માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ

[વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરનાર એક અમેરિકનની અનુભવ કથા ‘રીક ગેલીન’ નામના લેખકે લખી છે. શ્રી ગોવિંદભાઈએ (વલ્લભ વિદ્યાનગર) આ અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કર્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9375012513 અથવા આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

બદલાતા અમેરિકન સમાજમાં ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં વધતી જતી ગુનાખોરી, ડ્રગ્સ અને સેક્સના દુષણો સામે કંઈ નક્કર કામ થવું જોઈએ, એવી ભાવનાથી મેં અને મારી પત્નીએ એક અભિયાન શરૂ કર્યું. મારી પત્નીનો આ કાર્યમાં ખૂબ જ ઉત્સાહ અને ટેકો હતો. અમારું કાર્ય શરૂ થયું એટલે કેટલાક મિત્રોના સહકારથી આ કાર્ય વધુ આગળ ધપાવવા એક સ્વૈચ્છિક સેવા સંસ્થા ઊભી કરી, જેમાં બાળકો તથા વિદ્યાર્થીઓનું આત્મસન્માન અને ચારિત્ર્ય ઘડતરનું કામ પણ થાય.

આ સમય દરમ્યાન જાણવા મળ્યું કે નાના વિદ્યાર્થીઓના તાલીમ, ઘડતર અને કેળવણી વગેરે બાબતો પર એક મોટી કોન્ફરન્સ શિકાગોમાં ભરાવવાની છે. અમને લાગ્યું કે આ અધિવેશન અમારા અભિયાનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે અને તે પ્લેટફોર્મ પરથી અમે અમારો સંદેશો ઘણી જગ્યાએ પહોંચાડી શકીશું. પરંતુ અમે રહીએ ન્યુયોર્કમાં. ન્યુયોર્કથી શિકાગો સુધી જવા માટે તથા ત્રણ-ચાર દિવસ રહેવાની વ્યવસ્થા માટે જરૂરી ખર્ચની રકમ કાઢવી અમારા માટે મુશ્કેલ હતી. કારણ કે સંસ્થાને ઊભી કરવામાં અને આ માટેના જરૂરી સાહિત્ય પ્રકાશન પાછળ તેમજ વિવિધ શાળાની મુલાકાતો અને તેમાં યોજેલા કાર્યક્રમો પાછળ અમારી સઘળી બચત-મૂડી ખર્ચાઈ ગઈ હતી. એમ જ સમજોને કે અમારી પાસે હવે ફૂટી કોડી પણ નહોતી. છતાં કોન્ફરન્સમાં હાજર રહેવું છે એટલે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા અમે શરૂઆત કરી. આ અભિયાન ચાલુ રાખવું જોઈએ તેવો પત્નીનો આગ્રહ હતો અને મને શ્રદ્ધા હતી કે આ સદકાર્ય માટે કોઈની પાસે હાથ લંબાવીશું તો જરૂરથી મદદ મળી રહેશે.

સૌપ્રથમ અમે કોન્ફરન્સના મુખ્ય વ્યવસ્થાપકને ફોન કર્યો અને તેમને અમારી પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા. અમારે કાર્યક્રમમાં હાજરી આપવી છે પરંતુ આર્થિક સ્થિતિ સધ્ધર નહીં હોવાથી અમને જરૂરી ફ્રી પાસ મળી રહે તે માટે અમે વિનંતી કરી. અમારું મિશન વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે હોવાથી આયોજકને અમને જરૂરી ફ્રી પાસ મોકલી આપવામાં કોઈ મુશ્કેલી ન નડી. આ વાત સાંભળી મારી પત્ની ખુશ થઈ ગઈ, પરંતુ તે બોલી ઊઠી : ‘આપણે રહીએ છીએ ન્યુર્યોકમાં અને કોન્ફરન્સ તો છે છેક શિકાગોમાં ! ત્યાં પહોંચીશું કઈ રીતે ? મુસાફરીના તો પૈસા નથી.’ તેની વાત સાંભળીને મેં તરત એક એરલાઈન્સની ઑફિસમાં ફોન કર્યો. સદભાગ્યે કંપનીના ચેરમેનની સેક્રેટરીએ ફોન ઉપાડ્યો. તેને અમારી પ્રવૃત્તિની માહિતી આપી એટલે તેણે તરત સીધી ચેરમેનને લાઈન જોડી આપી. અમે ચેરમેનને અમારી પ્રવૃત્તિઓની સઘળી વિગતો જણાવી અને અમારે કોન્ફરન્સમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે અને એ માટે અમને આયોજકોએ ફ્રી પાસ પણ આપ્યા છે, તેમ અમે કહ્યું. એરલાઈન્સના ચેરમેનને અમારી મુશ્કેલીઓનો અને અમારી પ્રવૃત્તિઓનો ખ્યાલ આવી ગયો એટલે કોઈપણ જાતની આનાકાની વગર તેઓએ અમને એરલાઈન્સમાં મફત પ્રવાસ કરવાની મંજૂરી આપી. એટલું જ નહીં, ચેરમેને અમારી ઉમદા પ્રવૃત્તિઓમાં તેમને મદદ કરવાની જે તક મળી તે બદલ સામેથી અમારો આભાર પણ માન્યો.

