જેવી મતિ તેવી ગતિ – વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

કહે છે કે માણસની અંતિમ વેળાએ જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. આને કેટલાક લોકો વિનોદમાં કે સ્વાર્થમાં એવી રીતે મૂલવતા હોય છે કે જિંદગી આખી ગમે તેમ કરો, છેવટે પ્રભુનું નામ લઈ લેવાનું એટલે બેડો પાર. દલીલ તરીકે વાત તો વજૂદવાળી છે પણ એ શક્ય છે ખરું ? જો એમ થઈ શકતું હોય તો પછી સદાચાર જેવું કંઈ રહે જ નહીં. આખી જિંદગી બાવળિયાં વાવ્યાં હોય તો અંતકાળે રસીલી કેરીની યાદ આવે એ શક્ય નથી.

આ બાબતમાં વિનોબાજીનો એક પ્રસંગ યાદ આવે છે. એમના નાનપણનો આ પ્રસંગ છે. એમનાં દાદીમાં વૃદ્ધ થયાં ત્યારે એમની યાદશક્તિ એકદમ ઘટી ગયેલી. કબાટમાંથી કશુંક લેવા ઊભાં થાય અને કબાટ ખોલીને પછી ઊભાં રહે. ભૂલી જાય કે શું લેવા ઊભાં થયાં છે ! પૂછે, ‘અલ્યા વિન્યા, હું શું લેવા ઊભી થઈ ?!’ વિનોબા જવાબ દેતા કે ‘દાદીમા, એ મને કેમ ખબર પડે ? તમારા મનની વાત હું શું જાણું ?’ ટિપ્પણ કરતાં વિનોબા જણાવે છે કે, ‘મારાં એ જ દાદીમા એ જ વૃદ્ધાવસ્થામાં પચાસ વર્ષ પહેલાં એમની પુત્રવધૂ માટે કરાવેલાં સોનાનાં ઘરેણાંની નાનામાં નાની વિગત કહી બતાવતાં; કારણ કે જિંદગીભર કંઈ-કેટલીય વાર એનું સ્મરણ અને રટણ કર્યા કરતાં.’

એમ જે વૃદ્ધા એક મિનિટ પહેલાં કરેલો વિચાર યાદ રાખી શકતાં ન હતાં, તે પચાસ વર્ષ પહેલાંના દાગીનાની વિગતવાર યાદ ધરાવતાં હતાં. જે વસ્તુનું રટણ રોજ કરો તે જ અણીના વખતે યાદ આવે. આખી જિંદગીમાં કેન્દ્રસ્થાને રહેલો વિચાર જ અંતકાળે યાદશક્તિમાં પ્રથમ સ્થાને રહે. એ ન્યાયી છે અને સકારણ પણ છે. માણસને સ્વપ્નમાં જે જે અનુભવાતું હોય છે એમાં પણ મોટેભાગે જાગ્રત અવસ્થામાં કરેલા કે સેવેલા મનોરથોનું જ પ્રતિબિંબ હોય છે. સતત જે વિચાર મનમાં રમ્યા કરતો હોય, જે આમંત્રણ પાછળ તન-મનની બધી વૃત્તિઓ કેન્દ્રિત થઈ હોય, તે જ સ્વપ્નમાં અને અંતકાળે ઉપર ઊભરી આવે.

હવે જે અવસ્થા છેલ્લે હોય કે જેમાં મન લાગતું હોય તે જ બીજા જન્મમાં પ્રધાન સ્થાને રહે. એટલે સતત નામસ્મરણ કે સદવિચારનું રટણ-આચરણ કરવાનું કહેવામાં આવે છે, તે સાર્થ છે. કોઈ વાર લોકો આની વિરુદ્ધમાં દલીલ કરે છે કે અજામિલે આખી જિંદગી કુકર્મો જ કર્યાં હતાં છતાંય અંતકાળે એમના દીકરાનું નામ નારાયણ કહીને બૂમ પાડી એટલે ભગવાનના ધામમાં ગયો. આ ઉદાહરણ તો લોકોના મનમાં નામનો મહિમા ઠસાવવા માટે કહેવામાં આવે છે, કે પાપી માણસ પણ અંતકાળે પ્રભુને સાદ પાડે તો પ્રભુ દોડી આવે છે. એવી રીતે પ્રભુ આવતાય નથી અને અંતકાળે પાપીને પ્રભુ યાદ આવતાય નથી. ખરી રીતે તો અજામિલનું ઉદાહરણ લોકોને ગેરમાર્ગે દોરનારું છે.

