પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત
[ અખંડ આનંદ (ફેબ્રુઆરી-2011)માં પ્રકાશિત થતા સત્ય ઘટનાઓ પર આધારિત વિભાગ ‘જોયેલું ને જાણેલું’માંથી સાભાર.]
[1] એક નાની શી ઘટના – ભગવત સુથાર
ડાંગરવા, તા. કડીની માધ્યમિક શાળામાં હું, શિક્ષક હતો. આચાર્યે મને શ્રેણી આઠથી અગિયારમાં તાસ ફાળવ્યા હતા. એક દિવસ એક શિક્ષકની અવેજીમાં મારે શ્રેણી સાતમાં જવાનું થયું. વિદ્યાર્થીઓ માટે શાળાનો ગણવેશ-સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી હતા. મેં જોયું તો એક વિદ્યાર્થી તદ્દન ફાટ્યાં-તૂટ્યાં-સાંધેલાં-જૂનાં કપડામાં પણ ખૂબ જ ધ્યાનથી ભણતો હતો. મેં એ દિવસે એ તાસમાં જેટલા પ્રશ્નો પૂછ્યા તેણે સહજતાથી, નિર્ભયપણે જવાબ આપ્યા. ચારેક દિવસ મારે એ વર્ગમાં જવાનું થયું. એક દિવસ એ વિદ્યાર્થી વર્ગમાં નજરે ન પડ્યો. આથી તેની બાજુમાં બેસતા વિદ્યાર્થીને મેં પૂછ્યું : ‘આ વિદ્યાર્થી કેમ દેખાતો નથી ?’
‘ગુરુજી ! આચાર્ય સાહેબે વર્ગે વર્ગે ફરીને ગણવેશમાં જ આવવાની વાત જરા કડકાઈથી કરી છે. ગણવેશ વગર આવનારને શાળા છોડવી પણ પડે. તે અત્યંત ગરીબ છે. માબાપ મજૂરી કરીને પણ તેને ભણાવે છે. ગણવેશ વગર તે કેવી રીતે આવે ?’
‘શાળા છૂટે ત્યારે તું મને તેને ઘેર લઈ જજે.’ મેં કહ્યું.
શાળાનો છેલ્લો ઘંટ વાગ્યો. પેલા વિદ્યાર્થી સાથે પેલા વિદ્યાર્થીને ત્યાં ગયો. તેનાં માબાપ હાજર હતાં. તે નિરાશવદને બેઠો હતો. મને જોતાં જ તે મારી પાસે આવ્યો. મને નમસ્કાર કર્યા. તેનાં માબાપને કહ્યું : ‘બા-બાપુજી ! આ મારા ગુરુજી છે.’ તેઓ પણ ઊભા થયાં. બે હાથે મને વંદન કર્યાં.
મેં તેને કહ્યું : ‘બેટા ! તું મારી સાથે ચાલ. મારે તારું કામ છે.’
અમે બંને તૈયાર પોશાકવાળાને ત્યાં ગયા. મેં દુકાનદારને કહ્યું, ‘ભાઈ ! આ બાળક માટે તમે ત્રણ જોડ સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી કાઢી આપો. સારાં કાપડની આપજો.’ તેણે સારી જાતના કાપડનો ત્રણ જોડ પોશાક આપ્યો. મેં તેના જરૂરી પૈસા ચૂકવ્યા. તે વેપારીને પણ ખ્યાલ આવ્યો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભાવિ ઉજ્જ્વળ કરવા પોતાની ઉદારતા દાખવે છે તો પોતે પણ શા માટે આ શિક્ષાના હવનમાં નાની સરખી આહુતિ કાં ન દે ! તેણે પડતર ભાવે જ ગણવેશ આપ્યો. બીજે દિવસે તે ગણવેશમાં આવ્યો.
શ્રેણી અગિયાર સુધી તે ત્રણે વર્ગમાં પ્રથમ આવ્યો. બૉર્ડની પરીક્ષામાં પણ પ્રથમ દસમા આવ્યો. અનેક શિષ્યવૃત્તિઓ મળી. તે ડૉક્ટર થયો અને પેંડાથી મારું મોં ગળ્યું કરવા આવ્યો ત્યારે સાત્વિક આનંદથી તેને માથે હાથ મૂકીને આશિષ આપી : ‘બેટા ! તું પણ નિરાધાર બાળકોને સારું ભણાવજે. બસ, એ જ છે મારી ગુરુદક્ષિણા !’
