મે’ – દિલીપ રાણપુરા

ગુજરાત-સૌરાષ્ટ્રના આઠેક જિલ્લાઓમાં આ ત્રીજો દુકાળ છે, ક્યાંક તો ચોથો દુકાળ છે. કચ્છમાં તો લગભગ દરેક વર્ષે અર્ધ અછતની સ્થિતિ હોય છે. ત્યાં પણ દુકાળનો ભરડો ભીંસાયેલો છે. અખબારોમાં અહેવાલો જોઉં છું. કોઈક પ્રદેશની સ્થિતિ વિશે વાતને સાંભળીને કાળજું કકળી ઊઠે છે, સામાન્ય રીતે દુકાળ હોય ત્યારે જે તે વિસ્તારનો પ્રવાસ કરીને, જે તે વિસ્તારની દારુણ સ્થિતિ અને વિકટ સમસ્યાઓ અને તેના કોઈક કારગત ઉપાયોને સરકાર, સંસ્થાઓ, કાર્યકરો શોધી કાઢે તે માટે આલેખન કરતો હોઉં છું. આ વખતે પણ ચારેક જિલ્લાઓમાંના દુકાળગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કરીને અહેવાલો લખવાનો એક દૈનિક તરફથી કાર્યક્રમ ગોઠવાયો હતો, પણ એકાએક પગે ઈજા થવાથી એ બંધ રહ્યું. પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા તાલુકામાં 1972-73-74માં ઉપરાછાપરી ત્રણ દુકાળો પડેલા ત્યારે છેલ્લા વર્ષે કાર્યકરો અને પત્રકારો સાથે જવાનું બનેલું. એ વખતે તો આવા અહેવાલો લખતો નહોતો. પણ દારુણ અને કરુણ સ્થિતિનું ચિત્ર ચિત્ત અને હૃદયને હલબલાવી જતું હતું. એ દિવસોનો એક પ્રસંગ આજે પણ એટલો જ જાણે હમણાં જ જોઈને હૈયામાં ડૂમો અને આંખોમાં આંસુ ભરીને પાછો ફર્યો હોઉં એટલો જ તાજો લાગ્યો છે.

અમારી જીપ સાયલાથી આગળ વધતી હતી. વગડો તો ઉજ્જડ હતો. ક્યાંક ક્યાંક મરેલાં ઢોર પડેલાં હતાં, સડતાં હતાં ને દુર્ગંધથી માથું ભમી જાય કે ઊલટી થઈ જાય એવું થતું હતું. ક્યાંક રાહતકામ ચાલતાં હતાં. ત્યાં જઈને પત્રકારો સવાલો પૂછતા. કાર્યકરો મદદ માટેની વાત કરતા. હું લગભગ મૌન રહેતો. સુદમડાથી જીપ આગળ વધી. નીચે ઊતરી. સડકને કાંઠે જ આવેલા ગામ ઓવનગઢમાં પહોંચી. નાનકડા ચોકમાં જીપ ઊભી રાખી અમે સૌ નીચે ઊતર્યા. ઉનાળો હતો. ધૂળથી કપડાં-શરીર રજોટાયાં હતાં. સુદમડામાં જ પાણી પીધું હતું છતાં તરસ લાગી ગઈ હતી. તડકો પણ લાગતો હતો. પરસેવા અને ધૂળને કારણે કપડાં મેલાં થઈ ગયાં હતાં. વાળ પણ ધૂળમાં રગદોળ્યા હોય એવા થઈ ગયા હતા.

