આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ

[‘વિનોદકથા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સંબંધોનો બંધ

હંમેશની ટેવ મુજબ આજેય મડાને, સિદ્ધ વડ પરથી ઉતારી, ખાંધે નાખી રાજા વિક્રમે ઉજેણી ભણી મોં ફેરવ્યું ને મડાએ ખડખડ હસતાં આ વારતા શરૂ કરી :

કોઈ એક નગરમાં સુધારાસિંહ નામે યુવક રહેતો હતો. સુધારા ખાતર વિધવા સ્ત્રી સાથે જ પરણવાની તેને ધૂન હોઈ કોઈ યોગ્ય સ્ત્રી વિધવા બને તેની લાંબો સમય રાહ જોયા પછી અંતે એને એ તક મળી અને એ એક વિધવાને પરણ્યો. સ્ત્રી પોતાના સ્વર્ગસ્થ પતિથી થયેલી એક પુત્રીને પણ આંગળીએ લેતી આવી હતી. એ આંગળિયાત પુત્રી પરણવાને યોગ્ય ઉંમરે પહોંચતાં જ એક કૌતુક થયું. સુધારાસિંહના વિધુર પિતાશ્રી સવાઈ સુધારો દાખવીને સુધારાસિંહની એ પુત્રી સાથે પરણી બેઠા. આમ થવાથી સુધારાસિંહની પુત્રી તેની સાવકી મા બની ને બીજી રીતે એના પિતા એના જ જમાઈ બન્યા. સમય જતાં સુધારાસિંહને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. સગપણની દષ્ટિએ સુધારાસિંહનો આ પુત્ર તેના પિતાનો પૌત્ર તેમ જ સાળો બન્ને ગણાય. આમ, સુધારાસિંહનો પોતાનો જ પુત્ર એનો મામો બન્યો.

પરંતુ હે વિક્રમ, વાત આટલેથી અટકતી હોત તો સારું થાત, પણ થોડા અરસામાં તો સુધારાસિંહના પિતાને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. પિતાની પુત્રી હોવાને લીધે તે બહેન થઈ ને સાવકી પુત્રીની પુત્રી હોવાને કારણે તે દૌહિત્રી પણ થઈ. આને કારણે સુધારાસિંહનું, પોતાની પત્ની સાથેનું સગપણ વધી ગયું. પોતાની પત્ની પોતાની નાની થઈ. પત્નીનો પોતે પતિય ખરો ને દૌહિત્ર પણ થયો. એ રીતે સુધારાસિંહ પોતે જ પોતાનો નાનો બન્યો. સંબંધોની આ પરંપરાથી એ ખૂબ જ અટવાઈ ગયો.’ વારતાને આટલેથી અટકાવતાં વૈતાળે રાજા વિક્રમને પૂછ્યું, ‘તો હે રાજા ! સંબંધોની પરંપરામાં મૂંઝાયેલા સુધારાસિંહની મૂંઝવણ કેવી રીતે ઓછી કરી શકાય ?’

‘સુધારાસિંહે પોતાના પુત્રનાં લગ્ન, પિતાની દીકરી સાથે કરી નાખવાં જોઈએ. એથી પેદા થતા નવા સંબંધોને કારણે જ જે નવી મૂંઝવણો ઊભી થશે એની સરખામણીમાં એની વર્તમાન મૂંઝવણો એને ઓછી જણાશે.’ વિક્રમે જવાબ આપ્યો.
……અને ‘તું તો બહુ જ ઈન્ટેલિજન્ટ છે.’ એમ કહી ફરી મડું તેને બુદ્ધુ બનાવી વડ પર લટકી ગયું.

[2] આકરી સજા…

રાજા વિક્રમે ફરી પાછો મસાણમાં પ્રવેશ કર્યો. મડાને વડ પરથી ઉતારી, ખાંધે બાંધી તેણે મહેલ તરફ જવા જેવો પગ ઉપાડ્યો કે મડાએ આ વારતા શરૂ કરી :

