પડછાયો – હરિહર જોશી

[‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.]

થોડીવાર
આ પડછાયો અળગો થાય મારાથી
તો
વાતો કરી શકું તમારી સાથે પેટછૂટી.

સતત
મારા અંગરક્ષક જેવો સાથે ને સાથે હોય છે એ
મારી પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર હોય છે એની.

અજવાસ હોય કે અજવાળિયું હોય
હું ક્યારેય એકલો નથી હોતો
મને ક્યારેક અકળામણ થાય છે એની
એ જાણે છેઃ
ક્યારે મોટા થવું
ક્યારે નાના

આમ તો
જડભરત માથાફરેલ છે.
મારું કહેવું ક્યારેય સાંભળતો નથી.
મારામાં,
મૂળ નાંખી વધતોઘટતો રહ્યો છે એ
એણે સ્વેચ્છાએ
એક લક્ષ્મણરેખા આંકેલી છે
મારા પગ સાથે ઘરોબો કેળવ્યો છે એણે
પોતાની મર્યાદા એ ક્યારેય ઓળંગતો નથી
પગના તળિયેથી ક્યારેય ઊફરો જતો નથી.
જરૂર પડ્યે
અમારી વચ્ચે પગરવની ભાષામાં વાતો થતી રહે છે.
હું ડોળઘાલુ, ખંધો, કે કૃત્રિમ બનું
ત્યારે કેવો લાગતો હોઈશ, એ પણ
ભજવી બતાવ્યું છે એણે.

આમ તો
મારા અસ્તિત્વ જેટલો જ અનિવાર્ય
પણ
તમે જ કહોઃ
દિવસરાત કોઈ જળોની જેમ ચોંટેલું રહે તો
અકળામણ થાય કે નહીં ?
શું કહો છો, બોલો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માતૃપ્રેમનું મહામંગલ સ્તોત્ર : श्यामची आई – આચાર્ય અત્રે
હરિગીત – રવીન્દ્ર પારેખ Next »   

1 પ્રતિભાવ : પડછાયો – હરિહર જોશી

  1. Anila Amin says:

    સરસ રચના, પડચાયાને સજીવ કલ્પીને એના સ્વભાવનુ નિરૂપણ બહુ સરસ રીતે કર્યુ છે, આપે એને જડ ભરત કહ્યો તે

    બરાબર છે પણ આખરે એ સ્વરૂપતો આપનુજ છેને તો એમા વાક કોનો આપનોકે પડછાયાનો? એને દોષ દેવાનો શો અર્થ?

    બાકી માણવાની ગમે એવી રચના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.