- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ભય – વસુધા ઈનામદાર

[પ્રસ્તુત વાર્તા ‘અનુજા’ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લેખિકા વસુધાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +1 731-372-2774. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે. ]

રાતના દસેક વાગ્યા હતા. સીમાને સુવાડીને સુજાતા પાછી પોતાના બેડરૂમમાં આવી ત્યારે સાર્થક એની રાહ જ જોતો હતો. એણે સુજાતાને કહ્યું : ‘તું નકામી ચિંતા કરે છે. આપણે સીમાને સમજાવતા રહીશું કે ભાઈ બીમાર છે તેથી એને હૉસ્પિટલમાં રાખ્યો છે, ભાઈ સાજો થતાં જ એને ઘેર લઈ આવીશું, એ તો બાળક છે. થોડા સમયમાં બધું ભૂલી જશે… ચાલ તું સૂઈ જા.’

સુજાતા એકદમ ઢીલી થઈ ગઈ. રડમસ ચહેરે તે બોલી, ‘એમ નહીં, સાર્થક, બાળકના મન પર આવી બાબતોની ઊંડી અસર પડતી હોય છે. ક્યારેક હું ગુનેગાર હોઉં એમ મને લાગે છે.’ સાર્થક સુજાતાને આશ્વાસન આપતાં બોલ્યો, ‘સુજાતા, તું વ્યર્થ ચિંતા કર્યા કરે છે. બધું ઠીક થઈ જશે.’ સુજાતા ચૂપ થઈ ગઈ. તે ઊંઘવાનો પ્રયત્ન કરતી રહી. સીમા અને સમીરના વિચાર કરવામાં એની આંખ ક્યારે મળી ગઈ તેની તેને ખબર પણ ન પડી. ત્યાં અચાનક એને થયું કે ‘મમ્મી…. મમ્મી’ કહીને સીમા એને બોલાવે છે. ક્ષણેક તો તેને થયું કે પોતાને ભાસ થઈ રહ્યો છે, પણ સીમાના રૂમમાંથી આવતા અવાજથી સુજાતા અને સાર્થક એકદમ સીમાની રૂમ તરફ દોડ્યાં, જોયું તો સીમા પલંગ પર ઊંઘતી હતી અને ઊંઘમાંય એના હોઠ ફફડાવતી હતી.

સાર્થક અને સુજાતા થોડીક પળો માટે એમ ને એમ પોતાની વહાલસોઈ દીકરીની સામે જોઈ રહ્યાં, ત્યાં જ સીમા ફરી બબડી ઊઠી, ‘મમ્મી….. પ્લીઝ….પ્લીઝ…. મમ્મી મને હૉસ્પિટલમાં ના મૂકી જઈશ… મમ્મી…’
‘શું થયું મારી દીકરી ?’ તેણે સીમાને પથારીમાંથી લગભગ ઉપાડી લીધી. સુજાતાની પાછળ સાર્થક ઊભો હતો. તે શાંત સ્વરે બોલ્યો : ‘સુજાતા, જો એ ઊંઘમાં બબડી રહી છે.’ સીમા હજી બોલતી હતી, ‘મમ્મી પ્લીઝ… મમ્મી….’ સીમાની બાજુમાં બેસીને સાર્થક બોલ્યો, ‘બેટા સીમા, ઊઠ, જો, આમ જો, મારી સામે જો. પપ્પા અને મમ્મી બંને અહીંયાં જ છે.’ પિતાના પ્રેમાળ હસ્ત સ્પર્શે સીમા જાગી ગઈ. સાર્થકની સામે જોઈ તે પૂછી રહી હતી:
‘પપ્પા, તમે મને સમીરની જેમ હૉસ્પિટલમાં મૂકી નહીં આવો ને ? હું એની જેમ બીમાર નથી, ખરું ને પપ્પા ?’ સાર્થકના ખોળામાં માથું મૂકી સીમા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. સુજાતા જેટલા વેગથી સીમાના બેડરૂમમાં આવી હતી. તેના બમણા વેગે તે પાછી ફરી, એ નિઃસહાય બની આંસુ સારતી રહી.

