વિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી

[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘વિદ્યાર્થી ઉપનિષદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સંસ્કાર ગ્રહણ કરવાનો સમય : આખા જીવનમાં વિદ્યાર્થીજીવનનો કાળ ખૂબ આનંદનો અને સુખનો માનવામાં આવે છે. માણસ મોટો થયા પછી દુનિયાદારીની અનેક આપત્તિઓ અને મુશ્કેલીઓથી ત્રાસે છે, ત્યારે તેને પોતાની વિદ્યાર્થી દશા યાદ આવે છે…. આ અવસ્થા અત્યંત મહત્વની છે. આ જ કાળમાં જે સંસ્કાર અને જે ટેવો પડે છે તે આખી જિંદગી માણસમાં ટકી રહે છે. તેથી આ કાળ મને કેવળ આનંદ અને બેફિકરપણાનો ન લાગતાં જીવનમાં જરૂરી એવાં ઉચ્ચ શિક્ષણ તથા સંસ્કાર મેળવવાની અને સારી ટેવો પાડવાની દષ્ટિથી ઘણો મહત્વનો લાગે છે. આ જ કાળમાં તમે એ જીવનનું મહત્વ સમજો તો આજની તમારી ચાલુ વિદ્યાર્થી દશામાં જ તમે પોતાના ભવિષ્યના જીવનનો પાયો નાખી શકશો.

[2] શ્રેષ્ઠ પુરુષોનાં ચરિત્રોમાંથી બોધ : સારા સંસ્કાર મળવાની સગવડ તમને આજે ક્યાંય ન દેખાતી હોય તો તમે મહાન પુરુષોનાં ચરિત્રો તથા સારા ગ્રંથો વાંચો, તેનું મનન કરો. અને તે પરથી યોગ્ય બોધ ગ્રહણ કરો. આપણને સારું શિક્ષણ અને સંસ્કાર આપનારું કોઈ નથી એમ માની નિરાશ થઈને બેસી ન રહો. સારા થવાની તમને ઈચ્છા હોય તો તમે પોતે જ ઉત્સાહપૂર્વક સારા સંસ્કારો પ્રાપ્ત કરવા મંડી પડો. તમારા અંતરમાં જો સદિચ્છા પ્રગટે તો ચાલુ સ્થિતિમાંથી પણ તમને રસ્તો મળશે. તમારી ઈચ્છા પ્રબળ હશે, તમારો સંકલ્પ દઢ હશે, તો પરમાત્મા પોતે તમારો માર્ગદર્શક બનશે. તમારા માર્ગમાં નડતા અંતરાયો દૂર કરવાનું સામર્થ્ય તે તમને આપશે…. તમારે આ બાબતમાં કદી પણ આળસ કે કંટાળો ન કરતાં હંમેશાં ઉત્સાહી અને પ્રયત્નશીલ રહેવું જોઈએ.

[3] સારાનરસા સંસ્કારોનાં પરિણામ : સારામાં સારા સંસ્કારો પ્રાપ્ત કરવાનો તમારે માટે આ જ કાળ છે અને ખરાબ ટેવો પાડીને જીવનને કુમાર્ગે ચઢાવવાનોય આ જ કાળ છે. કઈ વાતનું શું પરિણામ આવશે એ સમજવાની શક્તિ આજે તમારામાં નથી; તેમ જ કોઈ પણ બાબતના પરિણામનો દીર્ઘદષ્ટિથી વિચાર કરવા જેટલી સૂક્ષ્મતા અને પ્રગલ્લભતા આજે તમારી બુદ્ધિમાં આવેલી નથી. તમે પોતે આજે સારાનરસાનો વિચાર કરી શકો તેમ નથી, તેથી જે વસ્તુઓ મહાપુરુષોએ માન્ય કરેલી છે, સંત સજ્જનોએ જે વસ્તુઓને મહત્વની ગણી છે તેને જ તમે અપનાવો. સજ્જનોને તમે તમારા જીવનના માર્ગદર્શક બનાવો; તેથી તમારામાં સંયમ અને પુરુષાર્થ બંને આવશે. વખત જતાં તમારી ઉંમર અને અનુભવ વધશે એટલે તમારામાં વિવેકની વૃદ્ધિ થશે અને તે વિવેક જ આગળ જતાં તમને સારાનરસાના નિર્ણયમાં સહાયભૂત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. પછી પોતાના માર્ગમાં તમારે કોઈને પૂછવાપણું નહીં રહે.

