ગિફટ વાઉચરની વ્યથાકથા – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ્’ પુસ્તકમાંથી સાભાર.]

કેટલાક સમય પહેલાં એક મિત્રને એમની સાહિત્યિક પ્રવૃત્તિમાં મેં થોડી મદદ કરેલી. મેં કરેલી મદદ તો ઘણી સામાન્ય હતી, પણ મિત્રે એના બદલામાં મને અમદાવાદની એક બહુ જાણીતી પુસ્તકોની દુકાનનું ગિફટ વાઉચર ભેટ આપ્યું. હું ઈચ્છું ત્યારે સાડાત્રણસો રૂપિયાની કિંમતનાં પુસ્તકો આ ગિફટ વાઉચર દ્વારા એ દુકાનમાંથી મેળવી શકું – એવી મિત્રની ભાવના હતી.

પુસ્તકો હું ક્યારેક ખરીદું છું; તેમ છતાં, મને પુસ્તકો ભેટમાં મળે છે ત્યારે વિશેષ આનંદ થાય છે. મિત્રે ગિફટ વાઉચર આપ્યું એટલે ‘આવી કશી જરૂર નથી. મેં કંઈ એવી મોટી મદદ કરી નથી’ વગેરે વગેરે કહેવાનો વિવેક મેં કર્યો. આ વિવેક મેં હૃદયપૂર્વક કર્યો હતો, તેમ છતાં મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે અને મને ગિફટ વાઉચર આપે જ એવો ભાવ પણ ના પાડતી વખતે સમાન્તરે હૃદયમાં ચાલતો હતો એટલે ગિફટ વાઉચર લેવાની ના પાડવામાં હું જોઈએ એવું બળ પ્રગટ કરી શક્યો નહોતો. મિત્ર પોતાની વાતમાં મક્કમ રહે ને મને ગિફટ વાઉચર આપે જ એવા મારા હૃદયભાવને પ્રભુએ પણ અનુમોદન આપ્યું. પરિણામે મિત્ર ગિફટ વાઉચર આપીને જ રહ્યા.

ગિફટ વાઉચર દ્વારા મારે એક-બે પુસ્તકો જ પસંદ કરવાનાં થવાનાં એની મને ખબર હતી, પણ પુસ્તકોના વિશાળ ભંડારમાંથી એક-બે પુસ્તકો પસંદ કરવાનું સહેલુંય નહોતું – મારે માટે તો નહોતું જ. એની પણ મને ખબર હતી. એટલે થોડો નિરાંતનો સમય હશે ત્યારે પુસ્તકો લેવા જઈશ એમ વિચારી ગિફટ વાઉચર ક્યાંક સાચવીને મૂક્યું. કોઈ અગત્યનો કાગળ કે ચીજવસ્તુ સાચવીને એવી રીતે મૂકવી કે જોઈએ ત્યારે ફટ દઈને જડી જાય. આવી સલાહ મને પુસ્તકો દ્વારા, ઘરના સભ્યો દ્વારા, મિત્રો દ્વારા અનેક વાર આપવામાં આવી છે. આ સલાહનું પાલન કરવાનો મેં યથાશક્તિમતિ પ્રયત્ન કર્યો છે. સાચવીને મૂકેલી ચીજવસ્તુઓ જડી પણ આવે છે, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે અગાઉ નહિ જડેલી કોઈ ચીજ જરૂર મળી આવે છે; જેમ કે, બસના ટાઈમટેબલની ચોપડી શોધતી વખતે બૅન્કની પાસબુક મળી આવે એવું બને છે.

