ગુજરાતી લઘુકથાસંચય (ભાગ-2) – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ

[ સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર પુસ્તક પ્રાપ્ત કરાવ્યું છે. અગાઉ તેમાંથી કેટલીક લઘુકથાઓ આપણે માણી હતી, આજે માણીએ વધુ અન્ય લઘુકથાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ઢોરાં – ઈશ્વર પરમાર

રાજીમા એકલપંડ ને ડેલીબંધ ઘરમાં નાનાંમોટાં ઢોર નવ ! માજી ઢોર સાથે બોલે ને બાઝે; પાછાં પંપાળે ! એમના બેઉ દીકરા ભણતાં ભણતાં પરણીને દૂરના શહેરમાં સ્થિર થયા. તેઓ તેડાવે ખરા પણ માજી જવાબ લખાવે : ‘ભોમકાની માયા મેલી નથી મેલાતી. તમે સઘરિયાં આંટો દઈ જાવ વે’લેરાં.’

ફરી દીકરાનો કાગળ : ‘અમારે નોકરીમાં રજા જામે નથી. આવીએ તો છોકરાંનું ભણતર ભાંગે; તમારી વહુની તબિયત ઠીક-અઠીક રહ્યા કરે છે. હાલ તો નહીં અવાય. પૈસા મેલ્યા છે. હવે ઢોરાં વેચીને નિરાંતે રહો. ઘણું વેઠ્યું. ભજન ભાવ કરો. તબિયત સાચવજો….’ એકવાર આવા કાગળનો જવાબ લખાવવા મારી દુકાને પત્તું લઈને રાજીમા આવ્યાં ત્યારે મેં ય કહ્યું, ‘માડી, વેચી દો ને ઢોર. રહો નિરાંતે. નાણાંની ક્યાં આપદા છે તમારે ?’

ચહેરા પરની કરચલીઓ પર અટકી અટકીને સરતાં આંસુથી ભીના થતા શબ્દોમાં રાજીમા કહે : ‘ગગા, ઢોરાંને વેચું છું તો પીટ્યાં પારકા ખીલા તોડાવી-છોડાવીને અધરાતે ડેલીબા’ર ભાંભરડાં નાખે છે, ને પંડનાં છોરાં… વણવેચે વેચાઈ ગયાં ! નથી લખવો કાગળ મારે….’ પેલું કોરું પત્તું ફાડીને ફેંકતાં વળી કહે : ‘ભઈ, હવે તો મારે છોરાં ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરાં…’

[2] મૃત્યુલોક – તલકશી પરમાર

યમરાજે એક વૃદ્ધને, મૃત્યુલોકમાંથી લાવીને ચિત્રગુપ્ત પાસે હાજર કર્યો. ચિત્રગુપ્તે વૃદ્ધનું નામ, ઠામ અને ગામ પૂછીને ચોપડામાં ખાતું શોધ્યું. વૃદ્ધના ખાતામાં પાપ કરતાં પુણ્ય વધારે જમા થયેલું હતું. બાજુમાં રિમાર્ક લખેલો હતો : ‘આયુષ્ય પૂરું થતાં વૃદ્ધને અહીં લાવવામાં આવે ત્યારે આવનારની ઈચ્છા પ્રમાણે સ્વર્ગ કે નર્કમાં મોકલવો.’
ચિત્રગુપ્તે વૃદ્ધને સવાલ કર્યો : ‘ભાઈ, આપને ક્યાં જવું છે ? સ્વર્ગમાં કે નર્કમાં ?’
વૃદ્ધે કહ્યું : ‘ચિત્રગુપ્તજી, જ્યાં સુખ-દુઃખની વાત સાંભળનાર કોઈ હોય ત્યાં.’
ચિત્રગુપ્તે યમરાજને હુકમ કર્યો : ‘યમરાજ, આ વૃદ્ધને મૃત્યુલોકમાં પાછા મૂકી આવો.’

[3] પહેલો નંબર – ભાનુપ્રસાદ પંડ્યા

માનસ અને ઋજલ બંને શાળામાં એક જ વર્ગમાં સાથે ભણતા હતા. બેય મિત્રો એમના અભ્યાસમાં ઘણા તેજસ્વી હતા. સાથે વાંચતા, લખતા અને રમતા. શાળામાં પહેલા ધોરણથી છેક ચોથા ધોરણ સુધી પહેલો-બીજો નંબર લઈને તેઓ શિક્ષકોને પ્રસન્ન કરતા પ્રગતિ કરી રહ્યા હતા. એવું થતું કે અર્ધવાર્ષિક પરીક્ષામાં માનવ પહેલો આવે, પણ વાર્ષિક પરીક્ષામાં ઋજુલ પહેલા ક્રમે હોય જ ! આથી માનસ કહેતો, ‘ઋજુલ, તું અજોડ છે, મેં તો હાર કબૂલી. પહેલો નંબર લેવાની ઝંખના મેં છોડી દીધી છે !’
ઋજુલ કહેતો : ‘એવું કાંઈ નથી. મહેનત કરવાથી તું પણ એ સ્થાન મેળવી શકે. પહેલો નંબર મારો જ આવે એવું નથી.’

