જાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

નાનાં નાનાં ભૂલકાંઓને માટેની અવનવી ચીજો અત્યારના ઉત્પાદકો બનાવે છે એટલે એક જમાનામાં ભારતીય માતા-પિતાએ અમુક વસ્તુઓ પરદેશથી પોતાના સગાસંબંધીઓ પાસેથી મંગાવવી પડતી હતી એ સ્થિતિ ટળી છે એટલે એનો આનંદ સૌ કોઈને થાય એ સમજી શકાય છે. આજે આપણા દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ બાળકો માટેની ઘણી વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ પણ વધતું જાય એ માટેની જાહેરખબરોમાં માતાઓ અને બાળકોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બાળકો માટેના ખાસ મલમો, પાવડર, માલીશ માટેના તેલ, સાબુ, ટૂથપેસ્ટ, બોર્નવીટા, કોમપ્લાન, બિસ્કીટો, ઠંડાપીણાં, રમકડાં, શાળા માટેની જાતજાતની બેગો, સ્ટેશનરી, બૂટ, પાણીની બોટલો વગેરે વગેરે અનેક ચીજો આપણા બજારોમાં આપણે જોઈને ધરાઈ જઈએ છીએ.

બાળકોના વપરાશની ચીજો વેચવી હોય તો બાળકોને આકર્ષવા પડે. વ્યાપારીકરણ અને જાહેરાતોના મનોવિજ્ઞાનનો એક અફર નિયમ છે કે જેને આકર્ષવાનું હોય તે ઉંમરનાં મોડેલો રાખવાથી જાહેરખબરો જોનાર તેની સાથે તાદાત્મય સાધી શકે. બાળકોની ચીજો મોટાઓ ખરીદતાં હોય છે. એટલે થોડા મોટી ઉંમરના મોડેલો માતાપિતા કે તબીબની ભૂમિકામાં પણ રજૂ થાય. આ પ્રક્રિયા દરેક પ્રકારની જાહેરખબરો જોનારા અને આપનારા વર્ગની વચ્ચે હંમેશાં ચાલતી હોય છે. મોટાભાગના લોકો સૂચનવશ હોય છે, બાળકો પણ એમાં અપવાદ નથી. એટલે જે જાહેરાતોએ એમના મનને લુભાવ્યું હોય તે વસ્તુ ખરીદવાનો નિર્ણય અને ક્યારેક જીદ પણ કરે છે. કેટલાક સ્ટોરો અને હવે મોલમાં બાળકો માટેના જુદા વિભાગો અને જુદા જુદા સ્ટોરો પણ હોય છે. જેથી ઘણી બધી વસ્તુઓ દુકાનદાર રાખી શકે અને બધી ખરીદી એક જ જગ્યાએથી કરવાની સવલત રહે.

મોટી મોટી કંપનીઓમાં તો જાહેરાતનાં બજેટ પણ સારા એવાં તગડા હોય છે એ કારણસર ચીજવસ્તુઓ પણ આકર્ષક દેખાવની અને ઊંચા દરની હોય છે. ઘણી જાહેરાતોમાં દર્શાવાયેલી ચીજ-વસ્તુઓની બાળકની રોજિંદી જિંદગીમાં ખાસ જરૂર નથી હોતી એટલે દરેક વર્ગનાં બાળકો એ વસ્તુઓ વાપરતાં નથી. દા..ત, બાર્બી ઢીંગલી અથવા રીમોટ કંટ્રોલવાળાં યાંત્રિક રમકડાં કે બૅટરી વીજળીથી ચાલતી રેલગાડી, પ્લેસ્ટેશન, વિડિયો ગેમ્સ વગેરે.

નાનું બાળક ટેલિફોન પર કોઈ જાણીતી રેસ્ટોરામાંથી પિઝા કે અન્ય વાનગીઓનો ઓર્ડર મૂકે એવું સામાન્ય કુટુંબોમાં ભાગ્યે જ બનતું હશે. વેક્યુમ કલીનરની એક જાહેરાતમાં બાળકને દર્શાવવામાં આવે છે. ત્યારે સહેજ વિચાર આવે છે કે બાળક તો એનો ઉપયોગ કરવાનું નથી તો પછી આ બાળ મોડેલનો ઉપયોગ શા માટે ? અમુક માતા-પિતાને પોતાનાં સંતાનોનો ઉપયોગ જાહેરખબરોમાં કરવાનું ગૌરવપૂર્ણ લાગે છે, બાળકો સારું કમાય છે પણ સાથે સાથે બાળમજૂર પણ બને છે. અન્ય ઠેકાણે બાળ મજૂરોનું શોષણ થાય છે. પોલીસે છાપો મારીને વેઠિયા બાળમજૂરોને છોડાવવા પડે છે એ આપણે જાણીએ છીએ. અહીં પણ શુટીંગમાં આપવો પડતો સમય, શાળા શિક્ષણમાં આવતો વ્યત્યય વગેરે બાબતો ધ્યાનથી તપાસવી રહી. અખબારો અને ટી.વી.ના પડદે ચમકવાનું મળે એટલે એકબાજુ કદાચ એમને આનંદ પણ થતો હશે. નાનપણથી જ સેલીબ્રિટી બનવાથી મોટપણે વ્યક્તિત્વ કેવું વિકસે એ તો સંશોધનનો વિષય બની શકે. આ ટાબરિયાં આમ તો નિર્દોષ, સ્વાભાવિક અને કેમેરા કોન્સિયસ નથી જણાતાં. એક આખું વ્યવસાયી તંત્ર એટલે બાળકોને કઈ જાહેરખબરમાં કઈ ભૂમિકા આપવી એ પસંદ કરવા માટે વ્યસ્ત છે. કેટલાક બાળ મોડલોની કમાણીની વ્યવસ્થા એમના પિતાશ્રીઓ હોંશે હોંશે સંભાળે છે.

