કંજૂસ – યશવન્ત મહેતા

[ ગતવર્ષે પ્રકાશિત થયેલ ‘આપણો અમર વારસો : જાતકકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. ‘જાતકકથાઓ’ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. પ્રસ્તુત પુસ્તકના પાંચ ભાગોમાં કુલ 45 જેટલી વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

જૂના વખતમાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા વારાણસીમાં ઈલ્લીસ નામનો એક શેઠ રહેતો હતો. એની પાસે એંશી કરોડ મુદ્રા ધન હતું. પરંતુ એ અપલક્ષણોથી ભરપૂર હતો. એ લંગડો, લૂલો, કાણિયો, અવિશ્વાસુ, ચીડિયો અને કંજૂસ હતો. આ કંજૂસાઈ એનો સૌથી મોટો અવગુણ હતો. એ નહોતો કોઈને પેટ ભરીને ખાવા દેતો કે નહોતો પોતે પણ ખાતો. જાણે કોઈ રાક્ષસે ઘેરેલું તળાવ હોય એવું એનું ઘર હતું.

હા, એનાં માતાપિતાના સમય સુધી એનું કુળ દાનશીલ હતું. અરે, આગળની સાત પેઢીઓ દાનવીરોની હતી. એના વડવા ખૂબ કમાતા અને ખૂબ દાન કરતા અને એથી એમની પ્રતિષ્ઠા ખૂબ વધતી અને ઓર અધિક કમાણી થતી. દાનવીરતાની આ કુળપરંપરા ઈલ્લીસ શેઠે તોડી. એણે પરિવારની દાનશાળા સળગાવી મૂકી. ભિક્ષુકોને મારીમારીને તગેડી મૂક્યા. બસ, વધારે ને વધારે ધન એકઠું કરવાનું એણે શરૂ કર્યું. ખાઉં નહિ અને ખાવા દઉં નહિ, એવો નિયમ રાખ્યો. પણ એના મનમાંય એશઆરામની ઝંખના ઊંડેઊંડે પડી હતી.

એક દિવસ એ એશઆરામની ઝંખના અચાનક જાગી ગઈ. એક દહાડો એ રાજાની સેવામાં ગયો હતો. પાછા વળતાં એણે એક માણસને મોજથી ગાતો-નાચતો જોયો. એ માણસ જાણે અનહદ આનંદમાં લાગતો હતો. ઈલ્લીસને થયું કે આના આનંદનું કારણ જાણું. એટલે એ આનંદી આદમીની પાસે ગયો. એણે પૂછ્યું :
‘બંધુ ! તમારા આનંદનું કારણ શું છે ?’
પેલાએ કહ્યું : ‘જુઓ ! મારા હાથમાં આસવનો ઘડો છે. એમાંથી એક એક ઘૂંટડો પીઉં છું અને એક એક નવા આકાશમાં પહોંચું છું !’ આ સાંભળીને ઈલ્લીસને પણ આનંદ માણવાની ઈચ્છા થઈ ગઈ. એણે એ ન વિચાર્યું કે આસવ તો ક્ષણનો આનંદ આપે છે અને આખી જિંદગીની બરબાદી સર્જે છે ! આ ઘડીએ તો એને પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પણ આ તો કંજૂસ ! એ વિચારવા લાગ્યો કે અગર હું આસવ પીશ તો ઘણાને પિવડાવવો પણ પડશે. એથી તો ઘણું ધન ખર્ચાઈ જશે. આમ વિચારીને એણે ઈચ્છાને મનમાં જ દબાવી રાખી. પણ તીવ્ર ઈચ્છાને દબાવવાનાં આકરાં પરિણામ આવે છે. ઈલ્લીસનું શરીર પીંજેલા રૂ જેવું બની ગયું. હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. આંખો ચકરાવા લાગી. એ ખાટલા પર સૂઈ ગયો અને આળોટવા લાગ્યો.

