વહાલથી વાળી લો – કામિની મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

બ્રેકફાસ્ટ ટેબલ પર પાછી આજે બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. અનુષ્કાને મોબાઈલ લેવો હતો અને વિશાલ ના પાડતો હતો.
‘સ્કૂલ ગોઈંગ છોકરીને મોબાઈલનું શું કામ ?’
‘પણ ડૅડી, મારા બધા જ ફ્રેન્ડ પાસે છે.’
‘બધા પાસે છે એટલે તારેય જોઈએ ?’
‘બટ ડૅડી, યૂ કેન અફોર્ડ ઈટ.’
‘જો અનુષ્કા, વાત અફોર્ડની નથી, નેસિસિટીની છે. તારા માટે જરૂરી હોય તે વસ્તુની તને ક્યારેય ના પાડી છે ? હમણાં તો તારું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ.’
‘પણ મોબાઈલ આવે તો હું કઈ ભણતી થોડી અટકી જવાની છું ?’

રોટલી વણતી વસુધા બાપ-દીકરીની દલીલો સાંભળી રહી. વિશાલ સાચો હતો. હજુ તો આઠમીમાં હતી અનુષ્કા. આ આજકાલનાં છોકરાવ દેખાદેખીમાંથી જ ઊંચા નથી આવતાં, પણ બાપ-દીકરી વચ્ચે પડવાની તેની બિલકુલ ઈચ્છા નહોતી. તેની પાસે ટાઈમ પણ નહોતો. તેણે ઘડિયાળ સામે જોયું. લાગે છે આજે પણ બસ ચૂકી જવાશે. હજુ તો ટિફિન ભરવાનું બાકી હતું. તેણે જલદી જલદી હાથ ચલાવ્યા.
‘મમ્મી, તું જ પપ્પાને સમજાવને…’ અનુષ્કાએ એને પણ વાતમાં ઢસડી.
‘જો વિશાલ, અનુ એટલી જીદ કરે છે તો અપાવી દે ને…’ વસુધાએ વાત પતાવતા કહ્યું, ‘બધા પાસે હોય અને એની પાસે ન હોય તો એને કેટલું કૉમ્પલેક્સ આવે. સારું છે એ બહાને હું પણ અનુના કૉન્ટેક્ટમાં રહી શકીશ. કોઈક વાર કલાસમાં મોડું થયું હોય ત્યારે મારો જીવ પણ કેટલો અદ્ધર થઈ જાય છે.’
‘ઓ.કે.’ વિશાલે હથિયાર હેઠાં નાખ્યાં, ‘આજે સાંજના મોબાઈલ આવી જશે, બસ.’
‘થેંક્યુ ડૅડી.’ અનુષ્કા એકદમ ખુશ થઈ ગઈ.
‘બેટા, જરા ટેબલ લૂછી નાખને.’ મોઢું કટાણું કર્યા વગર અનુષ્કા ટેબલ લૂછવા લાગી. ઓહો…મારી પાસે પણ હવે મોબાઈલ હશે. હું પણ હવે એસએમએસ કરી શકીશ. ફોટો પાડી શકીશ. ફ્રી પિરિયડમાં એફએમ સાંભળી શકીશ. અનુષ્કા મોબાઈલનાં સપનાં જોવા લાગી.

સાંજે જ વિશાલ મોબાઈલ લઈ આવ્યો. એકદમ લેટેસ્ટ મૉડેલ હતું. અનુષ્કા એકદમ ખુશ થઈ ગઈ. પરીતા, રેશમા, ઝાહીરા, માનવ બધાં જોતાં જ રહી જશે. કેવો મારો વટ પડશે ! અનુષ્કાની દુનિયા હવે મોબાઈલની આજુબાજુ જ સીમિત થઈ ગઈ. મોબાઈલ પર નવી નવી ગૅમો રમવી, મિત્રોને એસએમએસ કરવા, ગીતો સાંભળવાં, રાતના પણ મોબાઈલ તેના ઓશિકાની નીચે જ હોય. અડધી રાતે ઊંઘ ન આવે તો મિત્રો સાથે વાતો થતી હોય, સવારે ઊઠીને સૌથી પહેલા દર્શન મોબાઈલના જ થાય.
‘આજે હિસ્ટ્રીનો પિરિયડ છે, નોટ્સ લેવાનું ભૂલતી નહીં.’
‘આજે સાયન્સના સર રજા પર છે.’
‘આજે તાવ આવે છે એટલે પેલી બિન્કી-બિલાડી સ્કૂલે નથી આવવાની, મજા આવશે….’ આવા એસ.એમ.એસ. કરવામાં તો તે એટલી પાવરધી થઈ ગઈ હતી કે બન્ને હાથે જોયા વગર ફટાફટ કરી શકતી. તેના મિત્રો પણ તેની આ અદા પર આફરીન હતા.