કોઈ પણ જાતની ઓળખાણ વગર ફક્ત એક ફોન પર થયેલી વાતને આધારે ખૂબ જ વ્યસ્ત રહેતા મોટા માણસો અમારા પર વિશ્વાસ મૂકીને અમને મદદ કરે, તે અમારા માટે એક સુખદ અનુભવ બની ગયો. હવે અમારા અડધા ખર્ચની વ્યવસ્થા તો થઈ ગઈ, પરંતુ હજી ઘણું બાકી હતું. ત્રણ-ચાર દિવસ શિકાગોમાં ક્યાં રહેવું એ પણ પ્રશ્ન હતો. એ પછી અમે તુરંત હોટલોની ડિરેક્ટરીના પાનાં ઉથલાવવા માંડ્યા. એક-બે હોટલોમાંથી જવાબ મળ્યા કે ફ્રી રહેવા માટે તમારે અમારી મુખ્ય ઑફિસનો સંપર્ક કરવો. એક હોટલના સાનફ્રાન્સિસ્કોના વડા મથકે ફોન કરીને એના માલિકને અમારી સઘળી વિગતો અમે જણાવી. મેં તેમને ફ્રી રહેવાની સગવડ જોઈએ છે, તેવી વિનંતી કરી. તેમણે જવાબ આપ્યો કે શિકાગોમાં હમણાં જ તેમની નવી મોટલ ચાલુ થઈ છે અને ગેસ્ટ તરીકે અમને ત્યાં રહેવા મળી શકશે. સાથે એમણે એ જણાવ્યું કે એ મોટલ કોન્ફરન્સના સ્થળેથી લગભગ ચાલીસ માઈલ જેટલી દૂર છે અને ત્યાં જવા-આવવાની વ્યવસ્થા તે નહીં કરી શકે. અમે તેમનો આભાર માનીને જણાવ્યું કે તેઓએ અમારી ફ્રી રહેવાની વ્યવસ્થા કરી તે પણ અમારા માટે ઘણું છે.

આમ રહેવાનો પ્રશ્ન તો ઉકલી ગયો. હવે અમે લગભગ ચાલીસ માઈલ દૂર જવા-આવવાની ગોઠવણ કેવી રીતે કરવી તેની શોધ કરવા માંડી. ટેક્સીઓ ભાડે ફેરવતી કંપનીઓમાં ફોન કરી જોયા. છેવટે એક કંપની પોતાની જૂની ગાડી આપવા તૈયાર થઈ. અમારે માટે તો જૂની ગાડી પણ પૂરતી હતી. આ રીતે, એક જ દિવસમાં બધી જ જરૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ. અમે નિશ્ચિત તારીખે કોન્ફરન્સમાં હાજરી આપી અને અમારા બાળકો-વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના અત્યાર સુધી હાથ ધરેલા કાર્યક્રમોની વિગતો પણ આપી. અમારા આ પ્રોજેક્ટને પરિષદમાં હાજર રહેલા સભ્યો સહકાર આપે તો સમગ્ર દેશમાં ફેલાવવાની અપીલ કરી. અમારા આશ્ચર્ય વચ્ચે આ સાંભળીને પચાસ જેટલા સભ્યો ઊભા થઈ ગયા અને અમારી સંસ્થામાં સ્વૈચ્છિક સેવા આપવાની તૈયારી બતાવી. આ સુંદર પ્રતિભાવથી અમને બળ મળ્યું અને અમે કેટલાક સેવાભાવી કાર્યકરોને અમારા સંચાલક-સલાહકાર સમિતિમાં લઈ લીધા.

ટૂંકમાં, અમે શરૂ કરેલ એક નાનકડું અભિયાન એક વિશાળ વટવૃક્ષ બની ગયું. સમગ્ર દેશમાં અમે નાના વિદ્યાર્થીઓ માટેના જરૂરી તાલીમ-સુધારણા-ઘડતરના કાર્યક્રમો કરી શક્યા. અમારા છેલ્લા કેમ્પમાં ઘણા દેશોના પ્રતિનિધિઓ હાજર હતા અને તેમના દેશોમાં આવી પ્રવૃત્તિઓ શરૂ કરવા નિમંત્રણ આપતા હતા. અમે અનુભવ્યું કે સદકાર્યો પૈસાના અભાવે અટકતા નથી. જો આપણી દાનત, ભાવના અને પ્રયત્નોમાં ખામી ન હોય તો તમે માગો તે જરૂરથી મળશે અને નહીં માગો તો નહીં મળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝૂરાપો એટલે… – નીલમ દોશી
કોઈ નહીં આવે ? – ચંદ્રકાન્ત શેઠ Next »   

16 પ્રતિભાવો : માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ

 1. સુંદર…..મન હોય તો માળવે જવાય એ વાત સાવ સાચી છે….મનથી ઇચ્છા હોય તો ગમે તેટલું અધરું કામ પણ પ્રયત્નોથી સહેલું થઇ જાય છે.

