આપણે આપણા બાળકની નજરે – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓરલી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલું ‘એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’ – વડીલોને સમજવા માટેની માર્ગદર્શિકા – આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ, કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ. જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છે :

વહાલાં બાળકો,
તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે. આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૂર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે, એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

દરેક બાળક સૌથી પહેલાં પોતાનાં માતાપિતાના સંપર્કમાં આવે છે અને તેમના વિશે જાણકારી મેળવે છે એટલે હું તમને મારાં માતાપિતા વિષે થોડી વાતો કરું. કોઈ પણ માતા કે પિતા ક્યારે શું કરશે અને કઈ રીતે વર્તશે તે તેના બાળક માટે એક કોયડો હોય છે. બાળક જમવાના ટેબલ પર બેસે એટલે જમવા માંડશે, પણ માતા કે પિતા માટે એવું કોઈ બંધન હોતું નથી. તેઓ પહેલાં કે પછી કે વચ્ચે, ગમે ત્યારે બીજા કામ માટે ઊભાં થઈ શકે છે. મારી મમ્મીનું પણ એવું જ છે, તે જ્યાં સુધી અમુક વાત બોલે નહીં કે અમુક રીતે વર્તે નહીં ત્યાં સુધી તે શું બોલશે કે કરશે તે જાણી શકાતું નથી. એના વિશે થોડું વધુ લખું. જો તેને અચાનક ઈચ્છા થઈ જાય તો મકાન સાફસૂફ કરવા માંડે અથવા તો ફર્નિચર ફેરવી નાખે. તેને ઈચ્છા થાય તો સવારે, બપોરે, રાત્રે ગમે ત્યારે કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દે છે. આપણે તેમ કરી શકીએ નહીં. આપણા માટે નિયમો હોય છે. વડીલો માટે નિયમો હોતા નથી. મા જો થાકી જાય તો ગમે તેને ધમકાવી નાખે કે ગમે તે કામ કરવાની આજ્ઞા કરી નાખે, તે ન થાકે તેમાં જ આપણું, બાળકોનું હિત હોય છે. છતાં, દરેક માતા થાકી જવા માટે તનતોડ પ્રયત્ન કરતી હોય છે. મારી બહેનપણીની બા પણ એમ જ કરતી હોય છે.

મારા પિતા મારી સાથે ખાસ રહેતા નથી. તેમની સાથે રહેવું મને ગમે છે, પણ મોટે ભાગે તેઓ બહાર જ હોય છે. આપણાં બીજાં સગાંવહાલાં કાકા, કાકી, ફોઈ, દાદા, દાદી બધાં બહુ મજાનાં હોય છે છતાં કેટલાંકની સાથે વર્તવામાં આપણે બહુ સાવચેતી રાખવી પડે છે. ધારો કે, તમારા કાકાનો દીકરો તમારા કરતાં નાનો છે. તેને તમે હીંચકા પર વધારે નહીં બેસવા દો તો તરત જ તે તમારી વિરુદ્ધ ફરિયાદ કરશે અને કાકી તમને નાના છોકરાને હેરાન કરવા બદલ ઠપકો આપશે, પણ ધારો કે તમારા બીજા કાકાનો દીકરો કે દીકરી તમારા કરતાં મોટાં હોય અને તમને સાઈકલ ઉપર ન બેસાડે તો કાકી તમને સાઈકલ પડી જવાની બીક બતાવીને ખોટી જિદ્દ નહીં કરવાની સલાહ આપશે. આવા સંજોગોમાં તમારે બહુ સાવચેતી રાખવી જોઈએ અને તમારા ઝઘડા મોટેરાંઓ પાસે લઈ જવાના બદલે અંદરોઅંદર જ પતાવી લેવા જોઈએ. મોટેરાંઓ પાસેથી ક્યારેય નિષ્પક્ષ ન્યાયની આશા રાખશો નહીં, કહે છે કે એમની કોર્ટો પણ એવી જ હોય છે. જોકે હું એ બાબતમાં કશું જાણતી નથી.