મહિનાને અંતે મોબાઈલનું બિલ જોઈને વિશાલ ચિડાઈ ગયો. પહેલાં તો વસુધાને જ પકડી – ‘જો તારી લાડલી દીકરીનું બિલ, ભણે છે કે પછી ખાલી મોબાઈલ પર વાત જ કરે છે ?’ વસુધા પણ જરા અપસેટ થઈ ગઈ. એને એમ કે અનુષ્કા ખુશ છે એટલે બસ, પણ તેને આટલી હદે મોબાઈલનું વળગણ થઈ જશે તેનો ખ્યાલ નહોતો. અનુષ્કા કલાસમાંથી આવી એટલે વિશાલે તેને પણ ધમકાવી.
‘સૉરી ડૅડી, હવેથી હું ધ્યાન રાખીશ. એટલું બિલ નહીં આવે. પ્રૉમિસ !’

થોડા દિવસ પછી સાયન્સનું પેપર આવ્યું. પોતાના માર્કસ જોઈ અનુષ્કાને રડવું આવ્યું. ડૅડી તો બહુ ખિજાશે. એટલે પેપર પર સહી કરવા તેણે મમ્મીને પટાવી :
‘મમ્મી પ્લીઝ, તું સહી કરી દે ને. હવેથી હું ખૂબ મન લગાડીને ભણીશ.’
‘ના, બાબા ના. તારા રિપોર્ટ કાર્ડ પર દર વખતે તારા ડૅડી જ સાઈન કરે છે. તેમને ખબર પડશે તો મને બહુ ખિજાશે. એક તો એમની ઉપરવટ જઈને મેં તને મોબાઈલ અપાવ્યો છે. એનું તો મારે સાંભળવું જ પડે છે. હવે તું તારા ડૅડી પાસે જ સહી કરાવ.’ વસુધા છટકી ગઈ. રાતના વિશાલ આવ્યો એટલે એનો સારો મૂડ જોઈ અનુષ્કા ડરતી ડરતી તેની પાસે સહી લેવા ગઈ. તેના માર્કસ જોઈ વિશાલ એકદમ ગુસ્સે થઈ ગયો :
‘આવા માર્કસ ? આ મારી હોશિયાર દીકરીના માર્કસ છે, જેને કૉલેજમાં સાયન્સ લેવું છે ? તારી તો હંમેશાં રેન્ક આવતી હતીને, તો આ શું છે ? આજથી તારું બધું બંધ – પિક્ચર, પાર્ટી, ફરવાનું અને હા, તારો મોબાઈલ પણ મને આપી દે.’
‘પણ ડૅડી…’
‘કોઈ દલીલ નહીં…’ અને વિશાલે તેના હાથમાંથી મોબાઈલ લગભગ ઝૂંટવી લીધો. અનુષ્કા રડતી રડતી તેના રૂમમાં ચાલી ગઈ. વસુધા તેની પાછળ-પાછળ ગઈ, પણ અનુએ જોરથી દરવાજો બંધ કરી દીધો. વસુધાને દુઃખ તો થયું, પણ થયું આજનો આ ડૉઝ તેના ભવિષ્ય માટે જરૂરી હતો.

બીજે દિવસે અનુ મોઢું ફુલાવીને જ સ્કૂલે ગઈ. સાંજે ઑફિસથી આવી વસુધાએ જોયું કે અનુ જમી નહોતી. વસુધાએ બહુ મનાવી, પણ અનુ જમવા માટે ન આવી. રાતના વિશાલ આવ્યો. એટલે એણે જરા કડક થઈ અનુને જમવા બોલાવી. પિતાના તાપથી ડરીને અનુ ટેબલ પર આવી અને ચૂપચાપ બે કોળિયા ખાઈ પાછી તેના રૂમમાં ભરાઈ ગઈ. વસુધાએ વિશાલને કહેવાની કોશિશ કરી કે અનુ હજુ નાદાન છે, બાળક છે. એની સાથે સમજાવટથી કામ લે, પણ હવે વિશાલ પણ અડ્યો હતો. બે વચ્ચે વસુધા પીસાતી હતી. ત્રણ દિવસ સુધી અનુ કોઈ સાથે બોલી નહીં. જમવાના ટેબલ પર વિશાલ બોલાવે એટલે ચૂપચાપ આવી જમીને પાછી તેના રૂમમાં ભરાઈ જાય. કોઈ સાથે બોલે નહીં. વસુધા બાપ-દીકરી બેઉને પોતાની રીતે સમજાવવાની કોશિશ કરતી રહી.

