દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ

[ મૂકસેવક રવિશંકર મહારાજના ભૂદાન તેમજ અન્ય સામાજિક કાર્યો વિશેના જીવનપ્રસંગો પર આધારિત ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે કર્યું છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] એક સંસ્કારી નારી

હું એક સદગૃહસ્થને ત્યાં ગયો હતો. એમને ત્યાં તુલસી રામાયણ વંચાય. એમને બાવીસત્રેવીસ વર્ષની એક દીકરી. એ દીકરીનાં બા બહુ ભણેલાં નહિ પણ સંસ્કારી. હું એમની આગળ ગ્રામોદ્યોગની વાતો કરતો હતો ત્યાં પેલી દીકરી એક ટોપલી લઈને આવી. મને એ બતાવીને તેણે કહ્યું :
‘આ ટોપલી ગ્રામોદ્યોગની કહેવાય કે ?’
મેં કહ્યું : ‘હા, પણ કોણે બનાવી છે ?’
એણે કહ્યું : ‘મારે ત્યાં એક બાઈ નોકર છે એણે ગૂંથી છે.’
‘શું તું નોકર રાખે છે ?’
‘હા જી, બેચાર ઘર વચ્ચે એક નોકર છે.’
આટલી વાતો પછી દીકરીનાં બા બોલ્યાં : ‘મહારાજ, મારી દીકરી તો એના સાસરામાં દેવી તરીકે પુજાય છે. એનો ઈતિહાસ સાંભળવા જેવો છે.’

મેં સાંભળવાની જિજ્ઞાસા બતાવી એટલે એમણે વાત શરૂ કરી : ‘મહારાજ, એ નાની હતી ત્યારે એનો વિવાહ કરેલો. એ છોકરાના બાપને સારો પગાર મળતો હતો પણ દૈવયોગે માબાપ બંને અકસ્માત ગુજરી ગયાં. છોકરો કાકાને ત્યાં રહી ઊછર્યો અને ભણ્યો. એ મૅટ્રિકમાં આવ્યો ત્યારે મારી દીકરી પણ મૅટ્રિકમાં હતી. મારી દીકરી મૅટ્રિકમાં પાસ થઈ, છોકરો નાપાસ થયો. અમે દીકરીને કૉલેજમાં મૂકી. ત્યાં પણ એ પહેલે વર્ષે પાસ થઈ. છોકરો બીજે વર્ષે પણ મૅટ્રિકમાં નાપાસ થયો. અમે દીકરીને કૉલેજમાંથી ઉઠાડી લીધી. છોકરો ત્રીજે વર્ષે પણ નાપાસ થયો. મને થયું : મારી આવી હોશિયાર છોકરીને આવો વર ! મેં વિવાહ તોડવાનો મનમાં સંકલ્પ કર્યો. પણ તૂટે શી રીતે ? મેં એમને (પતિને) વાત કરી પણ એમને એની કંઈ પડી નહોતી.