[2] અનોખી સેવા – બંસીલાલ જી. શાહ
1971થી 2000ની સાલ સુધી હું જીવન વીમા કૉર્પોરેશનમાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. અમારા વિકાસ અધિકારીઓ માટે બેસવાનો અલગ રૂમ હતો. અમારી શાખામાં તે વખતે વિરમગામ, સાણંદ, બાવળા, ધંધૂકાનાં ગામોનો સમાવેશ થતો હતો. ત્યાંથી ઘણા માણસો પોતાના જીવનવીમાની પૉલિસી પાકે તો રકમ લેવા શાખામાં આવતા હતા. જીવન વીમાની પૉલિસી પાકે તો તે રકમ મેળવવા ફરજિયાત ‘રેવન્યૂ ટિકિટ’ પાર્ટીએ લગાવવી પડતી. તેમાંથી ઘણા બધાને ઘણી વાર કાયદાની ખબર ન હોય એટલે રેવન્યૂ સ્ટેમ્પ લાવ્યા ન હોય. એટલે રેવન્યૂ ટિકિટ મેળવવા માટે પોસ્ટ ઑફિસમાં જવું પડે. ઘણાને પોસ્ટ ઑફિસ ક્યાં છે તેની માહિતી પણ ન હોય !
આવા અજાણ્યા લોકો અમારા રૂમમાં આવતા. રેવન્યૂ ટિકિટની વાત થતાં મૂંઝાતા ને ફરી ફેરો પડશે તેવો નિસાસો નાખતા. પણ મારા મિત્ર શ્રી રમણીકભાઈ આવી રેવન્યૂ ટિકિટ જથ્થાબંધ રાખતા ને આવી અટવાઈ ગયેલી વ્યક્તિને તે આપતા અને તેમના કાર્યમાં સહભાગી થતા. આગંતુકના ચહેરા પર આભારની લાગણી દેખાઈ આવતી. રમણીકભાઈ તો આ રેવન્યૂ સ્ટેમ્પની કિંમત પણ ન લેતા ન કહેતા : ‘આવી નાનકડી રકમ, બંસીભાઈ લઈને શું કરવાનું ? આપણને ઈશ્વરે સારી નોકરી અને પગાર આપ્યો છે. આ દ્વારા આપણે કોઈના ખપમાં આવીએ છીએ ને ! આ પણ આપણી સેવા છે ને !’ ઘણી વાર સરકારી કચેરીઓમાં કે અન્ય ઠેકાણે અમલદારો વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે ત્યારે શ્રી રમણીકભાઈની આ સેવા યાદ આવે છે. નાનકડી, ફક્ત એક રૂપિયાની ટિકિટથી કેવી સરસ સેવા થાય ! આવી ‘સેવા’નો સદગુણ સૌમાં આવે તો રાષ્ટ્રની અડધી સમસ્યાઓ દૂર ન થાય ?
[3] માણસાઈ શ્વસે છે….. – કુમુદભાઈ બક્ષી
મુંબઈ ખાતે મા-દીકરી જીવન-નિર્વાહ કાજ ટિફિનસર્વિસ આપી ગુજરાન ચલાવતાં. સંજોગાનુસાર સાથે જ કામ અર્થે નીકળેલાં મા-દીકરી વિખૂટાં પડી ગયાં. ત્યાંથી કોઈક રીતે 22 વર્ષીય યુવતી સુરત જિલ્લાના ઓલપાડ ગામે આવી ચઢી. મુંબઈમાં માતાએ ઘણી શોધખોળ કરવા છતાં દીકરીનો પત્તો મળ્યો નહિ. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી, ખાસ્સો લાંબો સમય વીતી ગયો. મા-દીકરીનું મિલન અશક્ય બની ગયું. બીજી તરફ ઓલપાડમાં અજાણ્યા પ્રદેશમાં જનસમુદાય વચ્ચે આવી ગયેલી દીકરીએ માનસિક સમતુલા ગુમાવી દીધી. કપડાનું પણ ભાન નહિ, આમતેમ બાવરી બની ભટક્યાં કરે. ચાની લારી ચલાવતાં એક બહેન-મંજુમાસીનું ધ્યાન એના પર પડ્યું. ચા, નાસ્તો કરાવ્યાં, શરીર ચોખ્ખું કરાવી, સારાં કપડાં પહેરવા આપ્યાં. પરંતુ બીજા જ દિવસથી એ પાત્ર ફરી એવી જ રીતે, એવી અવસ્થામાં ગામમાં દેખાવા લાગ્યું.
