દિવસ સાથેની ઠગાઈ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ જિંદગીને ઝરૂખેથી : જીવનઘડતર શ્રેણીના પુસ્તક ‘આપણે ઘડવૈયા બંધુ આપણા’માંથી સાભાર.]

જીવન પ્રત્યે તમને માન છે ? તો તમે એક કામ કરો. તમે જીવનને ચાહતાં શીખો. જીવનને ચાહવાની દષ્ટિ તમારામાં વિકસશે. એટલે જીવનને કે કોઈ પણ ચીજવસ્તુને વેડફવાનો વિચાર સુદ્ધાં તમારા મનમાં નહીં આવે !

એક માણસ બેફામ રીતે પોતાની કાર હંકારે જતો હતો. એકાએક એણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. એક વૃદ્ધ સ્ત્રી માટલાં વેચવા બેઠી હતી. બેકાબૂ બનેલી કારે માટલાંનો ભુક્કો બોલાવી નાખ્યો. પેલી ડોસીએ રોક્કળ કરી મૂકી. એટલે કાર હંકારનાર અમીરે નીચે આવીને કહ્યું, ‘ડોશી, આમ રાડારાડ શું કામ કરે છે. એક માટલાની કિંમત ચાર રૂપિયાને હિસાબે ફૂટેલાં 10 માટલાંની કિંમત ચાળીસ રૂપિયા થાય…! રડવાનું બંધ કર…. લે, ચાળીસ ને બદલે પચાસ રૂપિયા !’ અને પેલો માણસ પચાસની નોટ ફેંકીને ચાલતો થયો. પણ એ વૃદ્ધાએ નોટ તરફ નજર પણ ન કરી. શ્રમનું અપમાન કરે એવા પથ્થરદિલ પાસે સહાનુભૂતિની અપેક્ષા ક્યાંથી રખાય ? એ માજીને માટલાં ફૂટ્યાં કરતાં મહેનત એળે ગયાનું દુઃખ હતું. માટલું ફૂટે તો નવું લવાય, પણ પેલા અમીરે શ્રમને સન્માનની દષ્ટિએ જોતી વૃદ્ધાના મનને ઘાયલ કર્યું હતું.

જિંદગીને આપણે કેવળ રૂપિયા-પૈસાના સરવાળા-બાદબાકીની નજરે જોવી છે ? જિંદગીને માત્ર પદ-પ્રતિષ્ઠા કે સત્તાને ત્રાજવે તોળવી છે ? જિંદગીને વર્ષો-દિવસો અને ક્ષણોમાં માપવી છે ? જિંદગીને ક્ષુલ્લક, પણ માણસના અહંકારે મોટી અને મહત્વની ગણી લીધેલી બાબતોના સંકીર્ણ કુંડાળામાં ગોંધી રાખવી છે ? હકીકત તો એ છે કે આપણે સમૃદ્ધિ, સંપત્તિ અને સુખના સ્વામી બનવા જન્મેલા આપણે જીવનનું કેન્દ્ર ક્યાં છે, એ નહીં પિછાણવાને કારણે કસ્તુરીમૃગની જેમ ખુશબોની તલાશીમાં ભટક્યા જ કરીએ છીએ. પરિણામે આપણા હાથમાં બધું જ આવે છે, પણ ‘જીવન’ નથી આવતું ! પરિણામે આપણે સમ્રાટોના મહાસમ્રાટ, અમીરોનાય મહાઅમીર અને સત્તાધીશોનાય મહાસત્તાધીશ હોવા છતાંય જીવન સામે અકિંચન બનીને ઊભા રહીએ છીએ ! દાતા હોવાની ક્ષમતા છતાં ભિખારી બનવાની જેને આદત પડી હોય એને કોણ બચાવી શકે ? માજીનાં માટલાં ફોડનાર પેલા ઘમંડી અમીર જેવા માણસોની આ દુનિયામાં ખોટ નથી ! એવા માણસોની સાન ઠેકાણે લાવવા માટે એમની સાથે લડવાને બદલે આપણે આપણા ચારિત્ર્યની તાકાતનો પરચો તેમને કરાવવાની જરૂર છે !