…અને તે નગરજનોનું એક ટોળું એ યુવાન તરફ ફીટકાર વરસાવી રહ્યું. યુવાન નત મસ્તકે ટોળાની વચ્ચે ઊભો હતો. આ યુવાને જે છોકરીની છેડતી કરેલી એ છોકરી પણ અંગારા વેરતી આંખે યુવાન સામે જોઈ રહી હતી.
‘એને પોલીસચૉકીએ ઢસડી જાઓ….’ ટોળાને ઉદ્દેશી એક બુઝર્ગ ઉવાચ્યા.
‘પણ એમાં તો બિચારી આ બહેનની બદનામી થશે….’ બીજા વ્યવહારુ બુઝર્ગ બોલ્યા.
‘એના માથે ટકો-મૂંડો કરી, ચૂનો ચોપડી, ગધેડા પર બેસાડી શેરીએ શેરીએ ફેરવો…..’ બીટલકટ વાળ ધરાવતા એક યુવકે પ્રસ્તાવ મૂક્યો.
‘કોઈની મા-બહેન સામે જિંદગીભર નજર નાખવાની ખો ભૂલી જાય એવી નશ્યત કરો…..’
‘સાલ્લાને ચાબુકે ચાબુકે ફટકારો…’ એક ઘોડાગાડીવાળાએ સૂચવ્યું.
‘સમાજની મા-બહેનની સલામતી ચાહતા હો તો આને રિબાવી રિબાવીને ખતમ કરી નાખો.’ પોળના નાકે બેસીને કાયમ છોકરીઓની છેડતી કરતા એક બંધુએ અભિપ્રાય આપ્યો.

વારતાને આટલેથી જ અટકાવીને મડાએ રાજા વિક્રમને પૂછ્યું : ‘હે વિક્રમ !…. સમાજમાં દાખલો બેસાડવા, આ છેડતી કરનાર મજનૂને આકરામાં આકરી સજા કઈ કરવી જોઈએ ?’
‘તેને એ જ છોકરી સાથે પરણાવી દેવો જોઈએ….’ વિક્રમે જવાબ આપ્યો… અને મડુ ફરી પાછું રાજાના હાથમાંથી સરકીને વડ પર લટકી ગયું.

[3] પજવણી સંઘ

ફરી એક વાર રાજા વિક્રમે મડાને કાંધે નાખી ચાલવા માંડ્યું એટલે મડાએ આ વારતા કહેવા માંડી :

એક નગર હતું. કોઈ પણ પ્રકારે પોતાના પતિને ત્રાસ આપવો જ એ જાણે નગરની સ્ત્રીઓનું અલિખિત અફર ધ્યેય હતું. અને આ ધ્યેયની સફળ સિદ્ધિ અર્થે વ્યાપક સભ્યસંખ્યાવાળી ‘હસબન્ડ હૅરેસ કલબો’ પણ તેઓ ચલાવતી હતી; જેની શહેરના ઝોન પ્રમાણે અનેક શાખાઓ હતી. આ કલબની સભ્ય સ્ત્રીએ એવા શપથ લેવા પડતા કે પોતે યથાશક્તિ પોતાના પતિને પજવવાના અવનવા નુસખા શોધવા સદા પ્રયત્ન કરશે તથા શોધાયેલા નુસખાનો, પોતાના પતિ પર છૂટથી ઉપયોગ કરશે જ અને કલબની સભ્ય બહેનોને પણ એ યુક્તિઓ શીખવશે. પતિને વધારે ખાંડવાળી ચા આપી તેની સવાર બગાડવાથી માંડીને તેના ઑફિસે જવાના સમયે મોટર સાઈકલની ચાવી ખોઈ નાખવા જેવા સામાન્ય અખતરાથી માંડી કરોડપતિ પતિને લખપતિ અને મોટરગાડીવાળાને પગે ચાલતો કરી નાખવા જેવા અસામાન્ય ઉપાયો અજમાવવાનુંય આ સ્ત્રીઓ ચૂકતી નહિ. અરે નગરની વહીવટકર્તા તરીકે પણ આ સ્ત્રીઓએ એક માથાભારે સ્ત્રીને ચૂંટી હતી.

