- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

કુદરતના લય સાથે સાહચર્ય – વીનેશ અંતાણી

[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.]

સફળ જીવન જીવવા માટેની ચાવીઓ આપતા વિચારકો ચિંતા કરે છે કે અત્યારના સમયમાં માનવજીવન તકલાદી બની ગયું છે. એમની ચિંતા યાંત્રિક બની ગયેલા જીવન અંગે છે – ને તે ચિંતા પાયા વિનાની નથી. માત્ર વયસ્કોના જ નહીં, બાળકોના જીવનમાં યાંત્રિકતા આવી ગઈ છે. બાળકોને બાળસહજ બાળપણ જીવવા મળતું નથી. વયસ્કોનું જીવન અનેક પ્રકારના દબાણોથી દબાઈ ગયું છે. લોકો જીવનનો સાદો-સાચો લય ગુમાવી બેઠા છે. જવાબદારીઓ વધી ગઈ છે. ચોવીસે કલાક જાતજાતની હઠીલી માગણીઓ આપણા જીવનને છિન્નભિન્ન કરી રહી છે. આ પ્રકારની યાંત્રિકતા માણસને થકવી નાખે છે. થાકથી હતાશા જન્મે છે. જીવનમાં પ્રસન્નતાની માત્રા ઘટી ગઈ છે.

લોકો પ્રસન્નતા મેળવવા માટે જે ઉપાયો અજમાવે છે તેમાં પણ કૃત્રિમતા આવી ગઈ છે. કશું જ સાહજિક રહ્યું નથી. સાહજિકતા મેળવવી હોય તો કુદરતમાં વ્યાપ્ત લયને ઓળખવો પડે. કુદરતના લયમાં તીવ્ર ગતિ હોતી નથી, એક પ્રકારની સહજ-સ્વાભાવિક ધીરગંભીર ગતિ અને ગરિમા હોય છે. સમજુ લોકો કહે છે તેમ આપણા શરીરમાં વહેતા લોહીની ગતિને કુદરતના સાહજિક લય સાથે તાલમેલ સાધવો જરૂરી છે. એ લય જ્યારે તૂટે છે, એની ગતિનો ભંગ થાય છે ત્યારે માણસમાં શારીરિક અને માનસિક બીમારીઓ દેખાવા લાગે છે.

લોકો એમના ‘રોજિંદા’ જીવનથી છૂટવા માટે પ્રવાસે જાય છે, જેથી એકની એક જીવનપ્રવૃત્તિની યાંત્રિકતામાં બદલાવ આવે છે. તેમ છતાં મોટા ભાગના લોકો માટે પ્રવાસનો અર્થ ‘મોજમજા કરવા જેવું’ એવો જ થઈ ગયો છે. અનેક પ્રવાસધામો-રિસોર્ટ્સ વગેરે ધરખમ કમાણી કરવા લાગ્યાં છે. લોકો ધાર્મિક સંદર્ભમાં પણ યાત્રા કરવા જાય છે. એમાં કુદરતી સ્થળોમાં જઈ ઈશ્વરની નજીક પહોંચવાની વૃત્તિ રહેલી હોય છે. ઈશ્વરની નજીક જવું એટલે કુદરતની નજીક જવું. એથી જુદા જ પ્રકારની અવર્ણનીય શાંતિનો અનુભવ થાય છે. જે લોકો માત્ર મોજમજા કરવા ફરવા જાય છે તેઓ એમની સાથે શહેરી યાંત્રિક મર્યાદાઓને પણ સાથે લઈને જાય છે. નદીના પ્રવાહનો શાંત-ખળખળ ધ્વનિ, પર્વતોની અદ્દભુત નીરવતા જેવા અનુભવોમાં લીન થઈ જવું આપણે વીસરી ગયા છીએ. લોકો જંગલમાં પણ ઘોંઘાટિયું સંગીત સાંભળવાનાં સાધનો સાથે લઈને જાય છે. એમને વહેલી સવારે ખીણોમાંથી ઊઠતા ધુમ્મસ જોતા રહેવાથી મળતી માનસિક શાંતિમાં રસ પડતો નથી. કુદરતી સૌંદર્યથી છલોછલ સ્થળોમાં પણ આપણે હોટલ કે રિસોર્ટના રૂમમાં બેસીને ટીવીની ચૅનલો ફેરવ્યા કરીએ છીએ.

એક લેખકે લખ્યું છે : ‘જંગલો ક્યારેય નિષ્ક્રિય હોતાં નથી. એમાં અવિરતપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી જ રહે છે, છતાં જંગલો એમની અમર્યાદ પ્રવૃત્તિઓ વિશે ઘોંઘાટ કરતાં નથી. પ્રકૃતિના ધ્વનિઓ હંમેશાં શાંત અને લયબદ્ધ હોય છે.’ જીવનની તીવ્ર ગતિના ગેરલાભો વિશે ચિંતિત અને તેમાંથી માર્ગ બતાવતા વિચારકો કહે છે કે જિંદગી ક્યારે જુદાજુદા પ્રકારના કાદવથી લથપથ બની જાય છે તેની આપણને ખબર જ પડતી નથી. એ કીચડ આપણે જાતે જ ઊભો કર્યો હોય છે. માણસને કીચડ ગમતો નથી, પણ એ જાણ્યે-અજાણ્યે કીચડમાં જીવવા લાગે છે. એ કીચડ માણસના મનમાં જ જમા થતો હોય છે. અનેક પ્રકારના તનાવો, દરેક સ્થિતિ માટે ફરિયાદનો ભાવ, એમાંથી જન્મતી ચીઢ અને નફરતની લાગણી એટલી બધી પ્રબળ બની જાય છે કે તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જ મળતો નથી. બહાર નીકળવાના જેટલા પ્રયાસ કરો એટલા તેમાં ઊંડા ઊતરતા જવાય છે. પરંતુ મહાન વિચારક લાઓ-ત્સેએ કહ્યું છે તેમ, ‘જો તમે થંભી જશો તો કીચડથી દુષિત થયેલું પાણી પણ સ્વચ્છ થઈ જશે.’

થંભી જવું એટલે સદંતર અટકી જવું નહીં. એનો અર્થ છે જીવનની જીવલેણ ગતિમાંથી થોડો વિરામ અને પછી અનાવશ્યક, હંફાવી નાખે, થકવી નાખે, નિચોવી નાખે એવી અવિરત – આંધળી દોટમાંથી બહાર નીકળીને આપણી ચારે તરફ આવેલી કુદરતના સાહજિક લય સાથે આપણા જીવનનો લય જોડવાની તૈયારી. આપણે સમયને સાચા અર્થમાં ઓળખવો પડે – આપણે સમયના ગુલામ નથી, સમયને આપણો તાબેદાર બનાવવો જોઈએ.