પતંગિયા-પ્રભાવ – ગીતા રાયજી

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

આજકાલ પશ્ચિમના તત્વજ્ઞાની વિજ્ઞાનીઓએ એક સિદ્ધાંતની ખોજ કરી છે. કહે છે, પૃથ્વીના એક ગોલાર્ધમાંનું એકાદ પતંગિયું પાંખો ફફડાવે, તો બીજા ગોલાર્ધમાં ઊઠેલા પ્રચંડ વાવાઝોડા પર પણ તેનો પ્રભાવ પડી શકે. આ સિદ્ધાંત ‘બટરફલાય ઈફેક્ટ’ તરીકે જાણીતો છે. પર્યાવરણ-પ્રેમી મંડળીઓમાં તો એ એટલો લોકપ્રિય થઈ ગયો છે કે એની કહેવત બની ગઈ છે.

વિદેશોની પર્યાવરણ-પ્રેમી મંડળીનો એક બીજો પણ ઉદ્દઘોષ છે, ‘સૌ પહેલાં પૃથ્વી !’ આપણને સર્વોદયનો ‘જય જગત’ નારો યાદ આવી જાય. એ લોકો પોતપોતાની સૂઝબૂઝ પ્રમાણે યોજનાઓ ને કાર્યક્રમો બનાવે છે ને નિષ્ઠાપૂર્વક એમાં લાગી જાય છે. એમાંનો એક કાર્યક્રમ છે ‘Tree Sitting’ – વૃક્ષાસન ધરણાં. જેમ ‘ચિપકો આંદોલન’માં લોકો વૃક્ષને વળગી પડે છે, એમ આ લોકો ઝાડ પર ચડીને બેસી જાય છે ને વૃક્ષને બચાવવા તનતોડ મથે છે.

આર્કાન્સાસમાં રહેતી એક યુવતી જુલિયા હીલે વિશ્વનો પ્રવાસ કરવાનો કાર્યક્રમ ઘડ્યો. જુલાઈ 1997માં એ પ્રવાસે નીકળી પડી. પ્રવાસ દરમ્યાન એ ઉત્તર કેલિફોર્નિયાસ્થિત વિખ્યાત ‘રેડવુડ ફોરેસ્ટ પાર્ક’માં આવીને વૃક્ષોનું નિરીક્ષણ-પરીક્ષણ કરવા લાગી. આ રેડવુડ જંગલમાં દુનિયાનું સૌથી ઊંચું – 112.10 મીટરની ઊંચાઈનું અને હજાર વર્ષ પુરાણું ‘લૂના’ નામનું એક વૃક્ષ છે. એની પાસે આવતાં જુલિયાને વિલક્ષણ અનુભવ થયો. એ કહે છે, ‘અહીં આવ્યા પહેલાં મને ચર્ચના પવિત્ર વાતાવરણમાં પણ ન થઈ હોય એવી પાવન અનુભૂતિ થઈ. હું ઘૂંટણિયે પડી ગઈ. રડી પડી ને પછી હસી પડી. મારો પોતાનો-નિજનો કોઈ અંશ અજાણતાં જ ખોવાઈ ગયો હોય એવું મને લાગ્યું. આ અગમ્ય અનુભૂતિને શબ્દોમાં ઉતારવી મારે માટે અશક્ય છે. છતાં મને એટલું તો સમજાઈ ગયું કે મારે માટે હવે કશુંયે પહેલાં જેવું રહ્યું નથી !’ હવે પૂર્વવત્ રોજિંદા જીવનમાં એ ગોઠવાઈ શકે એવું ન રહ્યું. એ તરત ત્યાંથી પાછી ફરી. આર્કાન્સાસમાં આવી એણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પોતાની પાસે જે કંઈ હતું, ફલેટ, ઘરવખરી વગેરે બધું કાઢી નાખ્યું અને રેડવુડ જંગલ તરફ આ ‘લૂના’ ઝાડને બચાવવા નીકળી પડી.