એની આવી દશા જોઈને એની ઘરવાળી દોડી આવી. એને પંપાળતાં-પસવારતાં બોલી, ‘સ્વામી ! તમને આ કેવો રોગ થયો છે ?’
ઈલ્લીસે કહ્યું : ‘મને કશો રોગ થયો નથી.’
‘શું રાજા નારાજ થયા છે ?’
‘રાજા મારા પર રાજી છે.’
‘તો શું તમારાં પુત્ર-પુત્રી કે નોકર-ચાકરે કશી ભૂલ કરી છે ?’
‘એવું પણ કશું નથી.’
‘તો શું કશી તીવ્ર ઈચ્છા થઈ છે ?’
ઈલ્લીસે જવાબ ન આપ્યો. સમજુ શેઠાણી જાણી ગઈ કે એમને કશીક તીવ્ર ઈચ્છા થઈ છે અને કહી શકતા નથી. એણે કહ્યું : ‘ઈચ્છા દબાવશો તો એ વધારે સંતાપ આપશે. માટે શી ઈચ્છા છે તે કહી દો.’
‘તને ખરાબ નહિ લાગે ને ?’
‘મારી ચિંતા ન કરો. તમારી ઈચ્છા જણાવો.’
આખરે શેઠે કહી દીધું, ‘મને આસવની મોજ માણવાની ઈચ્છા થઈ છે.’

શેઠની આવી હલકી ઈચ્છા જાણીને શેઠાણી ચોંકી ગઈ. પણ એણે નક્કી કર્યું કે એક વાર આ લોભિયાને ઈચ્છા પૂરી કરવા દેવી. કદાચ એમાંથી જ એનું વર્તન બદલાશે. એ બોલી, ‘ઠીક છે. આપણા રસોડામાં આજ્ઞા આપું છું કે આખું નગર પી શકે એટલો આસવ બનાવે.’
‘અરરરર ! આ શું બોલી ?’
‘કેમ ? તમે આસવ પીઓ એની ખુશાલીમાં આખું નગર આસવ પીએ. એથી તમને ઘણો આનંદ થશે.’
‘અરે, મૂરખી ! એમ તો મારું દેવાળું ફૂંકાય !’
‘ત્યારે આપણી શેરીનાં સૌને માટે આસવ બનાવડાવીશ.’
‘વાહ, વાહ ! મોટા ધનવાનની ઘરવાળી છે ને તું તો !’
‘અચ્છા, સ્વામી ! તો એટલો જ આસવ બનાવડાવીશ જેટલો ઘરનાં સૌને પહોંચે.’
‘તું તો ઘણી ઉદાર છે, બાઈ !’
‘ભલે ત્યારે, તમારાં સ્ત્રી-બાળકોને મળે એટલો આસવ કરાવું.’
‘તારા બાપને ઘરેથી ધન લાવી છે, કે આમ ઉડાવવા માગે છે ?’
‘અચ્છા બાબા ! તમારા અને મારા પૂરતો આસવ હું જ બનાવી લઈશ.’
‘આમાં તું ક્યાંથી આવી ? તને ક્યાં આસવ પીવાનું મન થયું છે ?’
છેવટે કંટાળીને ઘરવાળીએ કહ્યું : ‘ભલે શેઠ ! એક તમારે જ માટે બજારેથી આસવ મંગાવી લઉં.’
શેઠ કહે : ‘એ પણ ખોટી વાત ! ઘરમાં આસવ આવશે તો બધાંને સુગંધ આવશે. બધાં પીવા માગશે. માટે એવી રીતે પણ આસવ ન પીવાય. તું મને એક માસક આપ.’ માસક એ સમયનો એક સિક્કો હતો. એક સિક્કો કાર્ષાપણ હતો. એનો વીસમો ભાગ એટલે એક માસક. ઈલ્લીસ શેઠ એક માસક લઈને કલાલની દુકાને ગયો. એક માસક આપવાથી એને એક ઘડો આસવ મળી ગયો. ઈલ્લીસ ઘડાનું મોં બરાબર ઢાંકીને ચાલ્યો. નગરની બહાર નીકળી ગયો. શહેરની નજીક વારણા અને અસી નદીઓનો સંગમ થતો હતો. એથી નગરનું નામ વારાણસી થયું હતું. એ સંગમસ્થાને, ઘાટી ઝાડીમાં બેસીને શેઠે આસવ પીવા માંડ્યો. ઘૂંટડે ઘૂંટડા ભરવા માંડ્યા.