ગિફટ વાઉચર મળ્યા પછી, બે-ચાર વાર પુસ્તકો લેવા જવાનો નિરાંતનો સમય મળ્યો, પણ એ વખતે ગિફટ વાઉચર ન મળ્યું – નિરાંતનો પૂરો સમય ગિફટ વાઉચર શોધવામાં ગાળવા છતાં ન મળ્યું. પણ એક દિવસ એકાએક ગિફટ વાઉચર મળી આવ્યું. ઈન્ડિયાની શોધમાં નીકળેલા કોલંબસને અમેરિકા મળી આવ્યું હતું તેમ. એક દિવસ હું ગુંદરની શીશી શોધતો હતો ત્યારે ગિફટ વાઉચર મળી આવ્યું. (અનધિકૃત રીતે અમેરિકામાં ઘૂસી જવાની પ્રથા કોલંબસ જેટલી જૂની છે.) ગિફટ વાઉચર મળી આવ્યું તે દિવસે મારે અનેક કામો હતાં, પણ આજે જો ગિફટ વાઉચર પાછું મૂકી દઈશ તો જોઈએ ત્યારે નહિ જડે એટલે ‘સર્વ ધર્માન પરિત્યજ્ય’ ગિફટ વાઉચર વટાવવા જવાનો મેં નિર્ણય કર્યો. ગિફટ વાઉચર એ જ વખતે મેં પેન્ટના ખિસ્સામાં મૂકી દીધું.

પરવારી કરી હું ગિફટ વાઉચર વટાવવા નીકળ્યો. પુસ્તકોની આ દુકાન જાહેર રસ્તા પર આવેલા એક શૉપિંગ સેન્ટરના ભોંયરામાં છે. આ બુક શૉપ વિશે મેં સાંભળ્યું હતું, પણ ભોંયરામાં રહેલો પુસ્તકોનો આ ખજાનો આ પૂર્વે મેં જોયો નહોતો. મારી આ પહેલી મુલાકાત હતી. બાળવાર્તાઓમાં આવા ભોંયરામાં રહેલા ધનના ખજાનાની અનેક વાતો મેં વાંચી હતી. એ વખતે કલ્પનાવિહાર કરી આવો ખજાનો મેળવવા અનેક વાર હું આવા ભોંયરામાં પહોંચી ગયો હતો. પણ આજે પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં સદેહે પહોંચી જવાનો અનોખો રોમાંચ હું અનુભવી રહ્યો હતો. સ્કૂટર પાર્ક કરી, હું પુસ્તકોના ખજાનાવાળા ભોંયરામાં ઊતર્યો. પુસ્તકોનો ખજાનો જોઈ હું છક થઈ ગયો. પુસ્તકો ! પુસ્તકો ! બસ પુસ્તકો ! અનેકાનેક ઉત્તમ પુસ્તકોમાંથી ક્યાં એક-બે પુસ્તકો લેવાં તે પ્રશ્ને હું ઠીકઠીક મૂંઝાઈ ગયો. થોડાંક પુસ્તકો ગમ્યાં પણ એની કિંમત ઘણી વધારે હતી. મને ખૂબ ગમી ગયેલું એક પુસ્તક તો હજાર રૂપિયાની કિંમતનું હતું. સાડા ત્રણસોની ઉપરના પૈસા આપું તો એ પુસ્તક પણ ખરીદી શકું એવી જોગવાઈ હતી, પરંતુ એમ કરવા જતાં પુસ્તક મફતમાં મેળવવાનો અનુપમ આનંદ ગુમાવવો પડે, જે માટે હું તૈયાર નહોતો. સાહિત્યમાંથી બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે એવું કહેવાય છે, પણ મફતમાં મળતા સાહિત્યમાંથી તો કદાચ બ્રહ્માનંદથી પણ અધિક આનંદ મળે છે ! આખરે સાડાત્રણસો રૂપિયાનાં ત્રણ પુસ્તકો મેં પસંદ કર્યાં.

