મારી નાનીમા – ડૉ. ભદ્રાયુ વછરાજાની
[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. ભદ્રાયુભાઈનો (રાજકોટ) આ સરનામે bhadrayu@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2588711 સંપર્ક કરી શકો છો.]
મા કરતાં નાનીમા પાસે ઉછરવાનું ઝાઝું બન્યું છે. હજુ આજે પણ કોઈ પૂછે કે : ‘મા કેવી હોવી જોઈએ ?’ તો તરત શબ્દો સરી પડે કે : ‘મા તો મારી નાનીમા જેવી જ હોવી જોઈએ !’ માતા-પિતા સંતાનને જન્મ આપ્યા પહેલાં કલ્પનાના ઘોડા દોડાવે છે કે, ‘અમારા સંતાન કેવાં થવાં જોઈએ ?’ સંતાનો ભણીગણીને મોટા થાય ત્યારે સમજ કામે લગાડી તારવે છે કે, ‘અમારાં મા-બાપ કેવાં હોવાં જોઈએ ?’ વિધિની વક્રતા છે, નહીં ? પણ શું થાય, અણસમજ સમજમાં પરિવર્તિત થાય ત્યારે જો તેમાં અનુભવ ઉમેરાય તો ડહાપણનો જન્મ થતો હોય છે… મને મારાં ડહાપણે આજે એવું કહેવા મજબૂર કર્યો કે : ‘મા તો મારી નાનીમા જેવી જ હોવી જોઈએ…’
મોસાળમાં જઈએ ને નાનીમા ન હોય તો ગમતું નહીં, કારણ એ વ્યક્તિત્વ જ કંઈક એવું હતું કે તેના ચહેરાની કરૂણા આપણાં બધા દુઃખ હરી લેતી ! પંગતમાં બેસીને જમવાનું, પલાંઠી મારીને જમવા બેસવાનું, પણ સાવ જ અડોઅડ નાનીમા પણ માથે ઓઢીને હસતા ચહેરે પીરસવા બેઠાં હોય. મને બરાબર યાદ છે કે, જે હાથે જમતા હોઈએ તે હાથેથી જો ડબ્બામાંથી રોટલી લેવા જઉં તો તરત મૃદુ કંઠે રોકે અને કહે : ‘જમેલા હાથથી જમવાની વાનગીને ન લેવાય….’ અને જો જમતા હાથે જમતાં જમતાં ડાબા હાથથી પણ રોટલી પકડાય જાય તો હળવાશથી કહે : ‘એક જ હાથ અજીઠો કરાય. બીજો હાથ તો એકસ્ટ્રા પ્લેયર છે !’…. અને આપણાથી બીજો હાથ અજીઠો (એંઠો) થઈ જાય તો કાં તે હાથ પાણીના છાંટા નાખી ધોવરાવી નાખે અથવા તો પછી તે અજીઠા હાથની મુઠ્ઠી વળાવી દે !
નવરાત્રીના દિવસોમાં મારી બહેનો નાના-નાના ગરબા લઈ તેમાં દીવા કરી અડોશપડોશમાં ગરબડીયો ગાવા જવાની હોંશ કરતી. નવરાત્રાં પૂરાં થાય પછી ગરબો પધરાવવા સૌ મંદિરે જતાં. મારી નાનીમાએ નવતર નુસખો શોધેલો. મારી બ્હેનોના બે ગરબા ઘરમાં રહેલ તુલસીના ક્યારામાં પધરાવવાનું નાનીમાએ શીખવેલું. મારી બહેનો ગરબા પધરાવેલ એ તુલસીના ક્યારાને રોજ પાણી પાતીને ધીમે ધીમે ગરબાને ધરતીમાં સમાય જતી જોતી…. ‘માટીમાંથી બન્યા છીએ અને માટીમાં ભળી જવાનું છે….’ એવી જીવનની ફિલસૂફી મારી નાનીમા, વ્યાખ્યાન આપ્યા વગર, મને નાનપણમાં સમજાવી ગયાં છે, તે તો હું મોટો થયા પછી જાણી શક્યો !!
