- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

પ્રભાતનું પ્રથમ કિરણ – સંકલિત

[1] સવાલ એક, સૌને – અરુણા પરમાર

વિજાણુ-માધ્યમોના આ સંપર્કયુગમાં કોમ્પ્યુટરના એક નાનકડા પડદા પર પૂરી દુનિયાનો સાક્ષાત્કાર કરી શકાય છે. ઈન્ટરનેટનાં પ્રિય બાળક સમી ઈ-મેઈલ વ્યવસ્થા એક એવું સંપર્કસૂત્ર છે જે તમને દેશાવરના દોસ્તારો સાથે તો જોડી જ રાખે છે, પરંતુ એક વિસ્તાર, એક શહેર, એક રાજ્ય અને સમગ્ર દેશમાં ફેલાયેલા તમારા પરિવારજનોને પણ તમારા પરિઘની પહોંચમાં રાખવામાં પૂરી મદદ કરે છે. અરે, એક નાનકડા ગામ સમા અમારા કાર્યાલય (ઈસરો)ના પરિસરમાં જ કામ કરતા મિત્રો સાથે વર્ષો લગી રૂબરૂ મુલાકાત થઈ શકતી નથી. જો કે એ માટેના કારણો દરેક પક્ષે અલગ હોય છે. પણ ઈન્ટ્રાનેટના માધ્યમ થકી અન્યોન્ય વિશે અમે હંમેશા વાકેફ હોઈએ જ છીએ. ઈ-મેઈલની આ યાત્રા દરમ્યાન અનેક બોધદાયી, હૃદયસ્પર્શી, ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ થતું હોય છે. થોડાંક દિવસો પૂર્વે દિલને સ્પર્શી જાય એવી એક સરસ કવિતા ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થઈ. એ પદ્યનો વિચાર-વિસ્તાર કંઈક આવો થાય :

સડક પર બેફામ, તીવ્ર ગતિથી વાહનો હંકારતા મનુષ્યપ્રાણીઓને જોઈને મને હંમેશા એક વિચાર ઊઠે છે. આખરે, આપણે સૌ ક્યાં જઈ રહ્યાં છીએ ? શું પામવા જઈ રહ્યાં છીએ ? શા માટે ભાગમભાગ કરી રહ્યાં છીએ ? આપણી આ દોટનો અંત ક્યાં છે ? રગશીયા ગાડા સમી આપણી આ જિંદગીનો હેતુ શું છે ? ક્યા પરમપદની પ્રાપ્તિ માટે આપણે આ હરીફાઈમાં જોડાયા છીએ ? અને અંતે આ દોડાદોડ બાદ જ્યારે પાછળ નજર નાખીએ છીએ તો જાણવા મળે છે કે આપણે તો હતાં ત્યાં ને ત્યાં જ છીએ !!! ઘણું ચાલવા છતાંય એક તસુભાર પણ ખસી શક્યા નથી. દિવસો સુધી, વર્ષો સુધી, દાયકાઓ સુધી, જીવનના એક તબક્કા સુધી આપણામાં કોઈપણ જાતનો ફેરફાર થવા પામ્યો હોતો નથી. આ હાયવોયથી નથી આપણે કશું મેળવી શકતા કે નથી આપણે ક્યાંય પહોંચી શકતા ! એનું એક કારણ એ છે કે આપણે આપણા ધ્યેય અંગે વાકેફ નથી અથવા તો ધ્યેય પ્રાપ્તિના પરિબળોથી આપણે સાવ જ અજાણ છીએ.

સંદેશા-વ્યવહાર તેમજ વાહનવ્યવહારની તમામ આધુનિક સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ હોવા છતાંય આપણે સામાજિક વ્યવહારો નિભાવવામાં પાછા પડીએ છીએ. સૌની એક જ ફરિયાદ હોય છે કે સમય નથી. કોઈને સમય મળતો નથી. સમય ક્યાં ખોવાઈ ગયો છે તે બાબતથી દરેક જણ અજાણ છે. ધંધાકીય ગૂંચવાડામાં સૌ એટલી હદે તો ખૂંપી ગયેલા છે કે તહેવારો પણ ઑફિસમાં જ ઉજવીને સંતોષ માની લે છે. કોઈના લગ્નમાં ‘પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ’ કરવા માટે મળેલું આમંત્રણ જીવનની જાતે ઊભી કરેલી અન્ય પ્રાથમિકતાઓને કારણે એટલું તો પાછું ઠેલાતું જાય છે કે એ દંપતીનું સીમંત પણ ઉકેલાઈ જાય ત્યાં સુધી લગ્નની વધામણી આપવાની બાકી રહી ગઈ હોય છે.

