મારો બાળપણનો ખોરાક – શંભુભાઈ યોગી

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2008માંથી સાભાર.]

મારો જન્મ મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાના મણુંદ ગામમાં ઈ.સ. 1922માં થયો હતો. ગાયકવાડી રાજ્યના આ ગામના પછાત અને ગરીબ રાવળ પરિવારમાં મારો જન્મ થયો ત્યારે જ્ઞાતિના લોકો કામ-ધંધા, મજૂરી, રોજગારી માટે ભટકતા રહેતા. ગધેડાં અને ઊંટ દ્વારા મજૂરી કરવાનો ધંધો વધારે સ્વીકૃત બન્યો હતો. મારા પિતાજી શિક્ષક હોવાથી મને મજૂરી નહીં પણ શાળાએ જવાનો મોકો મળ્યો. તે દ્વારા શિક્ષણનું ક્ષેત્ર વ્યવસાય તરીકે મળ્યું. મારા મિત્રો મજૂરીના કામમાં જોડાયા. હું ધોરણ-7 પછી સીધો જ બાલશિક્ષક તરીકે જોડાયો હતો.

બાળપણમાં માતાનું ધાવણ મળ્યું. તે પછી માએ બકરીનું દૂધ પીતો કર્યો. ત્યાર બાદ તે દૂધમાં ઘેંશ નાખી ખાવાનું શરૂ કર્યું. દૂધના બદલે છાશમાં પણ ઘેંશ નાંખી મા ખવડાવતાં. શાળાએ જતો થયો એટલે ફરવાની, કૂદવાની, દોડવાની ઉંમર આવી. હું અને મારા ભાઈબંધો વગડામાં ફરતા અને વનફળ ખાતા. દાંત અંબાવી નાખે તેવી આમલીના કાતરા અમે ખાતા પરંતુ કૂણી આમલી પહેલાં શોધી લેતા. આંબા ઉપરની કાચી કેરીઓ ખાવાની તો મજા જ કંઈ ઓર હતી. વગડાનાં નાનાં-નાનાં, તીખાં-ગળ્યાં, લાલ-સફેદ ફૂલનો ઝૂમખો અમારું મન મોહી લેતો. તો પાપડિયા થોર ઉપર આવતાં લાલ લાલ રીડવાં ખાવાની મજા પણ અમે લૂંટતા. પણ તેમાં ઝીણાં કાંટા વાગી ન જાય તેની ખૂબ સાવચેતી રાખવી પડતી. અમે નોળ શોધીને ખાતા તો ડોડીના કૂણા પાન અને તે ઉપર લાગતાં કૂણા કૂણા મધુરા ડોડા (જેને અમે ‘વાછી ડોડા’ કહેતા) ખાવાની લિજ્જત તો ખાય તે જાણે ! આ ડોડા ખાવા અમે ખેતર અને નેળિયાં ખૂંદી વળતા. વગડામાં ગુંદી ઉપર આવેલા ગુંદાના ઝૂમખાં દૂરથી જ અમને તેની તરફ ખેંચી જતાં. રસદાર એવાં આ ગુંદાં અમે બીજ સાથે જ ખાઈ જતા. મોટા ફળ વાળા ગુંદાને અમે ‘રા ગુંદો’ કહેતા. આ ગુંદાના પાકાં ફળ પણ અમે ખાતા પણ નાના ગુંદા જેવી મીઠાશ તેમાં મળતી નહીં. રાયણનાં ફળ સૂકવીને તેની કોકડીઓ બનતી જે અમે ખૂબ જ ખાતા. પાકી, મીઠી કેરીઓ ચૂસીને ખાવાની ખૂબ મજા આવતી. પાકી રાયણ, પાકાં જાબું, ચણી બોરનો સ્વાદ ભૂલાતો નહોતો. કડવા લીમડાની લીંબોળીઓ પાકે ત્યારે ચૂસીએ તો મીઠી મધ જેવી લાગે. અમે મિત્રો આ લીંબોળીઓ ચૂસીને ઠળિયા ફેંકી દેતા. અમારા માટે આ બધાં વગડાઉ ફળો સુલભ હતાં અને અમે ઋતુ અનુસાર તેનો ખૂબ સ્વાદ લૂંટતા. ભણવામાં બગીચા-વાડીઓમાં ફળોનાં નામ આવતાં તેના ચિત્રો જોયેલાં ખરાં.

