- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વિચારબિંદુઓ (ભાગ-2) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1 [1]) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.]

[1] એક રીતે જોઈએ તો મહાપુરુષો જે કહે છે તે સૌ કોઈ જાણતા હોય છે. એ જ વાતો બધે વાંચવા મળે છે. તેમ છતાં મહાપુરુષોની વાણી જુદી જ અસર કરી જાય છે કારણ કે તેઓની વાણીમાં આચરણની ઊર્જા ભરેલી હોય છે. શબ્દરૂપી કારતૂસ જ્યારે આચરણરૂપી બંદૂકમાં મૂકીને ફોડવામાં આવે છે ત્યારે સામેવાળાને આરપાર ઊતરી જાય છે.

[2] અગાઉના સમયમાં જ્યારે ઘરનું કોઈ એક સદસ્ય અભ્યાસ વગેરેમાં સફળતા હાંસલ કરે ત્યારે ઘરનાં સૌ ભેગાં થઈને જમણવાર કરતાં. એ રીતે આનંદ કરતાં. ક્યારેક પ્રકૃતિનો આનંદ લેવા પિકનિકનું આયોજન થતું. પરંતુ આજે આ તમામનું સ્થાન ‘પાર્ટી’એ લીધું છે. સફળતા વ્યક્તિની અને કમાય આધુનિક હોટલો ! આનંદ તો સૌને થતો હોય છે પરંતુ એ આનંદ વ્યક્ત કરવા માટે વ્યક્તિ કેવો આધાર લે છે એના પરથી પ્રજાની સંસ્કારિતા કે વિલાસિતા ખ્યાલ આવે છે.

[3] કોઈ પણ કલાની સાધના આજીવન કરવી પડે છે ત્યારે તેનો કંઈક થોડો અંશ પામી શકાય છે. જીવન પણ એક કલા છે તેથી તેને યોગ્ય ઘાટ આપવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. તેમ છતાં ઘણા લોકો એમ માને છે કે જે રીતે અભ્યાસમાં સફળતા મેળવી, કંપનીના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા, એ રીતે રિટાયર્ડ થયા પછી બાકીનું બધું તત્વજ્ઞાન કે જીવનનું જ્ઞાન પ્રોજેક્ટની જેમ જ જાણી લઈશું ! જીવન એ કોઈ પ્રોજેક્ટ નથી. એ તો છે જાતને ઓળખવાની નિરંતર ચાલતી આજીવન ધીમી પ્રક્રિયા.

[4] પરીક્ષામાં સવાલનો જવાબ યોગ્ય રીતે લખવાથી ગુણ મળી જાય છે. પરંતુ ઈશ્વર જ્યારે પરીક્ષા લે છે ત્યારે આ પદ્ધતિ લાગુ પડતી નથી. ઈશ્વરને ત્યાં ગુણ માણસની વૃત્તિને જોઈને મૂકવામાં આવે છે. જવાબ ખોટો હોય એટલે કે ક્રિયા વિપરિત હોય તો વાંધો નહિ પરંતુ એની પાછળ વૃત્તિ કેવી છે તે મહત્વનું છે. જેમ કે માતા બાળકને ક્યારેક ઠપકારે છે પરંતુ એની એ વેરવૃત્તિ નથી. સવાલ માત્ર વૃત્તિનો છે !

[5] ઘણી વાર એક જ ઘરમાં રહેતા પિતા-પુત્ર પોતાના પૈસાથી અલગ ગાડી વસાવતા હોય છે. પગભર થયાનો આવો દેખાડો શા માટે ? જ્યાં ‘મારું-તારું’ હોય એવા ઘરમાં ભલે ધનના ઢગલા હોય પરંતુ વિચારોમાં ક્યારેક એકસુત્રતા હોતી નથી. કુટુંબમાં અર્થોપાર્જન કરનાર વ્યક્તિ પોતે કુટુંબ વતી કમાઈ રહ્યો છે એવો ભાવ રાખે તો જ કુટુંબ એક તાંતણે બંધાઈને રહે. એમ થાય તો જ સંવાદ રચાય. જ્યાં સંવાદ નથી ત્યાં કોલાહલ હોય છે. એવા ઘરને પછી ‘ધર્મશાળા’ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

[6] વિવિધ પ્રકૃતિના માણસો વચ્ચે સૌનો સ્વીકાર કરીને આગળ વધતા રહેવું એ ઘણી મોટી વાત છે. આ માટે પાયાનું શિક્ષણ સંયુક્ત કુટુંબમાંથી મળતું હોય છે. અનેક વિચારભેદ અને મતભેદો વચ્ચે પણ સૌને જોડી રાખતું તત્વ એ ‘પ્રેમ’ છે. સંયુક્ત કુટુંબ એ પ્રેમના પાઠ શીખવતી આદર્શ પાઠશાળા છે.