 2. અશોક જાની 'આનંદ' says:

  કહેવાય છે કે સત્કાર્ય તેની સુવાસ ફેલાવે જ છે, વળી તેમાં સજ્જનોનો સાથ સહકાર પણ મળી રહે છે, આ સત્ય ઘટના તેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ છે.

 3. Rajni Gohil says:

  હિંમતે મર્દા તો મદદે ખુદા, એની યાદ આપતો આ અનુભવ લેખ સેવા કાર્ય કરનાર ને ઘણો જ ઉપયોગી સાબીત થશે. હકારાત્મક અભિગમ અને અખુટ ઉત્સાહ વિચાર વાણી અને વર્તનમાં આવે તો કશું જ અશક્ય નથી . આ લેખ Positive Principle નું સુંદર ઉદાહરણ પુરું પાડે છે. સામાન્ય માણસ પણ ગમે તે ક્ષેત્રમાં અચુક સફળતા પ્રાપ્ત કરી શકે.

  સુંદર બોધ આપતા લેખ બદલ ગોવિંદભઇને અભિનંદન.

 4. Well this is good but some more details of this VATVRUX and achivements would be even better.

 5. Bhalchandra says:

  Excellent!! Those who are really great will help you, only you must ask. Take the case of Albert Einstein. When S. Bose, unknown Indian scientist, sent him a physics paper to comment, Einstein not only commented, but reinforced Bose’s theory, translated the manuscript in German and got it published. Now that is known as Bose-Einstein Theory.

 6. Veena Dave. USA says:

  બધુ ‘ફ્રી’ મલ્યુ કદાચ ‘ફ્રી’ ના પણ મળે તો પણ અભિયાન ચાલુ રાખીએ તો ખરુ.

 7. sunil U S A says:

  નિરપેક્ષભાવના થી કરવામા આવતા દરેક કામ મા પ્રભુ હમેશા મદદ કરે છે. આભાર

 8. yogesh trikmani says:

  મારી પાસેના ગાંધીજીના એક પોસ્ટર પર લખેલું આ વાક્ય બરોબર લાગુ પડે . IT HAS NEVER HAPPEND THAT GOD HAS NOT RESPONDED TO MY PREYAR.

 9. I,came across one very appropriate doha of, renowned SAINT KABIRJI SAHEB of 14th. century

  મ્રર જાઉ મગર્ માગુ નહી, અપને તન કે કાજ્ !
  પરમારથ કે કારન , મુઝે ન આવે લાજ !!

 10. Dev hindocha says:

  ખુબ જ સરસ “મન હોય તો માળવે જવાય એ વાત સાવ સાચી છે”

  Dev hindocha

 11. nayan panchal says:

  એક પગલુ ઉઠાવીએ તો બીજા પગલા માટેની વ્યવસ્થા થઈ રહે છે. પ્રભુ પરની શ્રદ્ધા ગાઢ કરતો લેખ.

  ખૂબ આભાર,
  નયન

 12. JyoTs says:

  Very Good…Congratulations!!!! Wish You All Good Luck….

 13. hiral says:

  દરેક જણ જે નિઃસ્વાર્થ સેવાનું (રાષ્ટ્રના હિતમાં, સમાજનાં હિતમાં) બીડું ઝડપે છે એને આવી જ સહાયતા મળી જ રહે છે. પછી એ ‘આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય’ હોય કે અહિં બતાવેલ અનુભવી હોય. હા પણ ‘માંગ્યા વગર તો મા પણ ભાણું નથી પીરસતી’ એટલે અહિં કીધું એમ ‘માંગો તો મળશે જ અને નહિં માંગો તો નહિં મળે’.

  સરસ લેખ. આભાર.

 14. viresh barai says:

  દરવાજો ખખદડાવીએ તો કોઇ જરુર ખોલશે .. સુંદર લેખ .. આભાર.

 15. Pravin V. Patel [USA] says:

  ગમે તેટલો નિરાશાવાદી હોય તો પણ એનામાં આશાનું સંચારણ કરતી વાસ્તવિક ઘટના.
  ભવનું ભાથુ બાંધી આપતી પ્રસ્તુતિ.
  અભિનંદન શ્રી ગોવિંદભાઈ શાહને.
  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.