લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ – મહિમ્ન પંડ્યા

[આજે ‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નિમિત્તે ગાંધીજીના જીવનમૂલ્યોનું સ્મરણ કરાવતો આ લેખ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી મહિમ્નભાઈનો (ધ્રાંગધ્રા) ખૂબ ખૂબ આભાર. તેઓ ધ્રાંગધ્રા કૉલેજ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9979133977 સંપર્ક કરી શકો છો.]

30મી જાન્યુઆરી આવે એટલે શહીદદિનની ઊજવણીના પ્રસંગે આપણને ગાંધીજી યાદ આવે છે. વર્ષમાં બે દિવસ તો ગાંધીજીને યાદ કરવા પડે છે. એક તો બીજી ઓક્ટોબર-ગાંધીજયંતી અને બીજો શહીદદિન એટલે કે 30મી જાન્યુઆરી. આ બન્ને દિવસે જોઈએ છીએ ત્યારે સમગ્ર ભારતનું વાતાવરણ ગાંધીમય બની ગયું હોય તેમ લાગશે. કોઈ વિદેશી આ દિવસે ભારતમાં ફરતો હશે તો તેને કેવું લાગશે ?

નેતાઓને આ બન્ને દિવસે ગાંધીજી પર જોરદાર વહાલ ઊભરાઈ આવશે. ગાંધીજીના સિધ્ધાંતો અચાનક જ સાંભરી આવશે. ગાંધીજીની પ્રતિમાઓ શહેર-શહેરમાં જ્યાં આખુ વર્ષ પક્ષીઓનું શૌચાલય બની ગયેલું હોય-ધૂળથી ગ્રસ્ત થયેલી હોય, તેમને સાફ કરવા લાગશે. નેતાઓ-સ્થાનિક શિક્ષિત રહીશો વગેરે બધાં તેમને ફૂલહાર-સૂતરની આંટીથી ઢાંકી દેશે. પછી ગાંધીજીના વિચારો, સિધ્ધાંતો, મૂલ્યો વગેરેથી સભા-સરઘસો કાઢીને તેમની મહાનતાના ગુણગાન ગાશે. ઠેર-ઠેર ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો….’ ટીવી-રેડિયો પર સાંભળવા મળશે. વાતાવરણ ગાંધીમય બનેલું લાગશે ત્યારે પ્રવાસીઓને લાગશે કે ભારતની પ્રજામાં ગાંધીજી હૃદયમાં હજુય જીવે છે. અને આ દેશના લોકો હજુય ગાંધીજી જે સિદ્ધાંતોની વાતો કરી તેને બરાબર અપનાવે છે. આ દેશની પ્રજા-નેતાઓને ગાંધીજી પર અપાર શ્રદ્ધા છે, તેમના માટે મોટું પ્રેરકબળ છે, તેવું 62મી પુણ્યતિથિના અવસર પર લાગશે. વાસ્તવિકતા શું છે ?

શહીદદિન નિમિત્તે આપણે ગાંધીજીનો ‘લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ’ પર વિચારીએ તો ખરેખર ગાંધીજી શું છે તેના વિશે ખ્યાલ આવે. અને તો જ તેમના પરત્વે ગાંધીનિર્વાણદિને અંજલિ અર્પીને ઋણ ચૂકવી શકાય. યુગ સમયમાપનનું પરમ સંચાલક બળ છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ‘સંભવામિ યુગે યુગે’ કહીને યુગનો જ મહિમા કર્યો છે. કોઈ અવતારી પુરુષ, સંત કે ભક્ત, કોઈ સમાજસેવક, કોઈ કલમનો બંદો કે કલાકાર તેના ચોક્કસ સમયગાળા દરમિયાન અલ્પજીવી કે ચિરંજીવી પ્રભાવ મૂકી જતો હોય છે. આથી વ્યક્તિના જીવન, જીવનલક્ષી અભિગમ, આચરણ અને વૈચારિક ઉચ્ચાવસ્થાનો મોટો પ્રભાવ તે યુગ અને તે પછીની પેઢી પર સ્વાભાવિક રીતે જ પડતો હોય છે. સમગ્ર વિશ્વના ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને સાહિત્યિક ઈતિહાસને તપાસતાં આ વિધાનની તર્કસંગતતા પ્રતીત થશે. શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, રવીન્દ્રનાથ ટાગોર વગેરે નામોમાંથી આ સંદર્ભમાં અનાયાસ આવા ઘણા નામો કલમના ટેરવે આવીને બેસી જાય છે. આ સર્વેમાં ગત શતકના યુગપુરુષ ગાંધીજીનું સ્થાન અનન્ય છે. એમના જીવન, વ્યક્તિત્વ, વૈચારિક સમૃદ્ધિ અને વ્યાપક જીવનદષ્ટિને કારણે તેમની આસપાસ ઘુમતા તેજચક્રના કિરણોનો તેમના અવસાન પછી પણ પ્રભાવ અનુભવી શકાય છે. ધર્મ, નીતિ, સમાજ, સંસ્કાર, દેશભક્તિ ઉપરાંત સાહિત્યક્ષેત્રે પણ તેમની અસર આજે પણ વરતાય છે. આજે ભારતની જનતા પર એમનો પ્રભાવ છે કે નહીં, એ પ્રશ્ન કોઈને થતો નથી. સૌ ગાંધીજીનો ભારત પરનો પ્રભાવ સ્વીકારીને ચાલે છે. પ્રશ્નએ પ્રભાવ કેવો અને કેટલો છે એ નક્કી કરવાનો છે.

