ગાંધીજી અને ભાવનગર – ગંભીરસિંહ ગોહિલ

[‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નજીક છે ત્યારે સ્મરીએ ગાંધીજીના ભાવનગર સાથેના સંસ્મરણો, ‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

ગાંધીજીએ 1888માં એક સત્ર શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો તે પછી ભાવનગર સાથેનો તેમનો લાગણીનો સંબંધ વધતો જ રહ્યો. મુંબઈ અને રાજકોટમાં, ઈંગ્લેન્ડથી બેરિસ્ટર થઈ આવીને વકીલાત કરી, ટૂંકી મુદતમાં જ દક્ષિણ આફ્રિકા જવાનું થયું અને 1914માં વકીલાત, અધિકારની લડતો અને સત્યાગ્રહના અનુભવો સાથે દેશમાં આવ્યા. અમદાવાદમાં અને વર્ધામાં આશ્રમો કર્યા, છેલ્લે દિલ્હીમાં રહ્યા, લડતોના અંતે દેશને સ્વાતંત્ર્ય અપાવ્યું, તેમાંથી જ શહીદી વહોરી ત્યાં સુધી તેમની પ્રેરણા ભાવનગરના અંતરતમ સુધી વિસ્તરતી જ રહી.

દક્ષિણ આફ્રિકાથી દેશમાં આવ્યા પછી 1915માં ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન થયું. ગોખલે સ્મારકનિધિનો ફાળો એકત્ર કરવા તેઓ સૌરાષ્ટ્રનાં ભાવનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, રાજકોટ, ગોંડલ, પોરબંદર, વાંકાનેર વગેરે રાજ્યોમાં ફર્યા. ડિસેમ્બરની 7મીથી 10મી તારીખો દરમિયાન તેઓ ભાવનગર હતા. રેલવે સ્ટેશન પર તેમનું ભાવભર્યું સ્વાગત થયું. લોકોએ તેમની ગાડી ખેંચવા આગ્રહ રાખ્યો. પણ ગાંધીજીએ ના કહી. નાકુબાગ પાસે દરબારી ઉતારામાં તેઓ રહ્યા. 7મીએ રાત્રે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો, 8મીએ સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે જાહેર સભા યોજાઈ, ગાંધીજીને માનપત્ર અપાયું. 9મીએ છાત્રાલયોના સંમેલનમાં પણ માનપત્ર અપાયું. રૂપાની રકાબી તથા ફૂલ ભેટ અપાયાં. ગાંધીજીએ જવાબ આપ્યો કે મારું અપરિગ્રહનું વ્રત છે. એટલે કોઈ ભેટ હું રાખીશ નહિ, પણ વસ્તુઓ વેચીને આશ્રમ માટે રકમ ઉપયોગમાં લઈશ. 10મી તારીખે શામળદાસ કોલેજમાં તેમનું પ્રવચન યોજાયું.

રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ગાંધીજી અભ્યાસ કરતા હતા ત્યારે આગળના વર્ગમાં પ્રભાશંકર પટ્ટણી પણ ભણતા હતા, રાજકુમાર કોલેજમાં મહારાજા ભાવસિંહજીનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે તેઓ યુવરાજ હતા. ત્રણેને પરિચય હતો. 10મીએ સાંજે પ્રભાશંકર પટ્ટણી સાથે ગાંધીજી મહારાજાને મળવા ગયા. શિકારના શોખીન મહારાજા ચિત્તાને એટલા ટ્રેઈન કરાવતા કે તેમના નિવાસે તે છુટ્ટા ફરતા હોય. નીલમબાગ પેલેસમાં પ્રવેશતાં અજાણ્યા જાણીને એક ચિત્તાએ હુંકાર કર્યો. પણ ગાંધીજીએ તેને ગણકાર્યા વિના મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. મહારાણી નંદકુંવરબાનો ગાંધીજી સાથે પરિચય કરાવવામાં આવ્યો. ગાંધીજીએ કહ્યું : ‘હું તો ભાવનગરમાં રાજકીય નેતા તરીકે નહિ પણ મારા ફોઈને ઘેર આવ્યો છું.’ રાજકુટુંબના સ્તરે પોરબંદર અને ભાવનગર વચ્ચે મામાફોઈનો સંબંધ હતો. ભાવસિંહજીનાં બહેન રામબાનાં પોરબંદરના મહારાણા નટવરસિંહજી સાથે લગ્ન થયાં હતાં. ગાંધીજી પોરબંદરના ખરા, પણ તેમના વડીલોએ પોરબંદરના દીવાન તરીકે કામગીરી બજાવી હતી. તેમાંથી કૌટુંબિક સંબંધો સ્થાપિત થયા હતા. ગાંધીજી આવા સંબંધોની મીઠાશ સાચવીને વિવેક દર્શાવતા અને માન જાળવતા. મહારાજા અને મહારાણી સાથેની મુલાકાત પછીના ગાંધીજીના ઉદ્દગારો યાદગાર બની રહ્યા છે : ‘હું તો દક્ષિણ આફ્રિકામાં અહિંસા, અહિંસા એમ કૂટી રહ્યો હતો. પરંતુ ભાવનગરના રાજવીએ તો હિંસક ચિત્તાઓને પણ અહિંસક કરી મૂક્યા છે. એ જોઈ મારી છાતી ગજગજ ફૂલે છે. હું આજે એક નવો પાઠ શીખ્યો.’

