- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સસરાજીએ લીધેલ ઈન્ટરવ્યૂ, ભૂલાય ? – નિર્મિશ ઠાકર

[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર. આપ નિર્મિશભાઈનો (સુરત) આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.]

આજે તો કાંઈ સંતાડવું જ નથી, બસ, બનેલું તે બધું લખી નાખવું છે, જેથી દિલ જરા હળવું થાય. એક સમય એવો હતો કે છોકરી અને નોકરી મેળવવા આપવા પડતા ઈન્ટરવ્યૂથી હું ગળે આવી ગયેલો. અલબત્ત, નોકરી માટેના ઈન્ટરવ્યૂ ઓછા તકલીફદાયક હતા.

કૉલેજમાં ભણતો, ત્યારે મગજ પર હિંદી ફિલ્મોની ઘેરી અસર રહેતી. એવું લાગ્યા કરતું કે કોઈ એક સુંદર ક્ષણે, કોઈ એક સુંદર છોકરી ઉતાવળમાં મારી સાથે ભટકાઈ પડશે અને એની ચોપડીઓ અને નોટો જમીન પર વિખરાઈ જશે. પછી હું એક મોહક સ્મિત સાથે એની એ ચોપડીઓ-નોટો ભેગી કરીને એને આપીશ… અને ત્યાંથી જ અમારું ભવ્ય પ્રેમ પ્રકરણ શરૂ થશે, જે છેવટે લગ્નમાં પરિણમશે ! જીવનના એ યાદગાર વળાંકે જલદી પહોંચી જવા, મેં નિર્દોષપણે છોકરીઓ સાથે ભટકાઈ પડવાના પ્રયત્નો પણ કરેલા. પણ કોણ જાણે, પ્રેમપ્રકરણ ચાલુ થવાને બદલે મને કૉલેજના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરાયેલો અને કૉલેજ છૂટી જાય, એવી ક્ષણો પણ મારા જીવનમાં આવેલી.

ખેર, ધકેલ પંચા દોઢસો-ને હિસાબે હું માંડ માંડ ગ્રેજ્યુએટ થયેલો. ત્યાર પછી ક્યારેક ક્યારેક મારે માટે માંગા પણ આવતાં. પણ જે માગું લગ્નમાં પરિણમ્યું, એની વાત જ હું તમને કરીશ. મારા સસરાજી શ્રી ત્રંબકલાલ ખૂબ જ ગરમ મિજાજના માણસ છે. કોઈની સાડાબારી રાખ્યા વિના કડક પ્રશ્નો પૂછવા, એ તો એમની હૉબી છે ! અમારાં લગ્ન પહેલાં એમણે મારો ઈન્ટરવ્યૂ લીધેલો, તે આજે પણ હું ભૂલી શકતો નથી.
‘તમારું નામ શું છે ?’ એમણે ઈન્ટરવ્યૂનો આરંભ કરતાં ભાવશૂન્ય અવાજે પૂછેલું.
‘નિર્મિશ…..’ મેં હળવી કંપારી સાથે કહ્યું.
‘અધ્ધર છત તરફ જોઈને કેમ જવાબ આપો છો ? હું કાંઈ વાઘ નથી કે તમને ખાઈ જઈશ !’
‘સ……સૉરી ! હું ન….. નિર્મિશ.’ એમની સામે જોઈને મેં કહ્યું.
‘વિચિત્ર નામ છે તમારું !’ એમણે ભારે અણગમાથી કહ્યું.
‘પણ હું વિચિત્ર નથી. હું એક સારો અને સાચો ઈન્સાન છું.’
‘પોતાની જાતને પોતે જ સર્ટિફિકેટ આપો છો, એ વિચિત્રતા ન કહેવાય ?’ એમણે ડોળા કાઢ્યા.
‘ના, નગ્ન સત્ય એવું જ હોય.’ મેં જરા કડક થઈને કહ્યું.

