- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

પોળનું સામૂહિક જીવન – ચંદ્રકાન્ત કડિયા

[ લેખકનું બાળપણ અમદાવાદની ‘શેખના પાડા’ નામની પોળમાં જે રીતે વીત્યું છે તેના સંસ્મરણો તેમણે તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘અમારો શેખનો પાડો’ નામના પુસ્તકમાં ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. તેમના આ લેખોમાં પોળનું સામૂહિક જીવન, દિનચર્યા, યાદગાર પ્રસંગો અને બાળકોની વિવિધ રમતોનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અમારી ‘શેખના પાડા’નામની પોળમાં છેલ્લી-પાંચમી – નામ વગરની ખડકી. ખડકીમાં ભોંયતળિયે કોઈ મકાન નહીં. પીલર્સ અને દીવાલોના આધાર પર મકાનોની રચના. ખડકીના ખુલ્લા ભાગમાં એ મકાનમાં જવા માટેના દાદર હોય. દાદર સિવાયની બધી જ જગ્યા હરીફરી શકાય તેવી. એવા એક મકાનમાં જવા માટેનો દાદર વિશિષ્ટ રચનાવાળો. પાંચેક પગથિયાં સીધાં ચડીએ અને કાટખૂણે દાદરની દિશા બદલાઈ જાય અને બીજા સાતેક પગથિયાં ચડો એટલે પહેલા માળના ઓરડામાં પ્રવેશ થાય. પહેલાં ચાર-પાંચ પગથિયાંના પાછળના ભાગમાં થોડીક જગ્યા રહે. એ જગ્યા એ અમારી કાળુડી કૂતરીની જગ્યા. જેનો રખેવાળ અમારો લાલિયો કૂતરો. કૂતરી તેના બચ્ચાંને જન્મ આપવાની હોય એના થોડાક દિવસ અગાઉથી જ ભૂલકાંઓની અમારી ટોળી કામે લાગી જાય. શિયાળાની ઠંડીના દિવસો હોય. કેટલીક જગ્યાએથી મહેનત કરીને અમે ટબૂરિયાંઓ કંતાનના કકડાઓ ભેગા કરીએ. માટીના અડધા તૂટેલા ઘડા કે માટીનાં ઠીંકરાં શોધી લાવીએ. કાળુડી કૂતરીને ઠંડી ન લાગે તે માટે તે જગા પર કંતાન પાથરી દઈએ અને ગલૂડિયાઓના જન્મની રાહ જોઈએ.

જે દિવસે ગલૂડિયાંઓનો જન્મ થાય એ દિવસે કાળુડી કૂતરીને સારા એવા પ્રમાણમાં દૂધ પિવડાવવામાં આવે અને કોઈકના ઘરેથી શીરો પણ ખવડાવવામાં આવે. પોળના સૌ કુટુંબ માટે દૂધનો વારો નક્કી કરવામાં આવે અથવા તો દૂધના પૈસા ઉઘરાવવામાં આવે. અમારાથી મોટી ઉંમરના છોકરાઓ દૂધની વ્યવસ્થા કરે. જે દૂધવાળાની દુકાનેથી દૂધ લાવવાનું હોય તે દૂધવાળો પણ ઓછી કિંમતે દૂધ આપે. માટીના એ ખાસ પાત્રમાં દૂધ ઠાલવવામાં આવે અને વળી કાળુડી કૂતરીને તેના પરિવાર સાથે પિવડાવવામાં આવે. અમારી એ કાળુડી કૂતરીએ પાંચ-છ ગલૂડિયાંઓને જન્મ આપ્યો હોય. અમારી ટબૂરિયાંઓની ટોળીમાંથી દરેક જણ એક બચ્ચા ઉપર પોતાનો હક જમાવી દે. કાળુડી કૂતરીનો અમને એ સમયે ક્યારેય ડર લાગ્યો નથી. જોકે અમે લાલિયા કૂતરાની આમન્યા રાખતા હતા. વહેલી સવારે અમે પાંચ-છ ટબૂરિયાંઓ ભેગાં થઈએ. શિયાળાની ઠંડીના દિવસો હોય. દરેક ટબૂરિયું પોતાના ગલૂડિયાને ખોળામાં લે, પંપાળે, ઊંચું નીચું કરે. પોતાના ગલૂડિયાના શરીર પરના રંગનું નિરીક્ષણ કરે. થોડી વારમાં ગલૂડિયાંઓ માટેનું દૂધ મોટા છોકરાઓમાંથી કોઈ લઈ આવ્યું હોય. ગલૂડિયાંઓને દરેક ટબૂરિયો પોતાની જાતે માટીના એ પાત્રમાં દૂધ પિવડાવવા માટે તેનું મોં છેક દૂધ સુધી લઈ જાય. એકસાથે અમારી કાળુડી કૂતરીનાં એ ગલૂડિયાંઓ દૂધ પીતાં. થોડીક વારમાં તો એ દૂધ ખલાસ થઈ જાય. આ સ્મરણ છે છ-સાત વર્ષની ઉંમરનું.

