કેટલીક ટૂંકી વાર્તાઓ…. – હરિશ્ચંદ્ર

[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] ઘવાયેલું બાળમન

‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે ?’
‘ઘરમાંના ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો ?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ ભૂતો જેવાં જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે. પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે ?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે. આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન ?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ લાડ લડાવતાં હશે.’
‘લાડ ? એટલે શું ? મારા બાપ તો સવારે હું ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ ગયો હોઉં.’

‘અને મા ?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે આવે ત્યારે ઢગલો નોટબૂક સાથે લાવી હોય તે તેણે તપાસવાની હોય, રસોઈ કરવાની હોય. એટલે મારા માટે તો તેની પાસે સમય જ ન હોય.’
‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે જ ને !’
‘મારા માટે ?’
‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને ! એમને બીજું કોણ છે ? તું એમનો એકનો એક દીકરો.’
રાજુ હસ્યો : ‘પૈસો ! પૈસાને શું કરું ?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે, રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-પીવાતો હશે ! આજે તો હું પ્રેમ માટે તલસું છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે ? માબાપે જ તને પ્રેમથી ઉછેરીને આવડો કર્યો ને !’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર નથી. મારી માએ મને કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે કદી મારા માથે વહાલથી હાથ ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી. મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને રમકડાં આપી દીધાં હોય. થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ અને મને સાંભળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ જતી. એના રૂક્ષ વહેવારથી હું ત્રાસી ગયેલો. એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે જ લેવાની આવી.’

‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને !’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું નિશાળેથી વહેલો છૂટી જાઉં, અને ત્યારે હું મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું હોય. હું ઓટલે ઝોંકા ખાતો ભૂખ્યો-તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો ? ત્યાં બેસીને લેસન કરતો હોય તો ! અને ઘરે આવીનેય એ તો રોજ એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ કરતો નહીં.’
‘ઠીક, પણ રવિવારે તો બંને ઘરમાં રહેતાં હશે ને ?’
‘હોય કાંઈ ? રવિવાર તો મારા માટે જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર સુધી દવાખાનું ચાલે અને ખાઈને થોડો આરામ કરી કલબમાં ચાલ્યા જાય. મા પણ કલબમાં જાય કે એનાં મંડળોમાં જાય. અને છાસવારે બહાર પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’
‘તારા કોઈ દોસ્તાર નથી ?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ નહીં. અમારી સામે ઝૂંપડપટ્ટીમાં હતા, પણ એમની સાથે રમવાની કે હળવા-ભળવાની મને સખત મનાઈ. કહે, એ લોકો સાથે મળવાથી ખોટાં સંસ્કાર પડે !’

‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે રીવોલ્વર જોઈએ છે ? તારું ધ્યાન ન રાખનારને ખતમ કરવા છે ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ ત્રીજી ગોળી કોના માટે ? તારા માટે કે મારા માટે ?’
રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો : ‘ત્રીજી ગોળી એ અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે મારાં આજનાં કહેવાતાં માબાપને મને દત્તક લેવાની પરવાનગી આપી.’
(શ્રી. પી. રાજાની અંગ્રેજી વાર્તાને આધારે)

[2] એ તો મારો વહાલો જ જાણે !

