ઉડવા મળ્યું આકાશ – સં. જતીનભાઈ ભરાડ, શોભાબેન ભરાડ
[‘જ્ઞાનતુલા અભિયાન’ શ્રેણી અંતર્ગત ‘ભરાડ ફાઉન્ડેશન’ દ્વારા પ્રકાશિત થયેલ ‘ઉડવા મળ્યું આકાશ’ પુસ્તક માંથી આ પ્રેરક પ્રસંગો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] વ્યસનમાંથી મુક્તિ
મહારાષ્ટ્રના પુના શહેરમાં એક ડૉક્ટર રહે. નામ એમનું અણ્ણાસાહેબ પટવર્ધન. આખા શહેરમાં તેઓ અત્યંત લોકપ્રિય વ્યક્તિ હતા. શહેરના તેઓ એક આદરણીય અને સન્માનીય પુરુષ બની ગયા હતા. જીવન અત્યંત સાદુ હતું. ખાવાપીવામાં પણ ખૂબ નિયમિત હતા. પરંતુ એમને પાન ખાવાનો ખૂબ શોખ ! શોખ જ નહિ, પણ પાન ખાવાનું તેમને એક વ્યસન હતું એમ કહીએ તો એમાં કશું ખોટું નહિ. તેઓ એક ચાંદીની નકશીદાર પેટીમાં પાન રાખતા અને રસ્તા પર પડતા ઝરૂખામાં બેઠાં બેઠાં પાન ચાવતા.
એક દિવસ એક ઘટના બની. તેમણે પાન ચાવતા ચાવતા ઝરૂખામાંથી પાનની પિચકારી રસ્તા પર મારી. પાનની પિચકારી તેમણે જે વખતે મારી, એ જ સમયે એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એના પર તે પડી. તેના કપડાં પર પાનની પિચકારીથી લાલ ડાઘા પડ્યા. તેણે ઊંચું જોયું તો ઝરૂખામાં અણ્ણાસાહેબ બેઠા હતા. તેમના મોમાં પાનનો ડૂચો હતો. અણ્ણાસાહેબને પણ ખબર પડી કે પાનની પિચકારી એક માણસ પર પડી છે અને તેનાં કપડાં બગડ્યાં છે. પેલો રાહદારી કશું બોલ્યો નહીં. અણ્ણાસાહેબ જેવી આદરણીય વ્યક્તિને કશું કહેવાય નહીં એમ માનીને તે ત્યાંથી આગળ ચાલ્યો.
આ બનાવે અણ્ણાસાહેબના મનમાં ભારે તુમુલ યુદ્ધ જમાવ્યું. તેમને થયું કે, આ રાહદારી મારા પ્રત્યે અહોભાવ અને આદર ધરાવતો હોવાથી મને કશું કહ્યા વગર, જાણે કશું જ બન્યું ન હોય તેમ ચાલ્યો ગયો, તો મારા પ્રત્યે આવો અહોભાવ અને આદર ધરાવનાર માણસ પ્રત્યે મારી પણ કશી ફરજ ખરી કે નહિ ? એણે જેવું વર્તન મારા પ્રત્યે દાખવ્યું એવું વર્તન હું એના પ્રત્યે દાખવી શક્યો નહીં ! આ તે મારા માટે કેવી વિડંબના ? પણ આનું મૂળ તો મારું પાન ખાવાનું વ્યસન જ છે. શું પાનનું વ્યસન હું છોડી ન શકું ?…. અને એ જ ક્ષણે તેમણે પાનની ડબી એક ખૂણામાં ફેંકી દીધી અને કદીયે પાન નહિ ખાવાની મનોમન દઢ પ્રતિજ્ઞા કરી અને જિંદગીભર તેમણે તે પાળી.
[2] કરુણાનો સ્ત્રોત
ઉત્તર પ્રદેશના લખનૌ શહેર પાસે આવેલ સીતાપુરનગરને પાદરે શહેનશાહ અકબરનો શાહી પડાવ નખાયો હતો. કોઈક ખાસ કામ અંગે અકબરનું ત્યાં આગમન થયું હતું. એ શાહી તંબૂ લગભગ 3600 ચોરસફૂટનો હતો. તેમાં નીચે જમીન પર ઉનના ગાલીચા બિછાવવામાં આવ્યા હતા. તંબૂના પડખિયા બધાંય જરીના હતા. ઉપરનો ભાગ બધો કિનખાબનો હતો. બારણે સાચાં મોતીના તોરણો ઝૂલી રહ્યાં હતાં. વચ્ચોવચ બાદશાહને બેસવા માટે સોનાનું રત્નજડિત સિંહાસન મૂકવામાં આવ્યું હતું. એક અઠવાડિયા સુધી લાગલગટ આ શાહી તંબૂમાં અકબર બાદશાહનો દરબાર ભરાતો હતો. જાણે સૌ દિલ્હીના દિવા-ને-ખાસમાં બેઠા હોય એટલી શાંતિ પથરાયેલી રહેતી. શાહી તંબૂની ટોચે, મેરુદંડ પર, શાહી ધ્વજ શાનપૂર્વક ફરકી રહ્યો હતો.