એ મહાન વિભૂતિનો પ્રભાવ માત્ર રાજકીય નેતા તરીકેનો નહોતો જ. એ પ્રભાવ હતો સંત કોટિના મહાત્માનો, અધ્યાત્મવીર-સત્યવીર અને રાષ્ટ્રવીર તરીકેનો. કહો કે લોકેત્તર માનવચેતનાનો પ્રભાવ હતો. ગાંધીજીની કાર્યપધ્ધતિની સીધી-પ્રત્યક્ષ અસર કહી શકાય. ગાંધીજીનો પ્રભાવ દેશમાં વિવિધ રીતે સર્વેક્ષેત્રમાં ઊતરી આવેલો જણાય છે. એક પ્રભાવ હતો તેમના વ્યક્તિત્વનો-તેમના જીવનનો, બીજો પ્રભાવ હતો એમાંથી સ્ફૂરતા એમના સાત્યાગ્રહાદિ કાર્યક્રમનો, ત્રીજો પ્રભાવ હતો એમની સર્વવ્યાપી સૂક્ષ્મગહન વિચારધારાનો અને ચોથો પ્રભાવ હતો એમના જીવનકાર્યને વિચારધર્મનું વાહન બનતી એમની વાણીનો-એમના શબ્દનો-સાહિત્યનો. આ ચતુવિર્ધ પ્રભાવ હેઠળ ભારતની ધરતી પર એક ક્રાંતિ આવી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એ શાંત ક્રાંતિ ભારતની પ્રજાઓના દિમાગ અને દષ્ટિના પરિવર્તન દ્વારા જગત પર ઊતરી આવી.

ગાંધીજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. વિશ્વભરના અનેક મનિષીઓ, બૌદ્ધિકો, કલાકારો, સાહિત્યકારોએ જેમની શક્તિને જાણેલી-પ્રમાણેલી, એવા વ્યક્તિ હતા. ટોલ્સટોય, રૂસો, આઈન્સ્ટાઈન જેવાઓના સંદર્ભમાં જે ખ્યાલ હતો તે આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજી એ રીતે, જેમની ઉપેક્ષા કરવી ન પાલવે એવી, બલકે જેની સંન્નિધિનો-જેના સત્સંગનો લેવાય તેટલો લાભ લેવો ઘટે તેવી વ્યક્તિ હતા. ગાંધીજીનું સત્યબળ એવું પ્રભાવક હતું કે એમનો અનેકે સ્વેચ્છાએ ઉમળકાએ સમાદાર સ્વીકાર કર્યો. ગાંધીજી જે જીવનમૂલ્યોની વાતો કરતા હતાં એ મૂલ્યોની સંન્નિધિમાં વ્યાપક રીતે અનેકને પોતાનું શ્રેય જણાયું. એમની સાત્વિક નેતાગીરીમાં અનેકને પોતાનું લાંબા ગાળાનું હિત પ્રતીત થયું. એ રીતે ગાંધીજીના માર્ગે ચાલવામાં, એમના વિચારોને જીવનમાં ઉતારવામાં અનેકને ગૌરવ ને ધન્યતાની, શ્રેય ને સાર્થકતાની પ્રતીતિ થઈ. ગાંધીજીનો આવો સાત્વિક પ્રભાવ ઝીલવા-અનુભવવામાં સૌ કોઈ સ્વાભાવિક રીતે આગળ આવ્યા. ભારતની પ્રજા પરની જ વાત કરીએ તો તેમના પરનો ગાંધીજીનો પ્રભાવ અભુતપૂર્વ હતો. અનેકોએ ગાંધીજીની વિચારધારા આત્મસાત કરવા પ્રયત્ન કર્યો. અનેક લોકપ્રેમીઓએ ગાંધીજીના પ્રસંગોને, એમના કાર્યક્રમોને, એમના વિચારો અને સંદેશાઓને જીવનમાં રજૂ કરવામાં પોતાનું યુગકર્તવ્ય પ્રતીત થયું.