નાનાબાપુનો મિજાજ આકરો હતો એટલે કે પછી બીજાં કોઈ કારણથી એવું જ લાગતું કે નાનીમા તો જાણે ઠંડુંગાર માટલું છે. તેની આંખો હંમેશા સજળ અને વ્હાલના બે શબ્દો બોલતાં કે જગતમાં કોઈના પર દુઃખ પડ્યાનું જાણતાં જ તેઓની આંખો વરસવા લાગતી. આજે એલાર્મ વગાડવાનું કામ ઘડિયાળને મોબાઈલ બે ય કરે છે ત્યારે માંડ ઉઠવાની ટેવ છે, પણ ડિગ્રીની પરીક્ષાનું મોડે સુધી વાંચ્યા પછી ‘વહેલા ચાર વાગે ઉઠાડજો’ એવું નાનીમાને કહીને ઘોરી જતા….. પણ યાદ નથી કે ક્યારેય નાનીમાથી લેશમાત્ર મોડું થયું હોય… મૃદુ, લાગણી છલકતો ટહુકો કાનમાં થતો અને એ લાગણીના જોરે બેઠા થઈ જવાતું… ઉઠ્યા ભેગા વાંચવાનું આદરીએ તો હાથ પકડી બ્રશ કરાવતા અને ઘરમાં બીજાં કોઈ જાગી ન જાય તેની કાળજી લેતા બિલ્લી પગલે રસોડામાં જઈ આદુવાળી ચાનો ડોઝ તૈયાર કરી લાવતાં…. હું અને મારા બે મિત્રો વાંચવામાં પ્રવૃત્ત થઈએ ત્યાં તો નાનીમાનું પ્લેન ઉપડતું અને નાની નાની ઝપકી મારી લેતું ! પરોઢ થતું જાય એમ ઘંટુલાનો અવાજ અને નાનીમાના ભજનનો ગણગણાટ ઘરના સૌ ઘોરતા લોકો માટે વૈતાલિકની ગરજ સારતું હતું….! બહુ ગરીબીમાં બે છેડા ભેગા કરતું મોસાળ હતું. અછત અને તંગી કાયમ મહેમાન હતાં. પણ નાનીમાનો ચહેરો હરહંમેશ હસતો.
આજે યુવાનોને-અધ્યાપકોને ‘પોઝીટીવ થિન્કીંગ’ના પાઠ ભણાવું છું ત્યારે યાદ આવે છે કે બહુ ઓછું ભણેલાં અને બહુ ઝાઝુ ગણેલાં મારાં નાનીમા પોઝીટીવ થિન્કીંગ તો ગળથૂથીમાં લઈને જન્મ્યાં હતાં…. રસોડામાં તેલ ખલાસ થાય એટલે તેલની બરણી ઓસરીમાં મૂકી નાનીમા હળવો સાદ કરી બોલતાં : ‘બક્ષીજી, ઘરમાં તેલ ઝાઝું છે….’ ખાંડનો પુરવઠો ખૂટે તો નાની કપડાંની થેલી ઓસરીમાં મુકી નાનીમા યાદ કરાવે : ‘બક્ષીજી, ઘરમાં ખાંડ ઝાઝી છે…’ અમારાં જેવાં ટીખળીયાવ નાનીમાની આ ચેષ્ટાથી અચંબામાં પડી જતા ! વસ્તુ ખૂટે છે ને નાની બોલે છે ‘ઝાઝી છે’, આવું કેમ ? સાંજ પડે ને હિંડોળા માટે હિંચકતાં હિંચકતા નાનીમાનાં પેટ પર હાથ ફેરવવાનો દિવ્ય આનંદ લૂંટતાં લૂંટતાં, નાનીમાને પૂછી નાખતો કે :
‘હેં નાની, વસ્તુ ખલાસ થઈ જાય તો ઝાઝી છે એમ થોડું કહેવાય ?’
