- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સાચી ઓળખ – જોસેફ મેકવાન

[ જોસેફ સાહેબની વાર્તા શૈલી એવી હોય છે કે જાણે કોઈ ઢાળ ઉતરતાં હોઈએ એમ સડસડાટ વાર્તામાંથી પસાર થવાનું બને છે. એક વાર શરૂ કર્યા પછી ક્યાંય અટકી શકાતું નથી. તેમની આ પ્રસ્તુત વાર્તા તેનો ઉત્તમ નમૂનો છે. સૂક્ષ્મ સંવેદનાઓને તેમની કલમ આબાદ ઝીલી લે છે. જેમાંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે તે ‘ચાકડો’ એ જોસેફ સાહેબની ઉત્તમ કૃતિઓનો જતનપૂર્વક સંપાદિત કરેલો સંગ્રહ છે. તેનું સંપાદન  આગ્નેસબેન વાઘેલા તેમજ શ્રી રમેશભાઈ વાઘેલાએ કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, રીડગુજરાતી.]

સૌરભ સાથેનો મારો પરિચય ગાઢમાંથી ઘનિષ્ઠ બનતો નેહમાં નિખરવા લાગ્યો ત્યારે મારા શુભચિંતકોએ સૌ પ્રથમ મને ચેતવેલી : ‘સૌરભની મમ્મીને ઓળખે છે ! બહુ કાઠી બાઈ. તારે ને એને ઊભા રહ્યે નહીં બને. ઝેર જેવી જિંદગી કરી મેલશે તારી, પરથમથી જ વિચારી લેજે !’

આ ચેતવણીમાં ઈર્ષ્યાય હતી અને અદેખાઈ પણ હતી. સૌરભ જેવો સુશીલ, દેખાવડો અને ઉમદા ચારિત્ર્ય સાથે ઊંચા દરજ્જાની નોકરી કરતો યુવાન હું મારા રૂપે-ગુણે જ મેળવી રહી છું અને મારાં મા-બાપને પૈઠણ કે પહેરામણીમાં જરા જેટલુંય ચિંતા કરવાપણું નહીં રહે. એવું જાણનારાં સહેજે જ મારા સદભાગ્યની ઈર્ષ્યા કરે એ દેખીતું હતું. પણ બીજી બાજુ સૌરભનાં બા વિશેના અભિપ્રાયમાં થોડુંક વજૂદ પણ હતું. એ હંમેશાં પોતાના પરિવારમાં ગૂંથાઈ રહેતાં. કદીયે કોઈની ચર્ચા-ચોવટમાં ના પડતા. સાચું લાગે એ જરાય સાડીબાર રાખ્યા વિના સંભળાવી જ દે. કોઈનો ઝાઝો ઘરોબોય ના રાખતાં અને સ્વભાવનાં આકરાં ગણાતાં. એટલે લોકો, ખાસ કરીને સ્ત્રીઓ એમને અતડાં ને ઘમંડી ગણતાં. એમાં પૈસાપાત્ર હોવાના ગર્વની વાત પણ ભળતી.

આપણે કોઈના માટે ગમે તેટલી સારી ધારણા ભલેને બાંધીએ પણ લોકાપવાદ આવા ચાલતા હોય ત્યારે દિલમાં શંકા ઘોળાયા વિના ના રહે. પરિણામે મેં એક વાર સૌરભને પૂછી નાખ્યું :
‘સૌરભ, બા વિશે તરેહવારની વાતો થાય છે, એમાં સાચું શું છે ?’
એક પળવાર મારી સામે ટીકી રહ્યો, અપલકભાવે. એ મને ચાહતો હતો એટલે આવી પૃચ્છાનું એણે માઠું ના લગાડ્યું. મને તાગતો હોય એમ એ બોલેલો: ‘મારાં મમ્મી વિશે પૂછે છે ને ? હું કહું એ તને ખપ નહીં લાગવાનું. તું ખુદ ખાતરી કરી લે.’ હું વિમાસણમાં પડી ગયેલી. મારા સવાલ પછી સૌરભ જાણે મૂરઝાઈ ગયેલો. ખાસ તે સમયે એ તો પછી ઊઘડ્યો જ નહીં. અમે છૂટ્ટાં પડતાં હતાં ત્યારે એણે કહેલું :
‘સમાચાર મોકલું ત્યારે માનસિક રીતે સજ્જ થઈને આવજે ! હું તને મારાં મમ્મીની મુલાકાત કરાવીશ.’