‘સાંભળો છો ! ચા મૂકી છે. પી લેજો અને હા, ચાલવા પણ જવાનું છે ને ! તો હવે ઊઠો.’
‘ઊંહ….. સવાર-સવારમાં ક્યાં પાછળ પડી છે ! નિરાંતે સૂવાયે નથી દેતી…’
‘અરે, પણ હું કહું છું, સાત વાગ્યા. ઊઠો, નહીં તો ચાલવા ક્યારે જશો ? પછી કહેશો કે તડકો થઈ ગયો.
‘મારે નથી જવું ચાલવા-બાલવા. મને સૂવા દે તું.’ જગુભાઈ પડખું ફેરવીને ફરી સૂઈ ગયા.
‘ઉફ…. આમને તો ઉઠાડતાં મારા નાકે દમ આવી જાય છે ! છોકરાં નહાઈ-ધોઈ તૈયાર થઈને સ્કૂલે જવા નીકળી રહ્યાં છે, તોય આ હજી…..’
ત્યાં રોહિતનો અવાજ આવ્યો, ‘દાદી, મારો લંચ બોક્સ ક્યાં છે ?’
‘અરે, હા. આપું છું….’ કહેતાં જમના બા દોડ્યાં. સવારના વખતે એમને એક મિનિટની ફુરસદ નથી હોતી. બે દીકરા અને બે વહુ, બધાં નોકરીએ જવાની ઉતાવળમાં. એટલે ત્રણ પોતરાને નિશાળે મોકલવાની અને બબલીને સાચવવાની જવાબદારી એમના ઉપર. હજી નાની બબલીને તો નવડાવવાની હતી. ઝટ ઝટ ત્રણેયને રવાના કર્યાં. દીકરા-વહુ પણ ગયાં. બીજું નાનું-મોટું કામ પતાવીને જમનાબા ફરી આવ્યાં તોયે જનાબ હજી ઊંઘે !

‘તમે તો ભૈ તોબા ! દાક્તર કહી ગયા છે સવાર-સાંજ ચાલવું તમારી તબિયત માટે અત્યંત જરૂરી છે. પણ તમે માનતા જ નથી ને ! આ ચા પણ ઠંડી થઈ ગઈ હશે.’
જગુભાઈ આળસ મરડીને માંડ ઊઠ્યા : ‘તું આમ મારી પાછળ કાં પડી છે ?’
‘હું પાછળ પડી છું ? તમે કંઈ નાના કીકલા છો, તે રોજ ઉઠાડવા પડે ? જાતે ઊઠીને નિયમિત ચાલવા કેમ નથી જતા ?’
‘કેમકે તું સાથે નથી આવતી. તારી તબિયત માટેય ચાલવું જરૂરી નથી ?’
‘તો પછી સવારનું આ બધું કામ કોણ કરશે ? અને બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ તમને છે, મને નહીં.’
‘સારું સારું. હવે મારી બીમારીઓ ગણાવવા ન બેસતી. જો, આ ચા ઠંડી થઈ ગઈ છે, તે ફરી ગરમ કરીને લાવ.’ જમનાબા છણકો કરીને ગયાં. એમણે ચા ફરી ગરમ કરી, ટોસ્ટ શેક્યો, અને લઈને આવ્યાં. ટોસ્ટ જોઈને જ જગુભાઈ ઊકળ્યા, ‘આ રોજ સૂકો ટોસ્ટ શું કામ ખાવાનો ? કંઈક ફરસું, જીભે વળગે એવું તો ખવડાવ ?’
‘તમને તળેલું કે તેલવાળું આપવાની દાક્તરે સખત મનાઈ કરી છે….. અને લો, આ દવાની ગોળીઓ લઈ લો !’ કહીને પૂરી પાંચ ગોળી જમનાબાએ પતિના હાથમાં મૂકી. ગોળી ગળતાં જગુભાઈનું મોં કટાણું થઈ ગયું. એમને હતું કે પત્ની બે ઘડી એમની પાસે બેસે, નિરાંતે બે વાત કરે. પણ જમનાબા તો રસોડામાં જતાં રહ્યાં. એમને ફુરસદ જ ક્યાં હતી ?