જે બાળકો અભ્યાસમાં રસ ધરાવે છે એ તો પુસ્તકો સાથે રાખે છે. એમાંનાં કેટલાંક એવું સમજે પણ છે કે મોડેલીંગની કારકિર્દી હંગામી છે. પશ્ચિમના દેશોમાં બાળમોડેલોએ કેટલા કલાક કામ કરવું જોઈએ અને કામકાજની શરતો કેવી હોવી જોઈએ એ બાબતો વિશે કડક નિયમો હોય છે. મોડેલોનાં યુનિયનો પણ હોય છે અને એના સભ્ય એમણે બનવું પડે છે. આપણે ત્યાં શી સ્થિતિ છે એની જાણ નથી. આ બાળકો વતી એમનાં માતા-પિતા આવકવેરો ભરે છે ખરાં ? આ બાળકો મોટાં થાય ત્યારે ક્યા વ્યવસાયમાં જાય છે ? આવા બધા પ્રશ્નોના નક્કર જવાબો આપણી પાસે છે ખરા ? વળી જે વસ્તુઓની જાહેરાતો કરે છે એની ગુણવત્તાને વિશે એમને વિશ્વાસ છે ? આપણે જાણીએ છીએ કે ઘણા બધા ઊંચા દાવાઓ ચીજોની ગુણવત્તા વિશે કરવામાં આવે છે. જાહેરખબરોના લખનારાઓ અતિશયોક્તિભર્યા અલંકારોનો છૂટે હાથે ઉપયોગ કરતા હોય છે. શરદીની કે દુઃખાવાની દવા લીધા પછી તત્કાળ રાહત થવાની સંભાવના નથી હોતી. ઠંડાં પીણાં કે અમુક બિસ્કીટ, કોમપ્લાન લેવાથી તત્કાળ તાકાત આવી શકે નહિ. ઘણી જાહેરાતોમાં વર્ણવાયેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ ઉત્પાદન કે પેદાશમાં નથી હોતો એવું ઉપભોક્તા સંશોધન પ્રયોગશાળાઓ આપણને જણાવતી હોય છે.

જાહેરાતોનું વિજ્ઞાન અને સાહસ વપરાશકારોની અસુરક્ષાની ભાવનાને સ્પર્શે છે એટલે જ વિકસ્યું છે. ભૌતિકવાદ તરફનું વલણ પણ એને કારણે વધતું જાય છે. ટેકનોલોજીના આ યુગમાં એની બોલબાલા છે. એક અનુમાન મુજબ એક વર્ષમાં બાળકો 40,000 જેટલી જાહેરખબરો નિહાળતાં હોય છે. એટલે એના જિંગ્લ્સ પણ ગાતાં બની જાય છે. પીપરમીંટ અને ચોકલેટ તથા જંકફુડની લગની બાળકોને જકડી લે છે અને એનાં હાનિકારક પરિણામો આપણા સમાજમાં જોવા મળે છે. નાનપણમાં દાંત અને આંખ તથા મોટાપાની સમસ્યા મોં ફાડીને આપણી સામે આવી છે. ટી.વી.નો ઉપયોગ બેબીસીટર તરીકે થવા માંડ્યો છે. તે તરફ પણ લાલબત્તી ધરવી રહી. આજકાલનાં મોર્ડન માતા-પિતાને આપણે વિનંતી કરીએ કે તેઓ વાસ્તવિકતા સમજે અને બાળકોનું હિત શેમાં સમાયેલું છે તે અંગે વિચારે, અને તે મુજબનું આચરણ પણ કરે. વિદેશમાં વાન્સ પેકાર્ડ નામના સામાજિક ચિંતકે જાહેરાતોને છૂપા ધક્કો મારનાર અથવા ‘હીડન પર્શ્વેડર’ તરીકે ઓળખાવી છે. માનવીની જરૂરિયાતો વધારવામાં જાહેરાતોનો સિંહફાળો છે. વિદેશમાં ઉપભોક્તાવાદને વકરતો અટકાવવાની ચળવળો પણ ચાલી રહી છે. બાળકોનાં બાળપણને બચાવવાનું અને એમનાં ભોળપણના શોષણ માટેનું આંદોલન કોઈકે ચલાવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે એ નક્કી.