એવામાં એમને (મારા પતિને) વિલાયત જવાનું થયું. ત્યાંથી પાછા વળતાં એમને અમારી નાતના એક છોકરા સાથે સંગાથ થઈ ગયો. એ ભાઈ આઈ.સી.એસ.ની પરીક્ષા આપીને આવતો હતો. પરિચય થતાં એમની નજર એના પર ઠરી. એ એને અમારે ઘેર લઈ આવ્યા. મને બતાવીને ખાનગીમાં કહ્યું : ‘આઈ.સી.એસ. છે. દીકરીને પસંદ પડે તો વાત કરી જો.’ મને પણ થયું કે મારી દીકરીને આવો ભણેલોગણેલો વર મળે તો કેવું સારું ! એટલે હું હરખાતી હરખાતી દીકરી પાસે ગઈ અને કહ્યું : ‘બહેન, આ છોકરાને જો. તને પસંદ હોય તો ગોઠવીએ.’ હું બોલવાનું પૂરું કરું છું ત્યાં દીકરી બોલી :
‘બા, આ તું શું બોલે છે ? આવું બોલાય ? મારો વિવાહ તો થઈ ગયો છે. એક વખત જીભે બોલી ગયા પછી ફરી શકાય ?’
‘વિવાહ તો તોડી શકાય.’
‘એ તો સામાન્ય માણસ તોડે. આપણે ઓછાં જ એવાં છીએ ? આપણે તો એક વાર વચન આપ્યું તે ન જ તોડાય. એનાં માબાપ જીવતાં હોય તો કેટલાં દુઃખી થાય ? એ તો સંતોષ, લઈને ગયેલાં. હવે જો સંબંધ તૂટે તો એમનો આત્મા દુઃખી થાય. માટે બા, તું મારી ચિંતા ન કર. મારું દુઃખ હું ભોગવી લઈશ. મારો વિવાહ ભલે કાયમ રહ્યો.’ દીકરીની આ વાત સાંભળી હું કાંઈ બોલી શકી નહીં. બોલું પણ શી રીતે ? પેલા છોકરાને તો આ સંબંધી કશી ખબર નહોતી. એટલે એ તો બીજે દિવસે એને ગામ ગયો. દીકરીનો નિર્ણય મેં એના પિતાને જણાવ્યો. વિવાહ કાયમ રાખ્યો અને દીકરીનાં લગ્ન તરત જ લીધાં.

સદભાગ્યે જે વરસે લગ્ન થયાં તે જ વરસે એ છોકરો મૅટ્રિકમાં પાસ થયો. પછી ચાર વરસે ગ્રેજ્યુએટ થયો. એને ગ્રેજ્યુએટ થયાને સો દિવસ નહોતા થયા ત્યાં એને માસિક સો રૂપિયાના પગારે સિમેન્ટના કારખાનામાં નોકરી મળી. કારખાનું શહેરથી ચાર માઈલ દૂર એક જંગલમાં હતું. ત્યાં પંદરવીસ કારકુનો એક ચાલીમાં કુટુંબો સાથે રહે. મારી દીકરી પણ ત્યાં ગઈ. મારી દીકરી રસોઈ, ભરત, સીવણ, ગૂંથણ, ચિત્રકામ, સંગીત વગેરેમાં કુશળ. ત્યાં ગયા પછી ધીમે ધીમે એ બહેનપણીઓ કરવા લાગી. કોઈનું કપડું ફાટી ગયું હોય તો સાંધી આપે; સીવી પણ આપે. કેટલીક બહેનોને એણે સીવતાં શીખવ્યું. કેટલીક બહેનોને બહુ ઓછા ખરચે ભાતભાતની રસોઈ કેવી રીતે બનાવાય તે પણ શીખવ્યું. કોઈ વાર નવરાશે બધી બહેનોને એકઠી કરી કોઈ સારા પુસ્તકમાંથી વાંચી સંભળાવે. એના આવા મિલનસાર સ્વભાવને કારણે બધાં એના ઉપર ખુશ ખુશ થઈ ગયાં. એનો પતિ બહુ ભલો. એ નામું લખવાનું કામ કરે. મારી દીકરી કોઈ વાર વધુ કામ હોય તો ચોપડા ઘેર મંગાવે ને નામું લખવામાં મદદ કરે.

થોડા વખતમાં એના સ્વભાવની સુવાસ આખા કારખાના કામદારોમાં ફેલાઈ ગઈ. એ કારખાનાના મૅનેજર એક પારસી સજ્જન હતા. એમની દીકરીને ચિત્રકામ ન આવડે. કોઈકે એમને કહ્યું કે આપણે ત્યાં ફલાણા ભાઈનાં પત્નીને બહુ સારું ચિત્રકામ આવડે છે. મૅનેજરે પોતાની દીકરીને મારી દીકરી પાસે ચિત્રકામ શીખવા મોકલી. એને ચિત્રકામ શીખવ્યું. પેલી છોકરી પાસ થઈ ગઈ. પારસી સજ્જન ખુશ થયા અને જાતે ઘેર આવીને મારી દીકરીને કહ્યું : ‘હું તમને રાજી કરવા આવ્યો છું. બોલો કેટલા રૂપિયા આપું ?’
મારી દીકરીએ કહ્યું : ‘હું તો ભણાવતી હતી ત્યારથી જ રાજી છું. વળી તમારી દીકરી પાસ થઈ; એટલે વધુ રાજી થઈ છું. મારે કંઈ પણ ન જોઈએ. મારા પિતાએ મને પૈસા કમાવા નથી ભણાવી. જ્ઞાન મેળવીએ તે તો લોકોને આપવું જ જોઈએ ને ? મને ચિત્રકામ આવડતું હતું ને તે મેં શીખવ્યું. એમાં વળી ફી શાની ?’ પેલા પારસી સજ્જને બહુ આગ્રહ કર્યો. પણ મારી દીકરી પોતાના વિચારમાં મક્કમ રહી.’

