- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ધીરજ – કાન્તિલાલ કાલાણી

[ સૌ વાચકમિત્રોને ‘પ્રજાસત્તાક દિન’ના વંદન. શ્રી કાન્તિલાલ કાલાણીના કેટલાક લેખોના સંચયમાંથી પ્રસ્તુત લેખ અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવે છે.]

ધીરજ વિશે ઘણું કહેવાયું છે અને વિજ્ઞાન જેમ આગળ વધતું જશે તેમ ધીરજનું મહત્વ વધતું જશે અને તેનો મહિમા ગવાયા કરશે. આશ્ચર્ય એ છે કે સાધનો નો અભાવ હતો ત્યારે લોકો ઘણી ધીરજ રાખી શકતા હતા અથવા એમ પણ કહી શકાય કે લોકોને ધીરજ રાખવી પડતી હતી. હવે સાધનો વિપુલ પ્રમાણમાં છે અને સમય વીતવા સાથે સાધનોમાં વૃધ્ધિ થવાની છે, છતાં ધીરજ ખૂટતી જાય છે અને અસંતોષ વધતો જાય છે.
અનુભવીઓએ માર્ગદર્શન આપતાં કહ્યું છે : ધીરે ધીરે રસ્તો કપાય છે. ધીરે ધીરે ગોદડી વણાય છે. ધીરે ધીરે પર્વતના શિખરે ચઢાય છે. ધીરે ધીરે વિદ્યા મળે છે અને ધીરે ધીરે પૈસો મળે છે. આ પાંચેય બાબતો ધીરે ધીરે કરવાની છે. સંત કબીરે મન એટલે કે જીવને સંબોધીને કહ્યું છે કે –

ધીરે ધીરે રે મના ધીરે સબ કછુ હોય,
માલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય.

હે મન ! ધીરજ ધારણ કર. સંસારમાં બધું ધીરે ધીરે જ થાય છે. માળી સંકડો ઘડા પાણી સીંચે પણ ફળ તો તેની ઋતુ આવે ત્યારે જ તૈયાર થાય છે. પછી કબીરે હાથી અને કૂતરાનો દાખલો આપ્યો છે. હાથી ધીરજ રાખે છે તો એને મણ કે વધુ ખાવાનું મળી રહે છે અને કૂતરાને અધીરાઈ હોય છે એટલે ટુકડા જેટલું અન્ન મેળવવા તે ઘરે ઘરે ભટકે છે. જીવને ઠરીઠામ બેસવાનું લગભગ ફાવતું નથી. તેને જાત પર વિશ્વાસ નથી. સંસારના વમળો વચ્ચે ફસાઈ ગયો હોવાથી તે અકળામણ અનુભવે છે. તેને ખબર નથી કે આ જગત એ કર્મભૂમિ છે અને અહીં કર્મની સત્તા પ્રવર્તે છે. કર્મની સત્તા પર માત્ર પરમાત્માની જ સત્તા છે. પરમાત્મા જ કર્મના ફળદાતા છે.

મનુષ્યનાં શુભ કર્મો ફળ આપવા તૈયાર થયાં હોય ત્યારે તેને ચારેબાજુ અનુકૂળતા લાગતી હોય છે અને નબળાં કર્મો ફળ આપતાં હોય ત્યારે પ્રતિકૂળતા લાગે છે, પણ મનુષ્યને બધો સમય અનુકૂળતા જ જોઈતી હોય છે. એટલે મુશ્કેલીઓ કે આપત્તિઓ આવી પડે ત્યારે મનુષ્ય ધીરજ રાખવાને બદલે અકળામણ અનુભવે છે. આ પૃથ્વી કર્મભૂમિ હોવાથી અહીં બધું પરિવર્તનશીલ છે. કર્મના સ્તરમાં ફેરફાર થાય તેમ તેના ફળમાં પણ ફેરફાર થતો હોય છે. તેમાં મનુષ્ય ધીરજ ન રાખે તો દુ:ખી થાય; અને ધીરજ રાખે તો સંકટને પણ પસાર થયા વિના છૂટકો નથી. કોલંબસ દરિયાઈ માર્ગે ભારતની શોધ કરવા ઈચ્છતો હતો, પણ સ્પેનના રાજાએ તેને દરિયાઈ માર્ગે જવાની ના પાડી, પણ પોર્ટુગલની રાણી સહાય કરવા તૈયાર થઈ. કોલંબસ ઉત્સાહમાં આવી ગયો. તે ત્રણ વહાણ લઈને નીકળી પડયો. તેમાંથી બે વાહણ સાગરમાં ડૂબી ગયા. સમર્થ મનુષ્ય ભાંગી પડે એવી એ દુર્ઘટના હતી. બે વહાણો નાશ પામ્યાં એટલે ત્રીજા વહાણના ખલાસીઓ તેને ખતમ કરવા તૈયાર થઈ ગયા, છતાં તેણે ધૈય ગુમાવ્યું નહિ. મરજીવા કોલંબસે છેવટે અમેરિકા ખંડ શોધી કાઢયો.

