પરિચય શું આપવો ? શ્રી નરહરિભાઈ પરીખ દ્વારા અનુવાદિત થઈને સંક્ષેપ રૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન કેવી રીતે ફેરવ્યું તેની સળંગ ગાથા છે. તેમાંનો એક લેખ આપણે બે વર્ષ અગાઉ માણ્યો હતો. આજે કેટલાક અન્ય પ્રકરણો જોઈએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણે દયાળુ ? આપણે સુધરેલા ?

પોતાને સુધરેલા કે દયાળુ માણસ ગણનારની વાત હું નહીં કરું, પરંતુ જેની બુદ્ધિ અને હૃદય સાવ બહેર ન મારી ગયાં હોય એવો અદના માણસ પણ આમ કેમ રહી જ શકે ? મનુષ્યમાત્રે જીવવા માટે જે જાતમહેનત કરવી આવશ્યક છે તે પોતાને કરવી નથી; અને જેઓ બિચારા જીવડો ટકાવવા માટે વલખાં મારી રહ્યા હોય છે તેઓની મજૂરી હોઈયાં કરી જઈને, અને પોતાની જરૂરિયાતો વધારીને આવી રીતે વલખાં મારનારાઓની ને વલખાં મારતાં મારતાં મરણશરણ થનારાની સંખ્યા તેમ જ તેમના પરનો બોજો વધારતા જવું, એ આવા માણસોનો ધંધો છે. આપણો કહેવાતો સુધરેલો સમાજ આવા માણસોથી ભરેલો છે. એટલું જ નહીં પણ આપણા સુધરેલા સમાજના માણસોનો તો આદર્શ જ એ છે કે બની શકે તેટલી સંપત્તિ વધારવી. એટલે કે, બને તેટલું ધન સંપાદન કરવું, જેથી કશું કામ કર્યા વિના સુખસગવડો ભોગવી શકાય, જીવનસંગ્રામમાંથી મુક્ત રહી શકાય અને એ સંગ્રામમાં મરી જતા પોતાના ભાઈઓની મજૂરીનો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકાય. લોકો આવા અજબ ભ્રમમાં શી રીતે પડ્યા હશે ?

પરમેશ્વર અથવા કુદરતનો કાનૂન, જેના વડે આ દુનિયા ચાલી રહી છે તે, સારો છે કે ખરાબ તે હું નથી કહેતો; પરંતુ આપણે એટલું જાણીએ છીએ કે પેલા નિર્જન ટાપુ ઉપર રોબિન્સન ક્રૂઝો જઈ ચડ્યો અને તેની જે દશા હતી તે દશામાં જ માણસ આ દુનિયામાં આવે છે. તે નગ્ન અને આશ્રયહીન હોય છે. તેને માથે છાયા માટે ઘર જોઈએ, તે એની મેળે તૈયાર થતું નથી. તેમ ખાવાને માટે ખોરાક જોઈએ, તે પણ ખેતરમાં એની મેળે પાકતો નથી. પોતાનું શરીર ઢાંકવા સારું કપડાં મેળવવા, માથે છાંયો મેળવી પોતાનું રક્ષણ કરવા અને દિવસમાં બે કે ત્રણ વાર પોતાના પેટનો ખાડો પૂરવા અન્ન મેળવવા તથા કામ ન કરી શકે એવાં નાનાં બાળકો અને વૃદ્ધોને પોષવા તેણે કુદરત સાથે સતત યુદ્ધ કરવાનું રહે છે.

