માતૃપ્રેમનું મહામંગલ સ્તોત્ર : श्यामची आई – આચાર્ય અત્રે
[ વિનોબાજી સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયેલું એક નામ છે ‘શ્રી પાંડુરંગ સદાશિવ સાને’. લોકો એમને ‘સાને ગુરુજી’ના નામથી ઓળખતાં. ધૂળિયા જેલમાં વિનોબાજી જ્યારે ભગવદ ગીતા પર બોલતાં ત્યારે તેનું લેખન શ્રી સાને ગુરુજીએ કર્યું હતું. પાછળથી તે આપણને ‘ગીતા પ્રવચનો’ નામે પ્રાપ્ત થયું. સાને ગુરુજી અત્યંત ઋજુ સ્વભાવનાં હતાં. તેમને તેમની માતા પ્રત્યે અપાર સ્નેહ અને આદર હતો. તેમણે મરાઠીમાં રચેલ ‘श्यामची आई’ વર્ષોથી મહારાષ્ટ્રમાં ઘેરઘેર વંચાય છે. તેના પરથી એક ફિલ્મ પણ બની હતી, જેને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ચાલુ વર્ષે આ પ્રથમ મરાઠી પુસ્તકની આવૃત્તિને 75 વર્ષ પૂરાં થાય છે. આ પુસ્તક સૌને માટે સદા પ્રેરણાદાયક અને લોકપ્રિય રહ્યું છે. આપણા સાહિત્યકાર અરુણાબેન જાડેજા દ્વારા હવે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘શ્યામની બા’ શીર્ષક સાથે ‘સ્વમાન પ્રકાશન’ દ્વારા ટૂંકમાં પ્રકાશિત થઈ રહ્યો છે, જેની પ્રસ્તાવના અત્રે આ લેખમાં આપવામાં આવી છે. આ લેખ ‘ઉદ્દેશ’ સામાયિક (ફેબ્રુઆરી-2011)માંથી સાભાર લેવામાં આવ્યો છે.]
દુનિયામાં આજ સુધી કંઈ કેટલાય કવિઓએ અને લેખકોએ ‘મા’ વિશે લખ્યું હશે, કવિતાઓ રચી હશે, વાર્તાઓ લખી હશે પણ મરાઠી ભાષામાં સાને ગુરુજીએ ‘શ્યામચી આઈ’ પુસ્તકમાં માતૃપ્રેમનું મહાસ્તોત્ર રચી આપ્યું છે. એવું અતિ માધુર્યભર્યું અને માંગલ્યથી ભીંજાયેલું મહાકાવ્ય બીજા કોઈ પણ સાહિત્યમાં હશે એવું હું તો માનતો નથી. અમૃત સાથે હોડ બકવાનું સામર્થ્ય આપણી મરાઠી ભાષામાં છે એવું સંત જ્ઞાનેશ્વરે કહ્યું છે ખરું, પણ કોઈના પણ મુખમાંથી કે કલમમાંથી નીકળેલી મરાઠી ભાષા એમ કાંઈ થોડી હોડ બકી શકવાની છે ?
એ સામર્થ્ય જેમ ‘જ્ઞાનેશ્વરી’માં છે તેમ ગુરુજીના પુસ્તક ‘શ્યામની બા’માં છે. આ બંને કાવ્યોમાં શુદ્ધ અને નિર્મળ પ્રેમ છલોછલ વહી રહ્યો છે. અમૃત પણ ફિક્કું લાગે એવાં નિતાંત મધુર સ્થાનો આ કાવ્યોમાં ઠેકઠેકાણે ઉપરાછાપરી જોવા મળે છે. ચારેકોર દ્રાક્ષનાં ઝૂમખેઝૂમખાં લટકી રહ્યાં છે. એમાંથી કેટલી તોડીએ અને કેટલી ચાખીએ ? સાચે જ ગાંડા થઈ જવાય એવું છે આ તો. ‘જ્ઞાનેશ્વરી’ની જેમ જ ‘શ્યામની બા’ પણ મરાઠી ભાષાનું એક અમર આભૂષણ છે, એમાં શંકાને સ્થાન નથી. સ્ફૂર્તિભરી, પ્રસાદમય અને તન્મય એવી એકાદી દિવ્ય અવસ્થામાં જ આવું અલૌકિક લેખન સંભવી શકે છે. આવી કૃતિઓ ફરી ફરીને નથી સર્જાતી. સઘળાય પ્રેમમાં સૌથી મહાન હોય તો એ માતાનો પ્રેમ. તે મમતાની ગંગોત્રી છે. બીજા બધાય પ્રેમનો ઉદ્દભવ પણ માતૃપ્રેમમાંથી જ થાય છે. ઉપરાંત નર્યા માતૃપ્રેમનું ગૌરવ આટલા વિસ્તારથી અને મલાવી મલાવીને ભાગ્યે જ કોઈ લેખકે કર્યું હશે.