સગર રાજાના સાઠ હજાર પુત્રો કપિલ મુનિના શાપને કારણે બળી ગયા હતા. સ્વર્ગમાં રહેલી ગંગા પૃથ્વી પર આવે તો જ સગરપુત્રોનો ઉધ્ધાર થાય તેવું માર્ગદર્શન કપિલમુનિએ જ આપ્યું હતું. સગરના પુત્રોના ઉધ્ધાર માટે અસમંજસ નામના રાજાએ પ્રયત્ન કર્યો. ત્યાર પછી તેમના પુત્ર અંશુમને પુરુષાર્થ કરવામાં પાછીપાની ન કરી, પણ સફળતા ન મળી. દિલીપ રાજાએ ગંગાઅવતરણ માટે ખૂબ પ્રયાસો કર્યા. તે પણ સફળ ન થયા. તેના અધૂરા પ્રયત્નને પૂર્ણ કરવા ભગીરથ રાજા હિમાલય પહોંચી ગયો અને ત્યાં ઘોર તપ કર્યું. તેની તપશ્ચર્યાથી ગંગાજી પ્રસન્ન થયાં અને પૃથ્વી પર આવવાની અનુમતી આપી. ત્યાં બીજો પ્રશ્ન ઉભો થયો. ગંગાનું અવતરણ થાય ત્યારે તેના વેગને ઝીલવાનું કાર્ય કોણ કરે ? ગંગાજીએ જ શંકરની આરાધના કરવાનું કહ્યું. તેની તપસ્યાથી શંકર પ્રસન્ન થયા અને તમણે ગંગાજીના પ્રચંડ પ્રવાહને જટામાં ઝીલી લીધો. પછી ગંગાનો ક્ષીણ પ્રવાહ પૃથ્વી પર આવ્યો.

ચાર પેઢી સુધી ધીરજપૂર્વક પુરુષાર્થ કરવાથી ભારતનો દુષ્કાળગ્રસ્ત ઉત્તર ભાગ કાયમ માટે લીલોછમ બની ગયો. વિધ્વાનો કહે છે કે ગંગા અગાઉ તિબેટમાં પૂર્વથી ઉત્તર દિશામાં વહેતી હતી. આ પ્રવાહ પૂર્વથી દક્ષિણ તરફ વહેતો થાય તો જ ઉત્તર ભારતના લોકો અવારનવાર પડતા દુકાળમાંથી બચી શકે તેમ હતા. ઈક્ષ્વાકુવંશના રાજાઓએ તે દિશામાં સઘન પ્રયાસ કર્યો. વિરાટકાય પહાડોમાંથી પ્રવાહ બદલવાનું કાર્ય ભગીરથ હતું. સગર રાજાની સાઠ હજાર જેટલી પ્રજા તો જ દુષ્કાળના શાપમાંથી મુક્ત થાય તેમ હતી. ભગીરથની અખૂટ ધીરજ, પારવાર ખંત, અનોખી સૂઝબૂઝ અને સંકલ્પબળ અશક્યને શકય બનાવે શકયાં.
ધીરજની વાત કરીએ એટલે પંપા સરોવરને પશ્ચિમ તટે અવેલા માતંગ ઋષિના આશ્રમમાં રહેતી શબર જાતિની પરિચારિકા શબરીનું સહેજે સ્મરણ થાય. તેની ગુરૂભકિત, સેવાભાવ, તપસ્યા અને રામભકિત આદર્શરૂપ બની ગયાં છે. તેણે વર્ષ રામની પ્રતિક્ષા કરી હશે તે ભલે નક્કી ન થઈ શકે, પણ તેની ધીરજ અને નિષ્ઠા વિશે બેમત ન હોઈ શકે. તેને ‘સિધ્ધા’ અને ‘શ્રમણા’ જેવી શ્રેષ્ઠ પદવીઓ આપવમાં આવે હતી. તે ભકિતની સાકાર પ્રતિમા બની શકી, તેમાં ધીરજ અને નિષ્ઠાનો ફાળો નાનોસૂનો નથી.

