અંતે તો હેમનું હેમ ! – વિનોબા ભાવે

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

આજે હવે સૌથી પહેલી વાત સમજવાની છે તે એ કે, આ બધા સંસ્થાગત ધર્મો એકબીજાના વિરોધી નહીં, એકબીજાના પૂરક છે. તેઓ બધા એકબીજાની પુષ્ટિ, શુદ્ધિ અને પૂર્તિ કરી શકે એવા છે. એકના વિકાસમાં બીજાનો વિકાસ છે, એવું સહુને લાગવું જોઈએ. જેમ એક વ્યક્તિના કલ્યાણમાં બીજી વ્યક્તિનું તેમ જ આખા સમાજનું કલ્યાણ નિહિત છે, એવું જ આ બધા ધર્મોનું પણ છે.

સ્વામી વિવેકાનંદે એક વાર કહેલું કે ધર્મો બધા સત્ય નથી, પણ બધા ધર્મોમાં સત્ય છે. આ બહુ મોટી વાત છે. આ બિલકુલ સાચી વાત છે. બધા ધર્મો સત્યના અંશાવતાર છે. સમજવાની વાત એ છે કે જેમને ધર્મનું દર્શન થયું, તે બધા અનુભવી દષ્ટા પુરુષો હતા. એ સાક્ષાત્કારી હતા. એમને જે દર્શન થયું, તે સમાધિ અવસ્થામાં થયું. ગૌતમ બુદ્ધ, કપિલ મહામુનિ, મહાવીર, ઈશુ, મહમ્મદ પયગંબર એ બધાને જે અનુભૂતિ થઈ, તે સમાધિ અવસ્થામાં જ થઈ. એટલા વાસ્તે એ સત્ય-દર્શન જ હોવું જોઈએ, એ સત્ય છે એમ જ કહેવું જોઈએ. તેમ છતાં એમના દ્વારા જે ધર્મ પ્રસર્યો, તેમાં બધું જ કાંઈ સત્ય હોય એવું ન પણ બને. કેમ કે મહાપુરુષને જે દર્શન થયું, તે એમનું નહોતું, ઈશ્વરદત્ત હતું. પરંતુ એમણે લોકોની સામે જે ધર્મ મૂક્યો, તેમાં એમનું માનવીપણું દાખલ થઈ ગયું.

સમાધિ માનવ-સ્તરથી ઉપરના સ્તરની ચીજ છે. પરંતુ ધર્મનું પ્રતિપાદન માનવના સ્તર પર થાય છે. તે માણસ દ્વારા, માણસ સામે અને માણસને માટે થાય છે. એમની આસપાસ અને તે સમયે જે લોકો હોય છે, એમનો પ્રભાવ તેના પર પડે છે. આ વાત હું મારા અનુભવ પરથી કહી રહ્યો છું. હું જોઉં છું કે મારી સામે કોણ શ્રોતા બેઠા છે, તે હું જોઉં છું અને તેની મારા ચિત્ત પર અસર થાય છે. પરિણામે, હું જે વ્યાખ્યાન આપું છું, તે કેવળ મારા દ્વારા જ નથી અપાતું, તેમાં શ્રોતાઓની અસર પણ ભળે છે. વળી, મારી વાત પણ એક વાર સમાધિ-અવસ્થાથી બહાર આવ્યા પછીની વાત છે. એટલા વાસ્તે ગમે તેવા મહાપુરુષ દ્વારા સ્થાપિત ધર્મમાં કાંઈક અવાંતર અસરો આવી ગઈ હોય, એ સ્વાભાવિક છે. તેમાં કાંઈક ન્યૂનતા ને અસત્યનો અંશ પણ આવી ગયો હોય, એ સંભવ છે. એવું પણ બનવા જોગ છે કે જે-તે વખતની પરિસ્થિતિ માટે તે પૂર્ણ સત્ય હોય, પણ આજે હવે એવું ન પણ હોય.