કોઈ એક તવંગર નબીરાએ દક્ષિણ ભારતના વણકર જૂલાહા-સંત મહાત્મા તિરુવલ્લુવરનાં વખાણ સાંભળ્યાં એટલે એને મન થયું સંતની સહિષ્ણુતાની કસોટી કરવાનું. સંત તિરુવલ્લુવર માત્ર બે સાડીઓ લઈને પેટિયું રળવા બેઠા હતા. ગ્રાહક તરીકે પેલો ધનિક પુત્ર તિરુવલ્લુવર સામે જઈને ઊભો રહ્યો અને રુઆબથી કહ્યું :
‘મારે એક સાડી ખરીદવી છે…. ભાવ બોલો !’
‘બે રૂપિયા, ભાઈ !’ તિરુવલ્લુવરે પ્રેમથી જવાબ આપ્યો.
પેલા છોકરાએ સાડીના વચ્ચેથી બે ટુકડા કરી નાખતાં કહ્યું : ‘મારે આખી નહીં, આટલી અડધી સાડી જોઈએ છે !’
‘તો અડધા રૂપિયા એટલે કે એક રૂપિયો આપો !’
‘પણ મારે તો આ સાડીનું ચોથિયું જ જોઈએ છે !’
‘તો ચોથા ભાગની કિંમત મુજબ આઠ આના આપો.’ તિરુવલ્લુવરે નમ્રતાથી કહ્યું. એમની નમ્રતા જોઈ પેલો અમીરપુત્ર ઉશ્કેરાયો. એણે સાડીના ટુકડે ટુકડા કરી ચીથરાં જમીન પર ફેંકવાનું ચાલુ રાખ્યું. સંત તિરુવલ્લુવર ક્રમશઃ કિંમત ઘટાડતા જ ગયા. અંતે પેલા શ્રીમંતપુત્રે કહ્યું :
‘આ સાડીના ટુકડા લઈ જઈને હું શું કરું !’
‘તોય વાંધો નહીં….’ સંતે જવાબ આપ્યો.
‘એના કરતાં આ સાડીની પૂરી કિંમત બે રૂપિયા લઈ લો.’
‘બે રૂપિયાના બદલામાં મારે તને આ સાડીના ટુકડા આપવા પડે. એના કરતાં હું એ ટુકડાને સાંધીને એમાંથી થોડીક આવક ઊભી કરીશ…. મારે મફતના રૂપિયા નથી જોઈતા.’ સંતે તેને સમજાવવાની કોશિશ કરી.
‘જવા દો ને હવે મફત ને બફતની વાત ! મારા ઘરમાં રૂપિયા પેઢીની પેઢીઓ ખાય તોય ખૂટે નહીં એટલા છે ! પણ સાડી મેં ફાડી નાખી, એટલે નુકશાનની રકમ ચૂકવી આપવાની મારી ફરજ છે !’
‘તો ભાઈ, એમ કહેને કે તારે નુકશાની ભરપાઈ કરી આપવી છે…. પણ એક વાત તને પૂછું ? સાડીના બે રૂપિયા ચૂકવી આપવાથી નુકશાન ભરપાઈ કેવી રીતે થવાનું ? જો સાંભળ…. ખેડૂતે મહામહેનતે કપાસની ખેતી કરી કાલું તૈયાર કર્યું, મારી ઘરવાળીએ રૂ કાંતીને સૂતર તૈયાર કર્યું, મેં સૂતરને વણી-રંગીને સાડી બનાવી ! શું કામ ? કોઈક એને પહેરીને હરખાય એટલા માટે. પણ તેં સાડી ફાડી નાખી એટલે અમે બધાંએ કરેલો શ્રમ તેં નકામો બનાવી દીધો….!’
‘ક્ષમા કરો સંત ! મેં સાડી બગાડી એનું મને દુઃખ છે !’ એ યુવાનનો હૃદયપલટો થયો.
‘ભાઈ ! સાડી બગડે તો બીજી બનાવી શકાય…. પણ બગડેલી જિંદગીનું શું ?…. માનવજીવન થોડું વારંવાર મળે છે ?’ તિરુવલ્લુવરે એ અમીરપુત્રના માથે પોતાનો અમી વરસાવતો હાથ મૂકતાં કહ્યું, ‘કબીર જેવા સંતો આત્મવિશ્વાસ અને નિર્મળ જીવનયાત્રાના આગ્રહને બળે કહી શકે કે જીવનની ચાદરને ડાઘ લગાડ્યા સિવાય પરમાત્માને ચરણે યથાવત નિષ્કલંકરૂપે પોતે ધરી દેશે !’

