આદર કોનો ? – ભાણદેવ
[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
જાપાનમાં ઈકો નામના એક ઝેન ગુરુ હતા. એક વાર વિચરણ કરતાં કરતાં ઈકો એક ગામમાં ગયા. જાપાનના લગભગ બધા જ લોકો ઈકો ગુરુને જાણતા હતા. પોતાના ગામમાં ગુરુ પધાર્યા છે તે જાણીને ગામના લોકો ખૂબ રાજી થયા. ગામના લોકોએ ખૂબ ઉમંગથી ઈકો ગુરુનું સ્વાગત કર્યું. તે ગામમાં એક શ્રીમંત માણસ રહેતો હતો. તેના મનમાં ઈચ્છા થઈ કે ઈકો ગુરુના માનમાં એક મોટી મિજબાની ગોઠવું. તે પ્રમાણે તેણે એક મોટી મિજબાનીનું આયોજન કર્યું. તેણે ઈકો ગુરુને ખૂબ ભાવપૂર્વક નિમંત્રણ આપ્યું. તે સાથે તે શ્રીમંતે ગામના અનેક પ્રતિષ્ઠિત આગેવાનોને પણ મિજબાનીમાં પધારવા માટે આમંત્રણ આપ્યું.
પોતાના વિશાળ ભવનના મુખ્ય દરવાજે તે શ્રીમંત મહાશય સૌનું સ્વાગત કરવા માટે ઊભા હતા. આમંત્રિત મહેમાનો એક પછી એક આવી રહ્યા હતા. યજમાન શ્રીમંત સૌનું યથોચિત સ્વાગત કરતા હતા. તે વખતે ઈકો ગુરુ મેલાંઘેલાં અને ફાટેલાં કપડાં તથા લઘરવઘર વેશ ધારણ કરીને તે સ્થાને આવ્યા. આવા વેશમાં ગુરુને કોઈ ઓળખી શક્યું નહિ. શ્રીમંત યજમાન પણ તેમને ઓળખી શક્યા નહિ. આ કોઈ ભિખારી આવી ગયો છે, તેમ માનીને શ્રીમંત યજમાન તો ગુસ્સે થઈ ગયા. તેણે આ ભિખારીના વેશમાં આવેલા ઈકો ગુરુને કહ્યું :
‘અરે ! એલા ભિખારી ! તું અહીં કેવી રીતે આવી ગયો ? તારી આટલી હિંમત ! તું અહીંથી જલદી જલદી ચાલ્યો જા. તારા જેવા મૂર્ખ લોકો માટે આ મિજબાની નથી. હમણાં અમારા મહાન ગુરુ ઈકો પધારશે. તું અહીં સત્વરે બહાર ચાલ્યો જા.’
આ શબ્દો સાંભળીને ઈકોગુરુ તો બહાર ચાલ્યા ગયા. તેઓ પોતાના ઉતારે ગયા. તેમણે સ્નાન કર્યું અને સુંદર રેશમી ઝભ્ભો ધારણ કર્યો. આ નવા પરિવેશમાં તેઓ શ્રીમંત યજમાનને ઘેર તેમની મિજબાનીના સ્થાને આવ્યા. તેમને આવતાં જોઈને તે શ્રીમંતે ગુરુજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રીમંત યજમાન અને તેમના મિત્રો ગુરુજીને આદરપૂર્વક ભોજનસ્થળે દોરી ગયા. સૌએ તેમને તેમના માટે ખાસ તૈયાર કરેલા ઉચ્ચ આસન પર બેસવા પ્રાર્થના કરી. પણ ઈકો ગુરુ જેમનું નામ ! તેઓ પોતાના માટે નિયત કરેલ ઉચ્ચ આસન પર બેઠા નહિ.