હું અસંમજસમાં પડી ગઈ હતી. પહેલીવાર સૌરભનાં મમ્મીને મળવાનું હતું. હકીકતે તો પોતાના એકના એક દીકરાને મોહી લેનારી વીસનખાળી કેવી છે એ જ એ પારખવા માગતાં હતાં ! આમ મારાં બાથી એ પરિચિત હતાં જ; પણ હું ગુરુકુલમાં ભણી અને પછી શાંતિનિકેતનમાં ‘ફાઈન આર્ટ્સ’નું પૂરું ભણવા ગઈ એટલે મને તો એમણે જોયેલી જ નહીં. લોકો તો મને ચેતવતાં હતાં, પણ આકરી કસોટી તો મારી હતી. સૌરભનાં મમ્મી – મારાં ભાવિ સાસુમાની પરીક્ષામાં મારે પાસ થવાનું હતું. સૌરભે એકવાર કહેલું, મજાક સ્તો ! ‘હું તો તારા મોહનો માર્યો તને ડિસ્ટિંકશન માર્કસ આપી દઉં; પણ મારાં બા તને પચાસ ટકાય આપે તો તારે માની લેવું કે તું ‘ફર્સ્ટ કલાસ ફર્સ્ટ’ થઈ ગઈ !’
ને હું ભગવાન બુદ્ધની યશોધરા ગાતી હતી તેમ :

રે મન આજ પરીક્ષા તેરી
બિનતી કરતી હૂં મૈં તુઝસે, બાત ન બિગડે મેરી !

ગાતી ગાતી એક અસહ્ય બોજ સાથે સૌરભના ઘરે પહોંચી હતી. મેં ‘અસહ્ય’ શબ્દ વાપર્યો ને ! હા, સૌરભે મને ફોન પર નિમંત્રણ આપ્યું ત્યારે મેં પૂછી નાખેલું : ‘મારે તને પરણવાનું છે કે તારી બાને ?’
ને એણે જરાય ક્ષોભાયા કે થોથવાયા વિના સ્પષ્ટ કહી દીધું હતું : ‘મારી માનાં અરમાનોને…!’ ને પછી રિસીવર મૂકી દીધું હતું. એકવાર તો મારું મન આળું થઈ ઊઠ્યું હતું : ‘હું એકવીસમી સદીમાં જવા થનગની રહેલ નારી છું. મારું સ્વમાન છે, ગૌરવ છે ને પરિણય એ બે યુવાન હૈયાંની અંગત મૂડી છે. કોઈનેય એમાં દખલ કરવાનો અધિકાર શાનો હોઈ શકે ?’ પણ જે સંસ્થાએ મને કેળવી હતી, મારા સંસ્કારોનું પરિમાર્જન કર્યું હતું, એ મને મર્યાદા લોપવા નહોતી દેતી. હૃદય કહેતું હતું : ‘જેમની સાથે રહેવાનું છે, જેમના સંગે જીવનવ્યવહારોની પ્રીત બાંધવાની છે એ સૌનો રાજીપો રળી લેવો એ જ ભારતીય લગ્નજીવનમાં નવવધૂની સિદ્ધિ છે. આ ભારત છે, યુરોપ કે અમેરિકા નથી. સ્ત્રી માત્ર એક પુરુષને નથી પરણતી; એનાં પરિવારજનોના, આપ્તજન-પરિજનોના, મિત્રોના, સંબંધીઓના સૌના સંબંધે સંબંધાય છે. લગ્ન એ માત્ર બે હૈયાં વચ્ચેની સ્નેહગાંઠ જ નથી; પારિવારિક અને સામાજિક સ્નેહ-સંવાદિતાની સરવાણીઓ વહેતી કરનાર જીવંત જીવનસ્ત્રોત છે એ !’ આ શિક્ષણ નર્યા આદર્શો ન હતું. એમાં વિચારોના-પરંપરાઓના નિષ્કર્ષો હતા. એટલે જ સૌરભે વાત કાપી નાંખ્યા પછી તો એનાં મમ્મીને જીતી લેવાનો જાણે મને પાનો ચડ્યો. મારા રૂપનું, મારા ગુણોનું, મેં જાળવીને જતન કરેલા મારા સંસ્કારોનું ને મારા પોતીકાપણાનું મને સહેજે અભિમાન હતું, મને એની ઓથ હતી. એટલે કોઈ પણ પ્રકારની કસોટીને પહોંચી વળવાના દઢતર સંકલ્પો સહિત હું જ્યારે સૌરભના ઘરે સૌપ્રથમ પહોંચી ત્યારે મારા સાનંદાશ્ચર્યનો પાર ના રહ્યો.