દરમિયાન રમજાન માસ શરૂ થયો, સાથે દિવાળી પર્વ પણ, ઈસ્માઈલ શેખ નામના ઈન્સાનને વિચાર આવ્યો કે પવિત્ર રમજાન માસમાં કંઈક સારું કામ કરીએ. એમણે આ પાગલ યુવતીની સારવારનું બીડું ઝડપ્યું. સુરત ખાતે આવેલ એક મેન્ટલ હૉસ્પિટલમાં એને દાખલ કરી. ધીમે ધીમે ડૉક્ટરોની સારવાર અને નેકદિલ ઈસ્માઈલભાઈની દુઆ ફળતી માલૂમ પડી. દર્દીની વર્તણૂકમાં ખાસ્સો ફેરફાર વર્તાયો. તેણીની માનસિક હાલત સુધરતી ગઈ, ભૂતકાળ યાદ આવ્યો. માતાનું નામ, ટેલિફોન નંબર આપ્યાં. નોંધનીય બાબત એ છે કે ઈસ્માઈલભાઈએ આ યુવતીની સારવાર પાછળ દોઢ લાખ જેટલી રકમ ખર્ચી નાખી. આ ફિરસ્તા સમાન ઈન્સાને ઓલપાડ પોલીસની મદદથી મા-દીકરીનું મિલન કરાવ્યું.
આજના યુગમાં મહિલાઓની બિનસલામતી સર્વત્ર વ્યાપી છે, ત્યારે ઈસ્માઈલભાઈ તેમને હાથે થયેલ આ શુભ કામ માટે અલ્લાહનો આભાર માને છે. આ દષ્ટાંત બતાવે છે કે સમાજમાં માણસાઈ હજી શ્વસે છે.
[4] જય શ્રીકૃષ્ણની સેવા – યશવંત કડીકર
ઉનાળાના બળબળતી બપોરે ધૂળના ગોટેગોટા ઉડાડતી એસ.ટી. બસ કડી ગામની નજીક લીમડાની શીતળ છાયામાં ભારે અવાજ કરીને જાણે કે થાક ઉતારવા ઊભી હોય એમ ઊભી રહી ગઈ ! ત્યાં જ આ બસ આવવાની રાહ જોતો જ ઊભો હોય એમ એક માણસ સ્વચ્છ ચમકતા પ્યાલા તથા ઠંડા પાણીની ડોલ લઈને ઊભો હતો. તરસ અને ગરમીથી વ્યાકુળ મુસાફરો પાણી માગવા લાગ્યા. પાણી પાનાર વ્યક્તિ પાણી આપતાં બધાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતો. આ વૈષ્ણવજન પહેલેથી જ જાણે આ પરિસ્થિતિથી વાકેફ હોય એ રીતે શાંતિથી અને જેટલી ઝડપ શક્ય હતી એ ઝડપ અને તત્પરતાથી પાણી પાઈ રહ્યો હતો, જેથી બસમાંનું કોઈ પણ મુસાફર પાણી પીધા સિવાય ના રહી જાય.
હંમેશની ટેવ મુજબ કેટલાક મુસાફરો પાણી પીધા પછી, આ પાણી પાનારને કંઈક પૈસા આપવા લાગ્યા, પણ એણે નમ્રતાથી ‘જય શ્રીકૃષ્ણ’ કહી પૈસા લેવાની ના પાડી દીધી. આ જોઈને હું વિચારમાં પડી ગયો. અસહ્ય મોંઘવારીના આ જમાનામાં થોડું કામ કરીને ઘણું મેળવનારા પડ્યા છે. આવી સ્થિતિમાં મહેનતનો બદલો મળે એ પણ લેવા માટે ના પાડે એવા આ માનવીનું વર્તન આશ્ચર્યજનક હતું. એટલા માટે મુસાફરો, જે ખુશ થઈને આપે છે, એ લઈ લેવા માટે મેં એમને સલાહ આપી. મને એ પાણી પાનારા ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું, મારી પત્ની અને મારી દીકરી – એમ ત્રણ સભ્યો જ મારા કુટુંબમાં છીએ. હું તાલુકા પંચાયતમાં પટાવાળાનું કામ કરું છું. એનાથી અમારા ત્રણેનું ભરણપોષણ થાય, એટલું તો મળે જ છે. મારી પત્ની નવરાશના સમયમાં ગોપાલ લાલજીની હવેલીમાં સેવાપૂજા કરે છે. ગોપાલ લાલજીની કૃપાથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. હવે વધારે મેળવવાનો લોભ શા માટે કરવો જોઈએ ?’