દાદા-દાદીની વાત જુદી છે. એક રીતે તેઓ માતા-પિતા કરતાં વધારે જડ અને અક્કડ હોય છે. કાયમ તેઓ થાકેલાં જ હોય છે. અવાજ તો જરાય સહન કરી શકતાં નથી, પણ તેમની પાસે વાતોનો ખજાનો હોય છે અને તમારાં માતાપિતા કરતાં સમય પણ ઘણો વધારે હોય છે. અને ખાસ તો તમારાં માતા-પિતા જો તમારા ઉપર ગુસ્સે થાય તો તેઓ સદાય તમારો જ પક્ષ લે છે. બધી રીતે જોતાં મોટી ઉંમરનાં માણસોમાં દાદા-દાદી બાળકોનાં ઉત્તમ મિત્રો છે. ક્યારેક કુટુંબમાં જો તમારા વિષે વાત નીકળે અને તમને સુધારવા કે ભણાવવા માટે કે તમારા ભલા માટે ચર્ચાઓ થાય તો તેમાં ભૂલેચૂકેય ભાગ લેશો નહીં, વડીલો ભલે ચર્ચાઓ કરે. નિયમોની કે શિસ્તની વાત સાંભળીને જરાય ડરવાની જરૂર નથી, કારણ કે કોઈ બાબતમાં ક્યારેય તેઓ સર્વસંમત નિયમો ઘડી શકશે નહીં. હા, તમે જો વચ્ચે અભિપ્રાય આપશો કે ચર્ચામાં ભાગ લેશો, તો બધાં તમારા પર ઊતરી પડશે અને તમે હેરાનહેરાન થઈ જશો. એટલે સારામાં સારો માર્ગ એ છે કે મૂંગા રહેવું. શિક્ષકો બાબતમાં પણ થોડું જાણી લેવું જોઈએ કારણ કે આપણા માટે તેઓ સૌથી ઉપયોગી હોય છે. આપણી જિંદગીનાં ઘણા વર્ષો આપણે તેમની સાથે ગાળવાનાં હોય છે. મોટા ભાગના શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ બહુ ગમતાં હોય છે અને કેટલાંક બિલકુલ ગમતાં હોતાં નથી. જે વિદ્યાર્થીઓ તેમનું માથું ખાધા વિના પોતાની મેળે જ અભ્યાસ કર્યા કરે છે અને છતાં તેનો ‘યશ’ શિક્ષકોને આપે છે, તેઓ તેમને બહુ જ ગમે છે, પણ જેમને ભણાવવાની જવાબદારી શિક્ષકો પર આવી પડે છે તેમના ઉપર તેઓ નારાજ રહે છે. તમારે કોઈ એવા શિક્ષક સાથે પનારો પડે તો બહુ મૂંઝાશો નહીં નિભાવી લેજો કારણ કે તે માત્ર એકાદ વરસનું જ કામ હોય છે. બીજા વર્ષે બીજા શિક્ષક મળી જાય છે. પણ જો તમે કોઈ શિક્ષકનાં પ્રિય પાત્ર હો, તો સાવચેતી રાખજો અને બીજા વિદ્યાર્થીઓને તે જાણવા દેશો નહીં, નહીં તો તેઓ તમારા વિરોધી થઈ જશે અને શિક્ષકો કરતાં વિરોધીઓ સાથે સારા સંબંધો રાખવાનું આપણા માટે હંમેશાં સલામતીભર્યું હોય છે.

બાળકો કરતાં મોટેરાંઓ વધારે વાતોડિયાં હોય છે. તમે તમારી મમ્મીની આંગળી પકડી હોય અને તે તેની બહેનપણી સાથે વાત કરતી હોય, તમને જમવા બેસાડીને તે કોઈનો ફોન લેવા ગઈ હોય; તમારી સાથે તમારા પિતા રમતા હોય અને કોઈ પાડોશી મળી જાય, તો બંને કોઈ વાતમાં ઝુકાવી દે. મોટેરાંઓને વાતોમાંથી ઉખાડવા તે મજબૂત વૃક્ષને ઉખાડવા કરતાં પણ કપરું કામ છે. છતાં તમારે પ્રયત્ન કરવો જ પડે છે. તેનો સહેલામાં સહેલો રસ્તો છે તેમની વાતોમાં દખલ કરવાનો. તે માટે તમારે શું કરવું ? જોરજોરથી બોલવું, અથવા રેડિયો જોરથી વગાડવાનું શરૂ કરવું, અથવા તો ઉપરના મજલે જઈને દોડાદોડી કરવી, અથવા તો ફર્નિચરની થોડી અદલા બદલી કરવી. મોટે ભાગે તમે સફળ થશો. તમારે ત્યાં મહેમાનો પણ આવતાં જ હશે. બાળકો માટે મહેમાનો હંમેશાં સારા મિત્રો હોય છે. પોતાના ઘેર તેઓ ગમે તે રીતે વર્તતા હોય, પણ બીજાના ઘેર મહેમાન બનીને જનાર વ્યક્તિ બાળકો સાથે બહુ પ્રેમથી વર્તે છે. તેઓ તમારા પર જેટલો પ્રેમ બતાવે છે એટલો પ્રેમ રાખે છે એમ માનશો નહીં, પણ તેમની સાથે તમને જરૂર મજા આવશે.