[4] નિશ્ચય, નિર્દોષતા અને સૌંદર્ય : કાયા, વાચા અને મનથી નિર્દોષ રહેવાનો તમારે આજથી જ નિર્ણય કરવો જોઈએ; કારણ આજની તમારી નિર્દોષ અવસ્થામાં જ તમે પવિત્ર નિશ્ચય કરી શકો છો. એક વાર તમે નિશ્ચય કરો એટલે પછી કોઈ પણ સ્થિતિમાં તે પાર પાડવાની શક્તિ તમારામાં જાગૃત થયા વગર નહીં રહે. પણ નિશ્ચયને અંગે ત્રણ મહત્વની બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. નિશ્ચયની બાબતમાં તમારે હંમેશ પ્રામાણિક, પ્રયત્નશીલ અને સાવધ રહેવું જોઈએ. આ ત્રણમાંથી એક પણ બાબત તરફ તમે દુર્લક્ષ કરશો તો તમારો નિશ્ચય પાર નહીં પડે. દરરોજ પરિશ્રમ કે વ્યાયામ કર્યા વગર આપણને જમવાનો અધિકાર નથી એમ તમારે સમજવું જોઈએ. કોઈ પણ વ્યસનનો જરા સરખો ચેપ તમારે પોતાને કદી ન લાગવા દેવો જોઈએ. આખી જિંદગી વ્યસનથી મુક્ત રહેવું હોય તો તે વિશે તમારા ચિત્તમાં તીવ્ર નિષેધની ભાવના સતત જાગૃત રહેવા દો…. શરીર નીરોગી, મજબૂત, પ્રમાણસરનું, ચંચળ અને સ્ફૂર્તિલું રાખો એટલે તેમાં જ બધું શારીરિક સૌંદર્ય આવી જશે. તમારા શરીરમાં શુદ્ધ લોહી ફરવા દો એટલે તે કાન્તિવાળું દેખાશે. આમાં જ ખરું સૌંદર્ય અને પૌરુષ છે.

[5] વાચાશુદ્ધિ અને ક્રિયાશુદ્ધિ અંગે સાવધપણું : નિંદા, કપટ, દ્વેષ, અસત્ય, અપ્રામાણિકતા, છેતરપિંડી એ બધા દોષો તમારી વાણીમાં કદી ન આવવા જોઈએ. તેમાં મૃદુતા, મધુરતા અને સત્યતા સહેજે હોવી જોઈએ. તમારા શબ્દોમાંથી નિરાધારને આધાર, વિચારહીનોને વિચાર અને અજ્ઞાનીને જ્ઞાન મળવું જોઈએ. અને ઉદ્દામ, ઘાતકી અને દુરાચારી લોકોને જેથી ડર લાગે અને તેઓ પસ્તાવો કરવા પ્રેરાય એવું સામર્થ્ય તમારા શબ્દોમાં હોવું જોઈએ…. ગુણોનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો પડે છે, જ્યારે દોષો કેવળ દુર્લક્ષ કરવાથી વધે છે…. તમારા બોલવામાં, ચાલવામાં, હસવામાં કોઈ પણ રીતે અતિશયતા કે બીજો કોઈ દોષ ન આવવો જોઈએ. તમારા વિનોદમાં હૃદયનું માધુર્ય, પ્રેમ અને જ્ઞાનનો સુંદર મેળ હોવો જોઈએ. જેનો તમે વિનોદ કરો તેને પણ તેથી આનંદ થવો જોઈએ, અને દુઃખ તો કદી ન થવું જોઈએ… તમને સંગીત ન આવડે તોય ચાલે; કારણ સંગીત તેટલા વખત પૂરતું મધુર લાગે છે. પરંતુ તમારા હંમેશના બોલવામાં જ તમે માધુર્ય રેડી શકો તો તેમાંથી જ તમારી વાચાશુદ્ધિ અને મનઃશુદ્ધિ હંમેશ પ્રગટ થતી રહેશે…. પોતાના વિચારો યોગ્ય રીતે બીજા આગળ રજૂ કરવાની અને તેમને ગળે ઉતારવાની કળા તમારે અત્યારથી જ કેળવવી જોઈએ. મુખદુર્બલતા કે શરમાળપણું, બીકણપણું કે સંકોચશીલતા તમારામાં ન હોવી જોઈએ. તમારામાં સભાક્ષોભ ન હોવો જોઈએ, સ્પષ્ટ બોલવાની હિંમત હોવી જોઈએ પણ ઉદ્ધતાઈ કે અવિવેક ન હોવો જોઈએ. તમારા બોલવાનો કોઈને કંટાળો કે તિરસ્કાર ન આવવો જોઈએ. તેથી પરિમિત, વ્યવસ્થિત અને પ્રસંગોચિત બોલવાની તમારે ટેવ પાડવી જોઈએ. બીજાઓને કંટાળો આવે તે પહેલાં તમારે પોતાની વાણીને રોકવી જોઈએ… તમે પોતે સદગુણી થાઓ તોય બીજાને કદી પણ હીન ગણશો નહીં. પ્રેમથી બધાને પોતાના કરવાની વૃત્તિ તમારામાં હોવી જોઈએ.