ઈકો ગુરુએ પોતાનો રેશમી ઝભ્ભો કાઢીને તેને સુંદર રીતે ગોઠવીને તે ઉચ્ચ આસન પર મૂક્યો. પછી પોતે એક બીજો સાદો ઝભ્ભો પહેરી લીધો. આટલું કર્યા પછી ઈકો ગુરુએ પોતાના ઊચ્ચ આસન પર ગોઠવેલા તે સુંદર રેશમી ઝભ્ભાને ખૂબ નમીને પ્રણામ કર્યા. પછી તેમણે ઝભ્ભાને પ્રાર્થના કરી :
‘આ બધો તમારો જ પ્રતાપ છે. તમારા માટે જ આ મિજબાની ગોઠવાઈ છે. હવે આપ ભોજન ગ્રહણ કરો.’ આટલું બોલીને ઈકો ગુરુ તે ઉચ્ચ આસનની સામે હાથ જોડીને બેસી ગયા. ગુરુના આવા વ્યવહારને જોઈને શ્રીમંત યજમાનને નવાઈ લાગી. તેમણે ઈકો ગુરુને પૂછ્યું :
‘અરે, ગુરુમહારાજ ! આપે આમ કેમ કર્યું ? આ આસન તો આપના માટે જ ગોઠવવામાં આવ્યું છે. તેના પર બેસવાને બદલે આપ નીચે કેમ બેસી ગયા ?’
ઈકોગુરુએ શ્રીમંત યજમાનને ઉત્તર આપ્યો : ‘શેઠજી ! મને તો લાગે છે કે તમે મને નહિ, પરંતુ મારા આ રેશમી ઝભ્ભાને જ નિમંત્રણ આપ્યું છે. જ્યારે હું સાવ સાદા વસ્ત્રોમાં અહીં આવ્યો હતો ત્યારે તમે મને ભિખારી ગણીને કાઢી મૂક્યો હતો. હવે હું જ્યારે આ રેશમી ઝભ્ભો પહેરીને આવ્યો છું ત્યારે તમે મને ઊચ્ચ આસને બેસાડીને આદર આપવા માટે તત્પર થયા છો. તેનો અર્થ તો સ્પષ્ટ રીતે એમ જ થાય છે કે તમે મને નહિ, પરંતુ આ રેશમી ઝભ્ભાને નિમંત્રણ આપ્યું છે અને તેને જ આદર આપો છો. તેથી જ મેં તમારા આ આદરણીય રેશમી ઝભ્ભાને ઊચ્ચ આસને બેસાડ્યો છે. અને હું તેમની સામે નીચે બેસી ગયો છું.’ ગુરુજીના આ શબ્દો સાંભળીને તે સ્થાને ઉપસ્થિત તે શ્રીમંત યજમાન અને તેમના સર્વ મિત્રોની આંખો ઊઘડી ગઈ, સાન ઠેકાણે આવી.
જાણ્યે કે અજાણ્યે આપણે વ્યક્તિના બાહ્ય દેખાવને, તેના વસ્ત્રાલંકારોને મહત્વ આપીએ છીએ. આપણે વ્યક્તિના હોદ્દાને, તેમના ધનને, માલમિલકતને અને તેમની દુન્યવી પરિસ્થિતિને મહત્વપૂર્ણ ગણીએ છીએ. ગુરુ ઈકો અહીં પોતાના આ વ્યવહાર દ્વારા આપણને શીખવે છે કે વ્યક્તિનો બાહ્ય દેખાવ, વસ્ત્રો, હોદ્દો, ધન, માલમિલકત આદિ તત્વો દ્વારા વ્યક્તિનું મૂલ્ય આંકવાની પદ્ધતિ બરાબર નથી. વ્યક્તિનું મૂલ્યાંકન તેના આંતર સત્વ પરથી કરવું જોઈએ. વ્યક્તિને ઓળખવાનો સાચો ગજ પણ એ જ છે કે તેનું આંતરિક સત્વ કેવી અને કેટલી ગુણવત્તાવાળું છે. અંદરનું હીર જ વસ્તુતઃ વ્યક્તિની યથાર્થ મહત્તા નિર્ધારિત કરનાર પ્રધાન પરિબળ છે. જાણ્યે કે અજાણ્યે આપણું મન બાહ્ય દેખાવ, બહિરંગ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જતું હોય છે. અંદરનું સત્વ પારખવા માટે તો અંદરનું સત્વ જોઈએ. આપણે વ્યક્તિને ચર્મચક્ષુથી જોવા ટેવાયેલા છીએ. આ ચર્મચક્ષુને અતિક્રમીને જો આંતર ચક્ષુથી જોતાં શીખીએ તો વ્યક્તિના આંતર સત્વને જોઈ શકાય છે, પારખી શકાય છે.
ઈકો જેવા સદગુરુ આપણને આવા પ્રસંગો દ્વારા સૂચવે છે : ‘ભાઈ ! બાહ્ય પરિવેશ, બાહ્ય દેખાવ ભેદીને જે આંતરિક દૈવત છે, તેને જોતાં શીખો, તેને પારખતાં શીખો.’
