ઓળખવા દે – સંજુ વાળા

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !

પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન-
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !

સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે
રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે !

કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું નિમંત્રણ
કબૂલ, પણ આ વિરહવ્યથાના બંજરને તો ઓળખવા દે !

વલ્કલ અથવા ચર્મ પહેરી રણ-અરણ્યો ખેડું કિન્તુ
મળ્યું ચામડી નામે તે આ વસ્તરને તો ઓળખવા દે !

હો મારું એકાન્ત અડીખમ, તુંય રહે તારામાં નિશ્ચલ,
પણ, પ્રથમ આ હોહા કરતા લશ્કરને તો ઓળખવા દે !

બેઉ હથેળી માથે મૂકી છાયો કરવા ચાહે છે પણ-
હે મા ! ક્ષણભર આકાશી આ છત્તરને તો ઓળખવા દે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલતાં ચાલતાં સિંગાપોર – કલ્પના દેસાઈ
ગીત – પ્રફુલ્લ પંડ્યા Next »   

0 પ્રતિભાવ : ઓળખવા દે – સંજુ વાળા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.