કડપ વરસાવતી કઠોર મુખમુદ્રા, આરપાર વીંધી નાખી તાગ લેવા તાકતી વેધક આંખો, પ્રેમમાં પડેલી છોકરી હંમેશાં નકામી ને નખરાળી જ હોય એવા પૂર્વગ્રહથી પીડાતી મનોવૃત્તિ ને એ બધા જ આવેશોના પરિણામે ચહેરે ઝલકતી વિરૂપતા મેં ન્યાળવા-નીરખવા ધારી હતી, એના બદલે હૈયાનો સાચકલો હરખ જેમના મુખડે વિલસતો હતો અને જેના મનોભાવને કે આંખોની પરખને વ્યક્ત કરાતા હેતનો જરાય અંતરાય નહોતો નડતો એવા જાજવલ્યમાન દેહસામર્થ્ય ધરાવતાં ને પહેલી નજરે જ પોતીકા પ્રભાવે કરીને જીતી લે એવાં સૌરભનાં બાને જોઈને એક પળ હું મારા અસ્તિત્વનેય વીસરી ગઈ. સાંભળેલી વાતોને કારણે બાંધેલી ધારણાઓને લીધે ઊલટાના મારા ચહેરે ક્ષોભનાં વાદળ છવાઈ ગયાં હશે ને મારી સાચી સુંદરતાને એ નડતર બની રહ્યાં હશે, એવા થડકારે અને દિલના પરિતાપે મારી આંખો ભરાઈ આવી. અનાયાસે મારા હૈયામાંથી બા કે મમ્મી નહીં – ‘મા…..આ…..!’ ઉદ્દગાર સ્ફુરી પડ્યો ને મને ભાનેય ના રહ્યું ને ચરણસ્પર્શ કરવા નમેલો મારો દેહ એમની સ્નેહાળ ભુજાઓમાં આબદ્ધ થઈ ગયો. મારાં આંસુથી એમની છાતી ભીંજાઈ હશે તેના આંચકા સહિત મારા બંને ખભા પકડી એમણે મને અળગી કરતાં મારી આંખોમાં આંખો માંડી :
‘અરે ! તું રડે છે ! સાચ્ચેસાચ્ચ રડે છે ! અરે, આજની આ ઘડીએ રુદન શાનું, હેં ગાંડી….!’
‘હા મા. તમારે માટે મારા મનમાં બંધાયેલી ખોટી ધારણાનો એ પરિતાપ છે !’
‘તે પહેલી મુલાકાતમાં અને એક જ નજરમાં તેં મને પારખી લીધી, એમ !’
‘હા મા, જોવાની આંખ હોય તો અંતરને કશુંય અજાણ્યું નથી રહેતું !’ ને એમણે ફરી એકવાર મને છાતી સરસી ચાંપી દીધી.

પછી એમના કામઢા હાથોમાં મારો ચહેરો સમાવી લઈ મારા કપાળે એક પ્રગાઢ બોસો દીધો, ને ફરી ધીરે સાદે બોલ્યા : ‘ત્રણ વાર તેં મને ‘મા’ કહી, સાચું ને ! જો, આપણા મેળાપના નાટકને વાંકા સ્મિત વડે હૈયે ઉતારતા જરાક આઘા ઊભા રહ્યા છે તે મારા કુળદીપક શ્રી સૌરભભાઈ ! શાળામાં જતા હતા ત્યાં સુધી મને તુંકારે બોલાવતા હતા. કૉલેજમાં ગયા પછી હું એમને માટે આદરવાચક ઉદ્દગાર પાત્ર ઠરી ગઈ છું. ને આ બાજુ-જમણી ગમ જો, એ તોફાની આંખોવાળી છોકરી છે તે તારી નણંદ પ્રીતિ છે. કહેવા પૂરતી જ એ પ્રીતિ છે, બાકી આખીય અપ્રીતિ છે. તું આવવાની છે એમ જાણ્યું એટલે જમાઈને ધરાર પડતા મેલી ગઈકાલની અહીં આવી પહોંચી છે, તારા સત્કારમાં કશી કમી ના રહે એ જોવા. એ મને મમ્મી કહીને બોલાવે છે. મને એમ કે તું વળી ફોરેન ફરી આવી છું એટલે પેલું હમણાં ચલણમાં ચાલ્યું છે ને… ‘મામ’ એવું કંઈક કહીને મને બોલવશે, પણ આજથી હું, તેં કહ્યું તેમ તારી મા. મારી પ્રીતિએ મારી દેખરેખમાં આઠ વરસ આ ઘર પર રાજ કર્યું. તું આવ પછી મારે તો વિધિવત તારી તાજપોશી કરવી છે. બોલ બેટા, ક્યારે આવે છે ?’

શિષ્ટ-શાલીન ભાષા, જરાય કૃતજ્ઞતા કે દેખાડો નહીં. જે કાંઈ શબ્દરૂપે કે ક્રિયા અન્વયે ટપકે તે સાવ સ્વાભાવિક જ લાગે એવો એમનો વ્યવહાર પામીને હું તો એટલી ઓળઘોળ થઈ ગયેલી કે એમના સવાલનો ઉત્તર ‘અબઘડી’ એમ દેતી હોઉં એ રીતે પૂરી શક્તિથી મેં એમને ભીંસી લીધાં. ત્યાંથી સહેજ છૂટી થઈ કે મારાં નણદલબા ધસી આવ્યાં : ‘ભાભી ! પહેલી જ મુલાકાતમાં હું તમારી વેરવણ થઈ ગઈ. મારી મમ્મીને તમે આખીયે જીતી લીધી, હવે એ જરાક-તરાક મારી હતી તેય નહીં રહેવાની !’ દેખીતી રીતે જ પ્રીતિની આ સરસ અને વાજબી કૉમ્પ્લીમેન્ટ્સ હતી. એ ભાવ મનેય સ્પર્શી ગયો : ‘તમે ઉતાવળ કરી પ્રીતિબહેન સાસરે જવામાં. તમને પીઠી અને મેંદી ચડાવવાના મારા ઓરતા તમે છીનવી લીધા. એકાદ વરસ તમારા સહીપણામાં જીવવાનું મળ્યું હોત તો !’

