ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ – હસમુખ પટેલ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ’ પુસ્તકના સર્જક શ્રી હસમુખભાઈ આઈ.પી.એસ અધિકારી બન્યા બાદ પોલીસ અધિકારીના હોદ્દે (ડી.એસ.પી તરીકે) હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. અભ્યાસે તેઓ એન્જિનિયરિંગની માસ્ટરડિગ્રી ઉપરાંત અનેક ડિગ્રીઓ ધરાવે છે. તદુપરાંત, સાહિત્યક્ષેત્રે તેમણે અનેક સુંદર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમનું આ પુસ્તક જીવનવિકાસ માટેની ઘણી બાબતોને આવરી લે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સગવડોની જેલ

વિસનગરથી એક સગાની ખબર કાઢી હું અમદાવાદ આવતો હતો. વિસનગરમાં બસમાં મારી મનગમતી પાછળની સીટમાં મને જગ્યા મળી ગયેલી. પછી તરતનાં સ્ટેશનોએ ઘણા મુસાફરો ચડ્યા. બસ ચિક્કાર ભરાઈ ગઈ. મારી પાસે પંચાવન-સાઠની ઉંમરનાં એક બહેન બસની પાઈપ પકડીને ઊભાં હતાં. મને થયું કે મારે ઊભા થઈ તેમને જગ્યા કરી આપવી જોઈએ, પણ તરત જ ઊભા થવાની હિંમત થઈ નહિ. મારે સતત મને કહેવું પડ્યું કે આ બરાબર નથી. એક આધેડ ઉંમરનાં બહેન આ રીતે ઊભાં હોય ને હું આરામથી બેસું તે ઠીક નહિ. ખાસ્સી જહેમત પછી હું ઊભો થયો અને બહેનને બેસાડ્યાં.

બહેન જગ્યાની અપેક્ષા વિના જ ઊભાં હતાં. બસની ગતિ તથા રસ્તાઓના ખાડાટેકરાઓને કારણે આ રીતે ઊભાંઊભાં મુસાફરી કરવી સહેલી ન હતી, પણ બહેનને જાણે કંઈ મુશ્કેલી ન હતી. પછી તો મારે છેક અમદાવાદ સુધી ઊભા જ રહેવું પડ્યું. વચ્ચે પણ મારાથી વધુ બેસવાલાયક કોઈ ને કોઈ હતું. મને બેસવાની ઈચ્છા ન થઈ. મારે બસમાં બહુ ઓછી મુસાફરી કરવી પડે છે. ઊભા થતી વખતે મારે કરવી પડેલી મથામણ ખાસ્સી વિચારપ્રેરક અને ઘણી ચિંતાજનક હતી. આપણી સગવડો આપણા ગળામાં ઘંટીના પડિયાની જેમ વળગે છે. સગવડોની જેલ આપણને સંવેદનહીન બનાવે છે. આપણને સ્વકેન્દ્રી બનાવે છે. બીજાઓની તકલીફો, સમસ્યાઓ, મુશ્કેલીઓ સમજાતી પણ નથી. આપણી એ તરફ દષ્ટિ જ જતી નથી.

શું ફેર પડે છે ? આ વેવલી વાતોનો શું અર્થ છે ? આ આધુનિક જમાનો સ્પર્ધાનો છે. સ્પર્ધામાં જે જીતે તે મેળવે અને જે મળ્યું તે ભોગવવાનું. આમાં જેને નથી મળ્યું તેના વિશે વિચારવાનો સમય જ ક્યાં છે ? શું કામ આ બધું વિચારી સમયશક્તિ વેડફવાં ? પેટ ચોળી શૂળ ઊભું કરવાની શી જરૂર ? પરંતુ નફા-તોટાના આ જમાનામાં પણ આ બાબતો બહુ ઉપયોગી છે. દરેકના જીવનમાં સમસ્યાઓ આવતી જ હોય છે. આજે આપણે સમસ્યામુક્ત છીએ એનો અર્થ એવો નથી કે આપણા જીવનમાં ક્યારેય પ્રશ્નો આવવાના નથી. આપણી સગવડો અને તેને લીધે જન્મતી સ્વકેન્દ્રિતા આપણને પાંગળા બનાવે છે. જીવનની વાસ્તવિકતાઓ જ્યારે સામે આવી ઊભી રહે છે ત્યારે આપણને નાસીપાસ થતાં વાર લાગતી નથી. બીજાઓના પ્રશ્નો અને તેમાં સામેલ થવાની આપણી ભાવના આપણને સતત ધરાતલ પર રાખે છે, એટલું જ નહિ, આપણામાં વિકસે છે સમસ્યાઓનો સામનો કરવાની તાકાત. આ તાકાત આપણને જીવનમાં આજે નહિ તો કાલે કામ લાગે જ છે.