કેટલીય વાર સુધી હળવું હળવું મલકીને માથે હાથ ફેરવી નાનીમા મોટીવેશનલ ટ્રેનરની અદાથી કહેતાં : ‘બેટા, ‘ખલાસ છે’ કે ‘કાંઈ નથી’ કે ‘ખૂટી ગયું છે’, એવું ન બોલાય. ભગવાને તો બધું આપ્યું જ છે, આપણાં સુધી પહોંચવામાં વાર લાગે છે…. હવે બધું ક્યાંકને ક્યાંક તો હોય અને આપણે ‘નથી’ એવું બોલીએ તો ભગવાનને ન ગમે… તને ખબર છે ને કે : સત્યનારાયણની કથામાં પેલા વાણિયાએ, વહાણમાં બધું હતું ને તેણે કહી દીધું કે વહાણમાં તો કંઈ નથી, પાંદડાં છે….. ભગવાને કહી દીધું – તથાસ્તુ ! હવે તું જ કહે : આપણે બોલીએ કે ઘરમાં તેલ નથી, ખાંડ નથી, આ નથી-તે નથી અને ભગવાન ‘તથાસ્તુ’ કહી દે તો ?……’
અને મારાં મોઢામાંથી શબ્દો નીકળી પડતા : ‘નાનીમા, તો તો માઠી બેસી જાય…..’ નાની તક ઝડપી પાકું કરાવતા : ‘બેટા, એટલે જ ક્યારેય નથી, નથી એમ ન કરવું. આપણી એક કહેવત છે ‘રોતો રોતો (રડતો રડતો) જાય ને મર્યાના વાવડ લઈને આવે.’ આજે સ્મરણયાત્રાએ નીકળ્યો છું ત્યારે રમેશ પારેખની પંક્તિ યાદ આવે છે : ‘ફૂલ સમી હું દષ્ટિ ફેંકું, મને ગજરો મળે ઉત્તરમાં….’ કવિએ જે સાહિત્યિક ભાવથી લખી જાણ્યું, તે મારી નાનીમાએ વર્ષો પહેલાં આત્મીય ભાવથી મને ગળે ઉતરાવી જાણ્યું હતું. બોલો, મારી નાનીમા કવિશ્રી રમેશ પારેખથી જરાપણ ઓછી સાહિત્યિક ગણાય ? સદગત કવિ પણ સ્વર્ગમાંથી હોંકારો દેશે.
સમય વીતતો ગયો એમ મોસાળ ધીમે ધીમે સદ્ધર થતું ગયું. આપણે પણ મોટા થયા, પરીક્ષાઓના કોઠાઓ ભેદી પદવીઓ મેળવી નોકરી ધંધે લાગ્યા. મોસાળ પડ્યા-પાથર્યા રહેવાનું સ્થાનક ન રહ્યું, ફલાઈંગ વિઝિટનું સ્થળ બની ગયું. બરાબર યાદ છે કે ગમે તેવી ભાગાભાગ હોય, સમયની મારામારી હોય પણ ઘરમાંથી સ્કુટર નીકળે તો કોણ જાણે કેમ પહેલાં તો નાનીમાના ઓટલે જઈને જ ઊભું રહે….. અને પગ ઠેકડા મારીને વૃદ્ધ કરચલીવાળાં વ્હાલાં નાનીમાની બાજુમાં હિંચકે ગોઠવાય પલાંઠી મારે ત્યારે હાશકારો થાય. નાનીમા ડગુ મગુ કરતાં ઉઠે રસોડામાં જાય અને નાની વાટકીમાં કશુંક ખાવાનું લાવે. દસમાંથી આઠવાર તો એ વાટકીમાં મમરા જ હોય ! એ મમરાનો લગાવ એટલો જબરો છે કે આજે વજન ઘટાડવા ભાત છોડું છું પણ મમરા નથી છોડી શકતો. સાંજે ચા સાથે મમરાની વાટકી પત્ની હાથમાં પકડાવે છે ત્યારે તેમાં નાનીમા તાદશ્ય થાય છે…..!