બસ, આ મુલાકાત પછી તો સૌરભ કરતાંય એનાં બાના સાંનિધ્યમાં પહોંચી જવાની મને તાલાવેલી લાગી. તાજેતરમાં જ અમેરિકા પાછા ગયેલા મારા ભાઈને ફરી પાછા આવવાની ફરજ પડી અને ખૂબ જ આનંદોલ્લાસથી હું અને સૌરભ પરિણયસૂત્રે બંધાઈ ગયાં.

એક સાવ અજાણ્યા પરિવેશમાં જતાં, જિંદગીનો સુવર્ણયુગ જેમાં માણ્યો એવું બાપીકું ઘર છોડતાં અને માની મમતા પરહરતાં શ્વસુરગૃહે વિદાય થતી કન્યા હીબકે હીબકે રુએ છે એ ઘડી હૃદયવિદારક હોય છે. ધીરગંભીર મારા બાપુજી કશીક મહામૂલી નિધિ ખોઈ બેઠા હોય એમ ભારઝલ્લા હૈયાને પાંપણની ધારે પરાણે રોકી રાખી ઓશિયાળા ભાવે મને નીરખી રહ્યા હતા. લગભગ અમેરિકન થઈ ગયેલાં મારાં ભાઈ-ભાભી પણ આ ક્ષણે અસ્સલ ગુજરાતી રંગે રંગાઈ ગયાં હતાં. ભાઈનાં આંસુ વહેતાં હતાં ને ભાભી મને ધીરજ બંધાવવાના શબ્દો ગોતી રહી હતી. મારી મમ્મી કેમ કર્યાંય આંસુ ખાળી નહોતી શકતી ને એક હું હતી કે આંખમાં આંસુ છતાં સાચું રોઈ નહોતી શકતી. લાગતું હતું કે એક એવા પરમ વિશ્વાસના આવાસે જઈ રહી છું, જ્યાં જવાથી મારા માતૃઘર સાથેનો મારો સંબંધ વધુ દઢ થશે. મારી સહિયરોમાંથી એક જણી ખાસ મને સંભળાવવા જ કહી રહી હતી : ‘પ્રેમ કરીને પરણી રહી છે ને સદગુણી વર પામી છે એટલે લાડી ઝાઝું રડતાં નથી, પણ એકવાર સાસુને હાથે પલોટાવા તો દો, પછી ખબર પડી જશે !’ મારું શંકાળું મન એ પળેય જરાક અસ્વસ્થ થઈ ગયું હતું; પણ મારા અનુભવી હૈયે એના પર વિજય મેળવી લીધો હતો. ને તોય મારાં સાસુની સાચી ઓળખ થવાની હજી મને બાકી હતી !