પાશ્ચાત્ય સાહિત્યમાં સ્ત્રીના પ્રણયની વાતો ખૂબ ચર્ચાઈ છે. પણ હિંદુ સંસ્કૃતિનો વારસો એટલે માતૃપ્રેમ ! પ્રભુને ય માવડી કહેવાય, ધર્મગ્રંથને પણ મા કહેવાય, દેશને પણ માતા કહેવાય એ તો ફક્ત આપણી સંસ્કૃતિના જ સંસ્કાર. સાને ગુરુજીનાં મા-એ આપણી આ પ્રેમમય, ત્યાગમય અને સેવામય સંસ્કૃતિનું ધાવણ દીકરાને કરાવ્યું. દુનિયામાં ઘણાંને પોતાની માતા માટે પ્રેમ હશે અને મા-ને કોણ પ્રેમ ના કરે ? પણ ગુરુજીએ જે રીતે પોતાની મા-ને પ્રેમ કર્યો એવો ભાગ્યે જ કોઈ દીકરાએ કર્યો હશે. આ મા-દીકરાની જોડી એટલે જાણે પુરાણની કથા, અદ્દભુત કથા ! ગુરુજીએ અમથો એમની મા-ને પ્રેમ કર્યો હશે ? એ મા-ની યોગ્યતા વગર અમથા ગુરુજી આવડા મોટા થયા હશે ? એમનાં મા-એ ગુરુજીને મોટા કર્યા તો ગુરુજીએ મોટા થઈને પોતાની માતાને મોટી બતાવીને એનું ઋણ ચૂકવ્યું. એ મા-ને એટલી મોટી કરી કે એ હવે ફક્ત ગુરુજીની મા નથી રહી પણ મહારાષ્ટ્રના, ના, ભારતનાં બધાં બાળકોની હવે મા બની ચૂકી છે. અને ચૈતન્યનું મધૂરું ધાવણ જ એમણે ગુરુજીના મુખમાં રેડ્યું છે તે આ દેશના લાખો લોકોને અનંતકાળ સુધી પોતાને હૈયે વળગાડીને રેડ્યા વગર રહેવાની નથી.
કેટલાક લોકો લોહીની શાહી કરીને પછી લખતા હોય છે પણ ગુરુજીએ આ પુસ્તક પોતાનાં આંસુથી લખ્યું છે. એમાંનો દરેક અક્ષરેઅક્ષર ગુરુજીએ ભરાઈ આવેલા હૈયે અને આંખે લખ્યો છે. એમાનું દરેક વાક્ય ડૂમો ભરાયેલા ગળામાંથી અને રુંધાયેલા ડૂસકાંમાંથી ઉપજ્યું છે. તેથી કોરી આંખે પણ પાનાં પરનું કોઈ પણ વાક્ય વાંચો, આંખ તરત જ ભીની થઈ જશે. નાસિકની જેલમાં દિવસે કામ અને રાત્રે જગતમાતા, ભારતમાતા અને જન્મદાત્રી માતાના વિચારોમાં ખોવાઈ જવું અને હૈયામાં જ્યારે આવો ત્રિવેણીસંગમ થયો હોય ત્યારે એ તીર્થમાંથી ‘શ્યામની બા’નો એક સુંદર આકસ્મિક ઉગમ થયો. આકાશમાંથી ગંગાજી ખળખળ કરતાં વહી નીકળે તેમ ગુરુજીની કલમમાંથી સરસ્વતીજી પણ વહ્યે જતાં હતાં. ફક્ત પાંચ દિવસમાં પૂરા થયેલા આ પુસ્તક માટે એમના મિત્રોએ પૂછેલું, ‘ગુરુજી, તમારા જીવનમાં આ કસ્તુરીસુગંધ ક્યાંથી પ્રગટી ? આ સેવાવૃત્તિ અને નિરહંકારિતા ક્યાંથી પ્રગટી ?’ ત્યારે ગુરુજી ભીની આંખે વદેલા, ‘મિત્રો, આ બધું તો મારાં મા-ની ભેટ છે. એ જ મારી ગુરુ અને એ જ મારી કલ્પતરુ ! પશુ-પંખી, ઝાડ-પાનને પ્રેમ કરતાં મને એણે જ શીખવાડ્યું છે. ગરીબીમાંય કેમ રાચવું, પોતાનું સ્વત્વ અને સત્વ ન ગુમાવતાં કઈ રીતે રહેવું એ એણે જ મને શીખવાડ્યું છે. ઘડીક ખમો, હું તમને મારી મા-ના ગુણોનું ગાન સંભળાવું.’