અંતિમ દિવસનો દરબાર પૂરો થતાં, પોતાના તંબૂની બહાર આવીને અકબર ઊભો રહ્યો. થોડી વાર સુધી ગગનમાં લહેરાઈ રહેલા ગૌરવવંતા ધ્વજ સામે એકીટશે એ જોઈ રહ્યો. બાદશાહને આમ તંબૂના ઉપરના ભાગમાં એકીટશે જોઈ રહેલા નિહાળી તંબૂખાતાનો માણસ દોડી આવ્યો. કુરનિશ બજાવી તે બોલ્યો :
‘હજૂર, તંબૂ બાંધવામાં કંઈ કસૂર છે ?’
‘ના, તંબૂનું બાંધકામ તો બરાબર થયું છે. પરંતુ ગઈકાલે હું વહેલી સવારે ઘોડા પર બહાર ફરીને પાછો આવતો હતો ત્યારે મારું ધ્યાન તંબૂની ટોચે ફરકતા ધ્વજ તરફ ખેંચાયું હતું. ત્યાં કંઈક છે. જરા ઉપર જઈને તપાસ કરી આવ તો…’ બાદશાહનો હુકમ થતાં તંબૂખાતાનો માણસ સડસડાટ તંબૂની ટોચે પહોંચી ગયો. બરાબર તપાસ કરીને તે પાછો ફર્યો અને બાદશાહની હજૂરમાં આવીને ઊભો રહ્યો.
‘કેમ, શું છે ત્યાં ?’
‘જહાંપનાહ, જે મેરુદંડ પર ધ્વજ લહેરાઈ રહ્યો છે ત્યાં આગળ એક ચકલીએ માળો બાંધ્યો છે. થોડા વખતમાં ચકલી ઈંડા મૂકશે એમ લાગે છે.’
બાદશાહ તરત જ બોલી ઊઠ્યા : ‘ભાઈ, આપણું અહીંનું કામ આજે પૂરું થઈ ગયું છે. આવતીકાલે સવારે દિલ્હી તરફ કૂચ કરી જઈશું. તું તંબૂખાતાના ઉપરી પાસે જઈ, મારા નામથી એમને જણાવજે કે, જ્યાં સુધી ચકલી ઈંડા મૂકે નહીં અને બચ્ચાં ઊડતાં શીખે નહીં ત્યાં સુધી આ તંબૂને અહીંથી ઉપાડવો નહીં.’ અકબરના હુકમનો બરાબર અમલ થયો. આવડી મોટી સલતનતનો સ્વામી, એક નાનામાં નાની સગર્ભા ચકલી અને એના ભાવિ બચ્ચાનો કેટલો બધો ખ્યાલ રાખતો હતો ! કરુણાનો સ્ત્રોત એના દિલમાં વહી રહ્યો હતો. બરાબર, એ રીતે આ જગતની સલતનતનો સ્વામી ઈશ્વર પણ કરુણાસાગર છે. એ આપણા યોગક્ષેમનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ વચ્ચે પણ આપણી એ રક્ષા કરે છે.
[3] સ્વપ્નાનો શિલ્પી
એ કિશોર ભત્રીજો ઘેર મહેમાન બનીને આવેલા ફોઈનો કેડો જ છોડતો નહોતો. એના અંતરમાં પ્રશ્નોનો પટારો ભર્યો હતો. ફોઈ એક પ્રશ્નનો જવાબ આપે ત્યાં તો બીજો પ્રશ્ન બંદૂકની ગોળી છૂટે એમ નીકળ્યો જ હોય. ભત્રીજાની વિચક્ષણ બુદ્ધિચાતુરી જોઈ, ફોઈ પણ ખૂબ પ્રભાવિત થયા. ભત્રીજાની પીઠ પર પ્રેમાળ હાથ ફેરવતા બોલ્યા :
‘અલ્યા, તું અત્યારથી જ આટલો બધો ચકોર છે, જ્યારે મોટો થઈશ ત્યારે તો ભલભલાના કાન કાપે એવો કાબેલ થઈ ગયો હોઈશ.’ ફોઈની પ્રશંસાથી ફુલાવાને બદલે ભત્રીજાએ તો મંદ મંદ સ્મિત જ કર્યું.