બસમાં પાઈપ પકડી ઊભાં રહેલાં બહેનની જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવાની તાકાત ગજબની હતી. કચ્છના ભૂકંપ પછી બીજા જ દિવસે કાટમાળમાંથી ફરી પોતાનાં મકાન ઊભાં કરવા મથતા લોકોમાં પણ આ પ્રકારની તાકાતનાં દર્શન થાય છે. રોજબરોજની સમસ્યાઓના હથોડા માનવીનું હૈયું એવું પોલાદી બનાવે છે કે ઈશ્વરે પણ તેની સામે હાર સ્વીકારતાં આનંદ અનુભવવો પડે. આ બાબતોમાં બીજું મહત્વનું પાસું છે આંતર માનવીય સંબંધો (Interpersonal Relationship). આંતર માનવીય સંબંધોની આવડતને સફળતા માટેની મહત્વની આવડત (Skill) ગણવામાં આવે છે. આપણી સાથે સંપર્કમાં આવતા લોકો સાથે સંવાદી સંબંધો કેળવવા માટે તેમના જીવનના પ્રશ્નો અંગે આ પ્રકારની સંવેદનશીલતા ખૂબ જ જરૂરી છે.

ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમને સગવડો આપ, પણ સાથોસાથ એવી સમજ પણ આપ કે જેથી આ સગવડો સ્વાર્થ, સ્વકેન્દ્રિતા અને સંવેદનહીનતાની જેલ ન બને.

[2] ડાયરીલેખન

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ની રવિપૂર્તિમાં ‘પેશન’ નામે એક નાનકડી કૉલમ આવે છે. તેમાં સેલિબ્રિટીઝ પોતાનાં પેશન (શોખ) વિશે જણાવે છે. આ કૉલમમાં કલાકાર કુણાલ કપૂરે પોતાના શોખ વિશે લખ્યું છે : ‘મને ડાયરી લખવાનો શોખ છે. હું મારાં સપનાં વિશે લખું છું અને સામાન્ય કરતાં કંઈક જુદું હોય તેના વિશે લખું છું. હું કોઈ પણ બાબતે અંદરથી ખાસ લાગણી અનુભવતો હોઉં તો હું તેના વિશે લખવા બેસી જાઉં છું. ભૂતકાળની કોઈ બાબત વિશે તે વખતે હું શું માનતો હતો તે મને મારી ડાયરીથી જાણવા મળે છે.’

રોજબરોજના અનુભવો અને તેના પાઠો વિશે લખવાથી આપણામાં ડહાપણ આવે છે. આપણે આપણી લાગણીઓ વધુ સારી રીતે સમજતા થઈએ છીએ. આપણી ભૂલો પસ્તાવાનું કારણ બનવાને બદલે શીખવાનું, સુધરવાનું માધ્યમ બને છે. આપણે મોટા ભાગના નિર્ણયો બુદ્ધિથી નહિ, લાગણીથી લેતા હોઈએ છીએ. લાગણીના નિર્ણયો ઘણા પ્રશ્નો સર્જે છે. એવું નથી કે નિર્ણયો માત્ર બુદ્ધિના આધારે જ લેવા જોઈએ. અમુક નિર્ણયો બુદ્ધિથી પર જઈ લાગણીથી લેવા જોઈએ. લાગણીથી લેવાયેલ નિર્ણયોમાં પ્રશ્નો એટલા માટે પેદા થાય છે કે આપણે આપણી લાગણીઓ સમજી શકતા નથી. ડાયરીમાં આપણી લાગણીઓ વિશે લખવાથી તે સ્પષ્ટ બને છે, એટલું જ નહિ, આપણી લાગણીઓને સતત નીરખતા જઈ, સમજતા જવાની ક્ષમતા કેળવાય છે. પછી મોટા ભાગની લાગણીઓ વિષે ડાયરીમાં લખવાની જરૂર પડશે નહિ, જે-તે વખતે જ લાગણીઓ સમજાશે. આવું થાય તો લાગણીઓથી પેદા થતા ઘણા પ્રશ્નોથી આપણે બચી જઈશું, એટલું જ નહિ, લાગણીઓને અસરકારક રીતે પ્રયોજવાની સંભાવનાઓ ઊભી થશે. લાગણીઓ આપણને અટકાવશે નહિ, દુનિયા જીતવામાં આપણી વહારે ધાશે.