આજથી 130 વર્ષ પહેલાં, યુરોપિયનોના આગમન પૂર્વે અહીં કેલિફોર્નિયાની ઉત્તરે ને દક્ષિણ ઓરેગોનની કિનારપટ્ટીમાં લગભગ 20 લાખ એકરના વિસ્તારમાં વિશાળ જંગલ હતું. ક્રમે ક્રમે એ જંગલ કપાઈ જતાં આજે તો એનો 4% એટલે કે માત્ર 80 હજાર એકરનો વિસ્તાર જ બચ્યો છે. એ પણ હાલ તો કેવળ રાજ્યના પાર્ક તરીકે રહ્યો છે, જેમ કે ‘હંબોલ્ટ રેડવુડ સ્ટેટ પાર્ક’ અને ‘રેડવુડ નેશનલ પાર્ક.’ અહીં આડેધડ વૃક્ષો કપાઈ જવાથી જીવસૃષ્ટિની 35 પ્રજાતિઓની નષ્ટપ્રાય હાલત થઈ ગઈ છે. આની આસપાસ રહેતાં નિવાસીઓની વિડંબનાઓનો પાર નથી. એ બધાંના અસંતોષનો અવાજ કોઈ સાંભળતું નથી. ‘રોઝમરી વોલ્ટર’ નામની ત્યાંની એક બહેન કહે છે, ‘મને લાગે છે કે કોર્પોરેશન્સ ફક્ત અમારાં જંગલોનો જ સફાયો નથી કરતાં, અમારું પ્રજાતંત્ર પણ ખતમ કરી રહ્યાં છે.’ રેડવુડ જંગલોમાં હજીયે સેંકડો વર્ષ જૂનાં ઝાડ ઊભાં છે, મસમોટી કોર્પોરેટ કંપનીની ખાનગી માલિકીએ આ વિસ્તારનો કબજો લઈ લીધો છે અને એની લોભી નફાખોર વૃત્તિ હવે રહ્યાં સહ્યાં અમૂલાં ઝાડોને પણ ખતમ કરી રહી છે.

અહીં રેડવુડમાં આવીને 23 વર્ષીય જુલિયા લૂના પર ઊંચે ચડીને વૃક્ષાસન-ધરણા (ટ્રી-સિટિંગ) પર બેસી ગઈ. સન 1997નો ડિસેમ્બર મહિનો ચાલતો હતો. એ કહે છે, ‘આ વૃક્ષોને બચાવવા માટે હું કશું ન કરું, તો એના વિનાશ માટે પૅસિફિક મેક્સામ કંપની જેટલી જ હુંયે જવાબદાર ગણાઉં.’ જુલિયાએ ધારેલું કે એના પર્યાવરણ-પ્રેમી બિરાદરો એક પછી એક આવીને વારાફરતી ધરણા કરશે. પણ કશા કારણે કોઈ આવ્યું નહીં અને જુલિયાના વૃક્ષાસન ધરણા લંબાતાં ગયાં. લૂનાની 180 ફૂટની ઊંચાઈ પર જુલિયાએ પોતાનું 3 x 7 ફૂટનું માચડા-ઘર બનાવી લીધું. ઉપર છત્રી જેવું કપડું બિછાવી દીધું. બસ, આટલું જ એનું સંરક્ષણ. ન મળે શૌચાલય કે ન મળે નહાણિયું. ઠંડીમાં ગરમાટો લાવવા માટે પણ કશું સાધન ન મળે. મિત્રો ને સ્નેહીઓ આવી આવીને એને ઉપર ખાવાનું પહોંચાડે. કોર્પોરેટ કંપનીએ એને રોકવાની ભારે મથામણ કરી. જાતજાતની તરકીબ અજમાવી. પ્રકાશનો પ્રચંડ મારો કરીને એને કેટલીયે રાતો ઊંઘ ન લેવા દીધી. શીંગડા જેવું વાજું વગાડીને ખૂબ ઘોંઘાટ મચાવ્યો. એને ડરાવવા માટે ઉપર હેલિકૉપ્ટર પણ ઉડાડ્યું. સૌથી વધારે પીડા તો જુલિયાને એ વાતની થઈ કે આસપાસનાં સેંકડો વર્ષો જૂનાં ઝાડ કાપી-કાપીને એની દિશામાં ફંગોળવા માંડ્યાં. એ કહે છે, ‘એ વૃક્ષોને કપાતાં જોવાં એ મારે માટે મિત્રો ને સ્નેહીઓની કતલ થતી જોવા સમાન હતું.’