પોળમાં કુમારપાળ અને મહિપાલ નામના બે ભાઈઓ. એમના બાને અમે સૌ નવી બા કહીએ. એ નવી બાનો કૂતરાંઓ પ્રત્યે અપાર પ્રેમ. પોળમાં ભાગ્યે જ કોઈ વડીલને કૂતરાંઓ પ્રત્યે એટલો પ્રેમ હશે. આર્થિક મુશ્કેલીઓમાં પણ નવી બા કૂતરાંઓને માટે દૂધ અને રોટલો નીરવાનું કામ કરે જ. અમારી કાળુડી કૂતરીએ જ્યારે બચ્ચાંઓને જન્મ આપ્યો હોય ત્યારે વધારે દૂધ પિવડાવવાની જરૂર પડે. તે સમયે અમે છોકરાઓ ક્યારેક નવી બા પાસે દૂધ લેવા જઈએ. (પોળમાં રહેતા એક બાને અમે ‘નવી બા’ નામે બોલાવતા.) અમારા અને નવી બાના મીઠા સંબંધોમાં મુખ્ય સેતુરૂપ આ કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ હતો. પોળમાં અમારા લાલિયા કૂતરાને પકડવા માટે એક વાર મ્યુનિસિપાલિટીની લારી તેના માણસો સાથે આવી હતી. પોળના કેટલાક વડીલો લાલિયા કૂતરાને પકડાવવાની તરફેણમાં, કેટલાક તટસ્થ રહે પરંતુ અમારા આ નવી બા કૂતરાં પકડાવવાની પ્રવૃત્તિ સામે ખુલ્લી રીતે મોરચો માંડે, વિરોધ કરે. એમના ત્રીજે માળના મકાનની બારીમાંથી અમને છોકરાઓને ઈશારો કરે કે લાલિયા કૂતરાને ક્યાં સંતાડવો. રીતસરના સામસામી મોરચા ખડા થયા હતા. એકબાજુ અમારો લાલિયો કૂતરો, ટેણિયાંની અમારી ટોળી અને નવી બા. બીજી બાજુ કૂતરા પકડનાર મ્યુનિસિપાલિટીનો સ્ટાફ, જાણે કે ટાસ્ક ફોર્સ અને પોળના કેટલાક વડીલો. ભારે દોડાદોડી અને ધમાચકડી મચી ગઈ. આખરે અમારો લાલિયો કૂતરો એક ખડકીનો નાનો કોટ કૂદીને દેવાસાના પાડાની હદમાં (પોળનું નામ) જતો રહ્યો અને મ્યુનિસિપાલિટીનો કૂતરા પકડવાવાળો પેલો સ્ટાફ નિરાશ થઈ પાછો ગયો. અમારી ટેણિયાઓની ટોળીનો જય જયકાર થઈ ગયો. લાલિયા કૂતરાનો આ વિજય અમે દિવસોના દિવસો સુધી વાગોળ્યા કર્યો. એ સમયે નવી બાનો હસતો ચહેરો અમે જોયો હતો એ આજે પણ મારી સ્મૃતિમાં અકબંધ સચવાયો છે.

પોળમાં બહેનોનું જીવન સામાજિક-સામૂહિક જીવનના લક્ષણો વિશેષપણે પ્રકટ કરતું હતું. કોઈ એકના ઘરે પાપડ બનાવવાના હોય તો પોળની 12-15 બહેનો તે ઘરમાં બપોરે ભેગી થાય. જે ઘરમાં પાપડ વણવાના હોય એ ઘરમાં પૂરતી સંખ્યામાં વેલણ ન હોય તો કેટલીક બહેનો પોતાના ઘરેથી વેલણ પણ લઈ આવે. પાપડ વણવાના કાર્યક્રમની જાણ બે દિવસ અગાઉ એ બહેનોને કરવામાં આવી હોય. બહેનો વાતો કરતી જાય અને પાપડ વણતી જાય. કામનો બોજો લાગે નહીં. જાતજાતની, અલકમલકની વાતો થાય અને આનંદ કરતાં કરતાં કામ પૂરું થઈ જાય. પાપડ વણવા આવનાર બહેનોને ત્રણ-ચાર ગુલ્લાં ઘરે લઈ જવા માટે પણ આપવામાં આવે. શ્રમ વિભાજનની સ્વૈચ્છિક રીતે ચાલી આવતી આ પરંપરા પોળના સામૂહિક જીવનનું લક્ષણ હતું. આ જ પ્રમાણે વડીઓ મૂકવાની હોય ત્યારે થોડીક ઓછી સંખ્યામાં બહેનો ભેગી થાય. જૂના સાલ્લા કે ધોતિયાના ચોખ્ખા ટુકડા પર આ વડીઓ મૂકવાની પ્રક્રિયા સર્જનાત્મકતાનો અનુભવ કરાવે. નાની નાની એકસરખી સાઈઝની વડીઓ મૂકવામાં કોની કુશળતા વધારે છે તેની જાણે કે હરીફાઈ થાય. કોઈ કોઈ બહેન તો એવા નિપુણ હોય કે એકસાથે એકસરખી ઝડપે વડીઓ મૂકે. કોઈ કોઈ તો બન્ને હાથે આવી જ એકસરખી ઝડપે મૂકતી હોય. આ વડીઓ અગાશીમાં કે છાપરાં પર તડકામાં સૂકવવામાં આવે. અમારી નાના છોકરાઓની બે-ત્રણ જણની ટુકડી કોઈકવાર છાપરાં ઉપર આ અડધી પડધી સુકાવેલી વડીઓ સાચવીને ઉખેડીને મોંમાં સરકાવી દેતાં. એ નાની ઉંમરે ચોરીછૂપીથી નાનું મોટું આવું પરાક્રમ કરીને કોઈ વસ્તુ ખાવાની કેમ ખૂબ જ મજા આવતી હતી તેનો જવાબ આજે પણ મેળવી શકાતો નથી.