પાણીની રૂપેરી ધારાઓ ફુવારામાંથી જેમ ઊડ્યે જાય તેમ એમના મુખમાંથી પ્રગટતી વાતોમાંથી માતૃપ્રેમનો ફુવારો ઊડતો જાય, એય કેવો ? – જાણે એમના હૈયામાં જન્મથી જ ઉછળતો માતૃપ્રેમ. જેમ આ ગુણ ગાનારાના હોઠ પવિત્ર થાય તેમ સાંભળનારાના કાન પણ કૃતાર્થ થતા. પોતાના બાળકનું સંબોધન કઈ રીતે કરવું એ કળા ગુરુજીનાં મા-ને સારી રીતે હસ્તગત હતી. સામાન્ય અને સંયુક્ત કુટુંબની શુદ્ધ અને સુંદર પરંપરાઓ એમનામાં સમાયેલી હતી. જેમ સૂર્યકિરણો વડે કમળો ખીલી ઊઠે તેમ મા-બાપનાં કાર્યો વડે બાળકોની જીવનકળી વિકસી ઊઠતી હોય છે, એ વાત એમનાં મા-ની જાણમાં બરાબર હતી. ગુરુજીના જીવનનું ઝરણું બને એટલું નિર્મળ રહે એ વાતનું એમણે ખૂબ ધ્યાન રાખ્યું. એણે ગુરુજીને એક ગુરુમંત્ર આપ્યો : અશ્રુમંત્ર. શરીર અને કપડાં તો સાબુથી ચોખ્ખાં થઈ શકે પણ મન શેનાથી ચોખ્ખું થઈ શકે ? આંસુથી જ સ્તો ! તેથી જ પ્રભુએ આંખોમાં આંસુના હોજ ભરી રાખ્યા છે, પણ ક્યાં કોઈને એ સાંભરે છે ? નાનામોટા દુઃખ માટે લોકો હિબકે હિબકે રડવા લાગે પણ પોતાનું મન નિર્મળ નથી એ માટે રડનારા ભાગ્યશાળી આ દુનિયામાં કેટલા ? ‘અસુવન જલ સિંચ સિંચ પ્રેમવેલ બોઈ !’ આંસુથી મનડું શુદ્ધ કરીને એના થકી પ્રેમ અને ભક્તિની વેલ ઉછેરનારો આવો મીરાંબાઈનો મંત્ર ગુરુજીને એમનાં મા-એ જ શીખવાડ્યો. છલોછલ આંસુથી ભરેલા હૈયામાં જ ભક્તિનાં કમળો ખીલતાં હોય છે. આપણી જીવન-વેલ પર આત્મશુદ્ધિનાં આંસુ છાંટવાનું એ મા-એ જ ગુરુજીને નાનપણથી શીખવાડેલું. તેથી જ એ વેલી પર આગળ જતાં દેશભક્તિનાં અને ઈશ્વરભક્તિનાં ચંદ્ર-સૂર્ય જેવાં તેજસ્વી ફૂલ બેઠાં.