‘તું મોટો થઈશ ત્યારે વકીલ બનીશ કે નેતા ?’ ભત્રીજાની મહત્વાકાંક્ષા જાણવા ફોઈએ મૂંગા બની ગયેલા ભત્રીજાને પૂછ્યું.
‘ફોઈ, હું મોટો થઈશ ત્યારે તો કંઈક જુદો જ બનીશ.’
‘જુદો એટલે કેવો ?’ મૂંઝવણમાં પડેલા ફોઈએ પૂછ્યું.
‘ફોઈ, કોઈનું અનુકરણ કરવામાં હું માનતો નથી. હું તો મારો જુદો જ ચીલો ચાતરવાનો.’
‘પણ ભાવિનું કોઈ સ્વપ્ન તો તારા મનમાં તેં વિચાર્યું હશે ને ?’ ફોઈએ પૂછ્યું.
‘હા ફોઈ, મારા મનમાં તો અનેક સ્વપ્નો રમી રહ્યાં છે. એ સ્વપ્નો મને પ્રભુએ આપ્યાં છે. એ સ્વપ્ન મારે સાકાર કરવા છે. બીજાની માફક મારે એક જ ઘરેડમાં ચાલ્યું આવતું રગશિયા ગાડા જેવું જીવન જીવવું નથી. મારે તો જીવનમાં કંઈક નવતર કરી બતાવવું છે. મારે તો મારા સ્વપ્ના જીવનની વાસ્તવભૂમિ પર ઉતારી મારા સ્વપ્નાના શિલ્પી બનવું છે.’ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરતા ભત્રીજાએ કહ્યું.
કિશોરની પીઠ થાબડતાં ફોઈએ કહ્યું, ‘વાહ ભત્રીજા ! વાહ. તારા જેવા તરવરિયા માનવી જ પોતાના જીવન વિકાસની વિશિષ્ટ કેડી કંડારી શકે છે, ધારેલા ધ્યેયને સિદ્ધ કરી ને જ જંપે છે. મારા તને આશીર્વાદ છે કે તારી મહત્વાકાંક્ષા જરૂર ફળે.’ ભત્રીજાએ ફોઈને વંદન કરી, ફોઈના આશીર્વાદ સહર્ષ શિરે ચડાવ્યા. સ્વપ્નને સાકાર કરનારા એ શિલ્પી ઈમર્સન તરીકે સર્વત્ર વિખ્યાત થયા.
[4] એમાં શરમ શાની ?
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક વાર ઈંગ્લેન્ડની મુલાકાત પર હતા. એ દરમિયાન ત્યાં રહેતા ભારતીય લોકોએ તેમના એક પ્રવચનનું આયોજન કર્યું. પ્રવચન માટે એક સરસ હોલ પસંદ કરવામાં આવ્યો. પ્રવચનનો સમય થતાં વિદ્યાસાગર હોલ પર આવ્યા અને જોયું તો એમની નવાઈનો પાર રહ્યો નહિ, કેમ કે, શ્રોતાજનો પોતાની જગ્યા પર બેસવાને બદલે હોલની એક ભીંત પાસે ઊભા રહ્યા હતા !
વિદ્યાસાગરે મુખ્ય આયોજકને આનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો :
‘હૉલની સફાઈ કરનારા હજી આવ્યા નથી. હૉલ સાફ થાય પછી જ શ્રોતાજનો બેસી શકે ને !’ થોડો સમય વીતી ગયો પરંતુ સફાઈવાળા કોઈ દેખાયા નહિ. આયોજકો વિચારમાં પડ્યા કે હવે કરવું શું ? તેઓ આવી મૂંઝવણમાં હતાં ત્યાં તો હોલના એક ખૂણામાં પડેલી સાવરણીઓમાંથી વિદ્યાસાગરે એક સાવરણી ઉપાડી અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના હોલ વાળવા માંડ્યો ! એમને આમ હોલ સાફ કરતા જોઈ આયોજકોની શરમનો પાર ન રહ્યો. તેઓ દોડતા દોડતા વિદ્યાસાગર પાસે આવ્યા અને બોલ્યા :
‘અરે, આપ આ શું કરો છો ? આપ તો આજના પ્રવચનકાર છો. આપનાથી આવું વાળવા જેવું હલકું કામ કરાય ? વાળવાનું બંધ કરો. હમણાં સફાઈ કરનારાઓ આવશે. આપે આવી તસ્દી લેવાની જરૂર નથી. આપનું કામ પ્રવચન આપવાનું છે, આવું કામ આપને કે અમને, કોઈને શોભે નહિ !’ વિદ્યાસાગરે વાળવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો :
‘કોઈ કામ હલકું અને કોઈ કામ સારું – એવો ભેદભાવ મનમાં રાખવો એ જ શરમજનક વાત છે ! સ્વચ્છતા રાખવી એ શું એક શોભનીય કામ નથી ? જે અસ્વચ્છ છે તેને સ્વચ્છ બનાવવું એ તો એક ગૌરવપ્રદ બાબત લેખાય ! સફાઈ કરનારાઓ ન આવે એટલે શું આપણે અસ્વચ્છતા ચાલુ રાખવી ? એના કરતા તો જાતે જ અસ્વચ્છને સ્વચ્છમાં ફેરવી નાખવું એ બહેતર છે !’
