કુદરતના લય સાથે સાહચર્ય – વીનેશ અંતાણી
[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.]
સફળ જીવન જીવવા માટેની ચાવીઓ આપતા વિચારકો ચિંતા કરે છે કે અત્યારના સમયમાં માનવજીવન તકલાદી બની ગયું છે. એમની ચિંતા યાંત્રિક બની ગયેલા જીવન અંગે છે – ને તે ચિંતા પાયા વિનાની નથી. માત્ર વયસ્કોના જ નહીં, બાળકોના જીવનમાં યાંત્રિકતા આવી ગઈ છે. બાળકોને બાળસહજ બાળપણ જીવવા મળતું નથી. વયસ્કોનું જીવન અનેક પ્રકારના દબાણોથી દબાઈ ગયું છે. લોકો જીવનનો સાદો-સાચો લય ગુમાવી બેઠા છે. જવાબદારીઓ વધી ગઈ છે. ચોવીસે કલાક જાતજાતની હઠીલી માગણીઓ આપણા જીવનને છિન્નભિન્ન કરી રહી છે. આ પ્રકારની યાંત્રિકતા માણસને થકવી નાખે છે. થાકથી હતાશા જન્મે છે. જીવનમાં પ્રસન્નતાની માત્રા ઘટી ગઈ છે.
લોકો પ્રસન્નતા મેળવવા માટે જે ઉપાયો અજમાવે છે તેમાં પણ કૃત્રિમતા આવી ગઈ છે. કશું જ સાહજિક રહ્યું નથી. સાહજિકતા મેળવવી હોય તો કુદરતમાં વ્યાપ્ત લયને ઓળખવો પડે. કુદરતના લયમાં તીવ્ર ગતિ હોતી નથી, એક પ્રકારની સહજ-સ્વાભાવિક ધીરગંભીર ગતિ અને ગરિમા હોય છે. સમજુ લોકો કહે છે તેમ આપણા શરીરમાં વહેતા લોહીની ગતિને કુદરતના સાહજિક લય સાથે તાલમેલ સાધવો જરૂરી છે. એ લય જ્યારે તૂટે છે, એની ગતિનો ભંગ થાય છે ત્યારે માણસમાં શારીરિક અને માનસિક બીમારીઓ દેખાવા લાગે છે.
લોકો એમના ‘રોજિંદા’ જીવનથી છૂટવા માટે પ્રવાસે જાય છે, જેથી એકની એક જીવનપ્રવૃત્તિની યાંત્રિકતામાં બદલાવ આવે છે. તેમ છતાં મોટા ભાગના લોકો માટે પ્રવાસનો અર્થ ‘મોજમજા કરવા જેવું’ એવો જ થઈ ગયો છે. અનેક પ્રવાસધામો-રિસોર્ટ્સ વગેરે ધરખમ કમાણી કરવા લાગ્યાં છે. લોકો ધાર્મિક સંદર્ભમાં પણ યાત્રા કરવા જાય છે. એમાં કુદરતી સ્થળોમાં જઈ ઈશ્વરની નજીક પહોંચવાની વૃત્તિ રહેલી હોય છે. ઈશ્વરની નજીક જવું એટલે કુદરતની નજીક જવું. એથી જુદા જ પ્રકારની અવર્ણનીય શાંતિનો અનુભવ થાય છે. જે લોકો માત્ર મોજમજા કરવા ફરવા જાય છે તેઓ એમની સાથે શહેરી યાંત્રિક મર્યાદાઓને પણ સાથે લઈને જાય છે. નદીના પ્રવાહનો શાંત-ખળખળ ધ્વનિ, પર્વતોની અદ્દભુત નીરવતા જેવા અનુભવોમાં લીન થઈ જવું આપણે વીસરી ગયા છીએ. લોકો જંગલમાં પણ ઘોંઘાટિયું સંગીત સાંભળવાનાં સાધનો સાથે લઈને જાય છે. એમને વહેલી સવારે ખીણોમાંથી ઊઠતા ધુમ્મસ જોતા રહેવાથી મળતી માનસિક શાંતિમાં રસ પડતો નથી. કુદરતી સૌંદર્યથી છલોછલ સ્થળોમાં પણ આપણે હોટલ કે રિસોર્ટના રૂમમાં બેસીને ટીવીની ચૅનલો ફેરવ્યા કરીએ છીએ.
એક લેખકે લખ્યું છે : ‘જંગલો ક્યારેય નિષ્ક્રિય હોતાં નથી. એમાં અવિરતપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે, છતાં જંગલો એમની અમર્યાદ પ્રવૃત્તિઓ વિશે ઘોંઘાટ કરતાં નથી. પ્રકૃતિના ધ્વનિઓ હંમેશાં શાંત અને લયબદ્ધ હોય છે.’ જીવનની તીવ્ર ગતિના ગેરલાભો વિશે ચિંતિત અને તેમાંથી માર્ગ બતાવતા વિચારકો કહે છે કે જિંદગી ક્યારે જુદાજુદા પ્રકારના કાદવથી લથપથ બની જાય છે તેની આપણને ખબર જ પડતી નથી. એ કીચડ આપણે જાતે જ ઊભો કર્યો હોય છે. માણસને કીચડ ગમતો નથી, પણ એ જાણ્યે-અજાણ્યે કીચડમાં જીવવા લાગે છે. એ કીચડ માણસના મનમાં જ જમા થતો હોય છે. અનેક પ્રકારના તનાવો, દરેક સ્થિતિ માટે ફરિયાદનો ભાવ, એમાંથી જન્મતી ચીઢ અને નફરતની લાગણી એટલી બધી પ્રબળ બની જાય છે કે તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જ મળતો નથી. બહાર નીકળવાના જેટલા પ્રયાસ કરો એટલા તેમાં ઊંડા ઊતરતા જવાય છે. પરંતુ મહાન વિચારક લાઓ-ત્સેએ કહ્યું છે તેમ, ‘જો તમે થંભી જશો તો કીચડથી દુષિત થયેલું પાણી પણ સ્વચ્છ થઈ જશે.’
