ઘરની હવામાં જ સંગીત.. – રજત ધોળકિયા

[ ગુજરાતી સુગમ સંગીત જગતનું અદ્વિતિય નામ એટલે શ્રી દિલીપભાઈ ધોળકિયા. થોડા દિવસો અગાઉ થયેલા તેમના મહાપ્રયાણ બાદ એમના સ્વરકાર અને ધ્વનિકાર પુત્ર શ્રી રજતભાઈ ધોળકિયાએ પિતાને ‘નવનીત સમર્પણ’ના આ લેખ દ્વારા સ્મરણાંજલિ આપી હતી, જે અહીં સાભાર પ્રસ્તુત છે. શ્રી દિલીપભાઈનો જન્મ 15 ઑક્ટોબર, 1921ના રોજ વડનગર નાગર જ્ઞાતિમાં થયો હતો. તેઓ શ્રી 89 વર્ષનાં હતાં. અનેક સન્માનો ઉપરાંત 2010માં તેમને ભારતીય વિદ્યા ભવન દ્વારા ‘મુનશી સન્માન’ એનાયત કરવામાં આવ્યું હતું.]

બાળપણથી મેં પપ્પાને ગાતા, કમ્પોઝ કરતા જોયા છે. અમારા ઘરની હવામાં સંગીત વહેતું હતું. એટલે સંગીતનું શિક્ષણ લેવા માટે મારે બહાર ન જવું પડ્યું. પપ્પા સાઈલન્ટ ટીચર હતા. તેઓ કદી પણ ગુસ્સે ન થતા. તેમની કહેવાની શૈલી નિરાળી હતી. તેમને ન ગમતું કામ કરું તો તેઓ ગંભીર થઈને કહેતા અને પછી ચૂપ થઈ જાય. એ ચુપકીદી બે તમાચા કરતાં વધારે વાગતી.

તેમને ગમતું કે હું સંગીતમાં જ મારી કારકિર્દી બનાવું, પરંતુ ભણવાનું ન કરું તે ન ગમતું. હું જ્યારે બારેક વરસનો હતો ત્યારે સોસાયટીના છોકરાઓને ભેગા કરીને મેં ઑર્કેસ્ટ્રા બનાવ્યું હતું. તેના કામમાં હું ખોવાઈ જતો. અમે ઑર્કેસ્ટ્રા લઈને કાર્યક્રમ કરવા પણ પછી જતા. બે-ત્રણ વાર એવું બન્યું કે પરીક્ષા બંક કરીને મેં ઑર્કેસ્ટ્રા કરી તો તેમને ન ગમ્યું. ત્યારે તેમણે ગંભીર થઈને મને કહ્યું કે તું ઑર્કેસ્ટ્રા કરે તેનો મને વાંધો નથી, પરંતુ પરીક્ષા ન આપે તે મને પસંદ નથી. ભણવાનું પણ જરૂરી છે. બસ આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા. તેમની ચુપકીદીની અસર એવી થઈ કે ત્યારથી મેં પરીક્ષા બંક ન કરી. તેમના સંગીતમાં એક આગવી ઓળખ હતી. જે બાળપણથી મેં જોઈ-અનુભવી છે. તેમના સંગીતને એડપ્ટ કરવું કઠિન છે. તેમનાં ઈન્ટરપ્રિટેશન એટલાં યુનિક હોય કે શબ્દો પ્રમાણે ભાવ પ્રગટ કરે. કલાસિકલ, લાઈટ કલાસિકલ ધૂનો સાંભળવામાં સહેલી લાગે પણ ગાવા જઈએ તો ખ્યાલ આવે કેટલી અઘરી કરતાં યુનિક છે. બે શબ્દો વચ્ચેની હરકતો, સૂરોનું જોડાણ અદ્દભુત હોય. તેને પકડવું અને ગાવું સહેલું નથી હોતું.

તેઓ ગાયકોને તેમનાં કમ્પોઝિશન પહેલાં સરળ રીતે શીખવાડે અને પછી તેમાં બીજી હરકતો ઉમેરે. તેમનાં કમ્પોઝિશન એક જ રીતે ન ગાઈ શકાય, અનેક રીતે ગાઈ શકાય એવાં હોય. તેમનાં કમ્પોઝિશનની મજા એ હતી કે તેઓ એને એક જ રીતે ન ગાતા. એક લાઈન ગાય પછી તે બીજી રીતે રિપીટ થાય. તેમની પાસે હું ક્યારે સંગીત શીખ્યો તે ખબર જ ન પડી. મિત્રની જેમ વાતચીત કરતાં ટિપ્સ આપે કે ધૂનમાં સ્વર આ રીતે પણ લાગી શકે અને તેને બીજી રીતે પણ લગાવી શકાય. મોટા થયા બાદ મારાં કોમ્પોઝિશનમાં કોઈ ફોલ્ટ તેમને લાગે તો તે ક્યારેય ન કહે કે આ ખોટું છે. અને એમ પણ ન કહે કે આ સ્વર થોડો કચાશ ભરેલો છે પણ એ સૂચન કરે કે આ કમ્પોઝિશનમાં અમુક સ્વર આ રીતે પણ લાગે અથવા આ નોટ્સ આ રીતે સ્વરથી જોડી શકાય. આજે મને તેઓ નથી ત્યારે આ બધું સમજાય છે કે હું કઈ રીતે વિકસ્યો.