હવે, ઈલ્લીસ શેઠનો પિતા દેવલોકમાં શક્ર બન્યો હતો. શક્ર એટલે ઈન્દ્ર. દેવલોકનો રાજા ! પુષ્કળ દાનપુણ્યને પ્રતાપે એ શક્ર બન્યો હતો. એને ઘણી શક્તિઓ મળી હતી. ગમે તે ઠેકાણે શું બને છે તે જોઈ શકતો. ગમે ત્યાં જઈ શકતો. ગમે તે રૂપ ધરી શકતો. એને અત્યારે જ પોતાનો પરિવાર યાદ આવ્યો. પુત્ર ઈલ્લીસ યાદ આવ્યો. દાનની પરંપરા યાદ આવી. એ પરંપરા કેવીક ચાલે છે એ જાણવાનું મન થયું. એણે ધ્યાન લગાવ્યું. એને શું જણાયું ? જણાયું કે દાનપરંપરા બંધ થઈ ગઈ છે. દાનશાળાને સળગાવી મૂકવામાં આવી છે. ભિક્ષુકોને મારી મારીને કાઢી મૂકવામાં આવ્યા છે. પુત્ર ઈલ્લીસ એ હદે કંજૂસ અને એકલપેટો છે કે અત્યારે નદીકિનારે છુપાઈને એકલો એકલો આસવ પી રહ્યો છે. શક્રને ખૂબ દુઃખ થયું. એણે નિશ્ચય કર્યો કે આ મૂરખાને પાઠ ભણાવું, દાનશીલ બનાવું, નહિતર એ તો કુળને બોળશે. આવું ઠરાવીને શક્રે મનુષ્યનું રૂપ ધારણ કર્યું. ઈલ્લીસ જેવો જ લૂલો-લંગડો-કાણિયો વેશ બનાવ્યો. પ્રથમ તો એ રાજા પાસે ગયો. રાજાને પ્રણામ કરીને સામે ઊભો રહ્યો.
રાજાએ પૂછ્યું : ‘કહો, શેઠજી ટાણેકટાણે કેમ આવવું પડ્યું ?’
‘દેવ ! મારા ઘરમાં એંશી કરોડ મુદ્રા જેવું ધન છે. મારી પ્રાર્થના છે કે તમે એ મંગાવીને તમારા રાજકોષમાં મુકાવો.’
‘મને તમારા ધનની જરૂર નથી, શેઠ. મારી પાસે એથી અનેકગણું ધન છે.’
‘તોય મારી વિનંતી છે કે મારું ધન મંગાવી લો. મને હવે એની જરૂર નથી.’
‘તમારું ધન વગર કારણે લઉં તો મારી બદનામી થાય. હું પ્રજાનું ધન છીનવનારો ગણાઉં. માટે તમારું ધન તો હું નહિ લઉં.’
ઈલ્લીસે કહ્યું, ‘તો એ ધનનું દાન કરી દેવાની મને રજા આપો.’
રાજા કહે : ‘ભલે. દાન કરી દો.’
‘આપનો ખૂબ આભાર,’ કહીને, ફરી વાર પ્રણામ કરીને ઈલ્લીસ રાજા પાસેથી નીકળ્યો. ઘેર પહોંચ્યો. બધા નોકર-ચાકર એને નમન કરતા ઊભા થઈ ગયા. શક્રે એ સૌને અને દ્વારપાળને આજ્ઞા કરી કે મારા જેવા ચહેરામહોરાવાળો કે મારું નામ ધરાવતો કોઈ માણસ આવે તો એને મારીને કાઢી મૂકજો. એ કહેશે કે આ તો મારું ઘર છે ! બની શકે કે એ આસવના નશામાં આવી વાત કરતો હોય. તો એનો નશો ઊતરી જાય ત્યાં સુધી એને ફટકારજો.