પછી તો બધાએ હૉલ વાળવાનું શરૂ કરી દીધું અને થોડીવારમાં તો હૉલ આભલા જેવો સ્વચ્છ બની ગયો. ત્યાર બાદ વિદ્યાસાગરે દિલની સફાઈ કરતું વિદ્વતાભર્યું પ્રવચન કર્યું.
[5] સાચું દાન
અજાતશત્રુ સમ્રાટ અશોકના જીવનનો એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ છે. કલિંગ પર ચઢાઈ કરી તેણે કલિંગને જીતી તો લીધું, પણ એ યુદ્ધમાં થયેલ માનવસંહારથી તેના દિલ-દર્દનો કોઈ પાર રહ્યો નહોતો. તેના પશ્ચાતાપની કોઈ અવધિ રહી નહોતી. આ દુઃખનો પરિતાપ ઓછો થાય એનો ઈલાજ ‘દાન કરવું એ છે’ એવા ગુરુએ આપેલા ઉપદેશ અનુસાર સમ્રાટ અશોકે મોકળે મને ને છૂટે હાથે દાન આપવા માંડ્યું.
દાન લેવા રાજ્યના તમામ બ્રાહ્મણોને નિમંત્રણ અપાયાં. રાજદરબાર આગળ બ્રાહ્મણોનાં ટોળે ટોળાં ઉભરાવા માંડ્યાં. પણ એક બ્રાહ્મણ દાન લેવા આવ્યો નહિ ! અશોકને આ વાતની જાણ થઈ. એ બ્રાહ્મણને તેડી લાવવા સારુ અશોકે પોતાના અનુચરોને મોકલ્યા. થોડી વારમાં અનુચરો બ્રાહ્મણને લઈને સમ્રાટ સમક્ષ આવી પહોંચ્યા. સમ્રાટે બ્રાહ્મણને પૂછ્યું :
‘આ બધા બ્રાહ્મણો દાન લેવા આવે છે તો તમે દાન લેવા શા માટે નથી આવતા ? શું તમને દાન લેવામાં કોઈ વાંધો છે ?’
‘હા, ઘણો મોટો વાંધો છે !’
‘કયો વાંધો છે ?’
બ્રાહ્મણ બોલ્યો : ‘મહારાજ, તમે રાજ્યના ખજાનામાંથી દાન કરી રહ્યા છો, પણ રાજ્યનો એ ખજાનો તો પ્રજાનો છે. પ્રજાના પૈસાથી દાન કરવાનો શો અર્થ ?’
‘તો મારે કઈ રીતે દાન કરવું ?’
‘તમે મહેનત મજૂરી કરીને જે પૈસો મેળવ્યો હોય તે પૈસામાંથી દાન કરો તો જ એ દાન ગણાય ! આ તો પ્રજાના પૈસાનું તમે દાન કરી રહ્યા છો !’
અશોકની આંખ ઊઘડી ગઈ. સાચું દાન કયું કહેવાય એ વાતને તે સમજી ગયો. બીજા દિવસથી ભારતના આ સમ્રાટ અશોકે એક નહેર ખોદવાનું કામ કરવા માંડ્યું. સતત પંદર દિવસ સુધી તેણે એ કામ કર્યું. આ કામ બદલ તેને પંદર સોનામહોરો અંગત મહેનતાણારૂપે મળી. એ પંદર સોનામહોરો તેણે પેલા બ્રાહ્મણને દાનમાં આપવા માંડી, તો એ બ્રાહ્મણે તેમાંથી માત્ર એક સોનામહોરનો જ સ્વીકાર કર્યો.
