એક ક્ષણ, એક વિચાર – ગિરીશ ગણાત્રા
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]
પ્લેટફૉર્મ પર આવી સુનીલે પોતાનો ડબ્બો શોધી કાઢ્યો. ડબ્બાની બહાર લગાવેલા આરક્ષણની યાદીમાંથી પોતાનું નામ અને સીટ નંબર શોધી, એની સાથેની ટિકિટનો નંબર પણ સરખાવી જોયો. એ પછી બૅગ લઈ કમ્પાર્ટમેન્ટ સામાનથી ભરચક હતો. થેલાં, થેલીઓ, હોલડોલ, પાણીનો કૂંજો, નાસ્તાના ડબ્બા અને એવા કેટલાય નાના-મોટા સામાનથી ગૅન્ગ-વે ભરચક હતો. એણે એક નજર આમનેસામને રહેલી પાટલીઓ પર કરી. બન્ને પાટલીઓ પર મોટી, પહોળી પલાંઠી વાળીને મુસાફરો બેઠા હતા. એ બૅગ લઈને અહીં આવ્યો ત્યારે પેસેન્જરોએ એની સામે જોયું અને પછી નજર ફેરવી લીધી. એના આ સહયાત્રીની કોઈએ નોંધ પણ ન લીધી.
કવાયતી દેહ ધરાવતા સુનીલે જોયું કે અહીં એનું આગમન કોઈને ગમ્યું લાગતું નથી, પણ પોતાનું આરક્ષણ આ જ કમ્પાર્ટમેન્ટમાં ચોક્કસ સીટ પર છે. એટલે એ બીજે ક્યાંય બેસી શકે એમ નહોતો. એણે સીટ પર લખેલા નંબર જોયા. બારી પાસે જ એનો સીટ નંબર હતો અને ત્યાં કોઈ યુવતી બેઠી બેઠી કેળું ખાતી હતી. ઉપલી બર્થ પર ખડકાયેલો સામાન થોડો આડોઅવળો ગોઠવી એણે પોતાની બૅગ મૂકી અને બારી પાસે બેઠેલી યુવતીને નમ્રતાપૂર્વક કહ્યું : ‘એક્સક્યુઝ મી મૅડમ, આ મારી સીટ છે….’ મોઢામાં કેળાનું બચકું ગોઠવાયેલું હતું એટલે પેલી યુવતીએ આંગળી ચીંધી એને સામેની પાટલી પરની છેલ્લી સીટ પર બેસવાનું કહ્યું. જે રીતભાતથી, તોછડાઈથી તેણે સુનીલને ત્યાં બેસવાનું કહ્યું એથી એ ગિન્નાયો, છતાંય નવસો-હજાર કિલોમીટરના સહપ્રવાસીને નાખુશ ન કરવા એણે ફરીથી થોડા નમ્ર બની કહ્યું :
‘મૅડમ, આ મારી સીટ છે, રિઝર્વ્ડ છે. ખાતરી ન થતી હોય તો બહાર લગાડેલો રિઝર્વેશન ચાર્ટ જોઈ આવો.’
હવે એ યુવતીની બાજુમાં બેઠેલી આધેડ વયની સ્ત્રીએ એને જવાબ આપ્યો :
‘રેલવેવાળા તો ગમે તેમ નામ-નંબર લખી નાખે. તમે સામે બેસો તો શું ખાટુંમોળું થઈ જવાનું છે ? ત્યાંય બેસવાની જગ્યા છે ને ? ત્યાં બેસો.’
ન કોઈ વિનંતી, ન કોઈ નમ્રતા, ન કોઈ શિષ્ટાચાર. બસ, સામે બેસવાનો આદેશ જ આપી દીધો. હવે સુનીલે નમ્રતા છોડી કહ્યું :
‘ખાટુંમોળું થશે કે નહીં એની મને ખબર નથી, પણ આ મારી સીટ છે. પ્લીઝ, એના પરથી ઊભા થઈ તમને જે સીટ ફાળવવામાં આવી છે ત્યાં બેસો અને મારી સીટ ખાલી કરો.’
આધેડ વયની સ્ત્રીની બીજી બાજુ બેઠેલી ઉંમરમાં નાની એવી યુવતીએ હવે સુનીલની સામે જોઈ રૂક્ષ સ્વરમાં કહ્યું : ‘અને ન ખાલી કરીએ તો શું કરી લેશો ?’