લોકોનું જીવન તમે ગમે ત્યાં જુઓ – યુરોપમાં, ચીનમાં, અમેરિકામાં કે રશિયામાં – આખા સમાજનું જીવન જુઓ કે સમાજના કોઈ ભાગનું જીવન જુઓ; ગમે તે વખતનું જુઓ, બહુ પ્રાચીન કાળનું જુઓ કે આપણા સમયના – મોટરગાડીઓ, કારખાનાં, વીજળીના દીવા અને સુધરેલી ખેતીવાળા સમાજનું જુઓ, એક જ વસ્તુ બધે જણાશે કે લોકો સખતમાં સખત કામ કરે છે તોપણ તેમને પોતાને માટે અને તેમનાં બાળબચ્ચાં તથા ઘરડાં માતાપિતા માટે પૂરતો ખોરાક, સારો આશરો અને જોઈતાં કપડાં મળી શકતાં નથી; અને સેંકડો લોકો જીવવાના સાધનને અભાવે અને તે સાધન પ્રાપ્ત કરવા માટે કરવી પડતી અતિશય મજૂરીને લીધે, પ્રાચીન કાળની માફક જ આજે પણ મરે છે. સૃષ્ટિની ઉત્પત્તિથી આપણે માણસોને પોતાની જરૂરિયાતો માટે તનતોડ મહેનત કરતા, ભયંકર હાડમારી ભોગવતા, દુઃખો વેઠતા અને તે છતાં પૂરી જરૂરિયાતો નહીં મેળવી શકતા જોઈએ છીએ. વળી આપણે એ પણ જાણીએ છીએ કે આપણામાંનો દરેક, ગમે ત્યાં રહેતો હોય અને ગમે તે રીતે રહેતો હોય પરંતુ, દરરોજ, અરે પ્રતિક્ષણે, અન્ય માણસે કરેલી કોઈને કોઈ મજૂરીનો લાભ અનિચ્છાએ પણ ભોગવે છે. માણસ ગમે ત્યાં અને ગમે તે રીતે રહેતો હોય પણ તેનું ઘર અને તે ઉપરનું છાપરું કંઈ એની મેળે તો નથી જ ઊગતું; લાકડું કાંઈ ચાલી આવીને ચૂલામાં નથી પડતું; તેમ પાણી પણ એની મેળે દોડીને ઘરમાં નથી આવતું. વળી ખાવાનું, કપડાં અને જોડા કાંઈ આકાશમાંથી આવીને પડતાં નથી. વળી આ બધાં માટે ભૂતકાળમાં જ માણસોએ મજૂરી કરેલી હોય છે એવું પણ નથી. વર્તમાનકાળમાં પણ માણસોને મજૂરી કરવી પડે છે.

આ દુનિયામાં લોકો જાણે ભરદરિયે તોફાને ચડેલા અને પરિમિત ખોરાકવાળા વહાણમાં હોય તેવા છે. ઈશ્વરે અથવા કુદરતે બધાને એવી પરિસ્થિતિમાં મૂક્યા છે કે દરેક માણસે ખોરાકની કરકસર કરવી જોઈએ અને આફતમાંથી બચવા મહેનત કરવી જોઈએ. આપણામાંનો એક જણ પણ મજૂરી ન કરે, અથવા બીજાની મજૂરીનો દુરુપયોગ કરે, તો તેમાં આપણો અને આખી માણસજાતનો વિનાશ છે. દરેક માણસે મહેનત કરવી એ આવશ્યક અને સ્વાભાવિક છે. તેમાંથી મુક્ત થનાર અને પોતાનું કામ બીજા પાસે કરાવનાર ચોર અને દ્રોહી ગણાવા જોઈએ. ત્યારે, આપણા સંસ્કારી માણસોનો મોટો ભાગ, કશી મહેનત કર્યા વિના, ઠંડે કલેજે બીજાની મજૂરીનો લાભ લે છે અને પોતાની આવી જિંદગીને બહુ જ સ્વાભાવિક અને યોગ્ય માને છે, તેનું શું ?

જૂના વખતના શાસ્ત્રીપુરાણીઓ અને કર્મકાંડીઓ જેવા જ આપણે પણ છીએ. હજરત મૂસાની ગાદીએ આપણે ચડી બેઠા છીએ. સ્વર્ગની ચાવી આપણે હસ્તગત કરી છે, પણ નથી આપણે પોતે તેમાં દાખલ થતા, નથી બીજાને દાખલ થવા દેતા. આપણે, આજના વિજ્ઞાન અને કળાના કહેવાતા આચાર્ય, અઠંગ ધુતારા છીએ; આપણી પદવીને માટે, લુચ્ચામાં લુચ્ચા અને બદમાશમાં બદમાશ ધર્મગુરુ કરતાં આપણે ઓછા અધિકારી છીએ. આ ખાસ સ્થાનને માટે આપણે કોઈ રીતે લાયક નથી. આ સ્થાન આપણે બદમાશી કરીને કબજે કર્યું છે અને છેતરપિંડીથી નભાવી રહ્યા છીએ. આપણે આપણા ભાઈઓનાં લોહી પીએ છીએ અને તેમ છતાં આપણને દયાળુ, શિક્ષિત અને પ્રામાણિક માનીએ છીએ.