‘અચ્છા ? શું કરો છો આજકાલ ?’
‘ખાસ કાંઈ નહિ. છોકરીઓ જોઉં છું.’
‘તો તમને છોકરીઓ જોયા કરવાની કુટેવ છે, એમ ? એ માટે ક્યાં ઊભા રહો છો ? કૉલેજના ઝાંપે ?’
‘અ….એમ નહિ ! લ….લગ્ન માટે છોકરી તો જોવી પડે ને ?’
‘હમ્મ…. તો એમ કહો ને ! નોકરી-બોકરી છે, કે પછી…..’
‘નોકરી હતી, પણ ગયા અઠવાડિયે છૂટી ગઈ !’
‘કેમ લાંચ-બાંચ ખાધેલી ?’ એ તાડૂક્યા.
‘ના, હું છાપામાં પણ લખું છું. ચાલુ નોકરીએ લેખ લખી રહેલો, તે મેનેજર જોઈ ગયા, એટલે….’
‘એટલે નોકરી ગઈ, સરસ ! હવે શું વિચાર છે ?’
‘પરણવું છે.’
‘અને નોકરી ?’
‘થઈ પડશે ! એક જ્યોતિષીએ મને કહ્યું છે કે પહેલાં લગ્ન થશે, પછી તરત નોકરી પણ મળી જશે.’
‘એ જ્યોતિષીને છોકરી છે ?’
‘હા, કેમ ?’
‘એમ કરો. એની છોકરી સાથે પરણી જાવ, બાકી નોકરી વિના તો છોકરી ના મળે !’ એમણે સ્પષ્ટતા કરી.

‘ઓ.કે. તો હું રજા લઉં….’ કહી હું ઊઠ્યો.
‘અરે, એમ થોડા જવાય ! ઈન્ટરવ્યૂ પૂરો નથી થયો, બેસી જાવ !’ એ ગરજ્યા.
‘લો, તમે કહો છો તો બેસી જાઉં છું….’ મેં નમ્રભાવે કહ્યું.
‘પપ્પાજી, છોકરો તો આજ્ઞાંકિત છે ! એટલે મારી તો ‘હા’ છે. તમને શું લાગે છે ?’ કન્યાએ પ્રવેશતા વેંત ચા આપી અને પોતાનો અભિપ્રાય જણાવ્યો.
‘પણ દીકરી, એમના ચશ્મા જો ! કેટલા જાડા કાચ છે !’
‘એ તો સારી વાત છે પપ્પાજી, ઓછું દેખે એટલી માથાકૂટ પણ ઓછી ને !’
‘પણ થોડું તો દેખાવું જોઈએ ને ! બોલો, આ કેટલી આંગળી છે ?’ ત્રંબકલાલે મને હથેળી દેખાડી.
‘ચાર.’ મેં કહ્યું.
‘ચાર ? આટલું યે દેખાતું નથી ?’
‘પણ પપ્પાજી, આંગળીઓ તો ચાર જ છે ને ! પાંચમો તો અંગૂઠો છે….!’ કન્યાએ કહ્યું.
‘હું પણ એ જ તો કહું છું ! આપણા વિચારો પણ કેટલા મળતા આવે છે !’ મેં હરખથી જણાવ્યું….. અને કન્યાએ થોડું સ્મિત પણ વેર્યું.
‘ઠીક છે, તમારી બન્નેની ‘હા’ હોય, તો હું આડો નહિ ઉતરું. પણ જ્યાં લગી એમને નોકરી નહિ મળે, ત્યાં લગી લગ્ન નહિ થાય… કહી ત્રંબકલાલ અંદરના રૂમમાં ચાલ્યા ગયા.

પ્રિય વાચકમિત્ર, નોકરી મળ્યા પછી મને છોકરી પણ મળી ગયેલી. એટલે હું કહીશ કે જેવા મારા સસરા મને ફળ્યા, તેવા તમારા સસરા તમને પણ ફળજો !’