‘તો હું આ યુવતીના ખોળામાં જ બેસી જઈશ, બોલો, કંઈ કહેવું છે ?’ સુનીલે શિષ્ટાચારનો આગ્રહ છોડી દીધો.
‘બેસને તારી માના ખોળામાં……’ પેલી નાની યુવતી પોતાની સીટ પરથી ઊભી થઈ સુનીલ સામે ઊભી રહી ગઈ. એ પણ હવે લડાયક મિજાજમાં આવી ગઈ, પણ સુનીલને લડવું નહોતું. બારી પાસે બેઠેલી યુવતી જેવી ઊભી થઈ કે એણે પોતાનો પગ સીટ પર મૂકી દીધો અને પગના વજનથી યુવતીને થોડું ખસવા મજબૂર કરી દીધી. જેવી યુવતી ખસી કે સુનીલ બારી પાસે બેસી ગયો.
ઊભી થયેલી યુવતી હવે કશું કરી શકે એમ નહોતી. એ બબડી – ‘બૈરાં પાસે બેસવાનો બહુ શોખ લાગે છે !’ સુનીલે કશો જવાબ ન આપ્યો. એણે સીટ પર બેસી બારી ખોલી અને પછી બારી બહાર જોતો બેઠો. હવે સામેની સીટ પર બેઠેલા પુરુષે સુનીલને કહ્યું :
‘અમારી અહીં છ સીટ છે. એક જ પાટલી હોય તો ઠીક રહે. કુટુંબનાં બધા સાથે બેસી શકે એટલા માટે તમને કહ્યું.’
‘આવી રીતે કહેવાનું ?’ સુનીલે પેલા પુરુષને કહ્યું, ‘મારી રિઝર્વ્ડ સીટ જોઈતી હોય તો મને વિનંતી કરવી હતી. મારે તો માત્ર બેસવાની જગ્યા જોઈતી હતી. બારીનો મને મોહ નથી. હું તો પ્રવાસ દરમિયાન વાંચતો જ રહું છું. ટ્રેન ઊપડશે એટલે હું તો પુસ્તકમાં ખોવાઈ જવાનો પણ આ બન્ને બહેનોએ…..’
‘મારી છોકરીઓ છે’ પુરુષે કહ્યું, ‘સાથે આ ત્રણ નાનાં છોકરાં છે….’
‘એની ના નથી.’ સુનીલે કહ્યું, ‘પણ વિનંતી કરવાને બદલે જે રીતે આ ત્રણેય સ્ત્રીઓ વર્તી એ મને ગમ્યું નથી અને એટલે જ હવે આ સીટ પરથી તો હું ઊભો જ નહીં થાઉં.’
‘છો ને ન ઊભો થાય. ભલે બારી પાસે પડ્યો રહે. તમે શું કામ મોંમાં તરણાં નાખો છો ?’ આધેડ વયની સ્ત્રીએ પુરુષનો ઊધડો લેતાં કહ્યું, ‘આ તો તમે છો. બીજો કોઈ ધણી હોય તો ઊંચકીને એને બહાર ફેંકી દીધો હોય ! તમને આવી તબિયતે કહેવુંય શું ?’ અને પછી બાજુમાં બેઠેલી મોટી પુત્રીને કહ્યું : ‘ઊમા, તું તારાં બેય છોકરાં પાસે બાપની બાજુમાં બેસી જા. દિનેશ, તું અહીં આવ બહેનની સીટ પર બેસ. દિવ્યા, તું દિનેશની બાજુમાં બેસ. હું પાટલીને છેડે બેસીશ….’ તેર-ચૌદ વર્ષનો છોકરો નામે દિનેશ સુનીલની બાજુમાં બેઠો.