કોઈ યુક્તિ કામ ન આવી એટલે કંપનીએ એને ભૂખે મારવાનો ઉપાય અજમાવ્યો. લૂનાની ફરતે કંપનીના માણસોએ ઘેરાવ કર્યો. અઠવાડિયા સુધી જુલિયા માટે કશી ખાદ્ય સામગ્રી ન પહોંચી શકી. આ બધું ઓછું હોય એમ કુદરતે પણ જાણે જુલિયાની કસોટી કરવા માંડી ! એક વાર તો કલાકના નેવું માઈલની ઝડપે ને કરાંનો વરસાદ વરસાવતું એવું વાવાઝોડું ફૂંકાયું કે જુલિયાના માંચડા ઉપરની ચાર તોતિંગ ડાળીઓ તૂટી પડી. એનાથી એનું નાનું અમથું માંચડાઘર પણ ભાંગી ગયું. વાવાઝોડું 18-20 દિવસ સુધી તાંડવ મચાવતું રહ્યું. ઠંડીથી જુલિયાના પગ કાળા પડી ગયા.

વૃક્ષ પર રહ્યાને દિવસો ને મહિનાઓ વીતતા ગયા, તેમ એને પ્રાર્થના ને ધ્યાન-ચિંતન કરતાં કરતાં વૃક્ષનું અંતરંગ ગૂઢ જ્ઞાન સમજાવા માંડ્યું. અંતરની મૌન વાણીમાં એનો વૃક્ષ સાથે વાર્તાલાપ પણ થવા માંડ્યો. જુલિયા કહે છે, ‘એક વાર તો કેટલીયે રાતો ઊંઘ વિનાની ગઈ એટલે મને રડવું આવી ગયું. મને થયું, હવે આથી વધારે મારાથી નહીં સહેવાય. ટકી નહીં રહેવાય.’ પણ હવે તો વૃક્ષને છોડી જવાનું પણ નહોતું બનતું. વ્યાકુળ અવસ્થામાં એને વૃક્ષનો સંકેત જાણે મળ્યો, ‘અમે અહીં હજારો વર્ષોથી ખડાં છીએ, ને બધી લીલી-સૂકી પાર કરીને જીવી રહ્યાં છીએ. તું પણ એમ કર. તું એમ કરી શકીશ.’ વૃક્ષના સંવાદે જુલિયાની બધી નબળાઈ ખંખેરી નાંખી. જુલિયા કહે છે, ‘એને કારણે હું મારી પોતાની દયા ખાવા (Self-Pity) માંથી ઊગરી ગઈ.’ જુલિયાને જાણે નવી સ્ફૂર્તિ મળી. લાંબો કાળ ઝાડ પર રહેવાને કારણે એને દોરડા વિના ને પગરખાં વિના જ ચઢ-ઊતર કરવાની ટેવ પડી ગઈ. એક વર્ષ પછી એની મુલાકાતે ગયેલા એક પત્રકારે લખ્યું છે, ‘હજી અડધે, લગભગ સો ફૂટ જેટલું દોરડાને સહારે ચડતાંમાં તો મને પરસેવો વળી ગયો. પણ આ જુલિયા તો આટલી બધી ઊંચાઈએથી પણ ઉપર-નીચે સહજતાથી સરકતી હતી !’ ધીરે ધીરે જુલિયા માટે પરિસ્થિતિ અનુકૂળ થવા લાગી. ઝાડ ઉપરથી જ સેલફોન દ્વારા એનો સંપર્ક વ્યાપક થતો ગયો. આખરે કંપનીએ નમતું જોખ્યું ને જુલિયાની બધી શરતો માન્ય કરી લીધી. એ પ્રમાણે હવે પછી લૂના-વૃક્ષને ક્યારેય કાપવામાં નહીં આવે. એની ફરતો વન-પ્રદેશ પણ સદાને માટે સુરક્ષિત રાખવામાં આવશે.