પહેલાના જમાનામાં પરિવારની એક જ વ્યક્તિ કમાતી હતી અને આખો પરિવાર આર્થિક રીતે ઘરના તે મોભી પર સરસ રીતે નભતો હતો. પરિવારને પ્રાથમિકતાના પ્રથમ ક્રમે રાખવાનું પસંદ કરવામાં આવતું હતું. આ ક્રમમાં આજે ધન-ઉપાર્જન સર્વોચ્ચ ક્રમે બિરાજે છે. ઘરના મોટાભાગના સભ્યો વધુને વધુ કમાણી કરવામાં વ્યસ્ત રહે છે. કુટુંબની આવક તગડી છે. પરંતુ પોતાનાઓ માટે પાંચ મિનિટનો સમય પણ ફાળવવો આકરો અને અઘરો થઈ પડે છે. ઘરના દરેક સદસ્ય પાસે આજે સતત સંપર્કમાં રાખી શકતું મોબાઈલનું સાધન આવી ગયું છે. સમય કે સ્થળના પરિબળને અવગણીને, ધંધાના વિકાસ માટે મોબાઈલ પર કલાયન્ટ સાથે કલાકો વાતચીત કરવી પડે છે. પણ એ જ ફોન પર જો પત્નીનો ફોન આવે તો મોબાઈલ ફ્રી રાખવા બે જ મિનિટમાં તે ફોન કાપી નાખવામાં આવે છે. મિત્રોના નંબરોથી ફોનબુક ભરચક છે, પણ તેમને ફોન કરવાનો જ જ્યાં સમય નથી હોતો, ત્યાં તેમના ઘરે જવાની વાત તો ફક્ત વાત જ રહી જાય છે. આ સમગ્ર હરિફાઈમાં ટકી રહેવા માનવતાના મૂળભૂત મૂલ્યોને નેવે મૂકવા પડે છે. સ્વમાન તથા સ્વાભિમાનને કોરાણે મૂકવા પડે છે. મનને મારી નાખવું પડે છે. લાગણીઓને અવગણવી પડે છે. વ્હાલાઓને વિખૂટા કરવા પડે છે. પ્રેમ તથા સ્નેહ જેવા શબ્દોની પરિભાષા બદલી નાખવી પડે છે. જ્યાં કોઈ પ્રકારનાં બંધનો જ નથી એવા સંબંધોને સ્વીકારી લેવા પડે છે. સંસ્કારોના થઈ રહેલા ધોવાણને લાચાર નજરે જોઈ રહેવું પડે છે.

પેઢીઓને ટકાવી રાખતી સંસ્કૃતિ નામશેષ થઈ રહી છે. આવનારી પેઢીઓને કદાચ સંસ્કૃતિ વિશે સમજાવવું અઘરું થઈ પડશે. મૂંઝાતા મનને એકવાર સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી છે. જે રાહ પર આપણે જઈ રહ્યા છીએ તે આપણને યોગ્ય મંઝીલે લઈ જઈ રહ્યો છે કે નહિ તે આપણે સૌએ સુનિશ્ચિત કરવાનું છે. (‘વિચારવલોણું’માંથી સાભાર.)
.

[2] સરલાબેનની સજાગતા – મૃગેશ શાહ

એમનું નામ સરલાબેન. આસપાસની સોસાયટીઓમાં જેટલા ઘરે કામ બાંધ્યું હોય એ પતાવતા છેક મોડી બપોરે અમારે ત્યાં આવે. કામના એકદમ ચોખ્ખા અને પ્રામાણિક. શિક્ષણ સાવ ઓછું પરંતુ અનુભવથી એવા ઘડાયેલા કે ભણેલાંને પણ બે શબ્દો સંભળાવી દેવામાં કસર ન રાખે ! કોઈ તેમને છેતરી ન શકે. સમયને બરાબર સમજીને ચાલે. એટલે સ્તો ઝૂંપડપટીમાંથી દૂરના વિસ્તારમાં ત્રણ રૂમનું પોતાનું મકાન ઊભું કરી શક્યા હતા. વહેલી સવારે મોબાઈલ લટકાવીને સાઈકલ પર નીકળી પડે. બાંધેલા કામ પતાવીને સાંજે ઘરે પાછા ફરે. ક્યારેક રજા લેવાની થાય તો અગાઉથી જણાવી દે. સંજોગોવશાત એકદમ આવી શકાય એમ ન હોય તો, જે એકલવાયાં વડીલોના કામ બાંધ્યા હોય એમને સામેથી મોબાઈલ કરીને જણાવે. ‘કસ્ટમર કૅર’ તો કોઈ સરલાબેન પાસેથી શીખે !

