આંતરછીપનો ઉજાસ – સંકલિત

[1] માનવતાનો વારસો – રવીન્દ્રનાથ ટાગોર

બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી એક દિવસ ભાગ્યનું ચક્ર ભારતને છોડાવશે, પણ અંગ્રેજો કેવું ભારત મૂકી જશે…. બસો વર્ષના તેમના શોષણવાળા વહીવટથી સુકાયેલું કંગાળ ભારત !….. એક સમયે હું માનતો હતો કે યુરોપમાંથી ચારે તરફ સંસ્કૃતિનો ઉદય થશે, પણ આજે જ્યારે હું જગતમાંથી વિદાય લેવામાં છું ત્યારે મારી એ શ્રદ્ધા મારામાં રહી નથી…. અને છતાંય મનુષ્યમાંથી શ્રદ્ધા ગુમાવવાનું મહાપાતક હું નહીં વહોરું. જ્યાંથી સૂર્ય ઊગે છે તે પૂર્વદિશાની ક્ષિતિજેથી પ્રભાત પ્રગટશે. એવો દિવસ આવશે જ્યારે અજેય એવો માનવી ફરી વિજયના માર્ગે વળશે અને માનવતાનો વારસો પામશે. (‘કવિતાનો સૂર્ય’ પુસ્તકમાંથી સાભાર)

[2] મારું માથું પણ લો – લલ્લુભાઈ મકનજી

ઈ.સ. 1920-21ની રાષ્ટ્રીય જાગૃતિના એ ચિરસ્મરણીય દિવસો હતા. ગાંધીજી ત્યારે બારડોલી પધાર્યા હતા અને તેમનો મુકામ એક પ્રેસના નાનકડા મકાનમાં હતો. ગાંધીજીના આગમનથી વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ હતો. અને તેમના બારડોલીના સાથીઓ તો ઉત્સાહથી થનગની રહ્યા હતા. કારણ કે સત્યાગ્રહની લડત માટે ગાંધીજીએ બારડોલીની પસંદગી કરી હતી. પણ એક દિવસ આ સાથીઓ માંહોમાંહે ગંભીરતાથી વાતો કરી રહ્યા હતા. અને સૌના ચહેરા પર ચિંતાનો ભાર જણાતો હતો. તેમને કોઈકે સંદેશો પહોંચાડ્યો હતો કે બારડોલીની મસ્જિદમાં કોઈ ઊંચો, હૃષ્ટપુષ્ટ અને કદાવર કાબુલી જેવો માણસ આવ્યો છે અને તેની હિલચાલ કંઈક ભેદી છે. કારણ કે તે ગાંધીજી વિશે પૂછપરછ કરે છે.

‘બાપુને એ વગાડી મારે તો ?’ એવો વહેમ જતાં સાથીઓએ સાવચેતીનાં પગલાં લેવા માંડ્યાં. મકાનની ફરતે કાંટાળા તારની વાડ હતી પણ દરવાજો ખુલ્લો રહેતો તે બંધ કરી તેને તાળું માર્યું અને રાતે ચોકી ગોઠવી. સાચે જ ! પેલો ભેદી કાબુલી રાતે તારની વાડ પાસે આવ્યો અને વાડ ઓળંગી અંદર આવવાનો તેણે પ્રયાસ કર્યો. પણ સાથી ચોકીદારોએ તેને અંદર આવતાં રોક્યો. રાત પૂરી થઈ પણ સાથીઓનો વહેમ વધુ મજબૂત થયો. બીજે દિવસે મુસ્લિમ ભાઈઓ મસ્જિદમાંથી સમાચાર લાવ્યા કે, ‘આ માણસનું મગજ ખસી ગયું લાગે છે. એ ગાંધીજીનું નાક કાપવાની વાતો કરે છે !’ સાથીદારો તો આ વાત સાંભળી ખૂબ ચોંકી ઊઠ્યા. બારડોલીની ભૂમિ પર ગાંધીજીનું નાક કાપવાની વાત કરનાર એ ભેદી કાબુલીની હિલચાલ પર ચોકી મૂકી દીધી.