ટ્રેન ઊપડી. સુનીલે ઊભા થઈ બૅગમાંથી એક પુસ્તક કાઢ્યું અને વાંચવામાં પરોવાયો. કુટુંબના સાત સભ્યોની ચૌદ આંખ નફરતથી સુનીલ તરફ જોઈ રહી. જેમ જેમ સ્ટેશનો પસાર થવા લાગ્યાં એમ એમ ડબ્બામાં ગિર્દી થવા લાગી. ટૂંકાં અંતરની મુસાફરી કરતા પેસેન્જરો રિઝર્વ્ડ સીટ ધરાવતા મુસાફરોને સરકવાનું કહી પાટલી પર બેસતા ગયા. ચાર-ચારની સીટ પર છ-છ કે સાત મુસાફરો બેસતા થયા. કન્ડક્ટર ન હોવાને કારણે આવા મુસાફરો દાદાગીરી કરીને પણ જગ્યા મેળવતા ગયા. નીચે જગ્યા ન મળે તો ઉપરની બર્થમાંના સામાનને ગોઠવીને પણ બેસવાની વ્યવસ્થા કરી લેતા. અત્યાર સુધી પલાંઠી વાળીને બેસી રહેલી આ ત્રણેય મહિલાઓને પણ અન્ય માટે જગ્યા કરી દેવી પડી. સ્ત્રી-પુરુષના ભેદભાવને અહીં કોઈ ગણકારતું નહોતું. એકબીજાના ખભા સાથે ચપોચપ દબાઈને બધા બેઠા હતા. આટલી ગિર્દીમાં પણ આ કુટુંબે ડબ્બામાંથી ખાખરા, થેપલાં, અથાણું કાઢીને નાસ્તો કર્યો અને એમ કરતાં બાજુમાં બેઠેલા મુસાફરોનાં કપડાંને પીળાં કર્યાં. વાઘણ જેવી પેલી મહિલા અને બે યુવતીઓની પેસેન્જરો સાથે ગરમી ઓકાતી રહી. સ્ત્રીઓ જાણીને કોઈ કશું બોલતું નહીં, પણ એ બન્નેના, ખાસ કરીને એની માનાં વર્તન અન્ય સાથે ઝઘડાભર્યાં જ રહ્યાં. આ કમ્પાર્ટમેન્ટનું વાતાવરણ અન્ય કમ્પાર્ટમેન્ટ કરતાં વધુ તનાવભર્યું હતું.
થોડી થોડી વારે પેસેન્જરો સાથે થતી રહેતી ઉગ્ર બોલાચાલી હોય કે પછી ગિર્દીનું પ્રમાણ વધતું રહેતું હોય એ કારણે, સામેની પાટલી પર પેસેન્જરોથી ચપાઈને બેઠા રહેલા આ કુટુંબના વડીલની આંખો ચકળવકળ થવા લાગી અને થોડી વાર પછી મોટી પુત્રીના ખભા પર ઢળી પડ્યા. પિતા જે રીતે એના પર ઝૂકી પડ્યા એ જોઈને મોટી પુત્રી બોલી ઊઠી : ‘બા….બા… જો ને બાપુજીને શું થયું છે ?’ આજુબાજુ બેઠેલા અન્ય પેસેન્જરો સજાગ થઈ ગયા. આ જૈફ આદમી જે રીતે ઢળી પડ્યા એ જોઈને કોઈએ કહ્યું – વાઈ આવી લાગે છે. જોડો સુંઘાડો. તો કોઈએ મોં પર પાણીની છાલક મારવાનું કે પવન નાખવાનું કહ્યું. બારી પાસે બેઠેલો સુનીલ એ આદમીના મોં સામે જોઈ શકતો ન હતો, કારણ કે વચ્ચે એ વડીલનાં પત્ની ઊભા હતાં. સુનીલે મોટી યુવતીને પૂછ્યું :
‘શું થયું છે તમારા ફાધરને ?’
‘તમારે શી પંચાત ? તમે બારી પાસે બેસીને પવન ખાધે રાખો ને !’ પ્રવાસના આરંભથી બંધાયેલું વૈમનસ્ય બોલી ઊઠ્યું. પણ સુનીલથી ન રહેવાયું. એ ઊભો થયો અને કુટુંબના મોભીના મુખ તરફ જોયું. હવે પેલી નાની યુવતીએ સુનીલને સંભળાવ્યું :
‘છાનામાના બેસી રહો ને તમારી જગ્યા પર, નહિતર એય જતી રહેશે…’ અને પછી એક છાપાનો પંખો કરી પિતાના મસ્તક પર હવા નાખવા લાગી અને બબડી – ‘પારકી પંચાતમાં નાહકનો આ શું કામ માથું મારે છે ?’