ચોથા ધોરણની વાર્ષિક પરીક્ષા આવી. બેય મિત્રોએ ખૂબ મહેનત કરી. સાથે વાંચતા, લખતા, નાસ્તો કરતા અને પરીક્ષાની તૈયારી કરતા. પરીક્ષા પૂરી થઈ, પરિણામ આવ્યું. સૌ વિદ્યાર્થીઓના આશ્ચર્ય વચ્ચે માનસ પહેલા ક્રમે આવ્યો છે એવી જાહેરાત થઈ. બધાએ તાળીઓ પાડી. માનસે ટક્કર આપીને જૂના હરીફને પાછળ રાખી દીધો. ઋજુલે પણ માનસને અભિનંદન આપ્યાં. પછી એકવાર માનસને રસ્તામાં ભેગા થઈ ગયેલા ગણિતના શિક્ષક રામલાલે કહ્યું : ‘આ વર્ષે કોણ જાણે કેમ પણ ઋજુલે સાવ સહેલા લાગતા બે દાખલા તદ્દન ખોટા ગણ્યા હતા !’

[4] પુરાવા – ડૉ. હરબન્સ પટેલ

ત્રણ મહિનાના લાંબા ડિલિવરી વૅકેશન પરથી ગઈ કાલે સાંજે જ નાનકડા મુન્નાને લઈ વિભા પિયરથી સાસરે આવી હતી, ને આજ સવારથી પોતાના ઘરસંસારનું સુકાન ફરી પાછું પોતાના હાથમાં સંભાળી લીધું હતું. અનિકેતે તો એની ગેરહાજરીમાં ઘરને ઘંઘોલિયું કરી મેલ્યું હતું. કોઈ ચીજ ઠેકાણે નહોતી. કામવાળાં માજીને પણ વિભાની ગેરહાજરીમાં જાણે લહેર પડી ગઈ હતી. અનિકેત કશું કહે નહીં એટલે માજી તો હડફડ હડફડ જેવું તેવું કામ કરી ભાગે બીજે ઘરે ! માજીની પાછળ કચકચ કરનારી વિભા નહોતી એટલે ઘરમાં બધે કરોળિયાના જાળાં જામી ગયાં હતાં. બારીઓના કાચ પર ધૂળ જામી ગઈ હતી. આરસની ફરસ પર ડાઘા સ્પષ્ટ તરી આવતા હતા. ઠેર ઠેર કાગળિયાં, સિગરેટનાં ઠૂંઠાં ને કચરો, અસ્તવ્યસ્ત પુસ્તકો, અરીસાઓ પર ઓઘરાળા…. વિભાએ એક જ નજરમાં બધું માપી લીધું ને વળગી પડી ઘર સરખું ગોઠવવા. અનિકેતે કહ્યું યે ખરું : ‘એક સામટું બધું સરખું કરવા ના બેસતી, નહીં તો પાછી માંદી પડી જઈશ.’ પણ એનું કહ્યું સાંભળ્યું ના સાંભળ્યું કરી વિભા કામમાં પરોવાઈ ગઈ.

ને અચાનક જ એના હોશકોશ ઊડી ગયા.
હૈયે ફાળ પડી. ચહેરો અજ્ઞાત ભયથી સફેદ પૂણી જેવો થઈ ગયો. અંદરના રૂમમાંથી એને બંગડીના તૂટેલા કાચના ટુકડા કચરો વાળતાં જડી આવ્યા હતા ને બાથરૂમ સાફ કરતી વખતે ઊભી ટાઈલ્સ પર ચોંટાડેલી બિંદિયા ! પુરુષોની ભ્રમરવૃત્તિ વિશે સાંભળ્યું હતું એ બધું યાદ આવ્યું. માત્ર ત્રણ મહિનાની જુદાઈમાં…… અનિકેત આવો નીકળ્યો ? આઘાતથી મન ઉદાસ થઈ ગયું.

બાથરૂમમાંથી બહાર આવી ત્યારે અનિકેત અરીસા સામે ઊભો રહી વાળ ઓળી રહ્યો હતો. વાળ ઓળતાં ઓળતાં કોઈ ફિલ્મી ગીતની ધૂન ગણગણતો હતો. મૂડમાં હતો. વિભા એની સામું જોઈ રહી. હવે વાળ ઓળી લઈને અનિકેતે પરફ્યૂમની નવી શીશી હાથમાં લીધી.
‘વાહ…. અત્તર પણ છાંટતો થઈ ગયો છે ને !’ વિભાનું ખિન્ન મન જલન અનુભવી રહ્યું.
ત્યાં જ પરફ્યૂમની શીશી વિભા સામે ધરી અનિકેત બોલ્યો : ‘હં….વિભા, એક વાત તો કહેવાની રહી જ ગઈ. ગયે અઠવાડિયે કામવાળાં માજીએ પાંચ દિવસ અચાનક રજા પાડી દીધી હતી. આથી મારે દિવ્યાને ગામથી અહીં બોલાવી લેવી પડી હતી. દિવ્યા આ પરફ્યૂમ સ્પ્રે તારે માટે મૂકતી ગઈ છે. એણે ઘર સહેજ સરખું કર્યું ના કર્યું ને પાછું થોડા દા’ડામાં મેં હતું એવું કરી મેલ્યું.’