[2] એક જ ઉપાય

પહેલાંના વખતમાં લોકો બીજા પાસે જબરદસ્તીથી, એટલે કે તેમને ગુલામ રાખીને મજૂરી કરાવતા. આજે પૈસાને જોરે આપણે બીજાઓ પાસે મજૂરી કરાવીએ છીએ. આ પૈસો એ જ સર્વ અનર્થનું મૂળ છે. જે લોકો પાસે પૈસો છે તે દુઃખી છે, જે લોકો પાસેથી પૈસો છીનવી લેવામાં આવ્યો છે તે લોકો પણ દુઃખી છે. જે લોકો પૈસાનો દુરુપયોગ કરે છે તેમને તેમનાં હૃદય ડંખે છે. જે લોકો પાસે પુષ્કળ પૈસો છે અને જે લોકોને તેનાથી વંચિત કરવામાં આવ્યા છે તેમની વચ્ચે ઝઘડો થવાનો ભય છે. આમ પૈસો સર્વ અનર્થનું મૂળ હોવા છતાં આધુનિક સમાજની બધી ધાલાવેલી તે માટે છે. આખી દુનિયા એની પાછળ દોડાદોડ કરી રહી છે. જુદા જુદા દેશો અને રાજ્યો વચ્ચે પૈસા માટે દાવપેચ રમાય છે અને લડાઈઓ થાય છે.

શરાફો, વેપારીઓ, કારખાનાદારો તથા જમીનદારો પૈસા સારુ મથી મરે છે, પ્રપંચો રચે છે, દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. અમલદારો અને કારીગરો પૈસાને માટે ઝઘડા કરે છે, છેતરપિંડી રમે છે, જુલમ કરે છે અને દુઃખી થાય છે. અદાલતો અને પોલીસ પૈસાનું રક્ષણ કરવા માટે હોય છે. જેલો, સખત મજૂરીની સજાઓ અને કહેવાતી ન્યાયવ્યવસ્થાના બધા ત્રાસો એ સઘળું પૈસાને અર્થે છે. પૈસો સર્વ અનર્થનું મૂળ છે. આખી દુનિયા ધનની વહેંચણી કરવામાં અને ધનનું રક્ષણ કરવામાં મશગૂલ છે. પરંતુ આખો સમુદાય પોતાના મતથી વિરુદ્ધ પડ્યો હોય, ત્યાં એક માણસ શું કરી શકે ?