આવાં મેણાંટોણાંથી કોઈ પણનો અહમ ઘવાય, સુનીલનો અહમ પણ ઘવાયો. ક્ષણભર એ ચૂપ બેઠો, પણ પછી બન્ને બહેનોના બોલવા પર ધ્યાન ન આપતાં એ મોટેથી બોલી ઊઠ્યો :
‘પારકી પંચાતમાં એટલા માટે માથું મારું છું, કારણ કે હું ડૉક્ટર છું.’ એણે ઉપલી બર્થ પર રહેલી પોતાની બૅગ નીચે ઉતારી સીટ પર મૂકી અને એમાંથી સ્ટેથોસ્કોપ કાઢતાં પાટલી પર બેઠેલા સૌને હુકમ કર્યો :
‘પ્લીઝ, બધા ઊભા થઈ જાઓ અને આ ભાઈને સૂવા દો. મારે એમને તપાસવા પડશે.’ સુનીલના આ એક જ વાક્યથી બધા ઊભા થઈ ગયા. સુનીલે દર્દીને પાટલી પર સૂવડાવ્યા અને એની છાતી પર સ્ટેથોસ્કોપ મૂક્યું, નાડી તપાસી. દર્દીની પરીક્ષણવિધિ પૂરી થતાં જ એણે ત્રણેય મહિલાઓને ઉદ્દેશીને કહ્યું :
‘તમે આના હાથ-પગ પર મસાજ કરો ત્યાં સુધીમાં હું એમનો ઈલાજ કરું છું.’ કહી એણે બૅગમાંથી એક-બે નાનકડાં પૅકેટ કાઢ્યાં, તોડ્યાં અને પછી એમાંથી એક નાનકડી ઈન્જેક્ષનની બૉટલ શોધી કાઢી દર્દીને ઈન્જેક્ષન આપ્યું. એ પછી છાતી પર હલકા હાથે મસાજ કરતાં એક પેસેન્જરને પૂછ્યું :
‘હવે પછીનું સ્ટેશન આવતાં કેટલી વાર થશે ?’
‘બે-પાંચ મિનિટ.’
‘મોટું સ્ટેશન છે ?’
‘ના રે ના. આ તો બહુ નાનકડું છે. બહુ બહુ તો મિનિટ-બે મિનિટ ગાડી થોભે. આના પછીનું સ્ટેશન મોટું છે…’
‘કેટલું દૂર ?’
‘દસ-બાર મિનિટના અંતરે. તમારે કામ શું છે એ કહોને.’
‘તમારામાંથી કોઈ નીચે ઊતરી હવે પછી જે સ્ટેશન આવે ત્યાંના સ્ટેશન માસ્તરની રૂમમાં હું જે કાગળ લખી આપું તે આપી આવે અને કહે કે આગલા સ્ટેશને કોઈ ડૉક્ટરને કાગળમાં લખેલી દવા-ઈન્જેક્ષન સહિત હાજર રાખે….. તમે જરા અહીં આવો…. બસ, હું જે રીતે કરું છું એવા હલકા હાથે આ ભાગ પર માલિશ કરો ત્યાં સુધી હું કાગળ પર સૂચનાઓ લખી નાખું.’
પોતાના લેટરપેડ પર સુનીલે સ્પષ્ટ વંચાય એવા અક્ષરે ગુજરાતીમાં દવા-ઈન્જેક્ષનનાં નામ લખી આપ્યાં અને પેસેન્જરને સૂચનાઓ આપી. પંદર-વીસ મિનિટ પછી જ્યારે બીજું મોટું સ્ટેશન આવ્યું ત્યારે સ્ટેશન માસ્તર એક ડૉક્ટરને લઈને કમ્પાર્ટમેન્ટમાં આવ્યા. સુનીલે એ ડૉક્ટર સાથે ચર્ચા કરી. ડૉક્ટરે દર્દીને એક ઈન્જેક્ષન આપ્યું અને સાથે લાવેલી કૅપ્સ્યુલ્સ અને ઈન્જેક્ષનો સુનીલના હાથમાં મૂકતા કહ્યું :
‘ઍટેક છે, પણ બહુ મોટો નથી. તમે તાત્કાલિક સારવાર ન કરી હોત તો બીજા મોટા ઍટેકની શક્યતા હતી અને એ મોટો ઍટેક આ ટ્રેનની મુસાફરીમાં જોખમી બની જાત. તમારી પાસે કોરોમાઈસિન ડ્રૉપ્સ છે ને ! સારું છે કે આવી દવાઓ તમે સાથે રાખો છો.’