આજના યુગમાં શાકભાજીનું મહત્વ વધ્યું છે. ભોજનમાં એક નહીં પણ બે શાકને સ્થાન મળ્યું છે. બટાટાની સૂકી ભાજી સાથે લીલોતરી શાક તો જોઈએ જ. તે સાથે જાત-જાતનાં ફરસાણ અને ચટણી-અથાણાંનો પાર નહીં. શાકમાર્કેટમાં જઈએ તો લાલ લાલ ટામેટાં, લીલાં લીલાં શાક જોઈને ખાવાનું મન થઈ જાય. પરંતુ રાસાયણિક ખાતરોનો અમર્યાદિત ઉપયોગ જંતુનાશક દવાઓનો મારો, ફળ પકવવાની દવાઓ વગેરેના કારણે મન કોચવાયાં કરે તેવી સ્થિતિ. સામે અમારા બાળપણમાં માત્ર છણિયા ખાતરથી જ પેદા થયેલી શાકભાજી-ફળો ખાવા મળતાં. વાડોમાં કુદરતી ઊગેલાં વાડ કારેલાનું શાક, વાડોમાં ઉગેલાં કંકોડા, લૂણીની ભાજી, ખીજડાની શીંગનું શાક તથા કઢી થતાં. ડુંગળીનો વપરાશ થતો પણ તેનો કાચો ઉપયોગ ખૂબ થતો. શહેરી શાકભાજીનો ઉપયોગ ગામડાઓમાં તદ્દન નહીંવત થતો. હું ત્રીજા ધોરણમાં ભણતો ત્યારે એક દિવસ અમારે ઘરે બટાટાનું શાક ખાધેલું તે હજુયે યાદ છે. પણ પછી ઘણાં વર્ષો સુધી તે જોવા મળેલું નહીં. લાંબા અંતરાલ પછી જોવા મળ્યું કે સર્વ શાકભાજીઓમાં બટાટા જ મોખરે હતા. આજે પણ છે. ખેતરોમાં પાકતી ગુવારની સીંગ, તુવેરના દાણા, કાળીગડાં, વાલોળની પાપડી… વગેરેનાં શાક અમે ખાતાં. દેવીપૂજક પરિવારો કાકડી, ચીભડાં, ભીંડા, ગુવાર, રીંગણ, લીલાં મરચાં, તુરિયાં, ગલકાં…. વાવતા જેનો અવાર-નવાર અમારા કુટુંબમાં વપરાશ થતો. મુખ્યત્વે છાશ ગામમાં મફત મળતી તેથી તેમાંથી કઢી, ઘેંશ…. વગેરે બનાવવામાં તેનો ઉપયોગ વધારે થતો.

કઠોળમાં મઠ, મગ, તુવર, અડદની દાળનો ઉપયોગ અવારનવાર થતો. ખાસ તો મઠ સસ્તું કઠોળ હતું. તેથી વપરાશ દાળમાં થતો અને મઠ-જુવાર ભેગાં દળીને તેનો રોટલો બનાવી ખાવાનો આનંદ જુદો જ હતો. સામાન્યતઃ અમે મરચું, મીઠું, લસણની ચટણી કરતા. કેટલીક વાર તેમાં કાચી કેરી ઉમેરાતી. છાશ, મરચું અને રોટલો એ ગરીબનો રોજિંદો ખોરાક હતો. આમાંનું એકાદ કરેલ હોય તો, ‘આજે તો બે ધાન રાંધીને ખાધાં’ એમ કહેવાતું. સારું પુછાતું ઘર હોય, થોડીક નાણાંની છૂટ હોય તો બે ધાન થતાં ત્યારે કહેવાતું કે, ‘એના ઘેર તો અડદની દાળ અને રોટલા છે.’ તેથી તે ઘરનાં સંતાનની સગાઈઓ વહેલી થતી. જો કે ઘોડિયામાં જ સગાઈ થઈ જતી. પણ આવા ઘરને ઉપરાઉપર પૂછણાં રહેતાં.