1919ના ઓક્ટોબરની 12મી તારીખે ગાંધીજી ભાવનગરની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. તેમને સરઘસ આકારે લઈ જઈ માન આપવામાં આવ્યું, માનપત્ર અને થેલી અપાયાં. 1925માં ગાંધીજી ત્રીજી વખત ભાવનગર આવ્યા હતા. કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ભાવનગર કે સોનગઢમાં ભરવા લાંબો સમય ચર્ચાઓ ચાલી. અંતે ભાવનગરમાં અધિવેશન ભરાય તેવું નક્કી થયું ત્યારે ભાવનગર રાજ્યે શરતો મૂકી હતી. ગાંધીજીએ પ્રમુખપદ સંભાળવું, રાજ્ય વિરુદ્ધ ઠરાવો કરવામાં ન આવે વગેરે. ગાંધીજીએ તે માન્ય કરેલ. પણ પ્રભાશંકર પટ્ટણી સાથે ગાઢ મિત્રતા. એટલે ટીખળ કરતાં કહ્યું : ‘અને જો એવા ઠરાવો થાય તો ?’ ભાવનગર રાજ્યના સગીર વહીવટની કમિટીના તે વખતના અધ્યક્ષ પ્રભાશંકરે બહુ જ નમ્રતાથી તરત ઉત્તર આપ્યો : ‘તો ભાવનગરની જેલ દૂધે ધોવરાવું, આપને તેમાં પધરાવું અને હું સામે બેસું.’ ગાંધીજી હસી પડેલા. રાજ્યની વહીવટી મક્કમતા અને સદભાવપૂર્વકનો આદર તે બંનેનો પ્રભાશંકરે સુમેળ સાધ્યો હતો.

1925ની જાન્યુઆરીની 8-9 તારીખે મળનારી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં હાજરી આપવા ગાંધીજી 7મીએ ભાવનગર આવ્યા અને તે જ દિવસે વરતેજમાં તેમના હાથે હરિજન પ્રવૃત્તિનું ઉદ્દઘાટન થયું હતું. 8મીએ ગાંધીજીના પ્રમુખપદે શરૂ થયેલી પરિષદમાં રાજકોટના રાજવી લાખાજીરાજને તેમની પ્રજાતંત્રાત્મક કલ્યાણ પ્રવૃત્તિઓ બદલ માનપત્ર આપી તેમનું સન્માન કરાયું હતું. કોઈ પ્રજાકીય અધિવેશનમાં દેશી રાજ્યના રાજવીને માનપત્ર અપાય તે એક વિશિષ્ટ ઉપક્રમ હતો. ભાવનગર પ્રજામંડળ વતી ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું. તે પ્રભાશંકર પટ્ટણીએ વાંચ્યું, ગાંધીજીનો ચરણસ્પર્શ કર્યો અને પછી આપ્યું. પટ્ટણી ગાંધીજીથી સાત વર્ષ મોટા હતા. સત્યના આરાધક એવા બ્રહ્મર્ષિ ને વિચક્ષણ મુત્સદ્દી રાજર્ષિ નમી રહ્યો હતો. કાંતવા અંગેનો ઠરાવ થયો ત્યારે ગાંધીજીએ 100 નામ માગીને ઉમેર્યું કે પટ્ટણીને કાંતવાનું સમજાવવા પોતે કોશિશ કરશે. તે શબ્દો ગાંધીજીના મોઢામાંથી નીકળ્યા કે તરત જ ઊભા થઈને પટ્ટણીએ પ્રતિજ્ઞા કરી કે પોતે નિયમિત રીતે દરરોજ જમ્યા પહેલાં અર્ધો કલાક કાંતશે. શરત એ કે ગાંધીજી પોતે તેમને કાંતવાનું શીખવે. મને તો ભાવતી વાત થઈ. કેમ કે કાંતવાની બાબત રાજકારણથી પર છે.