‘ના રે ના’ સુનીલે હસીને કહ્યું, ‘બહારગામ જાઉં ત્યારે ઈમર્જન્સી કીટ સાથે રાખું છું. લાઈફ-સેવિંગ ડ્રગ્સ નથી હોતાં. એક મેડિકલ કૉન્ફરન્સ ઍટેન્ડ કરીને આજે પાછો ફરું છું. કૉન્ફરન્સમાં દવા-ઉત્પાદન કરતી કંપનીઓએ જે સેમ્પલ પૅકેટ્સ આપેલાં એ અત્યારે મેં તોડ્યાં ત્યારે એક ઈન્જેક્ષન અને આ ડ્રૉપ્સ નીકળ્યાં તે કામે લાગી ગયાં…… વેલ, કાર્ડિયોગ્રામ શું કહે છે ?’ બન્ને ડૉક્ટરોએ લીધેલા કાર્ડિયોગ્રામની ચર્ચા કરી અને પછી વિઝિટિંગ ડૉક્ટરે પૂછ્યું : ‘આ પેશન્ટ ક્યાં જાય છે ?’
‘મને ખબર નથી. તમે એમના સંબંધીઓને પૂછી જુઓ. એમને માટે હું હૉસ્ટાઈલ પેસેન્જર છું. મને કૉ-ઑપરેટ નહીં કરે.’ ડૉક્ટરે ત્રણેય મહિલાઓ સાથે વાતચીત કરી અને પછી એમને સૂચનો આપતાં બોલ્યા :
‘આ ભાઈને હાર્ટ-ઍટેક છે. તમારી સાથે પ્રવાસ કરતા આ ડૉક્ટર સુનીલભાઈની તાત્કાલિક સારવારને કારણે બચી ગયા છે. એ તમારી સાથે જ મુસાફરી કરે છે એટલે હું તમારા આ વડીલને અહીંની હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ નથી આપતો. તમારા સદનસીબે તમારી સાથે એક ડૉક્ટર છે એટલે બાકીની મુસાફરીમાં એ આ કેસને સંભાળી લેશે. બે કલાક પછી તમારું સ્ટેશન આવી જાય ત્યારે સ્ટેશનેથી સીધા એને હૉસ્પિટલમાં દાખલ કરાવી દેજો. સાવચેતીરૂપે એટલું કરજો. અત્યારે એમને દવા-ઈન્જેક્ષનો આપ્યાં છે. થોડી કૅપ્સ્યુલ્સ પણ આ ડૉક્ટરસાહેબને આપી રાખી છે એટલે ચિંતા કરવા જેવું નથી. પેશન્ટને સૂવા દેજો. ચાલો ત્યારે, સંભાળજો. ગુડ-ડે ડૉ. સુનીલભાઈ.’
સુનીલે ગજવામાંથી મની-પર્સ કાઢ્યું કે સ્ટેશન માસ્તરે એમનો હાથ પકડી લેતાં કહ્યું : ‘સાહેબ, ડૉ. ગોરડિયા રેલવેના ડૉક્ટર છે. એની ફી રેલવે ચૂકવશે. તમારે ચૂકવવાની જરૂર નથી. તમે આ ભાઈના ઊતરવાના સ્થળ સુધી, અમારા વતી એટલે કે રેલવે વતી સંભાળ રાખશો એવી અમારી વિનંતી. હું આ કૉચ પર એક ઍટેન્ડન્ટ મૂકી દઉં છું. કંઈ મુશ્કેલી લાગે તો એમને કહેજો. હવે ટ્રેનને રવાના કરું છું. ગુડ-ડે, સર…’ ટ્રેન વીસેક મિનિટ જેટલી મોડી ઊપડી. કૉચમાં સાથે આવેલા ઍટેન્ડન્ટે રિઝર્વેશન વિનાના તમામ મુસાફરોને કૉચમાંથી ઉતારી મૂકતાં કમ્પાર્ટમેન્ટમાં મોકળાશ થઈ ગઈ. પોતાની બારી પાસેની સીટ પર બેસી સુનીલે ફરી પુસ્તકમાં આંખો પરોવી. દર પંદર-વીસ મિનિટે એ એના દર્દીને તપાસતો રહ્યો. એ પુરુષની પત્ની પતિના પગને ખોળામાં રાખી, એના પર હાથ પસારતી પોતાના સૌભાગ્યના રક્ષકને ત્રાંસી આંખે વારંવાર જોઈ રહેતી હતી. એને ઉદ્દેશીને બોલાયેલું પેલું વાક્ય ‘તમારે શી પંચાત ?’ હવે એને ડંખતું હતું. એણે પંચાત કરી ત્યારે તો જીવ બચ્યો. એ કશું કર્યા વિના બેઠો રહ્યો હોત તો કોઈ એને કશું કહેવાનું ન હતું કે એ ડૉક્ટર છે એની ખબર પણ પડવાની નહોતી. પોતે તો ઠીક, એની છોકરીઓ પણ એને કેવા વડચકાં ભરતી હતી ! હવે કેવી મિયાઉની મીંદડી જેવી થઈ એની જ બાજુમાં બેઠી છે ! ખરેખર, માણસને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. એને માથે આટઆટલું વિતાડ્યું છતાંય રેલવેના ડૉક્ટરને પૈસા આપવા એણે જ પાકીટ કાઢ્યું હતું, નહિતર એને આપણી સાથે શું લેવા ને દેવા ? અને આ છોકરીઓય છે કેવી ! એના બાપને આમણે જીવતો રાખ્યો છતાંય હવે એ એમની જોડે બોલે છે ખરી ? મૂંગીમંતર થઈને બેઉ બેસી રહી છે ! વિવેક ખાતર પણ કશી વાતચીત નથી કરતી, પણ ક્યાંથી બોલે ? મેં એને એવી તાલીમ આપી હોય તો ને ? મારું જોઈને એ પણ બધાય જોડે વડછડ કરતી જ રહેતી હોય છે – પછી શાકવાળો હોય, ઝાડુવાળો હોય કે ગામનો ગવંડર હોય ! કૂવામાં હોય તો હવાડામાં આવે ને ?
પોતાની કાંડા ઘડિયાળમાં જોઈ સુનીલ એની સીટ પરથી ઊભો થયો. ફરી એણે સ્ટેથોસ્કોપ મૂકી દર્દીના હૃદયના ધબકારા તપાસ્યા, નાડી તપાસી, આંખની પાંપણો ઊંચી કરી કીકીઓ તપાસી અને પછી એક કૅપ્સ્યુલ હાથમાં લઈ છોકરા દિનેશને કહ્યું :
‘પાણીનો એક ગ્લાસ ભરો.’
હવે બધા એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર થઈ ગયા હતા. એણે પેલી સ્ત્રી સામે જોઈ કહ્યું :
‘તમારા વરનું મોં જરા ખોલો. હું કૅપ્સ્યુલનો ભૂકો એમના મોંમા નાખી દઉં, એ પછી પાણી રેડી એને ગળે ઉતરાવી દેજો.’
‘હાજી, હાજી’ બધાય બોલી ઊઠ્યા. અડધા કલાક પછી એ જૈફ આદમીએ આંખ ખોલી. સૌની સામે જોયું અને ઊઠવાનો પ્રયત્ન કર્યો. બધા એમને ઊઠવાની ના પાડતા હતા ત્યારે સુનીલે કહ્યું :
‘જરા બેસાડશો તો સારું લાગશે. ચિંતા કરવાની જરૂર નથી, હું બેઠો છું ને !’
એમનું ઊતરવાનું સ્ટેશન આવ્યું ત્યારે સૌએ સામાન કાઢી બારણા તરફ ધકેલ્યો. સુનીલે ટેકો આપીને આ આદમીને નીચે ઊતાર્યો. એમની પત્નીના હાથમાં એક કાગળ મૂકતાં કહ્યું :
‘આ તમારી પાસે રાખો. એમને હૉસ્પિટલમાં લઈ જાઓ ત્યારે કદાચ ડૉક્ટરે જાણવાનું થશે કે એમને અત્યાર સુધીમાં કેવી અને કઈ ટ્રીટમેન્ટ અપાઈ છે. આ કાગળમાં એની વિગતો લખી છે. ગુડ લક….’ એ ડબ્બામાં પગથિયાં ચડવા જતો હતો ત્યાં પેલી મહિલાએ આજીજી કરી :
‘એક મિનિટ, ભાઈ…..’
એણે માથા પર સાડલાનો પાલવ નાખ્યો. બે હાથ જોડી એને વંદન કરતાં કહ્યું : ‘તમને ન ઓળખ્યા ભાઈ અમને માફ કરજો. જે જે વેણ અમે કાઢ્યાં હતાં એ ભૂલી જજો.’ અને પછી બન્ને પુત્રીઓ સામે જોઈ બોલ્યાં : ‘આમ હલેતા જેવી ઊભીઓ છો શું ? પગે લાગો, આ ન હોત તો આજે જીવતા જણને લઈને આવીએ છીએ એને બદલે મડું લઈને નીચે ઊતર્યા હોત….’ બધાએ સુનીલને વંદન કર્યા, પગે લાગ્યાં.