આ બહેનની આ કથા જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે મારી આંખો આગળ એક સુશિક્ષિત સંસ્કારી આર્ય સન્નારીનું ચિત્ર ખડું થાય છે.

[2] બાળકેળવણી

કાઠિયાવાડમાં હું મારા એક મુસલમાન મિત્રને ત્યાં ગયો હતો. ત્યાંથી જવા નીકળ્યો ત્યારે એ ભાઈ મને વળાવવા ઊભા થયા. એમની સાથે એમનો એક નાનો દીકરો હતો. થોડેક સુધી આવ્યા પછી મેં કહ્યું : ‘બસ, હવે ઊભા રહો.’ પણ તે ઊભા ન રહ્યા. જરા આગળ જઈને મેં ફરીથી કહ્યું : ‘હવે પાછા વળો.’ પણ તે પાછા ન વળ્યા. એ પછી એમણે કહ્યું : ‘મહારાજ, તમને વળાવવા આવું છું એ તમારે સારુ નથી આવતો; મારા આ દીકરા માટે આવું છું. આ નિમિત્તે એને ખબર તો પડે કે મહેમાનને ક્યાં સુધી વળાવવા જવાય.’
આનું નામ બાળકેળવણી.

[3] ભણતરને વાંકે

કેટલાંક વર્ષ પહેલાં હું એક નહેર જોવા ગયો હતો. હજારો લોકો ત્યાં કામ કરતા હતા. ત્રણથી સાત માઈલ દૂરથી મજૂરો ત્યાં કામે આવતા. દુકાળનું વર્ષ હતું. આખો દિવસ મજૂરી કરે ત્યારે મજૂરને દસથી ચૌદ આના માંડ મળતા. એમના ઉપર દેખરેખ રાખનારને રોજના ત્રણ રૂપિયા (એ જમાના પ્રમાણે) મળતા હતા. અને જે એન્જિનિયર હતો તેને રોજના પંદર રૂપિયા મળતા હતા. એ બધાને બૈરાં છોકરાં હતાં. તે બધાને ખાવા જોઈએ. એન્જિનિયરને કહીએ કે ભાઈ, તમને રોજના પંદર રૂપિયા કેમ ? તો કહે, ‘હું એન્જિનિયર છું, ખૂબ ભણ્યો છું, યોજના કરું છું, મને નહેરનું જ્ઞાન છે. હું ન હોઉં તો નહેર ન થાય.’