ગાંધીજી ભાવનગરમાં કુલ પાંચ દિવસથી વધુ રોકાયા. પરિષદ પૂરી થયા પછી પ્રભાશંકર પટ્ટણીના મહેમાન તરીકે 10-11-12 જાન્યુઆરીના દિવસોમાં તેઓ ત્રાપજ બંગલે રહ્યા હતા. એક દિવસ ખેડૂત સંમેલનમાં પ્રવચન, એક દિવસ ગ્રામજનોની સભામાં વાર્તાલાપ અને બાકી બંને દિલોજાન મિત્રોએ નિરાંતે વાતો કરી. આ નિરાંતના સમયમાં પ્રભાશંકર ગાંધીજી પાસે કાંતતા શીખ્યા અને પરિષદમાં લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે નિયમિત રીતે કાંતતા થઈ ગયા. આ દિવસો દરમિયાન તેરેક વર્ષની ઉંમરના સગીર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પ્રભાશંકરે જણાવ્યું કે આપણે મહાત્મા ગાંધીજીની મુલાકાતે જઈએ. મહારાજાએ હા કહી. એટલે તેમણે ગાંધીજીને કહ્યું કે અમારા મહારાજા આપને મળવા માગે છે તો ક્યારે આવીએ ? ગાંધીજી કહે, ‘જુઓ, તેઓ ભલે બાળક હોય. પણ હું અહીંની શામળદાસ કોલેજમાં ભણેલો છું. એટલે એક વખતનો ભાવનગર રાજ્યનો પ્રજાજન કહેવાઉં. એટલે તેમણે મળવા આવવાનું ન હોય. હું આવીશ.’ પ્રભાશંકરે આ પ્રમાણે મહારાજાને જણાવ્યું અને મુલાકાતો ગોઠવાઈ. તેની બાળમહારાજાના માનસ પર ઘણી ઊંડી અસર પડી. તેમણે વિચાર્યું કે વિવેક દર્શાવવા માટે માણસને કશો ખર્ચ કરવો પડતો નથી. પોતે ઉંમરે ઘણા નાના હોવા છતાં દેશના મોટા નેતા સામે ચાલીને મળવા આવ્યા તેના સંસ્કારો તેમના મનમાં જીવનભર સચવાઈ રહ્યા.

બાળપણમાં માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઈતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું. દેશની રાજકીય ચળવળોને શાંત પાડવા અંગ્રેજ સત્તાધારીઓએ લંડનની ગોળમેજી પરિષદ યોજી હતી જેમાં દેશના બધા ફિરકાઓના પ્રતિનિધિઓને નિમંત્ર્યા હતા. પણ તેમાં અંગ્રેજોના કોમવાદી, ભાગલાવાદી અને સતત છટકતા રહેવાના વલણથી ગાંધીજી નારાજ હતા. પહેલી ગોળમેજી પરિષદમાં તેઓ ગયા નહોતા. પ્રભાશંકર પટ્ટણીએ ગોળમેજી પરિષદની કેટલીક હકારાત્મક બાબતો પર ભાર મૂકી ગાંધીજી સાથે લંબાણભરી ચર્ચાઓ કરી. ગાંધીજીની વિલાયતમાં હાજરી તટસ્થ અંગ્રેજ પ્રજામાં લોકમત કેળવી શકે, પરિષદમાં કોંગ્રેસનું દષ્ટિબિંદુ રજૂ થઈ શકે વગેરે બાબતો દર્શાવી તેમણે ગોળમેજીમાં હાજરી આપવા આગ્રહ કર્યો. અંતે ગાંધીજી સંમત થયા. પ્રભાશંકર સાથે ગયેલા. ખાસ સંમતિ મેળવીને 19 વર્ષના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પણ સાથે લઈ જઈ ગોળમેજીમાં પ્રેક્ષક તરીકે હાજર રહેવાની વ્યવસ્થા કરાવેલી. દેશના આંતરપ્રવાહોને સંચલિત રાખવામાં પ્રભાશંકર પટ્ટણી દ્વારા ભાવનગરનું અર્પણ રહેલું છે. દાંડીકૂચ બંધ રહે તેવું પ્રભાશંકર ઈચ્છતા નહોતા. પરંતુ વાઈસરોય ઈરવિનની હકારાત્મકતા કેળવાય એટલા હેતુથી તેમના આગ્રહથી પ્રભાશંકર દાંડીકૂચના આગલા દિવસે ગાંધીજીને મળેલા, આશ્રમમાં જ રોકાયેલા અને કેટલાક અંતર સુધી પદયાત્રામાં જોડાયેલા. આવી કેટલીક બાબતોના લાંબા ગાળાના સૂચિતાર્થો અપ્રગટ રહેતા હોય છે.