લોકમતમાં ફેરફાર થાય છે. પૈસો માણસ ઉપર જે સત્તા ધરાવે છે તેનો બચાવ કરનારી તર્કજાળનો નાશ થવો જોઈએ. પછી શું સ્તુત્ય ગણવું અને શું નિંદ્ય ગણવું એ બાબતમાં લોકમત બદલાશે અને જીવનમાં પણ તે પ્રમાણે ફેરફાર થશે. આ બાબત માણસે ઊંડા ઊતરીને વિચાર કરવો ઘટે છે. પછી આપણે શું કરીએ છીએ તે વિચારથી આપણને કમકમાં આવશે. કોઈ જુવાન માણસ દરરોજ નવું ખમીસ બદલે છે. આ ખમીસને નદી ઉપર કોણ ધુએ છે ? ધોબણ ધુએ છે – ગમે તેવી દશામાં તે બિચારી હોય, પેલા જુવાનની મા કે દાદી થવા જેટલી ઉંમરની હોય અને ઘણી વાર તો તે માંદી પણ હોય. આ જુવાન માણસને કેવો કહેવો ? ખમીસ તો જોઈએ તેવું ચોખ્ખું હોય છે, કેવળ પોતાના તરંગની ખાતર એને તે બદલે છે અને પોતાની મા થવા જેવી મોટી ઉંમરની સ્ત્રીને તે ધોવા આપે છે. પરંતુ શ્રીમંત લોકોનું તો આખું જીવન આવાં કેટલાંય કરતૂકોથી ભરેલું હોય છે. ઘરડાં, બાળકો તથા સ્ત્રીઓનું વૈતરું, બીજાઓએ પોતાની જિંદગીને જોખમે કરેલાં કામો – અને તે આપણે બીજું કાંઈક કામ કરી શકીએ એટલા માટે નહીં, પણ ચેનબાજી ભોગવી શકીએ તેટલા માટે – એ બધાંથી આપણું આખું જીવન ભરેલું છે. આપણે માટે કામ કરી કરીને લુહારો આંખો ખૂએ છે. મિલમાં કામ કરી કરીને માણસો ખવાઈ જાય છે અને સંચાથી તવાઈ જાય છે. દરજણોને ક્ષયરોગ લાગુ પડે છે. બધાં જ કામ તંદુરસ્તીને નુકશાન પહોંચાડીને અથવા જિંદગીને જોખમે કરવામાં આવે છે. આ વસ્તુને છુપાવવી અથવા ન જોવી અશક્ય છે. આ સ્થિતિમાંથી છૂટવાનો એક જ ઉપાય છે. જિંદગીને માટે અતિશય આવશ્યક હોય તેટલું જ બીજા પાસેથી લેવું અને જિંદગીને જોખમે, જિંદગીનો નાશ થઈ જાય ત્યાં સુધી પોતે ખરી મજૂરી કરવી.

એવો સમય તુરત આવશે, જ્યારે નોકરોનું પીરસેલું, અનેક વાનીઓવાળું ભોજન ખાવું એ શરમભરેલું ગણાશે; જ્યારે સુંદર ઘોડા જોડેલી ફટફટ દોડતી ફેટનમાં બેસવું, એટલું જ નહીં પણ પગે જવાય તેવું હોય ત્યાં સુધી ગાડીમાં બેસવું એ પણ, શરમભરેલું ગણાશે; બીજાંઓ મારે માટે કામ કરતાં હોય અને હું પિયાનો વગાડતો બેસું એ શરમભરેલું ગણાશે; જ્યારે અમુક લોકોને દીવાબત્તી અને બળતણ ન મળતાં હોય ત્યારે, બીજા લોકોએ કામ ન હોય ત્યારે પણ દીવા અને મીણબત્તીઓ બાળવાં એ શરમભરેલું ગણાશે. આ વિચાર ઉપર આપણે અનિવાર્ય રીતે અને બહુ ઝપાટાથી આવતા જઈએ છીએ. આ નવા જીવનને કિનારે આપણે ઊભા છીએ અને એ જીવનમાં પડવું એ લોકમત કેળવવા ઉપર આધાર રાખે છે. આવા પ્રકારના જીવનને પસંદ કરનારો લોકમત સ્થપાતો જાય છે. લોકમત સ્ત્રીઓ બાંધે છે, ખાસ કરીને આપણા જમાનામાં અબળાઓનું બળ વધારે છે.

[કુલ પાન : 80. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, પો.બો. 23. (સરદારનગર), ભાવનગર-364001. ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com તથા ફોન : +91 278 2566402.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીવા – ચન્દ્રકાન્ત બક્ષી
વિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી Next »   

11 પ્રતિભાવો : ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય

 1. dhiraj says:

  લિયો ટોલ્સટોય પ્રત્યે આદર છે પણ લેખ સમજવામાં ઘણું અધરું પડ્યું
  હું મારો સમાન જાતે ઉચકું, કુલી ને ના બોલવું તો મેં કુલી ની ગરીબી કેવી રીતે દુર કરી ગણાય ?
  મને બધું કામ આવડે કે મારી પાસે બધું કામ કરવાના સાધનો કે સમય વગેરે હોય તે શક્ય છે ?
  લગભગ ૬ મહિના થી મારા પોતાના ઘરે રીનોવેશન નું કામ ચાલે છે.
  કડિયા, ટાઈલ્સ વાળા , કલર કામ વાળા, પ્લમ્બર , સુથાર વગેરે બધાજ જોડે કામ કરાવ્યું.
  તે બધાજ ની આવક વ્યાજબી છે (દિવસ ના ઓછા માં ઓછા ૨૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ) જો થોડું સમજી વિચારી ને ખર્ચ કરે તો તે બધાજ આર્થિક રીતે સધ્ધર થઇ શકે તેમ છે પરંતુ તેમ છતાં તેઓ ગરીબી માં જીવે છે આમાં શિક્ષણ નો અભાવ અને તેનાથી પણ વધારે કારણ ભૂત કઈ હોય તો તે છે વ્યસન (બીડી,ગુટખા, દારૂ વગેરે)

  • AISHWARYANAND says:

   I am agree with Dhiraj
   Good collection…

  • Dipti Trivedi says:

   તમે જે રીતે કામ કરાવ્યુ તે યોગ્ય જ છે અને વ્યસનની વાત પણ ખરી પણ સમસ્યા જે છે તે લેખ પ્રમાણે શાહુકારો અને જમીનદારો જેવા શોષણખોરો ના વલણની લાગે છે——” મનુષ્યમાત્રે જીવવા માટે જે જાતમહેનત કરવી આવશ્યક છે તે પોતાને કરવી નથી; અને જેઓ બિચારા જીવડો ટકાવવા માટે વલખાં મારી રહ્યા હોય છે તેઓની મજૂરી હોઈયાં કરી જઈને, અને પોતાની જરૂરિયાતો વધારીને આવી રીતે વલખાં મારનારાઓની ને વલખાં મારતાં મારતાં મરણશરણ થનારાની સંખ્યા તેમ જ તેમના પરનો બોજો વધારતા જવું”

 2. Krutika says:

  i fully agree with dhirajbhai. Not to waste resources is definitely a virtue and not hoarding things is also equally important, but if shirt is not given for washing than how will the washerwoman earn her bread. Mills, Tailoring activities etc. are instrumental in giving bread to so many mouths.

  One more reason why certain ppl cannot come up from poverty is that each family has more mouths to be fed than their earnings. i think restriciting the number of children these families have is more important to bring them out of poverty.

  Secondly, if one like playing piano – its ok even if his/her food is grown by someone else or his/her clothes are washed by someone else. Can we say that musicians / singers / artists are not doing any value addition to the socoiety??

 3. જગત દવે says:

  સુજ્ઞ વાચકો ને માલુમ જ હશે કે…..લિયો તોલ્સતોયનો જીવન સમય ૧૮૩૮ થી ૧૯૧૦ નો છે અને ઉપર લખેલા વિચારો તેમણે તે સમય મુજબ રજુ કર્યા છે. આ સમય ગાળા દરમ્યાન જ સમાજવાદની આંધી રશિયા અને યુરોપનાં દેશોમાં ફેલાયેલી. અને તેઓ પણ એ જ વિચારોનાં પ્રભાવમાં આવ્યા હોય તેવું બની શકે છે.

  આજનાં સમયમાં અમુક વિચારો કદાચ પ્રસ્તુત ન હોય તેમ બની શકે છે…. ગાંધી વિચારોની જેમ જ.

  ગાંધીજી પર પણ લિયો તોલ્સતોયનાં વિચારોની અસર હતી અને અહિંસક ક્રાંતિની પ્રેરણાં લિયો તોલ્સતોયનાં “A Letter to a Hindu” પરથી લીધી હતી.

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   આપે લિયો ટોલ્સ્ટોયનો સમયગાળો ૧૮૩૮ થી ૧૯૧૦ સુધીનો બતાવ્યો છે.
   ઉપરોક્ત સમયગાળા દરમ્યાન રશિયામાં ઝારનું શાસન હતું અને સમાજવાદની કોઈને ખબર પણ ન્હોતી.
   ૧૯૧૭માં વ્લાદિમીર લેનીન ના નેતૃત્વમાં રશિયામાં સમાજવાદી ક્રાંતિ થઈ અને સોવિયત રશિયાનો જન્મ થયો.
   લેનિનેના બાદ સ્ટાલિનના નેતૃત્વમાં સમાજવાદીની આંધી દુનિયા આખીમાં વ્યાપી ગઈ.

