પ્રભાતનું પ્રથમ કિરણ – સંકલિત

[1] સવાલ એક, સૌને – અરુણા પરમાર

વિજાણુ-માધ્યમોના આ સંપર્કયુગમાં કોમ્પ્યુટરના એક નાનકડા પડદા પર પૂરી દુનિયાનો સાક્ષાત્કાર કરી શકાય છે. ઈન્ટરનેટનાં પ્રિય બાળક સમી ઈ-મેઈલ વ્યવસ્થા એક એવું સંપર્કસૂત્ર છે જે તમને દેશાવરના દોસ્તારો સાથે તો જોડી જ રાખે છે, પરંતુ એક વિસ્તાર, એક શહેર, એક રાજ્ય અને સમગ્ર દેશમાં ફેલાયેલા તમારા પરિવારજનોને પણ તમારા પરિઘની પહોંચમાં રાખવામાં પૂરી મદદ કરે છે. અરે, એક નાનકડા ગામ સમા અમારા કાર્યાલય (ઈસરો)ના પરિસરમાં જ કામ કરતા મિત્રો સાથે વર્ષો લગી રૂબરૂ મુલાકાત થઈ શકતી નથી. જો કે એ માટેના કારણો દરેક પક્ષે અલગ હોય છે. પણ ઈન્ટ્રાનેટના માધ્યમ થકી અન્યોન્ય વિશે અમે હંમેશા વાકેફ હોઈએ જ છીએ. ઈ-મેઈલની આ યાત્રા દરમ્યાન અનેક બોધદાયી, હૃદયસ્પર્શી, ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ થતું હોય છે. થોડાંક દિવસો પૂર્વે દિલને સ્પર્શી જાય એવી એક સરસ કવિતા ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થઈ. એ પદ્યનો વિચાર-વિસ્તાર કંઈક આવો થાય :

સડક પર બેફામ, તીવ્ર ગતિથી વાહનો હંકારતા મનુષ્યપ્રાણીઓને જોઈને મને હંમેશા એક વિચાર ઊઠે છે. આખરે, આપણે સૌ ક્યાં જઈ રહ્યાં છીએ ? શું પામવા જઈ રહ્યાં છીએ ? શા માટે ભાગમભાગ કરી રહ્યાં છીએ ? આપણી આ દોટનો અંત ક્યાં છે ? રગશીયા ગાડા સમી આપણી આ જિંદગીનો હેતુ શું છે ? ક્યા પરમપદની પ્રાપ્તિ માટે આપણે આ હરીફાઈમાં જોડાયા છીએ ? અને અંતે આ દોડાદોડ બાદ જ્યારે પાછળ નજર નાખીએ છીએ તો જાણવા મળે છે કે આપણે તો હતાં ત્યાં ને ત્યાં જ છીએ !!! ઘણું ચાલવા છતાંય એક તસુભાર પણ ખસી શક્યા નથી. દિવસો સુધી, વર્ષો સુધી, દાયકાઓ સુધી, જીવનના એક તબક્કા સુધી આપણામાં કોઈપણ જાતનો ફેરફાર થવા પામ્યો હોતો નથી. આ હાયવોયથી નથી આપણે કશું મેળવી શકતા કે નથી આપણે ક્યાંય પહોંચી શકતા ! એનું એક કારણ એ છે કે આપણે આપણા ધ્યેય અંગે વાકેફ નથી અથવા તો ધ્યેય પ્રાપ્તિના પરિબળોથી આપણે સાવ જ અજાણ છીએ.

સંદેશા-વ્યવહાર તેમજ વાહનવ્યવહારની તમામ આધુનિક સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ હોવા છતાંય આપણે સામાજિક વ્યવહારો નિભાવવામાં પાછા પડીએ છીએ. સૌની એક જ ફરિયાદ હોય છે કે સમય નથી. કોઈને સમય મળતો નથી. સમય ક્યાં ખોવાઈ ગયો છે તે બાબતથી દરેક જણ અજાણ છે. ધંધાકીય ગૂંચવાડામાં સૌ એટલી હદે તો ખૂંપી ગયેલા છે કે તહેવારો પણ ઑફિસમાં જ ઉજવીને સંતોષ માની લે છે. કોઈના લગ્નમાં ‘પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ’ કરવા માટે મળેલું આમંત્રણ જીવનની જાતે ઊભી કરેલી અન્ય પ્રાથમિકતાઓને કારણે એટલું તો પાછું ઠેલાતું જાય છે કે એ દંપતીનું સીમંત પણ ઉકેલાઈ જાય ત્યાં સુધી લગ્નની વધામણી આપવાની બાકી રહી ગઈ હોય છે.

