મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી

[ વિષયપ્રવેશ : રીડગુજરાતીની આ સાહિત્યયાત્રામાં કેટલાક લેખો યાદગાર બન્યા છે, જેમાં ‘મહાભારત વિષે’ અગાઉ પ્રકાશિત થયેલા લેખનો પણ સમાવેશ થાય છે. એ લેખ વાંચીને અનેક વાચકોના ફોન, ઈ-મેઈલ મળ્યાં. સૌએ તેનો બીજો ભાગ વાંચવાની ઉત્કૃષ્ટ ઈચ્છા દર્શાવી. ખૂબ જ વિસ્તૃત લેખ હોવાને કારણે સમય અભાવે તુરંત એ શક્ય ન બન્યું, પરંતુ આજે તેનો આ બીજો ભાગ પ્રકાશિત કરવામાં આવે છે. સૌપ્રથમ આ બંને ભાગ અંગેની થોડીક પૂર્વભૂમિકા જોઈ લઈએ…. થોડાં વર્ષો અગાઉ કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે યોજાયેલ ‘શિક્ષક, શિક્ષણ તથા સમાજ’ અને વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં યોજાયેલ એક અદ્દભુત ‘શિક્ષકસત્ર’માં શ્રી મોરારિબાપુ, શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’, શ્રી મોતીભાઈ પટેલ, શ્રી ગુણવંત શાહ વગેરે વિદ્વાનોએ સુંદર પ્રવચનો કર્યા હતા. તેમાં દક્ષાબેન વિ. પટ્ટણીએ ‘મહાભારત વિષે’ બે પ્રવચનો કર્યા હતા, જેમાં એક પ્રવચન મહાભારતના પ્રસંગો વિશે અને બીજું વક્તવ્ય પ્રશ્નોત્તરી અંગેનું હતું. અગાઉ આપણે પ્રશ્નોત્તરી અંગેનું વક્તવ્ય માણ્યું હતું, આજે મૂળ પ્રસંગો પરનું તેમનું વક્તવ્ય માણીએ. દક્ષાબેને ગાંધીજી પર પી.એચ.ડી કર્યું છે. તદુપરાંત ગાંધીસાહિત્ય અને અન્ય સાહિત્યના તેઓ ઊંડા આજીવન અભ્યાસી છે. તેમના આ વક્તવ્ય પરથી વિદ્વત્તા અને મહાભારતનો ગહન અભ્યાસ કોને કહેવાય તે સુપેરે સ્પષ્ટ થાય છે. અભ્યાસુ વાચકો આ પ્રકારના લેખો સાચવી શકે અને તેનું મનન કરી શકે તે માટે આ બંને લખો PDF ફાઈલ રૂપે આ લેખને અંતે આપેલ છે, જે સૌ કોઈ ડાઉનલોડ કરી શકે છે. તેમનો આ પ્રસ્તુત લેખ ‘યાત્રા: રામથી શ્યામ તરફ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. – તંત્રી.]

મહાભારતનું જ પર્વ માંડીને બેઠાં છીએ, તો પ્રતાપભાઈએ આટલી બધી વાત કરી ત્યારે મને બેઠાંબેઠાં યાદ આવ્યું એટલે ઉમેરું છું કે ભીષ્મપિતામહના નિર્વાણદિને આજે આપણે મહાભારતની વાત કરવા ભેગાં થયાં છીએ.

હું સંસ્કૃતની અધ્યાપિકા નથી, તેમ મહાભારતનો મેં બહુ અભ્યાસ કર્યો છે એવું પણ નથી. જેમ મનુભાઈએ આમ ઉપર-નીચે ઉથલાવી નાખ્યું છે એટલી બધી હું મહાભારતમાં ઊંડી ગઈ નથી, એટલે મારી મર્યાદા હું બહુ સ્પષ્ટ કરી દઉં. વાંચ્યું છે તો પણ એના જે બુદ્ધિ લડાવવાના પ્રશ્નો છે – એનો સમય અને પાત્રોની આયુષ્યમર્યાદા એ બધા પ્રશ્નોમાં મને રસ નથી, પણ એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે મારી પ્રકૃતિ આ પ્રકારની છે કે હું જ્યારે કોઈ પણ વિષય વિષે વાત કરું ત્યારે તેને સંપૂર્ણપણે પામીને આવું. ગાંધી વિષે મેં જગતના વિચારકો શું કહે છે એ વાંચ્યું હોય, પણ ગાંધીને મેં નિઃશેષપણે વાંચી નાખ્યો. અને પહેલી મારા કોરા મન પર છાપ પડવા દઉં, એમ આજ મહાભારત વિષે વાતો કરવા આવી છું અને વાતો કરવા જ આવી છું, વ્યાખ્યાન કરવા નહીં. એ વાતો પણ મહાભારત વાંચતાં-વાંચતાં મારા મનમાં જે ભાવ જાગ્યા છે – આપણે પ્રવાસ કરીને આવીએ અને પછી આપણને ક્યાં મજા આવી, ક્યાં બહુ ગમ્યું, ક્યાં નથી મજા, એટલે કે મને ન આવી એમ એની વાતો કરવા આવી છું.

હું એવી સ્તુતિ નથી કરી શકતી કે મહાભારત એ સર્વાંગસુંદર, સાદ્યન્ત ઉત્તમ કલાકૃતિ છે; એવું હું નથી અનુભવતી અને વિદ્વાનો પણ નથી અનુભવતા, કેમકે એની રચના વિષે આપણે જાણીએ છીએ કે વ્યાસમુનિએ રચ્યું અને ઉત્તમ રહ્યું હશે એની ના નહિ. પછી પાંચ શિષ્યોને કહ્યું, પાંચ શિષ્યોએ બીજાને કીધું અને દરેક માણસ પોતાની પાત્રતા પ્રમાણે ઉમેરા કરતો ગયો, એટલે ઘણુંબધું એમાં પ્રક્ષિપ્ત પણ છે અને એ બહુ અનુકૂળ છે કે આપણને એમ લાગેને કે આવું તો વ્યાસ ન લખે, ત્યાં માની લેવું કે એ કોઈએ પ્રક્ષેપ કર્યો હશે. એટલે મહાભારતમાં આવી બધી બહુ સગવડો છે, પણ એની વિગતમાં હું જતી નથી. મારે તો બહુ નાની-નાની, થોડીક વાતો કરવી છે.

મહાભારત વાંચતાં મને શું થયું તે – જે મહાન રાજા ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, છેક ત્યાંની કથાથી લઈને આ ભારતદેશ, તેનો વિસ્તાર, તેની સમૃદ્ધિ, તેની સંસ્કારિતા, તેનું બળ, તેનું તેજ, તેનું અધ્યાત્મ કઈ ભૂમિકાએ વિકસેલું હતું, તેનો સર્વાંગી પરિચય આપતો એક ગ્રંથ એટલે મહાભારત. મહાભારત લખાયું એની પહેલાં પણ આપણા દેશમાં ઉત્તમ ગ્રંથો તો ઘણા લખાયા છે. આપણે જાણીએ છીએ કે આપણો જૂનામાં જૂનો ગ્રંથ ઋગવેદ – કોઈ યુનિવર્સિટીની દુનિયામાં જ્યારે કલ્પના નહીં હોય ત્યારે યુનિવર્સલનો અનુભવ જ ઋગવેદના ઋષિઓએ, કવિઓએ એમની ઋચાઓમાં કરાવ્યો છે. અદ્દભુત છે. ઈશાવાસ્ય ઉપનિષદનું પહેલું સૂત્ર – એના જેવો સમાજશાસ્ત્રનો સિદ્ધાંત હજી જગતે આપ્યો નથી. તમે શિક્ષકો છો એટલે મારે તમને ‘ईशावास्यम् इदम् सर्वम् ।’ એ પહેલું સૂત્ર કહેવાની જરૂર નથી. ઉમાશંકરે એક વાર એમના વ્યાખ્યાનમાં કહ્યું હતું (મુકુન્દભાઈ પરાશર્ય સાથે વાતો કરતાં) : ‘મુકુન્દભાઈ, હું જરાયે અભિમાન વિના કહું છું કે આખુંયે ઈશાવાસ્ય હું લખી શકું એવું મારામાં સામર્થ્ય છે, પણ એનો જે પહેલો શ્લોક છે એ તો એ જ ઋષિ લખી શકે કે જેને સાક્ષાત્કાર થયો હોય, બીજા કોઈનું ગજું નહીં.’ तेन त्यक्तेन भुंजीथाः मा गृधः कस्यस्विद् धनम् | એનાથી મોટો કોઈ સમાજશાસ્ત્રનો સિદ્ધાન્ત આપી શક્યું નથી. આપણે એ પણ જાણીએ છીએ કે ગીતાના શાંકરભાષ્યથી વધારે આગળ જગતનું તત્વજ્ઞાન ગયું નથી.

આ બધું જાણતાં હોવા છતાંય તે એ બધાથી જુદું એવું મહાભારતનું શું વિશિષ્ટ પ્રદાન છે, આપણા દેશમાં કયું વિશિષ્ટ વ્યક્તિત્વ છે અને તેણે કયું વિશિષ્ટ કાર્ય કર્યું કે જેને કારણે આપણે મહાભારત વિશે વાતો કરવા તૈયાર થયાં છીએ – હું જરા એ તપાસવા માગું છું. મને લાગે છે કે કોઈપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર એનો વિકાસ થાય, એક પરાકાષ્ઠાએ પહોંચે, કલાઈમેક્સ ઉપર, ત્યાં બહુ લાંબો સમય રહી શકતો નથી. ધીમેધીમે મોજાંઓ પાછાં પડે, એમાંથી ઓટ સર્જાય અને એ ઓટના વમળમાંથી જ ફરી પાછું ભરતીનું મોજું આવે, આ કુદરતના નિયમો આપણે જેમ જેમ સમજતાં જઈએ તેમ-તેમ આપણને લાગે કે આપણો સમાજ, આપણું વ્યક્તિગત જીવન એ બધાની સાથે આ નિયમો કામ કરતા હોય છે. એ રીતે આપણા સત્યુગના જીવનમાં પણ કોણ જાણે ક્યાંથીયે કળિએ પ્રવેશ કર્યો અને કેવો નિયમ રામચંદ્રના સમયમાં આપણે જોઈએ છીએ ! તમે વિચારો : આવું સરસ આપણું ઉપનિષદ, તત્વજ્ઞાન પણ કોણ જાણે કોણે એવો નિયમ કર્યો કે શૂદ્રો અને સ્ત્રીઓને તેના જ્ઞાનનો અધિકાર નહીં. આ કંઈ બહુ સારો નિયમ નથી. એ કાળે પણ ઘણાને સારો નહોતો લાગતો. પણ ઘણું સારું ન લાગે એવું થાય છે અને કોણ જાણે કોના જોરે ચાલે છે ! પણ એ નિયમ ચાલ્યો. જેણે રામાયણ વાંચ્યું છે તેને ખબર છે કે રામ જેવા રામનીયે આ વેદના હતી, જ્યારે શૂદ્રનો વધ કરવા જાય છે ત્યારે. રામાયણમાં એક શૂદ્ર તપ કરતો હોય છે અને એ અયોગ્ય થયું છે એવી રામ સામે ફરિયાદ આવે છે. અને રાજા તરીકેનો ધર્મ બનાવવા એમણે જેમ સીતાને છોડી તેમ શૂદ્રનોયે વધ કર્યો. એ કંઈ રામને ગમતું હતું એમ માનવાને કારણ નથી. ભવભૂતિએ એનું આલેખન ઉત્તરરામચરિતમાં બહુ સરસ કર્યું છે. એ લખે છે કે શૂદ્રનો વધ કરવા રામ જ્યારે જાય છે ત્યારે હાથમાં તલવાર સાથે જાય છે, પણ એમનો હાથ ધ્રૂજે છે, એ અટકે છે, વિચારે છે કે આ માણસ પરમ તત્વને પામવા માટે તપ કરે એનો હું વધ કરું ? પછી એમના હાથને ઉદ્દેશીને કહે છે કે : ‘હે હાથ ! (જમણો હાથ છે) નિર્દોષ સીતાનો ત્યાગ કરતાં જો તું અચકાયો નથી, તો આ શૂદ્રનો વધ કરતાં કેમ અચકાય છે ?’ રામની વેદના શું હશે – જેમાંથી પેલો સરસ મજાનો શ્લોક આપણને ભવભૂતિએ આપ્યો છે :

वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि ।
लोकोतरणाम् चेतांसि कोतनु विज्ञातुमर्हति ।।

મહાપુરુષોનાં હૃદય વજ્ર કરતાં પણ કઠોર હોય છે એમ ફૂલ કરતાં પણ કોમળ હોય છે. એમને કોણ જાણી શકે ? આ રામને પણ જે વદના હતી, સત્યુગમાં, એ વેદનાનો જવાબ દ્વાપરમાં કૃષ્ણ છે. નાનામાં નાના માણસને ઉપર ઉઠાવવાની, સ્ત્રીઓને વ્યક્તિગત જીવનમાં અને સમાજમાં માનભર્યું સ્થાન આપવાની વાત એમણે કરી, જીવનમાં કરી બતાવી. જે યુગમાં સ્ત્રીઓને અને શૂદ્રોને આ તત્વજ્ઞાન પામવાનો અધિકાર નહોતો એ યુગમાં કોઈક નરસિંહના, કોઈક કબીરના, કોઈક ગાંધીના પુરોગામીના મનમાં વિચાર આવ્યો હશે કે જે સમાજમાં સમગ્ર પ્રજાની ઉન્નતિ ન થાય એ સમાજ વિકસી શકતો નથી, પણ વિરોધ એ એનો ઉપાય નથી. આપણી સંસ્કૃતિનું મોટામાં મોટું લક્ષણ એ છે કે વિરોધથી કામ કદી થયું નથી. એનો ઉપાય શું ? અને એ મથામણમાંથી મહાભારત સર્જાયું. એક યુદ્ધ કથાને નિમિત્ત બનાવીને એની સાથેસાથે આપણું બધું જ તત્વજ્ઞાન, આપણાં ઉપનિષદો, આપણી નીતિકથાઓ, આપણું અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, આપણું ન્યાયશાસ્ત્ર – શું નહીં ? જે કંઈ મળ્યું તે બધું કથાઓની વચ્ચે ગૂંથીગૂંથીને લોકોની સામે મૂકી દીધું. એટલા માટે પેલું કહેવાયું છે ને કે ‘જે અહીં એટલે કે મહાભારતમાં છે તે બધે છે અને જે અહીં નથી તે ક્યાયં નથી.’ મહાભારતકારે બહુ સિફતપૂર્વક કામ કર્યું છે. જે તત્વજ્ઞાન પામવાનો સ્ત્રીઓ અને શૂદ્રોને અધિકાર ન હતો તે બધું તત્વજ્ઞાન કથામાં સુંદર ને પાછું રસિક રીતે ગોઠવીને મૂકી દીધું. પછી ભલેને સ્ત્રીઓ અને શૂદ્રોને તત્વજ્ઞાન પામવાનો અધિકાર ન હોય. કંઈ નહીં. મહાભારત તો કથા છે. કથા સાંભળવાનો અધિકાર તો ખરો ને ? એક સમાજસુધારકની કેવી આવડત ! કેવું સરસ ! કથા જ કરવાની અને જે કંઈ કહેવું છે તે બધું કથામાં જ કહેવાનું.

તો મહાભારતનું સામાજિક દષ્ટિએ અને સાંસ્કૃતિક દષ્ટિએ મોટામાં મોટું કામ એ કે આ ગ્રંથ દ્વારા તેના સર્જકે અને પછી કથાકારોએ આપણો આવો મોટો જે જ્ઞાન રાશિ હતો તે નાનામાં નાના માણસ સુધી પહોંચાડ્યો ને સર્વસુલભ કરી આપ્યો, એટલું જ નહીં, પણ કથા દ્વારા કરી આપ્યો, બહુ આકર્ષક રીતે કરી આપ્યો. નવી-નવી રીતે અંદર બધી વાતો મૂકી. નવી રીતે મૂકવાની સાથે મોટો ફાયદો એ છે કે એકનું એક તત્વજ્ઞાન તમને કોઈ કીધા કરે, સમજાવ્યા કરે તો એની બહુ અસર થતી નથી, પણ જ્યારે એ જુદી રીતે, નવી રીતે કહેવાય ત્યારે એ અસરકારક બની જાય છે. દા..ત, આપણે અને આપણા બાપદાદા કોણ જાણે કેટલી પેઢીથી ગીતા વાંચતાં હોઈએ, દરરોજ તેનો પાઠ કરીએ, પેલો શ્લોક બોલીએ, સમજીએ પણ ખરા. શું ?