વાત સાચી છે. એન્જિનિયરનું કામ ઘણું મહત્વનું છે. એ એનું કામ સારી રીતે કરી શકે એની બધી જોગવાઈ થવી જોઈએ. એને નકશા દોરવાના એટલે એ માટેનાં સાધન એને મળવાં જોઈએ. ખુરશીટેબલ પણ જોઈએ. મજૂરીનું કામ કરવાનું નહિ એટલે તંબુને છાંયડે બેસી નકશા દોરે એનો પણ વાંધો ન હોય. એક જગાએથી બીજી જગાએ જવા મોટર પણ આપવી પડે. કદાચ એને બીજા કોઈ પ્રાંતમાં સારો બંધ હોય અને તે જોવાની તાત્કાલિક જરૂર જણાય તો એને માટે એરોપ્લેનની પણ સગવડ કરવી પડે. પટાવાળો પણ એને મળવો જોઈએ. આ બધું મંજૂર. આ બાજુ મજૂરોને ખોદકામ કરવાનું. એ માટે એમને કોદાળી-પાવડાનાં સારાં સાધન મળવાં જોઈએ. એમણે તાપમાં ખોદવાનું રહે. ખોદતાં હાથે ફોલ્લા પણ પડે. એમાં વાંધો ન હોઈ શકે. પેલા દેખરેખ રાખનાર અને મજૂર એ બધાની જરૂર છે. જેની પાસે બુદ્ધિ છે તે બુદ્ધિ આપે છે અને મજૂરી છે તે મજૂરી આપે છે. પણ દર ચૂકવતી વખતે એકને દશ આના, બીજાને ત્રણ રૂપિયા અને ત્રીજાને પંદર રૂપિયા – આ ભેદ કેમ ? જ્યાં સુધી આ ભેદ છે ત્યાં સુધી આપણા દેશની દશા કદાપિ સુધરવાની નથી. ખાવાનું સૌને પૂરતું મળવું જોઈએ ને બધા આવડે તે કામ કરે. ખપનાં કામ કરે તે બધાની પ્રતિષ્ઠા સરખી ગણાવી જોઈએ.

ચાર જણ જાત્રાએ ગયા. રસોઈ કરવી છે. બધાએ કામ વહેંચી લીધાં. એક પાણી ભરી લાવ્યો, બીજો લાકડાં વીણી લાવ્યો, ત્રીજો દુકાનેથી સીધુંસામાન લઈ આવ્યો ને ચોથાએ રસોઈ બનાવી. ચારેય જણે ખપનાં કામ કર્યાં ને ખાતી વખતે સાથે બેસીને ખાધું. આપણે આ સમજીએ છીએ; પણ વધારે ભણે છે કે તરત ભાણાન્તર થઈ જાય છે. બુદ્ધિથી કામ કરનારને વધારે ખાવા જોઈએ અને મજૂરી કરનારને ઓછું, એમ માનતા થઈએ છીએ. આપણે દુષ્ટ નથી પણ પરિપાટી (ટેવ) પડી ગઈ છે. એને જ્ઞાનપૂર્વક નહીં તોડીએ ત્યાં સુધી સ્વરાજનું સાચું સુખ આપણે ભોગવી શકવાના નથી. જૂના વખતથી ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’ એમ બોલીએ છીએ ખરા, પણ આચારમાં મૂકી શકતા નથી.

[4] ભોળા દિલનું પાપ

છોટાઉદેપુર વિસ્તારમાં ભીલોની વસ્તી ઠીક ઠીક છે. સાથે તીરકામઠાં લઈને જ ફરે છે. ક્યારેક લડાઈ ઝઘડા થઈ જાય તો એનો ઉપયોગ પણ કરે. એક દિવસ એક ભીલે કંઈક કારણસર બીજા એક ભીલને તીરિયું માર્યું અને તે મરી ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. કોઈ જોનાર નહોતું એટલે પુરાવો ન મળ્યો. પેલા મારનારને વકીલ મળ્યો. વકીલે એને કહ્યું : ‘જો કોરટમાં તારે એટલું જ કહેવું કે, મેં માર્યો નથી. ગમે તેમ પૂછે તોપણ કબૂલ ન કરતો.’ પેલાએ હા પાડી. કોર્ટમાં સવાલ જવાબ થવા માંડ્યા. પેલાએ તો એક જ વાત રટી : ‘મેં માર્યો નથી.’ પણ સરકારી વકીલે જ્યારે ઊલટતપાસ કરવા માંડી ત્યારે એ મૂંઝાયો. શું બોલવું એની એને કંઈ સમજણ ન પડી. આખરે એણે એના દિલની વાત કહી દીધી : ‘મેં તો માર્યો જ છે તો, મરી જાય ત્યાં સુધી માર્યો’તો ! (વકીલ સામે આંગળી ચીંધીને) આવો આ મારી પાસે ના પડાવે છે.’ અને આખી કોર્ટ હસી પડી.