સૌની વિદાય લઈ સુનીલ પાછો પોતાની સીટ પર બેઠો ત્યારે એને ખૂબ જ સારું લાગ્યું. એને થયું, પેલા વિચારને દૂર ફેંકી દીધો હતો તે સારું જ થયું ને, નહિતર આજે એને આ કુટુંબે દેવ જેવો ગણ્યો ન હોત…. પેલો આદમી પુત્રીના ખભા પર ઢળી પડ્યો એને એણે જે પ્રશ્ન કર્યો અને એના પ્રત્યુત્તરરૂપે મા-દીકરીઓએ જે જવાબ આપ્યો ત્યારે ક્ષણભર તો એને એવું થઈ ગયું હતું કે છો ફોડે બધા માથું. મારે શું ? આટઆટલા મેણાંટોણાં અને કવેણ કાઢ્યા છે તો ભોગવે એના કર્યાં. મારે શું કામ આમાં પડવું ? પણ પછી માથું ધુણાવી એણે આ વિચારને હડસેલીને જે કર્યું તે….. સુનીલને ખૂબ જ સારું લાગ્યું. બારીની બહાર નજર કરતાં તે પુસ્તક લઈને સ્વ-આનંદમાં ડૂબી ગયો.
Print This Article
·
Save this article As PDF
બહુ જ સરસ વાત. બીજાને મદદ કરવાનુ શીખવા જેવુ છે. ગણાત્રા સાહેબની વાર્તા હંમેશા સરસ બોધ લઇને આવેછે.
Prerak varta!!docters dhyan rakhe…
ખુબ સુંદર વાર્તા.
ઘૃણા અને અહંકારનું વિસર્જન કરાવતી પ્રેરણાત્મક ઘટના.
દાકતરે પોતાની વિદ્યા ઉજાળી.
શત્રુ ઉપર એક ઉપકાર વધારે કરવાથી જલ્દી જીતાય છે.
માણસની વિદ્યા અને જ્ઞાન બીજાના કામમાં આવે ત્યારે મનુષ્યત્વ આભને આંબે છે.
આભાર.
સાચી વાત.
ખુબ સરસ વાર્તા. ગીરીશભાઈની દરેક વાર્તા એક બોધકથા જેવી હોય છે જે વાંચવી તો ખુબ ગમે જ છે પરંતુ સાથે સાથે કાંઇને કાંઇ શીખવી પણ જતી હોય છે.
હંમેશની જેમ આ વાર્તામાં પણ ગિરીશભાઈની કલમનો જાદુ છવાઈ જાય છે.
આપણી આસપાસ રોજબરોજ ઘટતી ધટનાઓને તેમની કલમ એક ચલચિત્ર ની જેમ રજુ કરે છે. હું એ રેલ્વે કંપાર્ટમેન્ટનો એક મુસાફર બનીને ઘટનાં ને નિહાળી રહ્યો હોવ તેવું લાગ્યું.
આવી કર્કશા અને કુસંસ્કારી પત્ની અને તેના જ extention જેવી તેમની દિકરીઓ વચ્ચે રહેતાં પુરુષ પાત્રને હાર્ટ-એટેક ન આવે તો જ નવાઈ. 🙂
તમારા અભિપ્રાયનાં શબ્દે શબ્દ સાથે સહમત ઃ)
Excellant Story… Doctors are really God Gifted and 100% faithful to their job, no matter whatever hurdle comes, they accept challanges readily and fight untill they get success.
Hats of to Girishbhai…Wonderful story again..
આજ ની વાર્તા નો ડો. સુનીલ, સરેરાસ વૈશ્વિક માનવતા નું પ્રમાણ વધારે છે
જે થોડા સમય પહેલા રીડ ગુજરાતી પર ડો. શરદ ઠાકર ની વાર્તા “પૂરી પાંચ ભૂલ” ના ડો. સુકુમાર શાહ કરતા વિરોધી પ્રતિક્રિયા દર્શાવે છે
સુંદર વાર્તા… અપકાર નો બદલો ઉપકાર જ હોય…
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે……………
પ્રેરણા સભર વાત.
ખુબ સરસ. ગણાત્રા સાહેબની વારતા પ્રેરણાદાયક હોય છે.