સવારે વસુધા રસોડામાં હતી. હંમેશની જેમ હાથ કામમાં અને મગજ ઑફિસ અને ઘર વચ્ચે અટવાતું હતું. બહુ બધું કામ પતાવવાનું બાકી હતું, ત્યાં તો પાછળથી અવાજ આવ્યો : ‘મમ્મી…’ – વસુધાએ ચમકીને પાછળ જોયું. અનુ ડાઈનિંગ ટેબલ પર બન્ને હાથ મૂકી કોઈ વિચિત્ર અવસ્થામાં ઊભી હતી. આંખો એકદમ લાલ હતી. વાળ ખુલ્લા, વિખરાયેલા.
‘અરે, શું થયું બેટા ?’
‘મમ્મા, મમ્મા, મને કાલે આખી રાત ઊંઘ નથી આવી. મોબાઈલની રિંગ સંભળાયા કરતી હતી. મારા ઓશિકા નીચે હું મોબાઈલ શોધતી જ રહી. મમ્મા, મારો મોબાઈલ મને અપાવને…’
‘પણ બેટા, તારું ભણવાનું બગડે છે ને એટલે તારા ડૅડીએ…..’
‘મેં કહ્યું છે ને એકવાર કે હું ભણીશ, હું ભણીશ…’ આવેશમાં આવી અનુષ્કાએ ટેબલ પરથી ગ્લાસનો ઘા કર્યો. વસુધા સ્તબ્ધ થઈ ગઈ. દીકરીના બદલાયેલા રૂપને જોઈ રહી, પછી ગૅસ બંધ કરીને અને વહાલથી તેના માથે હાથ ફેરવી તેને પટાવી તેના રૂમમાં લઈ ગઈ.
‘પપ્પા બાથરૂમમાંથી નીકળે એટલે તેમની પાસેથી મોબાઈલ લાવું છું હો દીકરા…. લે એક ગોળી ખાઈ લે, તને સારું લાગશે…..’
‘પણ મારો મોબાઈલ……’
‘લાવું છું બેટા….’ કહી પંપાળી તેને સુવરાવી દીધી. કંઈક વાર સુધી તે તેના માથા પર હાથ ફેરવતી રહી. વિચારતી રહી – ના, હવે અત્યારે વિશાલને કહેવાનો કોઈ અર્થ નથી. અનુને અત્યારે વહાલની ખૂબ જરૂર છે. અનુષ્કા સૂઈ ગઈ. એટલે બહાર આવી તેણે ઑફિસમાં ફોન કર્યો કે તે આજે નહીં આવી શકે. વિશાલ નાહીને આવ્યો એટલે એણે કહ્યું : ‘મેં આજે ઑફિસમાંથી રજા લીધી છે. બપોર પછી સારું લાગશે તો જઈ આવીશ.’ વિશાલ ગયો એટલે ફટાફટ ઘરનાં કામ આટોપ્યા પછી તેની ફ્રેન્ડને ફોન કર્યો…

સાંજના તે અને અનુષ્કા સાઈકિયાટ્રિસ્ટ ડૉ. કમલના ક્લિનિકમાં હતાં. ડૉ. કમલે પૂરી કેસ હિસ્ટ્રી સાંભળ્યા પછી કહ્યું કે ‘ઘણી વાર વ્યક્તિને જ્યારે કોઈ વસ્તુનું વળગણ થઈ જાય ત્યારે સતત તેના જ ભણકારા વાગ્યા કરે. ફોન પાસે નથી, પણ સુપ્ત મન સતત તેને ઝંખે છે. એટલે તેની જ રિંગના ભણકારા થયા કરે છે. મેડિકલ સાયન્સમાં આ રોગને ‘ટેસ્ટેફ્રેનિયા’ કહે છે. તમે તો જલદી મારી પાસે આવી ગયા, નહિતર આવા દરદીઓ ઝનૂની પણ થઈ શકે. ફોન મેળવવા માટે તે ગમે તે હદ સુધી જઈ શકે. બુદ્ધિશાળી છોકરાંવ આ બાબતમાં જલદી મેનિયાક થઈ જાય છે. હું દવા લખી આપું છું, પણ દવા સાથે તેને વહાલ અને સંભાળની ખૂબ જરૂર છે.’