બપોરે પણ ખાવામાં એમને માટે રોજની જેમ ખીચડી ને દૂધીનું બાફેલું શાક થાળીમાં આવ્યું.
‘અરે, રોજ આ શું ? આ જોઈને ખાવાની રુચિ જ મરી જાય છે !’
‘દાક્તરે કહ્યું છે, થોડા દિવસ આવું જ ખાવું પડશે. બહાર નોકરી કરી-કરી બહારનું ખાઈને તબિયત બગાડી નાખી છે તે !’
‘અરે, હું તો ઘોડા જેવો હતો. તબિયત બહાર નથી બગડી, અહીં તમારી પાસે આવીને બગડી છે.’ જગુભાઈને થયું, રિટાયર થઈને ભારે ભૂલ કરી છે. આટલાં વરસો નોકરી માટે બહાર જ રહેવું પડ્યું હતું. એટલે એમને હતું કે હવે રિટાયર થઈને બૈરાં-છોકરાં સાથે રહીશું. પણ અહીં તો એ બધાં પોતપોતાનામાં જ ડૂબેલાં છે. પત્નીને પણ બે ઘડી સાથ આપવાની ફુરસદ નથી. ઘરમાં આવીને સાવ એકલા પડી ગયા છે. છોકરાં પણ એમની પાસે નથી ઢૂકતાં. જગુભાઈ બિલકુલ કંટાળી ગયા છે. થોડું ઘણું વાંચે, પણ આખો દિવસ વાંચી-વાંચીને કેટલું વાંચે ! ખોટા-ખોટા વિચારોમાં ચઢી જવાય છે. બે-ચાર દિવસથી ડાયાબિટીઝ શરૂ થયેલો. પણ એ તો એકાદ ગોળી લઈને મજેથી બધું ખાતા-પીતા. કોઈ તકલીફ નહોતી, પણ હવે તો એ પણ વધી ગયો છે. સાંજે ચેક-અપ માટે દાક્તર આવ્યા. બ્લડપ્રેશર બહુ વધી ગયેલું છે. એ બે-ચાર બીજી દવા લખી ગયા. ખાવા-પીવાની વધુ કડક સૂચના આપતા ગયા. ઘરમાં બધાંનાં મન ઊંચાં થઈ ગયાં. બંને દીકરા-વહુઓએ સપરિવાર પંદર દિવસ બહાર ફરવા જવાનું ગોઠવેલું. તે કેન્સલ કરવાનું વિચારતાં હતાં. પરંતુ જમનાબાએ આગ્રહ કરીને કેન્સલ ન કરવા દીધું, ‘તમે તમારે ફરી આવો, વારે-વારે આવું નથી ગોઠવાતું.’ નાની બબલી દાદીને છોડવા નહોતી માગતી. એ ઘરમાં રહી.

બધાં ગયાં એટલે ઘર સૂનું-સૂનું થઈ ગયું. દાદી પણ કામ વિના નવરાં થઈ ગયાં. એમને હવે પતિ પાસે નિરાંતે બેસવાનો સમય મળ્યો. એમની સાથે સવાર-સાંજ ચાલવા જવાનો સમય મળ્યો, એમની સાથે હસી-ખુશીની બે વાત કરવાનો સમય મળ્યો. ઘણાં વરસે પતિ-પત્ની બીજી કોઈ જંજાળ વિના આટલું સાથે રહ્યાં, સાથે જીવ્યાં. નાની બબલી પણ હવે દાદાજી સાથે હળવા-મળવા લાગી હતી, દાદાજી પાસે બેસીને વાર્તા સાંભળવા લાગી હતી, દાદાજીના ખોળામાં સૂઈ જવા લાગી હતી. દાદાને આ બહુ ગમતું. ઘણાં વરસે એમને પણ નાના બાળક સાથે બાળક જેવા થઈને હસવા-રમવાનું મળ્યું હતું. એ હવે ખુશ રહેવા લાગ્યા. એ ખુશીમાં ને ખુશીમાં એમણે પત્નીને કહ્યું, ‘આજે તો ગરમ-ગરમ પરોઠાં બનાવીને ખવડાવ.’ જમનાબાએ પણ ખુશ થઈને બનાવ્યાં અને હોંશે-હોંશે ખવડાવ્યાં. પછી તો રોજ કાંઈ ને કાંઈ મનગમતી વાનગી બનતી રહી, સાથે બેસીને હોંશભેર ખવાતી રહી. જગુભાઈએ હવે દવા લેવાનુંયે ઓછું કરી નાખ્યું. દાક્તરે છેલ્લે વધારાની આપી હતી એ તો બિલકુલ બંધ. એમને સંગીતનો શોખ હતો, પણ ઘણાં વરસથી એ લગભગ સુકાઈ ગયેલો. હવે ફરી કેસેટો લાવીને એમણે સાંભળવા માંડી. રોજ બંને પાનાં પણ રમતાં.