क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रम ।
स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति ।।

એટલે કે ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, એટલે મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિનો નાશ થતાં બુદ્ધિ પણ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી વિનાશ થાય છે અને છતાં પાછાં એ જ વખતે ક્રોધ કરીને પૂછીએ કે કોણ અવાજ કરતું હતું ? હું તો શિક્ષક છું અને કેટલો લાંબો સમય એવા વહેમમાં જીવી કે આપણને કંઈ નથી ગમતું એ મોઢા ઉપર દેખાય ત્યાં વિદ્યાર્થી શાંત થઈ જાય. પણ પછી ધીમેધીમે સમજાયું કે ભલે બોલીએ નહીં, પણ એમાં આપણી ભ્રમર શું કામ ભેગી થઈ જાય ? આપણે ટાઈટ થઈ જવાની કંઈ જરૂર નથી. એમાંથી આપણે પણ મુક્ત થવું જોઈએ. એ કેમ થવાય ? પેલા ડૉક્ટરે કહ્યું ને કે એક ગુસ્સે થયેલી માતાએ ક્રોધ કર્યા પછી તરત જ પોતાની દીકરીને દૂધ પાયું અને છોકરી મરી ગઈ. આ ડૉક્ટર કહે ત્યારે આપણને સમજાય છે કે ક્રોધનાં પરિણામ કેટલાં ભયંકર છે ! તો એકની એક વાત પણ મેડિકલ સાયન્સથી, સાયકૉલૉજીથી આપણે નવી રીતે કહેવી પડે. મહાભારતકારે આપણું જે કંઈ જ્ઞાનવિજ્ઞાન હતું તેને કેવી જુદીજુદી રીતે આપણી સામે મૂક્યું ! તત્વજ્ઞાનને જ મૂક્યું એમ નહીં, વાસ્તવની બધી જ પરિસ્થિતિનું આલેખન કર્યું. બહુ ઓબ્જેક્ટીવલી એટલે કે બહુ તટસ્થ રીતે સમજાવ્યું કે આપણા સામાજિક જીવનમાં શું-શું છે અને હોઈ શકે. દા..ત, મહાભારતમાં વિદુરનીતિ છે એ બહુ મજાની છે. પ્રા. જયેન્દ્રભાઈ ત્રિવેદીએ તેના પર પુસ્તક પણ લખ્યું છે. પણ મહાભારતમાં તો કણિક-નીતિ પણ છે. મહાભારત એ વાસ્તવનો ગ્રંથ છે, એટલે તેમાં માત્ર આદર્શની જ વાતો નથી. કણિક-નીતિ દ્વારા પણ મહાભારતકારને કહેવું છે કે દુનિયામાં બધે સજ્જનતાથી કેમ ચલાય એ એક જ બાબત સમજવાની જરૂર નથી. આપણે ગમે તેવા સજ્જન હોઈએ, પણ દુર્જન કેવો વહેવાર કરે એ પણ સમજવાની જરૂર હોય છે, એ સમજવાની શક્તિ હોવી જોઈએ.

મહાભારતમાં જે કણિક-નીતિ છે તે એવી છે કે કણિક નામનો એક વિશ્વાસુ મંત્રી ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આ પાંડવોને તમારે નામશેષ કરી નાખવા જોઈએ. પછી સમજાવે છે કે જે શત્રુ હોય તેને ફળની આશા આપવી જ નહીં. આપવી તો પછી લંબાવતાં રહેવું. ફળ બહુ ઊંચે લગાવવાં કે જેથી જાતે તો લઈ જ ન શકે, વગેરે બધું સમજાવી પાંડવોનો નાશ કરી નાખવા તેમને વારણાવત મોકલવાનું જે કાવતરું કર્યું તે કણિક-નીતિ છે. અને ગમે તેવા મહાપુરુષોને પણ એ જાણવી જરૂરી છે. જે-જે મહાપુરુષો થઈ ગયા, પછી તે કૃષ્ણ હોય, યુધિષ્ઠિર હોય કે ગાંધી હોય, જેને સમાજમાં રહીને કામ કરવું છે તેણે બહુ સમજવાની જરૂર છે કે પોતે સંપૂર્ણ ધર્મનો અવતાર હોય તોપણ સામેનો માણસ કેમ વર્તી શકે તેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. એટલે મહાભારતમાં મહાભારતકારે બહુ તટસ્થ રીતે સારો માણસ કેમ વર્તે, ખરાબ માણસ કેમ વર્તે, સારી નીતિ શું છે, ખરાબ નીતિ શું છે, સારું રાજકારણ શું છે, ગંદું રાજકારણ શું છે અને એનાં પરિણામો શું આવી શકે – એ બધી વાત નરી વાસ્તવિકતા સાથે અને બહુ જ તટસ્થ રીતે આપણી સામે મૂકી છે. એટલે કે લેખક કોઈ એક પક્ષે નથી. તેણે તટસ્થભાવે સમાજનું આલેખન જ કર્યું છે. તેનું પરિણામ શું આવે ? હું એક ભાવક તરીકે તમને કહું છું કે મહાભારત વાંચતાં મને આજે દુર્યોધન ઉપર જરાયે ગુસ્સો આવતો નથી. ધૃતરાષ્ટ્ર ઉપર સહેજે ક્રોધ આવતો નથી, કેમકે આખી કથાને આપણે વાંચીએ તો દરેક પાત્ર, દરેક પ્રસંગ એ એક નિર્માયેલી પરિસ્થિતિનું પરિણામ છે અને એ વાત જો આપણે સમજી શકીએ તો આપણા જીવનમાં આપણી આસપાસ આવતાં પાત્રો અને ઘટનાઓથી જે આઘાત આપણે અનુભવીએ છીએ તેમાંથી બહુ સરળતાથી બહાર નીકળી શકીએ. એટલી બધી કલાત્મક રીતે મહાભારતકારે એ આપણી સમક્ષ મૂક્યું છે.

મહાભારત એ માત્ર યુદ્ધની કથા નથી – આવું તો લગભગ બધા જ વિચારકોએ કહી દીધું છે. અને જો હોય તોયે તે યુદ્ધને નિમિત્તે માનવમાનવ વચ્ચેના વ્યવહારો, આપણે કરેલાં કાર્યો, એનાં કારણો, એનાં પરિણામો, એની અસરો કેટલાં દૂરગામી અને સૂક્ષ્મ છે તેનું એની અંદર આલેખન છે. હું એવું સમજું છું કે આ યુદ્ધના કથાનકની આસપાસ કવિએ આ બધી વસ્તુઓ, એટલે કે વિચારોને ગોઠવ્યા છે, એ સામાન્ય પ્રતિભાનું કામ નથી. મહાભારતનું વિષયવસ્તુ અપાર વૈવિધ્યપૂર્ણ છે, તેનું પાત્રાલેખન જીવન્ત, તટસ્થ અને સ્વાભાવિક છે અને એ કલા દ્વારા લેખક આપણને ક્યાં-ક્યાં લઈ જાય છે ! મને મહાભારત વાંચ્યા પછી જે વિચાર અસર કરી ગયો, જે મારા આજના વ્યાખ્યાનની થીસીસ છે, જે હું મૂકવા માગું છું તે પહેલાં મૂકી દઉં. મને એવું સમજાયું છે કે કોઈ એક યુગમાં આખા જગતમાં કલ્યાણ માટે – जगद् हिताय – કોઈ એક માણસ સતત પુરુષાર્થ કરતો હોય, પણ એ માણસ છે એટલે તેનાથી બધું જ સિદ્ધ થાય એવું કોઈ દિવસ બનતું નથી. થાય તો એ કુદરત ન કહેવાય. પણ એનો પુરુષાર્થ નિષ્ફળ જતો નથી. એની મથામણમાંથી જે એક ઝંખના બાકી રહી જાય એ વાવેલું બીજ હજારો વર્ષો પછી પણ ઊગે છે. એનો જવાબ હજારો વર્ષો પછી મળે છે. મહાભારતમાં યુદ્ધ ન થાય એના માટે કૃષ્ણ ભગવાને તો બહુ પ્રયત્નો કર્યા હતા, આપણે જાણીએ છીએ. પણ મૂળ મહાભારત સુધી ગયાં ન હોઈએ એટલે આપણને કેટલીક નાની-નાની બાબતોની ખબર ન હોય. આરણ્યક-પર્વમાં એવી વાત આવે છે કે વનવાસ દરમ્યાન યુધિષ્ઠિર અને દ્રૌપદી બેઠાં-બેઠાં વાતો કરે છે તેમાં દ્રૌપદી એમ કહે છે કે ‘તમે યુદ્ધ માટે કંઈ કરતા નથી અને આમ ને આમ બેઠા છો.’ કોઈ પણ સ્ત્રી અકળાઈ જાય ત્યારે અર્ધાંગિનીને બદલે પોણાંગના થઈ ગઈ હોય એટલી બધી સલાહ પોતાના પતિને આપવા માંડે. એ જ રીતે દ્રૌપદી પણ યુધિષ્ઠિરને ઘણુંબધું કહે છે. યુધિષ્ઠિર બધું સાંભળે છે. એ એમ કહે છે કે ‘સહન કરવાથી સામા માણસને જેટલો વહેલો મહાત કરી શકાય છે એટલો સામો ઘા કરવાથી કરી શકાતો નથી.’ આ યુધિષ્ઠિરનું વાક્ય છે, પાંચ હજાર વરસ પહેલાનું. ‘ક્રોધ કરવાથી પ્રતિભા ટકે છે એમ માનવું એ મૂર્ખાઈ છે.’ આ બીજું વાક્ય. આ સહન કરવાથી જે પરિણામ મળે છે તે ઘા કરવાથી નથી મળતું એ યુધિષ્ઠિરની માન્યતા અને છેક હિમાળો ગાળીને ઉપર પહોંચ્યા ત્યાં સુધીની શાંતિ માટેની એની ઝંખના એનો જવાબ પાંચ હજાર વર્ષ પછી ગાંધી છે. સત્યાગ્રહનું બીજ યુધિષ્ઠિરની ઝંખનામાં, એની વેદનામાં છે. આ મારી થીસીસ છે. મહાભારતકારે નાના-નાના પ્રસંગોથી, નાનાં-નાનાં પાત્રોથી આ વાત કેવી સરસ રીતે સમજાવી છે ! હું એવાં સામાન્ય પાત્રોની પણ વાત કરીશ કે જે તમે ટી.વી.માં જોયાં હોય કે વિવેચકોનાં પુસ્તકોમાં વાંચ્યાં હોય તેનાથી થોડું જુદું હોય.

એક સાદું પાત્ર. શકુન્તલા. ગઈ કાલે મનુદાદાએ એનો થોડોક ઉલ્લેખ કર્યો. મને એમ કે જરા લાંબો કરી દ્યે તો મારે કરવો નહીં. તમે કથા જાણો છો એટલે એમાંય હું જતી નથી. પણ જ્યારે એના દીકરાને લઈને એ દુષ્યંતના દરબારમાં આવે છે અને દુષ્યન્ત એને એમ કહી દ્યે છે કે ‘મેં તને કદી જોઈ જ નથી, તો તારી સાથે લગન કરવાની તો વાત જ ક્યાંથી ?’ કોઈ પણ કામી પુરુષ પૂરેપૂરી બેજવાબદારીથી વર્તે એવું એ દુષ્યન્તનું વર્તન છે. કાલિદાસના શાકુન્તલમાં પણ દુષ્યન્ત આનાથી કંઈ બહુ વધારે સારો દેખાતો નથી. પણ મહાભારતની શકુન્તલા એને શું જવાબ આપે છે ? એ કહે છે કે : ‘હે રાજા ! તને સત્યનીયે પરવા નથી ? સત્યથી મોટું તો દુનિયામાં કશું છે નહીં, એટલે તું મારો પતિ હો તોયે તારો સાથ મારે જોઈતો નથી.’ દુષ્યન્ત શું ના પાડતો’તો ! શકુન્તલા જ કહી દ્યે છે કે જે માણસને સત્યની કિંમત નથી એવા માણસની સાથે મારે રહેવું જ નથી. પછી બીજી વાત કહે છે કે ‘તારા વિના આ મારો પુત્ર પર્વતનાં શિખરોથી શોભતી અને ચારે તરફ સમુદ્રથી વીંટળાયેલી પૃથ્વીનું રાજ્ય કરવા સમર્થ છે.’ આ એક જવાબદાર માતા બોલે છે. ત્રીજું વાક્ય છે કે ‘જે માણસ પોતે જેવો છે એવો ન દેખાતાં એનાથી વિરુદ્ધ પોતાને દેખાડે છે એના જેવું પાપ બીજું એકેય નથી.’ તમે જુઓ તો ખરાં ! એની આધ્યાત્મિકતા, એની સાયકૉલૉજી, એનું સ્ત્રીત્વ ! આવી શકુન્તલા જ ભરતને જન્મ આપી શકે. જે ભારતદેશનું આપણને ગૌરવ છે અને જે ભરતને કારણે છે એનાં મૂળ શકુન્તલામાં છે, દુષ્યન્તમાં નથી. એ કથા મહાભારતમાં તો એક ઉપાખ્યાન છે માત્ર, બહુ મોટી કથા નથી; પણ તમે એના સંવાદો તો જુઓ ! આમ, માણસને જીવવાનું જોર આપે. આજની સ્ત્રીઓ પાસે આ શકુન્તલાની કથા નથી. કાલિદાસની શકુન્તલા તો મૂર્છા પામી ગઈ ! બહુ રૂપાળી છે, લાગણીવાળી છે, સુન્દર છે, એની કાંઈ ના નહીં, પણ એ મૂર્છા પામી ગઈ, પણ આ તો બેભાન થતી જ નથી, અને મેં એક જોયું પણ છે મારી આસપાસનાં માણસોના જીવનમાં અને ખુદ પોતાના અનુભવમાં કે એકે પ્રસંગ એવો હોતો જ નથી કે બે-ભાન થઈ જવાય. જો તમે અંદરથી નક્કી કરો કે આ પળનો સામનો કરવાનો જ છે, ત્યારે નબળામાં નબળું માણસ ઊભું થઈ શકે છે. શકુન્તલા પાસેથી કેટલું બધું બળ માણસને મળે એવું છે !

ભીમની ઘણીબધી હાસ્યાસ્પદ વાતો આપણે સાંભળતાં હોઈએ છીએ, પણ એવી ભાગ્યે જ કોઈકને ખબર હશે કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને અશ્વત્થામાએ નારાયણાસ્ત્ર છોડ્યું. હવે એનો નિયમ એવો હતો કે એ જે માણસ યુદ્ધ કરતો હોય, રથ ઉપર હોય, જેના હાથમાં શસ્ત્ર હોય એને જ એ શસ્ત્ર મારે. અને કૃષ્ણ ભગવાન તો આપણા બહુ હોશિયાર, એટલે એમણે પાંચેય પાંડવોને કહ્યું કે તમે બધા રથમાંથી ઊતરી જાઓ અને શસ્ત્ર મૂકી દ્યો. યુધિષ્ઠિરે મૂકી દીધાં, અર્જુને મૂકી દીધાં, નકુળ-સહદેવ બધાંએ મૂકી દીધાં. એક ભીમે ન મૂક્યાં, એટલું જ નહીં, એ કૃષ્ણ અને યુધિષ્ઠિરને પણ કહે છે કે ‘યુદ્ધમાં શસ્ત્ર મૂકી દેવાં એ હાર સ્વીકારી જ કહેવાય, બીજું કહેવાય જ નહીં.’ આ ભીમની ઉદાત્તતા આપણે સામાન્ય રીતે જાણતા નથી. હા, ભીમ બહુ બળવાન હતો, આમ હતું અને તેમ હતું, બધું બરાબર.

નાનાં-નાનાં પાત્રોમાં એવું જ એક સરસ પાત્ર છે આસ્તિકનું. ગઈ કાલે મનુદાદા જે આસ્તિકની વાત કરતા હતા એ વાતને હું જરા જુદા સંદર્ભથી તમારી સાથે કરવા માગું છું. પરીક્ષિત રાજા : મનુષ્યની નિર્બળતા અને તેમાંથી આવતી તાકાત બંનેનું એવું સરસ વર્ણન અને એમાંથી બંધાતી ઘટના, ત્યાં સુધી હું તમને લઈ જવા માગું છું. તમે જાણો છો કે પરીક્ષિત રાજા જંગલમાં ગયો હતો. ત્યાં શમિકઋષિ તપ કરતા હતા. રાજાને તરસ લાગેલી. તેણે ઋષિ પાસે પાણી માગ્યું. પણ ઋષિ ધ્યાનમાં હતા એટલે એમણે સાંભળ્યું નહીં. તરસથી વ્યાકુળ બનેલા રાજાએ ગુસ્સામાં એક મરેલો સાપ પડ્યો હતો તે ઋષિના ગળામાં નાખી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. પછી ઋષિનો દીકરો શૃંગી જ્યારે આવે છે અને જુએ છે ત્યારે તે તેને શાપ આપે છે કે ‘આજથી સાતમે દિવસે આ સાપ પરીક્ષિતને કરડો.’ ભાગવતમાં તો પરીક્ષિતનું એવું સરસ આલેખન છે કે વાત પૂછો મા. એ વાત દીપકભાઈ ભાગવતની વાતો કરતાં કરશે, એટલે હું એમાં નહીં જાઉં. મેં પહેલાં ભાગવતના પરીક્ષિતને જોયો’તો. પણ મને એમ થયું કે નહિ, મહાભારતનો પરીક્ષિત એ વાસ્તવિક પરીક્ષિત છે. પરીક્ષિત સુધી પહોંચતાં પહેલાં હું તમને સહેજ આગળની વાત કહી દઉં, એટલે ઘટનામાંથી પ્રગટ થતો વિચાર અને પરીક્ષિત – એ બન્ને સાથેસાથે હું મૂકવા માગું છું.

