વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

[ સુપ્રસિદ્ધ સામાયિક ‘ઉદ્દેશ’ની પ્રચલિત કૉલમ ‘વાંચતાં-વિચારતાં’માંથી કેટલાક ચૂંટેલા સાહિત્ય-લેખો સાભાર પ્રસ્તુત છે.]

[1] ક્યાં છે આ લેખક-શી લગની ?

રાજસ્થાનમાં ટોડરમલ નામના એક જૈન સાહિત્યકાર થઈ ગયા. આ ટોડરમલ, રાજા અકબરના દરબારના એક રત્ન રાજા ટોડરમલ કરતાં જુદા છે. આ ટોડરમલ ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ નામના એમના ગ્રંથ માટે પ્રસિદ્ધ છે. તેઓ એક દહાડો જમવા બેઠા. અચાનક એ જમતાંજમતાં બોલી ઊઠ્યા હતા, ‘મા, આજની રસોઈમાં મીઠું નાખવાનું તું ભૂલી ગઈ લાગે છે.’

માતા દીકરા ટોડરમલની આ વાત સાંભળીને મલકાઈ રહ્યાં. પછી બોલ્યાં, ‘વાહ દીકરા ! તેં તારો ગ્રંથ લખવાનું કામ પૂરું કરી નાખ્યું લાગે છે. ઘણે મહિને આજે કામ પૂરું થયું, કેમ !’
ટોડરમલ નવાઈ પામી ગયા : ‘વાહ રે મા ! વાત સાચી છે. મારો ગ્રંથ આજે પૂરેપૂરો લખાઈ ગયો. પણ… તને એની કેમ ખબર પડી ?’
‘બેટા ટોડરમલ’ માતાએ જવાબ આપ્યો, ‘તારી રસોઈમાં મીઠું નાખવાનું મેં છ મહિનાથી બંધ કર્યું હતું. પણ આજ સુધી તું જમતી વેળા ય તારા ગ્રંથ માટે જ એટલા વિચાર કરતો કે મીઠાની ગેરહાજરી વરતાતી નહિ. આજે તારું મન નિરાંતમાં હશે, કામ પૂરું થઈ ગયું હશે, માટે જ તને સ્વાદની ખબર પડી !’

[2] કાળા રંગનો ફુગ્ગો

એક મેળામાં એક ફુગ્ગાવાળો ગેસ ભરેલા ફુગ્ગા વેચતો. દરરોજ મેળામાં આ ફુગ્ગાવાળાની આસપાસ નાના છોકરા ટોળે વળતા. ઘણા નાના છોકરા એની પાસેથી ગેસના ફુગ્ગા ખરીદતા. જ્યારે આજુબાજુ છોકરાઓનું ટોળું ન હોય ત્યારે ફુગ્ગાવાળો એકાદ ફુગ્ગો છોડી દેતો. ફુગ્ગો ગેસથી ભરેલો હોવાથી આકાશમાં ઊડવા લાગતો.

એક દિવસ એક નાનો આદિવાસી કાળો છોકરો ફુગ્ગાવાળાનો કોટ ખેંચીને એનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતો હતો. ફુગ્ગાવાળાએ નાના છોકરાને પૂછ્યું :
‘ફુગ્ગો જોઈએ છે ?’
છોકરાએ કહ્યું : ‘ના, મારે ફુગ્ગો નથી જોઈતો. પણ મારે તમને એક વાત પૂછવી છે. શું બધા રંગના ફુગ્ગા ઊડી શકે ? શું કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે ?’
ફુગ્ગાવાળાએ કહ્યું : ‘બેટા, કોઈ પણ રંગનો ફુગ્ગો ઊડી શકે છે. ફુગ્ગો રંગના કારણે નથી ઊડતો, પણ ફુગ્ગાની અંદર રહેલા ગેસને કારણે ઊડે છે.’

[3] નવા લેખકો માટે એક સોનામૂલો નિયમ

એલ્મોર લીઓનાર્ડે ‘લેખન માટેના દસ નિયમ’માં જે કેટલાક નિયમો નવા લેખકો માટે નિરૂપ્યા છે, એમાં એક આ છે : ‘વાચકોને જે કુદાવી જવાનું મન થાય એવા અંશ લખવાનું ટાળો. આ માટે તમે પોતે નિર્ણાયક બની શકો છો. તમે કોઈ નવલકથા વાંચો ત્યારે તમે પોતે પણ કેટલાંક વાક્યો કે ફકરા કે પાનાં સુદ્ધાં કુદાવી જાવ છો. લેખક બનવું હોય તો એ કુદાવેલી સામગ્રી ફરજિયાત વાંચી જાવ. એમાં તમને ક્યાં શબ્દાળુતા લાગી, ક્યાં ક્ષુલ્લકતા લાગી, ક્યાં સંદર્ભબાહ્યતા લાગી એ તપાસો. તમે પોતે આ ક્ષતિઓથી કેમ બચી શકો એનો વિચાર કરો.’