માટે વિવેકાનંદે કહ્યું છે તે હમેશાં યાદ રાખવું કે, ધર્મો બધા સત્ય નથી, પણ બધા ધર્મોમાં સત્ય છે. તુકારામનું કથન સાચું છે કે, ‘સર્વ ધર્મ હરિચે પાય’ – બધા ધર્મો હરિનાં ચરણ જ છે. તેમ છતાં બધામાં સત્યાંશ છે, પૂર્ણ સત્ય નહીં. વળી, દરેક મહાપુરુષને ઈશ્વરની જે અનુભૂતિ થઈ છે, તે પણ અંશાનુભૂતિ જ થઈ છે. ઈશ્વરની પૂર્ણ અનુભૂતિ તો કેવળ ઈશ્વરને જ થઈ શકે, બીજાઓને તો આંશિક અનુભૂતિ જ થાય. તેથી એમ સમજવું કે દરેક ધર્મમાં ઈશ્વરી જ્ઞાનના એક એક અંશની અનુભૂતિ થઈ છે, પૂર્ણ જ્ઞાનની નહીં. આપણે હવે આ બધા અંશોનો સમુચ્ચય કરવાનો છે, સમન્વય કરવાનો છે. તેમાંથી જ એક માનવધર્મ પાંગરી શકશે. અને તે આજના જમાનાનો તકાજો છે. આથી જ હવે આપણે ધર્મગ્રંથોમાંથી પણ સાર-સાર લઈ લેવાનો છે અને અસાર બધું કાઢી નાખવાનું છે. ધર્મગ્રંથોમાંયે એવી કેટલીક ચીજો છે, જે જે-તે જમાનામાં જરૂરી હશે, પણ હવે આજના જમાનામાં આઉટડેટેડ – કાલબાહ્ય બની ગઈ હોય. તો એટલો અંશ ધર્મગ્રંથોમાંથીયે છોડી દેવાનો છે. સંતરું ઉત્તમ ફળ છે, તેમ છતાં આપણે તેનું છીલકું તેમ જ બી વગેરે કાઢી જ નાખીએ છીએ ને ! તેમાંનો ગરભ લઈ લઈએ છીએ. એવું જ આ બધા ધર્મગ્રંથોનું.

આવી કોશિશ મેં કરી છે. ધર્મગ્રંથોનો ઉત્તમ અંશ લઈને મેં લોકો સમક્ષ મૂક્યો છે. જેમ કે કુરાન-સાર, ખ્રિસ્તધર્મ-સાર, ભાગવતધર્મ-સાર, જપુજી, ધમ્મપદ વગેરે. આવું ચયન બહુ જ વિવેકપૂર્વક કરવાનું છે. બાકી, ધર્મગ્રંથમાંથી ચયન કરવું એ જ ખોટું છે – એવી સનાતની કટ્ટર વૃત્તિ હવે હરગિજ નહીં ચાલે. એ વલણ સદંતર છોડવું જ પડશે. આજે હવે દરેક ધર્મગ્રંથનો ઉત્તમ સાર જ ગ્રહણ કરી લેવાનો છે. તો જ બધા ધર્મોનો સમન્વય થશે અને શુદ્ધ અધ્યાત્મ આપણા હાથમાં આવશે તથા આજના વિજ્ઞાનયુગમાં એ જ માણસને કામમાં આવશે.

જો કે કેટલાક લોકોને એમ થશે કે આ બધી પળોજણમાં પડવાને બદલે ધર્મગ્રંથોને સમૂળગા છોડી જ દીધા હોય તો નહીં સારું ? શા માટે આ નકામી ઝંઝટ ? આ અંગે મારું ઘણું ચિંતન ચાલ્યું. પણ મને લાગ્યું કે, ‘આ બધું છોડી દો’ – એમ કહીને હું પોતે તો અળગો થઈ જઈશ, પરંતુ તે વ્યક્તિગત મુક્તિ હશે. આપણે હવે જો વ્યક્તિગત નહીં પણ સામાજિક મુક્તિની આવશ્યકતા માનતા હોઈએ, તો આ બધા ધર્મગ્રંથોનો સાર કાઢીને તેનો સમન્વય થવો જોઈએ; કેમ કે કરોડો લોકોની બુદ્ધિ પર અને હૃદય પર જે ધર્મગ્રંથોનો સત્પ્રભાવ પડે છે (બૂરી અસર પણ થાય છે, પણ સારીયે થાય છે અને મોટા પ્રમાણમાં થાય છે), તે ધર્મગ્રંથો છોડી દેવાનું સમાજને કહેવું ઠીક નથી. વિનાશ સહેલો છે, નિર્માણ અઘરું છે. કેટકેટલાં વરસોનું આ સંચિત પુણ્ય છે ! જેમ હોમિયોપથીમાં દવાને ઘૂંટવાથી તેની પોટેન્સી (શક્તિ) વધે છે, તેમ જે પ્રાચીન ધર્મગ્રંથો છે, તેની પોટેન્સી સેંકડો વરસોથી ઘૂંટાઈ-ઘૂંટાઈને ઘણી વધેલી છે. તેને વેડફી ન નખાય. એટલા વાસ્તે મને થયું કે આ બધા ધર્મગ્રંથોનો સાર ગ્રહણ કરી લઈને તેનો સમન્વય કરવો જોઈએ. આથી આ કામ મેં કર્યું.