અમારે ઘેર જુવારના રોટલા થતા પણ મારા બાપુજીને તે ખાવાથી પેટમાં પીડા થતી તેથી નાઈલાજે જુવાર બંધ કરીને બાજરીના રોટલા થવા માંડ્યા. પછી જુવાર ગઈ. આખા વર્ષ માટે ત્રણ મણ ઘઉં ખરીદતા. જે ઉનાળામાં કેરીની સીઝનમાં રસ-રોટલી ખાવા માટે તેમજ કોઈ મહેમાન આવે તો શીરા-કંસાર બનાવવા માટે રાખતા. ગોળ માટલામાં બંધ રાખવામાં આવતો. ચા તો ગોળની જ બનતી. ખાંડ ભાગ્યે જ જોવા મળતી. હું ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે ચા માટીની દોણીમાં થતી જોઈ છે. પણ છોકરાંને ન અપાય તેવી માન્યતા અનુસાર અમને મળતી નહીં. પરંતુ એક વાર કુટુંબના વડીલ સાથે બહારગામ મહેમાનગીરીએ જતા ત્યાં તાંસળું ભરીને ચા પીવા મળેલી. બે-ત્રણ દિવસ રહ્યા ત્યાં સુધી ચા પીધી. પરત આવ્યા ત્યારે ચાનો ચસકો લાગ્યો હતો ! ચામાં ગોળની જગ્યાએ ખાંડ નાખવી જોઈએ, તેની ખબર જ નહોતી પણ એક શહેરી મહેમાન અમારે ત્યાં આવેલા ત્યારે તેમની સૂચનાથી ખાંડની ચા બનાવેલી, પછી મહેમાનો માટે ખાંડની જ ચા બનાવતા. મહેમાન આવે ત્યારે ચોખા રંધાતા. તેમાં ગોળ-ઘી અપાતાં. પણ તે તો અવસર-પ્રસંગે જ. સામાન્યતઃ કોઈ પણ મહેમાન હોય તો મરચાની ચટણી, રોટલો, છાશ, ઘેંશ આપવામાં આવતું. રોટલા કે રોટલી પર ઘી ચોપડવાની પ્રથા જ નહોતી. મહેમાન માટે ચોખા, શીરો, ઘઉંની સેવ, કંસાર, માલપૂડા વગેરે વાનગીઓ બનતી.

મારા માતુશ્રી વહેલી પરોઢે ઊઠે. તેઓ ઘંટીમાં દળણું દળે, ત્યારે ઘંટીના ઘેરા અવાજમાં ઊંઘની મીઠાશ અમે લૂંટતા. એ જમાનામાં આજના જેવી અનાજ દળવાની યાંત્રિક ઘંટી ક્યાંય હતી નહીં, હાથે જ દળણું દળવામાં આવતું. પાણીની વપરાશ માટે કૂવા પર વિશેષ આધાર રાખવામાં આવતો. નહાવા-ધોવા, રસોઈ…. વગેરે માટે કૂવેથી સીંચીને પાણી લાવવું પડતું. આ કારણે પાણીનો બચાવ થતો અને કાદવ-ગંદકી પણ ઓછાં થતાં. અમારા વાસમાં ‘જોઈતીમા’ હતાં. તેમની આ તબક્કે યાદ આવે છે. કોઈક માંદું પડે તો તેઓ તેની ખબર પૂછવા તરત દોડી જાય, દેશી દવાઓ બતાવે અને ઓસડિયાં કરે. એ વખતે સહુ માનતા કે માંદા પડીએ ત્યારે ન ખાઈએ તો જલદી સાજા થઈ જવાય, પણ જોઈતીમા તો ઘેંશ-મોળી છાશ કે બકરીના દૂધમાં બરોબર ડૂવો તૈયાર કરે અને પિવડાવે. ‘પી જા… પી જા….’ એમ કીધા કરે. આમ તાવ જતો રહેતો. શક્તિ આવતી. ઊભા થઈ જવાતું, આજે એ જોઈતીમા નથી અને તેમના જેવું હેતથી ખબર-અંતર પૂછનારું પણ કોઈ નથી. સૌ સૌની મેળે દવાખાને પહોંચી જાય અને પાંસરા પણ થઈ જાય.

રસોઈમાં તલના તેલનો અને સરસિયાનો જ વપરાશ થતો. મગફળીનું તેલ જ્યારે સૌ પહેલી વાર આવ્યું ત્યારે બધાં કહેતાં, ‘આવું તેલ તો ખવાય ?’ તે વખતે ‘શાક-રોટલો’ નહીં પણ ‘દાલ-રોટી’ કહેવાતું. મસાલામાં મીઠું, મરચું, હળદર વપરાતાં. કોઈક કાળાં મરી ઉમેરતા. તૈયાર મસાલો હતો જ નહીં. બધાં જ ઘરોમાં આ મસાલા પીસીને દાળ-શાક કઢીમાં વપરાતો. પૂરી-ભજિયાં બનાવવાનું કોઈની જાણમાં નહોતું. માત્ર શહેરમાં જવાનું થાય ત્યારે જ તે જોવા મળતું. પછાતવર્ગનાં કુટુંબોમાં અથાણાં બનતાં જ નહીં. સુખી લોકો તે બનાવતા. ખીચડી ક્યારેક થતી. તેય ચોખાની, બાજરીની, કોદરાની, બંટી બાવટાની થતી. તેમાં તલનું તેલ નાખીને ખાવાની મજા પડતી.