પુસ્તકો લઈ હું ભોંયરાની બહાર આવ્યો, પણ સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હતું અથવા તો જ્યાં પાર્ક કર્યું હશે એમ હું માનતો હતો ત્યાં સ્કૂટર નહોતું ! સ્કૂટર છેલ્લી લાઈનમાં મૂક્યું હતું એવું મને ચોક્કસ યાદ હતું, કારણ કે આગળની ત્રણે લાઈનમાં ક્યાંય સ્કૂટર મૂકવાની જગ્યા નહોતી. પણ એકાએક મારા મનમાં શંકા થઈ. હું સ્કૂટર લાવ્યો તો હોઈશ ને ! સ્કૂટરની ચાવી મારી પાસે હતી એટલે આમ તો શંકા કરવાનું કારણ નહોતું, પણ અગાઉ એવું બન્યું હતું કે સ્કૂટરની ચાવી લઈને નીચે ઊતર્યો હોઉં ને પછી રિક્ષા અથવા/અને બસમાં બહાર ગયો હોઉં ! પણ હું પુસ્તકોની દુકાને આવ્યો હતો ત્યારે એક યુવાને મને આપેલી સલાહ યાદ આવી. એણે કહ્યું હતું, ‘કાકા, આમ બળદગાડીની ઝડપે સ્કૂટર ચલાવવું હોય તો રસ્તાને છેડે ચલાવો.’ પણ આમ આજે જ કહેવાયું હતું કે ગયા અઠવાડિયે ? – એવી પણ શંકા થઈ, પણ પછી રસ્તામાંથી રવિવારનું છાપું લીધું હતું તે યાદ આવ્યું. તે દિવસે સોમવાર હતો એટલે રવિવારનું છાપું તો તે જ દિવસે લીધું હોય – અને તો હું સ્કૂટર પર જ આવ્યો હોઉં એવું સિદ્ધ થાય. હું સ્કૂટર પર આવ્યો હતો તે નિર્ણય તો થયો, પણ સ્કૂટર ક્યાં ? ‘ઉર્વશી ક્યાં ?’ એવો પ્રશ્ન પુરુરવાને થયો હતો. ‘સીતા ક્યાં ?’ એવો પ્રશ્ન શ્રીરામને થયો હતો. એમ ‘સ્કૂટર ક્યાં ?’ એવો પ્રશ્ન મને થયો. સ્કૂટરવિરહથી વ્યાકુળ થયેલો હું શૉપિંગ સેન્ટરના વૉચમેન પાસે ગયો ને મારું સ્કૂટર ન હોવાનું નમ્ર નિવેદન કર્યું.

‘ચોથી લાઈનમાં મૂક્યું હતું ?’ વૉચમેને પૂછ્યું.
‘હા.’ મેં કહ્યું, ‘ત્યાં જ જગ્યા હતી.’
‘તો કદાચ ટ્રાફિકવાળાઓ ટૉ કરી ગયા હશે.’
‘શૉપિંગ સેન્ટર પાસે મૂક્યું હતું તોય ?’
‘હા, પહેલી ત્રણ લાઈનમાંથી કોઈ લાઈનમાં સ્કૂટર પાર્ક કર્યું હોય તો જ કાયદેસર ગણાય છે.’ મેં આમતેમ જોયું. ન તો આવી સૂચના શૉપિંગ સેન્ટરવાળાએ ક્યાંક મૂકી હતી કે ન તો ટ્રાફિકવાળાએ. વૉચમેન બંધુ પણ સહદેવની જેમ મેં પૂછ્યું ત્યારે જ બતાવી રહ્યા હતા ! આમ પણ આપણે ત્યાં ગુનો ન બને તે માટે શું કરવું તે અંગે ભાગ્યે જ વિચારાતું હોય છે; ગુનો બને પછી શું કરવું એ જ આપણે માટે મુખ્ય બાબત હોય છે.