ચોથી વખત ગાંધીજી 1934માં ભાવનગર આવ્યા હતા. તે મુલાકાત હરિજનયાત્રા સંબંધિત હતી. ગાંધીજીના હાથે ભંગીવાસનો પાયો નખાયો. સનાતનીઓની સભા બોલાવવામાં આવી. પણ તેમાં કોઈ જ આવ્યું નહિ. હરિજન પ્રશ્ને સહાનુભૂતિ દર્શાવનારા, ગાંધીજીને સાંભળવા તૈયાર તેમનામાંથી કોઈ જ નહોતા. બીજે દિવસે બીજી જુલાઈએ ભાવનગરમાં કાઠિયાવાડ હરિજનસંઘ અને કાઠિયાવાડ રાજકીય પરિષદના ઉપક્રમે સંયુક્ત સભા હતી. ત્રીજી તારીખે ગાંધીજીએ ઠક્કરબાપા હરિજન આશ્રમની મુલાકાત લીધી અને સ્ત્રીસભામાં સંબોધન કર્યું. ગાંધીજી તેમની યુવાવસ્થામાં 1888માં શામળદાસ કોલેજમાં અભ્યાસ કરવા આવ્યા ત્યારથી તેમનો ભાવનગર સાથેનો સંબંધ શરૂ થયો હતો. પ્રભાશંકર પટ્ટણી, ઠક્કરબાપા, બળવંતરાય મહેતા વગેરેના માધ્યમથી તે સંબંધ લંબાતો ગયો, ચાર વખતે તેમણે ભાવનગરની મુલાકાત લીધી. છેલ્લે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથેની દિલ્હી ખાતેની મુલાકાત સુધી તે સંબંધ ચાલ્યો.

સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઈતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, 1947માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.

તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા 17 ડિસેમ્બર, 1947ના રોજ રાત્રે 11 વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.1માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.

મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : ‘મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સબૂરી કર – સંજુ વાળા
સોના ઈંઢોણી રૂપા બેડલું – વર્ષા અડાલજા Next »   

13 પ્રતિભાવો : ગાંધીજી અને ભાવનગર – ગંભીરસિંહ ગોહિલ

 1. જય પટેલ says:

  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું વૈચારિક ઘડતર કરનાર શિક્ષણ નગરી ભાવનગરને વંદન.

  ગાંધીજી ક્ષણિક રાષ્ટ્રપિતા મટીને થયા પ્રજાજન…સંસ્કારિક દિવ્યતા.
  આઝાદીકાળમાં શિક્ષણ-સાહિત્ય ક્ષેત્રે મહારાજાની પ્રવૃતિઓને કારણે ભાવનગર દિપી ઉઠ્યું હતું પણ
  આઝાદીબાદ કાળક્રમે ભવ્યતા ઈતિહાસમાં કેદ થઈ ગઈ.

  સોમવારની સવારે સંસ્મરણોની સફરે સહેલગાહ બદલ આભાર.