દિવ્યા અનિકેતની બહેન હતી; વિભાની લાડકી નણંદ. વિભાના મન ઉપરથી મણનો બોજ જાણે હટી ગયો ને એનો ચહેરો ફરી પાછો હસું હસું થઈ રહ્યો.

[5] ઘુઘલો – મૂળશંકર જોશી

મંદિરની ધજા દેખાઈ ને મેં બેગ નીચે મૂકી. ખિસ્સામાંથી દાંતિયો કાઢીને વાળ સરખા કર્યા. પેન્ટ પરથી ધૂળ ખંખેરી. બૂટ ઉપર પણ રૂમાલ ફેરવ્યો. બહાર નીકળેલા શર્ટને પેન્ટમાં ખોસીને સરખું ‘ઈન’ કર્યું. ચપટી વગાડી બેગ હાથમાં લીધી. કેટલાં વર્ષે હું મારા ગામમાં આવી રહ્યો હતો. વીતેલાં વર્ષો દરમ્યાન મારા પગથી માથા સુધી ધરખમ ફેરફારો થઈ ગયા હતા. લંબાઈ ખાસ્સી વધી ગઈ હતી. ઉપરાંત પહોળી મોરીનું ખમીસ, જીન્સનું નેરો પેન્ટ, કાનને ઢાંકતા લાંબા વાળ અને ચમકદાર ઊંચી એડીના બૂટ….. ગામમાં કોઈ મને ઓળખી શકે નહીં એ વિચાર આવવાની સાથે જ મારા હોઠ ઉપર સ્મિત ફરકી ગયું.

ગર્વથી ફૂલેલી છાતી સાથે મેં ગામમાં પ્રવેશ કર્યો ત્યાં જ –
‘કોણ ? બાબુભાઈનો ઘુઘલો કે ન’ય ?’
એક આંચકા સાથે હું ઊભો રહી ગયો. ગર્વ ખંડિત થવાથી છાતી થોડી સંકોચાઈ.
‘મને ઓળખી કે નંય ?’
મેં કોશિશ કરી, પણ હૈયે રહેલું નામ હોઠે ન આવ્યું.
‘તો બસ, ગગા, ભૂલી ગયો ને તારી જીવી કાકીને ? તું ભલે ભૂલી ગયો, પણ હું તો તરત તને ઓળખી ગઈ. એ….તું ભલે ને, ગમે તેવા વહે કાઢીને આવ્યો, પણ તારા મોઢા ઉપર તારા બાપની અણહાર સે ઈ કાંઈ થોડી અસ્તી રેવાની સે ? ખોટું કંવ સ કાંઈ ?’
‘બિલકુલ નહીં’ મેં કહ્યું….. અને મારામાં રહેલા ‘મહેન્દ્ર’ને ત્યાં જ ખંખેરીને ‘ઘુઘલા’ને સાથે લઈને હું આગળ ચાલ્યો.

[કુલ પાન : 102. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય અકાદમી. જૂનું વિધાનસભાભવન, સેકટર નં 17. ગાંધીનગર-382017. ફોન : +91 79 23256797 અને +91 79 23256798.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જરા મુસ્કુરાઈએ ! – મહેન્દ્ર બાબરિયા
કેટલીક ટૂંકી વાર્તાઓ…. – હરિશ્ચંદ્ર Next »   

5 પ્રતિભાવો : ગુજરાતી લઘુકથાસંચય (ભાગ-2) – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ

 1. pragnaju says:

  સુંદર પ્રેરણાદાયી લઘુકથાઓ અંગે પ્રફુલ્લ રાવલ, મોહનલાલ પટેલને ધન્યવાદ

 2. usha desai says:

  સુંદર નાનેી નાનેી વર્તાઓ ઘણા વખત પછેી વાંચેી ,કવિતાનેી માફક નાનેી વાર્તા મોટેી વાત કરેછે મજા આવેી.આભાર…

 3. Labhshankar Bharad says:

  ઘણા સમય બાદ લઘુકથાઓ માણવા મળી, ખૂબ જ ગમી. સૌથી વધુ – ઈશ્વર પરમારની ‘ઢોરા. .’ ગમી. પોતીકા પ્રત્યેની લાગણી બાબતે ‘ઢોરા’ની સરખામણીમાં પોતાના ‘છોરા’ ઉણા ઉતર્યાની વેદના “રાજીમા”માં છતી થયા વિના રહેતી નથી. બહુ ચોટદાર લઘુકથા, શ્રી. ઈશ્વર પરમારને ધન્યવાદ !

 4. Rachana says:

  પ્રથમ વાર્તા ખુબ ખુબ સંવેદનશીલ ….વાસ્તવિકતા ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.