અનેક પ્રવૃત્તિઓમાં ગાંધીજીએ દિવસ પૂરો કર્યો. રાત પડી. આકાશમાં તારલાઓ ટમટમી રહ્યા હતા. દિવસનો કોલાહલ બંધ થયો અને રાત્રિની શાંતિ પ્રસરી રહી. રોજિંદા કામથી પરવારી ગાંધીજી તેમની ટેવ મુજબ ખુલ્લા આકાશ નીચે કરેલી પથારીમાં સૂવા આવ્યા. સાથીઓ પણ તેમને ચારે તરફ ઘેરીને ખાટલા નાખી સૂવાની તૈયારી કરતા હતા. પોતાની આસપાસ સાથીઓને સૂતા જોઈ ગાંધીજીને કંઈક આશ્ચર્ય થયું. તેથી તેમણે પૂછ્યું : ‘રોજ તો તમે બધા બહાર સૂતા નથી અને આજે ખુલ્લામાં ચારે તરફ ખાટલા કેમ રાખ્યા છે ?’ અંતે નાક કાપવાની પેલા ભેદી કાબુલીની વાત ગાંધીજીને કાને આવી. આખી વાત સાંભળી લીધા પછી બાળકની જેમ નિર્દોષ હાસ્ય કરી ગાંધીજી બોલ્યા : ‘તમે મને બચાવનારા કોણ ? પ્રભુએ મારું મૃત્યુ એ રીતે કરવા ધાર્યું હશે તો તેને કોણ અટકાવી શકશે ? જાઓ, રોજના સ્થાન પર સૂઈ જાઓ….’ બાપુની આજ્ઞા થઈ ! તેમની અવજ્ઞા કોણ કરી શકે ? સાથીઓએ કચવાતા મને ખાટલા ખસેડી લીધા. અજાતશત્રુ બાપુને કોનો ડર હોઈ શકે ? તેઓ તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા. પણ સાથીઓ કેમ ઊંઘી શકે ? ખાટલા અંદર ખસેડી લેવામાં આવ્યા પણ કોઈ સૂતું નહીં ! બધા જાગતા રહ્યા. પેલો ભેદી કાબુલી બીજી રાતે પણ વાડ પાસે આવીને ઊભો રહ્યો. તેણે ફરીથી અંદર આવવા પ્રયત્ન કર્યો પણ સાથીઓએ તેને રોક્યો.

રાત વીતી ગઈ. વહાણું વાયું. પ્રાર્થના વગેરે કાર્યોમાંથી પરવારી ગાંધીજી કાંતવા બેઠા. પેલો ભેદી કાબુલી તો વાડ નજીક ઊભો જ હતો. કોઈકે તેના તરફ ગાંધીજીનું ધ્યાન ખેંચ્યું.
‘તેને મારી પાસે સુખેથી આવવા દો. તેને કોઈ રોકશો નહીં.’ ચોકી કરતા સાથીને ગાંધીજીએ કહેવડાવ્યું. સાથીઓ તેને ગાંધીજી પાસે બોલાવી લાવ્યા. પણ ગાંધીજી પર તે હુમલો ન કરે તેની સાવધાની સાથે તેઓ આસપાસ ઊભા રહ્યા.
‘તમે અહીં કેમ ઊભા હતા ?’ વાતની શરૂઆત કરતાં ગાંધીજી બોલ્યા.
ભેદી કાબુલી : ‘આપ અહિંસાનો ઉપદેશ કરો છો એટલે મારે આપનું નાક કાપીને પરીક્ષા કરી જોવી હતી કે, એ પ્રસંગે આપ કેટલા અહિંસક રહી શકો છો.’
ગાંધીજી (હસીને) : ‘ઓહો ! એટલી જ પરીક્ષા કરવી છે ને ? એકલું નાક જ શું કામ ? આ ધડ અને માથું તમને સોંપી દઉં છું. જે પ્રયોગ કરવો હોય તે સુખેથી કરો.’ ગાંધીજીના પ્રેમ નીતરતા ભાવવાહી શબ્દો સાંભળી પેલો કાબુલી ગળગળો થઈ ગયો અને પગે પડી બોલ્યો : ‘આપનાં દર્શનથી મને ખાતરી થઈ ગઈ છે કે, આપ સત્ય અને અહિંસાના સાચા પૂજારી છો. મારો અપરાધ ક્ષમા કરો.’