ડૉ.ની લખી આપેલ દવા લઈ વસુધા ઘેર આવી. ઑફિસમાં મહિનાની રજા મૂકી. સાંજે વિશાલ આવ્યો, એટલે શાંતિથી આખી વાત સમજાવી. વિશાલ પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યો. બન્નેએ અનુષ્કાને સાજા થવામાં પૂરી મદદ કરી. તેની સાથે વાતો કરે, વાર્તાઓ સંભળાવે, તેને બહાર ફરવા લઈ જાય. વિશાલ તેના નાનપણની રમૂજી વાતો કરી અનુષ્કાને ખૂબ હસાવે. ડૉક્ટરની દવા તથા મમ્મી-પપ્પાની વહાલભરી સંભાળથી અનુષ્કા ફરી નૉર્મલ થઈ ગઈ. હવે તો તે સ્કૂલે પણ જાય છે અને આ વખતની ટર્મમાં તેના સેકન્ડ હાઈએસ્ટ માર્કસ આવ્યા, રિપોર્ટ-કાર્ડ પર સહી કરતાં વિશાલની આંખ ભરાઈ આવી. અનુષ્કા તેનાં મમ્મી-ડૅડીને વળગીને રડી પડી :
‘થેંક યુ મમ્મી, થેંક યુ ડૅડી….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વ્યક્તિ અને સમાજ – સંકલિત
હાસ્ય ઝરમર – સંકલિત Next »   

24 પ્રતિભાવો : વહાલથી વાળી લો – કામિની મહેતા

 1. Viren Shah says:

  આવી જ વાત એક વાર સાંભળી હતી કે મોબાઈલના ક્રેઝમાં એક ટીન એજર છોકરાએ એના કાકીનું ખૂન કરી નાખ્યું. પણ આમાં વાંક જાહેરાતોના આક્રમણનો છે. આ જમાનામાં જાહેરાતોથી તમારે તમારી જાતને બચ્વવી જ રહી. હકીકતે આધુનિક યુગમાં (મોડર્ન લાઈફ) એટલી બધી ગૂંચવાડા ભરી છે કે તમારી પ્રાયોરીટી નક્કી ના હોય તો તમારું મગજ એવું ચકરાઈ જાય કે સામાન્ય જીવન પણ અજંપા ભર્યું બની જાય.

 2. જય પટેલ says:

  યુવા પેઢી માટે દિવાદાંડી સમાન લેખ.

  મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ..!!
  જરૂરિયાત અને વિવેક વચ્ચેનો અદ્રષ્ય પડદો ક્યારેય ભેદાય તે ખબર પણ પડતી નથી.

  મલ્ટિ-મીડિયાના ગેરઉપયોગથી કેટલીય યુવતીઓના જીવન બરબાદ થાય છે.
  સંદેશા વ્યવહાર ક્ષેત્રે પોસ્ટકાર્ડથી શરૂ થઈને ઈ-મેલ અને મેસેજના સ્વરૂપમાં ક્રાંતિ થઈ અને
  માણસનું માણસને મળવું અલભ્ય થતું ગયું….ઉમળકો ગાયબ થઈ ગયો..!!
  લેપટોપ પર કેમેરા લગાવીને એકબીજાને મળવું તે આજના જમાનાની તાસીર છે…ગાયબ છે ફક્ત લાગણીઓ…હૂંફ.

 3. trupti says:

  આજના જમાના ના દરેક મા-બાપ અને બાળકો ને સતાવતા પ્રશ્નનો ને લેખકે સરસ રીતે રજુ કર્યુ છે.

