વ્યક્તિ અને સમાજ – સંકલિત

[1] સમાજઋણ – મીરા ભટ્ટ

મને ઘણી વાર થાય છે કે આપણા દેશમાં આટઆટલી ગરીબી છે, અભાવ છે, અજ્ઞાન છે. બીજી બાજુ લખપતિઓ, કરોડપતિઓની સંખ્યા વધી રહી છે, યુનિવર્સિટીઓમાંથી થોકબંધ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે. કેમ કોઈને સમાજના અજ્ઞાન અને અભાવના ખાડા પૂરવાની પ્રેરણા નથી થતી ? શા માટે મકાનોના માળા પર માળા બંધાતા રહે છે અને બીજી બાજુ ઝૂંપડપટ્ટીઓની હારો પણ લંબાતી જ રહે છે ? ‘એરણની ચોરી અને સોયનું દાન’ આ તો છે જ, તદુપરાંત ક્યારેક તો એવાં દાન પણ થાય છે, જેમાં ઓછું આપીને વધુ વળતર મેળવાય ! પોતાના માટે અર્થસંગ્રહ એ મૂડીવાદી માનસનું દ્યોતક છે. માણસ જરૂર પૂરતું ધન કમાય તે માણસાઈ છે, પરંતુ પેટ નહીં, પેટીઓ ભરવાની વૃત્તિ માણસમાં સમાજનિષ્ઠા પેદા નથી થવા દેતી. આજના માણસમાં હજુ આજેય થોડાઘણા અંશમાં માતૃ-પિતૃ-કુટુંબ ઋણ ફેડવાની ભાવના છે, પરંતુ સમાજઋણની સભાનતા જાગી નથી. બાળપણથી જ આ ભાવના સિંચાઈ ન હોય તો તે આવવી મુશ્કેલ છે. આખરે સવાલ જાગૃતિનો છે. જનતાનો સંકલ્પ ન જાગે ત્યાં સુધી ક્રાંતિ-લોકશક્તિ કે નાગરિકતા બધું જ મૃગજળવત છે. અજગરની જેમ લાંબી થઈને સૂતી પડેલી લોકચેતનામાં કોઈ અલૌકિક સ્પર્શ સળવળાટ ઊભો કરે, એ જ પરમનિયંતા પાસે પ્રાર્થના ! (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી ટૂંકાવીને સાભાર)

[2] શુભ મુહૂર્ત – મહેન્દ્રભાઈ બાબરીયા

જીવનમાં આપણી સૌની એક માન્યતા છે કે દરેક શુભ કાર્ય માટે આપણે ચોક્કસ મુહૂર્ત જોવડાવીએ છીએ. વેવિશાળ, લગ્ન પ્રસંગ, મકાનનું ખાત મુહૂર્ત વગેરે અને અન્ય કાર્યો માટે એક સમય – પંચાગમાં કે જ્યોતિષીઓ પાસે કઢાવીએ છીએ. બધા જ વેવિશાળ-લગ્નો શુભ મુહૂર્તમાં જ થાય છે, પરંતુ તેમાંથી કેટલા સફળ થાય છે તે બધાથી આપણે પરિચિત છીએ. સંતો-જ્ઞાનીપુરુષોનાં મંતવ્ય મુજબ કોઈપણ શુભ કાર્યનું શ્રેષ્ઠતમ મુહૂર્ત હમણાં જ છે ! મકાનમાં કે જીવનમાં બનતા આગ, અકસ્માત, માંદગી જેવા પ્રસંગોએ તાત્કાલિક અને તરત જ દોડાદોડી કરી મુકવી પડે છે. ફાયરબ્રિગેડને બોલાવવા કે કોઈને હોસ્પિટલ લઈ જવા અથવા અન્ય કોઈ કટોકટીના સમયે મુહૂર્ત આપણે જોવડાવવાં બેસતાં નથી. ‘હમણાં’ જ એ દરેક શુભકાર્યનું શ્રેષ્ઠતમ મુહૂર્ત છે. કારણ કે ભૂતકાળ વીતી ગયો છે, જે કાળ વીતી ગયો તે ગયો. તે હવે કદીપણ આવી શકે નહિ. વળી ભૂતકાળની ભૂતાવળથી વ્યથિત થવાનો કોઈ કરતાં કોઈ અર્થ નથી.