ડાયરી લખવાથી આપણે આપણા ધ્યેય પ્રત્યે જાગૃત રહીએ છીએ. જીવનને એક દિશા પ્રાપ્ત થાય છે. જ્યારે-જ્યારે જીવનની ગાડી પાટા પરથી ઊતરી જાય ત્યારે ડાયરી આપણને જગાડે છે. ડાયરીમાં આપણાં ધ્યેયો અને તે પ્રાપ્ત કરવાના રસ્તાઓ વિશે લખતા જઈએ તો આપણે જરા પણ ચલિત થઈએ તો આપણું તરત જ ધ્યાન જાય. સ્વવિકાસ માટે સંકલ્પ ઘણા જ મહત્વના છે. સંકલ્પો, તે પામવાનો સંઘર્ષ અને સફળતા ડાયરીમાં સ્થાન પામે તો તેનાથી વ્યક્તિત્વને જબ્બર તાકાત મળે છે.

હમણાં મેં કૉલેજકાળની મારી ડાયરી જોઈ તો મને તે સંકલ્પકથા જેવી લાગી. મારા સંકલ્પો, તેને વળગી રહેવામાં મળેલી નિષ્ફળતાઓ, તે માટે મેં નક્કી કરેલી શિક્ષાઓનું વર્ણન તેમાં જોવા મળ્યું. મને થયું કે મારા વ્યક્તિત્વમાં તેનું જબરજસ્ત પ્રદાન છે. આ શક્તિ ફરી પાછી આવે તો કેવું સારું ! કુણાલ કપૂર કહે છે તેમ આપણાં સપનાં આપણી ડાયરીમાં સ્થાન પામે તો તે સિદ્ધ થવાની શક્યતા વધુ. અધવચ્ચે મુકાઈ ગયેલાં સપનાં વિશે ડાયરી તરત જ આપણને લાલબત્તી ધરે. ડાયરીલેખન આપણને કેમ જીવીએ છીએ, શું કામ જીવીએ છીએ, બરાબર જીવીએ છીએ કે સુધરવાની જરૂર છે – તે અંગે વિચારતા કરે છે.

ડાયરી આપણને આપણા મન સાથે વાતો કરવાનો મોકો પૂરો પાડે છે. કોઈ કહેશે કે મનમાં તો સતત વિચારો ચાલુ જ હોય છે ત્યારે આપણે મન સાથે વાતો કરતા નથી ? મનમાંથી હકારાત્મક અને નકારાત્મક વિચારો સતત વહેતા રહેતા હોય છે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધુ હોય છે. ભય, ગુસ્સો, અદેખાઈ, અપરાધભાવ, વેરવૃત્તિ સતત આપણા મનમાં ભમ્યા કરે છે. ડાયરી લખવાની ટેવ મનના નકારાત્મક ભાવોથી આપણને ચેતવે છે અને હકારાત્મક ભાવો વિશે સભાનતા બક્ષે છે. ડાયરી લખવાથી વિચારો ઊંડાણ પ્રાપ્ત કરે છે અને વધુ સ્પષ્ટ બને છે. વિચારોની સ્પષ્ટતા આપણા વ્યક્તિત્વને સ્પષ્ટતા આપે છે. મૂંઝવણો-કન્ફ્યુઝન્સ ઓછાં થતાં જાય છે. ડાયરીમાં આપણે આપણા વ્યક્તિત્વવિકાસનું પ્રતિબિંબ જોઈ શકીએ. જાણે ઘરઆંગણે વિકસી રહેલા છોડની જેમ જ આપણું વ્યક્તિત્વ વિકસી રહ્યું છે કે કરમાઈ રહ્યું છે – તેનો સતત અહેસાસ આપણને ડાયરી કરાવે છે. વધુમાં, આપણી લેખનશક્તિ વિકસે છે તે નફામાં. તો ચાલો, ડાયરીને સ્વવિકાસનું સાધન બનાવીએ.

