બાળકનું શિક્ષણ અને માતાપિતા – ભાણદેવ

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, મોટાં ભાઈ-બહેન આદિ વડીલો જાણ્યે કે અજાણ્યે લગભગ આમ વિચારે છે : ‘અમે અમારા બાળકને સરસ ભોજન આપીએ છીએ; અમે અમારા બાળકને તેને મનપસંદ સુંદર વસ્ત્રો આપીએ છીએ; અમે અમારા બાળકને સુંદર સ્વચ્છ નિવાસસ્થાન આપીએ છીએ; અમે અમારા બાળકને સારી શાળામાં દાખલ કર્યો છે; અમે અમારા બાળક માટે ખૂબ સારા ટ્યુશનની વ્યવસ્થા કરી છે; અમે બાળકને રમકડાં, ટીવી, કમ્પ્યુટર આદિ જે જે વસ્તુઓ બાળક માંગે તે સર્વ આપીએ છીએ; અમે બાળકને સિનેમા, સર્કસ આદિ જોવા લઈ જઈએ છીએ; અમે બાળકને અવારનવાર પ્રવાસ માટે પણ લઈ જઈએ છીએ અને અમે અમારા બાળકને તે જેટલા માંગે તેટલા રૂપિયા પણ વાપરવા માટે આપીએ છીએ. કહો, આથી વિશેષ હવે અમારે શું કરવાનું છે ?’

માતાપિતા આદિ વડીલો એમ માની લે છે કે અમે બાળક માટે આટલું કરીએ એટલે તે પર્યાપ્ત ગણાય. બાળકના શિક્ષકો આમ વિચારે છે : ‘અમે અમારા વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે ભણાવીએ છીએ. અમારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ માર્કસ આવે અને તેમને સારામાં સારી કૉલેજમાં પ્રવેશ મળે તે માટે અમે તનતોડ પ્રયત્ન કરીએ છીએ. કહો, આથી વિશેષ અમારે શું કરવાનું છે ?’

વડીલો અને શિક્ષકો સમજી લે કે આથી વિશેષ તેમણે ઘણું કરવાનું છે. તેઓ વિચારે છે તે સર્વ તેઓ કરે અને સારામાં સારી રીતે કરે તો પણ હજુ એક કાર્ય બાકી રહી જાય છે અને તે જ બાળકના શિક્ષણનું સૌથી મૂલ્યવાન અને કેન્દ્રસ્થ તત્વ છે. આ છે – બાળકનું જીવનઘડતર, બાળકનું જીવનશિક્ષણ, બાળકનો જીવનવિકાસ. કોઈ બાળકનાં માતાપિતા બનવું તે સદભાગ્ય છે, ગૌરવ છે, પરંતુ સાથે સાથે તે બહુ મોટી જવાબદારી પણ છે. કોઈ બાળકનાં માતાપિતા બનવું અને બાળકને યથાર્થ જીવનશિક્ષણથી વંચિત રાખવું – આ એક બહુ મોટો અપરાધ છે. તમે જો એક બાળકને આ પૃથ્વી પર પ્રગટવા માટે નિમિત્ત બન્યાં છો તો તે બાળકને અન્ન, વસ્ત્ર, નિવાસ, ચિકિત્સા અને ધારાપ્રવાહ શિક્ષણ મળે તે તો તમારે ગોઠવવું જ જોઈએ. પણ તેમાં જ તમારા કર્તવ્યની ઈતિશ્રી નથી. બાળકના જીવનનો યથાર્થ વિકાસ થાય તેવી રીતે બાળકનું જીવનઘડતર થાય, જીવનશિક્ષણ થાય – તે પણ તમારી ન નિવારી શકાય તેવી ભારે મોટી જવાબદારી પણ છે. જો કોઈ માતાપિતા આ જવાબદારી પરિપૂર્ણ ન કરે તો કાયદાની કોર્ટ તેમને સજા નહિ કરે, પરંતુ જીવનદેવતાની કોર્ટ તેમને માફ નહિ કરે, તેમને સજા કરશે જ !