યુધ્ધટાણે અસવાર આટલુ કર, પ્રથમ તારા અહંમ નો સંહાર કર.
ને વેર લેવાનો નવો રસ્તો કહુ,શત્રુ ઉપર બીજો એક ઉપકાર કર.
શ્રી ગિરીશ ગણાત્રા ખૂબ સુંદર લેખો લખે છે. મારા જીવનસાથી શ્રી સુભાષ દેસાઈ તો એમના ખાસ ચાહક છે.
આપની જાણ ખાતર જણાવું તો શ્રી. ગિરિશભાઈને ગુજર્યાને ખાસ્સો સમય થયો, આ લેખો તો જન્મભુમિ
પ્રવાસીમાં આવતી તેઓશ્રીની “ગોરસ્ નામની લેખ્શ્રેણીમાં થી સાભાર્……
વાર્તા વાચિ મન ખુશ થઇ ગયુ.બિજાને હમેશા મદદ કરવાનિ મારિ ટેવને પ્રોત્સાહન મળ્યુ.
શ્રી ગિરીશભાઈની વારતા હોય એટ્લે સરસ અને પ્રેરણાવાળી જ હોય.
ચંદનના વૃક્ષને સાપ વિટળાય તો પણ્ ચંદનનુ વૃક્ષ પોતાની સુગંધ જ પ્રસરાવે તેને વિષ ના વળગે.
ગીરિશ ભાઈના લેખો જીવનમા ઉતારવા જેવા હોયછે, હુ તેમનાલેખો વાર્તાઓની ચાહકછુ ઇન્ડિયા હતી ત્યારે તો જન્મભૂમિપ્રવાસી
નિયમિત વાચતી હતી , અહીયા નથી મળતુ એટલે એ લાભ નથી મળતો પણ ક્યરેક ક્યારેક રીડ ગુજરાતી દ્વારા આવુ મનગમતુ
વાચન મળી રહે છે એટલે સન્તોષ થાય છે.
પ્રવાસમા બધાએ હળીમળીને રહેવુ જોઇએ, કોણ ક્યારે કોને ઉપયોગી થૈ પડે તે કહેવાય નહી. આખરે ઉતરવાનુતો બધાએ છેજ્
તો માન્પૂર્વક ગાડીમાથી કે મનમાથી ઉતરવુ શુ ખોટુ?
સુંદર વાર્તા.
doctor did good job
raj
GOOD STORY MAZZA AVE GHAI
સુંદર વાર્તા
saras vat kidhi che koi game tevu vartan kare apde saru vartan karvu
sarash story che
ખુબજ સરસ એક ડોક્ટર ની સાચી સમાજ સેવા,, બધા જ ડૉક્ટરે આમ કોઇ પણ જાત ની અપેક્શા વગર સેવા કરતી રેવી જોઇ
ખુબ સરસ વાર્તા છે.
AN EXCELLENT STORY BY SHRI GIRISH GANATRA SIR.
ખૂબ જ સરસ વાર્તા. આજે ઘણા લોકોના ઇગો પોતાના જ સ્વજનો વડે નાની નાની વાતોમાં ઘવાઈ જતા હોય ત્યારે આવી વાતો પ્રેરણાદાયી બની રહે છે. ઘણીવાર આપણો ઇગો આપણને કંઇક સારું કરતા અટકાવે છે.
ખૂબ આભાર,
નયન
ખૂબ જ સારી વાર્તા છે.
ડોક્ટર પરથી વિશ્વાસ ઉઠતો રહી જાય એવી કથા. કદાચ આના માટે જ કહેવાયઃ રણમા વિરડી. બાકી તો આવા ડોક્ટર શોધ્યા ય જડે તેમ નથી.
માણસોને ઓળખી લો તો ખરા,
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.
‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.
આ લેખ ખુબ ગમ્યો ખરેખર માણસે બિજા ને મદદ કરવિ જોઇએ. દરેક સાથે સારિ રિતે વર્ત્વુ જોઈઅએ
Wonderful story. Doctor has kept lot of patience, kept his ego aside and performed his duty by saving someone’s life.
Thank your for sharing this, Enjoyed reading this beautiful story!
ખુબ સુન્દર …
excellent story sir….
very good story sir, but today’s doctors are not like Dr.Sunil in this story. but its a nice lesson that everyone have to help the others, ane atle j aapde “MANAS” kahevaye chhiye