પહેલાના જમાનામાં પરિવારની એક જ વ્યક્તિ કમાતી હતી અને આખો પરિવાર આર્થિક રીતે ઘરના તે મોભી પર સરસ રીતે નભતો હતો. પરિવારને પ્રાથમિકતાના પ્રથમ ક્રમે રાખવાનું પસંદ કરવામાં આવતું હતું. આ ક્રમમાં આજે ધન-ઉપાર્જન સર્વોચ્ચ ક્રમે બિરાજે છે. ઘરના મોટાભાગના સભ્યો વધુને વધુ કમાણી કરવામાં વ્યસ્ત રહે છે. કુટુંબની આવક તગડી છે. પરંતુ પોતાનાઓ માટે પાંચ મિનિટનો સમય પણ ફાળવવો આકરો અને અઘરો થઈ પડે છે. ઘરના દરેક સદસ્ય પાસે આજે સતત સંપર્કમાં રાખી શકતું મોબાઈલનું સાધન આવી ગયું છે. સમય કે સ્થળના પરિબળને અવગણીને, ધંધાના વિકાસ માટે મોબાઈલ પર કલાયન્ટ સાથે કલાકો વાતચીત કરવી પડે છે. પણ એ જ ફોન પર જો પત્નીનો ફોન આવે તો મોબાઈલ ફ્રી રાખવા બે જ મિનિટમાં તે ફોન કાપી નાખવામાં આવે છે. મિત્રોના નંબરોથી ફોનબુક ભરચક છે, પણ તેમને ફોન કરવાનો જ જ્યાં સમય નથી હોતો, ત્યાં તેમના ઘરે જવાની વાત તો ફક્ત વાત જ રહી જાય છે. આ સમગ્ર હરિફાઈમાં ટકી રહેવા માનવતાના મૂળભૂત મૂલ્યોને નેવે મૂકવા પડે છે. સ્વમાન તથા સ્વાભિમાનને કોરાણે મૂકવા પડે છે. મનને મારી નાખવું પડે છે. લાગણીઓને અવગણવી પડે છે. વ્હાલાઓને વિખૂટા કરવા પડે છે. પ્રેમ તથા સ્નેહ જેવા શબ્દોની પરિભાષા બદલી નાખવી પડે છે. જ્યાં કોઈ પ્રકારનાં બંધનો જ નથી એવા સંબંધોને સ્વીકારી લેવા પડે છે. સંસ્કારોના થઈ રહેલા ધોવાણને લાચાર નજરે જોઈ રહેવું પડે છે.

પેઢીઓને ટકાવી રાખતી સંસ્કૃતિ નામશેષ થઈ રહી છે. આવનારી પેઢીઓને કદાચ સંસ્કૃતિ વિશે સમજાવવું અઘરું થઈ પડશે. મૂંઝાતા મનને એકવાર સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી છે. જે રાહ પર આપણે જઈ રહ્યા છીએ તે આપણને યોગ્ય મંઝીલે લઈ જઈ રહ્યો છે કે નહિ તે આપણે સૌએ સુનિશ્ચિત કરવાનું છે. (‘વિચારવલોણું’માંથી સાભાર.)
.

[2] સરલાબેનની સજાગતા – મૃગેશ શાહ

એમનું નામ સરલાબેન. આસપાસની સોસાયટીઓમાં જેટલા ઘરે કામ બાંધ્યું હોય એ પતાવતા છેક મોડી બપોરે અમારે ત્યાં આવે. કામના એકદમ ચોખ્ખા અને પ્રામાણિક. શિક્ષણ સાવ ઓછું પરંતુ અનુભવથી એવા ઘડાયેલા કે ભણેલાંને પણ બે શબ્દો સંભળાવી દેવામાં કસર ન રાખે ! કોઈ તેમને છેતરી ન શકે. સમયને બરાબર સમજીને ચાલે. એટલે સ્તો ઝૂંપડપટીમાંથી દૂરના વિસ્તારમાં ત્રણ રૂમનું પોતાનું મકાન ઊભું કરી શક્યા હતા. વહેલી સવારે મોબાઈલ લટકાવીને સાઈકલ પર નીકળી પડે. બાંધેલા કામ પતાવીને સાંજે ઘરે પાછા ફરે. ક્યારેક રજા લેવાની થાય તો અગાઉથી જણાવી દે. સંજોગોવશાત એકદમ આવી શકાય એમ ન હોય તો, જે એકલવાયાં વડીલોના કામ બાંધ્યા હોય એમને સામેથી મોબાઈલ કરીને જણાવે. ‘કસ્ટમર કૅર’ તો કોઈ સરલાબેન પાસેથી શીખે !