ગુરુજીના જીવનમાં આચાર-વિચારનું સૌંદર્ય એમનાં મા-ને લીધે જ જન્મ્યું. સંવેદનશીલ ભાવનાઓનું મનોહર કાવ્ય મા-એ જ એમના હૃદયમાં રેડ્યું. હા, ફૂલોનું ગાંડપણ એમને મળ્યું પિતાજી પાસેથી, પણ ફૂલને પ્રેમ કરવાનું શીખવાડ્યું ફરી પાછું એ મા-એ જ. કળીઓને તોડવાની નહીં, એને ઝાડ પર જ ખીલવા દેવાની. ઝાડ એટલે ફૂલની મા. મૂંગી કળીઓને પોતાનો જીવનરસ પીવડાવીને ઝાડ જ એમને ખીલવે છે. ફૂલ ખીલે પછી તોડવાનાં, ભગવાન માટે, મૂંગી કળીઓ તોડો તો પછી ઝાડને માઠું લાગી જાય. આવી તો કેટલીય કાવ્યમય શિખામણો એમને મા પાસેથી મળી. મા-એ જ કુદરતને પ્રેમ કરવાની દીક્ષા પણ આપી. રાત પડે અંધારું થાય એટલે આકાશમાં તારલા ચમકી ઊઠે. એ તારલા એટલે જ પ્રભુનાં, સંતનાં અને સતીનાં આંસુ છે એવું ગુરુજીને થતું. એમને એવું પણ થતું કે મોટર કરતાં બળદગાડાનો પ્રવાસ એ એક કાવ્ય છે. એ કહેતા, ‘મોટરમાં દોડતા દોડતા જવામાં સૃષ્ટિ સાથે એકરૂપ થવાતું નથી. સૃષ્ટિમાતા પાસે ઘડીક ઊભા રહીએ, પોરો ખાઈએ અને પછી નીકળીએ. કેટલો બધો આનંદ એમાં ! કુદરત તો આપણી મા. એ મા-ને આમ ઉતાવળે જોવામાં શો અર્થ ! મા-ના ખોળે રમવું, ઘડીક બેસવું. આ સુખનું તે શું વર્ણન કરવું ? આ બધી મજા આવે છે બળદગાડાના પ્રવાસમાં. ઉપરના પેલા તારલા અને ચાંદો ઝાડમાંથી વારેઘડીએ ડોકાતા હોય.’
મા અને બાળક મળે એટલે જેમ એકબીજાને ભૂલીને એકરૂપ થઈ જાય તેમ આપણેય સૃષ્ટિ સાથે તન્મય થવું જોઈએ, એવું ગુરુજીને થતું. તેઓ કહેતા, ‘ભવ્ય સૃષ્ટિદર્શન થાય એટલે થાય કે ક્યાંય જવું જ નહીં. અહીં જ બેસી રહેવું અને સૃષ્ટિમાં ભળી જવું. સૃષ્ટિના ખરા સંગીત-સિંધુમાં આપણા જીવનનું બિંદુ મેળવી દેવું !’ પ્રેમના અદ્વૈતનું જ્ઞાન એમને એમનાં મા-એ જ શીખવાડ્યું. સૃષ્ટિનું અંતિમ સ્વરૂપ પ્રેમ છે, યુદ્ધ નથી. આ બોધ ગુરુજીને માતાના અંતઃકરણમાંથી મળ્યો. તેઓ કહે છે, ‘લૂંટારાઓ ખૂન ને ચોરી કરવા કેમ તૈયાર થાય છે ? એ ક્રૂર કામના મૂળમાં પણ દયા જ છે ને ! પોતાનાં છોકરાં જીવે, ભૂખે ન મરે એવી પ્રેમભાવના જ એ કામના તળિયે છે.’ મા પાસેથી એમને નિસ્વાર્થ સેવા અને આત્મસમર્પણના પાઠ પણ શીખવા મળ્યા. મા કહે, ‘અલ્યા ભ’ઈ, પાસે જે હોય તે બીજાને આપીએ. બીજાનાં આંસુ લૂછીએ, એને હસાવીએ અને રાજી કરીએ. એના જેવો આનંદ બીજો એકેય નહીં. એ મા પાસે દુનિયાને સુધારીને સુખી કરવાનું એક સહેલું અને સરળ તત્વજ્ઞાન હતું, ‘અમથું ઓરડીમાં શાને ભરાઈ જવું ? આપણાથી થાય એ કરવું. રસ્તામાંથી પથ્થર દૂર કરવો, કાંટો કાઢવો, છોડવા વાવવા, રસ્તો વાળવો. કો’ક પાસે જઈને મીઠું બોલવું, માંદા માણસ પાસે ઘડીક બેસવું, રડનારાનાં આંસુ લૂછવાં, અલ્યા, બે દહાડા તો રહેવાનું છે અહીં આપણે !’