અમે ગામની શેરીમાં ફરતા હતા. ગામમાં સૂનકાર હતો. મકાનોનાં બારણાં વાસેલાં હતાં. માત્ર સાંકળ અડકાડેલી હતી. કોક મકાનની ઓસરીમાં ડોસી ડગરાં નાનાં બાળકોને સાચવવા ઘેર રહ્યાં હતાં. થોડાં દૂબળાં ખસિયેલ કૂતરાં જોવા મળતાં હતાં. એક વૃદ્ધને પૂછ્યું :
‘ઘેર એકલા જ છો ?’
‘ના. છોકરાં, વહુ કામે ગયાં છે. મારો પંડ કામ નથી કરી શકતો એટલે ઘેર રહ્યો છું.’
‘ઘર સચવાય એટલે ?’
‘સાચવવા જેવું રહ્યું જ ક્યાં છે કોઈની પાસે ?’ વૃદ્ધ કહે છે.
‘ઘરને તાળાં વાસેલાં નથી ?’
‘શું હોય તો વાસે ?’
‘કેમ, કપડાં ગાદલાં ગોદડાં ઠામ વાસણ, થોડું અનાજ…..’
‘ઠામ વાસણ તો વેચાઈ ગયાં હંધાયનાં…. ને લૂગડાં તો પંડ ઉપર હોય એટલાં જ… ને એવા વળી કો’કની પાહે હોય એક બે વધારે…. ને અનાજ…. કમાડ ઉઘાડીને જોઈ વળો, મુઠ્ઠી ભરાય એટલું માંડ મળે તો…. સૌ સરખા, એટલે કોણ ચોરી કરે ?’

ગામ નાનું એટલે ફરી વળતાં વાર નહિ, જે થોડાં માણસો મળ્યાં એમને સવાલો પૂછી લીધા હતા. જવાબો નોંધાઈ ગયા હતા અને હવે તો ગામ છોડવાનું હતું, બીજાં કેટલાંય ગામ, રાહતકામો જોવાનાં બાકી હતાં, રાતે તો પાછા સૌને ઠેકાણે પહોંચવાનું હતું અને પત્રકારોને અહેવાલ તૈયાર કરવાના હતા, કાર્યકરોને અછતગ્રસ્તોને કપડાં, અનાજ, દવા પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની હતી, તે છતાંય અમસ્તી એકાદ લટાર મારવા ખાતર ટુકડી એક શેરીમાં આગળ વધી.

ઓસરીમાં એક વીસ-બાવીસ વર્ષની યુવતી બેઠી હતી. ચહેરો જોઈને લાગે કે એક વખત આ ચહેરો નમણો હશે, દુકાળના દાંતે જો કરડી ન ખાધો હોત તો આ ચહેરાની નમણાઈ ચિત્રમાં કોરાઈ જાય એવી હશે. ત્રણ ત્રણ દુકાળ, સૂરજના તાપ અને મજૂરીએ એની ચામડીના રંગને બદલી ન નાખ્યો હોત તો તેનો રંગ ઘંઉલો હશે જ…. ને તેની આંખો, તેન વાળ….
‘ક્યાં ગયા છે ઘરના ?’ એક સવાલ તેને પુછાય છે.
‘કામે.’
‘તમે નથી ગયાં ?’
‘ના…’
‘કેમ ?’
‘પંડમાં પોંચ જ નથી.’
‘ઘરમાં કેટલા જણ છો ?’
‘તંઈણ…’
‘કોણ કોણ ?’
‘હું, આ ખાટલામાં સૂતી તે છોડીના બાપા ને છોડી.’
‘સાસુ-સસરા, નણંદ, દિયેર….’
‘નણંદ તો ઘરબારી છે, દિયેર નથી. જેઠ છે, જુદા રે’ છે ને રળવા ગુજરાતમાં ગયા છે. સાસુ તો મારાં લગ્ન પે’લાં ને સસરા લગ્ન પછી મરી જ્યા….’ યુવતીએ પૂરી સ્વસ્થતા, સહજતાથી ટૂંકમાં બધી વાત કરી દીધી.