એકવાર તેઓ નિયત સમય કરતાં ખૂબ મોડાં આવ્યાં. એટલે મેં તેમને પૂછ્યું :
‘શું થયું સરલાબેન, આજે મોડું કેમ ?’
‘ઈ તો મું હવારમાં શિવલા ની ઈસ્કુલે ગઈ’તી….’ એમનો શિવ નામનો દીકરો પાંચમા ધોરણમાં ભણે.
‘શિવનું ભણવાનું કેમ ચાલે છે ?’
‘કંઈ ભણતો નથ. આખો દી’ રખડી ખાય છે…. એને ગમે ઈટલું કહો, કંઈ હાંભરે નંઈ…’
‘ભણશે નહીં તો પરીક્ષામાં પાસ કેવી રીતે થશે ? આખું વર્ષ બગડે તો તો તકલીફ…’
‘ના રે, એમ થાય તો તો હારું….’ સરલાબેને નિશ્ચિંત થઈને કહ્યું.
‘એ કેવી રીતે ?’ મને કંઈ સમજાયું નહીં.
‘અમારે સરકારી નિહાળોમાં નપાસ નથ કરતાં… બધોંને ઉપર ચઢાવી દે છે… બેન કૃપાગુણ ઉમેરીને પાસ કરી દે…’
‘તો તમે એને પાસ કરી દે…. એમ કહેવા ગયેલા ?’ મેં ઉત્સુકતાથી પૂછ્યું.
‘હોય કંઈ…. મું તો ઈમ કહેવા ગઈ’તી કે ઈને પાસ નોં કરતા. બીજા છોરાંને જેટલા ગુણ આપવા હોય ઈટલા આપજો પણ મારા શિવલાને એક પણ વધારાનો ગુણ આપતા નીં. ઈને નાપાસ કરો તો જ ઈને ભાન થાય. કોઈના ગુણનો ટેકો લઈ ચ્યોં હુંધી હાલશે ?…. એટલે મું તો સાહેબને કઈ આવેલી કે શિવલા ઈ બરોબર ન લઈખું હોય તો આની ફેર ઈને નાપાસ જ કરજો… મું ને સરકારી ગુણ નથ જોઈતા.’

સરલાબેનની વાત સાંભળીને તેમની સરખામણી શિક્ષિત માતા-પિતાઓ સાથે કરવાનું મન થાય છે. આ કહેવાતા ભણેલા માતા-પિતાઓ તો પોતાના બાળકમાં જે નથી એ પણ પ્રદર્શિત કરવા તૈયાર થઈ જાય છે ! જ્યારે આ એક અભણ મહિલા ઈચ્છે છે કે પોતાનું બાળક જે વાસ્તવિકતા છે તે સ્વીકારવા હંમેશા તૈયાર રહે. એને કૃપાગુણની ગુલામી નથી જોઈતી. આપણે તો ઓછા માર્કસની સામે નોટોના બંડલો ધરીને ડોનેશનથી પ્રવેશ મેળવી પોતાની લાયકાત સિદ્ધ કરતા હોઈએ છીએ ! આપણામાં જે ઉણપ છે તેને સુધારવાનો કે સમજવાનો આપણને સમય જ નથી. ‘યેન કેન પ્રકારેણ’ આપણે સફળતાના શિખરે પહોંચી જવું છે. ભવિષ્યમાં જો ‘ભ્રષ્ટાચાર’ બાબતનો કોઈ ગોલ્ડ મૅડલ નીકળે તો એ શિક્ષણ જગતને જ મળશે, એટલું તો પાક્કું !
.

