પાકીટની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ હૃદય ભારે થવા માંડ્યું તે પછી હળવું પાકીટ લીધું છે. (આમેય હૃદય ભારે થવાને કારણે મારું પાકીટ ઘણું હળવું થઈ ગયું છે !) આ પાકીટને કારણે સર્જાયેલી દુર્ઘટના વર્ણવવાનો આજે ઉપક્રમ છે.

રોજની જેમ જૂના વિધાનસભાગૃહને દરવાજે ઊતરી ઑફિસના પ્રાંગણમાં પ્રવેશ્યો કે તરત જ મારાં સહપ્રવાસિની મીરાંબહેને પૂછ્યું, ‘આ પાકીટ તમારું છે ?’ પાકીટ સામે જોતાં જ હું ગભરાયો. મારા પાકીટને બદલે હું બીજા કોઈનું પાકીટ ઉઠાવી લાવ્યો હતો ! પાકીટનાં રંગરૂપમાં કશું સામ્ય નહોતું. મારા પાકીટમાં ઑફિસની ચાવી ને ઑફિસની લોન લઈને લીધેલા ફલૅટના વીમાની પૉલિસી સિવાય કશું નહોતું, જ્યારે આ પાકીટ તો ખાસ્સું વજનદાર હતું; પણ ઊતરી ગયો ત્યાં સુધી મને કે જેનું પાકીટ લઈને ઊતરી ગયો તેને કાંઈ ખ્યાલ આવ્યો નહિ.

અપડાઉનમાં ચાળીસ ટકા લોકો ઊંઘતાં હોય છે; પંદર ટકા લોકો વાંચતાં હોય છે; પાંચ ટકા પૂજાપાઠમાં પરોવાયેલાં હોય છે; પચ્ચીસ ટકા લોકો વિચારમગ્ન હોય છે; આમાંનાં કેટલાંક ઑફિસ સમય દરમિયાન ઘરનાં ક્યાં ક્યાં કામો પતાવવાનાં છે, તેનું આયોજન કરતાં હોય છે, કેટલાંક ઑફિસે ગયા પછી તરત ચા પીવા જવું કે અર્ઘા કલાક પછી જવું એવા મનોમંથનમાં ડૂબેલાં હોય છે. કેટલાંક આજે સાહેબ આવવાના નથી એ ખ્યાલે આનંદમગ્ન હોય છે, કેટલાંક આ જિંદગી આખરે તો અપડાઉન જ છે ને, એવી આધ્યાત્મિક ભૂમિકાએ હોય છે; પાંચ ટકા લોકો પાનાં રમે છે; પાંચ ટકા લોકો વાતોમાં મગ્ન હોય છે; સાડાચાર ટકા લોકો કાં તો રજા પર હોવાને કારણે, કાં તો બસ ચૂકી જવાને કારણે કે મોડા આવવાના આયોજનને કારણે આવ્યાં હોતાં નથી; અર્ધા ટકા જેટલી મહિલાઓ ભરતગૂંથણનું કામ કરે છે. આ ટકાવારી પારસ્પરિક વિનિમયને પાત્ર છે. ઊંઘનારાં લોકો કોઈક દિવસ વાંચનારાં પણ બને છે. (વાંચતાં-વાંચતાં ઊંઘી જનારાં કે ઊંઘતાં-ઊંઘતાં વાંચવાનો પ્રયત્ન કરનારાંઓનો આમાં સમાવેશ થઈ જાય છે.) વાંચનારાં કોઈક દિવસ વાતો કરે છે; ભરતગૂંથણ કરનારાં ભરતગૂંથણ ઉપરાંત વાતો પણ કરે છે એટલે એ રીતે પણ ટકાવારીની સરેરાશ એકંદરે જળવાઈ રહે છે. આમ, નિજ પ્રવૃત્તિમાં મગ્ન જનો કોણ ક્યાં ક્યારે ઊતર્યું એની ફિકર કરતાં નથી. આ વિવેચન એટલા માટે કર્યું છે કે, હું જેનું પાકીટ લઈને ઊતરી ગયો તેને પણ ખ્યાલ કેમ ન આવ્યો એનો તમને ખ્યાલ આવે.