ભલે દરેક માણસ સંતત્વની શ્રેણીમાં ન બેસી શકે, પણ પોતાના જીવનને ઉદાત્ત, કર્તવ્યરત, ક્ષમાશીલ અને સેવાની સુગંધવાળું તો બનાવી જ શકે. મૂળ વાત છે જીવન-જીવવાની દષ્ટિ ઉછીની નથી મળતી. માણસે જાતે જ કેળવવી પડે છે. સંત-મહાત્મા પ્રેરણા આપી શકે, પણ હવે તો સંત-મહાત્મા કોને કહેવા એય નક્કી કરવાનું મુશ્કેલ બનતું જાય છે ! પણ જે વાત આપણા હાથની જ છે, એ કરતાં – અપનાવતાં આપણને કોણ રોકે છે ? રોજબરોજનું આપણું જીવન કેમ કલેશમય બને છે એનો આપણે ગંભીરતાથી વિચાર કરી શકીએ છીએ ખરા ? આપણે અન્યના અભિપ્રાયનો આદર કરવા જેટલું ઔદાર્ય દાખવી શકીએ છીએ ખરા ? મંદિર કે તીર્થસ્થાનમાં મનની શાંતિ શોધવા ભટકીએ છીએ, પણ ઘરને જ ‘મંદિર’ બનાવવાનો સંકલ્પ આપણા મનમાં કેમ સ્ફુરતો નથી ? કુદરતી આપત્તિ, પડકાર કે માનવતાનો કોઈ સાદ કરે ત્યારે આપણી કરુણાનો ઝરો એકાએક વહેવા લાગે છે. દાનવૃત્તિ સક્રિય બની જાય છે, તેને બદલે આપણું દૈનિક જીવન કરુણાબિંદુથી કેમ ભાવભીનું બની શકતું નથી ? માનવસેવા કરતાં દુઃખી પીડિતને મદદરૂપ થવા માટે આપણે નીકળી પડીએ છીએ, ત્યારે આપણી નજીકમાં રહેતા લોકો – આપણાં સ્વજનો-સ્નેહીઓને ઠારવાની સહજવૃત્તિ આપણામાં કેમ ઉદ્દભવતી નથી ? શું આપણે ‘સેવા’ને પ્રદર્શનનો અને ‘પ્રેમ’ને ‘નાટક’નો વિષય બનાવીને જ સંતોષ લેવો છે ?

ભૂખે મરતી ગાયને કે કોઢગ્રસ્ત રોગીને તમારી હમદર્દીની જેટલી જરૂર છે તેટલી જ હમદર્દીની જરૂર તમારા અલ્પવેતન નોકર, માળી કે કામવાળીને પણ છે. હૉસ્પિટલમાં દર્દીઓની ખબરઅંતર પૂછી તમે સેવા કે માનવતાનું કાર્ય કર્યાનો પરિતોષ અનુભવવા માગતા હો તો એની શરૂઆત તમારે તમારા ઘરથી કરવી પડશે… તમારી વૃદ્ધ, અશક્ત માતા કે દાદીમાને તમે બગીચાને બાંકડે બેસાડી એમની કપાયેલી જિંદગીને માનવમહેરામણની ઊર્મિઓનો આસ્વાદ લેવાની અનુકૂળતા કરી આપો તો એ સેવાનું મૂલ્ય કોઈ સંઘ, સંગઠન કે મંડળીના સભ્ય તરીકે તમે કરેલાં સેવાકાર્ય કરતાં જરાય ઓછું નહીં ઠરે ! પરમાત્માને ચોપડે પુણ્ય નોંધાવવાને બદલે માણસના અંતઃકરણને જ તમારાં સત્યકૃત્યોનો હિસાબનીશ બનાવો ! કરવું જ હોય તો શ્રદ્ધા ને ભરોસાનું દાન કરો. વહેંચવું જ હોય તો કરુણાથી ઉત્તમ વસ્તુ આ પૃથ્વી પર નથી ! પામવું હોય તો માણસના જીવનને ઉજાળીને પરિતોષ અનુભવવાથી અદકેરી કોઈ પ્રાપ્તિ નથી ! પણ ક્ષુલ્લક વૃત્તિઓનો બંદીવાન માણસ ! એનો ખેલ તો જુઓ…. ભજવા જેવી વસ્તુને ‘ત્યજે’ છે અને ‘ત્યજવા’ જેવી વસ્તુને ‘ભજે’ છે ! સત્વશીલ ન હોય એવું જીવન શા કામનું ? હળવાશ ન અનુભવાય એવી સહયાત્રા શા ખપની ? બોજ લાગે એવો અભિશપ્ત દિવસ શા ખપનો ?