[3] સંસ્થાનો દાણો પણ કેમ લેવાય ? – ભરત ના. ભટ્ટ

આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ ધીરે ધીરે વિકસી રહી છે. હજી કેમ્પસ નાનું છે ને નાનાભાઈનું ઘર, છાત્રાલય, રસોડું બધું નજીક છે. વચ્ચે મેદાન છે ને ફરતાં બધાં મકાનો છે. સાંજે બધા વિદ્યાર્થીઓ મોટા ચોકમાં જમવા બેસે અને કાશીરામ મહારાજની સ્વાદીષ્ટ કઢી સાથે ખીચડી અને રોટલા ટેસથી જમે. એક દિવસ આમ વિદ્યાર્થીઓ જમવા બેસતા હતા. હજી કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈના છએક વર્ષના પુત્ર ભરત સાથે રમત કરતા હતા. એ વિદ્યાર્થીઓ પછી જમવા આવ્યા ને ભરતને પોતાની સાથે પંગત પાસે લઈ આવ્યા. રમતો રમતો ભરત પણ વિદ્યાર્થીઓ સાથે જમવા બેસી ગયો ને જમ્યો. ભરત તો જમીને પાછો રમવા લાગ્યો.

આ બાજુ નાનાભાઈએ જોયું કે ભરત વિદ્યાર્થીઓ સાથે રસોડે જમ્યો છે. નાનાભાઈએ તરત એક વાટકામાં કાચી ખીચડી રસોડે મોકલી. ખીચડી કોઠારી પાસે આવી એટલે તેમણે માટલિયાભાઈને વાત કરી. માટલિયાભાઈ ગૃહપતિ હતા. તેઓ નાનાભાઈ પાસે ગયા ને કહ્યું, ‘નાનાભાઈ, ભરત જમે તેમાં તમે કોઠારને ખીચડી મોકલો તે મને બરાબર લાગતું નથી. તે પણ વિદ્યાર્થી જેવો જ ગણાય. વળી હજી તો બાળક છે ને તમારો પુત્ર છે.’ નાનાભાઈ ભટ્ટ થોડા ગંભીર થઈ ગયા. માટલિયાને કહે, ‘માટલિયાભાઈ, તમે જાહેર સંસ્થામાં કામ નહીં કરી શકો. જાહેર સંસ્થાના આચાર્યો, ટ્રસ્ટીઓ અને ગૃહપતિઓ આવી અજાગૃતિને કારણે જ ચોરીના પાપમાં પડે છે. પોતાનો પગાર મેળવ્યા પછી સંસ્થાનો દાણો પણ તેનાથી કેમ લેવાય ? સંસ્થાની ચીજવસ્તુ વાપરવી, સાધનો વાપરવાં અને આ પ્રકારના ભોજન વગેરેમાં આંખ આડા કાન કરવા તેમાં મને તો અસ્તેયવ્રતનો ભંગ જ લાગે છે.’ માટલિયાભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. તેમને મન નાની દેખાતી વાત કેટલી મહત્વની હતી તે તેમને સમજાયું. (‘નયા માર્ગ’ સામાયિકમાંથી સાભાર.)
.

[4] સુખી થવા માટે સંપત્તિની નહીં, સમજણની જરૂર છે – રૂગનાથભાઈ ક. પ્રજાપતિ

સુખી થવા માટે સમજણની જરૂર છે. બાકી તો માણસ પહેલાં પણ રડતો હતો. જે દિવસે રૂપિયા નહોતા ત્યારે ઝૂંપડામાં રડતો હતો એ હવે રૂપિયા થઈ ગયા તો બંગલામાં રડે છે. પહેલાં રૂપિયા નહોતા ત્યારે દુઃખી થતો હતો, હવે રૂપિયા થઈ ગયા પણ દુઃખી જ થાય છે. ઓલા ઘરના ઓટલે બેસીને દુઃખી થાય અને આ ઘરના એસી રૂમમાં બેસીને દુઃખી થાય. ગામડાના માણસ પાસે મકાન નાનું હોય પણ પોતાનું ફળિયું તો ખરું, આસમાન તો ખરું જ. પછી શહેરવાળા શું કરે ખબર છે ? તે પોતાનું વળી નકલી આસમાન બનાવી લે છે; છત ઉપર કંઈક એવું લગાડે કે જેવી લાઈટ બંધ કરે એવા તારલિયા ટમટમે. એક જગ્યાએ અમે ગયા હતા પછી એ ભાઈ લાઈટ બંધ કરીને ગયા કે સૂઈ જાઓ તમતમારે. તે સૂતો તો ખરો પણ આમ થોડીવારમાં જોયું તો રૂમમાં તારલિયા ટમટમે. મેં કહ્યું કે આ આકાશ અહીં ઊતરી આવ્યું કે શું ? એટલે માણસો રૂપિયા ખર્ચીને પોતાનું નકલી આસમાન પણ બનાવી લે છે. એક ભાઈને ત્યાં વીસ લાખ રૂપિયા ખર્ચીને એવો બાથરૂમ બનાવ્યો હતો કે એનું બટન દબાવો તો ઉપરથી વરસાદ થાય. બોલો, પૈસાવાળા માણસો પૈસા ખર્ચીને ઘરમાં વરસાદ લાવે છે. પછી બહાર ભલે વરસાદ ન વરસતો હોય ! તેનું ચોમાસું નકલી, તેનું આસમાન નકલી, તેની ઠંડી નકલી, તેનું હાસ્ય પણ નકલી જ હોય છે.