આજે હવે આપણને એકબીજાના ઉત્તમોત્તમ ધર્મગ્રંથોનો પરિચય હોવો જોઈએ. અને તેમાં આ ગ્રંથોના સાર કામમાં આવશે. મૂળમાં નડે છે, અપરિચય. એકબીજાના ગ્રંથોનો પરિચય નથી હોતો, તેથી ઘણી ગેરસમજ રહ્યા કરે છે અને ખોટી ગ્રંથિઓ બંધાઈ જાય છે. માટે આપણે બધા એકબીજાના ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કરીએ તે બહુ જ જરૂરી છે. બધા જ ધર્મોનો આપણે નજીકથી પરિચય કેળવવો જોઈએ. તો જ આપણાં બધાંનાં દિલ જોડાશે. માત્ર પોતપોતાનો ધર્મગ્રંથ વાંચીને બેસી રહીશું, તો નહીં ચાલે. હિંદુઓ કુરાન પણ વાંચે અને મુસલમાનો ગીતા પણ વાંચે. આમ કરવાથી આપણા ખ્યાલમાં આવશે કે આ બધા ગ્રંથોમાં વાતો તો અનેક કહેવાઈ છે, તેમ છતાં બધામાં મૂળતત્વ એક છે. બધા વચ્ચેની આવી સમાનતા, એકરાગિતા જો એક વાર બરાબર ખ્યાલમાં આવી જશે, તો ઘણા બધા ઝઘડા મટી જશે, ધર્મના નામે સમાજના ટુકડા-ટુકડા કરી નાખવાનું બંધ થશે તથા આપણે એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન સુપેરે કરી શકીશું તેમ જ એકબીજા પાસેથી ઘણું શીખી શકીશું. વિવિધ ધર્મોની કેટલીક ખૂબીઓ ને ખાસિયતો પણ આપણા ખ્યાલમાં આવશે. માટે એકબીજાના ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ. તેમાં જે ફરક છે તે જરૂર ધ્યાનમાં લઈએ, પણ સાથે સાથે ઘણી એકવાક્યતા છે તે જોઈને દરેકમાંથી તે એકતાનો અંશ ઝટ પકડી લઈએ. આપણને અવશ્ય એવો અનુભવ થશે કે જે ફરક છે તે ગૌણ છે, એકતાનો અંશ જ મુખ્ય છે. વળી, શાંતિથી વિચારીશું તો જણાશે કે જે ફરક છે તે પણ કાંઈ બિલકુલ એકબીજાનો વિરોધી નથી, પણ તે તો ઉપાસનાની વિવિધ પદ્ધતિ માત્ર છે. દેશકાળની પરિસ્થિતિ મુજબ આ બધા ગ્રંથોમાં આવી વિવિધતા હોય, તે સ્વાભાવિક છે. અને બની શકે તો આ વિવિધતામાંથી દરેકે શીખવાનું છે, અપનાવી શકાય તેટલું અપનાવી લેવાનું છે. રામકૃષ્ણ પરમહંસે આ જ કરેલું. એમણે બધા ધર્મોની આ રીતે જ આરાધના કરેલી તથા એ બધાની એકવાક્યતાની જાતે અનુભૂતિ કરેલી. આજે આપણે બધાએ આ જ કરવાનું છે. આમ નહીં કરીએ, તો આપણે આજના જમાનાને લાયક નહીં બનીએ.

આવી રીતે એકબીજાના ધર્મના ને ધર્મગ્રંથના પરિચયથી આપણું દિલ વિશાળ બનશે. આપણે જોઈશું કે જેમ આપણા ધર્મમાં જપ, તપ, ઉપવાસ વગેરે છે, તેમ બીજા ધર્મમાં પણ હોય છે. રીત ભલે થોડી જુદી જુદી હોય. તહેવારને વખતે જેમ આપણા ધર્મમાં દાન વગેરે આપવાનો રિવાજ છે, તેમ બીજા ધર્મોમાં પણ છે. આપણા ધર્મમાં જેમ જાત્રાનું મહત્વ મનાય છે, તેમ બીજા ધર્મોમાં પણ મનાય છે. દરેક ધર્મમાં પ્રાર્થના પણ છે, ભલે તેની રીત થોડી જુદી જુદી હોય. તેમ છતાં તે ફરક ઉપર-ઉપરનો છે, અંતરંગ તો પ્રાર્થનાનું દરેક ધર્મમાં એકસરખું જ છે. આ બધું જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે સહજ જ આપણી બુદ્ધિ વ્યાપક બને છે તથા પરસ્પર વિરોધને બદલે એકત્વ જોવા લાગે છે.