[6] રસનેન્દ્રિયની શુદ્ધિ : આરોગ્યની દષ્ટિથી ખોરાકમાં સારો સ્વાદ લાગવો બહુ જ જરૂરી છે, અને તે સ્વાદ લઈ શકાય તે માટે આપણી રસનેન્દ્રિય ઘણી નીરોગી અને તીક્ષ્ણ હોવી જોઈએ. પણ આપણે તેમ ન કરતાં ઊલટું ખાવાના પદાર્થોમાં અનેક તીવ્ર દ્રવ્યો નાખીને તેને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન અનેક દષ્ટિથી અનિષ્ટકારક હોવા છતાં આપણે તે જ ચાલુ રાખીને આપણી રસેન્દ્રિયની શક્તિને ક્ષીણ કરીએ છીએ. આવી ખરાબ ટેવોમાં તમે ન પડતાં યોગ્ય પરિશ્રમ અને વ્યાયામ વડે પોતાની હોજરી સારી રાખજો. તેની પાચનશક્તિ સતેજ રાખજો.

[7] પહેરવેશની બાબતમાં વિવેક : કપડાંની સુંદરતા કરતાં તેમના કીમતીપણા કરતાં, સાદાઈ અને સ્વચ્છતાને તમારે મહત્વ આપવું જોઈએ. કપડાંનો વિચાર કરતી વખતે પોતાના દરરોજના ધંધાની સગવડની તેમ જ આરોગ્ય, સાદાઈ ને આર્થિક સ્થિતિ વગેરેની દષ્ટિથી તમે વિચાર કરજો. કપડાંથી પોતાની જાત શણગારી શોભા લાવવાનો અને મોટાઈ મેળવવાનો પ્રયત્ન બુદ્ધિહીન અને મૂર્ખ માણસ પણ કરી શકે. એટલું જ નહિ, પણ એ જ એવો પ્રયત્ન કરે. પણ તમારા જેવાઓએ પોતાના નીરોગી, મજબૂત અને સુડોળ શરીરથી, તેમ જ બૌદ્ધિક અને માનસિક સદગુણો વડે સુશોભિત થવાની મહત્વાકાંક્ષા રાખવી જોઈએ. કપડાંની તેમ જ તમારા ઘરમાંની અને બહારની રહેણી પણ સાદી અને વ્યવસ્થિત હોવી જોઈએ. તમારું આખું જીવન વ્યવસ્થિત હોવું જોઈએ. પોતાની બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખવાની તેમ જ તે સારી રીતે વાપરવાની તમને ટેવ હોવી જોઈએ. દરેક બાબતમાં શિસ્તથી વર્તવાનો તમારો સ્વભાવ બનવો જોઈએ. કામ કરવામાં નિયમિતપણું સાચવજો. બોલેલું વચન અને માથે લીધેલું કામ વખતસર પૂરું કરવાની બાબતમાં હંમેશ દક્ષ રહેજો.

[8] અન્યાય-પ્રસંગે કર્તવ્ય જાગૃતિ : તમે કદી પણ કોઈને અન્યાય કરશો નહીં; તેમ જ કોઈનો અન્યાય સહન પણ ન કરતા. તે જ પ્રમાણે બીજા પ્રત્યે કોઈ અન્યાય કરતો હોય તો તેપણ તમારાથી સહન ન થવો જોઈએ, અને શક્ય તેટલા પ્રયત્નથી તમારે તે અન્યાયનો પ્રતિકાર કરવો જોઈએ.