બાળપણમાં જ સગાઈ થઈ જતી. લગ્ન સગાઈ બાદ પણ બાલ્યાવસ્થામાં જ અનુકૂળ સમયે કરવામાં આવતાં. તે વખતે રસોઈમાં માટીનાં વાસણોનો વિશેષ ઉપયોગ હતો. તેમાં જ રંધાતું. સ્ટીલ તો હતું જ નહીં. કાંસાની થાળી, તાંસળાં વધુ વપરાતાં. પછી પિત્તળ એલ્યુમિનિયમ આવ્યું. ઘી એક રૂપિયામાં આજના એક કિલોગ્રામ જેટલું (બશેર) મળતું. પણ તલના તેલની વપરાશ વધુ રહેતી. છાશ ગામડાં માટે ‘અમૃત’ની ગરજ સારતી હતી. તે મફત મળતી હતી. ‘છાશના પૈસા ન લેવાય.’ તેવી માન્યતા તે વખતે બધા વર્ગોમાં હતી. એ વખતે તાજી તાજી… મીઠી… મધુરી… છાશ પીધાની મજા હજુય યાદ આવે છે. આજની છાશ કરતાં એ વખતની છાશ સાચા અર્થમાં અમૃત સમાન હતી. ચૉકલેટ, ગોળીઓ, આઈસ્ક્રીમ, બિસ્કિટ… આ કે આવું બધું અમારી કલ્પનામાંય નહોતું. એ જમાનો નોખો હતો. કાળક્રમે તેમાં નવું નવું ઉમેરાતું ગયું અને કેટલુંક ઉત્કૃષ્ઠ એવું લુપ્ત થતું ગયું. આજની શાકભાજી, અનાજ, ફળો વગેરેમાં વૈજ્ઞાનિક સિદ્ધિઓના સથવારે અનેક પરિવર્તનો આવ્યાં છે. પરંતુ સજીવ ખાતરો અને નૈસર્ગિક જંતુનાશકોની તોલે તે આવી શકે તેમ નથી. પ્રદૂષણોથી લદાયેલા પરિસરમાંથી અણિશુદ્ધતાનો ટુકડો શોધવો સાંપ્રતમાં ખૂબ દોહ્યલો જણાઈ રહ્યો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આદર કોનો ? – ભાણદેવ
ઉભયાન્વયી નર્મદા – કાકાસાહેબ કાલેલકર Next »   

11 પ્રતિભાવો : મારો બાળપણનો ખોરાક – શંભુભાઈ યોગી

 1. નિરવ ભીંડે says:

  બીજું બધું તો ઠીક પણ મફત ની છાશ તો મેં પણ રાજકોટ જેવા શહેર માં ૨૦૦૦ ની સાલ સુધી પીધી છે . . .
  ઉનાળા માં રાજકોટ માં તમને દર કિલોમીટરે જલારામ ના મફત છાશ કેન્દ્રો મળી જતા . . .
  છેલ્લા દસ વરસ માં શું હાલ છે એ નથી ખબર . . .

 2. Rita says:

  આટલુ શુધ્ધ ખાવાનું હવે ક્યા મળે છે. હવે તો બધે જ ભેળસેળ ચાલે છે. બાકી નાના હતા ત્યારે ગામડે જતા અને ત્યાંનો દુધ ને રોટલો ખાવાની ખુબ જ મઝા પડતી. મામી પાસે જ્યારે પણ ધુધ ને રોટલો આપો એમ કહેતા ત્યારે મામા હંમેશા મઝાક કરતા કે શું ધુળ ને રોટલો…… આજે એ બધી યાદો તમે તાજી કરાવી દીધી. તમારો ખુબ ખુબ આભાર

 3. Mitul says:

  આજે હજિ પન અમારે ગમડે છાછ મફત મલે છે પન ડેરી વાડા ના કલેક્સ્ન સેન્ટરો થય ગયા એટલે તાજિ નથિ મલતિ…. આમા થિ ઘની મજા મે પન મારા બાલપન મા લીધી છે.

 4. nayan panchal says:

  મેં તો આમાંથી બહુ ઓછી મજા બાળપણમાં લીધી છે. ઝાડ પર ચડીચડીને ગુલમ્હોરના ફૂલની પાંખડીઓ ખાધાનુ યાદ છે. દેશી ગુલાબતો હજી પણ ખાવા મળે છે. બાકી લેખકે વર્ણવેલી આટલી બધી સાહ્યબી નથી ભોગવી. મીઠી ઇર્ષા થઈ આવી.