શ્રમિકઋષિના છોકરાએ તો પરીક્ષિતને શાપ આપી દીધો. આવીને બાપને વાત કરે છે કે આવું થયું. આપણી પરંપરા ક્યાં છે ? પેલા ઋષિ એમના દીકરાને કહે છે કે ‘બેટા, તેં મારું પ્રિય નથી કર્યું. આ અધર્મ છે. જે રાજા આ પ્રજાને પોષી રહ્યો છે, જેના રાજ્યની અંદર આપણું તપ વધે છે એને તેં જે શાપ આપ્યો છે એ તેં ધર્મ નથી કર્યો.’ પછી કહે છે કે ‘બેટા ! તું ક્રોધ કરવો રહેવા દે, ક્રોધથી વિનાશ થાય છે.’ પછી એક એવું સરસ વાક્ય કહે છે કે ‘ક્રોધ એ જિતેન્દ્રિય મુનિએ વર્ષો સુધી તપશ્ચર્યા કરીને સંચય કરેલાં પુણ્યનો નાશ કરે છે.’ ઓહો ! ક્યાં સુધી આ ઋષિ પહોંચ્યા ! આપણે તો આમ ફટાક કરીને ક્રોધ કરી દેખાડીએ. ગુસ્સે થયેલા બ્રાહ્મણે આમ જોયું અને ફટાક કરતું પંખી નીચે પડ્યું. એમાં શું પરાક્રમ કર્યું ? કોઈ પણ માણસ એની સત્તાનો જ્યારે વધુ પડતો ઉપયોગ કરી નાખે અને એ જગતના હિત માટે ન કર્યો હોય, તો એની પોતાની શક્તિ પણ ત્યાં તેની સાથોસાથ ખલાસ થાય છે. એ ઋષિ એમના દીકરાને જે કહે છે એ સૂત્ર મહાભારતમાં કેમ સાબિત થયું છે, ત્યાં સુધી મારે જવું છે. શ્રમિકઋષિ એમના દીકરાને કહે છે કે ‘બેટા ! હણાયેલો ધર્મ એ હણનારાને પણ હણી નાખે છે.’ જેના હાથે ધર્મની હત્યા થઈ અને એ ધર્મ પાછો હણે છે. માત્ર પેલાં નારાયણ-અસ્ત્ર જ પાછાં ફરી જાય એમ નહીં. એ તો એક પ્રતીક છે. બધી શક્તિનું એવું જ છે. જો એ ખોટી જગ્યાએ વપરાઈ જાય તો પાછી આવ્યા વિના રહે નહીં. અને મને એમ થયું કે મહાભારતનો કેન્દ્રવર્તી વિચાર આ છે કે હણાયેલો ધર્મ એ હણનારને પાછો હણે છે. ક્યાં-ક્યાં એ વાતો હું તમને પછી કરીશ. પાછી હું તમને પરીક્ષિત સુધી લઈ જાઉં.

ઋષિએ તો એમના ગૌરમુખ નામના શિષ્યને બોલાવ્યો. આ બધું અઘટિત બની ગયું. છોકરાને પણ કીધું કે ‘બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. ક્રોધ શાન્ત કર, જંગલમાં જા, ફળફૂલ ખા અને તારું તપ વધાર.’ વગેરે… પણ એને ગમ્યું નહીં. એટલે ગૌરમુખને બોલાવીને કહે છે કે ‘તું જઈને પરીક્ષિતને આ બધા સમાચાર આપી આવ અને સાવધાન રહેવાનું કહી આવ.’ એટલે ત્યાં જઈને ગૌરમુખ પરીક્ષિતને જરાય આઘાત ન લાગે એ રીતે બહુ શાંતિથી વાત કરે છે. રાજા એનું સ્વાગત કરે છે અને પછી તે બધી વાત એને કરી દ્યે છે. બધી વાતો સાંભળી, પછી જ્યારે પરીક્ષિતને ખબર પડી કે ઋષિને તો મૌન હતું, ત્યારે મહાભારતકાર લખે છે કે ઋષિના મૌનમાં પોતે આ કૃત્ય કર્યું છે એમ જાણીને પરીક્ષિતને એટલું બધું દુઃખ થયું કે એટલું દુઃખ અને આઘાત તો એને તક્ષકનાગ પોતાને કરડવાનો છે એ સમાચારથી પણ નહોતાં થયાં. એટલો બધો આઘાત એને આ પાપ પોતાથી જે થઈ ગયું તેનાથી થયો. હવે લેખક જો આટલું જ લખે તો આપણને એ પ્રતીતિકર ન લાગે. જો ખરેખર આઘાત થયો હોય તો એની અસર જીવનમાં ઊગવી જોઈએ. આપણે એમ કહીએ કે મને બહુ દુઃખ થયું, આપણે સૉરી સૉરી એક-એક મિનિટે બોલતાં હોઈએ એ સૉરીનો કોઈ અર્થ નથી. એનું પરિણામ ક્યાંક દેખાવું જોઈએ. મહાભારતકાર આવી જે-જે ઘટના મૂકે છે તેના પરિણામરૂપ કોંટા ફૂટેલા દેખાડે જ છે. પરીક્ષિત માણસ છે. જે માણસને પાણી પીવા ન મળતાં એટલો ગુસ્સો ચડે કે ઋષિના ગળામાં સાપ નાખે, તેને કંઈ મોતનો ભય ન લાગે એવું તો બને જ નહીં. પરીક્ષિતને પણ ભય તો લાગે જ છે. એ પેલા ઋષિએ મોકલેલ ગૌરમુખને વિદાય કરે છે અને કહે છે કે ‘ઋષિને કહેજો કે મારા પર કૃપા કરે.’ આથી વધારે તો કંઈ કહેવાય તેમ નથી, કેમકે એને ખબર છે કે શાપ તો મિથ્યા થવાનો જ નથી. કોઈ પણ માણસને જેટલી તીવ્ર જિજીવિષા હોય એટલી પરીક્ષિતને પણ છે.

મહાભારતનો પરીક્ષિત એ ભાગવતના પરીક્ષિતની જેમ શુકદેવજીની કથા સાંભળવા બેઠો નથી. એ તો એકદંડિયો મહેલ બનાવીને તેમાં ઉપર રહેવા ગયો છે. સાત દિવસ સુધી કશું બનતું નથી, એટલે એને એમ પણ થાય છે કે આ સાતમો દિવસ તો થઈ ગયો. પણ સાતમા દિવસના સંધ્યાકાળે ફળમાંથી એક કીડો નીકળે છે. આ કીડાને પરીક્ષિત જુએ છે અને પછી પરીક્ષિત જે બોલે છે…એ કહે છે : ‘સૂર્ય અસ્તાચળ પર જઈ રહ્યો છે. હવે સાપનો મને ભય નથી. એ કીડો તક્ષક બનીને મને કરડો અને મારા પાપનો પરિહાર થાઓ !’ – કઈ ઊંચાઈએ મહાભારતકાર પરીક્ષિતને લઈ જાય છે ! મેં ખોટું કર્યું જ છે તો તેનું પરિણામ પણ મને મળવું જ જોઈએ. એ પરિણામ સહન કરીને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરીને એ પાપમાંથી મુક્ત થવું છે. એ પરિણામ અહીંયાં મળો કે બીજે ક્યાંક, પણ એ ભોગવવાની તેની તૈયારી થઈ ગઈ છે. આ છે પરીક્ષિતનું ગૌરવ. એ ઈચ્છે છે કે ‘મારા પાપનો પરિહાર થાઓ.’ મને થયું કે આ જે પરીક્ષિત અને તક્ષકની ઘટનાઓ ચાલી તેમાં શાપ આપવો અને તેનાં પરિણામ ભોગવવાં, પહેલાં રાજાનો ક્રોધ અને અધર્મ, પછી ઋષિપુત્રનો ક્રોધ અને અધર્મ – આ કાર્યકારણની શૃંખલા મહાભારતકારે જુદીજુદી કેટલી રીતે આપણી સમક્ષ મૂકી છે !

મહાભારતની કથા તો ભલે આદિપર્વથી શરૂ થાય, પણ મહાભારતનું યુદ્ધ એ દ્રોણાચાર્યના ક્રોધમાંથી શરૂ થયું અને દ્રૌપદીની ક્ષમાની આહુતિ પછી બંધ થયું. તેમ બીજી તરફ આ તક્ષક નાગની કથાનાં મૂળ અને કારણ ઘણાં ઊંડાં અને સૂક્ષ્મ છે. દ્રોણાચાર્ય અને દ્રુપદરાજા બંને મિત્રો. અસહ્ય ગરીબીને કારણે એક વખત દ્રોણાચાર્ય દ્રુપદ રાજા પાસે ગયા. બરાબર કૃષ્ણ-સુદામા જેવો જ પ્રસંગ છે. દ્રુપદ રાજા છે એટલે એણે પેલા બ્રાહ્મણ દરિદ્ર એવા દ્રોણાચાર્યને કહી દીધું કે ‘મૈત્રી તો સરખાની વચ્ચે જ હોય.’ કથા તો એટલી બધી સરસ છે ! પણ આખી કથા કહું તો મારે જે કહેવું છે તે બાકી રહી જાય. રાજાએ આવું તોછડાઈથી કહ્યું એટલે દ્રોણાચાર્યને લાગી આવ્યું. બ્રાહ્મણ ખરાને ! ક્રોધ અને તેમાંથી સંકલ્પ ને એ માટેનું તપ. તમે જાણો છો કે પછી દ્રોણાચાર્ય હસ્તિનાપુરના કુંવરોને શસ્ત્રાસ્ત્ર શીખવનારા ગુરુ બન્યા, એટલે કે કૌરવ-પાંડવોના ગુરુ બન્યા. અભ્યાસ પૂરો થયા પછી અર્જુને પૂછ્યું કે ગુરુદક્ષિણામાં શું આપું ? ત્યારે દ્રોણાચાર્યે માગી-માગીને શું માગ્યું ? એ કહે, દ્રુપદરાજાને પકડીને લઈ આવો. એટલે શિષ્યો તો દ્રુપદને હરાવીને બાંધીને ગુરુ પાસે લઈ આવે છે. ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે ‘મારે બીજું કાંઈ કરવું નથી. સમાનની વચ્ચે જ મૈત્રી હોય ને ? એટલે તારું અર્ધું રાજ્ય આપી દે. આપણે બે સમાન થઈ ગયા !’

તમે જુઓ તો ખરા ! આવા મહાપુરુષે કરીકરીને આ શું કર્યું ? બન્ને સમાન છે એમ સાબિત કરી દીધું. શું એનાથી મળ્યું એને ? શું મળ્યું ? સામા માણસને અપમાનિત કરવાથી શું મળે ? એ દ્રોણાચાર્ય જેવા બ્રાહ્મણનેય સમજાતું નથી. અને એને શું મળ્યું ? તમે જાણો છો કે આ ઘટના પછી દ્રુપદરાજાએ દ્રોણાચાર્યનું વેર વાળવા યજ્ઞ કર્યો. એ યજ્ઞમાંથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી જન્મ્યાં. અને આપણે એ પણ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ધૃષ્ટદ્યુમ્ન જ નિઃશસ્ત્ર દ્રોણાચાર્યનું માથું ઉતારી લ્યે છે. ‘અધાર્મિક રીતે’ એમ પણ મહાભારતમાં કહ્યું છે. કથા ત્યાંથી જ અટકતી નથી. ઘટના ઘણી લાંબી છે. આમ બન્યું એટલે પાછું સામા પક્ષેથી બાણ આવે ને ? એટલે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા યુદ્ધ પૂરું થયા પછી જે અઢારમા દિવસની રાત્રે સંહાર કરે છે તેમાં દ્રોપદીના પાંચેય પુત્ર અને ધૃષ્ટદ્યુમ્નને…. ટૂંકમાં દ્રુપદરાજાના દીકરા અને દીકરીનો જે કંઈ વંશવેલો હતો તે બધું સમાપ્ત કરી દીધું. પછી દ્રૌપદીનો ક્રોધ કંઈ ઓછો નથી. એને પકડીને લાવવા પાંડવોને મોકલે છે. ભીમ ને બધા દોડે છે. જો આમ જ ચાલ્યા કરે તો આ બધું ક્યાં સુધી ચાલત ! પણ મહાભારતકાર એ બહુ મોટો કલાકાર છે અને દ્રૌપદીના પાત્રની ઊંચાઈ અહીં છે. પાંડવો અશ્વત્થામાને પકડીને લઈ આવે છે અને પછી કહે છે કે દ્રૌપદી જે કહેશે તે સજા તેને થશે. દ્રૌપદી કહે છે : ‘હું પુત્ર વિનાની થઈ, પણ ગુરુપત્નીને (દ્રૌણાચાર્યની પત્નીને) મારે પુત્ર વિનાની કરવી નથી.’ એક મા બીજી માની વેદનાને સમજી શકે છે, એટલું જ નહીં, હજી આગળ અશ્વત્થામાના મસ્તક પર જે મણિ છે એ એનો મણિ ઉતારી લેવાનું દ્રૌપદી કહે છે, કેમકે કુપાત્રના હાથમાં જે શક્તિ છે, તેની પાસે જે તેજ કે પ્રભાવ છે એ રહેવા દેવાય જ નહીં. નહીં તો દુનિયાનો નાશ થાય. દ્રૌપદી પોતા માટે નથી કહેતી, પણ આવો અશ્વત્થામા, તેની પાસે હજી આવો પ્રભાવ હોય તો એ કેટલા નિર્દોષનો નાશ કરે ? એટલે દ્રૌપદી કહે છે કે ‘મણિ ઉતારી લ્યો.’ પણ એ મણિ ઉતારી લીધા પછી અશ્વત્થામા અસહ્ય બળતરાથી પીડાય છે. એ એમ કહે છે કે ‘મને તેલ આપો.’ એ એની વેદનાને ઠારવા માટેનું તેલ દ્રૌપદી આપે છે.

થોડાક દિવસ પહેલાં કૉલેજમાં અમે મિત્રો બધાં મહાભારતની વાતો કરતાં હતાં. એમાં એક પ્રૉફેસરે કહ્યું કે ચિત્રકાર સોમાલાલ શાહે દ્રૌપદી કૃષ્ણના હાથે વાગ્યું ત્યારે પાટો બાંધે છે એનું બહુ સરસ ચિત્ર દોર્યું છે. તે પછી મને વિચાર આવ્યો કે એ ચિત્ર તો ખરેખર જ બહુ સરસ છે, પણ દ્રૌપદી અશ્વત્થામાને જ્યારે તેલ આપતી હશે ત્યારે એના મોઢા ઉપર ભાવો કેવા મિશ્ર હશે ! ક્રોધ, વેદના, દયા – શું શું એની આંખોમાં નહીં હોય ? એટલું ભવ્ય સ્વરૂપ દ્રૌપદીનું આખા મહાભારતમાં બીજે ક્યાંય નહીં દેખાય. તેના પાત્રની પરાકાષ્ઠા અહીંયાં છે. છેક દ્રૌણાચાર્યથી ચાલ્યો આવતો ક્રોધ અને વેરનો અગ્નિ – દ્રૌપદીએ ક્ષમાની આહુતિ આપી ત્યારે શાન્ત થયો.

મહાભારતમાં અગાઉ મેં જેનો ઉલ્લેખ કર્યો હતો તે જરા જુદી રીતે કહું. આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન અને અર્જુનની મદદથી ખાંડવવન અગ્નિએ બાળ્યું અને એમાં જેટલા નાગ હતા તે બધાનો નાશ કર્યો. એક તક્ષક બચી ગયો. એક મયદાનવ બચી ગયો. મેં તે દિવસે ગાંધીના સંદર્ભમાં કહ્યું હતું કે આપણા એ કૃષ્ણ ભગવાન ગમે તેવા મહાન હોય, આખા મહાભારતમાં આ ઘટના અનુચિત છે એવું લખ્યું નથી. પણ ગાંધીવિચાર પ્રમાણે આજે આપણે આ ઘટનાને વિચારીએ તો ‘જીવવાનો અધિકાર જેટલો મને છે તેટલો એમને પણ છે.’ – ત્યાં સુધી આપણે પહોંચ્યા. માનવની ગતિ વિકાસ તરફ નથી એમ કોણ કહી શકે ? તો ત્યારે જે વેર શરૂ થયું તે છેક પાછું તક્ષક અને પરીક્ષિતની ઘટનામાં આગળ વધ્યું. પરીક્ષિત તો મનથી મૃત્યુના ભયમાંથી મોક્ષ પામીને પછી મૃત્યુ પામ્યો, પણ તેનો પુત્ર જન્મેજય, એ સર્પસત્ર કરે છે. કથા તમે જાણો છો કે સર્પસત્રમાં બધા નાગને એટલે કે આખી નાગજાતિને હોમી દેવી એવો એ યજ્ઞ છે. કથા પણ બહુ રસિક છે. અને પ્રતાપભાઈએ કહ્યું તેમ મહાભારતની કથા હવે તો નથી થતી, પણ જૂના જમાનામાં તો જેમ આજે રામાયણ અને ભાગવતની કથા થાય છે, તેમ મહાભારતની કથા થતી એવું લખેલું છે. તો સર્પસત્ર થયો અને કેટલા બધા નિર્દોષ સાપને હોમવા માંડ્યા ! તમે વિચાર કરો કે જન્મેજયને વેર હોય તો તક્ષક સામે હોય, કે ભાઈ, એનો વાંક હતો કે એ પરીક્ષિતને કરડી ગયો, પણ બીજા બધાનું શું ? આપણે જેમ ઈન્દિરા ગાંધીની હત્યા થઈ અને જેટલા શીખોને ભાળે એ બધાને મારવા માંડ્યા હતા એમ !