એ જમાનામાં સુતરાઉ સાડલા પહેરવાનો રિવાજ. આ સુતરાઉ સાડલાની ઈસ્ત્રી ખૂબ જ સરસ રીતે થાય તે માટે ભાતના ઓસામણમાં તેને બોળવામાં આવે. કોઈ ઘેર જે દિવસે એકસાથે આવા સાત-આઠ સાલ્લા ભાતના ઓસામણમાં બોળવાના હોય તો આજુબાજુના ત્રણ-ચાર ઘરમાં અગાઉથી જાણ કરીને ભાતનું ઓસામણ રાખવાની સૂચના આપી દે. આમ ત્રણ-ચાર ઘરેથી ભાતનું ઓસામણ ભેગું કરવામાં આવે અને એ પાણીમાં સાત-આઠ સાલ્લા પલાળવામાં આવે. આ ભાતના ઓસામણમાં પલાળેલાં સાલ્લા દોરી પર સૂકવવાને બદલે બે બહેનો બે બાજુના છેડા પકડીને હવામાં વીંઝણું નાંખતા હોય તેમ સાલ્લાને ફેરવે. આ પ્રકારના કામમાં પોળના અમે નાના છોકરાઓ મદદમાં આવીએ. એક બાજુના બે છેડા પોળનો કોઈ છોકરો પકડે અને મદદ કરાવે. ત્રણ-ચાર સાલ્લા સૂકવે ત્યાં સુધી એ છોકરો કંટાળે નહીં. એક છોકરો કંટાળે ત્યારે બીજા છોકરાની મદદ લેવામાં આવે. દરેક ઘરમાં આવાં નાનાં-મોટાં કામ પોળના બીજા કોઈ નાનાં-મોટાંઓની મદદ લઈને ખૂબ જ સહજ રીતે પાર પાડવામાં આવતાં હોય. મદદ કરનારને મદદ કરવાનો કોઈ ભાર નહીં. અત્યંત સહજ રીતે પરસ્પરના સહયોગનો આવો યજ્ઞ એ પોળના સામૂહિક જીવનની લાક્ષણિકતા હતી.

મોટી ઉંમરનાં કોઈ પણ વૃદ્ધ માજી દૂધ કે દહીં લેવા માટે તપેલી લઈને ઘરની બહાર નીકળે કે તરત જ રમત રમતાં છોકરાઓમાંથી કોઈ પણ છોકરો સહજ રીતે જ એ તપેલી પોતાના હાથમાં લઈ લે. દૂધ કે દહીં લાવવા અંગેની જે કોઈ સૂચના હોય તે બરાબર સાંભળી લે. એ છોકરાની સાથે બીજા બે-ત્રણ છોકરાઓ દેવાસાના પાડાની પોળમાં દૂધની દુકાન સુધી તેને સંગાથ આપે અને વાતો કરતાં કરતાં ટહેલતાં ટહેલતાં દૂધ કે દહીં લાવીને એ માજીના ઘરમાં આપી આવે. એ સમયે એમની રમતમાં કોઈ ભંગ પડતો અનુભવે નહીં. એમની રમતના જ એક ભાગરૂપે જાણે આવાં નાનકડાં કામ પણ થઈ જતાં હોય એવી સરળતા અને મસ્તીનો એ અનુભવ કરે.

અમારી પોળના વાતાવરણમાં અન્ય પોળના છોકરાઓ પણ ભળી જતા. દાદાસાહેબની પોળની સામે ખૂબ જ નાનાં મકાનમાં રહેતો રસિક નામનો છોકરો અમારી પોળના વાતાવરણમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો. અમે સૌ તેને રસિક થરાદના નામથી સંબોધન કરતાં. આ રસિક વહેલી સવારથી કે મોડી રાત સુધી અમારા શેખના પાડામાં જ રહે. પોળના કેટલાંય છોકરાઓ સાથે મારામારી કરી હશે. પરંતુ તેવા સમયે પોળના અન્ય છોકરાઓની આંખમાં તે હંમેશા સમકક્ષ ગણાતો. તે સમયે બીજી પોળનો છોકરો ગણીને તેની સાથે ક્યારેય વ્યવહાર કરવામાં આવે નહીં. એ રસિકનું કુટુંબ ઘણું મોટું. પિતા નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતાં. પાંચ ભાઈઓ, બા, ત્રણ-ચાર બહેનો એમ કુલ 10થી વધુ વ્યક્તિઓનું કુટુંબ દાદાસાહેબની પોળની સામે રોડ પર આવેલા એક મકાનની નાની લાંબી રૂમમાં રહેતું હતું. ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવતું કુટુંબ ધીમે ધીમે સખત પરિશ્રમ અને નાનાં-મોટાં રોજગાર-ધંધા કરીને સુખી થયું. એ જ પ્રમાણે શેખના પાડાની બહાર દેવાસાના પાડા તરફ નીકળીએ અને પહેલું જ મકાન આવે તેમાં અમારો મિત્ર કિરીટ રહે. તેના ઘરની પાછળ રબારીવાસ. આ કિરીટ તથા તેના ભાઈઓ હંમેશાં અમારી પોળમાં જ રમવા આવે. તેઓને ક્યારેય આઉટસાઈડર ગણવામાં આવ્યાં ન હતાં. એ રીતે અમારો શેખનો પાડો ઉદારમતવાદી હતો.