[3] આપણે ચાલીએ તે રસ્તો

ગઈ દિવાળીએ અમે વતન ગયેલાં. અમારું ઘર ખેતરમાં જ. મારી છ વર્ષની દીકરી આસ્થાને ખેતરમાં ફરવાની મજા પડે. અમે શેઢે ચાલતાં હતાં ત્યાં પગદંડીમાં નાનુ ઝાંખરું આવ્યું. આસ્થા ઊભી રહી ગઈ. આગળ કેમ જવું ? હું ચમકી ગયો. ખેડૂતની દીકરીને આમ ઝાંખરાં ડરાવી જાય એ તો કેમ ચાલે ? જીવનમાં આવતી મુશ્કેલીઓ, અડચણોનો સામનો કેમ કરશે ? મને અંદરથી સૂઝ્યું, ‘આપણે ચાલીએ તે રસ્તો.’
પછી આ વિશે એવી વાતો કરી કે અમે ખેતર છોડી ડુંગરાઓ ચઢ્યાં. એવી જગ્યાઓ ખૂંદી કે જ્યાં મને એકલાને જતાં ડર લાગે. ખડકો પર અમે બંને ચઢ્યાં-ઊતર્યાં. હિંમત કર્યા સિવાય છૂટકો ન હતો. મારે આ નવા સિદ્ધાંતમાં આસ્થાનો વિશ્વાસ ઊભો કરવાનો હતો. ખૂબ અંધારું થઈ ગયું. અમે રસ્તો ભૂલ્યાં. હું તેને એકલી અંધારામાં મૂકી રસ્તો શોધવા ગયો. મને અંદરથી ડર લાગતો હતો, પણ તેને ડર ન હતો, કારણ : ‘આપણે ચાલીએ તે રસ્તો.’ દર વખતે અમે કુલ ચાર કલાકના રસ્તા અને પોણા કલાકના ચઢાણવાળા કેદારનાથ મંદિરે એકલાં જતાં, આસ્થાને ઘેર મૂકી ને. પણ ઉપરના અનુભવથી તેની સાચી શક્તિઓ પરખાઈ હતી. બીજા દિવસે અમે સાથે કેદારનાથ ચઢ્યાં.

આપણા જીવનમાં પણ અગવડો, અડચણો, મુશ્કેલીઓ આવે છે ત્યારે રસ્તો બદલવાનો વિચાર આવે છે. મોટા ભાગના રસ્તો બદલી પણ દેતા હોય છે. પણ કપરા-કડવા રસ્તા જ જીવનને મીઠું બનાવે છે. નારિયેળનાં કઠણ પડને તોડ્યા બાદ જ મીઠું જળ અને કોપરું પ્રાપ્ત થાય છે. જીવનમાં આવતી અડચણો આપણને ચકાસે છે. જેઓ ડરીને રસ્તો ચાતરી લે, તે સતત રસ્તા બદલતા રહે છે, ધ્યેય સુધી પહોંચતા નથી. રસ્તા બદલવામાં જ જીવન પૂરું થઈ જાય છે, બલકે જીવન જ બદલાઈ જાય છે. આપણું જીવન આપણું રહેતું નથી. આપણે બીજાઓનાં ધ્યેયો માટે જીવતા રહીએ છીએ. જીવનરસ્તાની ઠોકરો જ આપણને અનુભવનાં અમૃત દ્વારા મજબૂત બનાવે છે. અડચણોને પગથિયાં બનાવનારાઓને જ લોકો ઓળખે છે.

‘આપણે ચાલીએ તે જ રસ્તો’ એ વિચાર કોઈ જીદમાં કે યુવાસહજ અજડાઈમાંથી ન આવવો જોઈએ. એ તો ઊગવો જોઈએ આપણા અંતરમાંથી, જીવનનાં સાચાં મૂલ્યોના ધરાતલમાંથી. તો જ આપણે જે રસ્તો પસંદ કરીશું તે સાચો હશે, આપણો હશે. પોતાના રસ્તે ચાલનારાઓએ સમાજના, સાથીઓના વિરોધની તૈયારી રાખવી પડશે. એ પણ યાદ રાખવું પડશે કે બીજાના રસ્તે ચાલનારાઓ ક્યારેય આવી સ્વતંત્ર વિચારશક્તિ, નિર્ણયશક્તિ સ્વીકારી શકશે નહિ, કારણ, આ રીતે જીવનારાની સામે તેઓ ઝાંખા લાગશે. ક્યારેક તેઓને તમારી આ મથામણ ન સમજાય, અકારણ લાગે તેવું પણ બને અને તેઓ મિત્રભાવે શુભેચ્છક બની લાલબત્તી ધરતા હોય. પણ એક વાત બહુ સ્પષ્ટ રાખવી કે આપણો રસ્તો આપણા સંસ્કારમાંથી, સત્વશીલતામાંથી, મૂલ્યોમાંથી આવ્યો હોય તો તે રસ્તો છોડવાની જરૂર નથી, પછી તે ગમે તેટલો કપરો શું કામ ન હોય ? આ દુર્ગમ રસ્તે ચાલવા માટે આપણે આપણાં ઓજારો વધુ ધારદાર બનાવવાં પડશે. સારું-નરસું જોવાની દષ્ટિ કેળવવી પડશે. આપણાં મૂલ્યોને શ્રદ્ધાનું સિંચન કરી વધુ મજબૂત બનાવવાં પડશે. પુષ્કળ ઈચ્છાશક્તિ કેળવવી પડશે. ધીરજ પણ એટલી જ જોઈશે. આ રસ્તો અઘરો ચોક્કસ છે. તમને થકવી પણ દેશે. પરંતુ તે સમયે ધીરજનું બળ કામ આવશે. હીરા પ્રાપ્ત કરવા હોય તો ધીરજપૂર્વક ખાણ ખોદવી પડે. નાના-નાના ખાડા અહીંતહીં ખોદવાથી કોહિનૂર પ્રાપ્ત ન જ થઈ શકે.