 2. જગત દવે says:

  ભાવનગર મારું વતન અને મારા પિતાશ્રીએ શામળદાસ કોલેજ (સર પી પી ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ) માં અભ્યાસ પણ કર્યો અને પછીથી એ જ કોલેજમાં પ્રાધ્યાપક પણ હતાં. અહોભાવરૂપે તેનાં ફોટોગ્રાફ્સ મેં ગુગલ- અર્થ પર મુક્યા છે જેથી વતનથી દુર રહેનારા પણ તેની ઝલક જોઈ શકે અને જુના વિદ્યાર્થીઓ ને પણ લાભ મળે.
  (આઈ ટી ક્ષેત્રમાં આપણો ડંકો વાગતો હોવા છતાં આપણાં શહેરોનાં ફોટોગ્રાફ્સ ગુગલ- અર્થ પર વિશ્વનાં બીજા દેશોની તુલનામાં બહુ જ ઓછી સંખ્યામાં કેમ છે? )

  સર પ્રભાશંકર પટણી મારા મોટી-બા ને મળેલાં…..તેવું મે મારા પિતાજી પાસેથી સાંભળેલું છે. આ લેખ વાંચી ને ભાવનગરી હોવાનો ગર્વ બેવડાયો.

  ભાવનગરે કેવા કેવા મહાનુભાવો આપ્યા છે!!!!……સંસ્કાર-નગરી તરીકેનું બિરુદ સચવાઈ રહે તેવા પ્રયત્નો આજે પણ સતત થતાં રહે છે.

  • kartik says:

   HI Jagat bhai,

   you are right. we are good in I.T but yet we put very less picture on google earth becauase we only want to develope that softwares. after that we also have social life. but we should also be some tech crazy in this high tech era. i hope people will understand. but here every one just crazy about the phone i do not like that. Instead of being crazy in cell phone i like indians who talk with the people around them.

   well, nice talking with you.

 3. dhiraj says:

  ૧૩ ઓક્ટોબર ૨૦૦૩ ને દિવસે ભાવનગર છોડ્યું પણ હૃદય ના એક ખૂણા માં મેં ભાવનગર સંતાડીને રાખ્યું.
  આજે પણ ક્યારેક ક્યારેક હૃદય ના એ ખૂણા માં આંટો મારી આવું છું,
  ટેકરી વાળા તખ્તેશ્વર મહાદેવ ની સંધ્યા આરતી નો ઘંટારવ આજે પણ મારા કાનો માં ગુંજે છે,
  બોરતળાવ ની કિનારે વિતાવેલી કેટલીયે રવિવાર ની સાંજ નો પવન મારા કપાળ પર થી પસાર થાય છે,
  નરશી-બાવા ના ગાંઠિયા નો સ્વાદ જીભ પર એવોને એવો છે,
  અને સૌથી વધારે યાદ આવતો હોય તો શીશુસભા માં થતી સ્થાનિક કવિઓ ની બુધસભા (ત્યાં મેં ગઈ હતી મારી પ્રથમ સ્વ-રચિત ગઝલ )
  એક વાર ભાવનગર થી સંબંધ બંધાઈ જાય પછી તે છોડવો સહેલો નથી
  સિતારામ ભાઈ ને

 4. Bakul M. Bhatt says:

  ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી હતા તે સમયની વાત કરતાઅમારા પિતા સ્વ.મૂળશંકર મો. ભટ્ટે અમને કહેલું કે ગાંધીજી જયારે ૧૯૨૫માં ત્રાપજ બંગલે હતા ત્યારે અગત્યના કાગળોમાં સહી કરાવવા તેમને અમદાવાદથી ત્યાં મોકલ્યા હતા.

  બકુલ મુ. ભટ્ટ

 5. Jagruti Vaghela(USA) says:

  Wow! મજા આવી ગઈ. મારા વતન અને મારા જન્મસ્થળ ભાવનગર ને વ્ંદન.
  મારા પપ્પા ભાવનગર સનાતન હાઈસ્કૂલ અને શામળદાસ કૉલેજમાં ભણ્યા હતા. મારી સૌથી મોટી બહેન પણ શામળદાસ કૉલેજમા અને મોટો ભાઈ ફાતિમા કૉન્વેન્ટમા ભણ્યો છે. પપ્પાને ટ્રાન્સફરેબલ જોબ અને ઘરમા હુ સહુંથી નાની એટલે ભાવનગરમા રહેવાનો લાભ મને મળ્યો નથી પણ જ્યારે ભાવનગર જતા ત્યારે તખ્તેશ્વર મહાદેવ અને બોરતળાવ ફરવા જતા. મારા દાદાનુ ઘર વડવામા. ત્યાંથી પિલગાર્ડન જવાનારસ્તે શામળદાસ કૉલેજ આવે. ભાવનગરથી પાછા જઈએ ત્યારે ગાંઠિયા-પેંડા અચૂક લાવવાના. પપ્પા પાસેથી સંસ્કારનગરી ભાવનગર અને ત્યાંના મહારાજાની વાતો સાંભળેલી.
  આ લેખ આપવા માટે ખૂબ ખૂબ આભાર.