અમારાં લગ્ન પછીનો એ પંદરમો દિવસ હતો. સૌરભ સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયાની મુંબઈ શાખાનો ઑફિસર હતો. દિવસો ડિસેમ્બરનાં હતાં એ જ કારણે અને સૌરભને ખાસ એવી રુચિ પણ નહીં. એને લીધે અમે હનીમુન જેવું કશું જ વિચાર્યું નહોતું. બસ, સ્વર્ગીય સુખ આપતા લગ્નજીવનના અમારા આરંભના એ રોમાંચકારી દિવસો અનેરા ઉત્સાહમાં પસાર થતા હતા. વહેલી સવારનો સમય હતો. મારી તંદ્રીલ આંખોમાં હજી નીંદરનો ભાર હતો ને મારી સાસુનો અવાજ સંભળાયો :
‘પ્રીતિ ! ઊઠ જોઈએ બેટા ! પાંચ વાગ્યાનો નળ શરૂ થયો છે. જોતજોતામાં સાત વાગ્યે જતો રહેશે. આજે તો ઢગલાબંધ લૂગડાં ધોવાનાં છે. ધોબી તો એના દેશ ગયો છે પણ અધૂરામાં પૂરું આપણી કામવાળી ય મહિનાની રજા લઈ એના છોકરાને પરણાવવા ગઈ છે. ચાલ જલદી કર.’ હઠ કરીને અને સાસરિયાંની ઉપરવટ થઈને મારાં નણંદ પ્રીતિબહેન અમારાં લગ્નને કારણે વીસ-એકવીસ દિવસ અગાઉથી પિયર આવ્યાં હતાં. એમની પોતાની નણંદના પણ લગ્ન હતાં. અમારી સગવડ સાચવવા એમણે તારીખ-વાર બદલ્યાં હતાં, છતાં પ્રીતિબહેન એ કશું ગણકારતાં નહોતાં. ને વરસેકની નાની દીકરી પૂર્વીને લઈને એ હજીય પિયરમાં જ પડી રહ્યાં હતાં. સાસુમાનો અવાજ સાંભળતાં જ હું સડાક કરતીકને બેઠી થઈ ગઈ. સૌરભ હજી મજાની નીંદર લઈ રહ્યો હતો. હૂંફાળી શૈયા છોડવાનું મનેય ગમતું નહોતું પણ સાસુનો અવાજ આદેશાત્મક હતો. અમારા રૂમનું બારણું ઊઘડતું ભાળતાં જ સાસુ ત્યાં ધસી આવ્યાં. સહેજ ધીરા પણ હુકમ કરતા સ્વરે એ બોલ્યાં : ‘દિવ્યા ! તું પાછી જા, ઊંઘ ના આવે તો ય હું ના કહું ત્યાં સુધી તારે તારા રૂમમાંથી બહાર નીકળવાનું નથી.’
મેં સહેજ પ્રતિવાદ કર્યો : ‘નાની પૂર્વીએ એમને મોડે સુધી ઊંઘવા નહોતાં દીધાં. ભલે પ્રીતિબહેન સૂઈ રહ્યાં. તમે મને બતાવો મારે શું કરવાનું છે ! પ્રીતિબહેન એકલા થાકી જાય છે.’ મારી વાતથી રાજી થવાને બદલે સાસુ નારાજ થઈ ગયાં.
‘તને હાલ ને હાલ નહીં સમજાય ! આ બધું જ કામ પ્રીતિએ કરવાનું છે. તું જા, કહું છું એમ કર.’
ને મેં જોયું તો મારાં સાસુએ પ્રીતિબહેનનું ઓઢણું ખેંચી લીધું : ‘ક્યારની બૂમો પાડું છું, સંભળાતું નથી ! નળ જતો રહેશે તો આખું ઘર ઉકરડો બની રહેશે !’

ખાસ્સી નારાજગી ને અકળામણ વ્યકત કરતાં નણંદબા ઊઠતાં હતાં એ હું મારા રૂમમાં રહી રહી પણ અનુભવી રહી. મને સમજાતું નહોતું. અનુભવે જાણવા મળેલું કે પિયરમાં આવેલી પુત્રીને મા જીવની જેમ જાળવે ને એના કોડ પૂરાં કરે. વહુને માથે આખોય ઢસરબોળો હોય પણ નણદલને ખસ ના કહેવાય. ‘ચાલ તારે તો સાસરે પછી કરવાનું જ છે ને ! અહીં મારા ઘરે તો આરામ કર થોડોક !’ આવાં જ દરેક માનાં વેણ હોય છે. પણ મારી સાસુનાં વેણ જુદાં હતાં, વ્યવહાર પણ જુદો જ હતો. નવેક વાગવા આવે ને હું પરવારી રહું કે સાસુમા મને લઈને કોઈક સંબંધીને ત્યાં જવા નીકળે, કાં મને કશુંક આંટાફેરાનું કામ સોંપે કાં ઘરમાં જ કશુંક એવું કામ બતાવે જે કામ જ ના હોય. રસોઈ આખીય પ્રીતિબહેનને માથે.
‘વહુ નવી નવી છે ને તેં બહુ લાડ કર્યા છે. હવે તો તું અહીં જ્યારે પણ આવે ત્યારે તારે જ ઘરની જવાબદારી ઉઠાવી લેવાની. વળી તારા હાથની રસોઈ દિવ્યા જમે તો એનેય ખ્યાલ આવતો રહે કે આપણે કેવા સ્વાદથી ટેવાયાં છીએ !’ પ્રીતિ આનો જવાબ ના આપતી. એના મોઢા પર અકળામણના ભાવ આવતા. ક્યારેક એ વાસણના પછડાટમાં વ્યક્ત પણ થતા. કવચિત અકારણ જ આંખની કીકી જેવી મીઠડી પૂર્વી પર ગુસ્સો ઠાલવી દેતાં. સાસુ આ બધું જોતાં છતાં આંખ આડા કાન કર્યા કરતાં.