મને એક મારો પ્રસંગ યાદ આવે છે. હું ચોવીસેક વરસનો હોઈશ. તે અરસામાં હું સૌરાષ્ટ્રમાં ડોક્યુમેન્ટરી માટે ફર્યો હતો એટલે મારા ઉપર સૌરાષ્ટ્રના ફોકની અસર હતી અને ત્યારે મેં બાલમુકુંદ દવેની ‘પીઠી ચોળી લાડકડી…’ કમ્પોઝ કર્યું. તેનો અંતરો ‘તું શાનો સાપનો ભારો….. તું તુલસીનો ક્યારો…..’ કમ્પોઝ કરવામાં મેં સૌરાષ્ટ્રના ફોકની અસર લીધી હતી. તેને લીધે તેના નાજુક ભાવો ઊપસતા નહોતા. તો તેમણે મને એ સ્વરરચના અનેક રીતે દેખાડી ત્યારે સમજાયું કે વાત સાચી. પાંચેક વરસ બાદ તે ગીત રદાણી સિસ્ટરને મેં શીખવાડ્યું અને તેમણે ગાયું ત્યારે કાર્યક્રમમાં તે અંતરાને કારણે ગીતને ચાર વખત વન્સમોર મળ્યું, ત્યારે મને સમજાઈ તેમના સ્વરની તાકાત અને સૂઝ. સતત તેમણે મને માર્ગદર્શન આપ્યું છે પણ કોઈ ભાર વગર. આવું તે મારી સાથે જ નહીં, દરેક કલાકાર સાથે વરતતા. સહજતાથી સૂરો શિખવાડતા. આજે જ્યારે તેઓ નથી ત્યારે સમજાય છે કે હું ખરેખર ઘણું શીખી શક્યો હોત એમની પાસેથી જો તેમનો સમર્પિત શિષ્ય થયો હોત તો. એક સમીક્ષક તરીકે મેં તેમની પાસેથી પ્રેરણા લીધી. પણ સમર્પિત ન થયો તેનો અફસોસ છે. હવે મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું. એમના જીવનમાંથી મને સમજાય છે કે તેઓ સમર્પિત જીવન જીવતા હતા સંગીતને, ભગવાનને અને એટલે જ તેઓ યુનિક હતા. જે સમર્પિત થાય છે તે જ કંઈ પામી શકે છે. તેમનું સમર્પણ અદ્દભુત હતું. તે કક્ષાએ હું તો પહોંચી જ ન શકું એ નમ્રતા સાથે કહું છું. તેમને મિડિયામાં પોપ્યુલર થવાની ભૂખ નહોતી. ક્યારેય તેમણે પ્રસિદ્ધિ માટે જ કામ નથી કર્યું.

એ એક અલગારી જીવ હતા. અલગારી રીતે જીવન જીવ્યા. તેમને જો ક્યાંય જવું હોય તો કાર કે ટેક્સીની રાહ નહીં જુએ. ચંપલ પહેરીને ચાલવા માંડે. તેમની જરૂરિયાત લગભગ નહીંવત હતી. તેઓ કલરલેસ મિરર હતા. તેમાં કોઈ રંગ પોતાનો નહોતો. સદાય સફેદ લેંઘો-ઝભ્ભો અને ચંપલ. કોઈ જ વસ્તુ માટે મોહ નહીં. કશું જ પામવાની મહેચ્છા નહીં. એવા જીવનની કલ્પના પણ કરવી અઘરી છે આજે. જ્યારે તેઓ એવું જીવતા. મારી માતા ધ્રુમનબહેન તેમને ક્યારેક ટોકે, સંભાળી લે ત્યારે જ તો એ આ રીતે સાથી બનીને વરસો સુધી રહી શક્યા. બન્ને વચ્ચે સ્નેહ અને સ્વીકાર મેં જોયો છે, અનુભવ્યો છે.