વહેલી સવારનાં સોનેરી કિરણોએ અને પતિના પ્રેમાળ, મૃદુ સ્પર્શે સુજાતાને ઉઠાડી. તે સફાળી બેઠી થઈ ને તેણે સાર્થકને પૂછ્યું, ‘સીમા ક્યાં ? તે ઊઠી ? એને સ્કૂલે જવાનું…..’
સાર્થક હસીને બોલ્યો : ‘શાંત થા, સીમા મજામાં છે. એ તો ક્યારનીય દૂધ-નાસ્તો કરી સ્કૂલે ગઈ. જતાં જતાં તને કહીને તો નીકળી હતી.’
સુજાતા ધીમું હસીને બોલી, ‘સીમાએ કહ્યું હશે, પણ ઊંઘમાં મેં જ નહીં સાંભળ્યું હોય.’ સાર્થકે એનો હાથ પકડીને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, ‘ચાલ સુજાતા. તું તૈયાર થઈ જા, ચા તૈયાર છે. મારે સીમા સાથે થોડીક વાતો થઈ છે, પણ તું એને નિરાંતે સમજાવજે. અને તું જ એને સ્કૂલે લેવા જજે.’ એમ કહી સાર્થક નીકળી ગયો.

સાર્થક અને સુજાતાનું લગ્નજીવન બારેક વર્ષથી અત્યંત સુખ અને સંતોષથી વહ્યું જતું હતું. બંને જણાંને એકબીજાં માટે ખૂબ જ પ્રેમ હતો. ક્યારેક એમના મિત્રો મજાકમાં કહેતા, ‘તમારું દામ્પત્યજીવન જોઈને અમને ઈર્ષા થાય છે.’ બંને જણાં મૃદુ હાસ્ય કરીને પરસ્પર સામે આંગળી ચીંધીને કહેતાં, ‘એનો યશ સાર્થકને ફાળે જાય છે.’ તો સાર્થક હસીને કહેતો, ‘ના, એનો યશ સુજાતાને ફાળે જાય છે !’ એ દિવસો જાણે એમના માટે હવે દુર્લભ બની ગયા હતા. સમીરની બીમારી પછી એમના જીવનમાંથી જાણે હાસ્ય લુપ્ત થઈ ગયું.

આઠ વર્ષની સીમા હવે બધું સમજતી થઈ હતી. જ્યારે સમીરનો જન્મ થવાનો હતો ત્યારે સીમા ચાર વર્ષનીએ હતી. એ સમયે સુજાતા એને હસીને પૂછતી, ‘સીમા, તારે ભાઈ જોઈએ કે બહેન ?’ બદલામાં સીમાએ માને વળગીને કહ્યું હતું, ‘મમ્મી, બાજુવાળી રૂપલને જેવો ભાઈ છે ને, એવો જ ભાઈ મારે પણ જોઈએ છે.’ ને પછી તો બેચાર દિવસે એકાદવાર તો સીમા સુજાતાને પૂછતી, ‘મમ્મી, તું ભાઈ લેવા ક્યારે જઈશ ?’ એક દિવસ સુજાતા સીમા માટે ભાઈ લઈને આવી. સીમા હવે રૂપલને ત્યાં ભાગ્યે જ જતી. તે સહુને કહેતી, ‘રૂપલના ભાઈ કરતાં મારો ભાઈ તો ખૂ….બ રૂપાળો છે.’ ક્યારેક તો તે બાળમંદિરમાં ન જવા માટે અનેક બહાનાં કાઢતી. આખો દિવસ ભાઈની પાસે બેસી રહેતી. સુજાતા ગમ્મતમાં કહેતી, ‘સીમા, તારા ભાઈને કોઈ લઈ નહીં જાય. જો તું સ્કૂલે નહીં જાય ને એની પાસે જ બેસી રહીશ તો એ બોલતાં-ચાલતાં નહીં શીખે, હં કે !’
સીમા સુજાતાને કહેતી, ‘મમ્મી, તું ખોટું બોલે છે. જો….જો તો ખરી, ભાઈ પગ હલાવે છે….એ જો….. મારી સામે જુએ છે ને કેવું હસે છે.’ તે ભાઈને વળગીને કહેતી… ‘ભાઈ મારો રૂપાલો…. ભાઈ મારો ડાહ્યો ને પાતલે બેસી નાહ્યો…..’ સમીરને રમાડતાં તે ધરાતી નહીં. એ કહેતી, ‘મમ્મી, એ મને દીદી કહીને બોલાવશે, ખરું ને ?’