‘હસબન્ડ હૅરેસ કલબ’ના નોર્થ ઝોનની પ્રેસિડેન્ટ સ્ત્રી, પતિ પજવણીમાં નગરની કોઈ પણ સ્ત્રી કરતાં વધુ હોશિયાર હતી. પણ તેનો પતિય સામે અત્યંત શાંત અને ધીરજવાળો હતો. હસતાં હસતાં તે બધું જ સહી લેતો. પતિને હેરાન કરવાના – ત્રાહિમામ્ પોકારાવાના પેંતરા પોતાના પતિ પર અજમાવ્યા હતા, પણ એના પતિએ તે બધા જ ગળી ખાધા હતા. આથી પેલી સ્ત્રીને પોતાનું માન ઘવાતું લાગવા માંડ્યું. અંતે છેવટના ઉપયોગ તરીકે તે સ્ત્રીએ પોતાના પતિને ઉશ્કેરવા એક અન્ય પુરુષને પ્રેમ કરવા માંડ્યો. આ જાણ્યા છતાંય તેના પતિનું લોહી તપતું જણાયું નહિ. છેવટે એક દિવસ પેલી સ્ત્રીએ પોતાના પતિ આગળ જાહેર કર્યું કે એ પોતાના પ્રેમી સાથે પરણવા ઈચ્છે છે. જાણે પત્નીના આવા પ્રસ્તાવની રાહ જોતો હોય તેમ પતિએ સામે ચાલીને, પેલા પ્રેમીને પત્ની ભેટ તરીકે આપી દીધી. આ સમયે પણ એ પતિ મરકતો હતો.’

વારતાને અહીં જ અટકાવતાં વૈતાળે રાજા વિક્રમને પૂછ્યું : ‘હે વિક્રમ ! પેલા માણસને પોતાની પત્ની ભેટ આપવાનું, પોતાના પૌરુષને લાંછનરૂપ એવું કાર્ય કરતાં એ પતિ કેમ મરક્યો હશે ?’
‘પત્નીના ત્રાસમાંથી હંમેશ માટે છૂટ્યાનો આનંદ તો સ્વાભાવિક હશે જ, પણ પુરુષ પ્રત્યે કોઈ જૂની અદાવતનું વેર વાળ્યાનો આનંદ પણ તેમાં ભળ્યો હશે. આમ એને એક કાંકરે બે પક્ષી મર્યાનો લાભ થયો હશે.’ વિક્રમ પૂરો જવાબ આપે ત્યાર પહેલાં તો મડું તેના હાથમાંથી સરકીને ઝાડ પર લટકી ગયું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત
મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી Next »   

8 પ્રતિભાવો : આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ

 1. pragnaju says:

  વિનોદની વિનોદ કથાઓ મન પ્રસન્ન કરી દે

 2. nayan panchal says:

  પ્રથમ કથા તો આપણા દેશને એકદમ સચોટ લાગુ પડે છે. નવો મુદ્દો લાવો એટલે જનતા જૂનો મુદ્દો ભૂલી જશે. આપણા રાજકારણીઓ, મિડીયાવાળા આપણને આમ જ રમાડે છે.

  બીજી વાર્તામાં વિક્રમ રાજાનો જવાબ એકદમ સચોટ 😉

  આભાર,
  નયન

 3. Funny ! ! ! In early 70, I, enjoyed exactly one english country song.
  Who knows? Song writer may have read this funny story.

 4. આમ જોતા લાગે છે કે હાલ ભારત દેશને આવા આધુનિક વિક્રમની ખાસ જરુર છે.

 5. JyoTs says:

  I dont know the secret of VIkram-Vaital….what is the actual secret behind this?
  since childhood i have been reading the stories ,but what is the connection ?i mean why vikram is always ready to pick him ?
  please anyone knows ..answer me..Thank you so much….

  • AISHWARYANAND says:

   That’s story of Vikram and Tantrik Sadhu..He sends Vikram to grab the dead body handed over in cemetery or Smashan
   You can watch Vikram Betal serial by Ramanand Sagar to understand whole story……….or read gujarati ‘Batris Putli ni Kathao’

   • Manisha says:

    Further to comment from Aishwaryanad, I like to add that “The Tantrik sadhu sends vikram to bring dead body but vetal was always holding the body by being inside the body. He permits to carry body only with the condition that;
    – Condition 1: Vikram can carry dead body only if he remins speechless during the path
    – Condition 2: If vetal asks any question and vikram knows the answer, he need to answer the question otherwise he will die

    The viskram was so wise that he was having answer to all the questions. So whenever the vetan asks any question, the vikram answer it and hence break the condition 1. Due to this, the vetal could not able to carry dead body in all of the stories.

 6. પહેલો ભાગ ૧૦ વાર વાંચવો પડ્યો.! (છતાં ખબર તો ના જ પડી 😉 😛 )

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.