સંગીત સિવાય સંસ્કૃત અને ગણિત તેમના પ્રિય વિષય. ગણિતનાં ઉખાણાં, ઈક્વેશન સુલઝાવવા તેમને ગમતાં. છાપામાં આવતાં સુડોકુ તરત જ ભરે. હોસ્પિટલમાં હતા ત્યારે છેલ્લા દિવસ સુધી તેમણે સુડોકુ ઉકેલ્યાં છે. સંસ્કૃત તો તેઓ ભણ્યા છે. સંસ્કૃત વાંચવું તેમને ગમતું. તેમણે નક્કી કર્યું હતું કે 67 વરસ બાદ પૈસા કમાવાનું કામ નથી કરવું. ત્યારે તો લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કામ કરતા હતા અને સારા પૈસા મળતા હતા, પરંતુ તેમણે એક જ દિવસમાં ત્યાં કહી દીધું કે બસ કાલથી હું નહીં આવું. ભગવાનની ઈચ્છામાં તેમણે પોતાની ઈચ્છા ભેળવીને જીવવાનું નક્કી કર્યું. તો છેલ્લા ત્રીસ વરસ તે જ રીતે જીવ્યા. કોઈ જ ફરિયાદ નહીં. અપેક્ષા નહીં. બસ અધ્યાત્મને સમર્પિત જીવન જીવ્યા. પ્રમુખ સ્વામીને મળ્યા બાદ તેમણે પછી સંગીત પણ ભગવાનને માટે જ ગાયું. સાધુ-સંતોને સંગીત શીખવાડ્યું અને ભજનો કમ્પોઝ કર્યાં. તેમણે 21 ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં હરિહરન, સુરેશ વાડકર, રૂપકુમાર રાઠોડ પાસે ગવડાવ્યાં. તેમને યાદ કરતાં જ હસતો શાંત ચહેરો નજર સમક્ષ ઊભો થાય છે. તેમનામાં ભરપૂર ઊર્જા હતી એટલે જ અમને તેમના માટે ફીલ ઓફ લોસનો અનુભવ નથી થતો. તેમના વ્યક્તિત્વની છટા કે ઓરા એવો હતો કે આજે પણ અમને તે તાદશ્ય અનુભવાય છે. તેઓ હજી પણ અમારી આસપાસ જ છે, ક્યાંય ગયા નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત
માતૃપ્રેમનું મહામંગલ સ્તોત્ર : श्यामची आई – આચાર્ય અત્રે Next »   

7 પ્રતિભાવો : ઘરની હવામાં જ સંગીત.. – રજત ધોળકિયા

 1. Jyoti Greem Gala says:

  Dilipbhai vishe lakhayelo Rajatbhai no lekh ketlo sa-raday chhe. ek shishya – putra avi rite lagni vahavi shake e jani khub saru lagyo. Rajatbhai, tame pita na padchaya nahi pan emni chabbi chho.

 2. Kinjal Thakkar says:

  kalyug ma pan emnu sadgi bharyu jivan,satya ne odkhi sakvani xamta,aatli aavdat chhata abhiman vagar nu jivan…prena male tevu jivan…

 3. dhiraj says:

  શ્રી દિલીપભાઈ ના જવાથી ગુજરાતી સુગમ સંગીત જગત માં એક એવો શૂન્યાવકાશ સર્જાયો છે કે તે ભરવો અત્યારે તો અશક્ય લાગે છે
  હું મારી જાત ને ખુશનશીબ એટલે ગણી શકું કે મેં તેમને ૬ મહિના પહેલાજ લાઇવ સાંભળ્યા છે
  આજે પણ જયારે “દિલીપભાઈ ધોળકિયા” એવો શબ્દ સંભાળું કે વાંચું છું તો મારી આંખ ની સામે ઘૂઘવતો દરિયો હિલોળા લેવા માંડે છે. અને ચોસઠ પદી માં તેમણે ગાયલું મંગલાચરણ કાનો માં ગુંજવા માંડે છે “વંદુ અક્ષર સાથ નાથ હરિને …”
  દિલીપભાઈ નું સાનિધ્ય એટલે દરિયા નું સાનિધ્ય.

 4. જય પટેલ says:

  ગુજરાતી સુગમ સંગીતની ઓળખ એવા શ્રી દિલીપ ધોળકિયાને ભાવાંજલિ.

  શ્રી દિલીપ ધોળકિયા અને તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી ગીત એકબીજાના પર્યાય બની ગયા છે.
  તારી આંખનો અફીણી શ્રી વેણિભાઈ પુરોહિતની કલમનો કમાલ પણ આ ગીત વધારે તેના સંગીતકાર
  શ્રી દિલીપભાઈથી વધારે ઓળખાય છે.

  સુગમ સંગીતના ક્ષેત્રમાં આભને આંબેલા શ્રી દિલીપભાઈ મુઠ્ઠી ઉચેરા માનવી હતા.
  નોખી માટી અને નોખા માનવી….ધન્ય ધન્ય ધરા ગુર્જર.

 5. hiral says:

  ગુજરાતી સુગમ સંગીતની ઓળખ એવા શ્રી દિલીપ ધોળકિયાને ભાવાંજલિ. એમનું ઇશ્વરને અને સંગીતને સમર્પિત જીવન આજની તારીખે તો કલ્પના જ લાગે.

 6. પુત્રા દ્વારા પિતા ને શ્રેસ્થ શ્રથાન્જલિ

 7. pragnaju says:

  એમના સ્વરાંકનો
  અને
  એમના સ્વરમઢ્યા ગીતો થકી

  દિલીપકાકા હંમેશા આપણી વચ્ચે રહેશે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.