શાળાનું શિક્ષણ શિક્ષકો આપે છે અને ઘરે સંભાળ માતાપિતા રાખે છે. પરંતુ આ બંને વચ્ચે ખાઈ રહી જાય છે. અર્થાત્ એક મૂલ્યવાન તત્વ – જીવનશિક્ષણ બાકી રહી જાય છે. આ ખાઈને પૂરવાનો ઉપાય શો છે ? ઉપાય આ છે –
(1) માતાપિતા શિક્ષકો બને.
(2) શિક્ષકો માતાપિતા બને.
(3) માતાપિતા, શિક્ષકો અને બાળકોનો એક ત્રિકોણ બને અને ત્રિકોણના આ ત્રણ કોણ વચ્ચે સંવાદિતા સિદ્ધ થાય. શિક્ષક શિક્ષક બને તે પહેલાં તેણે ઘણી તૈયારી કરવી પડે છે, તેણે ઘણી તાલીમમાંથી પસાર થવું પડે છે. શિક્ષક જો નિષ્ઠાવાન હોય તો આ તાલીમ તેને પોતાનું બાળકના જીવનઘડતરનું કર્તવ્ય બજાવવામાં ખૂબ સહાયભૂત બની શકે તેમ છે. શિક્ષકની તાલીમનો તો આપણે ખૂબ વિચાર કર્યો છે અને તે બરાબર જ છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે માતાપિતાની તાલીમનું શું ? જેમ ભૂંડ અને ભૂંડણ માતાપિતા બની જાય છે, તે જ રીતે માનવ પણ માતાપિતા બની જાય તો તેમના સંતાનોના જીવનઘડતરનું શું ? જેમ શિક્ષક બનવા માટે અમુક યોગ્યતા અનિવાર્ય ગણાય છે, તેમ માતાપિતાની અનિવાર્ય યોગ્યતાનો વિચાર કેમ થતો નથી ? ક્યારે થશે ? શિક્ષકોની તાલીમ માટે અનેક શિક્ષણકેન્દ્રો બન્યાં છે, બાળકોના શિક્ષણ માટે અપરંપાર શાળાઓ બની છે. માતાપિતાની તાલીમ માટે શાળાઓ ક્યારે બનશે ?

પ્રત્યેક માતા અને પિતા તેઓ માતા કે પિતા બને તે પહેલાં કેટલીક પાયાની અનિવાર્ય સજ્જતા સિદ્ધ કરે તે આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય છે. માતાપિતા બનતાં પહેલાં પ્રત્યેક દંપતીએ આટલી સજ્જતા અવશ્ય પ્રાપ્ત કરી લેવી જોઈએ:
(1) બાળકના ઉછેરની આવડત.
(2) બાલમાનસની જાણકારી.
(3) બાળકના વિકાસની પ્રક્રિયાની સમજ.
(4) બાળકને શું શીખવવું અને શું ન શીખવવું તેની જાણકારી.
(5) બાળકને જે શીખવવાનું છે તે શીખવવાની આવડત.
આટલી સજ્જતા સિદ્ધ કર્યા પછી જ માતા કે પિતા બનવાનું સાહસ કરવું, તે પહેલાં નહિ. આવી સજ્જતા કેવી રીતે સિદ્ધ કરવી ?
(1) તદવિષયક પ્રમાણભૂત ગ્રંથોનું અધ્યયન કરીને.
(2) તે વિષયના જાણકાર મહાનુભાવો પાસેથી માર્ગદર્શન મેળવીને.
(3) માતાપિતાની સજ્જતા માટે અવારનવાર લાંબા કે ટૂંકા ગાળાના શિક્ષણવર્ગો ગોઠવાય અને તેમાં માતાપિતા અને ભાવિ માતાપિતા સામેલ થાય.

કોઈ ડૉક્ટર પોતાનું કર્તવ્ય સારી રીતે ન નિભાવે તો તેની વિરુદ્ધ કોર્ટમાં જવાની કાનૂની જોગવાઈ છે. કોઈ વકીલ પોતાનું કર્તવ્ય સારી રીતે ન નિભાવે તો તેની સામે પણ કોર્ટમાં જઈ શકાય છે. પરંતુ કોઈ માતાપિતા સંતાનો પ્રત્યેની પોતાની ફરજ બરાબર ન સંભાળે તો બિચારાં બાળકો ક્યાં જશે ? કોની પાસે ફરિયાદ નોંધાવશે ? છે કોઈ સાંભળનાર ? એક ડૉક્ટર બનવું તે ભારે મોટી જવાબદારી છે, કારણ કે ડૉક્ટરની ચિકિત્સાથી કોઈ માનવીનું જીવન બચી શકે છે, પરંતુ એક ડૉક્ટરની ગફલતથી કોઈ માનવીનું જીવન સમાપ્ત થઈ શકે છે. આ ડૉક્ટરની જવાબદારી કરતાં એક શિક્ષકની જવાબદારી વધુ છે, કારણ કે શિક્ષકે અનેક વિદ્યાર્થીઓના જીવનશિક્ષણની જવાબદારી અદા કરવાની છે. એક શિક્ષક પોતાની જવાબદારી ઉચિત રીતે અદા ન કરે તો અનેક વિદ્યાર્થીઓનો જીવનવિકાસ રૂંધાઈ શકે અને કોઈકનું જીવન બરબાદ થઈ શકે છે. હવે આગળ એક વાત.