આ પુસ્તકમાં આ મા-દીકરાની કેટકેટલી મીઠીમીઠી વાતો રજૂ થઈ છે ! નાનપણમાં એકવાર ગુરુજીને એમનાં મા-એ નવડાવીને પોતાના સાડલાથી જ લૂછીને પછી કહ્યું, ‘ભગવાન માટે ફૂલ લઈ આવ.’ ગુરુજીએ કહ્યું, ‘મારાં તળિયાં ભીનાં છે, ગંદાં થઈ જશે. તારો પાલવ નીચે પાથર, એનાથી હું પગ લૂછી કાઢું.’ ગુરુજી નાનપણમાં ભારે જિદ્દી હતા. તેથી મા-એ એમની સાથે કોઈ દલીલ ન કરતાં નીચે પાલવ ફેલાવ્યો. ગુરુજીએ કૂદકો મારીને પોતાના પગ લૂછી લીધા. દીકરા માટે થઈને મા-એ સાડલો ભીનો થવા દીધો. મા બાળક માટે શું ના કરે ? શું ના સહે ? ગુરુજી પૂજાની ઓરડીમાં ગયા ત્યારે મા-એ કહ્યું : ‘દીકરા, પગ ગંદા ના થાય એની તું જેટલી કાળજી રાખે છે એટલી જ કાળજી તારું મન ગંદું ના થાય એની રાખજે હોંને ! ભગવાનને કહેજે કે દાનત ચોખ્ખી રહેવા દેજે.’ મા-ના પ્રેમની આટલી કોમળ કથા ક્યા સાહિત્યમાં વાંચવા મળશે ? એકવાર શું થયું કે એક ઝાડ પરથી પક્ષીનું બચ્ચું નીચે પડી ગયું. અધમૂઉં. ગુરુજીએ એને બચાવવા બહુ પ્રયત્નો કર્યા પણ કંઈ વળ્યું નહીં. થોડીવારે ફાટેલી ચાંચે મરી ગયું. સેવંતી અને મોગરાના ક્યારામાં એને દાટ્યું, રડતાં રડતાં. બિલાડી એને ખોદી ના કાઢે તેટલા માટે તેની ઉપર માટી પૂરીને એક પથરો દબાવ્યો. પછી ઘરમાં જઈને એક ખૂણામાં બેસી ગયા. મા-એ પૂછ્યું કે કેમ ભ’ઈલા, આમ કોરે બેઠો છું ? તો દીકરાએ કહ્યું કે મારે છેને, એ પંખીડાનું સૂતક છે. મા-એ હસીને કહ્યું કે હાથપગ ધોઈ લીધાને ? થયું. તારે સૂતક પાળવાની જરૂર નથી. તેં એને વહાલ કર્યું, સારું કર્યું. હવે ભગવાન પણ તને વહાલ કરશે. કીડી-મંકોડા, પશુ-પંખી એ બધાં પણ ભગવાનનાં બાળુડાં છે. એમને જે આપશો એ બધું ભગવાન તમને અનેકગણું કરીને પાછું જ વાળશે. તેં જેમ આ પંખીડાને વહાલ કર્યું તેમ તારા ભાંડુડાંને કરજે. તારે તો એક જ બહેન છે ને, એને ક્યારેય અળગી કરીશ નહીં હં ને ! આવી વાર્તા વાંચીને કોનું હૈયું ઉભરાઈ ના આવે ?