પછી તો ગાંધીજીએ તેની સાથે ઘણી લાંબી વાતચીત કરી. અને તેને પ્રેમથી એવો તરબોળ કર્યો કે પ્રેમાળ પિતા જેવી મહાન વ્યક્તિ વિશે આવો કુવિચાર આવવા માટે તેને પસ્તાવો થયો. અને ગાંધીજીની ક્ષમા માગી તે બારડોલીમાંથી ચાલી નીકળ્યો. (‘ગાંધીજીના પાવન પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર.)

[3] આનંદ – વિનોબા ભાવે

આજકાલ જેને આનંદ કહે છે, તે સાચો આનંદ નથી. દિવસ આખો આપણે માણસને ફેક્ટરીમાં એવું કામ દઈએ જે બિલકુલ ‘ડ્રજરી’ – વેઠ હોય, જેમાં માણસની બધા પ્રકારની વૃત્તિ શુષ્ક બની જાય, અને પછી આવું કામ કરીને થાકેલો માણસ ઘરે આવે ત્યારે તેને સિનેમા, રમત-ગમત વગેરેથી આનંદ અપાવવાની કોશિશ કરીએ, તો હું કહીશ કે આ સાચો આનંદ નથી, સાચો આનંદ મેળવવાની આ રીત નથી. આ તો આનંદ મેળવ્યાનો ઢોંગ છે, ભ્રમ છે. તેથી હોવું તો એમ જોઈએ કે માણસ જે કામ કરતો હોય, તેમાં જ એને આનંદ મળી રહેવો જોઈએ. માણસને આનંદ ચોવીસે કલાક મળવો જોઈએ. આપણને જો આપણા કામમાં જ આનંદ મળી રહેતો હશે તો પછી તે મેળવવા અલગ ફાંફાં મારવાં નહીં પડે. કામ જ આનંદપૂર્ણ હોવું જોઈએ. દરેક કામ માણસ આનંદપૂર્વક કરી શકે એવું હોવું જોઈએ. આનંદ જીવનની દરેક કૃતિમાં હોવો જોઈએ. કળા-સાહિત્યનો અર્થ જ એ છે કે તે સહુને આનંદ આપે છે. સાહિત્ય લોકોનાં ચિત્તને શુદ્ધ કરે, સાહિત્ય લોકોનાં દિલને ઉન્નત કરે, સાહિત્ય સમાજને સંસ્કૃતિ તરફ આગળ વધારતું રહે. આમાં જ સાહિત્યની સાર્થકતા છે. (‘સાહિત્ય’ પુસ્તકમાંથી સાભાર.)

[4] કીડીઓની હાર – કાકાસાહેબ કાલેલકર

એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળપાછળ હું ચાલ્યો. કેટલીક કીડીઓ વૈતરાકામ કરનાર મજૂરો હતી, કેટલીક આગળપાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી અને કેટલીક તો વ્યાજ ઉપર જીવનાર શેઠિયાની પેઠે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગોપાર્કની પેઠે પોતાની મુસાફરીનાં બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી. મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પર બે-એક હાથ દૂર મૂકી દીધો. અડધીક ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી. તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપૉર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂર પર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂરો આવીને હાથ દે જ છે – અરે, ભૂલ્યો, પગ દે છે. પણ બોજો ક્યે રસ્તે ખેંચવો તે વિશે તેઓ જલદી એકમત થતા નથી. તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે. આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટું વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે. (‘કાલેલકરના લલિત નિબંધો’ પુસ્તકમાંથી સાભાર.)

[5] બાળપણ-મૂંઝવણ – હેતલ દવે

આખા જીવનકાળમાં સુવર્ણકાળ એટલે બાળપણ. સપનાથી ભરેલું, નિર્દોષતાથી ખીલેલું, હાસ્યનાં પુષ્પો વેરતું બાળપણ. મારું, તમારું સૌનું બાળપણ કેવું હતું ? વિચારજો કે આજનાં બાળકનું બાળપણ આવું છે ? આપણે બાળપણમાં કેવા રમતા, હરતા, ફરતા, ગાતા, દોડતા હતા ! જ્યારે આજે આ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. કેમ ? ક્યાં ? તો કારણ છે બાળકનું ઉત્તમ ઘડતર. બાળક જીવનની રેસમાં પાછળ ન રહી જાય તે માટે માતાપિતા તેને નાનપણથી જ ઘડતરના નામે જુદા જુદા કામે લગાડી દે છે. આજનાં બાળકની દિનચર્યા લખું છું. તેને આપણા બાળપણ સાથે સરખાવજો.