એક શિક્ષકની જવાબદારી કરતાં પણ એક માતા કે એક પિતાની જવાબદારી શતગુણ અધિક છે, કારણ કે જો કોઈ માતા કે પિતા પોતાના સંતાનના જીવનઘડતરની જવાબદારી ઉચિત રીતે અદા ન કરે, તો તેમનાં વહાલાં સંતાનોનું જીવન બરબાદ થઈ શકે છે. એક પિતા પોતાના સંતાન માટે શિક્ષક કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે અને એક માતા પોતાના સંતાન માટે શિક્ષક અને પિતા કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે. એક વૃક્ષનું વાવેતર કરતાં પહેલાં સો વાર વિચાર કરો, પરંતુ વાવેતર કર્યા પછી વૃક્ષની સર્વ રીતે માવજત કરવી તે માળીનું કર્તવ્ય છે. તેવી જ રીતે – ના ! તેવી જ રીતે નહિ, તેના કરતાં શતસહસ્ત્રગુણ અધિક રીતે એક બાળકને જન્મ આપતાં પહેલાં સહસ્ત્ર વાર વિચાર કરો, પરંતુ બાળકને જન્મ આપ્યા પછી તે બાળકનો ઉછેર, માવજત અને જીવનઘડતર ઉત્તમ રીતે કરવાં તે માતા અને પિતાનું કર્તવ્ય છે, ધર્મ છે, પરમ ધર્મ છે.

આ દેશમાં બાળકોનો તોટો નથી. બાળકો થોડાં ઓછાં જન્મશે તો કોઈ નુકશાન થવાનું નથી, સારું જ થશે. પરંતુ જે બાળકો જન્મે તે નિર્માલ્ય હોય, તેજહીન હોય, અપ્રામાણિક હોય, ગુનેગાર હોય, શરાબી હોય કે જુગારી હોય, તો તેનાથી આ દેશનું, આ આપણી વહાલી પૃથ્વીનું અપરંપાર નુકશાન થશે !
માતા-પિતા, સાવધાન !

(સૌજન્ય : ‘તમારા બાળકને શું શીખવશો ?’)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પોળનું સામૂહિક જીવન – ચંદ્રકાન્ત કડિયા
પ્રેમ, મહાન પ્રેમ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

12 પ્રતિભાવો : બાળકનું શિક્ષણ અને માતાપિતા – ભાણદેવ

 1. Akhil Dave says:

  this is true fact of today that the parents are giving all material to grow but on time and love they lack, but believe me that, today’s time is such and full of competitiion that all have to run and no time for family. but wait think again is really that monies matter, is that monies weigh heavier than giving love and time to family + our childern.

  this is v. serious subject affecting us and our next genration.

  think again….. give time +lots lots of love to family and specially kids.

 2. dhiraj says:

  બાળ વિકાસ માટે વાલી જાગૃતિ નો સંદેશ આપતો અદભૂત લેખ
  આ સાથે મારા બે સ્વાનુભવ ટાંકું
  ૧. હું એક વાલી ને મળવા ગયો
  તેમની ફરિયાદ હતી કે “તેમનો બાળક ધ્યાન થી વાંચતો નથી”
  તપાસ કરી તો ખબર પડી કે જયારે તેઓ બાળક ને વાંચવા માટે રૂમ માં મોકલે છે ત્યારે પોતે બીજા રૂમ માં મોટા અવાજે ટીવી ચાલુ કરી ને જોતા હતા
  કહો તો હવે બાળક કેવી રીતે વાંચે ?
  એક બીજા વાલી ને મળવા ગયો તેઓ વિજ્ઞાન નું એક માસિક વાંચતા હતા
  મેં પૂછ્યું “તમારું બાળક તો નાનું છે અત્યારથી એની સામે આવું વિજ્ઞાન નું પુસ્તક વાંચવાથી શું ફાયદો ?”
  તેમનો જવાબ હતો “મારું બાળક એ જોઈ રહ્યું છે કે પપ્પા આ ચોપડી વાંચે છે, તો ભવિષ્યમાં એ પણ વાંચશે.”

 3. જય પટેલ says:

  દિવ્ય સમાજની રચનાના બે પાયાના ઘટક માતાપિતા અને બાળક પરનું અર્વાચીન મનોમંથન.

  આજના અલ્ટ્રા-કેપિટાલિસ્ટ ભારતવર્ષમાં માતાપિતા બનતા પહેલાં ભૂમિકા રૂપ લીધેલું શિક્ષણ આવનાર બાળકને
  યોગ્ય ન્યાય આપનારૂ નિવડી શકે. ભારતની આવતી કાલ ઉજ્જ્વલ..તેજતર્રાર કરવી હશે તો માબાપે પોતાની ભૂમિકા
  તૈયાર કરવી પડશે.