નાનીમા ભારે રૂઢિચુસ્ત એટલે તો અજીઠા હાથની મુઠ્ઠી વળાવતાં ને….! મેં તેઓને ઉઘાડે માથે કદી જોયાં નથી. વહુઓ લાજ કાઢે. ઘરની વહુ પાછલે બારણેથી જ ઘરમાં આવે. મારી મામીને પણ મેં નાનીમાના સ્વર્ગે સિધાવ્યા પછી ઘુમટો તાણ્યાં વગરનાં જોયાં ! આમ છતાં, નાનીમાની સંવેદના એટલી દિવ્ય કે તેમની હાજરીમાં જ કાફી બની રહેતી. મામાઓ ઉગ્ર વિવાદમાં ઉતરે ત્યારે કોઈ માસી જઈને કહે કે : ‘તમે ઝઘડો છો તે નાનીમાને ખબર પડશે તો તે દુઃખી થશે…’ બસ, આ વાત પર હથિયારો મ્યાન થઈ જતાં મેં જોયાં છે. કુટુંબનો માહોલ પાક્કો મરજાદી. મારી સગી મા મોસાળમાં અમને ભાઈ-બહેનને નામ લઈને ના બોલાવે. નાનીમાની હાજરીમાં અમારાં નામ પડી જતાં : ‘નાનું/મોટું/જાડું/ગાંડુ….’ પણ નાનીમાની ભારે ટીખળ કરવાનો પરવાનો હું ધરાવતો હતો. હું પરણવાની વાત કરી કહેતો : ‘નાનીમા, હું એવી છોકરીને પરણીશ કે જે તમારી લાજ નહીં કાઢે, પણ સૌની હાજરીમાં તમારી સાથે વાતોના તડાકા મારશે….’
થયું પણ એવું. મેં પ્રેમલગ્ન કર્યાં. ચોવીસ કલાકમાં ટૂંકામાં ટૂંકી વિધિથી મારે લગ્ન કરવાં પડ્યાં. આગલી રાતે નાનીમા પાસે ગયો, હીંચકે બેસી કહ્યું : ‘નાનીમા, હું કાલે પરણું છું, પણ તમે આવશો તો જ પરણીશ. કાલે સવારે આઠ વાગે તમને રીક્ષામાં લઈ જઈશ, તૈયાર રહેજો…..’ મારાથી ચાર વર્ષ મોટી છોકરી સાથે તેના વડીલોની સંમતિ વગર હું ભાગીને પરણવાનો હતો અને તેમાં નાનીમાએ હાજર રહેવાનું હતું ! કડક અને ભારોભાર રૂઢિચુસ્ત મારા નાનાબાપુ. નાનીમાએ સમજાવવાના હતા. આખી રાત ચર્ચા ચાલી. લોઢાંને પીગાળવા જેવું કામ હતું…. પણ બીજે દિવસે હું નાનીમાના ઓટલે પહોંચ્યો ત્યારે નાનીમા મારાં ઘડિયાં લગ્નમાં હાજર રહેવા ઓટલે ઊભાં હતાં….! મને મનોમન થયું કે કૌટુંબિક સંઘર્ષનો જંગ હવે જીતી જવાશે, કારણ મારી નાનીમા મારી સાથે છે…..
મારી નાનીમાનું નામ એની ફોઈએ ‘હરવિદ્યા’ કેમ પાડ્યું હશે, તે તો તેમની ચિરવિદાય પછી મને સમજાયું; મારી નાનીમા હર એક વિદ્યામાં પારંગત હતી…..! મોટો થયો, શિક્ષક થયો, સાતમા ધોરણના છોકરાઓને ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ભાવથી ભણાવ્યું, પછી કહ્યું : ‘લખો જોઈએ, મા એટલે કોણ ?’ એક નાનકાએ લખ્યું તે દિલમાં કોતરાયું : ‘અમે ઘરમાં પાંચ જણ જમવા બેસીએ ને ડબ્બામાં રોટલી ચાર છે એવી ખબર પડે ત્યારે જે એમ કહે કે, મને આજે ભૂખ નથી, તે મારી મા…..’ તેના સ્મરણ માત્રથી આજે પણ મારી પાંપણો ભીંજાયા કરે છે; ‘મા કેવી હોવી જોઈએ ?’ ભવોભવનો એક જ જવાબ : ‘મા તો મારી નાનીમા જેવી જ હોવી જોઈએ.’
Print This Article
·
Save this article As PDF
મોસાળનાં સંભારણાં.
બા ની અમી નિતરતી આંખો જ મોસાળ પ્રત્યેનું ખેંચાણ હતી.