ખાસ કરીને જે જે જાહેરાતોમાં બાળકોએ કામ કર્યું હોય તે તે વસ્તુઓ એ વાપરતાં બની જતાં હશે એવું અનુમાન બાંધી શકાય. મા-બાપ પોતાનાં બાળકોને જાહેરાતોમાં ચમકતાં-ટી.વી.ના પડદા ઉપર, સામાયિકોમાં, છાપાઓમાં-જોઈને રાજીનાં રેડ થતાં હશે, કારણ કે એ બાળકોના વર્તમાનને નજર સમક્ષ રાખે છે, એમના ભવિષ્ય વિષે એટલાં સતર્ક હોવાની અપેક્ષા રાખી શકાય તેવું આજના માહોલમાં શક્ય નથી.

હમણાં હમણાં ટી.વી.ના પડદા પર રજૂ થતી વિવિધ હરીફાઈઓમાં બાળકોને ભાગ લેવા માતા-પિતા લાવવા માંડ્યાં છે. ફિલ્મોનાં નૃત્યોનાં અનુકરણો મૂળ ફિલ્મ તારકો-તારિકાઓનાં જેવાં જ પહનાવા પહેરીને બાળકો વ્યક્તિગત નૃત્યો રજૂ કરે છે. એવાં મૂળ પોષાકો ઉપરાંત એવાં જ અશ્લીલ નખરાં પણ નાની ઉંમરે કરે છે એના વિષે શું કહેવું ? અનુકરણ કરવું સહેલું છે, પણ એમાં સારાસારનો વિવેક બાળકો ન કરી શકે એ સમજી શકાય પણ મા-બાપ તો કરી શકે ને ? અનુપમ ખેર એક કાર્યક્રમનું સંચાલન કરતા હતા. એનો સંદેશ જુદો હતો. ટી.વી. ઉપર શેમ્પુની જાહેરાત કરતો એક કાર્યક્રમ આવતો હતો, એમાં કેટલાક સારા સંદેશા હતા, નૈતિક શિક્ષણનો આડકતરો પ્રયાસ પણ ખરો. પરંતુ રોજ શેમ્પુથી વાળ ધોવાનું ક્યાં સુધી હિતાવહ છે ? એવાં માતા-પુત્રીના સંવાદો અને રજૂ થતી પરિસ્થિતિ બુદ્ધિગમ્ય છે છતાંય આ પ્રશ્ન ઊભો રહે છે.

(સૌજન્ય : ‘બાળકોનું ઊર્મિજગત’)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કંજૂસ – યશવન્ત મહેતા
જરા મુસ્કુરાઈએ ! – મહેન્દ્ર બાબરિયા Next »   

1 પ્રતિભાવ : જાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત

  1. જગત દવે says:

    લેખકની વાતમાં કડવી સચ્ચાઈ છે. આ બાબતમાં બાળકો કરતાં માતા-પિતાની ચિંતા વધારે થાય તેવું છે. એવાં માતા-પિતા જેમણે તેમનું બાળપણ ટી.વી. કે અન્ય સાધનો આવ્યા પહેલાંનાં યુગમાં વિતાવ્યું છે તેઓ જ જ્યારે તેમનાં બાળકોને કાચી ઉમરમાં જ આઈ પોડ, પી-૩, મોબાઈલ, બાઈક, સ્કુટી, ટી.વી.નાં રેઢીયાળ પ્રોગ્રામો અને ઈન્ટરનેટની રેઢીયાળ માહિતીઓ વિ. માટે ઉતેજન આપતાં જોવા મળે છે.

    ૪થા -૫માં ધોરણમાં ભણતાં બાળકોનાં ફેઈસ-બુકનાં એકાઊન્ટ પર તેમનાં મા-બાપોનું અણધડપણું ડોકાય છે. ૧૨-૧૫ વર્ષની ઊંમરનાં છોકરાંઓ નાં રોડ અકસ્માત થાય તો મા-બાપની બુધ્ધિ પર શોક-સભા કરવાનું કરવાનું મન થાય છે. ફેશનનાં નામે અત્યંત ભદ્દા કપડાંઓ પહેરેલાં કિશોર-કિશોરીઓ ને જોઈને તેમનાં મા-બાપની સામાન્ય સમજણ પર પણ શંકા જાય છે.

    હમણાંનાં જ એક રીયાલીટી શોમાં ટી. વી. સીરીયલોનાં બાળકલાકારોનાં અણઘડ ઉછેરની અને તેમનાં મા-બાપો ની નાદાની ઊઘાડી પડી ગઈ.

    સાથે સાથે આજ ની શાળાઓ અને શિક્ષકો પણ નૈતિક શિક્ષણ આપવામાં, ધડતરમાં કાચા પડે છે. આજનાં બાળકોમાં તેમની આવતી કાલને ધડી શકે તેવાં રોલ-મોડેલોનો અભાવ વર્તાય છે. અને જે છે તે બધાં તેમની ટુંકાગાળાની પ્રસિધ્ધિ અને કારકિર્દીને વિવિધ રેઢીયાળ પ્રોડ્ક્ટની જાહેરાતો કરી ને રોકડી કરી લેવામાં પડ્યાં છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.