પછી એ ઘરની ગૃહિણી પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘સુલક્ષણા ! આપણે ઘણા સમયથી દાનપુણ્ય નથી કર્યું. આજથી ભરપૂર દાન શરૂ કરો.’ આ સાંભળીને ગૃહિણી છક થઈ ગઈ. અરે, આ કંજૂસનો સરદાર દાનની વાત કરે છે ? પછી એને યાદ આવ્યું કે આ તો એક માસક લઈને આસવ પીવા ગયો હતો. જરૂર એ આસવની અસર હેઠળ આ વાત કરે છે ! પણ શેઠાણીને ખ્યાલ આવ્યો કે આ રીતેય આ લોભિયો થોડુંક દાન કરતો હોય તો ભલે કરે ! એટલે એણે કહ્યું :
‘બરાબર છે, શેઠ ! તમને રુચે એટલું દાન કરો.’
તરત જ આખા નગરમાં ઢંઢેરો પિટાવી દેવાયો : ઈલ્લીસ શેઠ ઈચ્છા-દાન કરવા માગે છે. એમનો ખજાનો ખુલ્લો છે. જેની જેટલી ઈચ્છા હોય એટલું દાન લઈ જાય. સોનું, રૂપું, હીરા-મોતી, રત્નો જેને જે જોઈએ તે લઈ જાય. ઢંઢેરો સંભળાતો ગયો એમ લોકો આવતાં ગયાં. કોઈ ઝોળી લઈને આવ્યું, કોઈ કોથળો લઈને આવ્યું, કોઈ ગાંસડી બાંધવા પછેડી લઈને આવ્યું. શક્રે ખજાનાના ઓરડા ખોલી નાખ્યા અને કહેવા માંડ્યું, ‘આવો નાગરિકો ! જોઈએ તેટલું ધન લઈ જાવ. હવેથી આ નગરમાં કોઈ દરિદ્ર ન રહે, કોઈ ભિક્ષુક ન રહે. સોનાં-રૂપાં ઉપરાંત ચીજવસ્તુઓ પણ લઈ જાવ.’

ઈલ્લીસ શેઠના લૂંટાતા ખજાનાની વાત આસપાસનાં ગામોમાં પણ ફેલાઈ. એક ગામડિયો આવ્યો. એણે ઈલ્લીસના રથ અને બળદની માગણી કરી. શક્રે એ આપી દીધા. રથમાં સોનાં-રૂપાં પણ ભરાવી આપ્યાં. ગામડિયો ખુશખુશાલ થતો પોતાને ગામ પાછો વળ્યો. એને એટલો બધો આનંદ થયો હતો કે એ મોટે મોટેથી ઈલ્લીસ શેઠનાં વખાણ કરતો જતો હતો :
‘વાહ ઈલ્લસી શેઠ ! વાહ સ્વામી ઈલ્લીસ ! તું સો વરસનો થા ! તારે કારણે મને જિંદગીભર ચાલે એટલું ધન મળ્યું. તારો જ રથ અને તારા જ બળદ અને તારાં જ રત્ન ! તારા જેવો ઉદાર કોણ ? ન મારી માએ મને આવું કશું આપ્યું કે ન મારા બાપાએ આપ્યું ! તેં તો મને ન્યાલ કરી દીધો, ઈલ્લીસ શેઠ !’ આવું લલકારતો ગામડિયો નદી પાસેથી નીકળ્યો. આસવના નશામાં મસ્ત ઈલ્લીસને પોતાનું નામ સાંભળીને નવાઈ લાગી. એણે જરાક ધ્યાન દઈને સાંભળવા માંડ્યું. આ ગામડિયો તો ઈલ્લીસે આપેલ રથ-બળદ અને ધનની વાત કરતો હતો ! શું પોતે આવું દાન આપ્યું ? અર્ધા ભાનમાં અને અર્ધા બેધ્યાનમાં ઈલ્લીસ આ બળદગાડાની પાછળ દોડ્યો અને રાડ પાડવા લાગ્યો, ‘અબે ગાંડિયા ! ઊભો રહે ! તું મારા રથ-બળદ લઈને ક્યાં જાય છે ?’