એ પછી પેલો બ્રાહ્મણ જગતકારુ અને નાગકન્યાથી ઉત્પન્ન થયેલ પુત્ર આસ્તિકની વાત આવે છે. મહાભારતમાં નાગ એટલે એક આખી નાગજાતિ – સર્પ નહીં. આ આસ્તિક નાગ પ્રજાને છોડાવવા અને યજ્ઞ બંધ કરાવવા આવે છે. પણ એ કેટલો હોંશિયાર છે ! મને તો એનું વ્યક્તિત્વ સમજવાની બહુ મજા આવી. એને એની માતાએ કહ્યું કે ‘બેટા, આ બધા નાગને હવે તું બચાવ.’ આ પ્રસંગે એની જે સ્પીચ છે ! ત્યાં આવીને એણે જન્મેજયની જે પ્રશંસા કરી છે ! કે….. ‘હે રાજા ! આવો યજ્ઞ તો આ પૂર્વે યુધિષ્ઠિરે કરેલો, કુબેરે કરેલો, ઈન્દ્રે કરેલો, પણ કોઈનો યજ્ઞ તારા યજ્ઞ જેવો નહોતો.’ રાજા, વાજાં ને વાંદરાં – તમે ચગાવો તો ચગી જાય. રાજાને તમે ખુશ કરી દો એટલે કામ પત્યું. એ પ્રશંસાથી જન્મેજય પ્રસન્ન થઈ ગયો. પછી એ રાજા આસ્તિકને કહે છે કે ‘હે બ્રાહ્મણ, માગ, માગ !’ આ દરમિયાન કેટલી મિશ્ર ઘટનાઓ એણે સાથે લીધી છે ! એણે યજ્ઞ દરમિયાન એ આદેશ આપી દીધો હતો કે ‘હજી કેમ પેલો તક્ષક ન આવ્યો ? ક્યાં ગયો છે ?’ એ વખતે તક્ષક તો ઈન્દ્રની પાસે રક્ષણ માગવા ગયેલો. ‘ત્યાંથી એને બોલાવો.’ તો કહે કે ‘પણ એને ઈન્દ્રનું રક્ષણ છે.’ જન્મેજય કહે : ‘ઈન્દ્રને સાથે લઈ આવો, એનેય નાખો હોમમાં; વાંધો નહીં, પણ તક્ષક તો બળવો જ જોઈએ.’ જુઓ આ જન્મેજયનો આગ્રહ કેટલો તીવ્ર છે ! આ સમયે ઉપર આકાશમાં ઈન્દ્ર સાથે તક્ષક આવે છે, પણ આ જોઈને તો ઈન્દ્ર પણ બી ગયા, ભાગી ગયા, તક્ષકને છોડીને. તક્ષક ઉપર છે, હમણાં યજ્ઞમાં પડે એમ જ છે. પણ પેલો આસ્તિક કહે છે, ‘ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે…’ ત્રણ વખત એ બોલ્યો અને આકાશમાં તક્ષક એમ ને એમ સ્થિર થઈ ગયો. આ આસ્તિકનો પ્રભાવ છે. કોણ જાણે કેમ, વાતાવરણ પણ એવું થઈ ગયું. બધા ઋષિઓ અને બ્રાહ્મણો જન્મેજયને કહે છે કે ‘રાજા, તેં બ્રાહ્મણને કીધું છે તો હવે એને વરદાન આપી દે, વરદાન આપી દે..’ એટલે જન્મેજય કહે છે કે ‘બ્રાહ્મણ, તું માગ.’ એટલે આસ્તિક કહે છે કે ‘મારે એક જ વસ્તુ માગવી છે કે તમે આ સર્પસત્ર બંધ કરો.’ જન્મેજય કહે, ‘એ નહિ, એ સિવાય તારે જે જોઈએ તે માગ. મારું રાજપાટ, સંપત્તિ જે જોઈએ તે બધું માગી લે.’ પણ એ સાચો બ્રાહ્મણ હતો ને ! એણે કહ્યું : ‘નહિ, આપો તો આ એક જ અને નહિતર કંઈ નહીં.’ અને પછી ‘ભલે બ્રાહ્મણ કહે છે તેમ થાઓ…’ એમ બોલીને જન્મેજયે સર્પસત્ર બંધ કર્યો. તમે જુઓ, છેક ખાંડવવનથી ચાલતો વેરનો અગ્નિ જન્મેજયના સમયમાં આસ્તિકના તપથી બંધ થયો અને પેલો દ્રોણાચાર્યથી ચાલતા વેરનો અગ્નિ દ્રૌપદીની આહુતિથી બંધ થયો.

આવું મહાભારત ! આવો ધર્મ ! આવું એનું આલેખન ! આખોયે મહાભારતનો ગ્રંથ લખાયો, એને અનેક દષ્ટિથી જોઈ શકાય, પણ યુદ્ધ એ એની મુખ્ય કથા નથી. જો એમ હોત તો યુદ્ધ અને વિજયને અન્તે ખાધું, પીધું અને રાજ કર્યું એમ આવત. પણ યુદ્ધને અંતે શાંતિ નથી. કૃષ્ણના કહેવાથી યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે જઈ અનુશાસન-પર્વ અને શાંતિપર્વ સાંભળે છે તોયે શાંતિ નથી. હિમાળો ગાળવા જાય છે તોયે શાંતિ નથી. એ શાંતિ છે ક્યાં ? તો વ્યાસ કહે છે કે એ તો મેં તમને કૃતિના આરંભે જ કહી દીધું. મહાભારતમાં શરૂઆતમાં જ વ્યાસમુનિ કહે છે :
ऊर्ध्वबाहुः विरौमि एषः न च कश्चिद शृणोति माम् ।
હું હાથ ઊંચા કરીકરીને રાડો પાડું છું, પણ મને કોઈ સાંભળતું નથી…. શું રાડો પાડીને કહું છું ? કે….
धर्मात् अर्थस्य कामस्य सः धर्म किम् न सेव्यते ।।
ધર્મથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે એ ધર્મનું પાલન કેમ થતું નથી ?

આ ધર્મ એટલે શું ? એ કેમ જીવી શકાય ? એનાથી શું મળી શકે ? એને માટે આ ગ્રંથમાં એમણે ધર્મનું પાત્ર આલેખ્યું – ધર્મરાજ યુધિષ્ઠિર-ધર્મપુત્ર યુધિષ્ઠિર. વિવેચકો ભલે એમ કહે કે વ્યાસનું ઉત્તમ પાત્ર અર્જુન છે. એમાં શંકા નથી. અર્જુનનું પાત્ર આપણને બહુ ગમે એવું છે. રૂપાળો છે, લટકાળો છે, પ્રેમ કરતાં આવડે, તોફાન કરતાં આવડે, કૃષ્ણ સાથે દોસ્તી કરતાં આવડે, બધું બરાબર, પણ મહાભારતકારને જે કહેવું છે : ધર્મ સ્થાપનાની વાત. એનો નાયક તો યુધિષ્ઠિર જ છે.

સાદો સવાલ તમને પૂછું. આગલી કથામાં બહુ નહીં જાઉં. મહાભારતનું યુદ્ધ કોનાથી જિતાયું ? મોટા ભાગના માણસો એમ માને કે કૃષ્ણથી જિતાયું. બીજો વર્ગ એક એમ માને કે ભીમ અને અર્જુનના બાહુબળથી જિતાયું. હું તો કાંઈ માનતી જ નથી. તમારી પાસે મેં જે વાંચ્યું છે તેની જ વાત કરું છું. જ્યારથી યુદ્ધની વાત ચાલે છે ત્યારથી યુધિષ્ઠિરને તો યુદ્ધ કરવાની એકેય વાર ઈચ્છા નથી. નમાલા લાગે ત્યાં સુધી તેમણે યુદ્ધ કરવાની ના પાડી છે. આપણે જો આમ ઉપરછલ્લું વાંચતાં હોઈએ, સંવાદોમાં ઊંડાં ઊતર્યા વિના, તો આપણનેય યુધિષ્ઠિર ઉપર કંટાળો આવે કે ખરેખર આ નકામો માણસ છે, વેવલો, બહુ ધર્મની વાતો કર્યા કરે એવો. પણ આરણ્યક-પર્વમાં ભીમ બહુ અકળાઈ જાય છે અને યુદ્ધ કરવું જોઈએ અને આમ-તેમ ઘણું બોલે છે. એ સમયે જેમ યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવેલી તેમ ભીમને પણ એ કહે છે : ‘તું એમ માને છે કે આટલા બધા રાજાઓ તારી સાથે યુદ્ધમાં છે, એટલે તું યુદ્ધ જીતી જઈશ ?’ આવો સવાલ યુધિષ્ઠિર ભીમને પૂછે છે. પછી કહે છે કે : ‘ભીષ્મપિતામહ અને દ્રોણ એ બન્ને એવા સમર્થ યોદ્ધાઓ છે કે આ બધી સેનાઓ તો શું, પણ દેવોની સેના આવે તો પણ એ બન્નેને કોઈ હરાવી શકે તેમ નથી.’ આ યુધિષ્ઠિરને ખબર છે. ભીષ્મને અને દ્રોણને મહાત કરી શકાય તેમ નથી એ યુધિષ્ઠિર બરાબર સમજે છે. એ જ યુધિષ્ઠિર એક વખત અર્જુનને પણ કહે છે : ‘પૂરી તૈયારી વિના યુદ્ધ થઈ શકે નહીં.’ અને આપણે જાણીએ છીએ કે પછી એ માટે અર્જુન હિમાલયમાં ગયો, શંકરને પ્રસન્ન કર્યા અને યુદ્ધ અંગે ઘણી સામગ્રી લઈ આવ્યો. આ બધી તૈયારી થયા પછી યુદ્ધ શરૂ થવાનું છે.

મિત્રો ! અઢાર અક્ષૌહિણી સેનાનું જે વર્ણન છે ! એમાંયે કૌરવોના પક્ષે અગિયાર અક્ષૌહિણી સેના છે. પાંડવોના પક્ષે તો સાત જ છે. એમનું સૈન્ય પણ નાનું છે. આખાયે મહાભારતમાં વારંવાર કહેવાયું છે કે ભીષ્મને અને દ્રોણને જીતવા એ મુશ્કેલ છે, પણ એ જ રીતે આખાયે મહાભારતની અંદર યુદ્ધ ન થવું જોઈએ અને ન્યાય પાંડવોના પક્ષે છે એમ ભીષ્મ અને દ્રોનાચાર્યે વારંવાર કહ્યું છે. એમણે દુર્યોધનને પણ આ કહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શું કામ આ બે મહાસમર્થ યોદ્ધાઓ દુર્યોધનના પક્ષે લડવાના છે છતાં સતત એમ માને છે કે પાંડવો સાચા છે ? આના મૂલમાં કોણ છે ? પાંડવો પાંડુના પુત્રો હતા માટે સાચા છે કે યોગ્ય છે તેમ નથી, પણ યુવરાજ તરીકે અને પછી સમ્રાટ તરીકે યુધિષ્ઠિરે જ્યારે પ્રજાપાલન કર્યું ત્યારે તેનું જે ધર્મપૂર્ણ વર્તન છે તેને કારણે ભીષ્મ અને દ્રોણ જ નહીં, ઘણો મોટો પ્રજામત પણ તેના તરફ જ છે. ઓહો ! પાંચે પાંડવો અને દ્રૌપદીને જ્યારે વનવાસની સજા થઈ ત્યારે યુધિષ્ઠિર તો મહાયુદ્ધો જીતીને રાજસૂય-યજ્ઞ કરીને સમ્રાટ બની ચૂક્યા હતા. ત્યાં સુધીના એમના કોઈ વર્તનની અંદર અહંકાર, અભિમાન, હું કંઈક છું. એવું ક્યાંય દેખાતું નથી. એવું ભવ્ય, ઉદાત્ત પાત્ર છે ! હું તો પહેલાં નાની હતી, ત્યારે એવું માનતી કે પછી બિચારા પાંચેય પાંડવો અને દ્રૌપદી જંગલમાં જતાં રહ્યાં. મારા ભાઈ સાથે વાત કરતી હતી, તો એણે મને પૂછ્યું કે તને એવું કોણે કીધું ? મહાભારત કોઈ દિવસ વાંચ્યું છે ? જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે અહો ! કેટલા બધા લોકો, બ્રાહ્મણો, સેવકો વગેરે યુધિષ્ઠિરની પાછળપાછળ ચાલી નીકળે છે – યુધિષ્ઠિરની પાછળ જાય છે – કોઈ ભીમ, અર્જુન, નકુળ, સહદેવ કે દ્રૌપદીની પાછળ ગયા એમ નથી. યુધિષ્ઠિરની પાછળ જાય છે અને યુધિષ્ઠિરે એ બધાને કેટલીયે વિનંતી કરી કે તમે બધા પાછા જાઓ. પણ એ બ્રાહ્મણો પાછા જતા નથી. છેલ્લે જ્યારે યુધિષ્ઠિર કહે છે કે ગૃહસ્થીનો ધર્મ છે કે આશ્રિતોને અને બ્રાહ્મણોને ભોજન કરાવવું, પણ જંગલમાં એ બધું હું ક્યાંથી લાવું અને કેવી રીતે ખવરાવું ? અને પછી એ બ્રાહ્મણો સૂર્ય પાસેથી અક્ષયપાત્ર અપાવે છે અને કહે છે, લે, આનાથી ખવરાવજે. પણ અમે તો તારી સાથે જ રહેવાના, અને પછી તો આ સાથે ગયેલા બ્રાહ્મણો રોજરોજ કથા કરીને યુધિષ્ઠિરને આશ્વાસન આપે છે કે ‘અરે યુધિષ્ઠિર ! તારું દુઃખ એ તે કંઈ દુઃખ છે ? પહેલાં એક નળ નામનો રાજા થઈ ગયો….’ પછી નળાખ્યાનની કથા આવે. એમ બધા મહાન માણસો, જેમણે સિદ્ધાન્ત માટે, સત્ય માટે, ધર્મ માટે દુઃખ વેઠીને કામ કર્યું એમની કથાઓ આવે. બધાં ઉપાખ્યાનો યુધિષ્ઠિરને સાંત્વન આપવા કહેવાયાં છે.

આ યુધિષ્ઠિરને જાળવવા ગઈ હતી પ્રજા તેમની સાથે. ભીમ-અર્જુનની પાછળ કોઈ ગયું નહોતું. આ યુધિષ્ઠિરનું પાત્ર ! એનું કામ શું છે ? તમે જુઓ તો ખરા ! મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. બન્ને બાજુએ સેનાઓ બરાબર ગોઠવાઈ ગઈ છે. મેં અનેક જગ્યાએ એ વાત વાંચેલી અને મને બહુ ગમેલી પણ ખરી કે અર્જુન પહેલું બાણ નાખે એ સીધું ભીષ્મપિતામહના પગમાં જઈને પડે અને સામેથી ભીષ્મ પહેલું બાણ નાખે તે અર્જુનના માથા પરથી જતું રહે. પ્રણામ અને આશીર્વાદનાં આ પ્રતીકો અદ્દભુત છે. પણ મેં એક બીજું સરસ અને સામાન્ય લોકો જાણતા હોય તેનાથી જુદું વાંચ્યું તે તમને કહેવા માગું છું. યુધિષ્ઠિર રથમાંથી ઊતરીને પગપાળા કૌરવોના સૈન્ય બાજુ જવા માંડ્યા. એટલે પાંડવ સૈન્યમાં તો કચકચાટ થઈ ગયો કે અરેરે ! એ સંધિ કરવા જ ગયા ! ખબર જ હતી. એમને યુદ્ધ ગમતું જ ન હતું. હવે આપણે કેવા ભૂંડા લાગીશું ! અને આમ-તેમ વાતો થવા લાગી. ભીમ અને અર્જુન બધા અકળાઈ ગયા. સામે પક્ષે કૌરવોમાંથી પણ બધા મશ્કરી કરવા લાગ્યા કે હં…. આવ્યો ને સંધિ કરવા ! યુદ્ધ કરવાની એને ત્રેવડ જ ન હતી. ક્યાં ગઈ ભીમની પ્રતિજ્ઞા ? ક્યાં ગઈ દ્રૌપદીની પ્રતિજ્ઞા ? આવાં વાગ્બાણો ચાલ્યાં બન્ને પક્ષથી. આ બધામાં એક કૃષ્ણ જરા ધીમુંધીમું હસે અને એમણે આ લોકોને કહ્યું કે જુઓ તો ખરા, શું થાય છે તે ! યુધિષ્ઠિર ગયા. ભીષ્મપિતામહની સામે જઈ, પગે લાગીને કહે છે : ‘પિતામહ ! હું યુદ્ધ માટે આજ્ઞા માગું છું.’ આહા ! શું એમનું આભિજાત્ય ! આપણને એમ થાય કે દેવો તો શું, આપણા અન્તઃકરણમાંથી પુષ્પવૃષ્ટિ થાય. યુધિષ્ઠિરને ભીષ્મપિતામહ કહે છે : ‘બેટા ! જો તું અત્યારે ન આવ્યો હોત તો મને એમ થાત કે તું યુદ્ધ માટે ઉદ્યત છે. પણ હું તારા ઉપર પ્રસન્ન છું, તારું કલ્યાણ થાઓ !’ ત્યાંથી આગળ ચાલે છે પછી દ્રોણાચાર્ય, એમના ગુરુ એમની પાસે જાય છે. પગે લાગીને યુદ્ધ માટે આજ્ઞા માગે છે. હજી આ ઘટના પછી પણ એમ કહી શકાય કે યુધિષ્ઠિર તો સંતપુરુષ છે. એ આમ જ વર્તે. પણ સંતનું સંતત્વ અને એનું ડહાપણ, એનું બુદ્ધિચાતુર્ય એ બન્ને ક્યાં ભેગાં થાય છે એ ભેદરેખા તમે બહુ સરળતાથી ન દોરી શકો.

ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણનું કામ કર્યું એ મારી દષ્ટિએ એમનું મોટામાં મોટું કામ છે. બહુ નાનપણથી એમણે આન્તરસૂઝથી જ એક ધર્મ સમજીને આ કામ શરૂ કરી દીધું હતું. પણ જો તમને પોલિટિક્સનો જરાકેય અભ્યાસ હોય તો તમને ખ્યાલ આવે કે એક રાજપુરુષ તરીકે પણ એમનું આ કાર્ય અસાધારણ હતું, અનન્ય હતું – હિન્દુસ્તાનના સ્વરાજ કરતાં પણ મોટું હતું. આમ, અસ્પૃશ્યતાનિવારણ એ માનવતાની દષ્ટિએ ઘણું મહાન કાર્ય છે, પણ રાજકારણની દષ્ટિએ પણ તેનું મૂલ્ય સમજીએ તેટલું ઓછું છે, કેમકે જો આ માણસે આ અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય ન કર્યું હોત તો ? તો હિન્દુસ્તાન આજે બે ટુકડા છે તેને બદલે ત્રણ હોત. અચ્યુત પટવર્ધને પુસ્તક લખ્યું છે : ‘હિન્દુનો કોમી ત્રિકોણ.’ હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અસ્પૃશ્યોનો એક ત્રીજો દેશ. અસ્પૃશ્યો માટે અલગ મતદાન પણ બ્રિટિશ સરકારે કર્યું હતું, એની સામે ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કર્યા હતા ! જ્યારે આંબેડકર અને બીજાઓએ ગાંધીજીને કીધું કે બાપુ ! તમે તો હરિજનો માટે આટલું બધું કરો છો અને તમે જ એ લોકોને બેઠક મળે તેની સામે ઉપવાસ કરો છો ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે : ‘આ હરિજનો છે તે હિન્દુઓ કરતાં જુદા છે જ નહીં એમ હું સાબિત કરવા માગું છું. હિન્દુઓએ એટલે કે સવર્ણોએ અત્યાર સુધી એમને જે અન્યાય કર્યો છે એનું એ પ્રાયશ્ચિત કરે.’ આ ઉદાર અંતઃકરણની સાથે અભેદ રીતે તીવ્ર બુદ્ધિશક્તિ પણ છે જ. હિન્દુસ્તાનના ત્રણ ટુકડા થતા એમની બુદ્ધિશક્તિએ અટકાવ્યા છે. સમજવાનું માત્ર એટલું જ કે મહાન માણસો એમની તીવ્ર બુદ્ધિમત્તાનો ઉપયોગ ક્યારેય સ્વાર્થ માટે કરતા નથી. તો શુદ્ધ અંતઃકરણથી કરેલું કામ ક્યારે હોશિયારી દેખાઈ જાય અને ક્યારે એ સજ્જનતા દેખાય, એ ભેદરેખા પાડવી એ કાંઈ બહુ સહેલી વાત નથી. પણ યુધિષ્ઠિર એ માત્ર સજ્જન નથી. એ સમ્રાટ એમ ને એમ નહીં બન્યા હોય. એટલે ભીષ્મ અને દ્રોણાચાર્ય પછી એ જે ત્રીજી વ્યક્તિ પાસે જાય છે તે છે શલ્ય.

જેમને કથાની ખબર નથી એમને માટે હું જરા અડધી મિનિટમાં કહી દઉં કે શલ્ય છે એ માદ્રીનો ભાઈ છે, એટલે નકુળ-સહદેવના મામા. એ પાંડવપક્ષે લડવા માટે જ્યારે આવતો હતો ત્યારે રસ્તામાં દુર્યોધને બનાવટથી એને ખવરાવી-પિવરાવીને એની મહેમાનગતિ કરી. એ પછી શલ્યને ખબર પડી કે આ તો દુર્યોધનની છાવણી છે. જેનું ખાધું તેની સામે લડાય નહીં, એટલે એને દુર્યોધનના પક્ષે રહીને લડવું પડ્યું. પણ એ હોશિયાર હતો, એટલે એણે દુર્યોધનને કહ્યું કે હું લડીશ તમારા પક્ષે, પણ હું એક વાર યુધિષ્ઠિરને મળી આવું તો ખરો. પછી એ જ્યારે મળવા આવ્યા અને બધી વાત કરી ત્યારે કૃષ્ણ અને યુધિષ્ઠિરે કહ્યું કે ‘વાંધો નહીં, ભલે એ પક્ષેથી લડજો, પણ એક કામ કરજો કે કર્ણના સારથિ થજો, કેમકે અર્જુનના સારથિ કૃષ્ણ હશે એટલે કર્ણ પણ ઉત્તમ સારથિ પસંદ કરશે અને શલ્ય, કૃષ્ણ વગેરે આ બાબતમાં નિષ્ણાત ગણાતા, એટલે આપોઆપ જ એ શલ્યને સારથિ બનાવે. આથી યુધિષ્ઠિરે કહ્યું કે તમે કર્ણના સારથિ થજો અને યુદ્ધ દરમિયાન એને મહેણાં-ટોણા મારીને માનસિક રીતે ભાંગી નાખજો. આ યુદ્ધનીતિ જ છે.

યુધિષ્ઠિર ભીષ્મ અને દ્રોણ પછી આ મામા શલ્ય પાસે પણ ગયા. ત્યાં મામાને પગે લાગીને યુદ્ધ માટે એમણે આજ્ઞા નથી માગી. એમણે માત્ર શલ્યને યાદ અપાવ્યું કે મેં તમને પેલું જે કામ કહ્યું છે તે યાદ છે ને ? અને યુધિષ્ઠિર પાછા ફર્યા. આ લોકોએ જોયા કર્યું બસ. મહાભારતના યુદ્ધમાં જો ભીષ્મ અને દ્રોણાચાર્યનો મત પાંડવો તરફ ન હોત તો આ પાંચે પાંડવોની શક્તિ નહોતી કે એમને જીતી શકે. ભીષ્મપિતામહ દસ દિવસ સુધી લડ્યા. સેનાપતિ તરીકે એકધારી એમણે દસ દિવસ સુધી જે લડાઈ ચલાવી છે ! અદ્દભુત ! પાછું એવું નહીં કે આપણો સદભાવ પાંડવો તરફ છે એટલે કૌરવપક્ષે ગડબડ કરવી, એવું જરાયે નહીં. બરાબર પ્રામાણિકપણે, નિષ્ઠાથી, જીવ દઈને લડ્યા, બરાબર લડ્યા અને દસ દિવસમાં તો કચ્ચરઘાણ વાળી દ્યે છે. દસ દિવસ સુધી આવું અદ્દભુત યુદ્ધ એમણે આપ્યું છે. અલબત્ત, એમણે પહેલાં દુર્યોધનને સમજાવ્યો હતો કે તું લડાઈ ન કર, આ બરાબર નથી. આમાં તારું હિત નથી. પાંડવોને તું જીતી શકે તેમ નથી.’ આવું બધું કીધું છે. પણ એમણે યુદ્ધ તો નિષ્ઠાપૂર્વક કર્યું. પણ યુદ્ધ કરતાં પહેલાં એમણે દુર્યોધનને બહુ સ્પષ્ટ કહી દીધું છે કે, ‘તું સાંભળી લે, પાંડવપુત્રેમાંથી હું એકેયને હણવાનો નથી.’

હવે તમે વિચારો- આપણે બધાં ભીષ્મપિતામહ વિશે વાત કરતાં એમના પાત્રનો એક દોષ બતાવીએ કે યુદ્ધમાં એ કૌરવપક્ષે રહ્યા અને તેના કારણમાં એમણે એમ કહી દીધું કે अर्थस्य दासोडहम् । अर्थस्य दासः अहम् એટલે શું ? આપણે એક પાત્રની ટીકા કરવા બૌદ્ધિક દલીલ કરીએ એ ઠીક છે, પણ આ વાત સમજવા જેવી છે, આપણી જ જાતથી વિચારવા જેવી છે. આપણે આપણા જ ઘરમાં રહેતાં હોઈએ અને એ માણસો બરાબર વર્તન નથી કરતાં એમ આપણને લાગે તો આપણે એમને સમજાવીએ કે ‘બેટા ! આમ ન કરાય, બેટા ! આમ ન કરાય’ પણ બેટાને જ્યારે બાજુવાળા મારવા આવે અને એનો વાંક હોય એટલે જ મારવા આવ્યા હોય તોપણ આપણે બેટાને પકડીને તો બેસીએ ને કે ભાઈ, એને મારતા નહીં, એ મૂરખ છે, એની ભૂલ છે, એને ખબર નથી પડતી, હવે નહીં થાય. આવું બધું જે કંઈ સૂજે તે કહીએ. પણ આપણાં જ જે સગાંઓ છે અને જે ખોટું કરે છે – આપણે જેમની સાથે રોજ જીવીએ છીએ, ખાઈએ છીએ તે લોકો પછી આપણો બાપ હોય, ભાઈ હોય, ધણી હોય, પત્ની હોય કે દીકરો હોય, પણ જેમના રોટલા રોજ ખાઈએ છીએ તેમને લટકતાં મૂકીને તો ક્યો માણસ ભાગે ? તો પછી ભીષ્મપિતામહે પણ કૌરવોના પક્ષે રહીને લડવું જ પડે. છેક સુધી સમજાવ્યા પછી પણ જો લડવાનો સમય આવે તો ભીષ્મે લડવું પડે. પણ એમણે છેક સુધી દુર્યોધનને યુદ્ધમાંથી રોકવા સમજાવ્યો છે કે જ્યાં કેશવ અને અર્જુન છે ત્યાં તારો વિજય નહીં થાય. તું પાંડવોને નહીં જીતી શકે. પણ પેલા ઓછી બુદ્ધિવાળાને મનમાં એમ થાય છે કે મારી સાથે કર્ણ છે એટલે હું તો જીતી જ જઈશ. એવું એક જોર છે. અને એને એય ખબર છે કે આ ભીષ્મ અને દ્રોણ સજ્જન છે, એટલે એ લડશે તો બરાબર.

ભીષ્મપિતામહ જરાયે અસ્પષ્ટ નથી. તેમણે દુર્યોધનને કીધું જ છે કે ‘તું સાંભળી લે બરાબર કે પાંડુપુત્રમાંથી કોઈને હું મારવાનો નથી. બાકી બધું કરીશ.’ અને તમે જુઓ કે દસ દિવસ સુધી એ સેનાપતિ હતા અને આટલા માણસોને માર્યા, પણ એક પણ પાંડુકુળના સંતાનની હત્યા ભીષ્મના હાથે નથી થઈ. ઘટોત્કચ અને અભિમન્યુ તો દ્રોણાચાર્ય સેનાપતિ થયા ત્યારે મર્યા. ભીષ્મના હાથે કુળના એક પણ પાત્રને હાનિ નથી થઈ. એ જ ભીષ્મપિતામહ સમજે છે કે ધર્મ યુધિષ્ઠિરના પક્ષે છે. જેમ ગઈ કાલે મનુદાદાએ કહ્યું ને કે કર્ણે ના પાડી અને કહ્યું કે ‘પછી હું ના પાડું એટલે દુર્યોધન રાજા થાય.’ પણ એમ થવું ન જોઈએ એ તો બધાને ખબર છે, એટલે ભીષ્મપિતામહને પણ વિજય તો પાંડવોનો જ થાય એમાં જ જગતનું હિત છે એ ખબર છે. અને એમણે બિચારાએ તો એ માટે શું-શું નથી સહન કર્યું ! એ વિષે તો હું એમના પાત્રની વાત કરીશ ત્યારે કહીશ, પણ એમના માટે એટલે કે ધર્મરાજ્યની સ્થાપના માટે તો એમણે આખી જિંદગી આટલાં દુઃખ વેઠીને કાઢી છે. એટલે એ તો એમ જ ઈચ્છે ને કે યુધિષ્ઠિર રાજા થાય અને ધર્મની સ્થાપના થાય.

એટલે મારે જે કહેવું છે તે આ કે આ ધર્મરાજ યુધિષ્ઠિર સામે ચાલીને – ભલે કૃષ્ણે ચાતુર્ય વાપર્યું અને દ્રૌપદીને ભીષ્મ પાસે લઈ જઈ ‘અખંડ સૌભાગ્યવતી બને’ એમ કહેવરાવ્યું. બધી કથા બરાબર છે, પણ જો ભીષ્મપિતામહે પોતાનું મૃત્યુ કેવી રીતે કરી શકાય એ પાંડવોને ન કીધું હોત તો આ કોઈનું ગજું નથી કે એમને હરાવી શકે. પણ ભીષ્મે કહી દીધું કે હું સ્ત્રીને મારતો નથી, એટલે શિખંડીની પાછળ રહીને અર્જુન મને બાણ મારે તો એ મને મારી શકશે. અને ખરેખર મહાભારતના યુદ્ધમાં આ ઘટનાને જરા વધારે ઊંડાણથી સમજવી હોય તો – તો શું છે અર્જુનની મનોદશા ? શું છે એનો સંઘર્ષ ? મહાભારતમાં અધર્મ બધાને હાથે થયો છે. પણ એ અધર્મ છે એમ તમને ખબર પડે એવી રીતે મહાભારતકારે એનું નિરૂપણ કર્યું છે. એટલે ભીષ્મને મારવા શિખંડીની પાછળ સંતાઈને બાણ મારવાં – અર્જુન જેવો યોદ્ધો એ અધર્મ કરે; ભીષ્મની સામે કરે એમ નહીં, કોઈ પણની સામે કરવાનું હોય, એ ધિક્કારપાત્ર છે. તો મહાભારતકારે લખ્યું છે કે અર્જુનને એનાથી એટલી બધી લઘુતાગ્રંથી થતી હતી, સંકોચ થતો હતો – એના માટે એણે લખ્યું છે : ‘ચોર જેમ ધણીથી છુપાતો હોય, કોઈ કુળવધૂના સ્ત્રીત્વનો ભંગ કરનાર પુરુષ તે સ્ત્રીના પતિને જોતાં જ લજ્જાવશ થઈ જાય, તેમ અધટિત કાર્ય કરવાનો વિચાર આવતાં જ અર્જુન શરમિંદો બની ગયો.’ એને ખબર છે કે એ બહુ ખોટું કામ કરે છે. આ જે ડીપ્રેશન – ‘આપણે બરાબર નથી કરતા, ધર્મનું કામ નથી કરતા’ એ વાત બહારના માણસો તો તમને જે કહે તે, પણ કરનારને પોતાનું મન અંદરથી ખલાસ કરી નાખે. પણ કરવાનું છે, યુદ્ધમાં જીતવાનું છે, એટલે અર્જુન શિખંડીની પાછળ ઊભા રહીને બાણ મારે છે. ભીષ્મપિતામહને શું છે ? એમને ઈચ્છિત મૃત્યુનું જે વરદાન છે – મને ઘણી વાર વિચાર આવે છે કે આપણને બધાને ભગવાને ઈચ્છિત મૃત્યુનું વરદાન આપેલું જ છે.