પોળનાં કેટલાંક ભાણેજ, એમનો તો જાણે પોળ પર સવાયો હક. મુંબઈમાં રહેતો પોળનો આવો એક ભાણેજ. તેનું નામ જયકુમાર. ઉનાળાની રજાઓમાં તેઓનું કુટુંબ મોસાળમાં રહેવા આવે. જયકુમાર તથા તેનો એક નાનો ભાઈ, તેની બે બહેનો, ક્યારેક તેનો મોટો ભાઈ વગેરે રહેવા આવે. એ જમાનામાં મુંબઈમાં રહેનારાઓ માટે અમને સૌને એક પ્રકારનો અહોભાવ. મુંબઈની વાતો સાંભળવી બહુ જ ગમે. અમારા એ જયકુમારે અમારા માનીતા મોટા ભાગના હીરો-હીરોઈન સાથે મુંબઈમાં ફિલ્મ જોયેલી. જયકુમારનાં આવાં ગપ્પાં શરૂઆતમાં અમે ભોળાભાવે માની લેતા. પરંતુ ધીમે ધીમે અમારામાં જેમ જેમ શાણપણ આવતું ગયું તેમ તેમ જયકુમારની વાતોમાં મુંબઈના દશ્યો ઓછાં થવા માંડ્યાં. એ કુટુંબ ક્યારેક ક્યારેક અમદાવાદની કે અમારા પોળના જીવનની ટીકા કરે ત્યારે અમારી અંદર રહેલો વિદ્રોહ તીવ્રપણે પ્રગટે. અમારા શેખના પાડાનું અપમાન એ સમયે અમારા મનોજગતને રાષ્ટ્રના અપમાન કરતાં પણ વધારે આઘાત પહોંચાડે. અમે ત્યારે જાતજાતની તરકીબોથી એ કુટુંબને ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરીએ. આખરે એ કુટુંબ પણ પ્રેમપૂર્વક અમારા શેખના પાડાના વાતાવરણમાં ભળી ગયું. અમદાવાદમાં રહેતાં એવાં બીજા પણ કેટલાંક ભાણેજો હતાં જેઓ પોળમાં પોતાના મોસાળમાં રહેવા આવે. મારો મિત્ર જયંત કોલસાવાળા, મારો બીજો મિત્ર રાહુલ સુતરિયા, મારાં ફોઈબાનો છોકરો જેનું નામ મહેશ. (પરંતુ પોળના સૌ તેને મહેશ નાથિયો કહે) વગેરે સૌને શેખના પાડાએ પોતાના હૃદયમાં સમાવી લીધા હતા. જયંત કોલસાવાળા ખૂબ સુખી કુટુંબનો પરંતુ તેને પોળના મધ્યમ વર્ગના વાતાવરણમાં જ વધારે ગમે. આમ અમારા શેખના પાડાની પોળ અને તેનું વાતાવરણ આવા જુદાં જુદાં પાત્રોથી અનેકરંગી બનતું હતું.

પોળમાં કેટલાંક શ્રીમંત કુટુંબોમાં વર્ષો જૂના ઘરઘાટી હોય. આ ઘરઘાટી શબ્દ ઘણાં વર્ષો પછી ઉપયોગમાં લેવાતો થયો. એ સમયે તો નોકર શબ્દ વપરાતો. વર્ષોથી આવા નોકર પોળમાં કોઈ કુટુંબમાં સેવાઓ આપતાં હોય. તેઓ પોળનાં સામૂહિક જીવનનો એક ભાગ જ બની જતા. આ નોકરોએ પોળનાં કેટલાંય છોકરાઓને નાનપણથી મોટા થતાં જોયા હોય. પોળના અમારા પેલા અશોકકાકાના ઘરે જ્યારે એમના મોટા ભાઈનું કુટુંબ પણ રહેતું હતું ત્યારે તેમનો એક મગન નામનો નોકર હતો તે આજે પણ મારી સ્મૃતિમાં આવે છે. આ મગન એ ઘરનાં નાનાં-મોટાં તમામ કામ કરે. ઘરના છોકરાઓ જમવાના સમયે જમવા આવે નહીં તો આ મગન તેઓને પકડીને ઘરે લઈ જાય. પોળના કેટલાય નાના છોકરાઓને આ મગને તેડ્યા હશે, રમાડ્યા હશે. અમે છોકરાઓ થોડાક મોટા થઈએ અને રિલીફરોડ પર રસ્તો ઓળંગવો હોય તો આ મગનની આંગળી પકડીને અમે રસ્તો ઓળંગવાનું શીખતા હતા. અમે છોકરાઓ ક્રિકેટ રમતા હોઈએ કે ગિલ્લી-દંડા રમતા હોઈએ અને એ સમયે આ મગન પસાર થાય તો થોડીક વાર માટે ક્રિકેટની રમત કે ગિલ્લી-દંડાની એ રમત બંધ થઈ જતી કે જેથી મગનને એ બૉલ કે ગિલ્લી વાગે નહીં. પોળના બીજા વડીલો જેટલી જ, ક્યારેક તો પોળના વડીલો કરતાં પણ વધુ આમન્યા અમે આ મગનની રાખતા હતા. આટલી આમન્યા રાખતા હોવા છતાં સરતચૂકથી ક્યારેક જો મગનને બૉલ વાગી જાય તો મગનનો માર પણ કોઈ એકાદ છોકરાને પડે. એ સમયે મગન આ પોળમાં કોઈનો નોકર છે એવો ખ્યાલ કોઈ પણ છોકરાના મનમાં આવે જ નહીં. મગનને પોળનાં વડીલ તરીકે જ દરેક છોકરાએ કુદરતી રીતે જ, સહજ રીતે જ પોતાના હૃદયમાં સ્થાપ્યો હોય, સ્વીકાર્યો હોય.