શરૂઆતમાં તો મને લાગેલું કે પરણ્યાના પાંચ દહાડા પૂરા થશે એટલે સાસુ આ બધી જવાબદારી મને સુપરત કરી દેશે. પણ આજે પંદરમો દિવસ પસાર થવા છતાં એવુંતેવું કાંઈ મને સોંપાતું નહોતું. ઊલટું મને એ દિવસે આગ્રહ કરીને એ દેવદર્શને સાથે લઈ ગયાં. ઘેર બે મહેમાન જમવા આવવાના હતા છતાં એમણે મને રસોડામાં જવા ન દીધી. અલબત્ત, પૂર્વીને સાથે લીધી હતી. રસ્તે મેં વાત કાઢી :
‘મા, પ્રીતિબહેનને માથે આજે ઝાઝું કામ છે. મને ઘેર રહેવા દીધી હોત તો…. સૌરભે પણ મને તાકીદ કરી હતી.’
‘શું કરવું શું નહીં તેની મને બધી ખબર છે. તું હું કહું એથી એક અક્ષર પણ વધુ ના વિચારીશ.’ એ દિવસે પ્રીતિબહેને જાણીજોઈને રસોઈ કથળાવી. સાસુએ એ જોયું. એક શાક એમણે પોતે બનાવી લીધું ને બાકીનું બજારમાંથી તૈયાર મંગાવીને એમણે ખાસ ઊણપ ના વર્તાવા દીધી. પણ મહેમાનોના ગયા પછી એ રીતસર પ્રીતિ ઉપર જાણે ઓરમાન મા હોય એમ તૂટી જ પડ્યાં: ‘મહેમાન આવવાના હોય એવી એક ટંક પણ તારાથી સારી રીતે ના સચવાઈ ! આવું રાંધતાં મેં તને શીખવ્યું છે ?’
‘પણ મમ્મી ! કામવાળીય નહીં, બધું મારે એકલીને જ કરવાનું. મદદમાં કોઈ નહીં ને…..’ પ્રીતિનો અવાજ રડમસ થઈ ગયો, એની દરકાર કર્યા વિના સાસુ તાડૂક્યાં :
‘ચૂપ રહે, તું એકલી પચ્ચીસ જણની રસોઈને પહોંચી વળે એટલી સાબદી મેં તને કરી છે !’ એ સાંજે અમારો પિક્ચરનો પ્રોગ્રામ હતો. પ્રીતિબહેનની ઈચ્છા હતી પણ સાસુમાએ એને સાંજની રસોઈ સોંપી અને પોતે બોરીવલી એક સ્નેહીની ખબર કાઢવા જતાં રહ્યાં.

રસ્તે અમને અમારી કામવાળી જમના મળી ગઈ. મારા પતિ ઘરમાં કામની ટકટક થતી એથી થોડાક અવગત થયેલા તે ગૃહસ્થને છાજે એવી ગંભીરતાથી જમનાને કહેવા લાગ્યા : ‘તમે તો કાંઈ દેખાતાં જ નથી. હજીય તમારા દીકરાનાં લગ્નમાંથી નથી પરવાર્યાં ?’
જમના હસી પડી : ‘કેવો દીકરો ને કોનાં લગ્ન ? મને તો બાએ ઑર્ડર દીધો છે, એ ના કે’વડાવે ત્યાં લગી મારે કામે નહીં આવવાનું ! પગાર પણ આગમચથી આલી લીધો છે !’ હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ. મેં સૌરભ સામે જોયું. એય મૂંઝવણમાં પડી ગયો હતો. મારા મનમાં ફરી પાછી શંકા ઘોળાવા લાગી : છેલ્લા પંદર પંદર દિવસથી હું જોતી આવી હતી, મારાં સાસુ એમની પેટની દીકરી પર બરાબરનો કડપ વર્તાવી રહ્યાં હતાં. એમની એક વાત સાચી હતી: મેં નવું નવું લગ્નજીવન આરંભ્યું હતું એટલે મારે હરવાફરવાના દિવસો હતા. પણ સામે પક્ષે પ્રીતિબહેન મહેમાન હતાં, ઘરની દીકરી હતાં, યુવાન હતાં. અને મા સગી દીકરી પર નોકરાણી કરતાંય આકરો અત્યાચાર ગુજારી રહ્યાં હતા. મારા મને વિચાર્યું કે પ્રીતિ દ્વારા આ દાખલો મારા પર બેસાડાઈ રહ્યો છે. સગી દીકરી સાથે જે મા આમ વર્તે એ વહુ પર સારી રીતે કેમનાં વર્તે ! પ્રીતિબહેન અહીંથી જશે એટલે એ તમામ કામનો બોજો મારે માથે મારવાનાં. ‘મારી સગ્ગી છોકરી કરતી’તી. તું નવી નવાઈની ક્યાંથી આવી ?’ એમ ટોણો દેવાનાં. લોકો સાચાં હોય છે – પોતાના પ્રત્યાઘાત આપવામાં, ‘પલોટે ત્યારે જોજે.’
‘કેમ સાવ મૌન બની ગઈ !’ અચાનક સૌરભે પૂછ્યું ને હું મનના પ્રદેશમાંથી વાસ્તવ જગતમાં આવી ગઈ.