આ માણસે પાપ તો કર્યું, પણ ભોળા દિલે. એમાં બુદ્ધિપૂર્વકની ગણતરી નહોતી. જ્યારે બુદ્ધિશાળી માણસ પાપ કરે છે તે બુદ્ધિપૂર્વકનાં હોય છે. ભીનાં કપડાં રેતીમાં સૂકવીએ તો ચિંતા નહીં, કારણ કપડાં સુકાતાં રેતી ખરી પડે છે. પણ ધૂળમાં સૂકવીએ તો ડાઘ રહી જાય. એ બિચારોનાં પાપ રેતી જેવાં છે. એટલે પાપનો ડાઘ એમને લાગતો નથી. જ્યારે આપણાં પાપ ધૂળ જેવાં હોય છે; એના ડાઘ મનને લાગે છે જે કદી જતા નથી.

[કુલ પાન : 264. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ. ગોવર્ધનભવન, નદીકિનારે, ‘ટાઈમ્સ’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-380009. ફોન : +91 79 26576371. ઈ-મેઈલ : gspamd@vsnl.net ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંતરછીપનો ઉજાસ – સંકલિત
રણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ Next »   

15 પ્રતિભાવો : દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ

 1. Bihag says:

  Timeless thoughts. Do we have such great thinkers & doers in present day India? If not, then we have failed to pass on something great to next generation.

 2. dhiraj says:

  દિલ ને હચમચાઈ નાખે તેવા ચારે લેખ
  આમાંનું થોડું પણ જીવન માં – આચરણ માં ઉતારે તો ઘણું
  આપણે શહેર ના માણસો એ ગામડાના માણસો પાસેથી ઘણું શીખવાનું છે

 3. જય પટેલ says:

  અનન્ય મૂકસેવક ગુર્જર રત્ન પૂ. રવિશંકર દાદાના સામાજિક કાર્યોને સ્મણાંજલિ.

  ગુજરાતનું અહોભાગ્ય છે કે રાજ્યની ઓળખ પૂ.દાદાના સ્વહસ્તે કાયમી બની.
  પ્રસંગ ૧ માં દિકરી કહે છે કે…
  મારા પિતાએ મને પૈસા કમાવા નથી ભણાવી. જ્ઞાન મેળવીએ તે તો લોકોને આપવું જ જોઈએ ને ?
  બે દિવસ પહેલાં ઈજનેર પુત્રવધુએ પોતાના જ્ઞાનને નિખારવાના પ્રસ્તાવ પર કઠણ હ્રદયે સમાધાન કરેલું..ફક્ત સસરાજીના
  જડ આગ્રહને કારણે..તારે પૈસાની શું જરૂર છે ?.

  આજે પણ પુત્રવધુ જ છે પણ નસીબદાર છે કે તેના પતિ તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
  પતિના વિશ્વાસને કારણે કેટકેટલાને સુખ મળ્યું….શિક્ષણ તો એ છે કે જેનાથી બીજાના ઘરના દિવા પ્રગટે.
  જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટતાં અજ્ઞાનના અંધારા વિખરાય. શિક્ષણને કેદ કરવું નાસમજી…બાલિશતા અને સામાજિક અપરાધ છે.
  બધા જ પ્રસંગો પ્રેરણાદાયી…ખાસ કરીને ૧ ઉત્તમ.
  આભાર.

 4. Navin N Modi says:

  ‘ભણતરનાં વાંકે’ માં કહેલી વાત બહુ સાચી છે. મેં આ જ સાઈટ પર વાંચેલ એક લેખમાં વિનોબાજીએ પણ આ વાત જરા જુદી રીતે કહી છે. એમના કહેવા મુજબ શારિરીક શ્રમ અને બૌધિક કામ માટે અપાતા વળતરમાં રહેતો ખૂબ મોટો તફાવત સમાજમાં મોટી અસમાનતા સર્જે છે. પરંતુ આજે જ્યારે શિક્ષણ લેવાનો હેતુ ફક્ત ધન ઉપાર્જન થઈ ગયો છે ત્યારે આ વાત સમજવા તૈયાર જ કોણ થશે?