પંદર દિવસે દીકરા-વહુ આવ્યાં, ત્યારે ઘરનું વાતાવરણ અને જગુભાઈના ચહેરા પરની ચમક જોઈને ખુશ-ખુશ થઈ ગયાં. ચેક-અપ માટે દાક્તર આવ્યા. પોતાની દવા અને પોતે કહેલી કડક પરહેજી આટલું સરસ કામ કરી ગઈ, જાણી ખુશ થયા. જો કે શું કામ કરી ગયું, એ તો મારો વહાલો જ જાણે !
(શ્રી ક્ષમા ચતુર્વેદીની હિંદી વાર્તાને આધારે)

[3] નવી હવાની લહેરખી !

તેણે ફોન ઉપાડ્યો, તો સામેથી ‘મોટી બહેન !….’ અને પછી ડૂસકાં જ. તેના માટે આ નવું નહોતું. હાલતાં ને ચાલતાં સીમાને એની વહુ સાથે કાંઈક થયું હોય અને ફોન ઉપર રડતાં-રડતાં જ મોટી બહેન પાસે એ પોતાનું દુઃખ ઠાલવે. મોટી બહેન એને સમજાવે, આશ્વાસન આપે. આજે કાંઈક વધારે થયું લાગે છે. આગળ એટલું જ કહી શકી – ‘થોડી વાર મારી પાસે નહીં આવી જાય ?’ અને પછી ધ્રૂસકે-ધૂસકે રડી જ પડી. તે તુરત તૈયાર થઈને જવા નીકળી. રસ્તામાં સીમાના જ વિચાર આવ્યા કર્યા. એની વહુ તો જાણે એવી છે જ. પણ સીમાયે પોતાનો સ્વભાવ સુધારી શકતી નથી, તેથી નાહક દુઃખી થાય છે. સીમાને કેટલું સમજાવું છું ! પણ એ એનું વલણ બદલી શકતી નથી.

તે પહોંચી ત્યારે સીમા ફરી તેને વળગીને રડવા લાગી. તે એના વાંસે હાથ ફેરવતી રહી, ‘સીમા ! જો, શાંત થઈ જા ! વહુ નથી ?’
‘એનો પગ જ ઘરમાં ક્યાં ટકે છે ? તેમાંય સુરેશ બહારગામ હોય, ત્યારે તો આ આખોય દિવસ બહારની બહાર. આજે મેં જરીક કહ્યું તો મારું મોઢું જ તોડી લીધું ! એટલું બોલી છે, એટલું બોલી છે !’ – અને સીમા ફરી રડવા લાગી.
‘પણ તું એની વાતમાં માથું શું કામ મારે છે ? એને જવું હોય ત્યાં જાય.’
‘કેમ, વળી ? ઘરના માણસને ખબર ન હોવી જોઈએ ? ક્યાં જાય છે, ક્યારે આવશે, તે મને કહીને ન જવું જોઈએ ?’
‘આપણો એવો સંબંધ બંધાયો હોય અને એ કહીને જાય તો સારું છે. બાકી, આપણે એવી અપેક્ષા ન રાખવી.’
‘કેમ ન રાખવી ? હું તો પરણીને આવી, ત્યારે મારાં સાસુને પૂછ્યા વિના ઘરની બહાર પગ નહોતી મૂકી શકતી. સાસુ ના કહે તો ન જવાય.’
‘એ જમાનો ગયો હવે. વહુ શું, હવે તો દીકરી પાસેથીયે એવી અપેક્ષા ન રખાય. અને આવી નાની બાબતમાં ઝઘડો શું કામ ઊભો કરવો ?’
‘અરે, ઝઘડો હું ઊભો કરું છું ? હું તો કેટલી ગમ ખાઈ જાઉં છું ! કાલે મુન્નાને પાસે બેસાડી હું શ્લોક શીખવતી હતી, તો એને ધમકાવીને બોલાવી લીધો – ચાલ, લેશન કરવા બેસ !’
‘તે તું શ્લોક શીખવે તે એને નહીં ગમતું હોય. એને ઈંગ્લીશ કવિતા કડકડાટ મોઢે કરાવવી હોય, અને તું એને શ્લોક ગોખાવે !’
‘તે હું એમાં ખોટું શું કરું છું ? મારા પોતરાને આપણી સંસ્કૃતિનું આટલું જ્ઞાન હું ન આપી શકું ?’