રિક્ષા કરીને અપહૃત સ્કૂટરની શોધમાં નીકળ્યો. નહેરુબ્રિજ પાસે આવાં બંદીવાના સ્કૂટરો રાખવામાં આવે છે તેવી માહિતીને આધારે પહેલાં ત્યાં જવું એમ વિચારી રિક્ષાને ડાબી બાજુ લેવડાવી. તો નહેરુબ્રિજને બદલે નવરંગપુરા ક્રૉસિંગ આવ્યું. મેં કહ્યું : ‘મારી ભૂલ થઈ. મારે નહેરુબ્રિજ જવાનું છે.’
‘એમાં માફી માગવાની જરૂર નથી. આપણે અહીં સુધી તમારે ખર્ચે જ આવ્યા છીએ અને પાછા પણ તમારા ખર્ચે જ જઈશું.’ રિક્ષાવાળાએ કહ્યું. અમે નહેરુબ્રિજ આવ્યા. અનાથની જેમ મારું સ્કૂટર ત્યાં ઊભું હતું. સો રૂપિયાનો દંડ ભર્યો. મેં કરેલા ગુના બદલ કઈ-કઈ કલમો લાગુ પાડવામાં આવી હતી એ મને સમજાવવામાં આવ્યું. સાડાત્રણસોની ભેટકૂપનમાંથી 130 રૂપિયા (100 રૂપિયા દંડના + 30 રૂપિયા રિક્ષાના) કપાઈ ગયા. ખોટી રીતે પાર્ક કરેલા સ્કૂટરને ઉપાડી જવાના ટ્રાફિક પોલીસના ઉત્સાહની હું કદર કરું છું, પરંતુ લોકો સાચી રીતે પાર્ક કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી થવી જોઈએ એવી વિનંતી કરતો પત્ર આર.ટી.ઓ ને લખવાનો મેં વિચાર કર્યો. પણ પછી પત્ર લખવાનું રહી ગયું એટલે સાડાત્રણસોમાંથી વધુ પાંચ રૂપિયા કપાતા રહી ગયા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુદરતના લય સાથે સાહચર્ય – વીનેશ અંતાણી
ભય – વસુધા ઈનામદાર Next »   

14 પ્રતિભાવો : ગિફટ વાઉચરની વ્યથાકથા – રતિલાલ બોરીસાગર

 1. Labhshankar Bharad says:

  શ્રી. રતિભાઇના લેખોમાં બહુ બારીક અને માર્મિક હાસ્ય વણાયેલુ હોય છે. હાસ્યની સાથોસાથ બોધકથાની ગરજ સારે તેવું ઉત્તમ સાહિત્ય પીરસવા બદલ શ્રી. રતિભાઇ બોરીસાગરને ધન્યવાદ !
  (મોબા-૯૪૨૬૯૪૪૭૦૦)
  રાજકોટ.

 2. Kamlesh Joshi-All Is Well says:

  સાહેબ શ્રી,
  વાત ને ક્યાં થી ક્યાં લઈ ગયા.. તો પણ લેખનની સરળ પ્રવાહિતા ને લીધે ભીતરે અદભુત આનંદ, વિસ્મય અને સરકારી બાબતો અંગે આઝાદ ભારતના નાગરીક ને અનુભવવી પડતી લાચારી બાબતે ખેદ થયો.

  સરળ અને સંવેદન સભર લેખ આપવા બદલ આભાર…

 3. DJ says:

  It felt like happening this to me again. I have gone through same experience at same place. I think, the author is describing a bookshop named Crossword near Navrangpura railway crossing.

  Very good humor.

 4. જગત દવે says:

  કડવું સત્ય અને હાસ્ય એક સાથે. નીચેનાં બંને વાક્યો ચોટદાર.

  “આમ પણ આપણે ત્યાં ગુનો ન બને તે માટે શું કરવું તે અંગે ભાગ્યે જ વિચારાતું હોય છે; ગુનો બને પછી શું કરવું એ જ આપણે માટે મુખ્ય બાબત હોય છે.”

  “ખોટી રીતે પાર્ક કરેલા સ્કૂટરને ઉપાડી જવાના ટ્રાફિક પોલીસના ઉત્સાહની હું કદર કરું છું, પરંતુ લોકો સાચી રીતે પાર્ક કરી શકે એવી વ્યવસ્થા પણ ઊભી થવી જોઈએ”

  ટ્રાફિક આપણે ત્યાં હવે ‘ટેરીફીક’ થતો જાય છે. સરકારનો વસ્તી ઓછી કરવાનો આડકતરો ઉપાય હોય એવું લાગે છે. 🙂

  • Navin N Modi says:

   શ્રી જગતભાઈ,
   આપની ‘ટેરીફીક’ ટ્રાફિક અને વસ્તી ઓછી કરવાની વાત પરથી એવું પણ લાગ્યું કે મોટા શહેરોમાં વાહનોની વસ્તીનું નિયંત્રણ કરવાની ઝુંબેશ – સરકાર જેમ કુટુંબ નિયોજનની ઝુંબેશ ચલાવે છે તેમ – શું જરુરી નથી?