Print This Article
·
Save this article As PDF
સુંદર બોધકથા છે. પરંતુ યુગો વહી ગયા તો પણ સમાજમા ચર્મચક્ષુથી વ્યક્તિઓને જોવાનો સીલસીલો મહદઅંશે ચાલુજ રહ્યો છે. ભિખારીના વેશમાં આવેલી વ્યક્તિ ખરેખર વિદ્વાન છે એ કોઈ પણ અન્ય વ્યક્તિને પહેલી નજરે કેવી રીતે ખબર પડે? વિદ્વાન વ્યક્તિ પોશાકનો આડંબર નહિ કરે તો ચાલે પરંતુ સ્વચ્છતાને અને સુઘડતાને પ્રાધાન્ય આપવું જરૂરી ખરું.
સુંદર ઉદાહરણ. પરંતુ….વાસ્તવિક દુનિયામાં લગભગ ૮૦% લોકો ચર્મચક્ષુથી જ વ્યક્તિઓનું આકલન કરે છે. સાંપ્રત સમયમાં તેનું પ્રમાણ કદાચ વધ્યું છે.
મને ઘણીવાર એમ વિચાર આવે છે કે ગાંધીજીએ જો પોતડી ની જગ્યાએ પેન્ટ-શર્ટનો પહેરવેશ સ્વીકાર્યો હોત તો કદાચ તેમને ‘મહાત્મા’ નું બિરુદ ન મળ્યું હોત.
આજે પણ આપણે પેન્ટ-શર્ટમાં રહેલાં વ્યક્તિને ‘સંત’ માનવા ટેવાયેલા નથી. સમાજસેવામાં રત સંસારીઓ ને ઋષિનું બિરુદ આપવા ટેવાયેલાં નથી. દંભ અને ‘વાંઝીયો ત્યાગ’ પૂજાય છે અને સાચા ત્યાગની, સેવાની નોંધ પણ લેવાતી નથી. તેથી જ સાધુ, મુનિ, સંત, મહારાજશ્રી, શ્રી શ્રી, ૧૦૦૮, ૧૦૮ થવાની કે કહેવડાવાની હોડ ચાલે છે.
જેટલો દંભ અને બાહ્ય આડંબર ભારતમાં છે તેટલો કદાચ જ વિશ્વની અન્ય પ્રજાઓમાં હશે.
પ્રસન્ગ ને અનુરુપ કપડા પેરવા જોઇયે
આંતરદ્રષ્ટિને નિખારતું સુંદર દ્રષ્ટાંત.
અંદરનું સત્વ પારખવા માટે તો અંદરનું સત્વ જોઈએ જે દરેક મનુષ્ય પાસે ઉપલબ્ધ નથી.
આપણે વ્યક્તિનું મૂલ્યાંકન ફેસ વેલ્યુ…પરિધાનના આધારે સામાન્ય રીતે કરીએ છીએ પરંતુ સત્વની ઉપેક્ષા કરીએ છીએ.
વર્ષો પહેલાં સચ્ચા જૂઠા ફિલ્મ આવેલી જેમાં કિશોર કુમારના સ્વરમાં એક ગાયન છે..
.
દિલ કો દેખો ચહેરા ના દેખો
ચહેરોને લાખો કો લૂંટા
દિલ સચ્ચા ઑર ચહેરા જૂઠા…
આમ આદમી માટે તો આવી ટૂંકી સમજ પૂરતી છે..!!
આભાર.
કમનસીબે આજે ખરેખર પેકેજીંગનો જમાનો છે. પેકેજ સારુ હશે તો તમારો ભાવ પૂછાશે. પછી તે માણસ હોય કે વસ્તુ, અંદરના સત્વની કદર કરનારા બહુ ઓછા હોય છે.
આભાર,
નયન
સુન્દરતા અએ પ્રભુ ની ભલમણ પત્રિ છે. વ્યક્તિ ની બાહ્ય સુન્દરતા થી થોડો વખત આંજિ શકાય છે પણ તે લાંબો સમય ટકતું નથી. સાચી પ્રતિભા થોડા વખત માં સમજાઈ જાય છે.
સુંદર પ્રેરણાદાયી બોધકથાઓ