દાપોલીની અંગ્રેજી નિશાળમાં ગુરુજી નાનપણમાં ભણતા હતા ત્યારે એમને માથે વાળ હતા. રજાના દિવસે ઘરે આવ્યા તો બાપુજી ગુસ્સે થયા, ‘કેમ લ્યા, ત્યાં હજામ નથી કે શું ? કાગડો લાગે છે તું, કાગડો. કાલે બાલ કપાવી નાંખજે.’ ગુરુજી તો રડવા લાગ્યા. એ તો હતા વહાલના ભૂખ્યા પણ મળ્યા પથરા. રાત્રે મા-એ કહ્યું, ‘એમાં કાંઈ એમના પર એટલી રીસે નહીં ભરાવાનું. તમારા માટે એમણે કેટલી મુશ્કેલીઓ વેઠી છે. એમની આટલી અમસ્તી ધાર્મિક ભાવના ના દુભાય- તેટલા માટે તું આટલું ય ના કરી શકે ?’ ગુરુજીએ કહ્યું, ‘પણ મા, વાળમાં તે શાનો ધરમ ?’ માએ કહ્યું, ‘તું કેમ વાળ રાખે છે ? વાળ તો મોહ જ ને ! મોહ છોડવો એ જ ધરમ !’ ધરમની આટલી સુંદર અને સરળ વ્યાખ્યા ધર્મના કો’ક આદ્યસંસ્થાપકને પણ સૂઝે ખરી ?
ગુરુજી મા-ને ઘરના દરેક કામમાં મદદ કરાવતા. દાળચોખા વીણવા, કપડાં-વાસણ બધું ગુરુજી જાતે કરતા. પાડોશણો એમની માને કહેતી કે તમે તો દીકરાને સાવ બાયો કરી મૂક્યો છે. ત્યારે મા કહેતી કે એમાં શું, સ્ત્રીઓને પુરુષોનાં અને પુરુષોને સ્ત્રીઓનાં કામ કરતાં આવડવું જોઈએ. એનું જ નામ લગ્ન. પુરુષના હૃદયમાં સ્ત્રીગુણ હોય અને સ્ત્રીના હૃદયમાં પુરુષગુણ હોય એનું જ નામ વિવાહ. મા-એ દીકરાનાં લગ્ન પ્રેમ, દયા, શ્રમ, સેવા જેવા ગુણો સાથે લીધાં હતાં. કદાચ તેથી જ એમને એમની જિંદગીમાં જુદાં લગ્ન કરવાની જરૂર જ નહીં પડી હોય. એકવાર એમની મા-ને લાડઘર ગામના ‘તામસ-તીર્થ’ની માતાજીની બાધા મૂકવા જવાનું હતું. તેથી મા-દીકરો બંને પરોઢિયે બળદગાડામાં નીકળ્યાં. એ પ્રવાસનું વર્ણન ગુરુજીએ અતિ સુંદર કાવ્યમય ભાષામાં કર્યું છે : ‘પરોઢિયાનું શાંત વાતાવરણ, આકાશમાં સુંદર પુંજાકારે દેખાતું કૃતિકા નક્ષત્ર, બળદના ગળામાંની ઘંટડીનો રણકાર. ગાડામાં હું અને મા બે જ – બે જ. માના ખોળામાં માથું નાંખીને હું સૂતેલો. મા મારા વાળ પસવારતી હતી. થોડી વારે મને થાબડતાં એ ‘ઓવી’ ગાવા લાગી.
‘ઘોર આ જંગલમાં ખળખળ વે’તું પાણી,
ત્યમ શ્યામ તણા જીવનમાં પળપળ રે’જો સ્વામી’
મા-દીકરાના પ્રેમનું આટલું રોમાંચક ચિત્ર આજ સુધીમાં કોણે દોર્યું છે ? ત્યાં પહોંચીને નાનકા ગુરુજી લંગોટી પહેરીને દરિયામાં પડ્યા ન્હાવા અને મોજાં સાથે રમવા લાગ્યા. માએ ઘૂંટણભર પાણીમાં ડૂબકી મારી અને દરિયાની પૂજા કરીને કેડે બાંધેલા ચાર આના દરિયાને ચઢાવ્યા. પેટાળમાં મોતીનો ઢગલો છે એ રત્નાકરને આમ મા-એ ચાર-આના આપ્યા એ જોઈને દીકરાને મજા પડી. પણ મા-એ કહ્યું, ‘બેટા, એ તો કૃતજ્ઞતા છે. સૂર્યચંદ્રનું નિર્માણ કરનારા ભગવાનની આપણે દીવાથી કેમ આરતી કરીએ છીએ ? આપણી ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ ને ! તેવી રીતે દરિયાને જોઈને થોડી ઘણી ત્યાગવૃત્તિ તો આપણે શીખવી જોઈએ ને !’ ઉદાત્ત ભાવનાથી લથપથ એવાં આવાં કેટલાંયે રત્નો ઠેકઠેકાણે વેરાયેલાં છે. કેટકેટલાં વીણીએ અને કેટકેટલાં મનમાં સંઘરીએ ! એ જ મા-ના મૃત્યુનું વર્ણન કરતાં તો એમણે ભવભૂતિ પર પણ જાણે સરસાઈ કરી છે. પથ્થરનેય પાન ફૂટે એટલું કારુણ્ય એમણે એમાં રેડ્યું છે. સ્મશાનમાં મા-ના પિંડને જ્યારે કાગડો સ્પર્શ કરતો નથી ત્યારે ગુરુજી ગળગળા થઈને કહે છે, ‘મા, તારી ઈચ્છા હશે તો ભલે હું લગ્ન પણ કરી લઈશ !’ કરુણતામાં રહેલો હાસ્યવિનોદ ખરેખર હૃદયને નીચોવી નાંખનારો છે. સાથોસાથ માતાના શોકનું આ કારુણ્ય ફક્ત રડાવી મૂકનારું કે નિસહાય કરી મૂકનારું નથી. પણ એ કારુણ્યમાં એક નવું જ ચૈતન્ય અને એક આવું સામર્થ્ય પેદા કરવાની શક્તિ છે. ‘સ્વાતંત્ર્યયુદ્ધમાં માતૃમોહને લીધે કદાચ હું નહી ઝંપલાવું, એટલા માટે થઈને જ એ મારાથી દૂર થઈ હશે, ભારત દેશની બધી જ મા મારી માતા થાઓ. મને એક જ નહીં અનેક મા મળશે, એટલેય એ ગઈ હશે. હવે જ્યાં જુઓ ત્યાં મારી મા જ મા. આવી દિવ્ય દષ્ટિ મને મળે એટલે જ એણે પોતાના જીર્ણ દેહનો પડદો દૂર કર્યો હશે.’ ગુરુજીની આ દિવ્યવાણી સાંભળતી વખતે થાય છે કે માનવતાના અતિ ઉચ્ચ શિખર પર બેસીને કો’ક મહર્ષિ વિશ્વપ્રેમનું ઉદાત્ત ઉપનિષદ સંભળાવી રહ્યા છે. બાળકો અને યુવાનોની જિંદગીને શુદ્ધ અને વિશાળ બનાવનારી અદ્દભુત સંજીવની આ પુસ્તકમાં છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
માનવી જીવનના બધા સદગુણો, સૌંદર્યો અને માંગલ્યોને જાણે દોહીને ચાંદીના લોટામાં ભરીને, ગુરુજીએ યુવાપેઢીના હાથમાં મૂક્યાં છે. એ રીતે પણ ‘श्यामची आई’ એ ભારતનાં બાળકો અને યુવાનોની ‘અમર ગીતાઈ’ (વિનોબાજીની ‘गीताई’) જ છે એવું કહેવું જોઈએ.
Print This Article
·
Save this article As PDF
Amazing !!!
No Words to describe my feelings.
Keep up the good work, Mrugeshbahi.
સરસ લેખ.
આપણી અમર સંસ્કૃતિનો વારસો श्यामची आई માં જળવાયેલો દેખાય છે તે આપણા માટે ગૌરવની વાત છે. યુવા પેઢી પણ આ વારસાને આત્મસાત કરી તેનુંજતન કરે તેવું પ્રેરણાત્મક લખાણ બીજે ક્યાં જોવા મળે?
કોઇકે કહ્યું છે કે દુનિયાના બધા ઋણ ચૂકવી શકાય પણ માનું ઋણ પુરેપુરું ચુકવવાનું સામર્થ્ય માનવી પાસે નથી જ. સુંદર લેખ બદલ આભાર.
શ્યામચી આઈ માટે કોઇ પણ પ્રતિભાવ આપવો એ ઓછુ ને ઓછુ પડે એમ છે.મન અને હ્ર્દય બન્ને આસુથી ભરાઈ ગયા.
શુ લખવુ એજ કાઈ સૂઝતુ નથી.ખરેખર આવી માનુ સ્વરૂપ કદાચ ભારતમાજ ઘડાય અને આવા દીકરા પણ ભારતમાજ પેદા
થાય. ભારતિય સન્સ્ક્રૂતિ એટલેજતો મહાનછે.