ગામડિયાએ રથ ઊભો રાખ્યો. બરાડા પાડતા ઈલ્લીસને એણે ધમકાવ્યો, ‘અબે એય, ઈલ્લીસ શેઠે આ બધું મને દાનમાં આપ્યું છે. એમાં તારું શું જાય છે ?’
ઈલ્લીસ થોથવાતી જીભે બોલ્યો : ‘હું જ ઈલ્લીસ શેઠ છું. આ મારા રથ-બળદ છે.’ આવું સાંભળતાં જ ગામડિયાને ગુસ્સો ચડ્યો. વીજળીની ઝડપે એણે ઈલ્લીસના ખભા પર મુક્કો માર્યો. અર્ધ બેધ્યાન ઈલ્લીસ ભોંય ભેગો થઈ ગયો. ગામડિયો વળી રથ હંકારતો ચાલી નીકળ્યો. ઈલ્લીસ જલદી ઊભો થયો. શરીર પરથી ધૂળ લૂછતો વળી દોડ્યો. આસવનો અર્ધો નશો દૂર થઈ ગયો હતો. એણે ફરીથી બરાડા પાડવા માંડ્યા :
‘અબે ચોર ! મારા રથ-બળદ ચોરીને ક્યાં જાય છે ? ઊભો રહે !’
ગામડિયો જરૂર ઊભો રહ્યો, પરંતુ આ વેળા એણે બળદ હાંકવા માટેનો પરોણો ઉઠાવ્યો. એણે પરોણો મારી મારીને ઈલ્લીસને ધોઈ જ નાખ્યો. ભોંય પર આળોટતો કરી દીધો. પછી એને ગળે ચીપ દઈને ગુસ્સાથી કહ્યું : ‘દેનારાએ દીધું અને લેનારાએ લીધું, એમાં તારું શું જાય છે ? હવે ત્રીજી વાર મારી પાછળ દોડીશ તો જરૂર તારું માથું ફોડીશ !’ આમ કહીને ગામડિયો વળી રથ હંકારી ગયો. હવે ઈલ્લીસનો આસવનો નશો પૂરેપૂરો ઊતરી ગયો. એને લાગ્યું કે મારી ગેરહાજરીમાં જરૂર કશીક ગરબડ થઈ છે. હું આસવના નશામાં રહ્યો અને ઘેર ઉત્પાત મચ્યો છે. એ માંડ માંડ ઊભો થયો. ધૂળ ખંખેરતો અને હાડકાં પંપાળતો ઘર ભણી નાઠો.

પોતાની શેરીને નાકે પહોંચ્યો ત્યારે એણે અનેક લોકોને ધન લઈ જતા જોયા. પહેલાં તો એને લાગ્યું કે રાજા મારું ધન લૂંટાવી રહ્યો છે. એણે ધન લઈને જનારાઓને પકડવા માંડ્યા. પણ જેને જેને એ પકડે એણે એને જ ધીબવા માંડ્યો. પછાડવા માંડ્યો. એણે દોડીને ઘરમાં પેસવા કોશિશ કરી, પરંતુ દ્વારપાળોએ એની ગરદન પકડીને શેરીની ધૂળમાં ફેંકી દીધો. અત્યાર સુધીમાં એનો દેખાવ પણ એવો થઈ ગયો હતો કે દ્વારપાળો એને ઓળખી ન શકે. એણે કહ્યું કે હું તમારો શેઠ ઈલ્લીસ છું; ત્યારે તો દ્વારપાળોએ બેવડા જોશથી એને ધૂળમાં પટક્યો ! ઈલ્લીસને થયું કે હવે રાજા વગર કોઈ મારો ન્યાય નહિ કરી શકે. એટલે હાયપોકાર કરતો એ રાજાના દરબારમાં પહોંચ્યો. અરજ ગુજારવા લાગ્યો, ‘દેવ ! શું તમે મારું ધન લૂંટાવવા માંડ્યું છે ?’
રાજા કહે, ‘મેં તો કશું લૂંટાવવા નથી માંડ્યું. પણ, શેઠજી, તમે જ હમણાં મારી પાસે આવ્યા હતા અને તમે જ કહ્યું હતું કે મારે મારું ધન દાનમાં આપી દેવું છે !’
‘પ્રભુ ! પ્રભુ ! હું આજે તમારી પાસે આવ્યો જ નથી. અને હું દાનની વાત શાનો કરું ? તમે તો જાણો છો કે હું કેવો કંજૂસ છું ! અરે, પીપળાના પાનને છેડેથી ટપકે એટલું તેલનું ટીપું પણ હું દાનમાં ન આપું !’
એટલામાં એક સભાજને કહ્યું, ‘દેવ ! મેં સાંભળ્યું છે કે ખુદ ઈલ્લીસ શેઠ બધું દાનમાં દઈ રહ્યા છે.’
તરત જ ઈલ્લીસ પોકરી ઊઠ્યો, ‘આ શું ? ઈલ્લીસ તો હું છું ! જરૂર એ કોઈ ઠગ મારું રૂપ લઈને આવ્યો હશે. દેવ ! એને બોલાવીને પરીક્ષા કરો ! મારું સઘળું ધન એ ધુતારો લૂંટાવી દે એ પહેલાં મારો ન્યાય કરો.’