પોળમાં કોઈના ઘરે લગ્નનો પ્રસંગ આવે એટલે અમને છોકરાઓને તોફાન-મસ્તી કરવાની અને લગ્નને માણવાની એક સરસ તક મળી જાય. એ જમાનામાં લગ્ન માટે વાડીઓ કે હૉલ તો હતા જ નહીં. પોળમાં જ લગ્ન થાય. પોળના છોકરાના જો લગ્ન હોય તો એ વરરાજા વરઘોડો લઈને બીજી પોળમાં જાય. બેન્ડ-વાજા હોય અને કોઈની પણ મોટરગાડી એ સમયે વરરાજાને લઈ જવા માટે આવેલી હોય, ફૂલોથી શણગારેલી હોય. ફૂલોથી શણગારેલી એ ગાડી જો વહેલી આવી ગઈ હોય તો અમારા છોકરાઓની ટોળી ધીમેથી, ખૂબ જ સાવચેત રહીને એ મોટર નજીક પહોંચી જાય. કોઈ સંયમી (!) છોકરો તેમાંથી એક-બે ફૂલ તોડે અને એમાંથી પ્રેરણા લઈને કોઈ છોકરો ફૂલની લાંબી શેર એ મોટર પરથી ખેંચી કાઢે. મોટરના આ શણગારનું ધ્યાન રાખનાર કોઈક હોય જ અને તે તરત જ છોકરાઓને ધમકાવે, ક્યારેક તો થપ્પડ પણ મારે. પણ એ વાત ત્યાં પૂરી જ થઈ જાય. થપ્પડ મારનાર કે થપ્પડ ખાનાર પોતાની સ્મૃતિમાં આવી દુર્ઘટનાઓને લાંબો સમય સાચવી ન રાખે. પોળમાં કોઈ કન્યાનાં લગ્ન હોય તો વરઘોડો પોળમાં આવે તે સમયે પોળના ચોગાનની એક બાજુ થોડીક ફોલ્ડિંગ ખુરશીઓ મૂકેલી હોય. કોઈ સુખી કુટુંબમાં લગ્નનો પ્રસંગ હોય તો ગાદી-તકિયા પણ પાથરવામાં આવે. એક બાજુ લગ્નની ચૉરી બનાવવામાં આવી હોય. આ ચૉરીને આસોપાલવનાં તોરણથી અને ફૂલોથી શણગારેલી હોય. લગ્નના ફેરા શરૂ થાય કે તરત જ છોકરાઓની ટોળી આ ચૉરી પાસે આવી જાય. છોકરાઓને ચૉરીથી દૂર રાખવા માટેની પાકી વ્યવસ્થા હોય તેમ છતાં થોડોક સમય પણ એ વ્યવસ્થા કરનારાઓ ગાફેલ રહે કે તરત જ છોકરાંઓની ટોળીમાંના કોઈ એક બે છોકરાઓ આસોપાલવનું તોરણ કે ફૂલનો શણગાર ખેંચી આવે અને જ્યાં લગ્નની વિધિ પૂરી થઈ વરરાજા અને વહુ ચૉરીમાંથી બહાર નીકળ્યા ત્યાં તો છોકરાઓની આ ટોળીને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એ ચૉરીના શણગારને રફે-દફે કરવાનો પૂરો હક મળી જાય. લગ્નપ્રસંગે એ જમાનામાં ‘રાસબરી’ નામનું પીણું આપવામાં આવતું હતું. છોકરાઓને વિધિસરનાં આમંત્રણની જરૂર જ ક્યાં હોય ? પોળમાં લગ્નપ્રસંગે આમંત્રણના પ્રમાણમાં રાસબરીની બાટલીઓની સંખ્યા નક્કી કરવામાં આવતી ત્યારે છોકરાઓની સંખ્યાને ગણતરીમાં લેવામાં આવે જ. પોળના કોઈ પણ લગ્નમાં અમારો દરજ્જો ખાસ વિશિષ્ટ આમંત્રિત તરીકેનો જ હોય. નહીંતર એ લગ્નનો પ્રસંગ હેમખેમ પાર પડી શકે નહીં. અમારી આ ન્યુસન્સ વેલ્યુ માટે અમે સૌ છોકરાઓ હંમેશાં ગૌરવનો જ અનુભવ કરતાં. લગ્નપ્રસંગોમાં પોળના કેટલાક જૂના નોકરોને ખાસ આમંત્રણ આપવામાં આવતું હતું. અને જેનાં ઘેર લગ્નપ્રસંગ હોય તેનાં નાનાં-મોટાં કામમાં ખૂબ જ સ્વેચ્છાપૂર્વક આવા પાંચ-છ નોકરો ઉમંગભેર મદદમાં આવતાં. માલિક અને નોકરના ભેદની રેખા ખૂબ જ પાતળી થઈ જતી હતી. એ સમયે અમારામાંના કોઈએ કાર્લમાર્ક્સનું નામ સાંભળ્યું ન હતું. પરંતુ શ્રમ વિભાજનના તથા માનવ માનવ વચ્ચે સમાનતાની ભૂમિકાનો સિદ્ધાંત અમારા સૌના જીવનમાં સહજ રીતે વણાઈ ગયો હતો. જેમ જેમ અમે મોટા થતા ગયા તેમ તેમ એ વણાઈ ગયેલો પટ અને એના તાણાવાણા ધીમે ધીમે તૂટવા માંડ્યા.

પોળમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે મૃત્યુના એ પ્રસંગની વિધિ પાર પાડવા માટે પોળના સૌ કુટુંબની જવાબદારી થઈ જતી હતી. એ જવાબદારીમાંથી કોઈ પણ કુટુંબ બાકાત રહી શકે નહીં, એવો જડબેસલાક નિયમ પ્રવર્તતો હતો. કોઈનું પણ મૃત્યુ થાય એટલે પોળના અમારા પેલા અશોકકાકા ખભાપર સફેદ ખેસ નાંખીને પોળમાં નીકળી પડે. કોઈનું મૃત્યુ થયું હોય તે સમાચાર આપવા માટે એક ખાસ શબ્દ ‘તો….તો….’ મોટેથી સાદ પાડીને ઉચ્ચારવામાં આવે. અમારા આ અશોકકાકા પોળની બધી જ ખડકીઓમાં તથા ચોકઠામાં જઈને મોટેથી ‘તો….તો…’ એવો સાદ પાડે અને સૌને જાણ કરે કે સ્મશાને જવા માટે કેટલાં વાગે ભેગાં થવાનું છે. મરણના આ સમાચાર જાણવા માટેનું આ પ્રકારનું માધ્યમ ખૂબ જ અસરકારક બની રહેતું. એ સમયે ટેલિફોન તો હતા નહીં. દૂરનાં કેટલાંક સગાંવહાલાંઓને જાણ કરવા માટે પોળના કેટલાક છોકરાઓ સરનામાં લઈને ઝડપથી જાય અને પાછા આવે. મૃતદેહ માટેની નનામી તૈયાર કરનાર અને તેમાં મૃતદેહ મૂકીને બાંધવા માટેના પોળના બે-ત્રણ માણસો ખાસ લાયકાત ધરાવતા. તેઓને બને એટલી ઝડપથી જાણ કરવામાં આવે. નોકરી-ધંધે ગયા હોય તો યેનકેન પ્રકારેણ તેઓને મરણનો સંદેશો પહોંચાડી દેવામાં આવે. પોળના દરેક કુટુંબોમાંથી ઓછામાં ઓછા એક સભ્યે તો આવા પ્રસંગે સ્મશાનમાં જવાનું જ હોય. આવા સમયે પોળમાં અમે નાના છોકરાઓ એક ખૂણામાં ઊભા રહીને એ દશ્ય જોયા કરીએ. એ સમયે અમે સૌ ગંભીર બની જતા.

મારા ઘરમાં મારાથી ત્રણ મોટા ભાઈઓ જુદાં રહેવા પોળમાંથી દૂર ગયા હતા. એક વાર બાપુજીની તબિયત સારી નહીં અને મારી ઉંમર એ સમયે 16 વર્ષની. પોળમાં કોઈનું મૃત્યુ થયું હતું. પેલા નિયમને કારણે મારે 16 વર્ષની ઉંમરે સ્મશાન જવાનું આવ્યું હતું. સ્મશાનમાં પહેલી વાર ગયાનો એ અનુભવ મારા ચિત્તમાં જડાઈ ગયો છે. શબને – મૃતદેહને અગ્નિસંસ્કાર આપવાની એ સમગ્ર ક્રિયા મારા કુમળા મન પર ઘેરી અસર જમાવી ગઈ હતી. મારી ઉંમર આશરે છ-સાત વર્ષની, કદાચ એકાદ વર્ષ વધુ. અમારા ઘરની સામે જ કમળાની દવાવાળા પેલા કેશવલાલ બાપુજીનું મૃત્યુ થયું. ચોકઠામાં તેમના ઘરનું એક બારણું પડે અને ત્યાં બાજુમાં પાટ. પાટથી સહેજ ઊંચો ઓટલો અને ઓટલાની ઉપર તેમના ઘરની એક જાળીવાળી બારી. એ ઓટલા ઉપર ઊભા રહીને મેં એ કેશવલાલ બાપુજીના મૃતદેહને જોયાનું સ્મરણ આજે પણ બરાબર તાજું છે. નાની ઉંમરે સૌ પ્રથમવાર એ મૃતદેહને જોઈને મન જાત-જાતના તર્કવિતર્ક કરવા લાગ્યું હતું. મનમાં એ દિવસે ઘણાં પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. કેશવલાલ બાપુજીનું હવે શું થયું હશે ? તે પ્રશ્નનું સમાધાન મને કોઈ કરાવી શક્યું નહીં. મારો એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો. એ પ્રશ્નનો જવાબ આજે પણ મને મળ્યો નથી.