  આભાર,
  નયન

 5. Kaushal Patel says:

  maara pitajii ae aa lekh maaM kahel chhe tem ghaNaaM bor, raayaN, TeTaa vigere khaadhaa chhe. huM samajaNii thaee tyaare ame shaher maaM rahevaa aavyaa. ame zaaD par thii siidhaa fal ful ne badale, shaak vaalaa bhaaee nii laari maaM thii laee ne khaadhaa chhe. aahiiM americaa maaM maaraa chhokaraaM besil, fudino, TaameTaaM vagere kunDaaM maaM ugaaDi ne vaapare chhe. Aa majaa badhaa e lidhii chhe. fakt swarup judaa chhe.

 6. pragnaju says:

  આજની શાકભાજી, અનાજ, ફળો વગેરેમાં વૈજ્ઞાનિક સિદ્ધિઓના સથવારે અનેક પરિવર્તનો આવ્યાં છે. પરંતુ સજીવ ખાતરો અને નૈસર્ગિક જંતુનાશકોની તોલે તે આવી શકે તેમ નથી. પ્રદૂષણોથી લદાયેલા પરિસરમાંથી અણિશુદ્ધતાનો ટુકડો શોધવો સાંપ્રતમાં ખૂબ દોહ્યલો જણાઈ રહ્યો છે.
  ચિંતન કરવા જેવી વાત સદનસીબે અમને તો બાળપણમા કુદરતી ખોરાક મળ્યો છે

 7. જય પટેલ says:

  બાળપણનાં સંસ્મરણો તાજાં થયાં.

  કુદરતનાં ખોળે ખોવાઈએ તો કેટકેટલું મળે. સૌથી વધારે તો સ્વની ઓળખ થાય.
  લેખકે શાકભાજી..ધનધાન્ય વગેરે યાદ કર્યા છે. શુધ્ધ શાકભાજી ઉપલબ્ધ થાય તે હજી પણ આપણા જ હાથમાં છે.
  બંગલામાં રહેતા હોઈએ તો બગીચાનો મોહ થોડો ઓછો કરી શાકભાજી માટે જમીન ફાળવી શકાય અને ફૂલોના પ્લાન્ટ
  ફૂંડામાં ટ્રાન્સફર કરી શકાય.

  સર્વશ્રી ભગીરથ બ્રહ્મભટ્ટ અને મણિલાલ પટેલની શૈલીમાં ગ્રામ્યજીવનનો ધબકાર ઝીલતો સુંદર લેખ.
  આભાર.

 8. Viral says:

  Hi,

  I am from same place ( manud), Today, i am in US, i read this today morning when i was in my cube.
  cannot find more word here, but thank you very much.
  Still cannot forgot railway station and bordi around station.
  Thank you sir..

 9. yogesh says:

  Probably, 50-60 yrs from now, our children when they become grandparents, they will be telling their grand kids different story. For example, they will be telling them that when they were young, they use to have cereals and milk, how tasty it was and use to drink pepsi or coke by dozens.

  They will be missing fast food(burger, pizza whatever) so much. If their grand kids dont have glasses, they will be so sad and may be upset that these kids did not play videogames so they did not get glasses. how unlucky.:-)

  Bottomline, yes i agree with the author, their generation probably lived more healthy life then what we r living now a days.

  thanks
  yogesh.

 10. શૈલેશ પ્રજાપતિ says:

  બાળપણ મા અમે પણ ઝાડ પરથી બોર તોડી ને ખાધા હ્તા
  બાળપણ ના દિવસો તાજા થયા……..

 11. જગત દવે says:

  ભુતકાળનાં સુંદર દસ્તાવેજ જેવો લેખ. ત્યાર પછીનાં જીવનધોરણમાં ધણો સુધારો પણ થયો છે અને બદલાવ પણ આવ્યો છે. બાળપણની સાથે એ ફુરસતનો સમય પણ ચાલ્યો ગયો છે. જો કે મારી પેઢીને (અથવા મને) આ બાબતમાં સૌથી વધુ ભાગ્યશાળી માનુ છું. થોડો મારો બાળપણનો (મારા બાળ મિત્રો સાથે નો) ખોરાક પણ લખવાની લાલચ નથી રોકી શકતો.

  ગુલમહોરનાં ફુલ, બાવળની શિંગ, લિંબોડી, પીપરનાં પાન, બોર, કેરડાં ચોળીની શિંગ, વડનાં ટેટાં, આંબલી, જાસુદનાં ફુલ, ગુલાબનાં ફુલ વિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.