  મા-બાપ મોબાઈલ કે બીજી દરેક જોઈતી ઈલોટ્રેનીક વસ્તુઓ બાળાકો ને અપાવે છે તેમની સુવિધા અને સદઉપયોગ માટે, પણ આજ કાલ ના બાળકો તેનો દુરઉપયોગ કરે છે અને તે વસ્તુ ના ગુલામ થઈ જાય છે. કોઈ પણ વસ્તુ ને સંયમ સાથે અને યોગ્ય સમયે વાપરવામા આવે તો દરેક આજના વખત મા જે ઉપલબ્ધ વસ્તુ ઓ છે તે ખરેખર આશિર્વાદ સમાન છે, પરતુ બાળાકો ને એટલી ખબર નથી પડતી કે વધુ પડતા ઉપકરણો ના ઉપયોગથી માનસિક નહીં શારીરિક બિમારીઓ પણ આવે છે. મોબાઈલ મા રહેલા અલટ્રા વાયલેટ રેઈસ મગજ અને હ્રદય ને નુકશાન પહોંચાડે છે જો તેને માથા નીચે લઈને કોઈ સુતુ હોય તો. વધુ પડતા મોબાએઅલ વપરાસથી કાનમા બહેરાસ આવવા ના ચાન્સિસ પણ વધી જાય છે.

  લેખકશ્રી ને સુંદર લેખ આપવા બદલ આભાર.

 4. ખુબ સુંદર….જરુરિયાત ને સમજીને ચાલી શકાય તો બરાબર છે..માત્ર દેખાદેખીથી દુઃખી થવું પડે છે.

 5. maitri vayeda says:

  સુંદર વાર્તા…

 6. જગત દવે says:

  આપણે ત્યાં કોઈ પણ નવી ટેકનોલોજીનાં સાધનો આજનાં સમયમાં બહુ ઝડપથી લગભગ બધા પાસે આવી જાય છે પણ તેનાં ઊપયોગનો વિવેક ગાયબ હોય છે. એમાં યુવાનો શું કે મોટા શું…ભણેલા શું કે અભણ શું બધા જ વિવેકનુ પ્રમાણભાન ભુલી જાય છે. એ પછી મોબાઈલ, ટીવી, બાઈક કે કાર કશું પણ હોઈ શકે છે. આપણે સંવેદનશીલ હોવાનો દંભ માત્ર કરીએ છીએ વાસ્તવમાં આપણે આપણા સુખ, આનંદ કે સ્વાર્થ માટે કોઈ પણ હદ પાર કરવા તત્પર રહીએ છીએ.

 7. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સુંદર.

 8. neela shah says:

  if this is a real story, very confusing,,,,,one cant understand what can be the solution. children of teenage are never going to listen whatever is told . in that age they count elders as their enemies like,,,, and to tackle always softly as well as hardly cant be the solution. it differs from persons, and families , and child’s understanding.

 9. Deval Nakshiwala says:

  આજની આધુનિક જીવનશૈલીને લગતી વાર્તા વાંચવાની મજા આવી.

  આ વાર્તા આજકાલ ચૌદ-પંદર વર્ષના છોકરા-છોકરીઓને મોબાઈલ અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓનું વળગણની હદે જોડાણ થઈ જાય છે તે અંગે આપણને વિચારવા મજબુર કરે છે.

 10. Bina says:

  સમય પહેલાનુ દુખ વ્યકિતને મજબૂત બનાવે
  સમય પહેલાનુ સુખ વ્યકિતને શૈતાન બનાવે
  – વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબ

 11. darshana says:

  vat khub j sarsh ane sadi bhasha ma samjavi

 12. nayan panchal says:

  અત્યારના સમય માટે એકદમ સચોટ લેખ. અને મોબાઈલનુ વળગણ માત્ર કિશોરોને જ હોય એવુ હરગીઝ નથી. મોટેરાઓ તેના ભયસ્થાનો સારી રીતે સમજી શકે છે. મારા એક બોસને દર ૩૦ સેકન્ડે તેના બ્લેકબેરી પર મેઇલ ચેક કરવાની ટેવ છે. તમે અડધી રાત્રે પણ ઈ-મેઈલ કરો તો જવાબ મળવાનો જ.

  નો-મો ફોબિયાથી ઘણા લોકો પીડાય છે. વિચિત્રતા એ છે કે કહેવાતા સોશિયલ નેટવર્કિંગ માટેના સાધનો જેવા કે ફેઈસબુક, મોબાઈલ વાસ્તવમાં લોકોને વધુ એકલા કરી દે છે. ૨૯મી જાન્યુઆરીએ મુંબઈમાં નો-ટીવી ડે છે, આવી જ રીતે સ્વેચ્છાએ નો-મોબાઈલ ડે પણ ઉજવવો જોઈએ.