એના વિશે મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. બસમાં બેઠેલા પ્રવાસીઓને પૂછતાં, એકે કહ્યું કે, નોકરીના સમયમાંથી સમય કાઢીને, છેલ્લાં પાંચ વરસથી કોઈ પણ જાતના વળતર વિના, ફક્ત આ કાર્યને પ્રભુસેવા ગણીને, આ ભાઈ પાણી પાવાનું આ કામ કરે છે. બપોરના તો તે જરૂર હાજર રહે છે. મેં એને વંદન કરી ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા.
Print This Article
·
Save this article As PDF
ALL INCIDENT ARE VERY GOOD
THANKS
RAJ
આખ મા હર્શ થઈ આસુ લાવે ચ્હે
ખરેખર માર્ગદર્શક ઘટનાઓ છે.
આભાર મૃગેશભાઈ
સુંદર પ્રસંગો.
જ્યાં સુધી સારા શિક્ષકો છે ત્યાં સુધી વિદ્યાર્થી ઓ ને ગભરાવવા જેવુ નથી, પણ જ્યાં શિક્ષણ નુ વેંચાણ ચાલુ થઈ ગયુ છે ત્યાં આવા સારા શિક્ષકો એક સારુ ઊદાહરણ પૂરુ પાડે છે.—– મારી દિકરી જહોન સર નામે એક ગણિત ના શિક્ષક પાસે ટ્યુસન મા જતી હતી જેમનુ ૧૪ ફેબ્રુ. ના દિવસે અચાનક હાર્ટફેલ થવા ને લીધે નિધન થઈ ગયુ. તેજ દિવસે સવારે ૮.૩૦ વાગ્યા સુધી તો મારી દિકરી તેમના ક્લાસ મા હતી અને ૧૨.૩૦ તો સર હતા ના નહિ હતા થઈ ગયા. તેઓ ફિ લઈ ને ભણાવતા હતા પણ શિક્ષા નો તો જાણે તેમને ભેખ લિધો હતો. જ્યારે પણ જોવ ત્યારે તેઓ વિદ્યાર્થીઓ થી ઘેરાયલા જ જોવા મળે. દિવાળૂ જાણી ને મે મારી દિકરી ને ટ્યુસન પર નહોતી જવા દિધી પણ તેઓ ઈસાઈ હતા છતા તેમને નાતાલ ની રજા પણ નહોતી લિધી અને બાળકો ને પ્રેમથી ભણાવતા. તેમના દરવાજા રાત્રે ૧૨ વાગે પણ બાળકો માટે ખુલ્લા રહેતા આવા શિક્ષક ને ગુમાવવાનુ દુખ બધાજ બાળકો અને સાથે તેમના વાલીઓ એ અનુભવ્યુ. શિક્ષક જ સાચા તારણહાર છે અને જો સમાજ ને સારા શિક્ષકો મળશે તો આપણિ ભાવિ પેઢી સુરક્ષિત રહેશે.
આજે જ્યારે સરકારી ખાતા મા લાંચ ની બદિ ઘુસી ગઈ એ ત્યાં આટલી નજીવિ પણ ઉપયોગી મદદ માટે રમણીકભાઈ ને દાદ દેવી પડે. જો દરેક કર્મચારી રમણીકભાઈ જેવા સેવાભાવિ હોય તો કોઈને ફરિયાદ જ નહીં રહે.
ઈસ્માઈલભા ને સલામ! આજના જમાના મા જ્યાં જુવાન સ્ત્રી જોઈ નથી અને લોકોના મોઢા માથી લાળ ટપકવાનુ ચાલુ થયુ નથી ત્યાં ઈસ્માઈલભાઈ જેવા નેક ઈન્સાન જો બધે જ જોવા મળૅ તો દુનિયાની બધી જ બદિઓ સાફ થઈ જાય. ગઈ કાલે જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મા વાંચ્યુ કે કલકત્તા મા એક ૧૬ વરસનો છોકરો દરરોજ પોતાની બહેન ને લેવા રાત્રે સ્ટેસન પર રાત્રે ૧૧ વાગે લેવા જાય કારણ બહેન નો નોકરી પતવાનો સમય તેજ હતો. એક દિવસ ૬-૭ છોકરાઓ ની ગેંગે તેની બહેનને આંતરી અને ભાઈ ને ૬-૭ વાર ચાકુ ના ઘા કર્યા અને બહેનને ઊઠાવી ને લઈ ગયા. ભાઈ નુ પ્રાણ પંખેરુ ત્યાં જ ઉડી ગયુ.