ભીષ્મપિતામહના જીવનમાં શું બન્યું ? બિચારાએ બાપની ઈચ્છા પૂરી કરવા પ્રતિજ્ઞા કરી. લગ્ન ન કર્યાં. ત્યારથી એમના માટે બાણશય્યા જ છે. યુદ્ધનું વર્ણન કરતાં મહાભારતકારે લખ્યું છે – વરસાદ આવે ત્યારે પૃથ્વી કેટલા ઉમંગથી વૃષ્ટિને ઝીલી લે છે ! તેમ ભીષ્મ પોતાના દેહ ઉપર શિખંડીનાં બાણો ઝીલતા હતા. અર્જુન શિખંડીની પાછળ રહી બાણ છોડ્યે જતો હતો. ભીષ્મને જેમ-જેમ ઘવાતા જતા જોયા તેમ-તેમ તેનું હૃદય ચિરાઈ જવા લાગ્યું. અર્જુનની વેદના કાંઈ ઓછી નથી. ભીષ્મનો સંહાર કરવાની તેનામાં શક્તિ ન રહી. મહાભારતકાર લખે છે – પછી તેણે આડું જોઈ આંખ મીંચી બાણો ફેંકવા માંડ્યાં. શું વેદના હશે ? કેવી હશે ભીષ્મપિતામહ તરફની તેની લાગણી ? શરૂઆતમાં તો લખ્યું છે કે અર્જુન ભીષ્મને એકેય બાણ મારતો જ ન હતો. પોતાને ન વાગે તેટલું જ તે કરતો હતો. એક પળ તો એવી આવી ગઈ કે ભીષ્મનો સંહાર બહુ સરળતાથી થાય તેમ હતું. તોયે અર્જુને બાણ ન માર્યું. તેને થયું : ‘અરેરે ! ભીષ્મપિતામહને હું છેદી નાખું !’ ન માર્યું બાણ. કૃષ્ણ કહે, ‘તારાથી કાંઈ થશે જ નહિ, લાવ !’ કહીને પોતે હાથમાં રથનું પૈડું લઈને ગયા. કૃષ્ણની પ્રતિજ્ઞા ભીષ્મે તોડાવી. ભીષ્મ પ્રસન્ન થઈને કહે, ‘આવો, આવો, નારાયણ, તમે મને રથ ઉપરથી ફેંકી દો, તમે મને સુદર્શનચક્રથી મારી નાખો, તો પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં મારી કીર્તિ વધશે.’ અર્જુનની શું દશા છે ? તેના શ્વાસોશ્વાસમાંથી પોતાને માટે ‘ધિક્કાર છે ક્ષત્રિયના ધર્મને !’ આમ શબ્દો નીકળતા હતા. મોઢેથી નહિ, અકેક શ્વાસથી પોતાના ક્ષત્રિયત્વને એ ધિક્કારતો હતો. એના હૃદયમાં વિહવળતા વ્યાપી ગઈ. હજુ તે યંત્રવત બાણો ફેંક્યે જતો હતો. આ વખતે પોતાની પાસે ઊભેલા દુઃશાસનને ભીષ્મે કહ્યું : ‘દુઃશાસન, મને દુઃખ આપનારાં આ બાણો શિખંડીનાં ન હોય. મારો મર્મ ભેદવાની શક્તિ શિખંડીમાં છે જ નહિ. આ બાણો તો ગાંડીવધારી અર્જુનનાં જ છે. અરેરે ! અર્જુનનાં બાણો મારાં ગાત્રો છેદી નાખે છે. મારું શરીર ચિરાઈ જાય છે. મારાં મર્મસ્થળો કપાઈ જાય છે…’ આમ બોલતાંમાં તો ભીષ્મનું આખું શરીર બાણોથી ઢંકાઈ ગયું. કેટલાંક બાણો તો શરીરની આરપાર નીકળી ગયાં. ભીષ્મ ટકી શક્યા નહિ. મોટા ધબાકા સાથે રથમાંથી ઢળી પડ્યા. ભીષ્મના પડવાથી કૌરવસૈન્યમાં હાહાકાર મચી ગયો. કૌરવોના વિજયની આશા પડી ભાંગી. ભીષ્મ પડતાં જ સામે અર્જુન પણ પોતાના રથમાં ઢળી પડ્યો. શ્રીકૃષ્ણે તેને શાંત કર્યો. આંસુભરી આંખે અર્જુન અને શ્રીકૃષ્ણ ભીષ્મ જ્યાં પડ્યા હતા ત્યાં ગયા. આવું મહાભારતમાં જ બને.

મહાભારતમાં નૈતિક જીવનની કઈ ભૂમિકા છે ? જરાસંધ સાથે કૃષ્ણ અને અર્જુન લડવા જાય છે એ પ્રસંગ પણ કેવો ભવ્ય છે ! નરમેધયજ્ઞ કરવા જરાસંધે રાજાઓને પકડ્યા હતા. એ કેદ કરેલા રાજાને છોડી મૂક તો અમારે તારી સાથે યુદ્ધ કરવું નથી એમ તેને સમજાવવા છતાં જ્યારે ન માન્યો ત્યારે દ્વંદ્વયુદ્ધ કર્યું, જરાસંધને માર્યો. પણ પછી જરાસંધના મૃત્યુ પછી રાજસત્તા તો એના દીકરાને જ સોંપી દીધી. કોઈનું રાજ્ય પડાવી લેવાની વૃત્તિ નથી. આ નીતિને મહાભારતમાં બૃહસ્પતિનીતિ તરીકે ઓળખવામાં આવે છે.

ભીષ્મ પડ્યા એટલે કૃષ્ણ અને અર્જુન બન્ને ભીષ્મની પાસે જાય છે. ભીષ્મની પછીની સ્થિતિ પણ સમજવા જેવી છે. તેમને આટલું બધું વાગ્યું એટલે સ્વાભાવિક છે કે દુર્યોધન વૈદ્યને બોલાવે. પણ ભીષ્મ તેને કહે છે કે ‘હવે મને જીવવાની આકાંક્ષા નથી. હું ધારું તો વૈદ્યો સિવાય પણ સારો થઈ શકું તેટલી વિદ્યા મને આવડે છે, પણ મારે હવે એ પ્રયોગ અજમાવવો નથી.’ પછી એ દુર્યોધનને ફરી કહે છે, ‘તું ભૂલી જજે. તું હવે જીતે એમ નથી માટે હવે સંધિ કરી લે. બાકી રહેલા જે ક્ષત્રિયો છે તેમને બચાવી લે.’ દુર્યોધન માનતો નથી. શું મનોદશા હશે ભીષ્મની ? ભીષ્મે પિતા માટે સર્વસ્વ છોડ્યું. પછી નવી માતા, એના સંતાનોની જવાબદારી. તેમનાં મૃત્યુ, રાજગાદીના પ્રશ્નો, વંશવેલાના પ્રશ્નો – એ બધું હલ કરવાની ભીષ્મની કર્તવ્ય-ભાવના અને એ ત્યાગની અતિશયતામાંથી જ સર્જાતી જીવનની કરુણતા. કોઈ એક સદગુણની અતિશયતામાંથી સર્જાતી ટ્રેજેડી એ ભીષ્મનું જીવન છે. ભીષ્મપિતામહે પિતાની ઈચ્છા પૂરી કરવા પ્રતિજ્ઞા લઈ લીધી તે તો સમજ્યાં, પણ પછી એ નવી માને સંતાનો થયાં, પિતાનું મૃત્યુ થયું, એટલે આ સંતાનોને ઉછેરવાની જવાબદારી સ્વીકારી. આ છોકરાઓ પણ કેવા ? એ શાન્તનુની વાસનાનું ફળ કેવું હોય ? વિચિત્રવીર્ય માંદોસાજો અને આખો દિવસ સ્ત્રીઓ સાથે પડ્યો રહે. એવા વિચિત્રવીર્યને પરણાવવા માટે પાછા ભીષ્મ કોઈકની ત્રણત્રણ છોકરીઓને ઉપાડી લાવે ! શું કામ ?

હું જે કહું છું ને કે મહાભારતમાં મને કેટલુંક નથી સમજાતું – નથી સમજાતું એટલે કોઈને પૂછવાથી ન સમજાય. હું તો તેને મહાભારતની સાથે જ તપાસું છું અને વિચારું છું કે આપણે જેને આપણી ફરજ સમજીને કરીએ છીએ તે ફરજને પણ ક્યાં સુધી વળગ્યા કરવું ? અને વળગી રહીએ તો પરિણામ શું આવે ? ભીષ્મ પોતાના આવા નમાલા ભાઈઓને પરણાવવા ત્રણ છોકરીઓનાં હરણ કરે એ કેટલું યોગ્ય ? એમાં કયો ધર્મ ? સમજાતું નથી. ધર્મ બે પ્રકારના હોય. યુગધર્મ અને સનાતન ધર્મ. ભીષ્મ તેમની ફરજથી છૂટ્યા જ નહિ, પરિણામે સનાતન ધર્મને પામી શક્યા નહિ. એક વાર માણસ ભૂલ કરે એ સમજ્યા. ભીષ્મ ત્રણ છોકરીઓને ઉપાડી આવ્યા. તેમાંની મોટી અંબાને તો પાછી મૂકવા પણ ગયા. તેનું જીવન વેરવિખેર થઈ ગયું. તેણે ભીષ્મને શાપ આપ્યો અને બીજે જન્મે શિખંડી થઈ. પણ ભીષ્મ હજુ પણ શું કરે છે ? આંધળા ધૃતરાષ્ટ્ર, એને પરણાવવા ગાંધાર પર ચડાઈ કરી, કારણ, તેની છોકરી બહુ સારી છે ! એટલે યુદ્ધમાં ગાંધારનરેશને હરાવીને ગાંધારીને લઈ આવી આંધળા ધૃતરાષ્ટ્ર સાથે પરણાવી. ત્યારે ગાંધારીનો આક્રોશ શું હશે ? આ ઘટના માટે જવાબદાર કોણ ? વિચારો તો ખરા ! દ્રૌપદીનાં ભરીસભામાં વસ્ત્રો ખેંચાયાં. દ્રૌપદી ભીષ્મને પૂછે છે કે આ ધર્મ છે ? ત્યારે ભીષ્મપિતામહ કહે છે, ‘ધર્મની વાત બહુ સૂક્ષ્મ છે.’ અરે ! આ જવાબ છે ? એક માનવધર્મ તો હોય ને ? ભલે આપણે શાસ્ત્ર ન ભણ્યાં હોઈએ પણ કોઈ પુરુષ કોઈ સ્ત્રીનાં કપડાં ખેંચે – અરે ! પોતાની બૈરીનાં ખેંચે તોયે એક ધોલ મારી દેવી જોઈએ પણ ભીષ્મપિતામહમાં એ શક્તિ જ નથી. જે માણસમાં એ શક્તિ છે કે પરંપરાથી લોકો જેને ધર્મ માનતા હોય, પણ જો તે અયોગ્ય હોય, તો આખા સમાજની વિરુદ્ધ જઈને પણ હિમ્મતથી કહે કે ‘આ અધર્મ જ છે. તે ન જ થઈ શકે.’ તેવો માણસ આપણે ત્યાં ઈશ્વર બને છે. એ કામ બુદ્ધે કર્યું, ગાંધીએ કર્યું. ગાંધીએ હજારો વર્ષની અસ્પૃશ્યતાને દૂર કરી માનવધર્મ બજાવ્યો, એટલું જ નહીં, એમણે તો મુસલમાનોને પણ નિર્ભયતાથી ધર્મની વાત ભારપૂર્વક કહી. મુસલમાનોમાં એક એવો નિયમ છે, જેણે પાપ કર્યું હોય તેને જાહેરમાં પથ્થર મારી-મારીને મારી નાખવાનો. કુરાનમાં તેને ‘સંગસારી’ તરીકે ઓળખાવવામાં આવે છે. ગાંધીજીએ કહ્યું કે આવું તો ન જ કરાય. મુસલમાનો તો ધર્મચુસ્ત. કહે કુરાનમાં લખ્યું છે. પણ ગાંધીજીએ કહ્યું કે ‘કુરાનને નામે પણ સંગસારી એ અક્ષમ્ય છે.’ આવી આન્તરસૂઝ ભીષ્મમાં નથી.

મહાભારતમાં આવે છે પેલો રાજા – અનેક છોકરીઓને ઉપાડી જતો હતો. કૃષ્ણે તેનો વધ કરી સોળ હજાર છોકરીઓને ત્રાસમાંથી છોડાવી. પણ પછી પ્રશ્ન એ હતો કે આ છોકરીઓ હવે જાય ક્યાં ? ન તેમનાં માબાપ લઈ જાય, ન તેમના પતિ. એટલે આ બધી છોકરીઓ અગ્નિમાં પડવા તૈયાર થઈ, કેમ કે આપણે ત્યાં છોકરીઓ માટે બીજો કોઈ માર્ગ જ હોતો નથી ! એ સમયે કૃષ્ણ કહે છે કે હું આ બધી સ્ત્રીઓને પત્ની તરીકે સ્વીકારું છું. આનાથી મોટી સમાજસુધારણા બીજી કઈ હોઈ શકે ? મહાભારતમાં અન્યાય સામે આત્મબળથી લડવાની શક્તિ કૃષ્ણ સિવાય કોઈમાં નથી – અને એ પણ જગત-હિતાય. ભીષ્મ તો અન્યાય છે, અહિત છે એમ જાણવા છતાં એ અન્યાયને નિવારી શકતા નથી. પેલો આસ્તિક એક બ્રાહ્મણ, તેણે પણ કહ્યું કે આ સર્પસત્ર બંધ કરો અને જન્મેજયને કરવો પડ્યો. શું તાકાત અને શું તેજ છે એનું ! ભીષ્મપિતામહ જેવું ભવ્ય પાત્ર, પણ દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાયાં ત્યારે મૂંગા રહ્યા. પછી બિચારા શાંતિપર્વમાં કહે છે બાણશય્યા પર સૂતાં-સૂતાં કે દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાયાં ત્યારે હું મૂંગો રહ્યો તેનું પરિણામ હું ભોગવું છું. મને લાગે છે કે પ્રત્યેક માણસને અંતઃકરણથી શું સાચું છે અને શું ખોટું છે તે સમજાય જ છે, છતાં તેનાથી વિરુદ્ધ વર્તન કરનારને તેનાં પરિણામો એક યા બીજા સ્વરૂપે ભોગવવાં જ પડે છે. આ આખી કાર્યકારણની પરંપરા છે. ભીષ્મની વેદના, તેમની કરુણતા તો હજુ આગળ ચાલે છે. આ બધું બન્યા પછી પાંડવોના પક્ષે ન્યાય છે, છતાં ભીષ્મ પોતાની ફરજ બજાવવા કૌરવોના પક્ષે રહીને લડે છે. શું કામ ? કૌરવોના ભયથી નહીં. કર્તવ્યની અતિશયતા અને અંતઃકરણના અવાજથી વિરુદ્ધ વર્તન એમના જીવનમાં ઘેરી કરુણતા સર્જે છે. શા માટે એ આટલું સહન કરે છે ? માત્ર એટલા માટે કે પિતાને તેમણે વચન આપ્યું હતું કે રાજ્ય સ્થિર કરીને જઈશ. એમણે પિતાને વચન આપી દીધું છે. બાપ મરી ગયો છે. ઠીક છે. પેલા બે છોકરાને મોટા કરવા. વિચિત્રવીર્યને પરણાવવા માટેના પ્રયત્નો કરે છે. એ થયા પછી વિચિત્રવીર્ય મરી ગયો. આ માણસના ગળામાં આમ હારડો આવતો જ ગયો, આવતો જ ગયો. વળી પાછું માતાએ કહ્યું કે તું એની પત્ની સાથે લગ્ન કર. એમણે ના પાડી. વ્યાસ મુનિ પેલી ત્રણે સ્ત્રીઓને સંતાન કરાવે છે. આ બધું પત્યા પછી પાંડુને રાજ્ય સોંપ્યું, પણ પાંડુનું મૃત્યુ થયું. મારું માનવું એવું છે કે પિતા જે રાજ્યને રેઢું મૂકીને ગયા એમાં ધર્મની સ્થાપના ન થાય ત્યાં સુધી ભીષ્મથી મરાય નહિ. એ કરવા માટે તો આ માણસ આખી જિંદગી રહ્યો. પડ્યા પછીયે તે છ મહિના બાણશય્યા પર રહ્યા, એટલા જ માટે કે ઉત્તરાયણનો સૂર્ય થાય એટલે એ સારો દિવસ કહેવાય. તે દિવસે ભીષ્મપિતામહ મરે નહિ એમ નથી. કૌરવો હાર્યા. પાંડવો જીત્યા. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. ધર્મની સ્થાપના થઈ. પછી ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યો. તેમનું કર્તવ્ય ત્યાં પૂરું થાય છે. ઈચ્છિત મૃત્યુનો આ અર્થ હું સમજું છું. ગાંધીનું વાક્ય યાદ આવે છે : ‘કાગડા-કૂતરાને મોતે મરીશ, રખડી-રવડીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના પાછો ફરવાનો નથી.’ ભીષ્મ તો બિચારા કાગડા-કૂતરાની જેમ જીવ્યા. ભીષ્મપિતામહ હતા તેથી શું ? આપણે કોઈ માણસના સુખને કે દુઃખને મૂલવવાનું હોય ત્યારે તેની ઊંચાઈ સાથે મૂકવું જોઈએ. કેવું તેજસ્વી પાત્ર અને કેવો કરુણ એનો અંજામ ! આ બધાં પાત્રો કોઈ ને કોઈ કાર્યકારણ-શૃંખલાથી જોડાયેલાં છે. પોતે કરેલાં કર્મનાં ફળ એ ભોગવતાં જાય છે. કોઈ પાત્ર અસ્વાભાવિક નથી.

દુર્યોધનનું પાત્ર જુઓ. એનાં બધાં આલેખનોમાં નથી ઊતરતી. છેક સ્વર્ગમાં પહોંચી ગયા પછી યુધિષ્ઠિર ગયા ત્યારે ખબર પડે છે કે દુર્યોધન ને બધા ત્યાં નરકમાં છે. યુધિષ્ઠિર કહે છે કે મારા ભાઈઓ નરકમાં હોય ને હું સ્વર્ગમાં ન રહી શકું. મારા ભાઈઓ વગર મારે સ્વર્ગમાં નથી રહેવું. ત્યારે દુર્યોધન કહે છે કે યુધિષ્ઠિરનું અપાવેલું સ્વર્ગ મારે નથી જોઈતું. એ કરતાં નરક સારું. શું ખુમારી છે ! આખી જિંદગી યુધિષ્ઠિરે દુર્યોધન માટે સ્વર્ગ જ તૈયાર કર્યું અને આખી જિંદગી દુષ્ટ દુર્યોધન ન જ માન્યો. આખું જીવન એ નરકમાં જ રહ્યો. દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચવાની ઘટના બની એની આગળના પ્રસંગો પણ જુઓ. યુધિષ્ઠિરને આપણે જાણીએ છીએ. ધૃતરાષ્ટ્રે તેને વારણાવત્તમાં મોકલી દીધા હતા. મારી નાખવાનું કાવતરું હતું. આ બધી પાંડવોને ખબર હતી. છતાંય તે દ્રૌપદીને લઈને પાછા આવ્યા. ખાંડવવન આપ્યું. જે આપ્યું તે પર તેમણે રાજ્ય વિકસાવ્યું. યુધિષ્ઠિર સમ્રાટ બન્યા. સમ્રાટ બન્યા એટલે નારદના કહેવાથી રાજસૂય-યજ્ઞ થયો. સમ્રાટ બન્યા ત્યારે ઉત્તરમાં અર્જુન ગયો. પૂર્વમાં ભીમ ગયો. દક્ષિણમાં નકુળ ગયો. પશ્ચિમમાં સહદેવ ગયો. આખો દેશ જીતીને યુધિષ્ઠિર સમ્રાટ બન્યા. એમાં ક્યાંય કૌરવો પર ચડાઈ કરી એવું આલેખન નથી. યુધિષ્ઠિર માટે તો પેલા ચાર ભાઈઓ જેવા ભાઈ છે એવા જ આ સો પણ ભાઈ જ છે.