 5. hiral says:

  [1] એક સંસ્કારી નારી

  વાહ. ખુબ સરસ. સંસ્કાર અને સહકાર . સાચી વાત છે. ‘સુશિક્ષિત સંસ્કારી આર્ય સન્નારીનું ચિત્ર ખડું થાય છે.’. અને એટલો જ સહકાર પતિ તરફથી.
  જયભાઇએ કહ્યું એમ મને પણ ‘અંધકારમાં દીવો’ વાત યાદ આવી ગઇ.

  વાર્તામાં બે મુદ્દા અવંતિકાબેન ઉમેરી શક્યા હોત.
  ૧) ‘હોસ્પિટલ મેનેજમેન્ટ શીખીને પતિને સીધી જ મદદરુપ થઇ શકી હોત.
  ૨) જો શક્ય ના હોય તો, ‘હોસ્પિટલનાં સ્ટાફને કે ઘરમાં કામ કરતાં (નોકર) કે આસપાસનાં લોકોને અહિં બતાવ્યું એમ શિક્ષણ આપીને મદદરુપ થઇ શકાય.

  વાર્તાનો મુખ્ય મુદ્દામાં પતિને કે સાસુ-સસરાને પોતાની સાચી વાત માટે સહમત કરવું અને વાસ્તવિક નિર્ણય માટે ઘરમાં બધા સહકાર આપે એ વધારે યોગ્ય વાર્તાનો વળાંક થઇ શક્યો હોત.

  એ વાર્તામાં ઘણા લોકોનું કહેવું હતું કે ‘સમાજ સેવા’ કરી શકાય. પણ મોટેભાગે આવા મોટાઘરની વહુઓ જો જોબ ના કરતી હોય (સંજોગો વસાત) તો પણ કોઇ પોતાનાં ફેક્ટરી કે હોસ્પીટલનાં સ્ટાફને કે આસપાસની ઝુંપડપટ્ટીનાં બાળકોને સમયદાન આપીને મદદરુપ નથી થતાં. (ભાગ્યે જ કોઇ અહિં બતાવ્યા મુજબ નિઃસ્વાર્થ વૃત્તિ કેળવી શકે છે.)

  એ લેખમાં મેં ‘કલ્યાણી’ નામનો ઉલ્લેખ કરેલો. આચાર્ય વિષ્ણુગુપ્તે (ચાણક્ય) કલ્યાણીને પતિને કુળની મર્યાદામાં રહીને રાષ્ટ્રની રક્ષાના માર્ગે વાળવા એ કેવી રીતે શક્તિમાન અને સામર્થ્યવાન છે એવું શિક્ષણ આપેલું. ‘કલ્યાણીનો પતિ એ વખતે ‘એલેક્ઝાન્ડર’ સાથે મળી ગયેલો જે વાત કલ્યાણીને રાષ્ટ્રદ્રોહ લાગતી. અને કેવી કુશળતાથી કલ્યાણી એનાં પતિ ‘આંબીના રાજા’ને દેશપ્રેમ માટે તૈયાર કરીને ગ્રીક લોકોને સહકાર નહિં આપવા સમજાવે છે એની વાત છે.
  આ એ વખતની વાત છે જ્યારે ભારત ‘રજવાડાઓ’માં વહેંચાયેલું હતું./ છતાં એક સ્ત્રી પોતાના પતિને ‘સત્ય, સ્વામાન, સામર્થ્ય, રાષ્ટ્રપ્રેમ’ વગેરે બોધપાઠ કરાવી શકી હતી..

  [3] ભણતરને વાંકે

  અહિં કહ્યાં છે એ વિચારો એકદમ યોગ્ય નથી.
  એનું કારણ છે (ધો. ૮માં નાગરિક શાસ્ત્રમાં આવતું હતું).

  ભણેલા માણસનાં કામ માટે ‘એક્સ્પીરીયન્સ’ લખાય છે.

  જો કોઇ મજુર એક કામ ૧ વરસ સુધી કરે તો એમાં ખાસ કોઇ મોટી વાત બનતી નથી. એ જરુરી કામ જે રીતે શીખવ્યું એ રીતે કરશે. બહુ બહુ તો કામમાં ઝડપ લાવી શકશે. હવે આ મજુર એ કામ છોડી દે અને તમે બીજા મજૂરને કામ પર રાખો તો ખાસ કશો ફરક પડતો નથી. એક અઠવાડિયામાં જે તે વ્યક્તિ એવું જ મીકેનીકલ એક જ ઢાંચાનું કામ કરી બતાવશે.