સત્સંગનો મહિમા પણ એટલા જ માટે છે. સત્સંગ એટલે કાંસીજોડાં લઈને કૂટ્યા કરવાં તે નહીં. સદભાવના, સત્કર્મ, સદવાણી, સજ્જનોનો સંગ, સદવાચન એ સર્વ સત્સંગમાં અભિપ્રેત છે. વિચાર એ બહુ જ જબરજસ્ત શક્તિ છે. મારા એક મિત્ર હતા. મને કહેતા, ‘વિઠ્ઠલભાઈ, જાણો છો માણસનું ભલું ક્યારે થાય ?’ પછી એનો જવાબ આપતાં પોતે જ કહેતા કે, ‘જ્યારે અનેક માણસો તમારું ભલું ઈચ્છે, તમને દુઆ દે ત્યારે તમારું કલ્યાણ થાય.’ એમની વાત સો ટકા સાચી છે. વિચાર એ અતિસૂક્ષ્મ સ્વરૂપે રહેલો ભૌતિક પદાર્થ જ છે. એમાં તરંગ હોય છે, ગતિ હોય છે, રંગ હોય છે અને આકાર હોય છે. એ જેટલી તીવ્રતાથી છૂટે કે છોડવામાં આવે તેટલો જ અસરકારક હોય છે. હવે બીજાના વિચારો જો આવું પરિણામ લાવી શકે તો પોતાના વિચારો પોતાને માટે કેટલું અસરકારક પરિણામ લાવી શકે ? વળી સાતત્ય બહુ જ અગત્યની વસ્તુ છે. એક જ વસ્તુ વારંવાર કરવામાં આવે તો તે ટેવમાં પરિણમે છે. સવારમાં રોજ સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે. એ જ સંસ્કાર નાનપણથી જ પાડવામાં આવે છે. પછી એ સંસ્કાર બની જાય છે. ન સ્નાન કરીએ તો ચેન નથી પડતું. જેમ સ્નાન કરવું, દાંત સાફ કરવા, વાળ ઓળવા વગેરે ટેવો પાડવામાં આવે છે તો પછી એ રોજિંદો ક્રમ બની જાય છે તેમ સદવિચાર, સદચિંતન, સદવાચન વગેરે પણ રોજ કરવામાં આવે તો એક સંસ્કાર બની જશે અને અંતે એ જ સ્મૃતિમાં ઉપર તરી આવશે.

કોઈ કહેશે કે શું ખાતરી કે આખી જિંદગી સદચિંતન કરીએ તો અંતે પણ એ જ અગ્રસ્થાને રહેશે ? ઉપર જણાવ્યું તેમ એક વસ્તુ તમે વારંવાર કરો તો એ ટેવમાં પરિણમે છે. અને ટેવ એ આંખના પલકારા જેવી છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ પલકારા થયા જ કરે છે. કોઈ માણસને અપશબ્દો બોલવાની ટેવ પડી ગઈ છે તો ન બોલવાનું હોય ત્યારે પણ ટેવની પ્રબળતાને લીધે બોલી જવાય છે.

ગુજરાતમાં કેટલાક પ્રદેશોમાં અપશબ્દો બોલવાની આદત જ પડી ગયેલી હોય છે. સ્ત્રીઓ પણ એ શબ્દો સાહજિક રીતે બોલતી હોય છે. એક રમૂજી પ્રસંગ છે. આવા એક પ્રદેશના ભાઈ શહેરમાં મકાન ભાડે શોધવા નીકળ્યા. એક મકાનમાલિક સાથે મકાન ભાડે આપવા બાબત ચર્ચા થઈ. મકાન માલિકે પૂછ્યું :
‘ભાઈ, મૂળ વતન કયું ?’
ભાડે રાખનાર ભાઈએ પોતાના પ્રદેશનું નામ જણાવ્યું. એને મકાનમાલિકે કહ્યું કે, ‘ભાઈ, મારે મકાન ભાડે નથી આપવું.’ ભાડૂઆત કહે :
‘પણ વાજબી ભાડું આપીશું. જોઈએ તો જામીન આપીશું. પણ મકાન ભાડે આપવાની કેમ ના પાડો છો ?’ મકાનમાલિક કારણ નથી આપતા પણ પોતાની વાતને વળગી રહે છે. બહુ આગ્રહપૂર્વક પૂછ્યું, ત્યારે કહ્યું, ‘જો ખોટું ન લગાડશો પણ તમારા લોકો ગાળો બહુ બોલે છે એટલે મારે મકાન ભાડે નથી આપવું.’ પેલા મકાન ભાડે રાખનાર ભાઈ પોતાની સજ્જનતાની ખાતરી કરાવવા ગાળથી જ શરૂઆત કરતાં કહે : ‘…… ગાળ બોલે એ હહરીના બીજા, અમે નહીં.’ તાત્પર્ય કે જ્યારે ટેવ બને છે ત્યારે એ સહજ બની જાય છે, એ માટે પ્રયત્ન કરવો નથી પડતો.