ભગવાનની અણમોલ ભેટ ગણાતું બાળક સવારે છ વાગે ઊઠે છે, તૈયાર થઈ શાળામાં જાય છે. ત્યાં તેના માટે રેસ તૈયાર હોય છે. બપોરે એક વાગે બાળક શાળાની નજરકેદમાંથી છૂટીને ઘરે આવે ત્યારે સાથે હોમવર્કનો બોજ પણ લેતો આવે છે. ઘરે આવીને હોમવર્કમાં બાળકના બે-ત્રણ કલાક ખવાઈ જાય છે. ત્યારબાદ તે બાળક ટ્યૂશન જશે. તેમાં બે કલાક ખલાસ. ટ્યૂશનથી આવશે એટલે કમ્પ્યૂટર કલાસ, કરાટે કલાસ, સ્કેટીંગ કલાસ, સંગીત કલાસ, ડાન્સ કલાસ, ડ્રોઈંગ કલાસ જેવી અનેક પ્રવૃત્તિઓ તેના માટે તૈયાર રાખી હોય છે. આ બધી પ્રવૃત્તિઓનો ડુંગર પાર પાડતા તેની સામે રાત આવીને ઊભી થઈ જાય છે. રાત્રે પાછું ડેડી પાસે રીડીંગ તો કરવાનું જ હોય. આમ, બાળકની દિવસ અને રાત પૂરી થઈ જાય છે. આખા દિવસમાં હસતું, ખિલતું કે રમતું બાળપણ ક્યાંય તમને જોવા મળ્યું ? હું એવું નથી કહેતી કે બાળકને કંઈ જ નવું ન શીખવવું જોઈએ. મારું માનવું છે કે તેને રસ પ્રમાણે જે શીખવું હોય તેમાં સાથ આપવો જ જોઈએ. આપણે બધા સ્વીકારીએ છીએ કે આજનાં આ ઝડપી યુગમાં બાળક માટે આ બધું જરૂરી છે.

મારો પ્રશ્ન એ છે કે બાળકનાં ઘડતર માટેની આ બધી પ્રવૃત્તિઓ બાળકનાં બાળપણના ભોગે યોગ્ય છે ? શું આને માટે બીજો કોઈ ઉપાય નથી ? આજની આ ઘડતરની આધુનિક રેસમાંથી બાળકને ઉગારવા માટેનો કોઈ ઉપાય નથી ? ખૂબ મનોમંથનને અંતે આ મૂંઝવતો પ્રશ્ન રજૂ કર્યો છે. આશા રાખું છું કે આપણને આનો ઉપાય મળશે. (‘સંપર્ક’ સામાયિક (કલોલ)માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ – મહિમ્ન પંડ્યા
દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ Next »   

9 પ્રતિભાવો : આંતરછીપનો ઉજાસ – સંકલિત

 1. જય પટેલ says:

  બધી જ કણિકાઓ મનનીય.

  બાળપણ મૂઝવણમાં…સાચે જ આજના અતિ સ્પર્ધક જમાનામાં બાળક જન્મે ત્યારથી જ બોજ લાદવામાં આવે છે.
  આનંદ કિલ્લોલ કરતું નિર્દોષ હાસ્ય સ્પર્ધામાં ખોવાઈ ગયું છે.

  બાળપણમાં નોકર બાઈએ ગાંધીજીની નિડરતા નિખારેલી…બેટા અંધારામાં ડર લાગે તો રામ રામ બોલજે..!!
  નાની વયે નિડરતાના પાઠથી સિંચાયેલો મોહન આગળ જતાં દેશનો સુત્રધાર બન્યો.
  ગાંધીજીએ આત્મકથા સત્યના પ્રયોગોમાં નોકર બાઈને યાદ કરી અમર કરી દીધી.
  આભાર.