[કુલ પાન : 128. કિંમત રૂ. 88. પ્રાપ્તિસ્થાન : ભરાડ ફાઉન્ડેશન, સરસ્વતી કોમ્પ્લેક્સ, ધર્મેન્દ્ર કૉલેજ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ-380001. ફોન : +91 9979908322.]
Print This Article
·
Save this article As PDF
આજ ના નેતા , એરન કિ ચોરી કરે દીએ સોઇ કા દાન ઉપર ચઢકે દેખીએ કબ આવે વીમાન .
સુંદર સંકલન..
છેલ્લો પ્રસંગ સૌથી સુંદર.
બોધદાયક વાતો
Hu Roja Mara Badko ne Ek Varta kahu chu. Jema Aaje “Aema Sharam Shani” aje kahesh. Badha Kubhaj Sundar Prasang che.
Aavi sundar ane budhichaturya vala prasango mate dhanyavad.
Mrugeshbhai: Namaste, may I have any contact info.- email add or phone # for Shri Jatinbhai Bharad? Thank you. @ crjvn@msn.com
Riti
જતીનભાઈ શોભાબેન,
આવા સુન્દર પ્રસન્ગો આપવા બદલ આપનો ધન્યવાદ.
જતિનભાઈના પિતાશ્રી ગિજુભાઇ ભરાડ પાસેથી વીસેક વરસ પહેલા આવી ઘણી બધી પ્રેરકવાતો સાંભળેલી.
Very nice article
“ઉડવા મળ્યું આકાશ –
પ્રેરણાદાયી વાતોનું સુંદર સંકલન
ધન્યવાદ જતીનભાઈ ભરાડ, શોભાબેન ભરાડ
ઉપરનો અભિપ્રાય એક વાસ્તવિક દૃષ્ટાનો છે. અકબરની વાત તદ્દ્ન અસંભવિત છે. આવી વાર્તાઓથી પ્રેરણા-પિયુષ કેટલા પીતાં હશે અને ગાલાવેલા કેટલા થતા હશે એ ભગવાન જાણે.
સરસ વાતો.
ખુબ જ સરસ વાર્તા …
ખુબ જ સરસ પ્રસઁગો છે. મજા આવી.
સુંદર પ્રેરણાદાયી પ્રસંગો.
ખૂબ આભાર,
નયન
મન હોય તો માળવે જવાય. મનથી નક્કી કર્યા પછી વ્યસનમુક્તિ કેમ ન મળે?
માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઇ જાય. બીજામાં પશુ-પંખી પણ આવી જ જ ને!
સ્વપ્નાનો શિલ્પી ઇમર્સન તો Positive Thinking નું સરસ પ્રેરણાત્મક ઉદાહરણ છે.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા માણસો પોતાના વર્તન દ્વારા જ મહાન બની શક્યા છે.
તમે મહેનત મજૂરી કરીને જે પૈસો મેળવ્યો હોય તે પૈસામાંથી દાન કરો તો જ એ દાન ગણાય ! પ્રમાણિકતાનું કેટલું સુંદર ઉદાહરણ! ભગવાને બનાવેલી ફૂલ-ફળ જેવી વસ્તુઓ એમને ધરાવીએ એમાં આપણું કર્તવ્ય નથી આવતું. ખરું દાન તો આપણું જીવન સત્કાર્યો દ્વારા ફૂલ જેવું સુગંધી અને ફળ જેવું મધુર બનાવી ભગવાનને ગમતાં કર્મો કરવામાં છે.
સુંદર પ્રેરણાત્મક સંકલન બદલ આભાર.
બહુજ સરસ…..દરેક પ્રસઁગો ખુબ જ સરસ છે. મજા આવી…. સુંદર પ્રેરણાત્મક સંકલન બદલ આભાર..
હિતેશ મહેતા
ભારતી વિધાલય – મોરબી.
મજા આવિ વાચ્વાનિ
પ્રેરણાત્મક વૈચારિક કણિકાઓ.
આભાર.
સુંદર પ્રેરણાદાયી પ્રસંગોના સંપાદન કાર્ય માટે શ્રી જતીનભાઈ તથા શોભનાબેન ભરાડને ધન્યવાદ પાઠવું છું.
વિશેષમાં, મું.શ્રી. ગિજુભાઈ ભરાડ માટે જ્ઞાનતુલા અભિયાનના પ્રેરણાસ્તોત્ર એવા પ્રાત: સ્મરણીય પ. પૂ. મુકતાનંદ બાપુને સાદર પ્રણામ.