રાજાએ તરત દૂત મોકલ્યા. ઈલ્લીસ શેઠની હવેલીએ જે શેઠ હતો એને બોલાવ્યો. શક્ર તરત આવ્યો. રાજા અને રાજસભા, બધાં જોઈ જ રહ્યાં. બંને ઈલ્લીસ એકસરખા દેખાતા હતા. કંજૂસ શેઠે પૂછ્યું :
‘કહો દેવ ! ખરો ઈલ્લીસ આ છે કે હું છું ?’
રાજા મૂંઝાયો, ‘મને સમજાતું નથી. પણ શેઠ, તમને ખાસ ઓળખનાર કોઈ છે ? ઓળખની કશી નિશાની છે ?’
ઈલ્લીસે કહ્યું : ‘દેવ ! મારી ઘરવાળી.’
શેઠની ઘરવાળીને બોલાવવામાં આવી. રાજાએ પૂછ્યું, ‘શેઠાણી, આમાં તમારો પતિ કયો છે ?’ શેઠાણીએ એક ચોખ્ખો-તાજો શેઠ જોયો. એક ધૂળમાં રગદોળાયેલો અને ઉઝરડાયેલો જોયો. એ તરત ચોખ્ખા શેઠની બાજુમાં જઈને ઊભી રહી. પછી શેઠનાં પુત્ર-પુત્રી, નોકર-ચાકર વગેરે સૌને બોલાવ્યાં. જે શેઠે હમણાં ઉદારતા દાખવી હતી અને દાન કર્યાં હતાં એને જ સૌએ સાચો શેઠ કહ્યો. આખરે ઈલ્લીસે કહ્યું :
‘દેવ ! મારા નાયીને બોલાવો.’
નાયી આવ્યો. શેઠે પૂછ્યું, ‘બંધુ, તું વારંવાર મારા વાળ કાપે છે. મારા માથામાં ખાસ કશી નિશાની છે ?’
નાયી કહે : ‘હા શેઠ ! માથાની વચ્ચોવચ એક મસો છે.’
‘ત્યારે મારા માથામાં જોઈને રાજાજીને કહે કે મસો છે કે કેમ ?’ નાયીએ શેઠના વાળમાં હાથ ફેરવ્યો. પછી રાજાને નમીને કહ્યું : ‘દેવ ! મસો છે.’
પણ શક્રને તો કશું અશક્ય નહિ. એણે પણ તરત જ પોતાના માથાની વચ્ચે એક મસો પેદા કરી દીધો. રાજાની આજ્ઞાથી નાયી એનું માથું તપાસવા આવ્યો. શક્રના માથામાં પણ એને મસો જણાયો ! નાયીએ રાજા સમક્ષ લળી લળીને પ્રણામ કરતાં કહ્યું :
‘દેવ, બંનેના માથામાં એક જ જગાએ એકસરખો મસો છે ! આમાં અસલ ઈલ્લીસ શેઠ કોણ છે એ હું કહી નહિ શકું. મને માફ કરો.’