પોળમાં શાંતિનાથની ખડકીમાં ચિમનલાલ બાપાલાલ ઝવેરીની માલિકીનાં મકાનો. તે મકાનો પૈકી એક મકાનના ભોંયતળિયાના એક રસોડું-રૂમમાં ભાડૂત તરીકે એક કુટુંબ રહે. કુટુંબની મુખ્ય પુરુષ વ્યક્તિએ કોઈક કારણોસર જૈનતીર્થ પાનસરના સ્ટેશન પાસેના એક કૂવામાં પડી આત્મહત્યા કરી હતી. તેના કુટુંબમાં તેના ઘરડાં મા, પત્ની, ત્રણેક છોકરીઓ અને સૌથી નાનો એક છોકરો. ઘરડા મા નું નામ શિવીબા. હું ખૂબ નાનો હતો ત્યારે આ ઘટના બની હશે. મારી સમજમાં તો આ કુટુંબને આર્થિક વિષમતામાં જ મેં જોયેલું એ શિવી બા પોળનાં કેટલાંક કુટુંબોમાં રસોઈનું કામ કરવા જાય. પોતાની જુવાન વિધવા બનેલી પુત્રવધૂને બહારનાં કામ માટે મોકલી શકે નહીં. એ કુટુંબ ઘેર ખાખરા-પાપડ વણવાનું કામ કરે. ઘઉંનો લોટ આપી આવવાનો. એ જમાનામાં સગડી પર કે પ્રાઈમસ પર રોટલી બને અને તેને શેકીને ખાખરા બનાવવામાં આવે. આ કુટુંબ પોળના અન્ય કુટુંબોના સદભાવથી તથા સહયોગથી અને ખૂબ જ શ્રમ કરીને સંઘર્ષ કરતાં કરતાં ટકી ગયું હતું. શિવી બા ભારે શરીરનાં. જ્યાં રસોઈ કરવા જાય ત્યાં પરસેવે રેબઝેબ થઈ જાય. બેસતાં-ઊઠતાં પણ શરીરને તકલીફ પડે. કામના બદલામાં મહેનતાણું મળે, ગૌરવ સચવાય, ગરિમા સચવાય. કુટુંબની ત્રણ છોકરીઓ પૈકી એક છોકરી તો ગ્રેજ્યુએટ થયેલી. છોકરો ઓછું ભણેલો. મ્યુનિસિપલ કચેરીમાં પટાવાળા તરીકે હંગામી નોકરી મળેલી. શેખના પાડામાં આ કુટુંબનો કરુણ રસ પણ સમરસ થઈ ગયેલો.

તે સમયે કુટુંબોમાં સભ્યોની સંખ્યા ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. મારો મિત્ર સુદર્શન જેને અમે નંદો કહેતા. તેઓ આઠ ભાઈઓ હતા. તેના ઉપરના મજલે રહેતો સુરેશ જેને અમે બાબલો કહેતા. તેઓ પાંચભાઈઓ અને ચાર બહેનો હતાં. અશોકકાકાના મોટા ભાઈ શનાભાઈ. તેમને ત્રણ દીકરા અને ચાર દીકરીઓ. અમારી બાજુમાં જ મારાં વનલીલાભાભીનું કુટુંબ. તેઓ સાત બહેનો હતી. પેલો ભોપલો – જેનું નામ સુરેન્દ્ર કાઠિયાવાડી. તેઓ છ કે સાત ભાઈઓ હતા અને એક બહેન હતી. નરેશ રતિલાલનું કુટુંબ – ચાર ભાઈઓ અને ત્રણ બહેનો હતા. તેની નીચે સુધીર ગોરિયો – તેઓ ચાર ભાઈઓ અને એક બહેન હતાં. સુરેન્દ્ર કાઠિયાવાડી, નરેશ રતિલાલ અને સુધીર (ગોરિયો) – આ ત્રણેય કુટુંબ એક જ મકાનમાં અલગ અલગ માળ પર રહેતાં હતાં. તેઓ માટે પાણીનો એક જ નળ અને એક જ ચોકડી. (સર્વિસ એરીયા). પાણીનું રેશનિંગ અને વસ્તી વધારો. રોજ કુરુક્ષેત્રનાં દર્શન ! ગૌતમ ગરીવાલા – ચાર બહેનો વચ્ચે એક ભાઈ. અમારા મિત્ર અતુલભાઈ – તેઓ ત્રણ ભાઈઓ-ત્રણ બહેનો. અમારો મિત્ર રાજકુમાર – તેઓ ચાર ભાઈઓ-ત્રણ બહેનો, અમારા કુટુંબમાં અમે ચાર ભાઈઓ-ત્રણ બહેનો. જ્યારે અન્ય કુટુંબમાં ત્રણ સંતાનો-બે સંતાનો- એક જ સંતાન ભાગ્યે જ કોઈ કુટુંબમાં. અમારા મિત્ર નૌતમના કાકા, પોપટકાકા તેમને એક જ સંતાન. નામ મહેન્દ્રભાઈ. મારો સૌથી મોટો ભાઈ અને મહેન્દ્રભાઈ સરખી ઉંમરના – સમવયસ્ક.