લગભગ બધા દુકાળગ્રસ્તોની એક સમાન સમસ્યાઓ હતી ને છતાં તેમને પુછાયું તેમ અહીં પણ પુછાયું.
‘તમારે શાની જરૂર છે ?’
બાઈએ બધા સામે નજર નાખી. થોડી વાર શું માગવું તેનો વિચાર કરતા મૂંગી રહી.
‘બોલો તમારે શું જોઈએ છે ?’
‘આ છોડી માંદી છે….’
‘દવા જોઈએ છે ?’
તે કશું બોલતી નથી. અમારા સૌના મનમાં થાય છે. આ યુવતી દવા જરૂર માગે. દુકાળિયાઓ રીઢા-નિષ્ઠુર બની ગયાની ઘણી વાતો સાંભળી હતી. એટલે આ યુવતી પણ દવાને બદલે બીજી જરૂરિયાતની માગણી કરશે.
‘બોલો બહેન, શું જોઈએ છે ?’
યુવતી મૌન રહી. બહુ આગ્રહ કર્યો ત્યારે એ બોલી, ‘હું માગીશ એ તમે આપશો ?’
‘અમારાથી આપી શકાય એવું હશે તો જરૂર આપશું.’ એક કાર્યકરે કહ્યું.
‘નહિ આપી શકો તમે.’
‘પણ તમે માગી તો જુઓ.’ બીજાએ કહ્યું.
વળી તે મૌન બની ગઈ. અમારા બધાની આંખો એકબીજા સામે ફરી વળી. એ અર્થમાં કે આ યુવતી, આપનારા પાસેથી વધુમાં વધુ શું મેળવવું તેનો નિર્ણય કરી શકતી નથી કે પછી તેને વિશ્વાસ ન પડતો હોય. અવિશ્વાસ હશે એ તર્ક વધુ સાચો એટલા માટે લાગતો હતો કે કાર્યકરોએ અગાઉ ઘણા પ્રસંગોએ ઘણાં વચનો આપ્યાં હોય છે ને તે પૂરાં થયાં હોતાં નથી. એ એના અનુભવની બાબત છે. ને છતાં અમારી સાથેના કાર્યકરો ખરેખર કશુંક આપવાના જ હતા. પૂરતું ન આપી શકે, માગો તે કદાચ ન આપી શકે, પણ અનાજ, કપડાં અને દવા તો પહોંચાડવાની તેમની નિષ્ઠા માટે કોઈ શંકા નહોતી. પણ યુવતી બોલતી નહોતી…..

‘અનાજ જોઈએ છે ?’ બીજા કાર્યકરે પૂછ્યું.
તેણે ડોકું ધુણાવ્યું.
‘તો કપડાં ?’
‘ના….’
‘તો દવા….. ?’
તે મૌન રહી. ખાટલામાં સળવળતી દીકરી સામે જોઈ લીધું.
‘તો પૈસા ?’
‘ના…’
‘તો કા….’
‘મેં કીધું નઈ, તમે નઈ આપી શકો.’
‘પણ માગ્યા વગર શી ખબર પડે.’
‘તો માગું ?’ હજુ તેને સંદેહ હતો.
‘હા…હા….’ અમારામાંના લગભગ બધા એકસાથે બોલી ઊઠ્યા.
‘મારે મે’ (મેહ=વરસાદ) જોઈએ છે…. આપશો ?’
અમે સૌ સ્તબ્ધ ! મૌન !
‘બોલો, આપશો ?’ તે ફરી બોલી.
‘વરસાદ તો….’ કોઈ આગળ બોલી શક્યું નહિ.
‘તમારે વરસાદ શા માટે જોઈએ છે ?’ મેં પૂછ્યું. આખા પ્રવાસમાં હું પહેલી જ વખત આ સવાલ પૂછતો હતો.
‘આ ખાટલામાં સૂતી એ મારી દીકરી દિવાળીએ જલમી (જન્મી) છે. જલમીને તેણે મે’ (મેહ) નથી જોયો. અમે વાતો કરીએ છીએ ત્યારે એ પૂછે છે : ‘મા, કે’ને મે’ કેવો હોય ! ઈ માંદી છે. મે’ જોયા વગર મારી દિવાળી મરી ન જાય એટલે….’

અમે કશું બોલી શકતા નથી. મારી આંખો ભરાઈ આવે છે, ને હું આગળનો પ્રવાસ કરી શકું એટલો કાઠો થઈ શકતો નથી એટલે પાછો ફરું છું. પણ આજેય મે’ માગવાનો એ યુવતીનો સંદર્ભ યાદ આવે છે ત્યારે થાય છે, એણે પોતાની દીકરી માટે જ નહિ, સમગ્ર સમષ્ટિ માટે મે’ માગ્યો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકમિત્રોને….-તંત્રી
પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત Next »   

18 પ્રતિભાવો : મે’ – દિલીપ રાણપુરા

 1. કેતન રૈયાણી says:

  ‘મારે મે’ જોઈએ છે…. આપશો ?’

  હ્રદય વીંધીને આરપાર નીકળી ગયું આ વાક્ય…!!!