  પણ અહિં જો કોઇ ઇજનેરી કામ (દાખલા તરીકે) લઇએ તો એમાં ક્રમશઃ જે તે માણસ એક વરસમાં જે પ્રેક્ટીકલ નોલેજ એકત્ર કરશે એ પ્રમાણે એની કિંમત વધશે. (અહિં ફરીથી કોઇ નવો ઇજનેર નિમણુક કરીશું તો એને પણ જે તે ઉંચાઇએ પહોંચતા એટલો જ સમય લાગશે જેટલો પહેલા ઇજનેરને લાગેલો.
  એટલે જ ત્રણ વરસનો પ્રેક્ટીકલ અનુભવઃ સિનિયર
  પાંચ વરસનો પ્રેક્ટીકલ અનુભવઃ ટીમ લીડ
  આઠ થી દસ વરસનો અનુભવઃ મેનેજર
  પંદર વરસનો અનુભવઃ વાઇસ પ્રેસીડન્ટ વગેરે દરેક માણસ પોતાની યોગ્યતા અનુસાર યોગદાન આપશે.
  અહિં સીધે સીધું કોઇ ‘વાઇસ પ્રેસીડન્ટ’ નહિં બની શકે. દરેકને અમુક વરસો સુધી તબક્કાવાર કેળવાવું પડશે.
  પરંતુ ૧૦ વરસ એકની એક મજૂરી કરીને પણ મજૂર વધારે ઉંચે નહિં જઇ શકે. એનું કામ કોઇ નવી વ્યક્તિને હાથવગું લેવા માટે ૧૦ વરસ આપવાની કોઇ જ જરુરીયાત રહેશે નહિં.

  એ તફાવતના લીધે ‘અનુભવ’ શબ્દ વપરાય છે.


  હા, પણ કોઇનું પણ શોઅણ ના જ થવું જોઇએ અને દરેકને ખાવા-પીવાનું પુરતું મળી રહે એટલું વળતર તો મળવું જ જોઇએ.

 6. Pravin Shah says:

  દરેકને પોતાની મહેનતનું પૂરતું વળતર મળી રહેવું જોઈએ.

 7. Veena Dave. USA says:

  ખુબ સરસ લેખ્.
  લેખ વાચતા પેલો વહુને નોકરી કરવી હતી અને સાસરીયા ના પાડતા હતા એ લેખ યાદ આવિ ગયો.એ જમાના અને આ જમાનામાં ધનની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ.

 8. NIrav says:

  પ્રથમ લેખ ખુબ જ સરસ.
  આભાર્

 9. રવિશંકર મહારાજ ની મહાનતા માટે કોઇ શક ના હોઇ શકે પણ સંસ્કારી નારી લેખ સાથે હુ સહમત નથી. મને તેમા દુઃખ કે અન્યાય સહન કરી લેવાની વ્રુતિ દેખાય છે.

 10. pragnaju says:

  ‘ઘસાઈને ઉજળા થઈએ’નો જીવનમંત્ર આપનાર ગાંધીયુગના પરમ આદરણીય શ્રી રવિશંકર મહારાજની વાતોનું મનન કરવા અને જીવનમા ઊતારવા જેવી વાતોનું પ્રેરણાદાયી સંકલન

 11. જગત દવે says:

  દષ્ટાંત કથાઓ જે દંત કથાઓ બનતી જાય છે. રવિશંકર મહારાજની જેમ જ.

  ગાંધીજી બાદની પેઢી કેમ આટલી ભ્રષ્ટ થઈ ગઈ?

 12. Ashish Dave, Sunnyvale, California says:

  Outstanding…

  Ashish Dave

 13. Rajan says:

  સારી ટેવોને આચરણમા મૂકવી એજ સાચા ધર્માચરણ છે. આ કૃતિ ઘણી ગમી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.