  વ્યવસ્થા (ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ) બધી સારી જ છે, આપણે પ્રમાણભાન ભૂલીએ છીએ અને તકલીફોની શરૂઆત થાય છે. મને ખુદને પણ ઇન્ટરનેટ અને ફેસબુકનુ વળગણ છે.

  આભાર,
  નયન

  • SUNIL PATEL says:

   નયનભાઈ ની કોમેન્ટ સત્ય છે. તેમની નિખાલસ કબુલાત તેમના વ્યક્તિત્વ ની વિસાળતા દર્શાવે છે. આભાર નયનભાઈ

  • hiral says:

   સરસ વાર્તા.

   સાચી વાત છે નયનભાઇ,

   મને પણ ગયા વરસે ફેઇસબુક અને ઇન્ટરનેટનું વળગળ લાગેલું.
   મેં અપનાવેલા કેટલાંક રસ્તા કદાચ અહિં જે તે વાચક મિત્ર (કે જેની આવી ફરિયાદ) હોય ઉપયોગી થશે.

   ૧) એકદમથી કોઇ વસ્તુ જોવાની કે વાપરવાની બંધ કરવી શક્ય નથી. પણ એનાં બદલે મેં અઠવાડિયામાં બે દિવસ હાલતા-ચાલતા સાહિત્ય તરફ વધારે ધ્યાન આપવું શરુ કર્યું. (બાળકો અને વડીલોને, મિત્રોને મળવાનું અને એમનામાં રસ લેવાનું). આપોઆપ થોડા સમયમાં ફેઇસબુક અને ઇંન્ટરનેટનું વળગણ છુટી ગયું.)

   ૨) રાત્રે આઠ વાગ્યા પછી ાને સવારે ઓફીસ જતા પહેલાં સેલ ફોન લેન્ડલાઇન નાં ફોન પાસે (ડ્રોઇંગરુમમાં જ મુકવાનો) જેથી જમવા કે સુવા સમયે સેલફોનનાં રેડિયેશનની વચ્ચે નહિં જમતાં કે નહિં સૂઇ જતાં આરામથી યોગ્ય ઉંઘ કે જે માનસિક અને શારિરીક બંને રીતે બોડીને રીચાર્જ થઇ શકે.
   (મારો વર ફોન આવે અને ઉઠવું પડે તો બહુ ચીઢ ચીઢ કરે. ….પણ ધીમે ધીમે ટેવાઇ ગયા ઃ)

   ૩) જમતી વખતે જો ફોન આવે તો હું જ ઉપાડીને કહી દઉં કે જમીએ છીએ. સૉરી..પછી ફોન કરીશું.

   ૪) આવી જ સતર્કતાનાં નિયમો મોલમાં જતી વખતે. (વારંવાર જાતને પૂછ્યા કરું. ખરેખર જરુરી છે? તો જ ખરીધું. મારો વર ઘણીવાર લઢે, શું કંજૂસઇ કરે છે? ગમે છે તો લઇ લે ને!… પણ બહુ મહેનતથી હવે બિનજરુરી એક ટાંકણી પણ ઘરમાં નથી આવતી. ગાંધીજીનાં ‘અપરિગ્રહ’ વિશે અહિં આપણે ઘણી વાર વાંચ્યુ જ છે ને!.

   ૫) જો કે હજુ ઘણી વાતો માટે મન કાબુ બહાર છે…પણ મહેનત તો મરતાં સુધી કરવી જ રહી. ઃ)

   • nayan panchal says:

    હિરલબેન,

    તમારા સૂચનો બદલ આભાર. ચોક્કસ તેમને અજમાવવા જોઈએ.

    વળગણ ગમે તેનુ હોય, હાનિકારક તો ખરું જ.