વહેતી નદી પાસે થોડીવાર બેસીએ તો કેવી મજા આવે. હરિયાળાં ખેતરો પાસેથી વહી જતી કેડીઓ પર વહી જતા હોઈએ તો કેવો આનંદ આવે ! રાતના ફળિયામાં ખાટલો નાખી ખુલ્લા આસમાન નીચે સૂતા હોઈએ તો કેવી મોજ આવે ! ખબર નહીં, રૂપિયા જેમ આવે તેમ માણસ આ બધી મોજથી દૂર થતો જાય છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતે તો હેમનું હેમ ! – વિનોબા ભાવે
દિવસ સાથેની ઠગાઈ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

14 પ્રતિભાવો : પ્રભાતનું પ્રથમ કિરણ – સંકલિત

 1. જગત દવે says:

  [1] સવાલ એક, સૌને – અરુણા પરમાર
  ગહન વિચારો..પણ જીવન એનું જ નામ છે….ઈશ્વરે આપેલ કાર્યોને બને તેટલી પ્રમાણિકતાથી નિભાવવા અને સંસાર-રૂપી બાગનાં એક ફુલ બનીને મહેંકવુ. ગીતાજીનો કર્મ-યોગ પણ આવું જ કાંઈક કહે છે.
  [2] સરલાબેનની સજાગતા – મૃગેશ શાહ
  ભવિષ્યમાં નહી……આ ચાલુ સમયમાં જ ‘ભ્રષ્ટાચાર’ બાબતનો કોઈ ગોલ્ડ મૅડલ શિક્ષણ જગતને મળી જ ગયો છે……દેશને લાખો કરોડનો ચુનો અભણો એ નહી ભણેલાઓ એ જ લગાડ્યો છે.
  [3] સંસ્થાનો દાણો પણ કેમ લેવાય ? – ભરત ના. ભટ્ટ
  આવી અણિશુધ્ધતા….આજે અલભ્ય.
  [4] સુખી થવા માટે સંપત્તિની નહીં, સમજણની જરૂર છે – રૂગનાથભાઈ ક. પ્રજાપતિ
  અર્ધ-સત્ય વાત….સમજણ સાથે જો સંપતિ પણ હોય તો ચાર ચાંદ લાગી જાય છે. ઊદાહરણો આપ્યા છે તે કદાચ અણસમજુ સંપતિવાનોનાં છે.

 2. જય પટેલ says:

  વિચારણીય કણિકાઓ.

  શ્રી મૃગેશભાઈને વિનંતી કે મારા તરફથી સરલાબેનને પ્રણામ અને ધન્યવાદ કરશો.
  જે માતા પોતાના બાળકમાં પ્રામાણિકતાના પાઠ સિંચવા ઝઝુમતી હોય અને તે પણ બાળકને
  અણહકના મફત સરકારી ગુણ ના લેવાય કરી તેને ના-પાસ કરવા શિક્ષકને વિંનંતી કરે તેવી માતા વંદનીય છે.
  બાળક નસીબદાર કહેવાય આવી મુઠ્ઠી ઉચેરી માતાની કૂખે જનમ્યો. આજના જમાનામાં માતા બાળકને શાળામાં
  ડોનેશન અપાવવા કંઈક કેટલાય ઉધમો કરતી હોય ત્યારે સરલાબેનનું વ્યક્તિત્વ વિરલ કહી શકાય.

  સરલાબેન…નોખી માટીના નોખાં માનવી…સલામ.
  આભાર.