એક દિવસ સમીરને અચાનક તાવ ચઢવા માંડ્યો. ડૉક્ટરે દવા અને ઈંજેકશનો આપ્યાં, પણ તાવ ઊતરતો નહોતો. સમીરને આંચકીઓ આવવા માંડી. ડૉક્ટરે અનેક જાતના ટેસ્ટ લેવડાવ્યા. એક્સ-રે લીધા. સમીરના હાથ-પગ હાલતા બંધ થવા લાગ્યા. જાણે એના સમગ્ર શરીરે ચેતના ગુમાવી દીધી. ટેસ્ટનાં પરિણામો વાંચીને ડૉક્ટરે ગંભીર અવાજમાં કહ્યું હતું, ‘જુઓ મિસ્ટર પંડ્યા, અમારાથી શક્ય એટલું અમે કરી ચૂક્યા. તમારા દીકરાને હાઈડ્રોસફેલસ નામનું દર્દ છે.’ સુજાતા અને સાર્થક કશું સમજ્યાં નહીં. ડૉક્ટરની સામે એકીટશે જોઈ જ રહ્યાં. ડૉક્ટર તેમને સમજાવતાં બોલ્યાં :
‘આ દર્દમાં દર્દીના મગજમાં પાણી ભરાય ને માથું મોટું થતું જાય. જો વહેલી તકે સારવાર કરવામાં આવે તો આ દર્દને અટકાવી શકાય, પણ તમારા બાબાના કેસમાં આપણે મોડા પડ્યા છીએ. હવે અંતિમ ઉપાયમાં ઑપરેશન દ્વારા તે રોગને વધતો અટકાવી શકાય. મગજ ઉપર એની અસર થઈ છે. તેના લીધે જે નુકશાન થયું છે એ તો…..’ ડૉક્ટરનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ સુજાતાએ ભાન ગુમાવ્યું. સુજાતા ભાનમાં આવી ત્યારે સાર્થક બાજુમાં જ બેઠો હતો. તેણે સુજાતાનો હાથ, હાથમાં લઈને સમજાવટના સૂરમાં કહ્યું, ‘જો સુજાતા, આપણે સમીરનું ઑપરેશન કરાવીએ છીએ. તારે પણ આ પેપર્સ ઉપર સહીઓ કરવી પડશે.’ સુજાતાએ યંત્રવત બે-ત્રણ સહીઓ કરી. એ પેપર્સ હાથમાં લેતાં સાર્થક ગળગળા સાદે બોલ્યો, ‘સુજાતા, એમ સમજને…. આપણે આપણા સમીરને હંમેશ માટે ગુમાવ્યો છે.’ એના સ્વસ્થ પણ ગંભીર ચહેરા ઉપરથી આંસુઓ જાણે ડરતાં ડરતાં સરી પડ્યાં !