આજે અમે આકસ્મિક જ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું, એટલે ઍડવાન્સ બુકિંગ કરાવ્યું નહોતું. ટૉકિઝ પર ટિકિટોના બ્લૅકમાં ભાવ બોલાતા હતા. અમે બેએક ટૉકિઝ ફર્યા. બધે જ એ જ હાલ. સૌરભ કદીયે બ્લૅકમાં ટિકિટ ના જ ખરીદે. આખરે બ્લૅકમાં અપાત એટલા જ પૈસા ટેક્સીમાં ખર્ચીને અમે પાછાં ફર્યાં. આમેય જમનાની વાત સાંભળી ત્યારથી મારું મન જરાક આળું થઈ ગયું હતું. મને બનાવટ નહોતી સદતી ! સાસુજી મારી સાથે સીધી રીતે નહોતાં વર્તતાં એનું મને દુઃખ હતું. સાંતાક્રુઝ સ્ટેશને ઊતરીને અમે ઘરભણી ચાલતાં હતાં ને સૌરભના એક મિત્ર મળ્યા. એમને સૌરભનું ખાસ કામ હતું એટલે એમનો આગ્રહ છતાં હું સાથે ના ગઈ. ઘરે જઈ મારે પ્રીતિબહેન સાથે થોડીક પેટછૂટી વાતો કરવી હતી. હું ઘરે પહોંચી. મુખ્ય દ્વાર માત્ર આડું જ કરેલું હતું. ધીરે રહી એ ખોલીને હું અંદર ગઈ તો મેં જોયું પ્રીતિબહેન કોઈને ફોન કરી રહ્યાં હતાં. એમની પીઠ મારા ભણી હતી અને એટલાં તો મગ્ન હતાં, આવેશમય હતાં કે હું આવી ગઈ છું એનો એમને ખ્યાલેય નહોતો આવતો. એ કહેતાં હતાં :
‘નિખિલ પ્લીઝ ! આજે જ-અબઘડી આવ અને મને લઈ જા. મારી મમ્મી આટલી વહુઘેલી હશે એ તો મેં ધાર્યું જ નહોતું. સગ્ગી છોકરી સાથેનો આવો વ્યવહાર ! હવે મારાથી ઝાઝું નથી ખમાતું. લોકો સાચું કહે છે, પરણ્યા પછી પિયરના ઝાઝા ઓરતા ના રાખવા ! ગુસ્સો કરીને ઘરેથી ચાલી આવી હતી. નણંદના લગ્ન કરતાં મારા ભાઈના લગ્નને મેં વધારે પડતું મહત્વ આપ્યું. મારા ઘરનો વ્યવહાર ના સાચવ્યો. આપણાં મમ્મીનેય આવેશમાં આવીને થોડુંક અજુગતું બોલી ગઈ છું. પણ….પણ….’

પ્રીતિના અવાજમાં આદ્રતા ભળતી હતી. એ રડી પડે ને એની હું સાક્ષી બનું તો એ ઉચિત નહીં નીવડે એમ માની બિલ્લીપગલે હું બહાર નીકળી ગઈ અને રિસીવર મૂકવાનો અવાજ થયો ત્યારે જ ડૉરબેલ દબાવ્યો. પ્રીતિબહેન બારણે આવ્યાં. એમના મુખ પર ગ્લાનિ હતી. આંખોનાં પોપચાં ભારે હતાં.
‘કેમ પાછાં ? શું થયું ?’
‘ટિકિટ ના મળી !’
પ્રીતિબહેન એમનાં અને પૂર્વીનાં વસ્ત્રો એકઠાં કરવામાં લાગી ગયાં. હજી એમણે સાંજની રસોઈ માટે કશું જ નહોતું કર્યું. ત્રાસીને એ પિયરઘર છોડી જવાનાં હતાં અને હવે પછીથી રસોઈ મારે માથે જ પડવાની હતી. તો ચાલ, આજથી જ એના શ્રીગણેશ કરી દઉં, એમ વિચારી મેં પ્રીતિબહેનને પૂછ્યું :
‘પ્રીતિબહેન ! તમે કહો તો હું રસોઈ કરું ? શું રાંધવાનું છે ?’
‘હાંડવો આથી મૂક્યો છે. હમણાં ચડાવીએ છીએ. ભાઈને ભાખરી વિના નહીં ચાલે. પણ તમે રહેવા દો, હું હમણાં કણક બાંધું છું !’ થોડી વાર થઈ ને મારાં સાસુ આવ્યાં. રસોડું શાંત જોઈ એ અકળાવાં જોઈતાં હતાં, પણ એ કાંઈ જ ના બોલ્યાં. સહેજ ત્રાંસી નજરે એમણે પ્રીતિ ભણી જોઈ લીધું. પછી મને કહે : ‘દિવ્યા ! આજે તારા હાથે રસોઈનાં શુકન કરાવવાં છે. તું તૈયાર થઈ જા.’