[7] વોશિંગ મશીન, ટીવી જેવા દરેક ઉપકરણો સાથે ‘User’s Manual’ આપવામાં આવે છે, જેથી તે ઉપકરણ બરાબર યોગ્ય રીતે વાપરી શકાય. આપણું સાહિત્ય એ આપણા આ જીવનનું ‘User’s Manual’ છે. એ વાંચ્યા વગર જ લોકો ગમે તેમ જીવ્યે જાય છે તેઓ જીવનને લાંબા ગાળે ઘણું મોટું નુકશાન પહોંચાડે છે. જે ઘરમાં વાંચન નથી, ત્યાં ભલે ગમે એટલી ભૌતિક પ્રગતિ હોય તો પણ એ ધૂળ બરાબર છે.

[8] શિક્ષણ તમને એક રૂપિયો કેવી રીતે કમાવવો એ જરૂરથી શીખવી શકે, પરંતુ એ એક રૂપિયો કેવી રીતે વાપરવો એ સમજવા માટે તો તમને કેળવણીની જ જરૂર પડશે.

[9] ફિલ્મોમાં હીરોને પહેલવાન જેવો મજબૂત બતાવવામાં આવે છે. મજાની વાત એ છે કે એ પહેલવાન જેવા શરીરની પાછળ રૂ કરતાંય પોચું મન રહેલું હોય છે. જેનો પોતાની વૃત્તિ અને આવેગો પર જ કાબુ નથી એને ‘મનુષ્ય’ કહી શકાય ખરો ? એવા મજબૂત શરીરમાં રહેલું માયકાંગલું મન શા કામનું ? પશુનો પોતાના પર કાબુ હોતો નથી. મનુષ્ય પણ જો એ રીતે વર્તે તો એને આપણે કઈ કક્ષામાં મૂકવો ? જેમની વિચારશક્તિ શૂન્ય થઈ ગઈ છે તેમને આવા હીરો પોતાના જીવન આદર્શ લાગે છે !

[10] ઘણા લોકોના મન ગામડાની કેડી જેવા નિર્જન એટલે કે શાંત અને વિચારમુક્ત હોય છે. બીજી તરફ ઘણા લોકોના મન અમદાવાદના સમીસાંજના ટ્રાફિક જેવા વિચારોથી ધમધમતા હોય છે. આખરે મનને કેવું બનાવવું એ આપણા હાથની વાત છે !

[11] જીભમાં જેમ બધા જ પ્રકારના સ્વાદ રહેલા છે તેમ માણસમાં બધા જ પ્રકારની વૃત્તિઓ રહેલી છે. આપણે જ્યારે બહારના જગતમાં કામ કરતાં હોઈએ ત્યારે એ વાતે સભાન રહેવું જોઈએ કે કોની સાથેનો સંપર્ક આપણામાં કેવા પ્રકારની વૃત્તિને ઉત્તેજિત કરે છે. એને જ ‘સંગ’ કહ્યો છે.

[12] ખબર નહીં કેવી રીતે, પરંતુ કોઈ પણ વ્યક્તિને ધ્યાનથી સાંભળીએ તો તેણે કહેલા શબ્દો કરતાં તેણે ન કહેલા શબ્દો ખૂબ સ્પષ્ટ રીતે સંભળાતા હોય છે. માણસ ભલે ને ગમે તેટલા રૂપ બદલે પરંતુ તેનો પારદર્શક સ્વભાવ તેને આપમેળે જ ખુલ્લો કરી દે છે. આમ થાય છે ત્યારે જગત જેની ‘વાહ વાહ’ કરતું હોય એવી વ્યક્તિ પ્રત્યે આપણને કોઈ ભાવ જાગતો નથી.