 2. raj says:

  WE ALL ARE HELPLESS AGAINST GOD
  VERY TOUCHY STORY
  RAJ

 3. Ankit says:

  ખુબ સુન્દર રચના

  લેખક ગામડાનું શબ્દચિત્ર રજુ કરવામાં સફળ થયા છે.

  કુદરત ની પાસે ‘માણા’ કેટલો પામર થઈ જાય છે? તેનૂ યથાર્થ વર્ણન થયું છે.

  આભાર
  – અંકિત

 4. trupti says:

  હ્રદય દ્રાવક કથા.

 5. જગત દવે says:

  સારું છે આપણી પાસે હવે નર્મદા છે અને તેથીયે વધુ મજબુત ઈચ્છાશક્તિ ધરાવતો શાસક છે. સમર્પિત NGOs છે. સારુ ગવર્નન્સ હોય તો રણને પણ નંદનવન બનાવી શકાય છે. ઈઝરાઈલનું ઊદાહરણ આપણી સમક્ષ છે જ. અને ખરાબ ગવર્નન્સ ને કારણે નંદનવન પણ રણમાં પલટાઈ જાય છે.

  મેં ૨૨ વર્ષ સુરેન્દ્રનગરમાં વિતાવેલા છે. ૮૪-૮૫-૮૬ ની સાલમાં પણ ત્રણવર્ષ સુધી વરસાદ ન્હોતો થયો. સ્ત્રીઓને મેં પાણી માટે રીતસર રડતાં જોઈ છે. ભરવાડોની દિકરીઓને ‘મેવલા’ દેવની માટીની મૂર્તિ લઈ ને ધરે ધરે ફરતી જોઈ છે. તેમની ભોળી આંખોમાં લાચારી જોઈ છે. એ વર્ષોમાં અને ત્યાર બાદ પણ ડંકી પરથી પાણી ભરીને બંને હાથમાં એક એક ડોલ લઈને ત્રીજા માળ સુધી પાણી ચઢાવ્યું છે. પહેલાં વરસાદની ખુશીમાં સ્કુલમાંથી છુટ્ટીઓ પડતાં જોઈ છે અને માણી પણ છે. થોડો વરસાદ પડે તો ઘરનાં વાસણો અને વાટકીઓ પણ પાણી ભરવા માટે મુકી છે. પાણીનાં દુકાળ સાથે વિજળીનો પણ કાપ મુકાતો અને રોજ ૪-૫ કલાક વિજળી વગર પણ ચલાવવું પડતું. મોટેરાંઓ ડેમનાં રાજકારણ પર ચર્ચાઓ કરતાં…. જોકે અમને એમાં કાંઈ ગતાગમ પડતી નહી પણ….

  તે જ સમયે અમે સ્કુલમાં નર્મદા-ડેમનાં નક્શાઓ જોતાં અને તેનાં વિષે ભણતાં ભણતાં સપનાઓમાં ખોવાઈ જતાં……!!!! અને પેઢીઓ પસાર થઈ ગઈ….

  ભારતમાં સઘળી સમસ્યાઓનું મૂળ ખરાબ આરામખોર પ્રજા અને હરામખોર નેતાઓ છે.

 6. speechless……!!.. sachej varnan vanchi ne manvi ni bhavai yad avi gai….!

 7. Deval Nakshiwala says:

  ખુબ જ સુઁદર અને ભાવનાત્મક વાર્તા છે. અને મે’ ની માગણીનું વાક્ય ખુબ જ હ્રદયસ્પર્શી છે.

 8. Pravin Shah says:

  સ્વાર્થ અને વ્યવસ્થા શક્તિનો અભાવ – એને લીધે પ્રજાને સગવડો મળતી નથી.
  પ્રવીણ

 9. Dipti Trivedi says:

  કરુણ કથા. દુકાળમાં સૌથી વધારે શેની જરુર હોય તો કે’ કે મે’ ની . પણ અહી યુવતી જરા જુદા સંદર્ભે મે’ માંગે છે. હું આશા રાખું છું કે એ દિવાળી એ ત્યાર પછી આજ સુધી બધી દિવાળી જોઈ હોય અને મન ભરીને મે’ માણ્યા હોય .
  શહેરી બાળક જ્યારે અતિશય બીમાર હોય ત્યારે એ અવનવી માંગણી કરે, ફિલ્મ, પિકનિક કે ઍક્ટરને મળવા સુધીની જ્યારે એક નાનકડા અંતરિયાળ ગામની માનું મન , વરસાદ જોયા વગર તો દિકરી નહી રહી જાય એમ વલોવાય છે, ત્યારે એમ થાય કે જેને આપણે સહજ (ગ્રાન્ટેડ) ગણીએ છીએ એવી કુદરતી ઘટના ખરેખર બાળક માટે કેવી વિસ્મયી છે?

