પંખીઓ – મણિલાલ હ. પટેલ

પંખીઓ ગાય છે ને થાય છે કે
એ તો મારે માટે ગાય છે
બાકી તો પડછાયા આવે ને જાય છે

પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે
બાકી તો અંધારે સઘળું લીંપાય છે

કોઈ કહે છે કે
પંખી તો ઝાડ માટે ગાય છે
એટલે તો કૂંપળની કળી બની જાય છે

કોઈ કોઈ એવું પણ કહે છે કે
પંખી તો પ્હાડ માટે ગાય છે
એટલે તો કાળમીંઢ ડૂમો પણ
કલકલતું ઝરણું થૈ જાય છે

પંખી તો માટીની મૌજ સારુ ગાય છે
એટલે તો કોળેલું તરણું પણ
ડૂંડાંથી લ્હેરાતું ખેતર થૈ જાય છે

સાચ્ચું પૂછો તો, ભૈ !
કલરવતાં પંખીઓ મર્મરતી મોસમ થૈ જાય છે
પંખીઓ ગાય છે ને આપણા તો-
બત્રીસ કોઠામાં દીવાઓ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા
ડુંગળીની આત્મકથા – રૂપેન પટેલ Next »   

4 પ્રતિભાવો : પંખીઓ – મણિલાલ હ. પટેલ

 1. કાળમીંઢ ડૂમો પણ કલકલતું ઝરણું થૈ જાય છે.

  વાહ! સરસ.

 2. pragnaju says:

  પંખી તો માટીની મૌજ સારુ ગાય છે
  એટલે તો કોળેલું તરણું પણ
  ડૂંડાંથી લ્હેરાતું ખેતર થૈ જાય છે

  સાચ્ચું પૂછો તો, ભૈ !
  કલરવતાં પંખીઓ મર્મરતી મોસમ થૈ જાય છે
  પંખીઓ ગાય છે ને આપણા તો-
  બત્રીસ કોઠામાં દીવાઓ થાય છે.
  વાહ્
  પંખીઓ નિરુદ્દેશે જ ગાય છે.પુષ્પો ખીલે છે તે પણ સહજ પ્રકૃતિના ક્રમમાં જ. એ બધી લીલાઓ છે – નિરુદ્દેશ લીલાઓ. પણ એની ગતિવિધિઓમાં આપણને કારણો અને પછી પરિણામો ય દેખાય છે. માણસને ઉદ્દેશ વિના ચાલતું નથી, એટલે એ કુદરતને ય હેતુલક્ષી દૃષ્ટિથી જોતો રહે છે.ખરેખર તો અલખના આ જગતમાં બધું બનતું રહે છે. એમાં સુખ-દુઃખના ખયાલો કે આશા – અરમાન – આનંદની ભાવનાઓ આપણે માણસો ઉછેરીએ છીએ. તમે એની બહાર રહીને આ નિરુદ્દેશ જગતને જુઓ તો મજા પડશે

 3. nayan panchal says:

  પંખીઓ ગાય છે ને આપણા તો-
  બત્રીસ કોઠામાં દીવાઓ થાય છે.

  બસ બીજુ શું જોઇએ ??

  પંખીઓ તો આપણને ગાઈને કહે છે કે, રે મૂર્ખ માનવી, અમારી જેમ તુ પણ કદી નિજાનંદમાં મસ્ત બનીને ગા.
  સુંદર રચના,
  આભાર.

  નયન

 4. Ashish Dave, Sunnyvale, California says:

  મજા આવી ગઈ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.