[13] વ્યવહાર સાચવવા માટે અપાતી દિવાળીની કિંમતી ભેટ એટલે આખા વર્ષનું કામ કઢાવી લેવાનું આગોતરું આયોજન !!

[14] વિનોબાજી પાસે એક વિદ્યાર્થી આવ્યો અને કહ્યું : ‘હું આચાર્ય બનવા માગું છું.’ વિનોબાજીએ કહ્યું : ‘તું આચાર્ય જરૂર બનજે. પ્રોફેસર ના બનીશ કારણ કે પ્રોફેસર શબ્દનો એક અર્થ ઑક્સફોર્ડ ડિક્સનેરી પ્રમાણે ‘To Profess=ઢોંગ કરવો’ એમ થાય છે; જ્યારે આચાર્ય એટલે કે જે આચરણ કરીને બતાવે છે તે.’

[15] અમુક પુસ્તકો એવા હોય છે જે આપણને પ્રભાવિત કરે છે. એની લેખન શૈલીમાં તણાઈને દિવસો સુધી આપણે અહોભાવમાં રહેતા હોઈએ છીએ. પરંતુ એ સાચા પુસ્તકો નથી. સાચા પુસ્તકો એ છે જે પ્રકાશિત કરે છે, પ્રભાવિત નહીં. ગાંધીજીની આત્મકથા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમાં પ્રભાવિત થવાય એવી કોઈ શૈલી નથી. પરંતુ એ હૃદયને ભરી દે છે. પ્રભાવિત કરવું એ બુદ્ધિનો ગુણ છે, પ્રકાશિત કરવાનું કાર્ય હૃદયથી થતું હોય છે.

[16] મોટી હોટલો કે સંસ્થાઓમાં પાણીનો દુર્વ્યય અટકાવવા માટે ખાસ પ્રકારના નળ હોય છે. એ નળમાંથી અમુક નિશ્ચિત માત્રામાં પાણી આવે છે. અમુક સમય પછી તે બંધ થઈ જાય છે. જીવનમાં પૈસા કમાવવા માટેની આ આદર્શ પદ્ધતિ છે. જરૂરિયાત પૂરતું માણસે મેળવી લેવું. એ પછી પણ જો આવક ચાલુ રહે તો એનો ઉપયોગ નહીં, મોટે ભાગે દુર્વ્યય જ થતો હોય છે.

[17] જીવનમાં જો ધનનું એટલું બધું મહત્વ હોત તો ચલણી નોટ પર ગાંધીજીની જગ્યાએ ધીરુભાઈ અંબાણીનો ફોટો હોત ! નવાઈની વાત એ છે કે ધનાઢ્ય વ્યક્તિઓના ફોટા ક્યારેય ચલણી નોટ પર જોવા નથી મળતા અને જેમણે સંપત્તિનો યથાયોગ્ય ઉપયોગ કરીને જીવનને મહત્વ આપ્યું છે તેવા ચારિત્ર્યવાન લોકો સૌમાં પૂજ્ય બન્યા છે.

[18] સંતો અને મહાપુરુષો આ જગતના ‘ઈન્ટીરિયર ડેકોરેટર્સ’ છે. બ્રહ્માજીએ તો પાંચ તત્વનું ખોખું જ તૈયાર કર્યું હતું ! એને જીવવાલાયક આ મહાપુરુષોએ બનાવ્યું છે. તેઓએ ઉત્તમ આચરણથી આ જગતને સજાવ્યું છે. આપણે જે કંઈ વિચાર વૈભવ માણી રહ્યા છે એ તેમની દેન છે.

[19] એક પરિચિત સ્નેહીએ હમણાં સુંદર વાત કહી : ‘બાળકોને અભ્યાસક્રમમાં સ્પેશ શટલની રચના અને એના ભાગો વિશે ભણવાનું આવે છે. એ બાળકની સાત પેઢીમાં કોઈ સ્પેશ શટલ રીપેર કરવા જવાનું નથી ! પરંતુ એ જે સ્કૂટી લઈને શાળાએ આવે છે, એનો પ્લગ ખરાબ થયો હોય તો તે એને જોતાં આવડતું નથી ! બાળકોને તેની નજીકનું જે છે તે પહેલા શીખવવું જોઈએ. ગેસનો બોટલ બદલવો, ઘરનો ફિયુઝ બાંધવો, વાહનનું સામાન્ય સમારકામ કરવું… વગેરે શીખવાની જરૂરિયાત સૌથી પહેલી છે.’