  દાદા-દાદીઓને ઘરડાંઘરમાં મોકલ્યા બાદ સર્જાયેલો ખાલીપો કોણ ભરશે ?
  સંસ્કારનું સિંચન અને જીવન ઘડતર કરનાર દાદા-દાદી વગરનો સમાજ આજથી ૨૦ વર્ષ બાદ કેવો હશે ?

  અર્વાચીન સમાજની સમસ્યા પર મંથન કરતો લેખ સમાજની આંખો ખોલનાર બની રહેશે.
  આભાર.

 4. જગત દવે says:

  કમાણી-વાળા ભણતરની લ્હાયમાં સંસ્કાર-વાળુ ઘડતર ભુલાયું છે. ઔદ્યોગિક ક્રાંતિ પાછળ મહાનગરોનું અને શહેરોનું સર્જન થયું અને પછી તેનાં પાછળ વધુ ને વધુ પૈસા કમાવી આપતી તાલિમોનું અને અભ્યાસક્રમોનું મહત્વ ખુબ વધ્યું અને શહેરી જીવનની ઘટમાળ જ એવી બની ગઈ કે સંસ્કારોનાં ધડતર પાછળ સમય શૂન્ય થઈ ગયો.

  એટલે જ આજે ‘ભણેલું’ ભારત ભ્રષ્ટાચારમાં પણ અવ્વલ છે.

 5. Maharshi says:

  ઉમદા લેખ.. શ્રીભાણદેવજીનું જ્ઞાન વધુ ને વધુ અહીં વાંચવા જોવા મળે તેવી અભ્યર્થના..

 6. cchodhari says:

  હુ ખુબજ ખુસ થયો જ્યારે ગુજરાતી મા લખાનણ જોયુ
  ખુબ ખુબ આભાર

 7. Anila Amin says:

  આજનુ શિક્ષણ એ પૈસા કમાનાર કે કમાવી આપનાર કારખાનાની તાલીમ આપનાર જ માત્ર બની રહ્યુ છે, તેમા જીવનઘડતર

  ક્યાય જોવા મળતુ નથી, બાળક ઉપર માત્ર પ્રવ્રુત્તીઓનો ખડકલો ખડકાવી દેવામા આવે,અને એમાજ બાળક ભીસાઈ જાય

  આખરે એને શુ કરવુ ,કયો માર્ગ અપનાવવો એ વિચારવાની સુઝ જ નથી પડતી. જય પટેલ અને જગત દવે એ સરસ્જ

  ાભિપ્રાય આપ્યો છે.

 8. Jagruti Vaghela(USA) says:

  આજે તો માતાપિતા પહેલા પોતાના જીવનનુ ઘડતર(જીવન શિક્ષણ) કરે તો તેમાથી થોડુ તો આપોઆપ જ બાળકોમા આવશે. બાળકો ઘણુખરુ જોઇજોઇને શીખતા હોય છે. જેમ કે આપણા દાદાદાદી બહુ ભણેલા ન્હોતા કે બાળઊછેરના કોઈ ક્લાસ કરવા ન્હોતા ગયા પણ એ લોકો જીવન જ એવુ જીવતા કે તેમના જીવનમાથી સારુ જીવન શિક્ષણ આપણા માતાપિતા એ ગ્રહણ કર્યુ અને આપણા માતાપિતા પાસેથી આપણે ગ્રહણ કર્યુ. ફેર એટલો છે કે એ વખતે બહારથી થતી ઇન્ફ્લુઅન્સ(ટી.વી., ફિલ્મો, ઇન્ટરનેટ, દેખાદેખી થી ખોટી હરિફાઈ વિગેરે વિગેરે…)ની ચિંતા નહોતી. આજે આબધા પરિબળો પણ ઘણો ભાગ ભજવે છે.

 9. pragnaju says:

  એક શિક્ષકની જવાબદારી કરતાં પણ એક માતા કે એક પિતાની જવાબદારી શતગુણ અધિક છે, કારણ કે જો કોઈ માતા કે પિતા પોતાના સંતાનના જીવનઘડતરની જવાબદારી ઉચિત રીતે અદા ન કરે, તો તેમનાં વહાલાં સંતાનોનું જીવન બરબાદ થઈ શકે છે. એક પિતા પોતાના સંતાન માટે શિક્ષક કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે અને એક માતા પોતાના સંતાન માટે શિક્ષક અને પિતા કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે.
  કેવી ઉમદા વાત…સરળતાથી સમજાવી

 10. Veena Dave. USA says:

  સરસ લેખ અને સરસ કોમેન્ટ્સ્.

 11. trupti says:

  આ વિષય પર અને તેને લાગતા હાલ માજ એટલા લેખો આવિ ગયા છે અને એટલી બધી ચર્ચા અને કોમેન્ટસો લખાઈ ચુકી છે કે હવે આ વિષય પર વધુ કશુ લખવાનુ બાકી નથી રહેતુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.