ગુજરાતીમાં કહેવત છે ને કે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો વ્યર્થ છે. એ માટે કાંઈ પણ કરી શકવા કોઈ સમર્થ નથી. ભૂતકાળ ફક્ત મનમાં જ ભ્રમિત કરતો હોય છે અને ભવિષ્યકાળ વિશે કોઈ જાણી શકતું નથી. આવતીકાલ તો શું પાંચ મિનિટ પછી શું થશે તે જાણી શકાતું નથી. મનુષ્યોએ અથાગ પરિશ્રમ કરી વર્ષો મહેનત બાદ ઊભા કરેલ ભવ્ય મહાલયો ધરતીકંપના એક જ આંચકામાં નેસ્તનાબૂદ થઈ શકે છે. આપણી તમામ કોશિશો છતાં મૃત્યુ ઘડીભરમાં સર્વસ્વ છીનવી લે છે. જે પસાર થઈ ગયો તે સમય અને હવે પછી જે આવવાનો છે તે સમય – એ બંને માટે કંઈ પણ થઈ શકે નહિ. હા, ભૂતકાળમાંથી બોધ ન લેવો અને ભવિષ્ય માટે અગમચેતી ન રાખવી, એવી વાત નથી. આપણા હાથમાં હાલની પળો જ છે, જેમાં આપણે શુભ કાર્ય કરવા મંડવું જોઈએ ! સાહિર લુધન્યાવી કહે છે તેમ : ‘આગે ભી જાને ના તૂ……. પીછે ભી જાને ન તૂ…..! જો ભી હૈ….. બસ યહી એક પલ હૈ….. ! (‘મહાનલ એક જ દે ચિનગારી’ પુસ્તિકામાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.)

[3] એ આનંદને તમે ના જાણો – ધીરજરાય શાહ

એક દિવસ એક કવિ એક દેવળમાં ગયા. ત્યાં તેમણે મીણબત્તીને બળતી જોઈને મીણબત્તીને પૂછ્યું : ‘તને બળવું, પીગળવું કેમ ગમે છે ?’ મીણબત્તીએ કહ્યું : ‘બળવું, પીગળવું અને પ્રકાશ આપવો એ અમારો ધર્મ છે અને એમાં અમને આનંદ છે.’ તે પછી તે કવિ બાજુમાં આવેલી મસ્જિદમાં ગયા. ત્યાં તેમણે અગરબત્તીને સળગતી જોઈને અગરબત્તીને પૂછ્યું, ‘તને સળગવું કેમ ગમે છે ?’ અગરબત્તીએ કહ્યું : ‘સળગવું અને સુગંધ આપવી, એ અમારો ધર્મ છે અને એમાં અમને આનંદ છે.’ બંનેનો જવાબ સાંભળીને કવિ મૂંઝવણમાં પડી ગયા. એટલે કવિતાએ મરક મરક હસતાં કવિને કહ્યું : ‘કવિ, એ આનંદને તમે પુરુષો ના જાણો. ઘેર જઈને તમારી માતાને અને તમારી પત્નીને પૂછશો તો એ તમને સમજાવશે.’ (‘વાતોનું વાવેતર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.)

[4] કુદરતની વિનામૂલ્યે મળેલી મહામૂલ્ય ભેટ : સમય

મૅનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એક પ્રયોગ કરવામાં આવે છે. ભાગ લેનારા દરેકને ટ્રેનર પોતપોતાના ગજવામાંથી સો રૂપિયાની નોટ કાઢવાનું કહે છે. એ પછી તરત જ હાથમાંની સોની નોટના બે ટુકડા કરી નાખવાનું કહે છે. આવો વિચિત્ર આદેશ સાંભળીને ભાગ લેનારા નવાઈ પામી, એકબીજાના મોં સામે જોઈ રહે છે પણ કોઈ નોટ ફાડીને ટુકડા કરતું નથી. નવાઈ પામેલા બધા હજી બીજું કંઈ વિચારે-બોલે ત્યાં તો ટ્રેનર પોતાના હાથમાંની સો રૂપિયાની નોટના બે કટકા કરી નાખે છે. ટ્રેનરે જાણે ખૂબ ખોટું કામ કરી નાખ્યું હોય તેમ સૌ એને જોઈ રહે છે.

હવે ટ્રેનર કહે છે : ‘સો રૂપિયાની નોટના બે ટુકડા કરવાની વાતે આપણે કેવી ઊંડી ચિંતામાં પડી જઈએ છીએ ! એ બે ટુકડા બૅંકમાં રજૂ કરવાથી આપણને ફરી આખી નોટ મળી શકે છે. આવી ફાટેલી નોટ કે જેની પૂરેપૂરી કિંમત પરત મળી શકે છે એને સાચવી લેવાની આપણને ચિંતા થાય છે પણ એક વાર હાથમાંથી સરી ગયો એ સમય ફરી પાછો મળવાનો નથી એની ખબર હોવા છતાં એવો કીમતી સમય સાવ ફાલતુ ને અર્થહીન પ્રવૃત્તિમાં વેડફી દેવાનો આપણને જરાય અફસોસ થતો નથી. એક ઔર પ્રયોગ. આપણો દોસ્ત આપણી પાસેથી દસ હજાર રૂપિયા માગે તો આપણે તરત જ આટલા રૂપિયા આપી દઈશું ? ના…. પહેલાં તો આટલા રૂપિયા માગવાનું કારણ પૂછીશું, કેટલા સમય માટે જોઈએ છે તે જાણીશું ને કદાચ પ્રોમિસરી નોટ પણ લખાવી લેશું ! કુદરતે આપણને વિનામૂલ્યે મહામૂલા સમયની ભેટ આપી છે એનો રૂપિયાની જેમ ખાતરીબદ્ધ સદુપયોગ કરીએ તો ધારેલી સફળતા જરૂર મળે. જે સમયનું મૂલ્ય જાણે છે એમને સમય અમૂલ્ય સિદ્ધિ અપાવે છે.’ ( ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.)