[20] થોડા સમય અગાઉ એક નાનકડા ગામમાં એક વૃદ્ધ બાને મળવાનું થયું. વાતવાતમાં તેમણે કહ્યું કે ‘આજે મારે ઉપવાસ છે.’ મને નવાઈ લાગી કારણ કે તેઓ ગરમ ગરમ ભાખરી ઉતારી રહ્યાં હતાં. મેં પૂછ્યું : ‘તમે તો એકલા રહો છો. તો આ કોની માટે ?’ તેમણે કહ્યું : ‘હું ક્યાં એકલી રહું છું ? આ અમારી શેરીના કૂતરાં અને ગાયોને માટે તો મારે બનાવવું જ પડે ને…’ – આ ભારત છે. ભારતના આંતરમનને સમજવા માટે બુદ્ધિ નહીં, હૃદયની જરૂર પડે છે.

[21] જાણીતા સાહિત્યકાર હિમાંશીબેન પાસે એક સરસ વાત જાણવા મળી. તેમણે કહ્યું કે : ‘સ્વામી આનંદ એમ કહેતા કે આખા જગતના મનુષ્યો, તેની સર્વે સિદ્ધિઓ અને આ આખું જગત જો કોઈ ચોરસ ખોખામાં મૂકીને પાણીમાં ડૂબાડી દેવામાં આવે તો ફક્ત બે વખત બુડ બુડ અવાજ થાય. બસ એટલું જ.’ જે માણસ વિચારશીલ છે એ તો જાણે જ છે કે આ જગતની સર્વ સિદ્ધિઓનું મૂલ્ય બે ક્ષણનું છે. હું ડૉક્ટર, હું એન્જિનિયર કે હું એમ.બી.એ. – એવો પદનો ગર્વ જ્યારે ઊભો થાય ત્યારે માણસે સમજવું જોઈએ કે આ ‘બુડ બુડ’ અવાજથી વિશેષ કંઈ નથી. કેટલાય આ જગતમાં આવી ને ગયા અને કેટલાય આવશે. આપણે કયા ખેતની મૂળી ?

[22] માણસ ક્યારેક ગભરાઈ જાય ત્યારે એના શરીરમાં બેચેની થવા માંડે છે, પેટમાં ગરબડ ઊભી થાય છે અથવા ક્યારેક ઊલ્ટી પણ થાય છે. કદાચ એ સમયે એના શરીરને તપાસવામાં આવે તો એવું તારણ નીકળે કે અમુક શારીરિક અસ્વસ્થતાને કારણે આમ થયું છે પરંતુ હકીકતે એનું મૂળ કારણ હોય છે માનસિક અસ્વસ્થતા. બરાબર આ રીતે કુદરતી આપત્તિ જેમ કે ધરતીકંપ… એને ભૌતિક રીતે જોવામાં આવે તો એમ જ લાગે છે કે પ્લેટો ખસવાને કારણે ધરતીકંપ થાય છે. હકીકતે એ તો માત્ર બાહ્ય દર્શન છે. માણસ-માણસ વચ્ચે અંતર વધે, સદભાવ ઘટે, વેરવૃત્તિ વધતી જાય, મુલ્યોનો લોપ થતો જાય ત્યારે કુદરત આવી કોઈક યોજના ઘડી કાઢે છે. ક્યારેક ભેગા ન થતા હોય એવા માણસો કુદરતી આપત્તિના સમયે એક રસોડે જમે છે. પહેલાં ‘પાપ વધી જાય તો ધરતીકંપ થાય’ એમ કહેવાતું. એ વૈજ્ઞાનિક રીતે ગળે ઊતરતું નથી પરંતુ સુક્ષ્મ તરંગોનો અભ્યાસ કદાચ ભવિષ્યમાં થશે તો માણસના બોલાયેલા શબ્દો પણ શું અસર કરે છે તે માપી શકાશે અને ત્યારે કદાચ દુષ્વૃત્તિઓને માપી શકાશે અને તેનાથી આ પ્રકારની ઘટનાઓ બને છે એમ સાબિત કરી શકાશે. માનવ અને પ્રકૃતિના સંબંધના રહસ્યો સમજવા જેવા છે.