જે કુટુંબો ભાડાના મકાનમાં રહેતાં હતાં તેઓ ઘણાં વર્ષોથી શેખના પાડામાં આવીને વસેલાં. તેઓ જુદાં જુદાં ગામોમાંથી સ્થળાંતર થઈને આવ્યા હતા. અજિત મંગળદાસના કુટુંબનું ડભોડા ગામ. તે અમદાવાદથી નરોડા અને નરોડાથી નજીકનું ગામ. નિરંજનના પિતાશ્રી વિજાપુર ગામમાંથી આવ્યા હતા. વકીલ હતા. સુદર્શન – જેને અમે નંદો કહેતા હતા તેનું ગામ પણ વિજાપુર હતું. નિરંજન અને સુદર્શનનું કુટુંબ પિત્રાઈ કુટુંબ હતાં. અમારો મિત્ર નરેશ રતિલાલ રાધનપુરનો હતો. તેની બાજુમાં રહેતો દિલીપ જયંતીલાલ જેને અમે સૌ બોન્ડથી ઓળખતા તે પણ રાધનપુરનો. સુરેન્દ્ર કાઠિયાવાડી અમે જેને ભોપલો કહેતા હતા, તેના પિતાનું નામ વીરચંદભાઈ. તેઓ લીંબડી ગામના હતા. ગામમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને જૈન અગ્રણી તરીકેનું સ્થાન. કાળક્રમે અમદાવાદ આવવાનું થયું હતું. મારાથી એકાદ વર્ષ નાનો સુરેન્દ્ર. તે પાંડેની ખડકીમાં રહેતો હતો. તેના પિતા હિંમતભાઈ પેથાપુર ગામના હતા. આ સૌ કુટુંબો (એકાદ અપવાદ સિવાય) મારા જન્મ અગાઉ શેખના પાડામાં સ્થાયી થયા હતા. મોટા ભાગનાં તે કુટુંબો આર્થિક રીતે સ્થિર થવા માટે ખૂબ જ પુરુષાર્થ અને સંઘર્ષ કરી રહ્યાં હતાં. તેઓની જીવનશૈલી મોટા ભાગના મકાનમાલિકોની સરખામણીએ વધુ સાદી અને કરકસરયુક્ત હતી.

પોળમાં કેટલાંક કુટુંબો મોડેથી ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. તે પૈકી ચંદુ-સેવંતીનું કુટુંબ શરૂઆતથી જ આર્થિક રીતે સક્ષમ હતું. તેમના પિતા એરંડા બજારમાં ધંધો કરતા હતા. આ કુટુંબ થરાદ ગામમાંથી આવ્યું હતું. એ સમય દરમિયાન થરાદ ગામમાંથી કુટુંબો સ્થળાંતર કરીને અમદાવાદમાં વસવા લાગ્યાં હતાં. દેવાસાનો પાડો, શેખનો પાડો તથા ઝવેરીવાડની ઘણી જુદી જુદી પોળોમાં તથા રિલીફરોડ પરની પોળોમાં ક્રમશઃ તે કુટુંબો વસવા લાગ્યાં હતાં. પ્રચંડ પુરુષાર્થ, સાહસ અને સાદગીભર્યું જીવન તથા તેઓના સમાજનો સંપ જેવા ગુણોને લીધે એ ગામનાં કુટુંબો થોડાંક વર્ષોમાં સમૃદ્ધ થવા લાગ્યાં.

ચંદુ-સેવંતીના કુટુંબની જીવનશૈલી પોળના અન્ય સુખી કુટુંબો જેવી શરૂઆતથી જ હતી. પોળમાં સૌ પ્રથમ લેમ્બ્રેટા સ્કૂટર ચંદુ લાવ્યો હતો. એ જ્યારે સ્કૂટર લાવ્યો ત્યારે અમદાવાદમાં માંડ દસ-બાર સ્કૂટરો આવ્યાં હશે. જુદા જુદા દિવસે ચંદુ પોળના કોઈ પણ મિત્રને સ્કૂટર પાછળ બેસાડી આંટો મારવા લઈ જાય. રિલીફરોડ પર ભાગ્યે જ કોઈ બીજું સ્કૂટર દેખાય. મને પણ સ્કૂટર પર પાછળ બેસાડીને ચંદુ રિલીફરોડ પરથી લાલદરવાજા-ગ્રાન્ટ હોટલના રસ્તે ખાનપુર દરવાજા તરફ લઈ ગયો. ખાનપુર દરવાજાનો એ રસ્તો મેં પહેલીવાર જોયો. રોમાંચનો એ અનુભવ સ્મૃતિમાં અકબંધ રહ્યો છે. ચંદુ-સેવંતી બે ભાઈઓ ભણવામાં હોશિયાર. ચંદુ મૅટ્રિકની પરીક્ષામાં અંકગણિત વિષયમાં પૂરા 100 માર્ક્સ લાવ્યો હતો. 100 માર્ક્સના ઉલ્લેખ વાળી તેની માર્કશીટ અમને સૌને બતાવતો હતો. સેવંતી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. એન્જિનિયર થયો. તે અમારા શેખના પાડામાંથી યુ.એસ.એ. અભ્યાસ માટે જનાર સૌ પ્રથમ વિદ્યાર્થી. આમ શેખનો પાડો વિવિધ રંગોના મિશ્રણથી એકરસ બની રહ્યો હતો.

[કુલ પાન : 140. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]