આ જગતમાં જેમણે મોટી મોટી શોધો કરી છે તેમાં ધીરજના અખૂટ બળે મોટું પ્રદાન કર્યું છે. આપણે ચાંપ દબાવીએ છીએ અને વીજળીનો બલ્બ થાય છે, પણ થોમસ આલ્વા એડીસનને વીજળીના બલ્બને તૈયાર કરતાં પહેલાં દસ હજાર પ્રયોગો કર્યાં હતા. એની ધીરજ ખૂટી ગઈ હતો તો ? તેના વિશે નોંધાયું છે કે તે પ્રયોગો કરતો હશે ત્યારે ક્યાં ભૂલ થાય છે તે પકડાતું નહોતું. તેણે નક્કી કર્યું કે સવારે ભૂલ શોધી કાઢીશ. અક્સ્માતને લીધે એ રાત્રે જ પ્રયોગશાળા તો ભસ્મ થઈ ગઈ. તે બોલી ઉઠયો : આ અગ્નિ સાથે મારી સિધ્ધિઓની તો ભસ્મ થઈ ગઈ પણ સાથે મારી ભૂલો પણ બળી ગઈ. ભગવાનનો આભાર ! હવે બધું નવેસરથી થશે ! અન્ય મનુષ્યોને ધીરજ રાખવી જોઈએ એવું મનુષ્ય ઈચ્છે છે પણ તે પોતાના થી શરૂઆત નથી કરતો. તે સ્વલક્ષી દષ્ટિ રાખી પોતાના દોષ જોતો થાય તો ધીરજ કેળવાય; તે જીવની મર્યાદાઓનો, કર્મના નિયમોનો, લેણદેણના સંબંધોનો, પરિસ્થિતિ, સમય, સંયોગો, વાતાવરણ વગેરેનો વિચાર કરે તો ધીરજ ક્યાંથી રહે ? વળી મનુષ્ય જે કાર્ય પોતે કરી શકે તેમ હોય તે અન્ય પાસે કરાવવાની અપેક્ષા રાખે છે. સામી વ્યકિત તેની રીતે અને તેની અનુકૂળતાએ જ કામ કરે કે આપણી રીતે અને આપણી અનુકૂળતાએ ? એટલે જે મનુષ્ય જીવન અને જગત વિશે સમજણ કેળવી શકે તે જ ધીરજ રાખી શકે.

સમજણના ચાર પાયા છે : શાંતિ, આનંદ, સંતોષ અને સ્થિરતા. સ્થિરતાને ધીરજ સાથે સંબંધ છે; મૌનને શાંતિ સાથે; પરિણામલક્ષી દષ્ટિને આનંદ સાથે અને નિશ્ચયને સંતોષ સાથે. પ્રત્યેક ક્રિયામાં ધીરજનો ઉપયોગ થાય છે. ધીરજ રાખતી વખતે ઉત્સાહ અને કાળજી ટકી રહે તેમજ લાચારી અને પામરતા ન આવે તે સાચી ધીરજ કહેવાય. ધીરજ સાથે એ રીતે વિવેક, વિચાર અને નિશ્ચય જોડાયેલાં છે, તેથી ધૈયવાનને સારા કે માઠા પ્રસંગો સ્પર્શી શકતા નથી. એટલે તેની સ્વસ્થતા જળવાઈ રહે છે. જે વ્યકિતમાં હું પણા અને મારાપણાનો ભાવ ન હોય, નામરૂપનો મોહ ન હોય અને આ વિશ્વમાં પરમાત્માની જ સત્તા કામ કરી રહી છે એવો નિશ્ચય થઈ ગયો હોય તેવી આત્મપ્રધાન વ્યકિતની જ ધીરજ ટકી રહે છે. બીજી રીતે કહીએ તો જયાં વ્યાપકતા છે, સ્વીકાર છે, ત્યાં ધીરજ રહે છે; જયાં અપેક્ષા નથી ત્યાં ધીરજ રહે છે. મોટા ભાગના મનુષ્યો અપેક્ષિત ભાવથી ક્રિયા કરે છે અને મનુષ્ય પર કર્મનો પ્રભાવ હોવાથી તે જે ક્રિયા કરે છે તેનાં ધાર્યા પરિણામ આવતાં નથી. એટલે મનુષ્ય ધીરજ ગુમાવી દે છે. આમેય જયાં વ્યક્તિભાવ જોડાયેલો હોય ત્યાં ધીરજ ન રહે.

ધીરજનો ઉપયોગ પ્રસંગે કરવાનો હોય છે. કાંઈ કરવાનું ન હોય અને આપણને સંબંધિત કોઈ પ્રસંગ કે ઘટના ન બને તો ધીરજની કોઈ ઉપયોગીતા નથી. પણ કાંઈક શીખવું હોય, શીખવાડવું હોય, અઘરું કે કઠણ કાર્ય હોય ત્યાં ધીરજનો ઉપયોગ થાય છે. વળી અનુકૂળ પરિસ્થિતિમાં ધીરજનો જેટલો ઉપયોગ નથી થતો એટલો પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય છે. ધીરજ નિર્વેગપણાનું પ્રતીક છે. જ્યાં વેગ હોય ત્યાં ધીરજ ન રહે. ધીરજ કેળવવા માટે જેણે ધીરજ કેળવી હોય તેનો સહવાસ કરવો પડે. આવા અનુભવીનો સંગ કરવાથી જ ધીરજ કેળવવાની ચાવીઓ હાથમાં આવે. એટલે સૌ મનુષ્યો ધીરજ કેળવે એની રાહ જોયા વિના વ્યકિતએ પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ, અને કરોળિયાનું દષ્ટાંત સમક્ષ રાખવું જોઈએ. કરોળિયો તેનું જાળું પૂરું થાય ત્યાં સુધી ધીરજ રાખે છે, તેમ મનુષ્યે કાર્ય સિધ્ધિ ન થાય ત્યાં સુધી ધીરજ ટકાવવી જોઈએ. ઉતાવળે આંબા પાકતા નથી.