[23] નાનકડો એવો સેકન્ડ કાંટો ધીમે ધીમે ચાલે છે પરંતુ એ વર્ષોના વર્ષો ફેરવી નાંખે છે. એ રીતે માનવ જીવનમાં પણ જો નાનકડો એવો સદગુણ કેળવાય, સતત વિકસતો રહે તો એ આખા જીવનને ફેરવી નાખે છે. પરિવર્તન અત્યંત ધીમું હોય છે. એ અવિરત થતું રહે છે. એને નવા વર્ષે બદલાતા કેલેન્ડરના આંકડાઓ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. વર્ષ બદલાવાથી અચાનક જીવન ‘Happy’ નથી થઈ જતું, એને ‘Happy’ કરવા માટે આખું વર્ષ સતત ચઢતા રહેવું પડે છે.

[24] માણસના મનનો પ્રભાવ બહારના વાતાવરણ પર ઘણો હોય છે. વિચારોથી વાતાવરણ બંધાતું હોય છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ છે હોટલ અને હોસ્પિટલ. આજે આ બંને અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ એક સરખાં હોય છે પરંતુ બંનેના આંતરિક વાતાવરણ જુદા જુદા હોય છે કારણ કે ત્યાં જનારની મનઃસ્થિતિમાં આસમાન-જમીનનો ફરક હોય છે. તેથી જ ગમે તેવી અદ્યતન હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ કોઈ એમ નથી કહેતું : ‘વાહ શું ફ્લોરિંગ હતું, શું ગાલીચા હતા, મજા પડી ગઈ..!’

[25] બાળકમાં કોઈ પણ કલાનો અતિ વિકાસ થાય ત્યારે એ મોટેભાગે બાળપણને ભોગે થતો હોય છે. એ બાળક પછી ચાવી ભરેલું રમકડું બની જાય છે. તે ‘ના’ નથી કહી શકતું. તેને લોકો સામે સતત પોતાની કલા પ્રદર્શિત કરવા તૈયાર રહેવું પડે છે. આમ ને આમ તે પોતાનું બાળપણ ખોઈ બેસે છે. બાળક એનું બાળપણ માણે એ જ તેની સૌથી મોટી સિદ્ધિ છે.

[26] દર્શન એટલે માત્ર જોવું જ નહિ પરંતુ જોવું, સમજવું અને વિચારવું. ટ્રાફિક પોલીસ હાથ બતાવે એટલે ટ્રાફિક રોકાઈ જાય, એ ‘દર્શન’ થયું. પરંતુ ધ્યાનપૂર્વક સમજતાં એમ લાગે કે શું એ સાદા કપડાંમાં આવીને હાથ બતાવે તો ટ્રાફિક રોકાય ખરો ? એથી આગળ, એ ડ્રેસમાં તે કોઈ બીજા રાજ્યમાં જાય તો એની સત્તા ચાલે ખરી ? કદાચ ન ચાલે, કારણકે ત્યાં ડ્રેસ જુદો હોય. આમ, એક જ દશ્યના મૂળ સુધી પહોંચીને સુક્ષ્મમાં જવું એનું નામ ‘દર્શન’ છે.

[27] બાળકો ‘સ્ટેચ્યૂ’ની રમત રમતાં હોય છે. ‘સ્ટેચ્યૂ’ બોલાય એટલે જે કંઈ કરતાં હોઈએ, ત્યાં ને ત્યાં અટકી જવાનું ! કાશ એ રમત આપણે મોટેરાંઓ પણ રમીએ. વિકાસના નામે થતી રોજની ભાગદોડ અને અમર્યાદિત અપેક્ષાઓ પાછળની આંધળી દોટને કોઈ ‘સ્ટેચ્યૂ’ કહી દે તો કદાચ આપણે ફુલોની સુગંધ અને પક્ષીઓના ટહુકાને હૃદયમાં ભરીને જીવનની સાર્થકતા શેમાં છે તે સમજી શકીએ.