સુજાતા વ્યાકુળ થઈને સાર્થકના બંને હાથ પકડીને વિનંતીના સૂરમાં બોલતી હોય એમ કહેવા લાગી, ‘પ્લીઝ મને કહો કે આ વાત ખોટી છે….’ ને તે રડવા લાગી. સાર્થક ચૂપચાપ ઊભો હતો. કોઈ મોટો પર્વત એના ઉપર તૂટી પડ્યો હોય એમ તેને લાગ્યું. તેનો કંઠ રૂંધાયો. જિંદગીમાં પ્રથમવાર તેને કોઈકના સહારાની જરૂર જણાઈ. પણ સુજાતાની સામે જોતાં જ તે પોતાનાં બધાં જ દુઃખો ભૂલી ગયો ને બોલ્યો, ‘હિંમત રાખ, સુજાતા, બધું જ ઠીક થઈ જશે…. હું છું ને !’ ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી સુજાતા અને સીમા હૉસ્પિટલના આંટાફેરા કરતાં રહ્યાં. મહિનાઓની સારવાર બાદ સમીરને ઘેર લાવવામાં આવ્યો. સીમા હવે ‘નાની સુજાતા’ બની ગઈ હતી. સમીર દોઢેક વર્ષનો થયો. સીમા તેને વહાલપૂર્વક ઊંચકીને ખોળામાં બેસાડતી. કોઈ કાંઈ કહે અથવા પૂછે તે પહેલાં તે બોલી ઊઠતી, ‘ભલે રહ્યો મારા ખોળામાં, મારા પગ નથી દુખતા હં…..’ ભાઈને પાવડર લગાડવો, ભાઈ ભીનો થયો કે ભૂખ્યો થયો એની બધી જવાબદારી તેણે સહજ રીતે ઉપાડી લીધી હતી. સીમાએ એક દિવસ મમ્મીને કહ્યું :
‘મમ્મી, તેં પેલા દિવસે સાચું કહ્યું હતું ને કે હું ભાઈ જોડે બેસી રહીશ તો ભાઈ બોલશે-ચાલશે નહીં. તને ખબર છે ? રૂપલનો ભાઈ તો બોલે છે, ચાલે છે ને રૂપલને સ્કૂલે જતી વખતે ટા…ટા… પણ કહે છે. મારો ભાઈ મને ક્યારે ટા…ટા… કહેશે ? તું કહીશ તો હું એની પાસે બહુ વાર નહીં બેસું.’ એટલું કહેતાં કહેતાં તો સીમાની આંખો ભરાઈ આવી. સુજાતાએ સીમાને વહાલ કરીને કહ્યું : ‘સીમા, જો, સમીર માંદો છે ને ! એ સાજો થશે પછી બોલશે અને ચાલશે. હં…. અને તને ટા…ટા…. પણ કહેશે !’ સીમાને માની વાત ઉપર શ્રદ્ધા હતી, તે આનંદથી તાળી પાડીને બોલી, ‘મમ્મી, પેલા ટી.વી.ના રામાયણમાંના રામની જેમ સમીર પણ બોલશે….ચાલશે ને નાચશેય ખરું ને…. મમ્મી….’ સુજાતા ચૂપ હતી. સીમા ક્યાંકથી ગીત શીખી લાવી હતી. તે પ્રસન્ન થઈને ગાવા લાગી:

‘આજ મારો ભઈલો નાચ્યો નથી ભાઈ
નાચ્યો નથી…..
પગની ઘૂઘરી વાગી નથી ભાઈ
વાગી નથી…..’

ગીતની પંક્તિઓ સાંભળીને સુજાતાની આંખો છલકાઈ. સમીર માત્ર શ્વસતો એક નાનકડો દેહ હતો. જેને સમયસર નવડાવતા, સમય પ્રમાણે બાળોતિયું બદલતા અને એ જ રીતે સમયસર દિવસમાં ચાર વાર ટ્યુબ ફીડિંગ કરતા. સીમા હવે સમજણી થઈ હતી. એને ખ્યાલ હતો કે એનો ભાઈ બીમાર છે. ક્યારેય એ એને ટા…ટા.. નથી કહેવાનો. રક્ષાબંધનના દિવસે ‘મને નાની નહીં, પણ મોટી રાખડી બાંધ’ એવી જીદ નથી કરવાનો. સીમાનું નાનકડું મન એ વિચારોથી મૂંઝાતું. તે ક્યારેક મમ્મીને પૂછતી, ‘મમ્મી, તું દવાખાનેથી આવો ભાઈ કેમ લાવી ?’ પણ પછી બધું ભૂલી જઈને ‘દીદી’ બની જતી અને ભાઈની સેવા અત્યંત વત્સલતાથી કરતી.