[9] પરિશ્રમનું મહત્વ : શારીરિક પરિશ્રમનો તમને કદી કંટાળો ન હોવો જોઈએ. તેમાં તમને નાનમ ન લાગવી જોઈએ. પરિશ્રમ ન કરવો એ દુર્બળતાનું અને ખોટા અહંકારનું લક્ષણ છે એમ તમે માનજો. આયતું ખાનારા અને બીજાની મહેનત પર સુખ અને સ્વાસ્થ્યની ઈચ્છા કરનારા લોકો દીઠે જોરાવર લાગે, તોપણ મનથી તેઓ દુર્બળ છે એમ ચોક્કસ માનજો….. તમે પોતાનું શરીર, બુદ્ધિ, મન અને વાણી પવિત્ર રાખજો. તમને તમે યોગ્ય ટેવો પાડો અને કોઈ પણ બાજુથી દોષ સાથે સંબંધ ન આવવા દો તો તમારા જેવા નસીબદાર બીજા કોઈ નથી એમ માનજો.

પરમાત્મા તમારા શુભ હેતુમાં તમને સદૈવ સહાય થાઓ…

[કુલ પાન : 125. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય
વિનોબાની વાણી – સં. રમેશ બી. શાહ Next »   

12 પ્રતિભાવો : વિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી

 1. Ankita Gala says:

  ખુબજ સરસ….

 2. dhiraj says:

  ખુબ સુંદર વાતો
  આ પુસ્તક નું નામ તો “માનવ-ઉપનિષદ” હોવું જોઈએ આ વાતો તો દરેક ને લાગુ પડે છે

 3. જગત દવે says:

  કિશોરો ને ભેંટ આપવા જેવું પુસ્તક. (જો ગુજરાતી આવડતું હોય તો) 🙂

  આમાંના ઘણા ખરાં વિચારોનો અમલ મેં કિશોરાવસ્થાથી કર્યો છે અને પરમાત્મા ની સદૈવ સહાય પણ અનુભવી છે.

  હા….. જ્યારે કિશોરાવસ્થા પસાર કરી અને દુનિયાદારીમાં પ્રવેશ કર્યો ત્યારે આદર્શ વિરુધ્ધતાનું વિશાળ પ્રમાણ જોઈને આંચકો જરુર લાગેલો અને ક્યારેક હજુ પણ લાગે છે પણ…..!!!!!

 4. દૈનિક રામાણી says:

  બબાભાઈ પટેલ ને આ પુસ્તક માટે આભાર માન્યે એટલો ઓછો છે. ખરેખર સુંદર લેખ………..
  ચોથા પોઈન્ટ માં ખુબ સારી વાત લખી છે. વ્યસને તો માનવીનો વિનાસ કરયો છે.

 5. nayan panchal says:

  મારા મત મુજબ કિશોરાવસ્થા એ બાકીના જીવનનો પાયો છે. જો કિશોરાવસ્થા સફળ રીતે જીવી ગયા તો બાકીના જીવનમાં મોટાભાગે વાંધો ન આવે. કિશોરો સામાન્યરીતે બળવાખોર હોય છે પરંતુ મારી તેમને નમ્ર વિનંતી છે કે આ લેખ પ્રમાણે કિશોરાવસ્થા (કે જીવનની અન્ય અવસ્થાઓ પણ) જીવશો તો બધુ જ મળી જશે.

  પ્રભુ સૌને સદબુદ્ધિ આપે. ખૂબ આભાર,
  નયન

 6. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 7. Rajni Gohil says:

  ખુબ જ સુંદર અને જીવઓપયોગી માર્ગદર્શન આપતો લેખ આદર્શ વિધ્યાર્થી અને ભવિષ્યનો આદર્શ નાગરિક બનાવવા માટે સક્ષમ છે. અત્યારના વિધ્યાર્થીને એની ખુબ જ જરૂર છે. મારામાં આવેલા સારા સંસ્કારો માટે કુટુંબીજનો, શિક્ષકો અને અન્ય હિતેચ્છુઓનો ઘણો મોટો ફાળો છે તે માટે હું તેમનો આભર છું.

  હકારાત્મક અભિગમ પણ સફળતા માટે ઘણો જ જરુરી છે. બધા જ વિદ્યાર્થીઓને આ પુસ્તક વંચાવવા જેવું છે. કેદારનાથજીને અભિનંદન.

 8. Jagruti Vaghela(USA) says:

  સરસ બોધ અને સંસ્કારનુ સિંચન કરતો લેખ.

 9. Hitesh nanda says:

  Very iportant this book for best life.

 10. jaydip says:

  ITS VERY GOOD I LIKE SO MUCH
  THEKS……………………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.