એકવાર તેઓ નિયત સમય કરતાં ખૂબ મોડાં આવ્યાં. એટલે મેં તેમને પૂછ્યું :
‘શું થયું સરલાબેન, આજે મોડું કેમ ?’
‘ઈ તો મું હવારમાં શિવલા ની ઈસ્કુલે ગઈ’તી….’ એમનો શિવ નામનો દીકરો પાંચમા ધોરણમાં ભણે.
‘શિવનું ભણવાનું કેમ ચાલે છે ?’
‘કંઈ ભણતો નથ. આખો દી’ રખડી ખાય છે…. એને ગમે ઈટલું કહો, કંઈ હાંભરે નંઈ…’
‘ભણશે નહીં તો પરીક્ષામાં પાસ કેવી રીતે થશે ? આખું વર્ષ બગડે તો તો તકલીફ…’
‘ના રે, એમ થાય તો તો હારું….’ સરલાબેને નિશ્ચિંત થઈને કહ્યું.
‘એ કેવી રીતે ?’ મને કંઈ સમજાયું નહીં.
‘અમારે સરકારી નિહાળોમાં નપાસ નથ કરતાં… બધોંને ઉપર ચઢાવી દે છે… બેન કૃપાગુણ ઉમેરીને પાસ કરી દે…’
‘તો તમે એને પાસ કરી દે…. એમ કહેવા ગયેલા ?’ મેં ઉત્સુકતાથી પૂછ્યું.
‘હોય કંઈ…. મું તો ઈમ કહેવા ગઈ’તી કે ઈને પાસ નોં કરતા. બીજા છોરાંને જેટલા ગુણ આપવા હોય ઈટલા આપજો પણ મારા શિવલાને એક પણ વધારાનો ગુણ આપતા નીં. ઈને નાપાસ કરો તો જ ઈને ભાન થાય. કોઈના ગુણનો ટેકો લઈ ચ્યોં હુંધી હાલશે ?…. એટલે મું તો સાહેબને કઈ આવેલી કે શિવલા ઈ બરોબર ન લઈખું હોય તો આની ફેર ઈને નાપાસ જ કરજો… મું ને સરકારી ગુણ નથ જોઈતા.’

સરલાબેનની વાત સાંભળીને તેમની સરખામણી શિક્ષિત માતા-પિતાઓ સાથે કરવાનું મન થાય છે. આ કહેવાતા ભણેલા માતા-પિતાઓ તો પોતાના બાળકમાં જે નથી એ પણ પ્રદર્શિત કરવા તૈયાર થઈ જાય છે ! જ્યારે આ એક અભણ મહિલા ઈચ્છે છે કે પોતાનું બાળક જે વાસ્તવિકતા છે તે સ્વીકારવા હંમેશા તૈયાર રહે. એને કૃપાગુણની ગુલામી નથી જોઈતી. આપણે તો ઓછા માર્કસની સામે નોટોના બંડલો ધરીને ડોનેશનથી પ્રવેશ મેળવી પોતાની લાયકાત સિદ્ધ કરતા હોઈએ છીએ ! આપણામાં જે ઉણપ છે તેને સુધારવાનો કે સમજવાનો આપણને સમય જ નથી. ‘યેન કેન પ્રકારેણ’ આપણે સફળતાના શિખરે પહોંચી જવું છે. ભવિષ્યમાં જો ‘ભ્રષ્ટાચાર’ બાબતનો કોઈ ગોલ્ડ મૅડલ નીકળે તો એ શિક્ષણ જગતને જ મળશે, એટલું તો પાક્કું !
.

[3] સંસ્થાનો દાણો પણ કેમ લેવાય ? – ભરત ના. ભટ્ટ

આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિ ધીરે ધીરે વિકસી રહી છે. હજી કેમ્પસ નાનું છે ને નાનાભાઈનું ઘર, છાત્રાલય, રસોડું બધું નજીક છે. વચ્ચે મેદાન છે ને ફરતાં બધાં મકાનો છે. સાંજે બધા વિદ્યાર્થીઓ મોટા ચોકમાં જમવા બેસે અને કાશીરામ મહારાજની સ્વાદીષ્ટ કઢી સાથે ખીચડી અને રોટલા ટેસથી જમે. એક દિવસ આમ વિદ્યાર્થીઓ જમવા બેસતા હતા. હજી કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈના છએક વર્ષના પુત્ર ભરત સાથે રમત કરતા હતા. એ વિદ્યાર્થીઓ પછી જમવા આવ્યા ને ભરતને પોતાની સાથે પંગત પાસે લઈ આવ્યા. રમતો રમતો ભરત પણ વિદ્યાર્થીઓ સાથે જમવા બેસી ગયો ને જમ્યો. ભરત તો જમીને પાછો રમવા લાગ્યો.