આમ, પોતાને સાચો શેઠ ઠરાવવાની ઈલ્લીસની આખરી કોશિશ પણ નિષ્ફળ ગઈ. આઘાત અને નિરાશાથી એનું શરીર કંપવા લાગ્યું. આમતેમ થોડીક વાર ડોલીને એ ધડામ્મ કરતો ફર્શ પર પડી ગયો. તરત જ બધાં એને પાણી છાંટવા લાગ્યાં. પવન નાખવા લાગ્યાં. રાજવૈદે કશીક વનસ્પતિ સૂંઘાડી. ઈલ્લીસ ભાનમાં આવ્યો. તરત જ માથું ધુણાવવા અને બબડવા લાગ્યો, ‘નક્કી આ આસવના સેવનનું પરિણામ છે. જો મેં આસવ પીધો ન હોત તો કદાચ આ દિવસ જોવો ન પડત.’
તરત જ શક્ર આગળ આવ્યો. એણે કહ્યું, ‘ઈલ્લીસ ! જેવો આસવનો નશો છે એવો જ ધનનો નશો છે. એ બંને તમને સારાં કામ કરતાં અટકાવે છે. તારી અગાઉની સાત પેઢીઓને યાદ કર. એમાંથી કોઈએ ધન વગર કારણે સંઘર્યું નહોતું. જેટલી કમાણી કરી હતી એટલું દાન કર્યું હતું. પણ તેં ધનનો નશો કર્યો. દાનશાળા સળગાવી મૂકી. ભિક્ષુકોને મારી મારીને કાઢી મૂક્યા. અરે, તને આસવ પીવાનું મન થયું ત્યારે પત્ની સાથે પણ એ વહેંચવા તૈયાર ન થયો. તારા જેવા કંજૂસનું ધન લૂંટાવવા જ હું આવ્યો છું.’

ઈલ્લીસે હાથ જોડ્યા. એણે કહ્યું, ‘સ્વામી ! મને મારી ભૂલ સમજાય છે. હવે મારી હવેલીએથી દાનનો પ્રવાહ ચાલતો રહેશે. મને માફ કરો; અને એ કહો કે તમે કોણ છો ?’
‘હું શક્ર છું. દેવલોકનો અધિપતિ છું. પણ મૂળે તારો પિતા છું. મારા કુળની દાનપરંપરા મેં ચાલુ રાખેલી. ધનનો મોહ નહિ રાખેલો, સૌથી સાથે વહેંચીને ખાવા-પીવાનો નિયમ રાખેલો. પરિણામે, મરણ પછી દેવલોકમાં ગયો અને ત્યાં શક્ર બન્યો. હવે તું સુધરી ગયો છે, એટલે મારું કામ પૂરું થાય છે. દાનશીલતા ભૂલી ન જતો. આવજે, બેટા ! વહુ બેટા, બાળકો, સૌને મારા આશીર્વાદ છે. અને રાજાજી ! દેવ ! તમને મારા પ્રણામ ! હવે હું વળી દેવલોકમાં જાઉં છું. આવજો !’

[ કુલ ભાગ : 5. કુલ કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છેલછબીલો ગુજરાતી – મીરા આસીફ
જાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત Next »   

4 પ્રતિભાવો : કંજૂસ – યશવન્ત મહેતા

 1. સુંદર બોધપ્રદ વાર્તા.

 2. જય પટેલ says:

  દાનનો મહિમા સમજાવતી સુંદર પૌરાણિક વાર્તા.

  સાંઈ શ્રી મકરંદ દવે યાદ આવ્યા વગર ના રહે.

  ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને
  ગમતાંનો કરીએ ગુલાલ..હો ઓ ગમતાંનો કરીએ ગુલાલ.

  જ્ઞાન વ્હેંચીએ તો થાય જ્ઞાનનો વિસ્તાર
  ધન વ્હેંચીએ તો થાય ધન શુધ્ધ (આજના યુગમાં) અને
  સેવા કરીએ તો થાય હરી ઢુંકડો..!!

  આભાર.

 3. Deval Nakshiwala says:

  સરસ બાળવાર્તા છે.

 4. BHAVESH says:

  સુન્દર વાર્તા.પઔરાનિક વાર્તા સાથે નિ બોધ કથા વાચિ ને બચપન યાદ આવિ જાય .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.