ઘણાં મા-બાપ પોતાનાં બાળકોને વહેલા સૂઈ જવાની શિખામણ આપતાં હોય છે પણ પોતે મોડે સુધી જાગતાં હોય છે. બાળક માટે આ એક કોયડો હોય છે પણ આવા તો ઘણા કોયડાઓ એને ઉકેલવાના હોય છે. એક વાત સ્પષ્ટ છે કે, મોટી ઉંમરના માણસો દરેક બાબતમાં પ્રામાણિક હોતા નથી. ધર્મની વાત કરીએ, તો લગભગ દરેક પ્રસંગે તેઓ ઈશ્વરની ને ધર્મની ગૂઢ વાતો કરતાં હોય છે પણ તેમાં બાળકો કરતાં તેઓ જરાય વધારે સમજતાં હોય એમ હું માનતી નથી. તેમને સૌથી વિશેષ રસ પૈસામાં હોય છે. કોઈ પણ પુખ્ત ઉંમરની વ્યક્તિ વિશે જાણવાની તમને ઈચ્છા હોય તો પૈસા વિશે તે શું વિચારે છે તે તમારે જાણવું જોઈએ. ઘણાં વડીલો પોતાનાં બાળકોને દર મહિને અમુક પૈસા વાપરવા આપતાં હોય છે. તેથી બાળકો હિસાબ રાખતાં શીખે એમ તેઓ માનતાં હોય છે. તમારા ઘરમાં જો આવી વ્યવસ્થા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેય વધારે પૈસા માગશો નહીં, નહીં તો અનેક પ્રકારના સવાલ-જવાબની અને બીજી મુસીબતોમાં ફસાઈ જશો. પૈસા બાબતમાં વડીલો ગમે ત્યારે પોતાનો મિજાજ ગુમાવી બેસે છે. કેટલાંક માબાપ પોતાને ઈચ્છા પડે ત્યારે બાળકોને પૈસા વાપરવા આપતાં હોય છે. તેમને કાંઈક લાભ થયો હોય અથવા તો તેઓ આનંદમાં હોય ત્યારે તરત જ બાળકોના ખોળામાં સિક્કાઓ ફેંકે છે. આમાં બાળકે સતત જાગૃત રહેવું પડે છે. જો તે સારો પ્રસંગ શોધી કાઢે અથવા તો લાડ કરવાનું શીખે તો તેને વધારે પૈસા મળી શકે છે.

માણસની ઉંમર જેમ વધે તેમ પૈસો તેને વધારે મોટો દેખાવા માંડે છે. તમારે ત્યાં કોઈ જુવાન માણસ મહેમાન તરીકે આવશે તો તે તમને દસ-વીસ રૂપિયા હાથમાં આપશે પણ ઘરડાં ડોસા કે ડોસી તમને રૂપિયો બે રૂપિયા હાથમાં આપશે. તેઓ તમને ખૂબ પ્રેમ કરશે. તમે દોડી દોડીને તેમનું કામ કરો તેવી અપેક્ષા પણ રાખશે પણ જુદાં પડતી વખતે તેઓ વધારે રૂપિયા આપી શકશે નહીં. પૈસા વાપરવાની બાબતમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે ઉડાઉ છો, તેવી છાપ તમારાં માબાપ પર પડવા દેશો નહીં કારણ કે પૈસા માટે તેમને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે. તેનો હિસાબ લખતાં અને સરવાળા બાદબાકી કરતાં નાકે દમ આવી જતો હોય છે, તે મેં પોતે જોયું છે. જોકે મને સમજાતું નથી કે પૈસા કમાવા કરતાં વધારે મહેનત તેઓ હિસાબ રાખવામાં શા માટે કરતાં હશે. ગમે તેમ પણ પૈસા વાપરવા બાબતમાં આપણે તેમનો ખ્યાલ રાખવો જોઈએ.

મોટા માણસો વિષે બીજી પણ કેટલીક અગત્યની વાતો છે. હું હવે પછી ક્યારેક તમને એ કહીશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમજાવ મન – હર્ષ બ્રહ્મભટ્ટ
સાચી ઓળખ – જોસેફ મેકવાન Next »   

7 પ્રતિભાવો : આપણે આપણા બાળકની નજરે – મોહમ્મદ માંકડ

 1. જગત દવે says:

  દરેક વિચારશીલ મા-બાપને એવા તબ્બકાઓમાંથી પસાર થવું પડતું હોય છે જ્યારે તેમનાં આચરણો તેમણે તેમના બાળકો માટે સ્થાપેલા શિસ્તનાં નિયમોથી વિરુધ્ધ જતાં હોય. આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન માટે આજની પેઢીએ ઘણો ત્યાગ કરવો પડે.