[28] યુવાનીમાં વ્યક્તિ બુદ્ધિના શિખર પર બિરાજતો હોય છે. એના દરેક નિર્ણયો પર તે ગર્વ અનુભવતો હોય છે. એની મુખમુદ્રા ગંભીર હોય છે. એ જ સમયે એને ત્યાં બાળકનું અવતરણ કરાવીને ઈશ્વર એને કાલુંકાલું બોલતો કરી દે છે ! ભલે માણસ બોલે નહીં, પરંતુ અંદરથી તો એ સમજતો હોય છે કે બાળકે એને એની બુદ્ધિના અટપટા જંગલમાંથી બહાર કાઢીને આનંદલોકની સફર કરાવી છે. આથી જ બાળકો સૌને પ્યારા લાગે છે.

[29] અખબારોમાં આવતી શ્રદ્ધાંજલિ જાણે મરણોત્તર ક્રિયાનો એક ભાગ બની ગઈ છે. શોક પણ ક્યારેક પ્રદર્શન કરવાનું સાધન બની રહે છે. પચ્ચીસમી કે પચાસમી પુણ્યતિથિ નિમિત્તે અપાતી શ્રદ્ધાંજલિ એ બહુધા શ્રદ્ધાંજલિ ઓછી અને ઝીણા અક્ષરે છપાતી ધંધાકીય જાહેરાત વધુ હોય છે !

[30] એક સમય હતો જ્યારે માનવીય ચિત્ત પર ચરિત્રોનો અને સાહિત્યનો સદપ્રભાવ હતો. આજે માનવીય ચિત્ત બાહ્ય વાતાવરણ અને પરસ્પરના સંગથી પડેલી કૂટેવોનું ગુલામ છે.

[31] ક્યારેક લાગે છે કે સમાજનું માનસિક સ્તર એટલું કથળી ચૂક્યું છે કે દરેક ક્ષેત્રમાં મનોરંજન ઉમેરવું પડે છે ? કોચિંગ કલાસના સંચાલકો કહે છે કે ફક્ત જીવ રેડીને ભણાવવાથી પણ વિદ્યાર્થીઓ નથી મળતા. એ માટે વર્ષમાં એક-બે વાર પિકનિક રાખવી પડે છે, ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવું પડે છે અને સાહેબના જન્મદિવસે બધાને આઈસ્ક્રીમ ખવડાવો પડે છે !

[32] સાહિત્યકાર કે સંગીતકારના જીવનને નજીકથી જોઈએ કે તેમના રૂબરૂ સંપર્કમાં આવીએ ત્યારે ઘણીવાર તેમના સ્વભાવની વિચિત્રતાઓ અને કુટેવો નજર સમક્ષ આવે છે. એ સમયે આપણને એમ થાય કે આટલા મહાન માણસ અને આવી દુર્બળતા ? પરંતુ ચિંતા કરવી નહીં. ઘણી વાર નળ ગંદો હોય છે, પણ તેમાંથી આવતું પાણી શુદ્ધ હોય છે. આથી, આપણે તો દૂરથી ગ્લાસ ભરીને પી લેવું !

[33] એ તો સારું છે કે આપણે આપણો આવતો જન્મ કેવો આવવાનો છે તે જાણતા નથી…. બાકી તો આપણે એની માટેનું આયોજન પણ અત્યારથી કરવા માંડીએ. આગલા જન્મનો વીમો અત્યારથી લેવા માંડીએ ! પાર વિનાના લાંબા આયોજનોમાં આપણે આપણી વર્તમાન પળ ચૂકી જઈએ છીએ.

[34] ઈશ્વર પોતે ‘શ્રેષ્ઠ જીવન’ નામનો કોઈ એવોર્ડ આપવાની શરૂઆત કરે તો એ એવોર્ડ મોટે ભાગે સાવ અબુધ, નિર્દોષ અને સામાન્ય દેખાતા માનવીઓને ફાળે જાય તેવી ભરપૂર શક્યતાઓ છે. ભણેલા-ગણેલા, બૌદ્ધિક અને કહેવાતા ડાહ્યા માણસો કે કલાકારોને તે મળે કે કેમ એ શંકા છે !