 6. Veena Dave. USA says:

  વાહ,અમારુ ભાવનગર અને અમારા મહરાજા અને લેખકશ્રી પણ ભાવનગરના. મઝા આવિ ગઈ લેખ વાંચવાની. મારા પુ. પપ્પા એ જ શામળદાસ કોલેજમાં ભણવા ગયેલા પણ ગાંધીજીની સ્વત્રતાની લડતમાં જોડાયા એટ્લે કોલેજનુ ભણતર પુરુ ના થયુ .મારી મોટી બહેન્
  નંદકુંવરબા સ્કુલમા ભણતી ત્યારે હુ ત્યા કોઈ પ્રોગ્રામ જોવા ગયેલી .સ્કુલનો આમન્યાવાળો યુનિફોર્મ જોઈને બાળાઓને વંદન કરવાનુ મન થાય્ મારા પપ્પાના મુખે અને છાપા દ્વારા મહરાજા સાહેબના ઘણા કિસ્સા સાંભળ્યા વાચ્યા છે.થોડા સમય પહેલા એક કિસ્સો વાચેલો જેમા લખેલ કે પરીક્ષા આપવા જતી એક બાળા, મોડુ થયુ હોવાથી બેબાકળી ઉભી હતી અને મહારાજ સાહેબે પોતાની કારમાં તેને પરીક્ષા સ્થ્ળે પહોચાડી અને પછી તો તે કન્યાના લગ્નમા કરિયાવર પણ કરેલો .એકએક ભાવનગરીના મનમાં મહારાજા સાહેબનુ આગવુ માન અને સ્થાન છે અને ભાવનગરીને તેમના પ્રજાજન હોવાનો ગર્વ છે.

 7. Dipak Joshi.UK says:

  ઈતિહાસ નુ સોનેરિ પાનુ અમારિ સામે મુકિ ને ,,ભાવાનગરિ ઓને ન્યાલ કરિ દિધા..સ્વામિરવજિ ન ફોટા મે ગણેશ ક્રિડા મન્દલ મા પાડ્યા હતા ૧૯૭૫. સરદાર પટેલ ને ખારગેટ પાસે હુમ્લો થયો હતો …કોઇ વધારે જણાવે…ઇતિહાસ ને સાન્ચવિએ. લેખ ભાવનગર નુ ગૌરવ, જોદણિ દોશ માફ કરશો.

 8. Maharshi says:

  વાહ મજા આવી ગઇ… ખુબ સરસ

 9. Payalsoni says:

  ભાવનગર વાસિ તરીકે ખુબજ ગર્વ થાય છે.

  પાયલ

 10. ભાન વગર મેઁ ભાવનગર વિષે વાઁચ્યુઁ.
  બાપુજીને પ્રણામ ! લેખ તો ગમે જ ને ?

 11. Raj Gohil(brisbane) says:

  wow! what a nice articles…still missing bhavnagar…

 12. Ashish Dave, Sunnyvale, California says:

  ભાવનગરની મારી પણ ઘણી યાદો છે… તક્ત્તેશ્વેરની આરતી ને ગધેડિયા ફીલ્ડમા ક્રિકેટની મેચો…નરસિહ બાવાના ગાઠિયા ને ડીલાઈટનો આઈક્રીમ… રુપમમા પીક્ચરોને બોર તળાવ પર સાંજે ચાલવા જવુ… શનીવારે મોડી રાત્રે ખોડીયાર માના દર્શને જવુ બધુજ યાદ આવી ગયુ. મારા મામા શ્રીઆશ્વીનભાઈ ભટ્ટ શામાળદાસમા વરસો સુધી અગ્રેજીના પ્રોફેસર હતા અને મારા જીવનમા તેમનો પ્રભાવ કાયમ જ રહ્યો છે.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.