   • જગત દવે says:

    જયભાઈઃ

    કાર્લ માર્ક્સનું ‘દાસ કેપિટલ’ ૧૮૬૭માં પ્રકાશિત થઈ ચુકેલું અને રશિયામાં પણ સમાજવાદી પવન ફુંકાવા લાગેલો. ૧૯૧૭માં વ્લાદિમીર લેનીન ના નેતૃત્વમાં રશિયામાં સમાજવાદી ક્રાંતિ થઈ એ વાત સાચી પણ ક્રાંતિનાં જન્મ પહેલાંની પ્રસુતિ પીડા બહુ લાંબી હોય છે તેનાથી તો આપ સુપરીચિત જ હશો. લિયો તોલ્સતોય પર તેની અસર હોવાની શક્યતા છે.

    ભારત કદાચ આવા જ એક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. (કાશ….)

 4. KK says:

  The main intention is that each person has to try to be self sufficient and at the same time keep money that is just enough to survive (means not to aim very luxurious life). Sure, we do not have all the skills and that time you will get paid help but that time also rather than negotiating too much, may try to evaluate real labor and pay generously. I agree that labour people have more habits of smoking or drinking and that is not right. Also, 200 rupees a day income in this time is not great when their family have more members.

 5. Anila Amin says:

  લિયો ટોલ્ટોયને સમજવા માટૅ એક આગવી દ્રષ્ટિ જોઇએ. એમને બહુજ સારી., સાદી અને સ્પષ્ટ ભાષામા સમજાવ્યુ છે

  એમને જગત ભાઈએ કહ્યુ એમ સમયના સન્દર્ભમા સમજવાનો પ્રયત્ન કરી શકાય,મને સાથે સાથે કહેવાનુ મન થાય છે કે,

  “જ્યા જ્યા નજર મારી પડે ત્યા ત્યા ભૂત આ ભ્રષ્ટાચારનુ,

  ખોળિયુ ખાઈ રહ્યુ, કૅન્સર આ ભ્રષ્ટાચારનુ.” —- આવા સન્જોગોમા લિયોના વિચારોને કોઇક વિરલાઓજ પોતાના

  જિવનમા સ્થાન આપી શકે.

  આજના બન્ને લેખો જીવન ધડતરને ઉપયોગી થઈ પડૅ એવા છે. ભાગ્યેજ વિદ્યાર્થી જીવનમા ઊપનિષદના પાઠ ન ભણાવ્યા

  હોય એવુ બન્યુ હોય , પછી ભલે એ માતા પિતા કે ગુરુ હોય. હા, કદાચ નીતિ અને સદાચારના પાઠ ભણાવવા માટૅ જોઇએ

  એટલો સમય નહી ફાળવી શક્યા હોય, પણ કયાક તો કાચુ જરૂર કપાયુ છે કે આત્યારે પરિથિતિ આટલીબધી વણસી

  ગઈછે.મનેતો લાગે છેકે અત્યારે સન્સ્કારો કરતા આજુ બાજુ ના પરિબળોની અસર માનવ જીવન ઉપર વધારે થઈ રહી છે

 6. neela shah says:

  this article really requires thinking,,,,, but one will know its depth when will be in similar situation.but all we need to b a good human being,,,,,, and feel the pain of the troubled ones,

 7. Bihag says:

  @ Jagat Dave & Jay Patel

  ૧૮૪૦-૧૮૫૦ ના જમાનામાં સમાજવાદ એક સદંતર નવો વિચાર હતો. એ વખતે સમાજવાદી હોવું એ સુધારાવાદી હોવું ગણાતું, પણ સમાજવાદ ફક્ત વૈચારિક રુપે અસ્તીત્વમાં હતો. ૧૯૧૭ માં જે ક્રાન્તિ થઇ એ “સામ્યવાદી” હતી.. Communism (સામ્યવાદ્) એ Socialism (સમાજવાદ) થી અલગ જ વિચારસરણી છે.પરંતુ બન્ને ના વિચારો માં ઘણી સમાનતા છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.