પૂરાં બે વર્ષ પછી, 1999ના ડિસેમ્બરની 11મી તારીખે 25 વર્ષીય જુલિયા લૂના પરથી નીચે ઊતરી. ઊતરતાંની સાથે રોમાંચિત થઈ એ બોલી ઊઠી, ‘અહા ! કેવું અદ્દભુત ! પગ-તળેની આ ભૂમિ પર પૂરાં બે વર્ષ સુધી હું ચાલી ન શકી. ધરતીમાતાનો આ જાદુઈ સ્પર્શ હું ક્યારેય, કદાપિ નહીં ભૂલી શકું !…..’ લોકોની સાથે વાતચીતમાં એણે કહ્યું, ‘આ છે ‘પતંગિયાનો સંદેશ ! હું પોતે એનું જીવતું-જાગતું પ્રમાણ છું. તોફાનો અને ગાઢ અંધારાને પાર કરીને હું નીકળી છું. હું આખેઆખી બદલાઈ ગઈ છું.’ પછી એક ઘણી માર્મિક, મહત્વની વાત એણે કરી, ‘મારું કહેવું છે કે આપણી આત્મશક્તિ વિશે આપણે શંકા ન કરવી જોઈએ. કેમ કે આખી પૃથ્વીને ડુબાડી દે તેવું વિરાટ મોજું છો ને આવતું, છતાં એકાદ મામૂલી જીવની આત્મશક્તિની નાની અમથી હલચલ પણ એને બદલાવી નાખવા સમર્થ છે !…’

જુલિયાએ પોતાનું નામ બદલીને જુલિયા હીલને બદલે ‘જુલિયા બટરફલાય હીલ’ કરી લીધું છે. ચેતનાની ઉત્ક્રાંતિમાં, એના વિકાસક્રમમાં ખરે જ એ કોશેટામાં પુરાયેલી ઈયળમાંથી પતંગિયું બની ગઈ છે. અનંત આકાશ નીચે ઊડતું નાનું-શું પતંગિયું !…..

(અંગ્રેજી ‘રીસર્જન્સ’ તથા મરાઠી ‘તરુણ ભારત’ પરથી સારવીને…)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુગ્રથિત વ્યક્તિત્વ એટલે શું ? – ભાણદેવ
ચાલતાં ચાલતાં સિંગાપોર – કલ્પના દેસાઈ Next »   

4 પ્રતિભાવો : પતંગિયા-પ્રભાવ – ગીતા રાયજી

 1. ખુબ સુંદર.

  ઘણી અનુભૂતિઓ એવી હોય કે એ પોતે અનુભ્વ્યે નહિ ત્યાં સુઘી સમજાય જ નહિ..

  “જુલિયાએ પોતાનું નામ બદલીને જુલિયા હીલને બદલે ‘જુલિયા બટરફલાય હીલ’ કરી લીધું છે. ચેતનાની ઉત્ક્રાંતિમાં, એના વિકાસક્રમમાં ખરે જ એ કોશેટામાં પુરાયેલી ઈયળમાંથી પતંગિયું બની ગઈ છે. અનંત આકાશ નીચે ઊડતું નાનું-શું પતંગિયું !…”

 2. nayan panchal says:

  ખૂબ ખૂબ સુંદર પ્રેરણાદાયી લેખ.

  માનવામાં નથી આવતુ કે અમેરિકા જેવા દેશમાં આજના હાઈટેક યુગમાં કોઇ કંપની એક સામાન્ય નાગરિકના સારા હેતુમાં આટલા બધા અવરોધો નાખી શકે. ગાંધીજીના સત્યાગ્રહની જેમ જુલિયાની જીત થઈ ખરી.

  જ્યારે જ્યારે આપણે એક નાનુ પણ સારું કામ કરીએ છીએ ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં તેની અસર અનુભવાતી હશે. અને જ્યારે જ્યારે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ ત્યારે ત્યારે પણ…

  ખૂબ આભાર,
  નયન

 3. maitri vayeda says:

  સરસ લેખ.

 4. Veena Dave. USA says:

  જુલિયાને સેલ્યુટ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.