 2. dhiraj says:

  પાંચે લેખ મનનીય
  છેલ્લા લેખ વિષે કઈક કહીશ
  હેતલ બહેને જે કમ્પ્યૂટર કલાસ, કરાટે કલાસ વગેરે પ્રવૃત્તિ લખી છે તે તો વેકેશન મા જ થવી જોઈએ.
  અને સ્કુલ, ટ્યુશન, લેશન વગેરે માંથી પણ બાળક ને ઓછામાં ઓછું એકાદ કે દોઢ કલાક બહાર મેદાન માં રમવાની છૂટ મળવી જોઈએ.
  દેશ ના તમામ ઘરડાઘરો ને તાળા મારવા હોય તો દરેક માતા – પિતા એ અઠવાડિયે ઓછામાં ઓછું એકાદ દિવસ બાળક સાથે રમવું જોઈએ અને રોજ રાતે વાર્તા કહેવી જોઈએ ક્યારેક બાળક ના મુખે પણ વાર્તા સાંભળવી જોઈએ

 3. Bhalchandra says:

  The incident of Gandhiji and Kabuli who wanted to cut his nose reminded another incident. Gandhiji was well established lawyer in South Africa with family of four sons and wife. So an insurance agent approached him to sell life insurance, Gandhiji surprised him, saying, “I have taken insurance of my life from Him” pointing to God.Gandhiji never believed in life insurance scheme. But his faith n God was unshakable.

 4. Pravin Shah says:

  બાળક વધારાની પ્રવૃત્તિ કરે એ સારું પણ એને માટે રોજ એક કે બે કલાક
  જ ફાળવવા. બાકીના સમયમાં મનગમતી પ્રવૃત્તિ કે રમવાનું રાખવું.

 5. Veena Dave. USA says:

  સરસ સંકલન.
  ૧. રસ કાઢ્યા પછી શેરડીનો સાંઠો કેવો થઈ જાય એવુ હિન્દુસ્તાન થઈ ગયુ હતુ એટલે આઝાદી જલ્દી મળી બાકી તો……..યુરોપ જોયા પછી.મને પણ્ ઘણી વખત આ વિચાર આવે છે

 6. હિન્દુસ્તાન માથી મળતી આવક કરતા શાસનનો ખર્ચ જ્યારે વધી ગયો ત્યારે આઝાદી મળી, બાકી આ એ જ અંગ્રેજો હતા જેને અમેરિકનોએ માત્ર ૬ વર્ષ (૧૮૭૬-૧૮૮૧) ની સીધી લડાઇમા માત આપી હતી.

  • જય પટેલ says:

   શ્રી મહેન્દ્રભાઈ

   ૧૮૭૬-૧૮૮૧ ના ૬ વર્ષ દરમ્યાન અમેરિકનોએ અંગ્રેજોને હરાવ્યા.
   વર્ષોથી આપણે અર્ધસત્યથી પરીચિત છીએ. અમેરિકન આઝાદી ચળવળમાં અંગ્રેજ-અંગ્રેજ સામસામે લડતા હતા.
   જ્યોર્જ વોશિંગ્ટન પોતે જ અંગ્રેજ હતો. આપણે વર્ષોથી કહીએ છીએ કે અંગ્રેજ પ્રજા ક્રાઉનને વફાદાર છે પણ
   હકીકત સત્યથી વેગળી છે. અમેરિકન ચળવળ ક્રાઉન સામેની બગાવત હતી. બગાવત વેળાએ અમેરિકા
   બે કોલોનીમાં વિભાજીત હતું. અંગ્રેજો અને ફ્રાંસ અડધા-અડધા ભાગે રળી ખાતા અને ચળવળમાં ફ્રાંસે બગાવતી
   અંગ્રેજોને સાથ આપી અમેરિકન આઝાદીની દાયણની ભુમિકા ભજવેલી.

 7. pragnaju says:

  સુંદર સંસ્કારી પ્રેરણાદાયી લેખોનું સંકલન

 8. Rishit Kothari says:

  બધિ ક્રુતિઓ સરસ છે…ખાસ કરિ ને ૩ આનંદ બહુ પ્રેરાણાત્મક લાગિ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.