આમ કરતાં કરતાં આપણને એકબીજાની ચીજ અપનાવી લેવાની પણ ઈચ્છા થશે. જો કે આવે વખતે કોઈકને ક્યારેક એમ થાય કે આમ કરવાથી આપણી આપણા પોતાના ધર્મમાંની નિષ્ઠા ડગી તો નહીં જાય ! પરંતુ એવો ડર રાખવાની જરૂર નથી. આવી રીતે એકબીજાની સારી સારી ચીજ અપનાવી લેવાથી તો પોતે પણ વધુ સમૃદ્ધ થતા જઈશું. આમાં ધર્મ-પરિવર્તનની કે આપણા ધર્મમાંની નિષ્ઠા છોડી દેવાની વાત નથી. દાખલા તરીકે મારા બગીચામાં મેં સારા-સારા ફૂલના છોડ ને ફળનાં ઝાડ લગાવ્યાં છે. હવે હું જ્યારે બીજા કોઈનો બગીચો જોવા ગયો, તો ત્યાં મેં બીજા કેટલાક સરસ-સરસ ફૂલના છોડ ને ફળનાં ઝાડ જોયાં. તો તે જોઈને મેં તે મારા બગીચામાં પણ લાવીને રોપ્યાં. તો આનાથી મારો બગીચો વધુ સમૃદ્ધ જ થયો ને ! આવું જ એકબીજાના ધર્મમાંથી સારી-સારી ચીજ અપનાવી લેવાની બાબતમાં પણ છે. માટે આપણા પોતાના ધર્મનું પાલન કરતાં-કરતાં પણ બીજા ધર્મો પ્રત્યે આપણે સમભાવ રાખવાનો છે, મમભાવ રાખવાનો છે અને તેમાંનું સારું-સારું ગ્રહણ કરી લેવાનું છે. આપણા ધર્મનું પાલન કરતાં-કરતાંયે અન્ય ધર્મો બાબત આવું કરવાની પૂરતી ગુંજાશ છે. તેને માટે આપણો ધર્મ છોડવાની જરૂર નથી.

વ્યાવહારિક ભાષામાં આને પરસ્પરની ‘સહિષ્ણુતા’ કહે છે. દર્શનકારો આને ‘અવિરોધ’, ‘સમન્વય’, ‘એકવાક્યતા’ વગેરે કહે છે. જૈન શાસ્ત્રકારોએ આને ‘મધ્યસ્થ-દષ્ટિ’ એવું નામ આપ્યું છે. ભક્તજનો આને ‘અભેદ-ભાવ’, ‘અદ્વૈત-ભાવ’ વગેરે મીઠા-મીઠા શબ્દોથી ઓળખે છે. આજના જમાનામાં બસ હવે આની જરૂર છે. ધર્મો બધા એકતા માટે છે, ઝઘડવા માટે નથી. ધર્મનો વિરોધ અધર્મ સાથે છે, કોઈ ધર્મનો બીજા ધર્મ સાથે વિરોધ નથી. અધર્મનો વિરોધ કરવા માટે બધા ધર્મોએ એક થઈ જવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાહેરમાં ગુજારાતા અત્યાચાર – ભગવતીકુમાર શર્મા
પ્રભાતનું પ્રથમ કિરણ – સંકલિત Next »   

5 પ્રતિભાવો : અંતે તો હેમનું હેમ ! – વિનોબા ભાવે

 1. જગત દવે says:

  આવી મુક્ત વિચાર-ધારા સાથે જ વૈદિક ધર્મનો ઊદય થયેલો પણ એ લાંબુ ચાલી શકી નહી કારણકે જો તેવું થાય તો રાજ્ય-સત્તા અને (અ)ધર્મ-સત્તાને ખતરો હતો. તે પછી પુરાણ-વાદ અને મનુ-વાદ ને લાવવામાં આવ્યા અને સમાજમાં એવા સજ્જડ રીતે સ્થાપિત કરાયા કે તેને આજ સુધી ઊખાડી શકાયા નથી. ૩૩કરોડ દેવતાઓ સાથે લગભગ એટલાં જ સંપ્રદાયો પણ આવ્યા. ધર્મથી પ્રજાનું ધડતર થવાને બદલે તેને દૂર્બળ બનાવતી વ્યવસ્થા બની જે આજ સુધી ચાલી રહી છે. તેને લીધે જ ભારત પર હંમેશા અત્યંત અલ્પ-સંખ્યકોનું શાસન રહ્યું. ૩૦૦૦ વર્ષો સુધી લગભગ ૧૦% જેટલાં અલ્પ-સંખ્યકોએ આપણી ૯૦% પ્રજા પર રાજ પણ કર્યું અને જુલ્મો પણ કર્યા. (અંગ્રેજો તો કુલ વસ્તીના ૧૦% પણ ન હતાં)