મામાનાં ભુલકાંઓની લાગણી અને મામીનો પ્રેમ કેમ ભુલાય.
લેખકશ્રી કહે છે..મોસાળમાં પડ્યા-પાથર્યા રહેવાની
પણ
ઉંમર હોય છે..!!
આભાર.
radvu aavi gayu!!!
dabbamaa char rotalee ne jamanaaraa paach vaalee vaat bhu ja sachot laagee.
bahu saras vaat mane mara nanima yaad aavi gaya.thanks.
ma ni mamata dadi nu vatsalya ne nani mu het badhu judu judu pan balak badha ma bhijay dr sudhakar hathi jamnagar
sir ,
this is real picture of developing Indian society………and if it is not stop now, will be late……
thank you.
Why old articles are not displaying?
Namaste Nimeshbhai,
That I will answer in my tomorrow’s editorial article.
thanking you
from :
mrugesh shah
i hope old articles are not lost..
i am kinda addicted to readgujarati and in my free time i used to read old articles…
and abt this article..it’s simply superb…
કદાચ જ કોઇ હશે જેને
આ લેખ વાંચિ ને બા નિ યાદ ના આવિ હોઇ….
સરસ વાત અને અમારા સુરતમા અને અનાવિલ જ્ઞાતિમા નાનીમાને આજીબા કહેવાનો રીવાજ હતો, મારા આજીબાની પણ કોઠાસુઝની વાતો યાદ આવી ગઈ……………..પર્ંતુ વો ગુજરા હુઆ જમાના……………વાપસ ના આયે……. એનુ વિષેશ દુખ અનુભવી રહ્યો છુ…………..શ્રી ભદ્રાયુભાઈને આ બધી વાતો સ્મરણપટ પર લાવવાની તક આપવા બદલ લાખ લાખ સલામ………………..
ખૂબ જ સરસ.
ખૂબ જ સરસ….
અમોલ….
I can’t read any article. Screen become blue.
અનહદ સરસ લેખ. અભિનદન.. રીતિ…
તેના સ્મરણ માત્રથી આજે પણ મારી પાંપણો ભીંજાયા કરે છે; ‘મા કેવી હોવી જોઈએ ?’ ભવોભવનો એક જ જવાબ : ‘મા તો મારી નાનીમા જેવી જ હોવી જોઈએ.
સરસ
KHUBAJ SARAS LEKH VANCHI MAJA AAVI BACHAPAN NI YAD AAVI NANI NE YAD KARVA WALA BAHUJ JUJ HOY CHHE MARA NANI UJAM BEN MANE BAHU PREM KARTA JE HAVE ATLI UMARE YAD AAVE KHER MAJA AAVI
એકદમ હ્રદયસ્પર્શી લેખ.
કેળવણી અને શિક્ષણ વચ્ચેનો ફર્ક સમજાવતો લેખ. નાનીમા વિશે વિચારતા ક્યારેક સ્મિત તો ક્યારેક ભીનાશ આવી ગઈ.
ખૂબ આભાર,
નયન
આ કૃતિ અદભૂત અને સ્મરણીય છે.
આભાર સૌનો !
I LOVE MY NANIMA AND MY BAA….MY BAA IS SWEETEST PERSON IN WHOLE UNIVERSE….
તમારા નાનીમાને મળીને, આવી અનમોલ યાદોનાં સહભાગી બનવા બદલ ખુબ સારુ લાગી રહ્યું છે. હંમેશા આપણાં જીવનમાં જવંત રહેતા આવા વ્યક્તિત્વ આપણને જે શીખવી અને સમજાવી જાયે છે તે પ્રેમનાં પાઠ શીખવનારા વ્યક્તિત્ત્વ આજનાં સમયે ભાગ્યે જ જોવા મળે. સમય બદલાયો, સમાજ વિકસ્યો અને આજે લોકો અખુટ તકો સાથે જીવી રહ્યા છે પરંતું આગલી પેઢીમાં મળતું જીવનનું મુલ્ય અને સમૃધ્ધિ આજે શોધવી આટલી અઘરી કેમ થઇ ગઇ છે તે જ નથી સમજાતું.
આભાર
પૂર્વી