હા, તો ઑફિસના પ્રાંગણમાં પ્રવેશતાં જ પાકીટ બદલાઈ ગયાની દુર્ઘટનાનો ખ્યાલ આવ્યો. ટાગોરની નવલકથા ‘નૌકાડૂબી’માં અને એના પરથી ઊતરેલી હિન્દી ફિલ્મ ‘ઘૂંઘટ’માં નવવધૂની અદલાબદલી થઈ જાય છે એને મળતી આ ઘટના હતી. મારા આવા સ્વભાવને કારણે મિત્રો માને છે કે મારાં લગ્ન વખતે પ્રાચીન જમાનો હોત ને કન્યાનું મોઢું લગ્ન પહેલાં જોવાનું બન્યું ન હોત ને ટ્રેનના ડબ્બામાં બીજી પણ જાન હોત, તો હું કદાચ બીજી કન્યા લઈને ઊતરી ગયો હોત ! (આમ બન્યું હોત તો મૂળ કન્યાને લાભ થાત એવું પણ મિત્રો માને છે ને હવે પત્ની પણ માનવા માંડી છે.)

બસ જૂના વિધાનસભાગૃહથી નવા સચિવાલય થઈને જૂના સચિવાલય જાય છે. ઑફિસે પહોંચી એક મિત્રની સાઈકલ લઈ મેં જૂના સચિવાલય તરફ હંકારી મૂકી; પણ અર્ધે રસ્તે પહોંચ્યો ત્યાં મેં બસને પાછી વળતી જોઈ એટલે મેં સાઈકલને પાછી વાળી. પણ હાર્ટટ્રબલને કારણે સાઈકલ ઝડપથી ચલાવી શકું તેમ નહોતો એટલે બસ છેક એસ.ટી.ડેપો પહોંચી ત્યારે હું એને પકડી શક્યો. ડ્રાઈવર-કંડકટર હજુ બસમાંથી ઊતરતા જ હતા ને હું શ્વાસભેર પહોંચ્યો. અપડાઉનને કારણે કંડકટર સારી રીતે ઓળખે. એમને મેં મારા પુનરાગમનનું પ્રયોજન કહ્યું. એ અને હું બસમાં ચડ્યા. જોયું તો છાજલી પર પાકીટ નહોતું. જેનું પાકીટ લઈ હું ઊતરી ગયો હતો એમણે જ મારું પાકીટ લીધું હશે એમ લાગ્યું; પણ આ અખિલ વિશ્વમાં એમને શોધવા કેવી રીતે એ પ્રશ્ન હતો. ડરતાં-ડરતાં મેં પાકીટ ખોલ્યું તો અંદરથી બીડીની ઝૂડી નીકળી. કંડક્ટરે કહ્યું : ‘તમારી પાછળ બેઠા હતા તે ભાઈ બીડી પીએ છે. હું એમને ઓળખું છું. સાંજે મળશે.’ પણ મારી ઑફિસની ચાવી પાકીટમાં હતી એટલે આ મનુષ્ય અત્યારે જ મળી આવે એ જરૂરી હતું. પાકીટમાં ઘણા કાગળો હતા. આમતેમ જોતાં ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું. લાઈસન્સમાં લગાડેલો ફોટો જોતાં જ મને ખ્યાલ આવ્યો કે આમને મેં અગાઉ બે-ત્રણ વાર ઉચ્ચશિક્ષણ કમિશનરશ્રીની કચેરીમાં જોયા છે. સાઈકલ લઈ હું ફરી ઊપડ્યો. જૂના સચિવાલય પહોંચી સાઈકલ મૂકી હું ઝડપભેર ઉપર ગયો – જે કૅબિનમાં એ ભાઈને જોયા હતા ત્યાં ગયો પણ એમને જોયા નહિ. ત્યાં બેઠેલા ભાઈને લાઈસન્સમાંનો ફોટો બતાવીને પૂછ્યું, ‘આ ભાઈ ક્યાં છે ?’ પોતાના સહકાર્યકરની ધરપકડ કરવા આવેલો હું કોઈ સી.આઈ.ડી.નો કે સી.બી.આઈ.નો માણસ હોઉં એમ ઘડીભર એ મારી સામે જોઈ રહ્યા, પછી પૂછ્યું : ‘શું કામ છે ?’
મેં કહ્યું : ‘હું પાઠ્યપુસ્તક મંડળમાં ઑફિસર છું. બસમાંથી એમનું પાકીટ મારી પાસે આવી ગયું છે. મારું પાકીટ કદાચ એમની પાસે હશે.’ મારા ચહેરા પરથી હું સાદો ઑફિસર છું એમ માનવાનું પણ એના માટે અઘરું હતું – એટલે હું સી.આઈ.ડી. કે સી.બી.આઈ.નો ઑફિસર હોઉં એવી બીક રાખવાનું કારણ નહોતું એમ તેને ખાતરી થઈ એટલે કહ્યું : ‘ચાલો, પટેલભાઈ ‘ચ’ બ્રાન્ચમાં મળશે.’