આપણા યુગે ગાંધીને ગાંડા કીધા. હિન્દુ-મુસ્લિમ-એકતાની વાતો કરી એટલે. એ દષ્ટિએ એમના પૂર્વજ ગાંડા યુધિષ્ઠિર હતા. સામો માણસ કેવો છે તેના પરથી તમારો સંબંધ નક્કી ન થાય, તમારા ઉપરથી થાય. યુધિષ્ઠિરે તો આ દુર્યોધનને આટલા જ પ્રેમથી સાચવ્યો હતો. રાજસૂયયજ્ઞ વખતે બધા રાજાઓ ભેટરૂપ જે વસ્તુઓ લાવે છે તેના ખજાનચી તરીકે એમણે દુર્યોધનને મૂક્યો છે. બધી સંપત્તિ જે આવે છે તે દુર્યોધન સ્વીકારે છે. આટલું બધું થયા પછી પણ દુર્યોધનને તેની ઈર્ષા આવી. આપણે શકુનિને ગમે તેટલી ગાળો દેતા હોઈએ તોપણ મહાભારતમાં એવું આવે છે કે રાજસૂય-યજ્ઞમાંથી પાછા ફરતી વખતે દુર્યોધન નિઃશ્વાસ નાખતો ચાલતો હતો, એટલે શકુનિએ પૂછ્યું : ‘કેમ, ભાણા, નિસાસા નાખો છો ?’ તો કહે કે ‘મારાથી આ યુધિષ્ઠિરની સંપત્તિ જોઈ શકાતી નથી.’ એટલે શકુનિ કહે : ‘એમાં શું ? એ લોકોને એમના ભાગ્યનું મળ્યું છે. તેમણે તેમના બાહુબળે બધું જીત્યું છે. તું પણ તેમ કર.’
એટલે એ કહે : ‘હું ક્યાંથી કરું ? મારામાં એટલી શક્તિ નથી.’
શકુનિ કહે : ‘આ પાંચેય ભાઈઓ તારા જ છે. તું કહીશ તો એ તને મદદ કરશે. તું પ્રયત્ન કર.’
આ કહે : ‘મારે તો બધું એમ ને એમ જોઈએ. લડવાની શક્તિ મારામાં નથી. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે આ બધું હું જીતી લઉં.’ તો જેને આપણે શકુનિ તરીકેનું દુષ્ટ પાત્ર કહીએ છીએ તેણે પણ દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ ન કરવા અને તેમની મદદથી સામ્રાજ્ય મેળવવા સૂચનાઓ આપી છે. પણ દુર્યોધન માન્યો નથી. સભાપર્વની અંદર દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચાયાં. એ બધું થયું, પાંડવોને કાઢ્યા. પણ પછી જુઓ, દુર્યોધનને વળી પરાક્રમ દેખાડવાનું મન થયું. એટલે એ પત્નીને અને મિત્રોને લઈને ગયો. ગાંધર્વો સાથે યુદ્ધ થયું. ભૂંડે હાલ હાર્યો. ત્યારે યુધિષ્ઠિરે ભીમને અને અર્જુનને કહ્યું કે જાઓ, એને છોડવો. અને એને બચાવીને લાવ્યા. સલાહ આપી કે હવે ડાહ્યો થઈને રહેજે. બેટા, આવું ન કરાય. દુર્યોધનને પાછો મોકલ્યો. જેટલી વખત દુર્યોધને નામોશીભર્યું વર્તન કર્યું છે એટલી વખત યુધિષ્ઠિરે તેને બચાવ્યો છે. પણ એને યુધિષ્ઠિરે આપેલું એકેય સ્વર્ગ જોતું જ નથી. અંતમાં મૃત્યુસમયે એ પાણીના કુંડમાં પડ્યો છે, છતાંય એનું દુર્યોધનપણું ઓછું થતું નથી. એ ક્યાંય દયામણો, બિચારો લાગતો નથી.

મહાભારતમાં એકએક યોદ્ધાને જુઓ. દુઃશાસનને જ્યારે ભીમ પાડે છે, પછી એમ પૂછે છે ‘ક્યાં છે તારો હાથ, જેનાથી તેં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચ્યા હતાં ?’ મહાભારતકાર કંઈ સામાન્ય લેખક નથી. એ એમ નથી કહેતો કે એ રોવા મંડ્યો. એ તો એમ કહે છે, હાથ ઊંચો કરીને કે ‘આ રહ્યો એ હાથ.’ એટલે મરવા સુધી દુઃશાસને પોતાનું દુઃશાસનત્વ બરાબર પ્રગટ કર્યું છે. પછી ભીમ એને કાપે છે. આમ બધાં જ પાત્રો પોતાને સ્થાને વિશિષ્ટ છે. યુધિષ્ઠિર એ એક વાસ્તવિક સત્ય છે. દુર્યોધન પણ એક વાસ્તવિક સત્ય છે. એને આપણે એવી રીતે નિહાળવું જોઈએ. કોક ખોટું કરે, કોક ચોરી કરે, કોક ન ગમે તેવું વર્તન કરે, તો પહેલાં મને તેના પર ગુસ્સો ચડતો, અકળામણ થતી, માન ઊતરી જતું. ધીમેધીમે આ બધાં પાત્રોને વાંચતાં ને વિચારતાં આપણે એ સ્થિતિએ પહોંચીએ અને સમજાય કે આપણે સાચું બોલીએ છીએ, કારણ કે આપણાં માબાપ, એમનાં માબાપ, એમનાં માબાપ, એમ પેઢીઓથી આ બધું સાચું બોલવાનું ચાલ્યું આવે છે. આપણે જે કાંઈ છીએ તે આપણી પૂર્વપરંપરાનું પરિણામ છે. બિચારો દુર્યોધન ! એના બાપને રાજા થવું હતું, પણ થવાયું નહિ. મહાભારતમાં એવું આવે છે કે પાંડુ રાજા જ્યારે જંગલમાં ગયો ત્યારે તે દુર્યોધનના માથા પર મુગટ મૂકે છે. તો ધૃતરાષ્ટ્ર તે મુગટ ખેંચીને પકડી રાખે છે, કેમકે મોટો ભાઈ એ હતો. રાજા એ થાય એમ એના મનમાં હતું. પરંતુ આંધળો હતો. એટલે એ ન થઈ શક્યો. એ એની જે અતૃપ્ત વાસના તેનું તેમાં સૂચન છે. ખાલી એટલી ધૃતરાષ્ટ્રની જ વાસના છે ? ના. મહાભારતમાં તો એવુંય આવે છે કે યુધિષ્ઠિરનો જન્મ થઈ ગયો અને ધૃતરાષ્ટ્રને ત્યાં પુત્રપ્રાપ્તિ નહોતી થઈ. એટલે ગાંધારીએ પોતાના પેટ ઉપર માર્યું. ગર્ભના ટુકડા થઈ ગયા. એવું પણ આલેખન છે. એટલે ગાંધારી ગમે એવી સતી સ્ત્રી હતી, પણ એનો પુત્ર યુવરાજ થાય એવી ઝંખના તેના મગજમાં હતી. હજી તેનાથી પણ આગળ. વિચિત્રવીર્ય મરી ગયો. પછી વ્યાસમુનિની પાસે અંબાલીને સંતાનપ્રાપ્તિ માટે ગોઠવી છે ત્યારે એના મનમાં એક જ ઈચ્છા હોયને કે મારો દીકરો થાય તો એ રાજા થાય. એ અંબાલીની ઝંખના એ ધૃતરાષ્ટ્ર છે. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની અતૃપ્ત વાસનાનું પરિણામ તે દુર્યોધન છે. દુર્યોધન એ દુર્યોધન જ હોય. યુધિષ્ઠિર એ યુધિષ્ઠિર જ હોય. આ યુધિષ્ઠિરનું આવું મજાનું પાત્ર, કેટલાક સરસ પ્રસંગો, છતાંય હું તમને મહાભારતને આધારે જ કહું છું કે કેટલીક વાતો મને નથી સમજાતી.

દ્રૌપદીની સાથે પાંચેય ભાઈઓ લગ્ન કરે. કુંતીએ તો કહી દીધું કે ભિક્ષા સરખે ભાગે વહેંચી લો. પેલો દ્રુપદ કહે છે કે ‘अधर्मोडयम्।’ આ તો અધર્મ છે. આવું વેદમાં કે રૂઢિમાં ક્યાંય લખ્યું નથી. યુધિષ્ઠિર જવાબ આપે છે કે, ‘હું કોઈ દિવસ ખોટું બોલ્યો નથી. કોઈ અધાર્મિક બાબતમાં મારું ચિત્ત લાગતું નથી. આમાં મારું ચિત્ત લાગે છે, માટે આ ધર્મ છે.’ મહાભારતને આધારે તેનું મૂલ્યાંકન કરીએ તો યુધિષ્ઠિરનો આ જે જવાબ છે તેમાં એ પાત્રનું તેજ દેખાતું નથી. મહાભારતકારે એમ પણ નોંધ્યું છે કે દ્રૌપદીને જોઈને પાંચેય ભાઈઓના ચિત્તમાં સંવેદના તો થઈ જ છે. કુંતીએ શું કામ એમ કીધું કે પાંચેય ભાઈઓ ભિક્ષા વહેંચી લો ? એ ભિક્ષા લેવા ગયા છે તેવી વાત જ ન હતી. મહાભારતમાં એવું છે કે ભિક્ષા લેવા યુધિષ્ઠિર નહોતા જતા, પેલા ચાર નાના ભાઈઓ જ જતા હતા. વળી વ્યાસમુનિ આ પહેલાં આવી ગયા છે. એમણે કીધું છે કે દ્રુપદ રાજાએ એની દીકરી માટે સ્વયંવર કર્યો છે. ત્યાં તમે જાઓ. એટલે એને ખબર છે કે પાંચેય છોકરાઓ સ્વયંવરમાં ગયા છે. ભિક્ષા લેવા ગયા છે તેવી વાત જ નથી. ભિક્ષા લેવા યુધિષ્ઠિર જતા પણ નહોતા. છતાં કુંતી એમ કહે છે કે પાંચેય ભાઈઓ વહેંચી લો. પછી યુધિષ્ઠિર એમ કહે કે ‘હું કોઈ દિવસ ખોટું બોલ્યો નથી. આમાં મને અધર્મ લાગતો નથી. એટલે તે ધર્મ’ આ ઘટના મને સમજાતી નથી. એને માટેનું કોઈ અસરકારક કારણ યુધિષ્ઠિર આપી શક્યા હોય એવી પ્રતીતિ થઈ નથી. દ્રૌપદીની સહનશક્તિની કોઈ હદ નથી. કુંતાએ કીધું અને દ્રૌપદીએ પાંચેયને સ્વીકારી લીધા. સહન કરવાથી કયું મોટું તપ હોય બીજું ? આપણી સંસ્કૃતિએ જેની વાહવાહ કરી છે, જેની ઉપર આપણે ઊભા છીએ તે શું છે ? આપણને દદીચિનાં હાડકાંથી જ લડવાની ટેવ છે. આપણા બધા ધર્મોની સ્થાપના આવી સહનશક્તિમાંથી જ થઈ છે. દ્રૌપદીએ સ્વીકારી લીધું. શું પરિણામ આવ્યું ? મહાભારતમાં દ્રૌપદીના પાંચેય પુત્રોનું વ્યક્તિત્વ જુઓ અને અભિમન્યુને જુઓ, ઘટોત્કચને જુઓ. દ્રૌપદીના પુત્રોનું કોઈ વ્યક્તિત્વ જ ઊપસતું નથી.

દરેક પાત્રનું વ્યક્તિત્વ તેની વાણીમાંથી પ્રગટ થાય છે. તેની વાણી જ તેના આંતર જગતને ખુલ્લું કરે છે. મહાભારતમાં યુધિષ્ઠિર અને દુર્યોધનનાં પાત્રો વિશે વિચારું છું ત્યારે આપણા યુગનાં પાત્રો પણ મારી સામે આવે છે. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા અંગે ગાંધી-ઝીણા-પત્રવ્યવહાર ચાલે છે, મીટિંગો થાય છે. તેમાં ગાંધીજી ત્યાં સુધી કહે છે કે, ‘મહમદઅલી ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવો, પણ ભાગલા ન પાડો.’ પણ ઝીણાનો ઉશ્કેરાટ એટલો બધો છે કે જ્યારે મસલત તૂટી પડી ત્યારે એ ગાંધીને લખે છે કે ‘મને તો ખબર જ છે કે આપણી વાટાઘાટો પૂરી થશે, એટલે બહાર તમારા ચેલાઓ ઊભા હશે. તમે તો મહાત્મા એટલે તમારા વિશે આમ કહેવાશે તેમ કહેવાશે’ વગેરે…. મને લાગે છે કે આવાં પાત્રોનો આ આક્રોશ એમની લઘુતાગ્રંથિમાંથી જ ઊભો થતો હોય છે. જે માણસ અંદરથી પૂરેપૂરો સમૃદ્ધ છે, સાચો છે તેને ઉશ્કેરાવાનું કોઈ કારણ નથી. આવાં પાત્રો ક્યારેય બીજાં પાત્ર પર આક્ષેપ કરતાં નથી. રામાયણમાં રામનું પાત્ર; મહાભારતમાં કૃષ્ણ, યુધિષ્ઠિર, ભીષ્મ, આપણા યુગમાં ગાંધીજીનું પાત્ર. જુઓ તો ખરા, એમણે ક્યારેય બીજાના દોષ દેખાડ્યા છે ?

બીજા કેટલાંક પાત્રો આસ્તિક જેવાં હોય છે, જે દોષને પણ વાણીના કૌશલ દ્વારા શાંતિથી પ્રગટ કરે. શેક્સપિયરના નાટક ‘જુલિયસ સીઝર’માં એન્ટનીનું પાત્ર આ પ્રકારનું છે. તેમાં ઘટના આ પ્રકારની છે કે સીઝર રાજા છે અને તેના વિરોધી તેનું ખૂન તેના જ મિત્ર બ્રુટસ પાસે કરાવે છે, જે ઘણો જ પ્રામાણિક અને સજ્જન છે, એટલે ખૂન કર્યા પછી લોકોનાં ટોળાં સામે એ જ્યારે બોલે છે કે ‘આઈ લવ નોટ સીઝર લેસ, બટ આઈ લવ રોમ મોર.’ (હું સીઝરને ઓછો પ્રેમ નથી કરતો, પણ હું મારા દેશ રોમને વધારે પ્રેમ કરું છું.) માટે મેં સીઝરનું ખૂન કર્યું છે. અને પછી પોતે જ પોતાના મિત્રનું શા માટે ખૂન કર્યું તેનાં કારણો આપી, ‘એ સત્તાનો શોખીન થઈ ગયો હતો, એશારામી બની ગયો હતો’ વગેરે વગેરે કહે છે અને લોકોને પ્રતીતિકર પણ લાગે છે. પણ ત્યાર પછી એન્ટની બોલવા ઊભો થાય છે. એને બ્રુટસની વાત ખોટી છે એમ સાબિત કરવું છે, પણ એ સીધો વિરોધ નથી કરતો. એ કહે છે કે બ્રુટસ જે કહે છે તે બધું આપણે સાચું માનીએ, કેમકે બ્રુટસ ઈઝ એન ઑનરેબલ મૅન. (બ્રુટસ એ એક પ્રામાણિક માણસ છે.) પછી બ્રુટસે કરેલી એકએક દલીલને લેતો જાય છે કે બ્રુટસ કહે છે કે સીઝરને સત્તાનો લોભ હતો, પણ તમે જાણો છો કે પ્રજાએ એના માથા પર ત્રણત્રણ વખત મુગટ મૂક્યો છતાં તે ના પાડતો હતો. પણ બ્રુટસ કહે છે માટે બરાબર છે, કેમકે બ્રુટસ પ્રામાણિક માણસ છે. બ્રુટસ કહે છે કે સીઝર એશારામી હતો, પણ લોકો જાણે કે યુદ્ધમાં એ સૈનિકો સાથે જમીન પર સૂતો, છતાં આપણે એને એશારામી કહીએ, કેમકે બ્રુટસ કહે છે અને બ્રુટસ એક પ્રામાણિક માણસ છે.