થંભી જવું એટલે સદંતર અટકી જવું નહીં. એનો અર્થ છે જીવનની જીવલેણ ગતિમાંથી થોડો વિરામ અને પછી અનાવશ્યક, હંફાવી નાખે, થકવી નાખે, નિચોવી નાખે એવી અવિરત – આંધળી દોટમાંથી બહાર નીકળીને આપણી ચારે તરફ આવેલી કુદરતના સાહજિક લય સાથે આપણા જીવનનો લય જોડવાની તૈયારી. આપણે સમયને સાચા અર્થમાં ઓળખવો પડે – આપણે સમયના ગુલામ નથી, સમયને આપણો તાબેદાર બનાવવો જોઈએ.
Print This Article
·
Save this article As PDF
કુદરત સાથે તાલ મિલાવવા કુદરત ની નજીક રહો
undoubtly today life has become a machine,we run fast and faster but reach nowhere.
One should try to know thyseif,then peace may be achived
માણસ પરેશાન, ભગવાન પરેશાન . . .
માનવ સમાજ કુદરતથી વિમુખ થતો જાય છે. ગ્લોબલ વોર્મિંગ થી યે વધુ ચિંતાનો વિષય વોર્મ થઈ રહેલુ માનવ્ય છે.
સરસ લેખ….
સરસ વાત કહી છે. કુદરતનો ખરો આનંદ માણવા માટે બિનજરૂરી યાંત્રિકતાને બાજુ પર રાખવી રહી તોજ કુદરતના ખોળામા મુક્તપણે વિહરી શકીશું. આભાર.
આપણને કુદરતનો લય દેખાતો નથી કારણ કે આપણે ખરેખર તે લય શોધતા જ નથી.
આભાર વીનેશભાઈ,
નયન
આપણે સમયના ગુલામ નથી સમયને આપણો તાબેદાર બનાવવો જોઇએ” બહુજ સરસ. પ્રવાસે જતી વખતે ઘોઘાટિયા સાધનો સાથે લઈ જવા કરતા પોતે કાઈ નવુ રચવાનીકે પોતાના ગળાને કેળવી શકાય એ માટૅ કુદરત સાથે તાલ મેળવી જાતે કોઇ
રચનાનુ સર્જન કરવુ અને બને એટલી કુદરતને માણવાનો પ્રયત્ન કરવો જોઇએ તોજ પ્રવાસનો સાચો અનન્દ માણી શકાય.
આપણે ત્યાં કુદરતી સ્થળો ને ધાર્મિક બનાવી દેવાના ઊન્માદે કુદરતી સૌંદર્ય નો દાટ વાળી દીધો છે.
કોઈ એક કાળમાં લોકો કુદરતનાં ખોળે બેસી ને જુએ અને ઈશ્વરની મહાનતા આગળ પોતાના અહમને ઓગાળે તેવો હેતુ હશે. પણ હવે તો લોકો સ્વાર્થનાં અને અંધશ્રધ્ધાનાં પોટલાં ઊપાડીને અને માત્ર ઘોડાનાં ડાબલાં પહેરી ને જ આવે છે. સાથે સાથે બધી જ જાતનાં પ્રદુષણોમાં પણ ફાળો આપતાં જાય છે. થોડા જ સમયમાં કુદરતી સૌંદર્યનો નાશ થાય છે પછી શું ત્યાં ઈશ્વર રહેતો હશે????
ખુબ સરસ વાત. થોડું આત્મ નિરીક્ષણ કર્યુ કે આમાં હું તો નથી ને? આજ થી નક્કી કર્યું કે ઘણી વખત હું જ્યારે ઘરે થી કામ કરું છું ત્યારે ટીવી ચાલુ રાખૂં છું એ આજ થી બન્ધ. ઘોઘાટ નુ પ્રદુશન પણ ોછું અને એ બહાને ક્યારેક પક્ષી ના અવાજ કે બાલકો નો કલબલાત તો સાં્ભળાશે.
બીજુ આજ થી મુસાફરી માં આઇપોડ ને ઘરે જ રાખીશ. આજ શુધિ એવુ મનતિ હતિ કે આઇપોડ હોય તો ટાઇમ જાય, રસ્તો કપાય, અને કાન મા હોવને લિધે કોઇ ને અડચણ ના આવે. આ લેખ વાન્ચિ ને ભુલ સમજાયી.
ઈશ્વરની નજીક જવું એટલે કુદરતની નજીક જવું. સાવ સાચી વાત…