આ બાજુ નાનાભાઈએ જોયું કે ભરત વિદ્યાર્થીઓ સાથે રસોડે જમ્યો છે. નાનાભાઈએ તરત એક વાટકામાં કાચી ખીચડી રસોડે મોકલી. ખીચડી કોઠારી પાસે આવી એટલે તેમણે માટલિયાભાઈને વાત કરી. માટલિયાભાઈ ગૃહપતિ હતા. તેઓ નાનાભાઈ પાસે ગયા ને કહ્યું, ‘નાનાભાઈ, ભરત જમે તેમાં તમે કોઠારને ખીચડી મોકલો તે મને બરાબર લાગતું નથી. તે પણ વિદ્યાર્થી જેવો જ ગણાય. વળી હજી તો બાળક છે ને તમારો પુત્ર છે.’ નાનાભાઈ ભટ્ટ થોડા ગંભીર થઈ ગયા. માટલિયાને કહે, ‘માટલિયાભાઈ, તમે જાહેર સંસ્થામાં કામ નહીં કરી શકો. જાહેર સંસ્થાના આચાર્યો, ટ્રસ્ટીઓ અને ગૃહપતિઓ આવી અજાગૃતિને કારણે જ ચોરીના પાપમાં પડે છે. પોતાનો પગાર મેળવ્યા પછી સંસ્થાનો દાણો પણ તેનાથી કેમ લેવાય ? સંસ્થાની ચીજવસ્તુ વાપરવી, સાધનો વાપરવાં અને આ પ્રકારના ભોજન વગેરેમાં આંખ આડા કાન કરવા તેમાં મને તો અસ્તેયવ્રતનો ભંગ જ લાગે છે.’ માટલિયાભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. તેમને મન નાની દેખાતી વાત કેટલી મહત્વની હતી તે તેમને સમજાયું. (‘નયા માર્ગ’ સામાયિકમાંથી સાભાર.)
.

[4] સુખી થવા માટે સંપત્તિની નહીં, સમજણની જરૂર છે – રૂગનાથભાઈ ક. પ્રજાપતિ

સુખી થવા માટે સમજણની જરૂર છે. બાકી તો માણસ પહેલાં પણ રડતો હતો. જે દિવસે રૂપિયા નહોતા ત્યારે ઝૂંપડામાં રડતો હતો એ હવે રૂપિયા થઈ ગયા તો બંગલામાં રડે છે. પહેલાં રૂપિયા નહોતા ત્યારે દુઃખી થતો હતો, હવે રૂપિયા થઈ ગયા પણ દુઃખી જ થાય છે. ઓલા ઘરના ઓટલે બેસીને દુઃખી થાય અને આ ઘરના એસી રૂમમાં બેસીને દુઃખી થાય. ગામડાના માણસ પાસે મકાન નાનું હોય પણ પોતાનું ફળિયું તો ખરું, આસમાન તો ખરું જ. પછી શહેરવાળા શું કરે ખબર છે ? તે પોતાનું વળી નકલી આસમાન બનાવી લે છે; છત ઉપર કંઈક એવું લગાડે કે જેવી લાઈટ બંધ કરે એવા તારલિયા ટમટમે. એક જગ્યાએ અમે ગયા હતા પછી એ ભાઈ લાઈટ બંધ કરીને ગયા કે સૂઈ જાઓ તમતમારે. તે સૂતો તો ખરો પણ આમ થોડીવારમાં જોયું તો રૂમમાં તારલિયા ટમટમે. મેં કહ્યું કે આ આકાશ અહીં ઊતરી આવ્યું કે શું ? એટલે માણસો રૂપિયા ખર્ચીને પોતાનું નકલી આસમાન પણ બનાવી લે છે. એક ભાઈને ત્યાં વીસ લાખ રૂપિયા ખર્ચીને એવો બાથરૂમ બનાવ્યો હતો કે એનું બટન દબાવો તો ઉપરથી વરસાદ થાય. બોલો, પૈસાવાળા માણસો પૈસા ખર્ચીને ઘરમાં વરસાદ લાવે છે. પછી બહાર ભલે વરસાદ ન વરસતો હોય ! તેનું ચોમાસું નકલી, તેનું આસમાન નકલી, તેની ઠંડી નકલી, તેનું હાસ્ય પણ નકલી જ હોય છે.

વહેતી નદી પાસે થોડીવાર બેસીએ તો કેવી મજા આવે. હરિયાળાં ખેતરો પાસેથી વહી જતી કેડીઓ પર વહી જતા હોઈએ તો કેવો આનંદ આવે ! રાતના ફળિયામાં ખાટલો નાખી ખુલ્લા આસમાન નીચે સૂતા હોઈએ તો કેવી મોજ આવે ! ખબર નહીં, રૂપિયા જેમ આવે તેમ માણસ આ બધી મોજથી દૂર થતો જાય છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)