‘તારો પોતરો ખરો, પણ એનો દીકરોયે ખરો ને ! એ એને ગમે એવા સંસ્કાર આપે.’
‘શું ધૂળ સંસ્કાર આપવાની ! મહિનામાં બે વાર પાર્લરમાં જાય. હવે તો ક્યારેક બહાર જાય છે ત્યારે કપાળે ચાંદલોય નથી કરતી અને હાથે બંગડીયે નથી પહેરતી. અરે, મંગળસૂત્ર પણ ઉતારીને જાય. એ વળી દીકરાને શું સંસ્કાર આપવાની !’
‘સંસ્કારના આપણા અમુક ખ્યાલો હોય, નવી પેઢીના તેનાથી જુદાયે હોય. આપણા ખ્યાલો બીજાઓ ઉપર શું કામ લાદવા ? ચાંદલો, બંગડી ને મંગળસૂત્ર વિના બધું રસાતળ થઈ જશે એમ ન માનવું.’
‘મારું તો આ બધું જોઈને લોહી ઊકળી જાય છે ! હું મુન્નાને સમજાવું કે દીકરા, ટેબલ પર બેસીને સરખું ખાઈ લઈએ, આમ થાળી લઈને ટીવી સામે બેસીને ન ખવાય. પણ વહુબાને આટલું હું કહું તોય ન ગમે. એનું મોઢું ચઢી જાય ! બોલ, આમાં હું શું ખોટું કહું છું ?’
‘તું કાંઈ ખોટું કહેતી નથી, પરંતુ આ ખોટું-સાચું આપણા મત પ્રમાણે. તે બીજાને ન રુચતું હોય, તો આપણે ન કહેવું. બીજાનું આપણને ન ગમતું હોય તોય ગમાડી લેવું, તો જ ઘરમાં સાથે રહેવાય.’
‘પરણીને આવી ત્યારથી આ જ તો સાંભળતી આવી છું. માએ કહેલું, મોઢું મચકોડ્યા વિના સાસરે એડજેસ્ટ થઈ જવાનું, ન ગમતું હોય તેય ગમાડી લેવાનું. વહુ બનીને આ બધું સહન કર્યું, હવે સાસુ બનીનેય આ જ સહન કરવાનું ?’

‘હા, ત્યારે લાચારીથી આ કર્યું, હવે સમજદારીથી અને મોટપ દાખવીને કર. તેનાથી તું ગુમાવીશ નહીં, મેળવીશ જ. એમ વિચાર કે હવે આ ઉંમરે આવી નાની-નાની કટકટ શું કામ જોઈએ ? આપણા પોતાના મનની શાંતિ માટે આમ કરવાનું. ઘરમાં બધાં આપણી મરજી પ્રમાણે જીવે, એવી ઈચ્છા જ શું કામ રાખીએ ? હવે બધાં મોટાં થયાં. એમને એમની મરજી મુજબ જીવવા દે, તું તારી મરજી મુજબ જીવ.’
‘પણ ઘરમાં સાથે જીવતાં હોઈએ અને મૂંગે મોંએ આ બધું જોયે રાખવાનું ?’
‘ઘરમાં આટલો બધો જીવ ખુંપાડીને શું કામ જીવે છે ? એ લોકો ઈચ્છે, તેના કરતાં વધારે રસ તું હવે ઘરમાં શું કામ લે છે ? તેને બદલે હવે મુક્ત થઈ છો તો તારો જીવ કૉળે એવાં કામોમાં તારી જાતને પરોવ ને ! જો, મારી સાથે મારા મંડળમાં આવ. અમે મોટી ઉંમરનાં જ ભેળાં મળીએ છીએ. હમણાં હું પેન્ટિંગ કરું છું. કૉલેજકાળ પછી પીંછી હાથમાંથી જ છૂટી ગયેલી. ફરી રંગો સાથે રમવાની મજા આવે છે. સાથે જ સિરેમિક પણ શીખી રહી છું. નાનપણમાં માટી સાથે રમતાં, માટીનાં ઘર બનાવતાં. કેટલો આનંદ આવતો હતો ! એવો જ આનંદ ફરી અનુભવાય છે.’
‘પણ આ ઉંમરે હવે આ બધું કેમ ફાવે ?’
‘કેમ ન ફાવે ? હું તારા કરતાં ચાર વરસ મોટી છું, છતાં મને ફાવે છે તો તને શું કામ ન ફાવે ? માત્ર મનનું વલણ બદલવાનો જ સવાલ છે.’