‘મરણે યા મતિ સા ગતિ’ એ અતિપ્રચલિત સૂત્રનું રહસ્ય જ આ છે. જ્યારે માણસના વ્યક્તિત્વમાં જ સજ્જનતા છવાઈ જાય અને એના એકેએક વિચારમાં, એકેએક શબ્દમાં અને એકેએક વર્તનમાં પ્રતિપળે ડોકાયા કરે ત્યારે જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ એ અન્યથા નહીં કરી શકે. પછી અંતકાળ હોય કે બીજી પરિસ્થિતિ હોય પણ માણસનું જિંદગીભરનું સ્મરણ-ચિંતન જ અગ્રસ્થાને રહે. સદવિચાર સાથે માણસ દેહ છોડે તો બીજા જન્મમાં પણ એ જ અગ્રસ્થાને રહે એવો સંતોનો મત વિશ્વસનીય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ – હસમુખ પટેલ
આદર કોનો ? – ભાણદેવ Next »   

5 પ્રતિભાવો : જેવી મતિ તેવી ગતિ – વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ

 1. the central idea indicates Jainisam,as thought means BHAVNA,whatever you constantly think,you become like that.BHAVA Na nirmalta ,leads to suibha karmas,hence one must try to bring goodness to others,and ultimately your soul becomes pure.

 2. જગત દવે says:

  અજામિલનાં ઊદાહરણ જેવા સાવ રેઢિયાળ ઉદાહરણો આપી ને ઘણાં ઘાર્મિકો પોતાની દુકાન ચલાવે રાખે છે. હમણાં જ કોઈ ખાસ સંપ્રદાયનાં ભાઈએ ફેઈસ-બુક પર અમુક ખાસ આકાર-પ્રકારનું તિલક ન કર્યું હોય તો તેવા માણસ ને ‘અધમ’ કહેતાં ઉદાહરણો આપેલાં અને તેની વાહ વાહીમાં કેટલીય ‘કોમેન્ટ્સ’ (મોટા ભાગે યુવાનોની) પણ હતી. આવા કેટલાંય ધાર્મિક ‘ગતકડાં’ આપણે ત્યાં ચાલે છે.

  સદવિચાર કે ચિંતન સારી બાબત છે પણ તેની પાછળ પાછળ આપણે લોકો એ ૨૦,૦૦૦ સંપ્રદાયો ઊભા કરી દીધા છે અને એ બધાં જ તેઓ જે કહે તે જ સત્ય છે તેવું માને છે અને મનાવવા પ્રયત્ન કરે છે અને તેને કારણે સામાજીક સંવાદિતાની જગ્યા એ બસ વિખવાદો જ ઉભા થાય છે.

 3. જય પટેલ says:

  સદવિચાર..સદચિંતન પરનું મનોમંથન શ્રી વિટ્ઠલભાઈ પટેલે ખૂબ સરસ કર્યું.

  સદવિચાર, સદચિંતન, સદવાચન વગેરે પણ રોજ કરવામાં આવે તો એક સંસ્કાર બની જશે…ચોટ કરતું વિધાન.
  જ્યારે આપણે બીજાનું હિત હંમેશા હૈયે રાખીએ ત્યારે આપણને પણ અનાયાસે શુભ સંકેતો મળવા લાગે
  આને ઈશ્વરીય કૃપા પણ કહી શકાય.

  ગુજરાતીમાં એક કહેવત છે…આપણે આપણી લીટી લાંબી કરી લેવી મતલબ બીજાની પાછળ
  આપણો સમય..શક્તિ..ઉર્જા નકામી વેડફવી નહિ..!!
  આભાર.

 4. Kinjal Thakkar says:

  well,if you think its right then it is also the result of your thinking.and if ajamil’s example is you think impossible..then in VEDA so many you find it.But it is ancient and in Hindism it is the Base .Ajamil na prasang ma maru manvu evu 6e ke eno bhale mox n thay pan e mox na marg ma jay to kharo j.just like ahmedabad to gandhinagar java niklya hoy ne pahochya n hoy pan rasto to mali gayo ne…

  and koi tamaru saru vichare te karta tame tamaru ne tamari sathe jodaela hoy tenu saru vicharo to sukhi thavay.

 5. nayan panchal says:

  અજામિલ જેવા ઉદાહરણ અંગે મને પણ ઘણી ગૂંચવણ થતી. આખી જિંદગી પાપ આચર્યા કરો અને છેલ્લે પ્રભુનુ સ્મરણ કરી મોક્ષ પામો. આવુ જ આપણી નદીઓ, તીર્થસ્થાનો વિશે કહી શકાય. ફલાણી નદીના દર્શન કે ફલાણા ધામની યાત્રા સઘળા પાપોનો નાશ કરી દે છે. આવા ઉદાહરણો તો આડકતરી રીતે મોક્ષ પામવાની છટકબારી આપીને પાપવૃતિને ઉત્તેજન આપે છે.

  ધાર્મિક નહીં પરંતુ સદાચારી બનો.
  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.