આજે દરેક માણસની શિકાયત છે કે એક પણ ક્ષેત્ર એવું નથી, જે બદબોથી ભરેલું ન હોય ! પણ આવું વિધાન કરીને આપણે આપણે જ સર્જેલી જીવનવ્યવસ્થાનું અપમાન નથી કરતાં ? બદબો છે કારણ કે બદબો પેદા કરનાર છે, બદબો છે કારણ કે બદબોને છાવરનાર છે, બદબૂ છે કારણ કે બદબોને ટકાવનાર છે, બદબો છે કારણ કે માણસનું ‘નાક’ પોતાનો વિવેક ભૂલી ગયું છે ! બદબોને જ ‘સુગંધ’ માનનાર સમજણહીનને બદબો ન ખટકે તો એમાં સુગંધનો શો વાંક ? બસરી નામના મહાત્માને એમના એક અનુયાયીએ પૂછ્યું :
‘પ્રભુ ! મારી દુર્દશાનું કારણ શું ?’
સંત બસરીએ કહ્યું : ‘હૃદયનું મૃત્યુ.’
‘હૃદયનું મૃત્યુ ?….. હૃદયનું મૃત્યુ કેવી રીતે થાય ?’ અનુયાયીએ સ્પષ્ટીકરણ માગ્યું.
‘સંસારમાં વધુપડતી આસક્તિ એ હૃદયનું મૃત્યુ છે ભાઈ ! તારી જ નહીં, જગતની પણ દુર્દશા હૃદયના મૃત્યુને કારણે જ થઈ છે !’

આપણે ‘કોરા’ કર્મચારી બનીએ છીએ, ‘કોરા’ ડૉક્ટર, વકીલ, ઈજનેર કે અધ્યાપક બનીએ છીએ, પણ ‘ભાવભીના’ બનવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે આપણે આપણું કર્મ સમાજદેવતા, જીવનદેવતા, રાષ્ટ્રદેવતા, વિશ્વદેવતાનું ‘અર્ઘ્ય’ બની શકતું નથી ! રોજગારીને તમે રોજ ‘ગાળ’ ન ખાવાનું ગૌરવ બક્ષી શકો છો ખરા ? પરિતાપને તમે આખા દિવસમાં પળવારેય પ્રસન્નતાથી છલકાવી શકો છો ખરા ? સ્વજનોને તમે તમારો સુજનત્વનો અહેસાસ કરાવી શકો છો ખરા ? તમારી મૈત્રી મિત્રની ‘ત્રાતા’ બની શકે છે ખરી ? તમે કોઈની નજરમાં પૂરેપૂરા વિશ્વાસપાત્ર ઠરી શકો છો ખરા ?….. એમ ન હોય તો તમારે માટે ઉજ્જવળતાના પેગામ લઈને આવતા પ્રત્યેક દિવસ સાથે તમે પ્રવંચના કરો છો ! ‘આજનો દિવસ બગડ્યો’ કહેનારા આપણે દિવસ સાથે કેવો ભૂંડો વર્તાવ કરીએ છીએ ! દિવસ ‘ઠગારો’ હોતો જ નથી, આપણે જ દિવસ સાથે ઠગાઈ કરીએ છીએ !

‘પરમ સમીપે’ની પેલી પ્રાર્થનાની જેમ આપણા જીવનની પણ એ જ આરઝૂ અને વંદના હોઈ શકે :
‘પરમાત્મા, અમને દષ્ટિ આપો કે અમે સહેલા અને અઘરા વચ્ચે ભેદ પારખી શકીએ !
અમને શક્તિ આપો કે અમે અઘરી વાટે ચાલી શકીએ !
હે પરમ પ્રભુ !
અમારા વિચારોને એટલા ઉદાર બનાવો કે બીજા માણસનું દષ્ટિબિંદુ અમે સમજી શકીએ. અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.
અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ. અમારા હૃદયને એટલું ખુલ્લું કરો કે બીજાઓનો પ્રેમ અમે ઝીલી શકીએ. અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે પોતાના ને પારકાના ભેદથી ઉપર ઊઠી શકીએ.’