 5. Chintan Oza says:

  વાહ ખુબ સરસ. લેખકશ્રિની વાત સાથે ૧૦૦% સહમત છું. નવરંગપુરા ક્રોસવર્ડ પાસે આવી પરિસ્થિતી ઘણી વાર સર્જાય છે એમાં કોઇ બેમત નથી. બહુ સરસ લેખ છે 🙂

 6. Deval Nakshiwala says:

  સરસ હાસ્યલેખ છે. હસવાની મજા આવી ગઈ.

 7. અશોક જાની 'આનંદ' says:

  રબેત મુજબ રતિલાલભાઇએ મજા લાવી દીધી, હળવાશ સાથે કરેલી ગંભીર ટકોર વિચારવા લાયક ખરી

 8. nayan panchal says:

  મજા આવી ગઈ. આપણા સરકારી વિભાગો સુધરી જશે તો આવા લેખો ક્યાંથી વાંચવા મળશે?

  આભાર રતિલાલભાઈ,
  નયન

 9. hiral says:

  ‘હા, પહેલી ત્રણ લાઈનમાંથી કોઈ લાઈનમાં સ્કૂટર પાર્ક કર્યું હોય તો જ કાયદેસર ગણાય છે.’ મેં આમતેમ જોયું. ન તો આવી સૂચના શૉપિંગ સેન્ટરવાળાએ ક્યાંક મૂકી હતી કે ન તો ટ્રાફિકવાળાએ. વૉચમેન બંધુ પણ સહદેવની જેમ મેં પૂછ્યું ત્યારે જ બતાવી રહ્યા હતા ! ‘

  નાગરિક તરીકે શોપિંગ સેન્ટરવાળાઓ કેમ એક નાનું સરખું બોર્ડ નહિં મૂકતા હોય? આ પણ એક જાતની સેવા જ છે ને!
  વોચમેન લોકોને તો વાહનો જતા જોઇને મજા આવતી હોય છે અથવા એ લોકો પણ વાહન પાર્ક કરતી વખતે કશું કહેતા નથી એવું જોયું છે. અમે એક શોપિંગ સેન્ટરના માલિકને મળવું છે એવું કીધું (ખોટી જગ્યાએ ખોટું બોર્ડ હતું માટે) તો વોચમેન કહે, તમે નવી નવાઇના છો? રોજ અહિં તો કેટલાયના વાહન ઉપડે છે. નથી મળવાનું . થાય એ કરી લો…..
  ટ્રફિકપોલીસને કીધું તો કહે, અમે કેટલાં બોર્ડનું ધ્યાન રાખીએ? તમે શોપિંગ સેન્ટર વાળાને મળો.

  સરસ કટાક્ષ લેખ. કાશ! કોઇ શોપિંગ સેન્ટરવાળા આ લેખ વાંચીને કે કોઇ દુકાનદાર આ લેખ વાંચીને પોતાના એરિયાના લોકોને ઉપયોગી થઇ શકશે. કોઇના પૈસા અને સમય વેડફાતા બચશે.

 10. Anila Amin says:

  જગતભાઈ તેમજ હીરલબેન આપ આપણાદેશની ભ્રષ્ટ સરકાર અને ભ્રષ્ટાચાર વિષે નથી જાણતા ?જો પહેલેથીજ ગુનો અટકાવવાના

  નિયમો જણાવી દે તો લોકોને એના અજ્ઞાન બદલ હેરાનપરેશાન કેવીરીતે કરી શકાય અને લોકોના અજ્ઞાનનો લાભ કઈ રીતે મેળવી

  શકાય.લેખકને પણ એમના અજ્ઞાનનો લાભ મળ્યો ત્યારેતો આપણને આવા વ્યન્ગ્યાત્મક લેખ માણવાનો લાભ મળ્યો ને !

 11. Vaishali Maheshwari says:

  Very humorous article 🙂 Enjoyed reading. Thanks for sharing.

 12. yogesh says:

  ratilal uncle should start taking medicines for a condition called dementia. he needs it.:-) Bau bhulakanaa chho tame to rati uncle.:-) Tame cross words ma gaya hata, description par thi eu lage chhe, jo tame kadach naam bhuli gaya hov to.:-)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.