  આ બાબતમાં तैत्तरिय उपनिषद જે દરેક શિક્ષક, વિદ્યાર્થી અને વાલીઓ માટે પથદર્શક બની રહે તેમ છે. તેનાં એક શ્લોકમાં ઋષિ તેનાં વિદ્યાર્થીઓને સંબોધી ને કહે છે. “અમારા સ્ખલનો પર ધ્યાન ન આપતાં અમારા આપેલાં જ્ઞાન પર ધ્યાન આપજો”
  “Whatever deeds are faultless, these are to be performed—not others. Whatever good
  works have been performed by us, those should be performed by you—not others”

 2. hiral says:

  ઉપરછલ્લું વાંચ્યું, પણ સરસ રીતે, મા-બાપ અને શિક્ષકો, કાકી, દાદા,દાદી વગેરેની ટેવોનો ચિતાર આપ્યો છે. પણ આવું કોઇ મોટાઓને મોઢા-મોઢ કહેવું નહિં, એ લોકો વડીલોને આદર જ આપવાનો હોય, એવું જ શીખવાડશે જ. જો કોઇ પણ દલીલ કરશો થોડા મોટાં થઇને તો તમે ‘ઉધ્ધત’માં ખપી જશો એટલે ‘ના બોલ્યામાં નવ ગુણ’ પણ લખતા રહેવું, કદાચ ‘આપણો એકાદ બોલ વેચાઇ જાય!’.


  મારી એક ફ્રેન્ડ પણ વાતોમાં મશગુલ થઇ જાય ત્યારે અને ઘરે ક્યારે કટ કટ કરે એવી વાતો એની દિકરી મને ઘણીવાર કરે. જો કે એ ફ્રેન્ડ મારાથી ઉંમરમાં મોટી (વડીલ મિત્ર) એટલે મને હંમેશા ‘તને કંઇ ખબર ના પડે, એવું બધું કહ્યા કરે’ એટલે મને એની દીકરીની બધી વાતો શબ્દશઃ સમજાઇ જાય. એકવાર મેં મારી ફ્રેન્ડને એની દીકરીનાં દેખતાં જ હસતાં હસતાં કીધું, જો આવી આવી ફરિયાદ ઘરની બહાર આવે છેઃ)

  તો એની દીકરીને એ લડી અને કહે, ‘અચ્છા બચ્ચુ, મમ્મી નથી ગમતી તો પપ્પાને કહે, બીજી મમ્મી લાવી આપે’, દીકરી તો તરત જ તૈયાર, ‘એ જ તો, તમે જલ્દી ડિવોર્સ આપી દો એટલે હું મને ગમતી મમ્મી શોધું ઃ) . છ વરસની દીકરી, હંમેશાં ઉંચી ઉંચી જ વાતો કરે, એની હંમેશાની ફરિયાદ, ‘ હવે કંઇ હું નાની કહેવાઉં?’, કંઇ પણ ના સમજાય તો તરત યુ-ટ્યુબ ઉપર વિડીઓ શોધે.

  આ લેખ વાંચીને એની મોટાંઓ વિશેની ફરિયાદો યાદ આવી ગઇ.

 3. Amy says:

  Where to find the original book? I searched on google but couldn’t find.

 4. Anila Amin says:

  વ્યક્તિ થોડી મોટી થાય અને પોતાના બાળકો થાય એટલે એ અચાનક પુખ્ત થઈ જાય અને પોતાને સલાહ આપવાનો

  ઇજારો મળી ગયૉ હોય એમ સમજવા લાગેછે અને હજુ હમણાજ પોતાનુ બાળપણ વિત્યુ છે એ દિવસોને એ ભુલી જાયછે

  બાળક ની દ્રષ્ટિને બહુ સરસ વાચા લેખક આપિ શક્યાછે.

 5. pragnaju says:

  ખરેખર બાળકના વિચારો, ડહાપણ, કટાક્ષ જરાય જૂનાં થયાં નથી.

  સમય સાથે કેટલાક સંદર્ભો બદલાયા છે

  અને

  કેટલીક વિગતો વડિલોને નવી દ્રષ્ટિ આપે છે

 6. Hitesh Mehta says:

  ખુબ જ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.