[4] આ વાક્ય દસ વાર વિચારપૂર્વક વાંચી જાવ !

How many beautiful trees gave their lives that today’s scandal should, without delay, reach a million readers ! – Edwin W. Teale (in ‘magic of words’)

આજનું કૌભાંડ વિનાવિલંબ લાખો વાચકો સુધી પહોંચે એ માટે કેટલાં ખૂબસૂરત વૃક્ષોએ પોતાના જીવ આપ્યા છે ! – એડવિન ડબલ્યુ. ટીલ (‘મૅજિક ઑફ વર્ડ્ઝ’માં) (ઋણસ્વીકાર : મહેન્દ્ર મેઘાણી)

[5] ક્યાં નથી કવિતા ?

આપણી ભાષાના એક ઉત્તમ કવિએ એકવાર લખ્યું : ‘ક્યાં છે કવિતા ?’ અલબત્ત, જે લખી તે દીર્ઘ કવિતા જ હતી. પોતે જીવનભર ઉત્તમોત્તમ સેંકડો કવિતાઓ રચતા રહ્યા હતા. કવિની સંવેદનશીલતા તો કણકણમાં કવિતા કળી શકે. જુઓ અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થને.

આ કવિ વર્ડ્ઝવર્થ એકવાર ફરવા નીકળેલા. રસ્તામાં એક બાળકી મળી. કવિએ પૂછ્યું :
‘કેટલાં ભાઈ-બહેન છો ?’
બાળકીએ જવાબ આપ્યો : ‘સાત છીએ.’
‘અચ્છા, બીજા સૌ ઘેર કે નિશાળે છે ?’
‘ના, એક સમુદ્રતળિયે ડૂબી ગયો છે. એક ભાઈને અહીં જમીન તળે દફનાવ્યો છે. એને યાદ કરવા જ આ બાજુ આવી છું. અમે સૌ એમને યાદ કરીએ છીએ.’
‘અંહ…..’ કવિએ માથું ધુણાવ્યું, ‘ત્યારે તો તમે સાત ભાંડરુ નથી રહ્યાં. પાંચ જ રહ્યાં, ખરું ને ?’
‘નહિ !’ બાળકી દઢતાપૂર્વક કહે છે, ‘અમે સાત જ છીએ. પાંચ સાથે હળીમળી અને રમી શકીએ છીએ; પણ બે અમારી યાદમાં, અમારી વાતચીતમાં, અમારી આસપાસમાં હાજર જ છે. અમે સાત છીએ.’

આ પ્રસંગે વર્ડ્ઝવર્થને કવિતા આપી : ‘વી આર સેવન.’

[6] ભદ્રંભદ્ર કેડો નહિ મૂકે !

હમણાં એક નાના ગામના શિક્ષકનો પત્ર આવ્યો. આ લખનારના પ્રશંસક છે અને એમની સાથે ફોન પર વાત કરવા માગે છે. પરંતુ આજકાલના ગુજરાતી ભાષાની ગૌરવયાત્રાઓના માહોલમાં શ્રીમાને પત્ર લખીને મારો ‘ભ્રમણભાષ નંબર’ માગ્યો છે. ઘડીભર તો હું મૂંઝાયો કે ભાષામાં આ શું રમણભ્રમણ થવા લાગ્યું છે ! ઘણી વારે દિમાગમાં બત્તી થઈ કે ભાઈ મારા મૉબાઈલ ફોનનો નંબર માગે છે ! અલબત્ત, એમણે ‘નંબર’નું ગુજરાતી નથી કર્યું. ગુણિયલ ગુજરાતી ભક્તોએ તો ‘ભ્રમણભાષ ક્રમાંક’ લખવું-બોલવું જોઈએ ને ? (આ ‘લખવું-બોલવું’ લખ્યા પછી વિચાર આવ્યો કે આ ‘શુદ્ધ’ ગુજરાતી અનુવાદ રોજિંદા વહેવારમાં વાપરો તો શું થાય ? જરા તમારા દસ મિત્રોના ‘ભ્રમણભાષ ક્રમાંક માગી જુઓ તો !)