સુજાતા ફરી મા બનવાની હતી. તેની નાજુક તબિયત જોઈ ડૉક્ટરે કહ્યું હતું, ‘સુજાતા, આ પરિસ્થિતિમાં સમીરને ઘરે રાખીને સાચવવો સલાહભર્યું નથી. તમારે એને કોઈ એવી હૉસ્પિટલમાં દાખલ કરવો જોઈએ, જ્યાં એની સારસંભાળની ચિંતા તમારે કરવી ન પડે.’ લાંબા વિચાર પછી સાર્થક અને સુજાતાએ સમીરને અપંગ બાળકોની હૉસ્પિટલમાં મૂકવાનો નિર્ણય લીધો.

સુજાતાને એ દિવસ યાદ હતો. તે દિવસે સીમા સ્કૂલમાંથી આવીને આદત પ્રમાણે સીધી સમીર પાસે ગઈ હતી. ભાઈને ઘરમાં ન જોઈને તેણે મમ્મીને પૂછ્યું હતું, ‘મમ્મી….. ઓ…. મમ્મી…. ભાઈ ક્યાં છે ?’ સુજાતાએ સીમાના સવાલનો જવાબ ટાળવા માટે કહ્યું :
‘જો બેટા સીમા, આપણે બીજો ભાઈ લાવવો છે ને ?’ તેણે સીમાને પોતાની નજદીક લઈને કહ્યું, ‘સીમા, સાંભળ, હું પાછી દવાખાને જવાની છું. તારા માટે સરસ રૂપાળો બીજો ભાઈ લઈ આવવાની છું.’ સુજાતાની પકડમાંથી સીમા ઝટ દઈને નીકળી ગઈ. તે ગુસ્સામાં બોલી, ‘મારે બીજો ભાઈ નથી જોઈતો. મારે તો હવે બહેન જ જોઈએ. ભાઈ આવશે તો ફરી સમીરની જેમ માંદો પડશે ને, તમે એને દવાખાને કાયમનો મૂકી આવો તો…..’ સુજાતા વધારે ન સાંભળી શકી. તેના શરીરમાંથી જાણે વીજળીનો કરંટ પસાર થઈ ગયો. નાનકડી સીમાની આગાહીથી સુજાતા ભયભીત બની ગઈ. તેણે સીમાના ગાલ ઉપર બે-ત્રણ તમાચા ચોડી દીધા. સીમા રડતી રડતી પોતાની રૂમમાં જતી રહી. સાંજે સાર્થકને આ બધું કહેતાં કહેતાં સુજાતા રડી પડી હતી.

ઘડિયાળમાં ચારના ટકોરા પડ્યા. સુજાતા સીમાને સ્કૂલે લેવા ગઈ. કરમાઈ ગયેલા ફૂલની જેમ સીમા હજીય મ્લાન હતી. તે મમ્મીનો હાથ પકડીને ઘરમાં આવી. તેણે મમ્મીને સોફા પર બેસાડી અને પછી પૂછ્યું :
‘મમ્મી, એક વાત પૂછું ?’
‘હા સીમા. શું વાત છે ?’
‘તું ગુસ્સો તો નહીં કરે ને ?’
સુજાતા બોલી : ‘ના, નહીં કરું.’
સીમા ડરતાં ડરતાં બોલી, ‘મમ્મી, હું સમીર ભઈલાની જેમ બીમાર પડું તો તું મને પણ દવાખાને મૂકી આવીશ ?’ સુજાતા સોફા પર જડવત બેસી રહી. સીમા પરથી નજર હટાવીને તે છતની સામે જોઈ રહી, જાણે શૂન્યને તાકતી રહી…..!

[કુલ પાન : 118. કિંમત રૂ. 65. પ્રાપ્તિ સ્થાન: આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ–380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com]