શ્રદ્ધાપૂર્વક, ખંતથી, ધીરજથી આગળ વધીશું ત્યારે સફળતા વરશે જ. અને ત્યારે જે લોકો વિરોધ કરતા હતા તેઓ તમારા જ રસ્તે તમારી પાછળ ચાલશે. તમે આગળ દોરનાર તરીકે નેતા પુરવાર થશો. નેતૃત્વ એવા લોકોને પ્રાપ્ત થાય છે કે જેઓ અડચણોની, સમસ્યાઓની અને બીજાઓના અભિપ્રાયોની પરવા કર્યા વિના પોતાના રસ્તે મથ્યા કરે. ગાંધીજીએ ભારતમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે બહુ ઓછાને તે સમજાઈ હતી. પણ ટૂંક સમયમાં જ પોતાનામાં દઢ વિશ્વાસ ધરાવનાર આ વ્યક્તિએ દુનિયાભરની કચડાયેલી પ્રજાનું નેતૃત્વ પ્રાપ્ત કર્યું. સ્વબળે પોતાનો રસ્તો શોધી શ્રદ્ધાપૂર્વક ચાલતા રહો, જીવન જીવવા જેવું લાગશે.

[કુલ પાન : 130. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાજકારણ અને કાયદો – સંકલિત
જેવી મતિ તેવી ગતિ – વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ Next »   

8 પ્રતિભાવો : ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ – હસમુખ પટેલ

 1. સુંદર સંકલન…

  બનેલા રસ્તા પર તો સૌ ચાલે, પણ કોઇ જ પોતાનો નવો રસ્તો બનાવે.

 2. Umesh joshi says:

  ખુબજ પ્રેરણા મળી . મ્રૃગેશ ભાઇ આપનો ખુબ ખુબ આભાર .

 3. LABHSHANKAR BHARAD says:

  ખુબ સરસ ક્રુતિ

 4. Moxesh Shah says:

  મ્રુગેશભાઈ,
  બીજા લેખ માં છેલ્લા ફકરા માં ડાયરી ની જગ્યા એ “રીડ ગુજરાતી” પણ ગણી શકાય.

 5. Amit Degada says:

  ખુબ જ સરસ……પ્રેરણાદાયી લેખ. શ્રી હસમુખભાઇ અમારા ભાવનગર ખુબ જ ઉમદા કામગીરી કરેલ હતી.

 6. nayan panchal says:

  દરેક લેખ પ્રેરણાદાયી. તકલીફોથી ભરેલા ઉબડખાબડ રસ્તા પર જીવનરૂપી યાત્રા ચાલુ રાખવા માટે પ્રેરણારૂપી પેટ્રોલ ખૂબ જરૂરી છે. રીડગુજરાતીતો પેટ્રોલપંપની ગરજ સારે છે.

  આભાર પેટ્રોલપંપના કર્તાહર્તાનો.
  નયન

 7. જય પટેલ says:

  સુંદર વિચારો.

  બસની સીટ વડિલને આપી શ્રી હસમુખ પટેલે સુંદર કેડી રચી. વૈચારિક દ્વંદને માનવતાએ હરાવી.
  ઘસાઈને ઉજળા થઈએ અમલમાં મૂકાય ત્યારે માનવતા મ્હેંકી ઉઠે.
  જીવનમાં નાના નાના ત્યાગ કરવામાં કોઈ પાંડિત્ય…પ્રવચનની જરૂર નથી બસ સહજ સમજ પૂરતી છે.

  શ્રી હસમુખ પટેલ લિખીત પુસ્તક નવી રાહ ચીંધશે તેવી આશા.
  આભાર.

 8. Vasant Prajapati says:

  ખુબ જ સુન્દેર વાતો ખુબ હલ્વાશ થિ લખ્વાનિઆપ્નિ રિત માતે ધન્યવાદ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.