[7] અપ્રતિમ પરાક્રમ, અસામાન્ય સંવેદનશીલતા

હમણાં નૂરજહાંનું જીવનરેખાચિત્ર પુનઃ વાંચ્યું. શત્રુઓથી બચવા ભાગતાં માતા-પિતા કંદહાર પાસે અર્ધ-રણ પ્રદેશમાં હતાં ત્યારે જન્મેલી, એને જાળવી નહિ શકાય એમ માનીને રણમાં જ મૂકી છંડાયેલી, પરંતુ પછી પોતાના યુગની એક વિદૂષી, કોઈ પણ વિષય પર લાંબા સમય સુધી ચર્ચા કરી શકે એવી વિદ્વાન, એકાદ જ મિનિટના ગાળામાં બે તીર અને બે બરકંદાર વડે કુલ ચાર વાઘને મારે એવી પરાક્રમી એ સ્ત્રી પોતાના પ્રથમ પતિથી થયેલી દીકરીને વરેલા શાહજાદાને મુઘલ બાદશાહ બનાવવામાં નિષ્ફળ જતાં, આખરે લાહોરમાં નિવૃત્ત થનાર આ અદ્દભુત સ્ત્રીએ પોતે જ એક નાનો સુંદર મકબરો પોતાને માટે ચણાવ્યો અને એની ઉપર પોતે જ રચેલો શિલાલેખ કોતરાવ્યો. એ આ લેખના શેરમાં જ ભાવનાઓની કેવી નઝાકત, કેવી ઉર્મિશીલતા, કેવો આદર્શવાદ પ્રતિબિંબિત છે, જુઓ :

બર મઝારે માં ગરીબાં,
ને ચિરાગે ને ગુલે;
ને પુરે પરવાના સોગંદ,
ને સદાએ બુલબુલે

(હે પ્રવાસી, આ કબર પર કૃપા કરીને દીપક ન પ્રગટાવશો કે ન ગુલાબ વેરાશો, જેથી ફુદ્દાંની પાંખો ન પ્રજળે અને બુલબુલે આહો ભરતાં રડવું ન પડે.)

[8] વાચનવૃદ્ધિ માટે પ્રયાસો ચાલુ છે

દાયકાઓ પર્યન્ત ગુજરાતીઓમાં અને ખાસ કરીને બાળકોમાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે. સિત્તેરના દાયકામાં મુંબઈમાં હજારો અને ગુજરાતનાં શહેરોમાં સેંકડો ‘લેન્ડિંગ લાઈબ્રેરીઓ’ હતી, જ્યાં પ્રતિમાસ દસ-વીસ રૂપિયા ભરીને વાચકો ઘણાં પુસ્તકો (ખાસ કરીને નવલકથાઓ) વાંચતા. પરિણામે અમારા જેવા રૂઢ ચીલે લખનારાઓની નવલકથાઓની પણ પોણાબેથી બે હજાર નકલો છપાતી અને ચાર-પાંચ વર્ષોમાં વેચાઈ જતી. આજે ‘પ્રથમ હરોળ’ના ગણાતા લેખકોનીય નવલકથાઓની માંડ 500 થી 700 નકલો છાપી શકાય છે.

પણ હવે લગભગ આખું ગુજરાત વાચનવૃદ્ધિ માટે પ્રયાસો કરવા લાગ્યું છે. મૂળે નવસારીએ રસ્તો બતાવ્યો. ત્યાંની સયાજીવૈભવ લાઈબ્રેરીએ એકવાર એક સાથે 60,000 જેટલાં નિશાળિયાંઓને વાંચવા પ્રેર્યા. પછી તો આવા પ્રયાસ ઠેર ઠેર થવા લાગ્યા છે. 2009ના વર્ષ દરમિયાન, ભાવનગરની શિશુવિહાર સંસ્થાએ નગરની 80 શાળાઓને 368 પુસ્તકોની વાચનમાળા અર્પણ કરીને શરૂઆત કરી. પછી શિક્ષકોને વાચન પ્રેરવાની તાલીમ આપી. એ પછી બાળકો જાતે વાર્તા કહે એવા કાર્યક્રમમાં તો 28,000 જેટલાં બાળકોને સક્રિય કર્યાં. સ્વાભાવિક છે કે વાર્તા કહેવા માટે બાળકે વાર્તા વાંચવી તો પડે જ ! બાળવાચક પાયાનો વાચક છે. એ પાયો પાકો થાય તો સાહિત્યિક-ઈમારત બુલંદ જ બને.

[9] ક્યારે સૂરજ ઊગે અને…..

દર વર્ષે નિશાળનો પ્રથમ દિવસ આનંદમાં જતો તે આજેય મને હૂબહૂ યાદ છે. અમને નવા ધોરણનાં નવાં પુસ્તકો મળતાં. એમનાં તાજાં, વણઊઘડ્યાં પૃષ્ઠો, કડક બાંધણી, એ બધાંનો સ્પર્શ અને સુગંધ મુગ્ધકર બની રહેતાં. અંગ્રેજી સાહિત્યના પાઠ્યપુસ્તક પર અવતરણ છપાતું : ‘પુસ્તક એ સંસ્કાર સ્વામીઓના મોંઘા રુધિર સમાન છે.’ પુસ્તકો અમારાં તરુણ માનસ સમક્ષ જે વિશાળ દર્શન-ફલક રજૂ કરતાં એને અનુરૂપ જ આ અવતરણ હતું.