દક્ષિણ આફ્રિકાની પ્રયોગશાળામાં સત્યના અનેક પ્રયોગો સફળ રીતે કરી, એક સત્યાગ્રહી તરીકે ઈ.સ. 1915ના અરસામાં ગાંધીજી હિન્દ આવ્યા અને ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહને અનુસરી આંખ-કાન ખુલ્લા રાખી સમગ્ર ભારતનું દર્શન એમણે કર્યું. ભારતના આત્માનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કર્યો અને ત્યાર બાદ તેમણે તેમની કાર્યરેખા નક્કી કરી. એ અનુસાર કામ કરતાં એમણે લોકોનાં વ્યક્તિગત તેમજ જાહેરજીવનમાં બુનિયાદી સ્તરે એવાં તો સંચાર આંદોલનો જગાવ્યાં કે જેની નોંધ અનિવાર્યતયા વિવિધ ક્ષેત્રોમાં લેવાઈ. ગાંધીજી જેમ જેમ એમના નિર્ધારિત કાર્યક્રમમાં આગળ વધતાં ગયાં, તેમ તેમ સામાજિક-આર્થિક-ધાર્મિક-નૈતિક-આધ્યાત્મિક-રાજકીય અને કેળવણી વિષયક – એમ અનેક ક્ષેત્રોમાં નવો પ્રાણ ફૂંકતા ગયા, જેણે સંવેદનશીલ સર્જકો, કલાકારો, માનવીઓને ઉત્તેજિત કર્યા. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો બોલવાના નહિ, પણ જીવવાના વિષયો બની રહ્યા. ગાંધીજીની સર્વતોભદ્ર વિચારણા એમાંથી ઉદ્દભવી. એ વિચારણાએ એવું વાતાવરણ સર્જયું કે બુદ્ધિવાદી ઈતિહાસવિદ, સર્જકો, પ્રજા પણ સમય જતાં ગાંધીજીને પોતાના શ્રદ્ધાસુમનો અર્પતા થઈ ગયા ! ગાંધીજીના પગલે પગલે ગાંધીવાદી હવાને તેનું વાતાવરણ શરૂ થયું.

ગાંધીજીનો પ્રભાવ જીવનમાં કેળવણી, અર્થતંત્ર, સમાજ વગેરે તેમજ સાહિત્યમાં પણ પડ્યો. ગાંધીજીનો પ્રભાવ વસ્તુતઃ વ્યક્તિ ગાંધીનો નહિ, તેટલો ગાંધીજીવનમૂલ્યોનો – સત્ય, અહિંસાનો તેમજ એમનાં એકાદશ વ્રતો અને રચનાત્મક કાર્યક્રમનો પ્રભાવ હતો. કોઈપણ સજાગ-સક્રિય પ્રજા માટે એમના એ યુગલક્ષી પ્રભાવથી અલિપ્ત રહેવું અશક્ય હતું. ગાંધીજીનો પ્રભાવ યુગપ્રભાવ રૂપે સૂર્યની જેમ તેનો સાર્વત્રિક વ્યાપ દાખવે છે. વળી, એમના વ્યક્તિત્વના પ્રભાવે અંગત તેમજ જાહેરજીવનમાં સચ્ચાઈ, પ્રામાણિકતા, નિર્ભયતા વગેરેનો વિશેષ ભાવે મહિમા થયો. ગાંધીજી આપણામાં ભાવસંસ્કારો પ્રેરવામાં મોટું વિધાયક બળ બની રહ્યા. જગતમાં બનતી તમામ ઘટનાઓ અને આકાર લેતા જતા સઘળા માનવવ્યવહારો થકી જે કંઈ સમસ્યાઓ ઉદ્દભવતી જાય છે તેનો ઉકેલ તેમના વિચારોમાં શોધાતો રહ્યો છે ત્યારે તેમના વિચારોમાં પ્રભાવની પ્રસ્તુતતા આધુનિક વિશ્વ માટે પ્રભાવક્ષમ રહી છે ખરી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડુંગળીની આત્મકથા – રૂપેન પટેલ
આંતરછીપનો ઉજાસ – સંકલિત Next »   

8 પ્રતિભાવો : લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ – મહિમ્ન પંડ્યા

 1. Naresh Rathod says:

  Perfect article. For Pujya Bapu, we have no words to say. But Albert Ienstine was right about Gandhiji. People will not believe that such a great soul was living between Indians.