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પિડ પરાયી જાણે રે………… નાના માણસની સેવા કરવાની અનોખી રિત દિલ ને છુઈ ગઈ.
સરસ પ્રેરક પ્રસંગો….
આ લેખ વાંચી ને જીવ ને કંઇક શાતા મળી કે બીજા ના ભલા માટે વિચારનારા હજુ છે!
આજે ગના દિવસે તમારી વેબ સાઈટ જોઇ અજે સરસ લેખ આપ્યા ખુબ આંનદ થયો .
માનવીય અભિગમની દુહાઈ પોકારતા પ્રેરક પ્રસંગો.
ખુદાના ફરિસ્તા શ્રી ઈસ્માઈલભાઈને સલામ. શિક્ષક શ્રી સુથારભાઈએ શિક્ષાને દિપાવી.
હીરાને પારખી સમાજ અણમોલ ભેંટ ધરી અને હવે તે જ ઉમદા માનવી બની કેટલાય ગરીબોનાં
દુઃખદર્દ હળવાં કરશે. સરકારી પટ્ટાવાળા ભાઈની સમાજસેવાને પણ વંદન.
નોખી માટીને નોખા માનવીયું….ધન્ય ધન્ય ધરા ગુર્જર.
ખુબ સરસ….. ગુજરાતિ હોવાનો ગર્વ અનુભવ થાય
આવી સત્ય ઘટનાઓ વાંચીને આંખમાં ખુશીના આંસુ આવી ગયા. દરેક જણે પોતાનાં કાર્યક્ષેત્રને અનુરુપ, માનવતાનાં દીવાથી ક્યાંકને ક્યાંક અજવાળું કર્યું. બીજા શબ્દોમાં ‘સંસારી સાધુ’. દીવા પ્રગટાવવા વાળા મહાનુભાવો , એમનાં કાર્યને અહિં રજુ કરવાવાળાં લેખકો અને મૃગેશભાઇ બધાનો ખુબ ખુબ આભાર.
khub j sundar prasango…. tame pan tarsya vachak nii aa rite taras jchipavo cho mrugesh bhai… badhu eksathe j vanchva mali jay che… aabhar.
ખુબ જ સુંદર પ્રસંગો છે. મજા આવી.
સુંદર પ્રેરણાદાયી પ્રસંગો. આને કહેવાય સાચા માણસો.
ખૂબ આભાર,
નયન
બધાં જ પ્રસંગો પ્રેરણાદાયી છે. દાનનો મહિમા તેની રકમથી નહી પણ તે મેળવનાર માટે કેટલું અતિ આવશ્યક હતું અને અણીના સમયે થયેલું તે પરથી આંકી શકાય છે. વળી સામે અપેક્ષા વગર થયેલી મદદ અમૂલ્ય છે.
પહેલા પ્રસંગમાં શું કહીશું? કર્મની ગતિ, વિધિના લેખ, નિયતિ? ગમે તે કારણસર સાતમા ધોરણના શિક્ષક ગેરહાજર રહ્યા તે સારુ થયું, ભગવત સાહેબ ત્યાં ગયા, ચાર દિવસ, જે એમના માટે વિદ્યાર્થીને પારખવા પૂરતા હતા અને તેજ અરસામા આચાર્યશ્રીએ ફરજિયાત ગણવેશનો ભાર મૂક્યો તો એ વિદ્યાર્થી અવેજીમાં આવેલા સાહેબની મદદથી અભ્યાસમાં તરી ગયો. કદાચ બીજા શિક્ષક એવું ના પણ કરી શક્યા હોત. એ વિદ્યાર્થી પણ ધનનો બળિયો નહી પણ વિદ્યાનો વ્યાસંગી તે આગળ વધ્યો. વળી, ભવિષ્યમાં એને બીજી મદદની જરુર પડી કે નહી ત ખબર નથી પડતી પણ અણીના સમયે ફક્ત ગણવેશની મદદ મળી જતાં તેનો અભ્યાસ રોળાતો બચી ગયો. ભગવત ભાઈએ ખરેખર ભગવદીય કામ કર્યું.