[5] તમારા વ્યક્તિત્વને ઓળખો – મુકુન્દ પી. શાહ

પોતાની જાતને ઓળખવાની વાત કાંઈક વિચિત્ર લાગે છે, નહિ ? ઘણાને એમ થશે કે આપણે કોણ છીએ તે તો આપણે જાણીએ છીએ જ. પછી ઓળખવાનું વળી શું હોય ? પણ, ના. આપણે આપણી જાતને પૂરેપૂરી ઓળખતા નથી જ. પોતાની જાતને ‘ઓળખવી’ એ આ જગતમાં સૌથી મુશ્કેલ પણ સૌથી અગત્યનું કામ છે. જે ક્ષણે તમે તમારી અંદર રહેલા ગુણો, તમારી આંતરિક શક્તિઓ અને તમારા આત્મતેજને ઓળખી લો છો, તે ક્ષણ તમારા જીવન માટે અત્યંત મહત્વની બની જાય છે. પણ પોતાને સાચી રીતે ઓળખી શકનાર માનવીઓ તો વિરલ જ હોય છે.

પ્રત્યેક માનવીમાં એક ગુપ્ત શક્તિ રહેલી હોય છે જેની પોતે કલ્પના કરી શકતો નથી. માનવીની અંદર રહેલી શક્તિ માનવી પોતે જોઈ શકે એવી જો કોઈ શોધ થાય તો પોતાની અંદર રહેલી એ ગુપ્ત શક્તિને જોઈ માનવીને અત્યંત આશ્ચર્ય થશે. તમને કદાચ પ્રશ્ન થશે કે પ્રત્યેક માનવીમાં ગુપ્ત શક્તિ તે હોતી હશે ? પણ આનો જવાબ સ્પષ્ટ છે કે કેટલીક વાર એવું બને છે કે માનવીએ ધાર્યું ન હોય તેવું કાર્ય તેના પોતાનાથી સિદ્ધિ થઈ જાય છે ત્યારે તેના પોતાના આશ્ચર્યની કોઈ સીમા રહેતી નથી. તેને પોતાને લાગે છે કે શું ખરેખર આ કામ મેં જ કર્યું છે ? પણ એમાં આશ્ચર્ય પામવાની બિલકુલ જરૂર નથી. આ જગતમાં અત્યંત કઠિનમાં કઠિન કાર્યો માનવીએ જ કર્યા છે ને ? જગતના ઊંચામાં ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કોણે કર્યું હતું ? ચંદ્રની ધરતી પર પગ કોણે મૂક્યો હતો ? આશ્ચર્ય પમાડે તેવી વૈજ્ઞાનિક શોધો કોણે કરી છે ? જવાબ સ્પષ્ટ છે : માનવીએ. એક પામર ગણાતા માનવીના ફાળે જ આ બધી સિદ્ધિઓનો યશ જાય છે. માનવીની અંદર રહેલી ગુપ્ત શક્તિનું જ આ પરિણામ છે. (‘સુખની ચાવી’ પુસ્તકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોના ઈંઢોણી રૂપા બેડલું – વર્ષા અડાલજા
વહાલથી વાળી લો – કામિની મહેતા Next »   

5 પ્રતિભાવો : વ્યક્તિ અને સમાજ – સંકલિત

 1. જય પટેલ says:

  પ્રેરણાત્મક કણિકાઓ.

 2. Deval Nakshiwala says:

  સુંદર સંકલન છે.

 3. nayan panchal says:

  સમાજઋણ ચૂકવવા બાબતે વોરેન બફેટ કે બિલ ગેટ્સને નજર સામે રાખી શકાય. આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના હિસાબે યથાશક્તિ કરી શકીએ.

  મનનીય સંકલન.

  આભાર મૃગેશભાઈ,
  નયન

 4. Bhalchandra says:

  I used to believe, in my young age, that health is the greatest possession. But no at this age, I now believe, health can be regained, but it is the time, which I can’t!!!!!So I value my time more than anything else!!!!

 5. Pravin Shah says:

  “તમારા વ્યક્તિત્વને ઓળખો” બહુ જ સરસ્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.