 2. nayan panchal says:

  એકદમ સચોટ લેખ. જ્યારે બાપુનુ મૃત્યુ થયુ ત્યારે ઘણા દેશવાસીઓ ચોધાર આંસુએ રડ્યા હતા. ઘણાએ અનાથ થઈ ગયાની લાગણીઓ અનુભવી હતી. આજની પેઢી બાપુ સાથે એટલી અટેચ્ડ નથી, તે વાસ્તવિકતા છે.

  અને હવે મોલમાં ચાલતા સેલને જોઈને ૨૬ જાન્યુઆરી પણ શોપિંગ ડે વધુ લાગે છે. એ તો મુંબઈમાં સારુ છે કે દરેક ફિલ્મના શો પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ૨૬ જાન્યુઆરીએ આપણી દેશભક્તિ કાગળ/પ્લાસ્ટિકના ઝંડા રૂપે ગાડીમાં, ઘરમાં જોવા મળે છે અને ૨૭ જાન્યુઆરીએ રસ્તે રઝળતી…

  આભાર,
  નયન

  • Veena Dave. USA says:

   નયનભાઈ, ભુતકાળમાં ફિલ્મ પુરી થાય પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવતુ પણ રાષ્ટ્રગીત પુરુ થાય એ પહેલા થિયેટર ખાલી થઈ જતુ . નિશાળ અને કોલેજમાં ધ્વજવંદન વખતે ઉપસ્થિત સંખ્યાના તફાવત પરથી આપણી દેશભક્તિનો અંદાજ આવિ જાય. અત્યારે તો બાપુના નામે બિઝનેસ . સિયાવર રામચંદ્ર કી જય.

 3. કલ્પેશ says:

  એક ગીતની શરુની પંક્તિઓ

  મન બલવાન, લાગે ચટ્ટાન
  રહે મૈદાનમે આગે, હુડ દબંગ દબંગ દબંગ દબંગ

  દબંગ = નિર્ભય

  લાગે છેને આ પંક્તિઓ ગાંધીજી માટે?
  ગાંધીજી માટે જેટલુ કહીએ, લખીએ ઓછુ પડશે. એક સામાન્ય માણસ તરીકે થોડુ સારુ વર્તશુ તો પણ ઘણુ થશે.

  ગાંધીજીની વહવાહ કરીને આપણે એમને મંદિરમા બેસાડેલી પત્થરની મૂર્તિ જેવા કરી દિધા છે.
  મુર્તિની પૂજા થાય છે પણ એમના બતાવેલા પથને આપણે ઘોળીને પી ગયા છીએ.

 4. dhiraj says:

  બાપુ ને સાચા અર્થ માં યાદ કરવા હોય તો શું કરવું? બાપુ ને અમર કરવા હોય તો શું કરવું?
  “લગે રહો મુન્ના ભાઈ” નો એક ડાયલોગ જીવન માં ઉતારવા જેવો છે
  ચાર રસ્તા પરથી બાપુ ની પ્રતિમા હટાઈ દો, કરન્સી પરથી બાપુ નો ફોટો કાઢી નાખો.
  જો રાખવા જ હોય તો બાપુ ને હૃદય માં રાખો
  કેવી રીતે?
  જયારે કોઈ તમારું બુરું કરે, અપમાન કરે,
  તો પણ
  તેને સ્મિત આપો,
  તેને મદદ કરો,
  તેનું સારું ચિંતવો.
  તેના માટે પ્રાર્થના કરો

 5. JANAK RATHOD says:

  EVU TE SU CHHE BHAI TARA BAPU MA……TARA BAPU NA PERSSONAL SAHITYO NA VACHTA BIJA NA VANCH BHAI TO SAMAJ PADSE……TE VYAKTI NA SAHITYA MA KYAREY BIJA KOI SARA JEMKE BHAGAT SINH JEVA LOKO NA VAKHAN HASE J NAHI….KEM ?

 6. pragnaju says:

  ગાંધીજી આપણામાં ભાવસંસ્કારો પ્રેરવામાં મોટું વિધાયક બળ બની રહ્યા.

  જગતમાં બનતી તમામ ઘટનાઓ અને આકાર લેતા જતા સઘળા માનવવ્યવહારો થકી જે કંઈ સમસ્યાઓ ઉદ્દભવતી જાય છે

  તેનો ઉકેલ તેમના વિચારોમાં શોધાતો રહ્યો છે

 7. Nilkanth Gajjar says:

  Wow! What a nice article about our great inspirer and our Father of our Nation. Can’t we follow Bapu’s way ? It’s difficult but not impossible. India will be the world power when we all know our Bapu and his views. We must accept Mr. Pandya’s views about Bapu. Congratulation Mr. Pandya to give real ‘ Shraddhanjali’ to Bapu on this day.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.