અમે ‘ચ’ બ્રાન્ચમાં ગયા. પટેલભાઈ એમની જગ્યાએ નહોતા, પણ મારું પાકીટ હતું એટલે મારા જીવને નિરાંત થઈ. થોડી જ વારમાં પટેલભાઈ આવ્યા અને બોલ્યા : ‘પાકીટમાંથી તમારી ઑફિસનું સરનામું મળ્યું એટલે તમને ફોન કરવા જ ગયો હતો પણ કહ્યું કે સાહેબ હજુ આવ્યા નથી.’ અમે હાસ્યનો ને પાકીટનો વિનિમય કર્યો. વિશ્વવિજેતા સિકંદરની ખુમારી ધારણ કરી હું ઑફિસે પાછો આવ્યો. જેમની સાઈકલ લઈને ગયો હતો તે મિત્ર સામે મળ્યા. મેં કહ્યું, ‘તમારી સાઈકલ શુકનિયાળ છે. એની મદદથી હું મારું પાકીટ પાછું મેળવી શક્યો.’
‘હા, પણ આ સાઈકલ મારી નથી; મારી સાઈકલ ક્યાંક મૂકી તમે કોઈકની સાઈકલ લઈ આવ્યા છો !’ મિત્રે કહ્યું.

[કુલ પાન : 188. કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધીરજ – કાન્તિલાલ કાલાણી
અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત Next »   

20 પ્રતિભાવો : પાકીટની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

 1. Kinjal Thakkar says:

  હા….હા…હા!!!!! ઃ) ઃ) મજા આવિ ગઇ

 2. maitri vayeda says:

  મસ્ત…

 3. Maharshi says:

  મજા આવી ગઇ…

 4. અશોક જાની 'આનંદ' says:

  રબેતા મુજબ રમુજી રતિલાલભાઇની રોકડી રમુજ…….

 5. Sakhi says:

  As always very good Ratilalbhai.

 6. Deepak says:

  મજા આવિ ગઇ.

 7. nayan panchal says:

  મજા આવી ગઈ. મુંબઈની લોકલ ટ્રેનમાં પણ આવુ ઘણીવાર થાય છે. મોટાભાગના ઓફિસબેગ કાળા રંગના હોય છે, બને ત્યા સુધી આપણી બેગ અલગ પડી જાય તેમ હોય તો સારુ રહે.

  આભાર રતિલાલભાઈ,
  નયન

 8. Pravin Shah says:

  છેલ્લે સાઇકલ બદલાઇ જાય છે એ ઘણુ રમુજી લાગે છે.

 9. Veena Dave. USA says:

  રમુજી લેખ વાચવાની મઝા આવિ.

 10. Deval Nakshiwala says:

  મસ્ત હાસ્યલેખ છે. બદલાયેલું પાકીટ તો જડી ગયું પણ પાછી સાઈકલ બીજાની આવી ગઈ.

 11. Jagruti Vaghela says:

  હવે બદલાયેલી સાઈકલ શોધવા ગયા ત્યારે કેવી કોમેડી થઈ તેનો પણ એક લેખ આપી દો. ઃ)

 12. મસ્ત હાસ્ય લેખ

 13. Labhshankar Bharad says:

  ખૂબ જ સરસ હાસ્ય લેખ. શ્રી રતિભાઈ બોરીસાગરને આ કૃતિ બદલ તેમજ તાજેતરમાં જ વંદનીય પૂ. મોરારી બાપુ દ્ધારા, સા. કુંડલા ખાતે સન્માનિત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ! !

 14. Bhalchandra says:

  Excellent! Please keep writing and publishing such hilarious stories with meaningful ending!

 15. hiral says:

  હસી હસીને લોટપોટ ઃ)
  સાચે જ સરસ હાસ્યલેખ.
  અમદાવાદ, ગાંધીનગર બધું નજર સમક્ષ ખડું થઇ ગયું.
  આભાર.

 16. Retesh says:

  સાચેજ મજા પડી ગઈ !!! અહિયાં અમેરીકામાં તો ભરતગુંથણ જોવા તો નથી મળતું પણ બહેનો મેકપ કરતી જુરૂર નજરે પડે છે. અને કેટલાયના નસકોરાં સાંભળવાના મળેછે.

 17. RAVI PATEL says:

  very exellant story
  in the last part of story is very funny
  nice story

 18. વાહ ભાઇ વાહ…
  ખુબ સરસ હાસ્ય લેખ.છેલ્લ સાઇકલ નો જે લોચો માર્યો એ વાંચીને તો જોરદાર હસવું આવ્યું… 😆

 19. Dhaval Tilavat says:

  તમે જે ટકાવારી નુ પ્રમાણ કાઢ્યુ તે વાચી ને ખરેખર મજા આવી ગઈ….. એમા પણ પાછી ચોખવટ કરી……હા હા હા હા….
  એબહુ સરસ ……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.