આમ પ્રશંસા કરતાં-કરતાં બુદ્ધિપૂર્વક છતાં જરાયે ઉશ્કેરાયા વિના એણે સાબિત કરી દીધું કે પ્રામાણિક માણસ પ્રામાણિકપણે પણ ક્યારેક ખોટું કરી બેસે. પ્રજાએ સમજવું જોઈએ. એન્ટનીનું વ્યાખ્યાન પૂરું થયું અને આખો લોકમત બ્રુટસની વિરુદ્ધમાં થઈ ગયો. એ જ રીતે મહાભારતમાં જન્મેજયના સર્પસત્રમાં આસ્તિક આવે છે તે જન્મેજયની પ્રશંસા જ કરે છે. તેનો યજ્ઞ હરિશ્ચન્દ્ર અને યુધિષ્ઠિરે કરેલા યજ્ઞ કરતાં પણ ચડિયાતો છે વગેરે કીધા પછી બરાબર યોગ્ય સમય આવ્યો ત્યારે વરદાન માગતાં કીધું કે ‘આ સર્પસત્ર બંધ કરો.’ તો મિત્રો, આ આત્મબળ અને તપથી અન્યાયને પ્રગટ કરવાની કે રોકવાની શક્તિ જેનામાં છે, પછી તે કૃષ્ણ હોય, બુદ્ધ હોય, આસ્તિક હોય કે ગાંધી હોય. તેમની ગરિમાને વંદન કરીને હું વિરમું છું.

મહાભારત વિષે (ભાગ-1) : Click Here

મહાભારત વિષે (સંપૂર્ણ PDF ફાઈલ) ડાઉનલોડ કરો : Click Here

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ
લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા Next »   

24 પ્રતિભાવો : મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી

 1. Lata Hirani says:

  મૃગેશભાઇ, ઘણા વખતે રીડગુજરાતીની મુલાકાત લીધી અને આ લેખ વાચી મારી સવાર સુધરી ગઇ… આવો ઉત્ત્મ લેખ મુકવા બદલ, તમારી આવી ઉમદા પસદગી બદલ ધન્યવાદ.. મન પ્રસન્ન થઇ ગયુ.
  લતા જ હિરાણી

 2. Dr.Bipin Doshi says:

  ખુબજ સરસ આવુ વાન્ચન આપત રહો…તમારો આભર્

 3. maitri vayeda says:

  ખુબ જ સરસ … આ પહેલા મેં “મહાભારત ના સ્ત્રિ-પાત્રો” નામ નું પુસ્તક વાંચેલુ…. એ પર થી મારા દિમાગ માં યુધિશ્ઠીર પ્રત્યે એક પ્રકાર નો અણ્ગમો હતો પણ આજ નો લેખ વાંચી ને મારો એ ખ્યાલ દૂર થઈ ગયો… બીજા બધા નાના પ્રસંગો પણ ખુબ સરસ છે…
  મ્રુગેશભાઈ નો ઘણો આભાર…

 4. KANTIBHAI.M.SHARMA says:

  ખરેખર !! આ પવચન દાખલા દલિલો સાથેનેઈ ગોસ્તિ વાર્તા કરનાર.{ પ્રવચન્} સાભળનાર બન્ને પક્શે સમતુલા દાખલા દશ્તાન્તો વાચક કે શ્હભળનારાઓ વચ્હે સેતુ બને જ ચ્હે ,હુ ફોટોગ્રાફર તરિકે ૩૫ વર્શ નોકરૅઍકરિ ૧૯૭૨થિ સાહિત્યા પરિશદ આજિવન ચ્હ્હ મારા ટેકનિક્લ મિત્રોૂને પણ મોકલ્યઓ..અભિનન્દન.

 5. hiral says:

  ખૂબ સરસ લેખ. અત્યારે આખો લેખ નથી વાંચી શકાયો. પરંતુ શકુન્તલાના પાત્રાલેખન સુધી વાંચ્યુ.
  શકુન્તલાનું પાત્ર અદભુત.


  અહિં જે વિશ્લેષણ છે તે મને ખૂબ ગમ્યું.

  —-
  તમે જુઓ તો ખરાં ! એની આધ્યાત્મિકતા, એની સાયકૉલૉજી, એનું સ્ત્રીત્વ ! આવી શકુન્તલા જ ભરતને જન્મ આપી શકે. જે ભારતદેશનું આપણને ગૌરવ છે અને જે ભરતને કારણે છે એનાં મૂળ શકુન્તલામાં છે, દુષ્યન્તમાં નથી. એ કથા મહાભારતમાં તો એક ઉપાખ્યાન છે માત્ર, બહુ મોટી કથા નથી; પણ તમે એના સંવાદો તો જુઓ ! આમ, માણસને જીવવાનું જોર આપે. આજની સ્ત્રીઓ પાસે આ શકુન્તલાની કથા નથી. કાલિદાસની શકુન્તલા તો મૂર્છા પામી ગઈ ! બહુ રૂપાળી છે, લાગણીવાળી છે, સુન્દર છે, એની કાંઈ ના નહીં, પણ એ મૂર્છા પામી ગઈ, પણ આ તો બેભાન થતી જ નથી, અને મેં એક જોયું પણ છે મારી આસપાસનાં માણસોના જીવનમાં અને ખુદ પોતાના અનુભવમાં કે એકે પ્રસંગ એવો હોતો જ નથી કે બે-ભાન થઈ જવાય. જો તમે અંદરથી નક્કી કરો કે આ પળનો સામનો કરવાનો જ છે, ત્યારે નબળામાં નબળું માણસ ઊભું થઈ શકે છે. શકુન્તલા પાસેથી કેટલું બધું બળ માણસને મળે એવું છે !

  મૃગેશભાઇ અને દક્ષાબેનનો આભાર.

 6. nilam doshi says:

  vah..vah..very nice article..mrugeshbhai…

  nice to read….

  congratulations..

 7. Viral G says:

  Nice article. થોડા વખત પહેલા મરાઠિ પુસ્તક ‘મ્રૂત્યુજંય’ વાચ્યુ હ્તુ.
  It was nice fiction work based on mahbharat.
  In that book author considers fictive scenario where Krishna gives first chance to Duryodhan to choose between Krishna and his army. and Duryodhan chosses Krishna. And then all characteres of mahabharat (Pandav, Bhism, Kunti, Dhron, Karn, Draupadi etc), tries to convince Krishna to change his decision and go to pandavs.
  Then Krishna tells in this war there is no dharma becuase everyone has grey shades. Even Yudhisthir is not dharmaraj as he was the one who lost his wife and brothers.

  IT also has very good thoughts and ‘Tatavgyan’.

 8. dhiraj says:

  દક્ષાબહેન ની વિદ્વતા સામે મસ્તક ઝુકી જાય છે
  દક્ષાબહેન ની બે વાતો પર કોમેન્ટ કરવાનું અવિવેક કરુ છું
  ૧. ભીષ્મ પોતાના નમાલા ભાઈઓ માટે ત્રણ કન્યાઓ ને ઉપાડી લાવ્યા. શું તે ધર્મ છે ?
  ઉ. મારા મત મુજબ ભીષ્મ કર્તવ્ય નિષ્ઠુર વ્યક્તિ હોવા જોઈએ. તેઓ હસ્તિનાપુર સાથે જોડાયેલા હતા. હસ્તિનાપુર નું ભલું તે તેમનો ધર્મ.
  તેથી હસ્તિનાપુર પ્રત્યેની તેમની ફરજ રૂપ તેમને ઉપરોક્ત અધર્મ કૃત્ય કરેલ હોવું જોઈએ.
  (શ્રીરામ પણ આવાજ કર્તવ્ય નિષ્ઠુર પુરુષ હતા તેથીજ પોતાની પત્ની સીતા નીર્દોસ છે તે વાત ની પોતાને પણ ખાતરી હોવા છતાં પ્રજા નું મન રાખવા સીતા ત્યાગ કર્યો)
  ૨. દ્રોપદી ને પાંચ ભાઈઓ વચ્ચે કેમ વહેંચવામાં આવ્યા ?
  ઉ. દ્રોપદીજી અત્યંત સુંદર હતા. યુવાન પાંડુ પુત્રો ની નજર દ્રોપદી પર પડીજ હોય. કુંતાજી ને ખબર તો હતી જ કે ભવિષ્ય માં યુદ્ધ થશે. પાંડુ પુત્રો ની તાકાત તેમનો પરસ્પર સંપ હતો. જો તેઓ એક થઇ ને લડે તોજ જીતી શકે. પરંતુ ફક્ત અર્જુન જ દ્રોપદી ને પ્રાપ્ત કરે તો ભાઈ ઓ વચ્ચે ઈર્ષા પ્રગટ્યા વિના રહે નહિ.
  તેથીજ કદાચ પાંચે પાંડવો વચ્ચે એકતા રાખવા અને અર્જુન ની કોઈ ઈર્ષા ના કરે તેથી દ્રોપદી ને પાંચે ભાઈઓ ને પતિ તરીકે સ્વીકારવા પડ્યા

  મારા તર્ક ખોટા પણ હોઈ શકે

 9. Nirav patel says:

  હુ એ પ્રથમ વાર વાચ્યુ . ખુબ જ સરસ લાગ્યુ. આવુ જ લખ્તા રહો./….
  તમારો ખુબ ખુબ આભાર …..

 10. Kamal G sheth says:

  પહેલિવાર વચ્યુ ખુબજ સરસ લાગયુ આભાર

 11. Bhalchandra says:

  Excellent article! Each and every author should read Mahabharat and use as a standard. There is no better book than Mahabharat!! Most of Indians get their inspiration from this wonderful book. Thanks for publishing such high quality and thoughtful article!!

 12. Tarun says:

  ઍક જ શબ્દ. Extra ordinary …..

 13. માત્ર એક જ શબ્દ કહી શકય ….. અદભુત
  લેખના શબ્દે શબ્દે વરતાતિ ગરિમા અને ખુમારી નો આનંદ લેવો તે પણ એક અજબ લાહવો છે.
  મહાભારતના આવા સચોટ સારાંશ બદલ દક્ષાબેન નો ખુબખુબ આભાર

 14. pragnaju says:

  ‘આ આત્મબળ અને તપથી અન્યાયને પ્રગટ કરવાની કે રોકવાની શક્તિ જેનામાં છે, પછી તે કૃષ્ણ હોય, બુદ્ધ હોય, આસ્તિક હોય કે ગાંધી હોય. તેમની ગરિમાને વંદન કરીને હું વિરમું છું.’મહાભારત અને અન્ય કથાઓનું સ રસ રસદર્શન કરાવી આ કથન ઘણા અન્યાયનું સમાધાન કરાવે છે.યુયુત્સા વગરનો વીર, કુટિલતા વગરનો મુત્સદ્દી, વેદિયાવેડા વગરનો આદર્શવાદી, ઘમંડ વગરનો બંડખોર, કોઇ પણ જાતના સીધા કે આડકતરા સ્વાર્થ વગરનો સૌમ્ય લોકસેવક અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવ્યે મત્સર,ઇર્ષ્યા કે દ્વેષ વગરનો દંડવિધાયક કેવો હોય તેનો કાંઇક ચિતાર આપણને શ્રીકૃષ્ણના જીવનમાંથી મળી રહે છે

 15. jeeten says:

  thank you daksha ben for giving us such a wonderful article on mahabharat…fantastic,,,,,,,,,,,

 16. Jagruti Vaghela(USA) says:

  મહાભારત ઉપરનો આ લેખ વંચવાની બહુ મજા આવી.
  શ્રી દક્ષાબેનના વક્તવ્ય ઉપરથી તેમની વિદ્વત્તા નો ખ્યાલ આવે છે.
  “મહાભારત એ વાસ્તવનો ગ્રંથ છે, એટલે તેમાં માત્ર આદર્શની જ વાતો નથી. કણિક-નીતિ દ્વારા પણ મહાભારતકારને કહેવું છે કે દુનિયામાં બધે સજ્જનતાથી કેમ ચલાય એ એક જ બાબત સમજવાની જરૂર નથી. આપણે ગમે તેવા સજ્જન હોઈએ, પણ દુર્જન કેવો વહેવાર કરે એ પણ સમજવાની જરૂર હોય છે,
  “કોઈ એક સદગુણની અતિશયતામાંથી સર્જાતી ટ્રેજેડી એ ભીષ્મનું જીવન છે.

 17. raj says:

  Thank you Mrugeshbhai for giving this article very soon.
  Respected Dakshaben
  I would write one word
  Ecellent
  I have no words to praise you.
  thanks
  raj

 18. Anila Amin says:

  લેખ વાચતઈ ગઈ , બાજુમા નોટ રાખી એક પછી એક મુદ્દા નોધતી ગઈ, ખાસ્સુ એક પાન આગળ પાછળ થઈને ફક્ત અગત્યના

  મુદ્દાઓથી ભરાઈ ગયુ,પણ લેખનુ સમાપન ગાધીજી અને સીઝરના દ્રષ્ટાન્તો અને પ્રસન્ગો દ્વારા એટ્લુ સહજ રીતે દક્ષાબેને સમજાવ્યુ

  કે શુ લખવુ એ માટે શૂન્ય મનસ્ક થઈ જવાયુ. મહાભારતના એકે એક પાત્રની માત્ર ને માત્ર ભવ્યતા જ સાથે સાથે દરેક પાત્રના

  મનોમન્થનનોજ અને સન્ઘર્ષનોજ વિચાર આવ્યા કરેછે. કોઈ પાત્ર એ પોતાના વ્યક્તિત્વને જરાયે આચ આવવા દીધી નથી. દરેક પાત્ર્

  પોતપોતાના સન્દર્ભમા પરીપૂર્ણ લાગે છે એ દક્ષાબેને આપણને સમજાવ્યુછે. મહાકવિ વ્યાસનુ કેટ્લુ ભવ્ય અને મહાન સર્જન્?

  મને પણ એક પ્રસન્ગ વિષે કઈક લખવાનુ મન થાયછે. જોકે આપકે બીજા બધા આ બાબતે કેટલા અન્શે સહમત થાય એ

  વિશે મને દ્વિધા છેછતા હવે વિચાર આવ્યો છે તોલખ્યા વગર નહી રહી શકુ અને તે એકે—-માહાભારતમા યુધિસ્ઠિરે કુન્તાને શ્રાપ

  આપ્યો કે ” સ્ત્રીઓના પેટમા આજથી કોઇ વાત ટકે નહી”– શ્રાપ ની આગળ પાછળ્ નો સન્દર્ભ બધાને ખબર છે તો એ બાબતમા

  મારે એટલુ કહેવાનુ કે-કુન્તાએ પોતાના જીવનમા બનેલી ઘટના જે પોતાના પુત્રનેતો કોઇ આજની માતા પણ સન્જોગો ઉભા ન

  થાય ત્યાસુધી ન કહેતો આજથી પાચહ્જાર વર્ષ પહેલાના સમયમા નકહે એ સ્વાભાવિક જ બાબત છે, પોતાની નજીકની વ્યક્તિ

  માટેની આવી વાત બીજાને ન કરાય તો પોતાના જીવનની આવી વાત અને તેયે પોતાના પુત્રનેતો નજ કરાય તો પુત્ર એ

  પોતાની માતાને શ્રાપ આપે એ વાત મને યોગ્ય નથી લાગતી અને તેય યુધિષ્ઠિર જેવા ધર્મરાજ આટ્લુ ન વિચારી શકે?

 19. Maurvi Pandya says:

  મહાભારતમાં જે કણિક-નીતિ છે તે એવી છે કે કણિક નામનો એક વિશ્વાસુ મંત્રી ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આ પાંડવોને તમારે નામશેષ કરી નાખવા જોઈએ. પછી સમજાવે છે કે જે શત્રુ હોય તેને ફળની આશા આપવી જ નહીં. આપવી તો પછી લંબાવતાં રહેવું. ફળ બહુ ઊંચે લગાવવાં કે જેથી જાતે તો લઈ જ ન શકે, વગેરે બધું સમજાવી પાંડવોનો નાશ કરી નાખવા તેમને વારણાવત મોકલવાનું જે કાવતરું કર્યું તે કણિક-નીતિ છે. અને ગમે તેવા મહાપુરુષોને પણ એ જાણવી જરૂરી છે. જે-જે મહાપુરુષો થઈ ગયા, પછી તે કૃષ્ણ હોય, યુધિષ્ઠિર હોય કે ગાંધી હોય, જેને સમાજમાં રહીને કામ કરવું છે તેણે બહુ સમજવાની જરૂર છે કે પોતે સંપૂર્ણ ધર્મનો અવતાર હોય તોપણ સામેનો માણસ કેમ વર્તી શકે તેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે……

  This phylosophy uis very true in today’s context…….

  a grand salute to Daxaben’s research … The article has really left a thought in my mind. .. a new vision has developed to look at this MAHA GRANTH…MAHABHARAT…

 20. Veena Dave. USA says:

  ઘણી રસપ્રદ માહિતીવાળો લેખ વાચવાની મઝા આવિ.

 21. જય પટેલ says:

  સૌ પ્રથમ તો ખૂબ જ ધીરજ અને ચીવટથી લેખ તૈયાર કરવા બદલ શ્રી મૃગેશભાઈનો આભાર.

  સુશ્રી દક્ષાબેનનો પરિશ્રમ એળે નહિ જાય. મહાભારત પરનું મંથન પ્રશંસનીય.

  મહાભારતના પાત્રો અર્વાચીન સમયમાં પણ તેટલા જ પ્રાસંગિક.

  આભાર.

 22. pradip shah says:

  ક્લાસિક આર્ટિકલ ,ખુબ ગમ્યો,!

 23. Ashish Dave, Sunnyvale, California says:

  Simply brilliant…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.