 10. Labhshankar Bharad says:

  શ્રીં દિલીપ રાણપુરા જુના અને નિવડેલ વાર્તાકાર છે તેમને ખૂબ વાંચ્યા છે. વાર્તા “મે”ની વાર્તાવસ્તુ ખૂબ શક્તિશાળી છે, ગમ્યુ.

 11. pragnaju says:

  ‘પણ આજેય મે’ માગવાનો એ યુવતીનો સંદર્ભ યાદ આવે છે ત્યારે થાય છે, એણે પોતાની દીકરી માટે જ નહિ, સમગ્ર સમષ્ટિ માટે મે’ માગ્યો હતો.’ સરસ
  હ્રુદયસ્પર્શી સુંદર વાર્તા

 12. જય પટેલ says:

  સૌરાષ્ટ્રની પાણીની સમસ્યામાં માનવીય ખુમારી પ્રગટ કરતો પ્રસંગ.

  સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા કંઈક અંશે માનવીય પ્રયાસોની અકર્મણ્યતાનું પરિણામ હતી.

  થોડા વર્ષોથી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ભગિરથ પ્રયાસોના પરિપાક રૂપે લગભગ અઢી લાખથી વધારે

  ચેકડેમ..બોરીબંધ..ખેત તલાવડી વગેરે જળસંચય માટે નિર્મિત થયા છે અને તેના પરિણામે ભુગર્ભ જળસ્તરમાં

  આશ્વર્યજનક સુધારો થયો છે. બે વર્ષ પહેલાં બોટાદના રસ્તે વીરપુર જતાં રસ્તામાં ઠેર ઠેર કાંસ પર બાંધેલાં
  બોરીબંધ જોયાં અને હૈયું પુલકિત થઈ ઉઠ્યું. સૌરાષ્ટ્રની ભૌગોલિક રચના ઉંધી રકાબી જેવી છે.

  સૌરાષ્ટ્ર જલધારાના ભગિરથ પ્રયાસોને સલામ.

  અકાળ દુષ્કાળમાં પણ જેનાં મન મેરૂ જેવાં રહી શકે છે તેવી સૌરાષ્ટ્રની દિકરીને વંદન.

 13. ખરેખર એણે માત્ર એની દીકરી ‘દિવાળી’ માટે જ નહિ સૌ માટે માગ્યું.

 14. dhiraj says:

  દિલીપભાઈ એ છેલ્લે લખ્યું કે તે યુવતીએ સમગ્ર સમષ્ટિ માટે મે’ માગ્યો હતો. પણ મને લાગે છે કે આ ગામડા ની અશિક્ષિત કે અલ્પશિક્ષિત યુવતી એ ફક્ત પોતાની દીકરી “દિવાળી” માટે જ મે’ માગ્યો હતો. કારણકે દિવાળી ત્રણ વર્ષ ની થઇ અને હજી એક પણ વર્ષ મે’ નથી વરસ્યો. વળી દિવાળી માંદી પણ છે મરી પણ જાય, તો મેં’ જોયા વિના ના મારવી જોઈએ. તેવી તેની માં ની ઈચ્છા છે
  કેવી જોરદાર માં છે તેને દીકરી મરી જાય તેનું તો દુખ હશે જ પણ તેના કરતા મેં’ જોયા વિના મરી જાય તેનું વધારે દુખ છે પોતાની ભૂખ કરતા પણ વધારે દુખ

 15. Payalsoni says:

  આખો માં પાણી આવી ગયા

 16. આવી વાતો ખાલી વાંચીને રૂંવાડા ઉભા થઇ જાય છે, તો જેને સાચ્ચે સાચ્ચુ અનુભવ્યું હશે એની હાલત તો આપણાથી કલ્પી પણ ના શકાય.!
  કમકમાટી ભર્યો લેખ.

 17. Dhaval B. Shah says:

  હ્રદય દ્રાવક કથા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.