અહી વર્ણવેલી દરેક મદદ નાની પણ અનીના સમયે કરાતી હોવાથી અમૂલ્ય બની જાય છે. દરેક લેખકને આ અનુભવ વહેંચવા બદલ આભાર.
ચારે ય પ્રસન્ગો ખુબ જ સરસ. દુનિયામાં આવા સારા માણસો
વસેછે, એ વાન્ચીને કઇક કરવાની પ્રેરણા જરુર મલે છે.
પ્રવીણ
સરસ પ્રેરણાદાયી અને અનૂકરણીય પ્રસંગો.
ફેબ્રુ. ૨૦૧૧ નુ અખંડ આનંદ આવિ ગયુ ?
Veenaben, we get ahkand annand around 20th in USA
હા ભાઈ, આપણને ૨૦ મી પછી અખંડ આનંદ મળે છે પણ એ પહેલા એક લેખ અચુક્ અહિ અપાય જાય છે.
Excellent!
પ્રેરક પ્રસંગોનું સુંદર સંકલન
માતા-પિતા, ગુરુ, સમાજ અને ભગવાનનું ઋણ તો દરેક જણ પર હોય છે. પણ વિદ્યાર્થીને ડ્રેસ અપાવનાર શિક્ષક, રેવન્યૂ સ્ટેમ્પ આપનાર વિકાસ અધિકારી, યુવતીની સારવાર પાછળ દોઢ લાખ જેટલી રકમ ખર્ચી નાખનાર ઈસ્માઈલભાઈ અને પાણી પાઇને જય શ્રીકૃષ્ણની સેવા કનાર પટાવાળા જેવા વિરલા કોઇક જ હોય છે. દરેક ને લાખ લાખ વંદન હો. તક તો બધાને કોઇ ને કોઇ સ્વરૂપે મળતી જ હોય છે. પણ તે ઝડપી લેનાર બહુ ઓછા હોય છે. આશા રાખીએ કે આ પ્રેરક સત્યઘટનાઓ પરથી પ્રેરણા લઇ અનેક વિરલાઓ સમાજનું ઋણ ચુકવવા કટિબધ્ધ બનશે.
સુંદર પ્રેરક સત્યઘટનાઓના સંકલન બદલ આભાર.
સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની……………………..વિનોબા ભાવે.
વિનોબાજીએ કહેલ આ સુવિચાર ઉપરના ચારેય પ્રસંગોમાં જીવનમાં વણાઇ ગયેલો દેખાય છે.
ગુરુ પત્નિ શારદામણિ એ વિવેકાનંદ ને કહેલ કે……જે બિજાનો વિચાર કરે….તે મહાન જ છે…
સુંદર અને પ્રેરણાદાયી.
ખુબ જ સુન્દર પ્રસન્ગો છે
આભાર મ્રુગેશ ભઈ
ખુબ જ સરસ બધા પ્રસંગો…છેલ્લા બે વધારે ગમ્યા…
પહેલી જ ઘટના વાંચતાં અનાયાસે આંખ ભરાઇ ગઇ. વિદ્યાર્થીને ડ્રેસ અપાવનાર શિક્ષક, રેવન્યૂ સ્ટેમ્પ આપનાર વિકાસ અધિકારી, યુવતીની સારવાર પાછળ દોઢ લાખ જેટલી રકમ ખર્ચી નાખનાર ઈસ્માઈલભાઈ અને પાણી પાઇને સેવા કરનાર પટાવાળા જેવા સહૃદયી ભાગ્યે જ કોઇક જોવા મળે છે. બાકી જાજા ભાગે પરવા વગરના અને કઠોર હૃદયી વધુ જોવા મળે છે. ઘણા સંત-મહાત્માઓ માર્ગદર્શન કરી ગયા પણ આ વાસ્તવિકતામાં બહુ ફેરફાર થતો નથી પણ આવી ઘટનાઓ વાંચવાથી થોડાકને પ્રેરણા જરૂર મળશે.
god gives him lot of energy because he is doing a very good job to fulfil the need of water of people whom he even not know
i like all real story and i also try to read this all story to my friends.thanks for writer and read gujarati.thanks a lot.