સીમા મોટી બહેનને જોતી રહી. એનું મન નવી હવાની લહેરખી અનુભવવા લાગ્યું.
(શ્રી નલિની ભોસેકરની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી લઘુકથાસંચય (ભાગ-2) – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ
જાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત Next »   

16 પ્રતિભાવો : કેટલીક ટૂંકી વાર્તાઓ…. – હરિશ્ચંદ્ર

 1. Nilesh Shah says:

  Very good real life stories.Inspiring.

 2. Nilesh Shah says:

  Very Good , Inspiring Stories.

 3. Dharni Vora says:

  બહુ જ સરસ

 4. Rachana says:

  ખુબ જ સરસ વાર્તાઓ……અત્યારે દરેક બાળક નુ જીવન કઇક આવુ જ થઇ ગયુ છે….બાળકોને પ્રેમ અને સમય સિવાય બીજુ કશુ નથી જોયતુ…..

 5. Vaishali Maheshwari says:

  First two stories depict the importance of time and feelings. The little kid in the first story was an orphan. He is an adopted kid, but these days this kind of Parent’s behavior is observed even for his or her own kid.

  The little kid and Dadaji, both have all the materialistic things of life, but there is no one to spend some time with them so that they share their feelings. This makes them feel sad and out of the world. These days most of us are spending most of our time in earning money for materialistic things in life, but we are forgetting that our life is too short. We might not even get an opportunity to enjoy what we have, so it will be a better idea to earn (not keep gathering) for the living and enjoy at the same time.

  Third story is about expectations. If someone does not fulfill our expectations, we are hurt a lot. It is a human tendency that we expect for everything that we do and from everyone we know. It will be a good idea to expect less. However, we can try to utilize more time on improving and enjoying ourselves, rather than expecting things from others. In this story, elder sister has beautifully described the real way to enjoy life by her words and insight.

  Thank you for sharing these wonderful stories.

 6. હાર્દિક સવાણી says:

  ખુબ સરસ વાર્તાઓ , દરેક માથી કઈક શીખવા મળે છે…

 7. bharat chaklasiya says:

  ખુબ સરસ . મનભાવન,

 8. durgesh oza says:

  very touchy short story with positve message.many times i also observed that man r over-involved unnecessary and then makes himself unhappy.he loses his lovely precious chance to live peacefully,always busy with all this quarrel or he feels disturbed by difference of opinion.he he understand the value of life in right spirit,then agony has to go.lovely constructive stor NAVI HAVANI LAHERKHI,CONGRATS-durgesh b oza author

 9. Nidhi says:

  awesome…..
  pls load more novels….
  I like it tooooo muchhh…

 10. JyoTs says:

  Thank you so much……after a long time today i read readgujarati…. now i m happy….

 11. M.D.Gandhi, U.S.A. says:

  હરિશ્ચંદ્રની વાર્તાઓ હોય એટલે ટુંકી વાર્તામાં ઘણુ બધું સમાઈ અને સમજાઈ જાય. લાંબુ લાંબુ લખવાની જરૂરજ ના પડે. સરસ વાર્તાઓ છે. ભૂમિપત્રમાં તો અહીં વાંચવા નથી મળતી પણ જન્મભૂમિ પ્રવાસીમાં આવે છે, તો તમે પણ વારંવાર આપતા રહેશો.

 12. nayan panchal says:

  સુંદર વાર્તાઓ.

  ખૂબ આભાર,
  નયન

 13. Rishit Kothari says:

  “માત્ર મનનું વલણ બદલવાનો જ સવાલ છે” આ વાત બહુ ગમિ…સૌથિ સરલ સાથે સૌથિ અઘરુ કામ્….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.