પૂરા નહિ વંચાયેલા પુસ્તક માટે સાચા પુસ્તકપ્રેમી કેવા વિહ્વળ બને જાય એનું વફાદાર નિરૂપણ ઈલીઝાબેથ બૅરેટ બ્રાઈનિંગે ‘બૂક્સ, બૂક્સ, બૂક્સ’ શીર્ષકવાળા પોતાના કાવ્યમાં કર્યું છે : ‘અને વહેલી સવારના અંધારામાં મારા ઓશીકા નીચે મને અધૂરા વંચાયેલા પુસ્તકની ધડકન સંભળાતી અને એમ થતું કે ક્યારે સૂરજ ઊગે અને હું વાંચવા લાગું !’

અમે નસીબદાર હતાં કે અમારા પિતાજી ચિત્રવાર્તાનાં પુસ્તકો (કૉમિક્સ) માટે પણ પ્રેમ ધરાવતા. આથી આજકાલ જે ‘ખરાબ’ વાચન ગણાય છે એનો અમારા ઘરમાં છોછ નહોતો. પરિણામે અમે પ્રશિષ્ટ સાહિત્યથી માંડીને સુપરમેન સુધી વાંચી શક્યાં. મેં ઈ-બૂક્સ (ઈલેકટ્રોનિક પુસ્તકો) વાંચવાની કોશિશ કરી છે. હું મારા કૉમ્પ્યુટરને ખૂબ ચાહું છું છતાં, એના પરદા પરનું વાંચન મને પુસ્તકનાં પૃષ્ઠોની તોલે નથી લાગતું. કોઈ મનગમતા ગ્રંથને ખોળામાં તેડીને એનાં કડકડતાં પાનાં હળવેથી ફેરવવાના અને એમાં સમાવિષ્ટ જાદુનો વારંવાર આનંદ માણવાના સુખથી મોટું બીજું કોઈ સુખ હોઈ ન શકે. (‘ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં ઉષા દ્રવિડ)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પતૌડી (પાનથી બનેલી વાનગી) – પૂર્વી મોદી મલકાણ
પોળનું સામૂહિક જીવન – ચંદ્રકાન્ત કડિયા Next »   

7 પ્રતિભાવો : વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા

 1. It is said books are our best friends.The person who loves reading can never be alone,Today people dont read much,particularlly children any the young.Parents should be aware that their children may form the habit of readind since childhood

 2. dhiraj says:

  શ્રી યશવંત મહેતા નો વિદ્વતા-પૂર્ણ વિચાર કણિકાઓ વાંચી સવાર સુધરી ગઈ

 3. nayan panchal says:

  સુંદર સંકલન,
  આભાર.

  નયન

 4. Jay says:

  ગધ્ય ભાગ ૯ – હવે સમય વૃક્ષો બચાવવા નો છે… અને માટેજ અપનો ઈ-પુસ્તક પ્રેમ વધારવો રહ્યો અને કાગળ ના પુસ્તક નો ત્યાગ કરવો રહ્યો … કાગળ બચાવો વૃક્ષો બચાવો

 5. Anila Amin says:

  યશવન્ત મહેતાનો પુસ્તકપ્રેમ અદભુત છે અને વાચન વિષેના વિચરો પણ અદભુત છે, દરેક મનવીમા વાચન વિષે વિચારવાના

  આવા અદભુત વિચરો સ્ફૂરે એવી અભ્યર્થના. મને સન્કલન ભાગ્૭અને ૯.. બહુજ ગમ્યા.

 6. Veena Dave. USA says:

  સરસ લેખ.

 7. pragnaju says:

  ‘અમે પ્રશિષ્ટ સાહિત્યથી માંડીને સુપરમેન સુધી વાંચી શક્યાં. મેં ઈ-બૂક્સ (ઈલેકટ્રોનિક પુસ્તકો) વાંચવાની કોશિશ કરી છે. હું મારા કૉમ્પ્યુટરને ખૂબ ચાહું છું છતાં, એના પરદા પરનું વાંચન મને પુસ્તકનાં પૃષ્ઠોની તોલે નથી લાગતું. કોઈ મનગમતા ગ્રંથને ખોળામાં તેડીને એનાં કડકડતાં પાનાં હળવેથી ફેરવવાના અને એમાં સમાવિષ્ટ જાદુનો વારંવાર આનંદ માણવાના સુખથી મોટું બીજું કોઈ સુખ હોઈ ન શકે’.

  અમારી કાયમી ચિંતા અંગે પ્રેરણાદાયક લેખ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.