 3. dhiraj says:

  અદભૂત સંકલન મૃગેશભાઈ
  ખુબ ખુબ આભાર
  પ્રભાતનું પ્રથમ કિરણ અંતર માં પ્રકાશ કરી ગયું
  ખાસ કરીને ત્રીજો એ ચોથો લેખ ખુબ ગમ્યા
  પગાર લીધા પછી સંસ્થા નો દાણો પણ ના લેનારા એ કર્મઠ માણસો નો દુકાળ પાડવા લાગ્યો છે
  સંપતિ થી સગવડ વધારી શકાય સુખ નહિ તેથી જ કોઈ ભિખારી એ આત્મહત્યા કરી હોય તેવું સાંભળ્યું નથી

 4. nayan panchal says:

  હમણા જ એક વિડિયો જોયો જેમાં બતાવ્યુ છે કે જેમ જેમ સુવિધાઓ વધી છે તેમ તેમ આપણી ફરિયાદો ઘટવાને બદલે વધી છે. પહેલાના સમયમાં લોકો સ્વકેન્દ્રી ઓછા અને કુટુંબકેન્દ્રી વધુ હતા. હવે પરિસ્થિતી ઊલટી છે. હવે તો રજાના દિવસે જો કોઈ મહેમાન ઘરે આવે તો ઘણાને રવિવાર બગડવાની લાગણી થાય છે.

  સરલાબેનને સલામ. મૃગેશભાઈએ આજના વાલીઓ વિશે જે લખ્યુ છે તે એકદમ સચોટ.

  ચોથા પ્રસંગના અનુસંધાનમાં એટલુ જ કે, આજે લોકો ભૌતિક વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોને વાપરે છે. જ્યારે હોવુ જોઇએ એનાથી ઊલટું. બાકી, સંપત્તિ તો એક સાધન માત્ર છે. તેને વખોડવાનો શો અર્થ?

  આભાર,
  નયન

 5. Labhshankar Bharad says:

  વિવિધ વિષયો પર, પ્રેરણાદાયક પ્રસંગોનું સુંદર સંકલન રજુ કરવા બદલ શ્રી. મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર ! !

 6. Dipti Trivedi says:

  અમારે ત્યાં સરોજબેન આવતા. સરલાબેન જેવી જ કાર્યશૈલી કહી શકાય. વર્ષ દરમિયાન નૂતન વર્ષ , શીતળા સાતમ, રક્ષાબંધન, ઉત્તરાયણ આવી એમની ચોક્કસ દિવસની રજાઓ રહેતી. . જે દરમિયાન અમે પણ નોકરીના સ્થળેથી સાસરે તહેવારો કરવા જઈએ એટલે અમને તો અગવડ લાગે જ નહી. . પાંચ વર્ષ દરમિયાન એક જ આકસ્મિક રજા પાડેલી તે દિવસે (મોબાઈલ નહોતો ) પોતાના દિકરા જોડે હાથે લખીને સોસાયટીમાં ચિઠ્ઠી મોકલાવેલી અને આ વાત જ્યારે કોઈને પણ કહીએ ત્યારે એવો જવાબ મળે કે તમે તો નસીબદાર છો. સરલાબેન એમના બાળક માટે સજાગ છે એ માટે અભિનંદન કહેજો. જો એમનો દીકરો પણ આ જાણે કે એની માતાની નિષ્ઠાને બધાએ આમ વખાણી છે તો કદાચ એ ય સુધરી જાય.

  નાનાભાઈને નિષ્ઠા પણ બિરદાવવાને અને અનુસરવાને લાયક.

  આમ જ એક મેઈલમા મળેલી સમાન ભાવાર્થ વાળી કવિતા—-

  આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

  જરૂર જેટલી જ લાગણીઓ
  રિચાર્જ કરતો થઈ ગયો
  ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
  દેખાડતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
  સામે કોણ છે એ જોઈને
  સંબંધ રિસિવ કરતો થઈ ગયો
  સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
  સ્વીચ ઓફ કરતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
  આજે રીટા તો કાલે ગીતા એમ
  મોડેલ બદલતો થઈ ગયો
  મિસિસને છોડીને મિસને
  એ કોલ કરતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
  પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
  જુઓને જીવ બાળતો થઈ ગયો
  સાલું, થોડી રાહ જોઈ હોત તો!
  એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
  હોય બરોડામાં અને છું સુરતમાં
  એમ કહેતો એ થઈ ગયો
  આજે હચ તો કાલે રિલાયન્સ એમ
  ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
  ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
  કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
  હવે શું થાય બોલો
  મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 7. Pravin Shah says:

  બધી જ વાતો ખુબ સરસ.
  પ્રવીણ

 8. Anila Amin says:

  મ્રુગેશભાઈ, આપનુ સન્કલન ખૂબજ સરસ છે એકેીકઅ વિભાગમાથી બહુજ સરસ બોધ લેવા જેવો છે, પણ આજે કોઈને

  બોધ ગમતો નથી સરલાબેન જેવી જો જગતની અર્ધી માતાઓ થાય તોયે જગત સુધારા તરફ પ્રયાણ કરી શકે, પણ ભ્ર્ષ્ટાચારનુ

  ભૂત એટલુ વ્યાપક બની ગયુ છેકે જગતમા કોઇ ભયન્કર પરિવર્તન સર્જાયતોજ એનો હલ થઈ શકે.

  સન્સ્થાના માલનો ઉપયોગ સન્સ્થાની સેવા કરનારથી ન કરી શકાય એતો કોઇ નાનાભાઈ પાસેથી શીખી શકે. સન્સ્થાની સેવાને

  બદલે પોતાની સેવા ના કરે? સામાજીક જીવનતો હવે લગભગ નષ્ટ થવાના આરે આવી ગયુ છે. યન્ત્ર યુગમા માનવી પણ

  યન્ત્રવત બની ગયો છે. હવે આનો ઉપાય શોધવો મુશ્કેલ છે.

 9. Jagruti Vaghela(USA) says:

  દરેક સંકલન ખૂબ સરસ.
  ૧. “આવનારી પેઢીઓને કદાચ સંસ્કૃતિ વિશે સમજાવવું અઘરું થઈ પડશે. ” સાવ સાચુ. અહીં એકવાર એક જગ્યાએ અમે કલ્ચરલ પ્રોગ્રામ જોવા ગયા હતા. તે પ્રોગ્રામમા સ્ટેજ ઉપર લગભગ બધાજ બોલીવુડ ફિલ્મોના ગીતો ઉપર ડાન્સ કર્યા હતા. તો એ પ્રોગ્રામને’ કલ્ચરલ પ્રોગ્રામ’ કઈ રીતે નામ આપી શકાય???(બોલીવુડ ડાન્સ પ્રોગ્રામ એવૂ નામ આપ્યુ હોય તો બરાબર ગણાય.) જ્યાં આવા પ્રોગ્રામના આયોજકો કે સંચાલકોને જ આપણું કલ્ચર શું છે તે ખબર નથી તો તેમા ભાગ લેનાર બાળકો કે યુવાનો બિચારા શું સમજે.
  ૨. અને ૩. સરલાબેન અને નાથાભાઈનીપ્રમાણિકતા અને નિષ્ઠા બિરદાવવા લાયક.
  ૪.જગતભાઈએ લખ્યુ છે તેમ આજના જમાના પ્રમાણે અર્ધસત્ય..

 10. Thought provoking ,decent way to express high sesibility in a simple way .

 11. Moxesh Shah says:

  સુખી થવા માટે સંપત્તિની નહીં, સમજણની જરૂર છે.

  એક્દમ સાચી વાત. પરન્તુ, એ પણ એટલુ જ સાચુ છે કે સંપત્તિ ને સમજણ સાથે કોઇ સંબંધ નથી.
  સંપત્તિવાન વ્યક્તી સમજુ હોઇ શકે છે અને સંપત્તિ વિના નો માણસ પણ અણસમજુ હોઇ શકે છે.

  If we think positively (Lighter side of what mentioned):

  1. The person who had arranged the stras on ceiling of the bedroom is a real nature lover. In the season of cold, rich or poor any person cannot sleep outside in open and in such condition if he wants to enjoy the nature, he can do by this way. I had seen many poor people, who leave in hut and don’t sleep outside, under the open sky regularly.
  2. How many poor people enjoy rain by heart? The person who had arranged the facility of shower in bathroom is real rain lover and wants to enjoy each and every moment of life.

  So, understanding and wealth has no direct or inverse proportion.

 12. pragnaju says:

  ખૂબ સુંદર

  પ્રેરણાદાયી સંકલન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.