  ‘સહિષ્ણુતા’ અપનાવવા જતાં આપણી ગણનાં સૌથી કાયર પ્રજામાં થઈ ગઈ. આપણા ધાર્મિક માળખાઓની દૂર્બળતાઓ કે નિષ્ફળતાઓ ને કારણે પહેલાં તો મોટી વસ્તીઓનાં ધર્માંતરો થયા અને પછી એ ધર્માંતરો રાષ્ટ્રાંતરોમાં પરિવર્તિત થયા જે આપણાં જ દેશનાં પડખાઓમાં રહી ને હંમેશનું દર્દ બની ને આજે તો નાસૂર બની ગયા છે. આ બધી જ મુસીબતોનાં મૂળ ધાર્મિક વ્યવસ્થાની દૂર્બળતાઓ માં પડ્યા છે.

  વૈદિક-કાળનો ઋષિ દર્શનશાસ્ત્રની સાથે શસ્ત્ર વિદ્યામાં પણ પારંગત હતો. રાજ્ય-શાસ્ત્રનાં દાવ-પેચથી પણ વાકેફ હતો. અને આ બધા વચ્ચે પણ તે નિર્લેપ પણે પ્રજાનાં ધડતર પાછળ પોતાનું જીવન સમર્પિત કરતો અને સંસારમાં જ રહી ને સમાજનું અભિન્ન અંગ બની રહેતો.

  આપણાં દુર્ભાગ્યે ત્યાર પછીથી લઈ ને આજ સુધી પલાયનવાદીઓ એ તેનાં પર કબજો જમાવ્યો છે. પ્રજા નિર્માલ્યતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. આ પ્રજા ને હવે નવી જ અલ્પસંખ્યક જમાત લૂંટી રહી છે જેનું નામ છે politicians. તેમને ખાત્રી છે કે આ પ્રજાથી કોઈ ક્રાંતિ થવાની નથી. તેઓ નિશ્ચિંત પણ લૂંટી રહ્યા છે.

  ધર્મ કે આધ્યાત્મિકતા જો રાષ્ટ્રનું રક્ષણ કરવામાં અક્ષમ હોય તો તે નમાલા-પણાંથી વિશેષ કશું નથી. કદાચ સ્વામી વિવેકાનંદ નું ાને સ્વામી દયાનંદનું આધ્યાત્મ પણ આવું જ હતુ.

  અસ્તુ.

 2. Dipti Trivedi says:

  આ વાત બધાં સમજે તો સામાજિક વિષમતા જે ધાર્મિક બાબતોને લઈને ઉપજાવવામાંઆવે છે તે નહિવત થઈ જાય. ઉત્તમ તારણ અને દર્શન .

 3. Chintan Oza says:

  ખુબ જ સરસ લેખ. વાંચીને ઘણોજ આનંદ થયો.

 4. pragnaju says:

  ગૂઢ વાતોની સહજ સરળ સમજૂતિ વાળા આવા લેખો અવારનવાર આપવા વિનંતિ
  વ્યાવહારિક ભાષામાં આને પરસ્પરની ‘સહિષ્ણુતા’ કહે છે. દર્શનકારો આને ‘અવિરોધ’, ‘સમન્વય’, ‘એકવાક્યતા’ વગેરે કહે છે. જૈન શાસ્ત્રકારોએ આને ‘મધ્યસ્થ-દષ્ટિ’ એવું નામ આપ્યું છે. ભક્તજનો આને ‘અભેદ-ભાવ’, ‘અદ્વૈત-ભાવ’ વગેરે મીઠા-મીઠા શબ્દોથી ઓળખે છે.
  અ દ ભૂ ત

 5. Bharat Patel says:

  ધર્મ કે આધ્યાત્મિકતા જો રાષ્ટ્રનું રક્ષણ કરવામાં અક્ષમ હોય તો તે નમાલા-પણાંથી વિશેષ કશું નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.