એ બોલી રહ્યાં ને બારણે ડૉરબેલ વાગ્યો. જઈને મેં જોયું તો મારા નણદોઈ નિખિલકુમાર ! સાસુ તો સાવ આશ્ચર્યમાં પડી ગયાં હોય એમ બોલી ઊઠ્યાં : ‘અરે તમે ! ફોન તો કરવો’તો ! અચાનક !!’
‘હા, બા. પ્રીતિ આવે તો મારે અત્યારે સાથે જ લઈ જવી છે. લગ્ન આડે હવે દસ જ દિવસ બાકી છે. અને મારાં મમ્મી કહ્યા કરે છે કે, પ્રીતિ અને પૂર્વી વિના ઘર સૂનું લાગે છે.’ પપ્પાને જોઈને પૂર્વી ખુશખુશાલ થઈ ગઈ. પ્રીતિની આંખોમાં મેં સ્વમાનનો ઝબકારો જોયો. હોંશે હોંશે મેં શીરો બનાવ્યો. મારાં સાસુએ બાકીની રસોઈ કરી. જમાઈને હેત-હરખથી જમાડ્યા. સૌરભ ટૅક્સી લઈ આવ્યા. પ્રીતિબહેન કશું જ બોલતાં નહોતાં. એ વિદાય લેતાં હતાં ત્યારે મેં મારી પાસેની મોંઘામાં મોંઘી સાડી, જે પ્રીતિબહેનને ખૂબ પસંદ હતી-એનું પૅકેટ એમને આપતાં મારી આંખો પણ સહેજ ભીની થઈ ગઈ, પણ મારાં સાસુમા અચળ હતાં.

ટૅકસી પસાર થઈ અને અમે બેઠકમાં આવ્યાં. અવશપણે મજબૂરીએ કશુંક નામરજીનું કરતાં રહ્યાં હોય અને એમાંથી છુટકારો મળતો હોય એવી હળવાશ ધારણ કરતાં સાસુમા સૉફા પર બેઠાં. મારી સામે એ જરાક વાર નજર નોંધી રહ્યાં ને પછી ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડ્યાં. હું અને સૌરભ બંને અવાક થઈ ગયાં. સૌરભ પોતેય નહોતો ધારતો કે એનાં બા આમ મન મોકળું મૂકીને રડે ! આવું તો એ પ્રીતિનું પહેલીવાર આણું વળાવ્યું ત્યારેય નહોતાં રોયાં. હું પાણીનો ગ્લાસ લઈ આવી. બે ઘૂંટ પાણી પીને જરાક સ્વસ્થ થતાં એ બોલ્યાં:

‘દિવ્યા ! આ પ્રીતિ મારી સાત ખોટની દીકરી, સૌરભ જેટલી જ વહાલી, લાડકોડને કારણે સ્વભાવે જરાક આકળી બની. એની સાસુ મારી સહેલી છે, ને મારા કરતાંય સારી છે. પણ આ છોકરી સાસરામાં કોઈને ગણકારે જ નહીં. સાસુ સાથે વઢીને-ઝઘડીને અહીં લગ્નમાં વીસ દહાડા પહેલેથી જ આવી. લગ્ન પત્યે સૌ ગયાં પણ એ હજીય અહીં જ રહી. જમાઈ ખૂબ સમજદાર. અમે બંનેએ પ્રીતિને રાગે લાવવાનું નક્કી કર્યું. મેં નોકરાણીને એક પગાર મફતનો આપીને આ મહિનો કામ પર આવવાની ના પાડી. તનેય કશું જ ના કરવા દીધું. કામનો આખોય બોજો એના માથે નાખ્યો. એ પહેલેથી જ થોડીક આળસુ છે. મેં છાતી પર પથ્થર મેલીને એને કામ તો કરાવ્યું જ. કવચિત કડવા બોલ પણ કહ્યા છે. આજે સવારે જ એ મારી સામે દલીલ કરવા માગતી હતી, ત્યારે મેં એને સંભળાવી દીધું હતું : ‘જ્ઞાન અને ગુમાન બધુંય પોતાના ઘરે જ શોભે !’ ને આજે જ બોરીવલીથી મેં જમાઈને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રીતિનો ફોન આવે તો મારતે ઘોડે ધસી આવજો !’ નિખિલકુમાર ખૂબ શાણા માણસ. બીજો હોય તો આ ઘર ભાંગ્યા વિના ના રહે. ને મને લાગે છે કે પ્રીતિના ઘડતરમાં મારી આટલી કસૂર રહી ગઈ હતી તે આ ફેરા મેં પૂરી કરી નાખી !’

એક વાર ફરી મને મારાં સાસુની સાચી ઓળખ લાઘી અને હું આંસુસભર આંખે એમને વળગી પડી : ‘મા ! મને માફ કરજો, એક વાર ફરી મેં તમારે માટે ખોટી ધારણા બાંધ્યાનો અપરાધ કર્યો છે !’

[કુલ પાન : 495. કિંમત રૂ. 300 (ભાગ-1 અને 2). પ્રાપ્તિસ્થાન : જોસેફ મેકવાન ફાઉન્ડેશન. 473/2, સેક્ટર 2-બી, ગાંધીનગર-382002.]