    ખૂબ આભાર,
    નયન

   • trupti says:

    હિરલ બહેન,
    ફોન અને ઈનટરનેટ જેવુ જ ટી.વી. નુ છે. ઘણીવાર જોયુ છે કે મહેમાન આવ્યા હોય અને જો કોઈ ગમતી સિરીયલ આવતી હોય તો યજમાન ને મહેમાનની હાજરી કઠે છે. ઘણા તો સિરીયલો ના એટલા ગુલામ હોય છે કે જો મકાન મા કે નજીક મા કોઈનુ મરણ થયુ હોય તો પણ મસાણે કે ડાઘુ મા જવાનુ પણ ટાળે છે અને નાદુરસ્ત તબિયતનુ બહાનુ બતાવી દે છે. ટી.વી. એ લોકોની સોસિયલ લાઈહ તદ્દન ખોરંભે ચઢાવી દિધી છે.
    ટી.વી. ની વળગણ માથી લોકોને છોડાવવા ૨૯ જન્યુ. ના દિવસે મુંબઈ મા નો-ટી.વી. ડે ઉજવવામા આવિ રહ્યો છે. તે દિવસે લોકો ને ટી.વી. ન જોવાનુ આહવાન કરવા મા આવ્યુ છે અને રસ્તા પર આવી કે ઘરની બહાર નિકળી પ્રક્રુતિ સાથે અને ઘરના જોડે સમય વિતાવવાનુ આહવાન કરવા મા આવ્યુ છે. હોટલો- દુકાનદારો અને કોફીશોપ વાળાઓ એ ડિસકાઉન્ટ કુપનો વહેંચી છે, જેથી કરી ને લોકો ઘરનિ બહાર નિકળવા પ્રેરાય. હવે જોવાનુ એ છે કે આને કેટલો પ્રતિશાદ મળૅ છે.

 13. Pravin Shah says:

  મોબાઇલ નો ફક્ત જરુર પુરતો જ ઉપયોગ કરવાનુ છોકરાંઓને શીખવાડવુ જોઇએ.

 14. NIrav says:

  cell phones should be used for emergency only but now a days it becomes luxury. To have a lates tech. phone is a status symbol. i noiced so many people talk real loud in the bus or train they don’t care about other passenger traveling with them whether they are getting disturbed or not.

 15. Vaishali Maheshwari says:

  This article describes the current scenario. All of us (Teenagers, Youngsters and Adults) are getting addicted to many luxuries (internet, social networking sites, cell phones, vehicles, etc). These days the line between necessity and luxury has become very thin. We all are not able to distinguish between the two.

  To some extent, it is true that in order to cope up with the fast changing modern world, we need to start using all the modern amenities and get the most out of it. However, the issue is that we are getting completely addicted to these luxuries and as a result, we are not able to concentrate more on our social/personal lives.

  For teenagers and youngsters, definitely Parents can talk to their kids and try to explain the positives and negatives. Even Parents can try to indulge kids in some other productive activities to divert their interests and minds. For adults, I think we should develop a strong will power and make sure that we also try to indulge ourselves into other fruitful activities, which would not let us think much about our addictions. Slowly and gradually, we should be able to overcome the problem.

  I am also addicted to talking on cell phone and keep checking internet (Gmail and FB) very often, but I will now try spending more time on other activities like reading, cooking, etc.

  Thank you for sharing this.

 16. વાર્તાના છેલ્લા પેરામાં નવી પેઢીની સમસ્યાનો ઈલાજ છે. મા-બાપ પાસે સંતાનોને પ્રેમ કરવા માટે સમય નથી, એ સંતાનોની સમસ્યા છે. માટે એ પેઢી સાધનોમાં સુખ શોધે છે. અનુષ્કાને માતા-પિતાએ સમય ફાળવ્યો એ જ એનો ખરો ઈલાજ છે.

 17. કલ્પેશ ઓઝા says:

  આપ લેખક-વાર્તાકાર છો તેથી સમજ તથા સામાજિક સ્થિતિથી ખૂબ જ વાકેફ અને માહિતગાર હશો જ. સામાજિક ઢાંચાને જાળવવા આવા લેખ તથા લેખકોની ખૂબ જ આવશ્યકતા છે. આ વાર્તાનું સારું પરિણામ લાવી આપે નિરાશ થતા બાળકો તથા વાલીઓને સુધરવાની એક તક આપેલ છે.
  પશ્ચિમની સંસ્‍કૃતિ, દેખા-દેખી અને સ્વછંદતાએ સમાજને ખૂબ જ નાજૂક સ્થિતિમાં લાવી મૂક્યો છે. કેમકે સારું શીખવું પડે છે અને ખરાબ અનુકરણ વગર શીખ્યે શીખી જવાય છે.
  મને વાર્તા અને સમાજ માટેનો આપનો સંદેશ ખૂબ જ ગમ્યો.
  – કલ્પેશ ઓઝા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.