સ્વધર્મનું વિસ્મરણ ન થાય, એ જાગૃત મનથી જોતાં રહેવું એય આખરે તો ઈશ્વરોપાસના છે ! કર્મમાં આસક્તિનું વિષ ઉમેરતાં તો આપણે શીખી લીધું છે, પણ કર્મમાં ભક્તિનું અમી ઉમેરવાનું આપણને હજી આવડ્યું નથી ! કારણ કે ‘અજ્ઞાન’ આપણને કોઠે પડી ગયું છે ! માણસ ‘રોગ’ અને ‘ત્યાગ’ વચ્ચે અટવાયેલો રહે તો એના હાથમાં ‘રાખ’ સિવાય બીજું આવે પણ શું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રભાતનું પ્રથમ કિરણ – સંકલિત
સ્મૃતિતંતુ – નિરંજના લક્ષ્મીકાન્ત ભટ્ટ Next »   

10 પ્રતિભાવો : દિવસ સાથેની ઠગાઈ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. Krutika says:

  real eye opener. I realized i have been so casual towards the efforts of so many people who work so hard and due to them i can have my food, clothing and so many things. What i pay is no real remuneration for so much of hard work they do.

 2. dhiraj says:

  અતિ સુક્ષ્મ વિચારો
  ઘણા લેખ એવા હોય છે જે વાંચ્યા પછી જીવન માં પરિવર્તન લાવવુ જ પડે
  માટલા વાળી બાઈ નો પ્રસંગ વાંચી જે વિચારો નું ઘોડાપુર ઉમટ્યું તે રજુ કરું?
  ખાતી વખતે આપણે જે છોડી દિયે છીએ તે પણ ખેડૂત અને કેટલાય મજૂરોની મહેનત નું અપમાન છે
  કોરા કાગળ ની ચબરખી કચરાની ટોપલીમાં ફેંકી આપણે શું ઝાડ નું અપમાન નથી કરતા ?
  પાણી નું એક ટીપું પણ એ પરમ શક્તિ ની મહેનત નું ફળ છે
  હે દેવો ! અમે કોઈ વસ્તુ, પદાર્થ, જીવ કે ભાવનાઓ નું બગાડ ના કરીએ તેવી સદબુદ્ધિ આપજે

 3. Amit Trivedi says:

  ‘પરમાત્મા, અમને દષ્ટિ આપો કે અમે સહેલા અને અઘરા વચ્ચે ભેદ પારખી શકીએ !’

  ‘અમારા વિચારોને એટલા ઉદાર બનાવો કે બીજા માણસનું દષ્ટિબિંદુ અમે સમજી શકીએ.’

  સુદર વિચારો

  આભાર

 4. Anila Amin says:

  ખૂબ જ સરસ .માટલા ફોડનાર અમિર જાદો અને સાડીના ખરીદનારની વિચારસરણી ઊપર દયા ઉપજે છે. માટલા ફોડીને

  પૈસા આપવા એના કરતા ખરીદીને કોઇ સન્સ્થા અથવા ગરીબ ુટુમ્બોમા જઈને વહેચ્યા હોતતો અને સાડીના ટૂકડા કર્યા

  એના કરતા ખરીદીને ગરીબોને આપિ હોતતો શ્રમની કદર કરી ગણાત, પણ શ્રિમન્તાઈમા છકેલાઓને કોણ સમજાવી શક્રે?

  અહીયા એક ગઝલની પન્ક્તિ યાદ આવેછેકે—” જુદી જીન્દગી છે મિજાજે મિજાજે, જુદી બન્દગી છે નમાજે નમાજે “.

 5. Jaisukh Parsana says:

  ખુબ સરસ લેખ

 6. Bhalchandra says:

  Very good article! If we can understand the view points of those who interact with us daily, and act, then our world will be like heaven! But it is easier said than done.

 7. pragnaju says:

  સ્વધર્મનું વિસ્મરણ ન થાય, એ જાગૃત મનથી જોતાં રહેવું એય આખરે તો ઈશ્વરોપાસના છે ! કર્મમાં આસક્તિનું વિષ ઉમેરતાં તો આપણે શીખી લીધું છે, પણ કર્મમાં ભક્તિનું અમી ઉમેરવાનું આપણને હજી આવડ્યું નથી ! કારણ કે ‘અજ્ઞાન’ આપણને કોઠે પડી ગયું છે !
  ખૂબ મહાન વિચારો

 8. Jagruti Vaghela(USA) says:

  This is one of the best article.

 9. Bhavesh says:

  great….I like this so much……tnx to author Dr Mehta for this article

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.